નમસ્કાર!
આપણે હમણાં જ જેમનાં ઊંડા જ્ઞાનસભર મંતવ્યો સાંભળ્યા એ: યુએનઈપીનાં ગ્લોબલ હેડ મહામહિમ ઈન્ગર એન્ડરસન, UNDP ગ્લોબલ હેડ મહામહિમ અચીમ સ્ટેઈનર, મારા મિત્ર અને વર્લ્ડ બૅન્કના પ્રેસિડેન્ટ શ્રી ડેવિડ માલપાસ, લોર્ડ નિકોલસ સ્ટર્ન, શ્રી કાસ સનસ્ટીન, મારા મિત્ર શ્રી બિલ ગેટ્સ, શ્રી અનિલ દાસગુપ્તા, ભારતના પર્યાવરણ મંત્રી, શ્રી ભૂપેન્દર યાદવ,
તેમનાં મંતવ્યો બદલ હું તેમનો આભાર માનું છું.
સન્નારીઓ અને સદગૃહસ્થો,
પ્રિય મિત્રો,
નમસ્તે.
આજનો પ્રસંગ અને પ્રસંગની તારીખ, બંને ખૂબ જ સુસંગત-પ્રસ્તુત છે. આપણે લાઇફ- પર્યાવરણ ચળવળ માટે જીવનશૈલી શરૂ કરીએ છીએ. આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાનનું સૂત્ર છે- ''ફક્ત એક પૃથ્વી''. અને ફોકસ એરિયા છે- ''કુદરત સાથે સુમેળ સાધીને ટકાઉ રીતે જીવવું''. ગંભીરતા અને ઉકેલ આ શબ્દસમૂહોમાં સુંદર રીતે આવરી લેવામાં આવ્યા છે.
સાથીઓ,
આપણી ધરતીના પડકારો આપણા બધા માટે જાણીતા છે. સમયની જરૂરિયાત માનવ-કેન્દ્રિત, સામૂહિક પ્રયાસો અને મજબૂત ક્રિયાઓ છે જે ટકાઉ વિકાસને આગળ ધપાવે. ગ્લાસગોમાં ગયા વર્ષે COP-26 સમિટમાં, મેં મિશન લાઇફ-લાઇફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ માટે પ્રસ્તાવ મૂક્યો. આવાં મિશન માટેના પ્રયત્નોને સમગ્ર વિશ્વમાંથી ટેકો મળ્યો. મને આનંદ છે કે લાઇફ મૂવમેન્ટનો આ ઠરાવ આજે સાકાર થઈ રહ્યો છે. આવા રેકોર્ડ સપોર્ટ માટે મારી કૃતજ્ઞતા. નામ સૂચવે છે તેમ, મિશન લાઇફ એક સારા ગ્રહ માટે આપણે જે પણ કરી શકીએ તે કરવા માટે વ્યક્તિગત અને સામૂહિક ફરજ આપણા બધા પર મૂકે છે. લાઇફની દ્રષ્ટિ એવી જીવનશૈલી જીવવાની છે જે આપણા ગ્રહ સાથે સુસંગત હોય અને તેને નુકસાન ન પહોંચાડે. અને જેઓ આવી જીવનશૈલી જીવે છે તેમને ''પ્રો-પ્લેનેટ પીપલ'' કહેવાય છે. મિશન LiFE ભૂતકાળમાંથી ઉછીનું લે છે, વર્તમાનમાં કાર્ય કરે છે અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
સાથીઓ,
પૃથ્વીનાં લાંબાં આયુષ્ય પાછળનું રહસ્ય એ આપણા પૂર્વજોએ પ્રકૃતિ સાથે જાળવી રાખેલી સંવાદિતા છે. જ્યારે પરંપરાની વાત આવે છે, ત્યારે વિશ્વના લગભગ તમામ ભાગોમાં એવી પરંપરાઓ છે જે પર્યાવરણીય સમસ્યાઓનો સરળ અને ટકાઉ ઉકેલ દર્શાવે છે.
ઘાનામાં, પરંપરાગત ધોરણોએ કાચબાનાં સંરક્ષણમાં મદદ કરી છે. તાન્ઝાનિયાના સેરેનગેટી પ્રદેશમાં, હાથી અને બુશ બક્સ( હરણ) પવિત્ર છે.
આમ, તેઓને ગેરકાયદેસર શિકારથી ઓછું નુકસાન થયું છે. ઈથોપિયામાં ઓકપાઘા અને ઓગ્રીકી વૃક્ષો ખાસ છે. જાપાનમાં ફુરોશિકી છે જે પ્લાસ્ટિકનો ટકાઉ વિકલ્પ બની શકે છે. સ્વીડનની લેગોમ ફિલસૂફી સંતુલિત જીવનને પ્રોત્સાહન આપે છે.
આપણે ભારતમાં પ્રકૃતિને દેવત્વ સાથે સરખાવી છે. આપણા દેવી-દેવતાઓની સાથે છોડ અને પ્રાણીઓ જોડાયેલાં છે. મેં ફક્ત થોડાં ઉદાહરણો આપ્યાં છે. આવી બીજી ઘણી પ્રથાઓ છે. રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ એ આપણા જીવનમાં વણાયેલા ખ્યાલો છે. ચક્રીય અર્થવ્યવસ્થા એ આપણી સંસ્કૃતિ અને જીવનશૈલીનો અભિન્ન ભાગ રહી છે.
સાથીઓ,
આપણા 1.3 અબજ ભારતીયોનો આભાર, આપણે આપણા દેશમાં પર્યાવરણ માટે ઘણી સારી બાબતો કરી શક્યા છીએ. આપણું વન આવરણ વધી રહ્યું છે અને તેથી સિંહ, વાઘ, દીપડા, હાથી અને ગેંડાની વસ્તી પણ વધી રહી છે. બિન-અશ્મિભૂત-ઇંધણ આધારિત સ્ત્રોતોમાંથી સ્થાપિત ઇલેક્ટ્રિક ક્ષમતાના 40% સુધી પહોંચવાની અમારી પ્રતિબદ્ધતા નિર્ધારિત કરતાં 9 વર્ષ આગળ, હાંસલ કરવામાં આવી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં લગભગ 370 મિલિયન LED બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે. આનાથી દર વર્ષે લગભગ 50 બિલિયન યુનિટ્સ વીજળીની ઊર્જા બચત થઈ છે. તેણે દર વર્ષે લગભગ 40 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડનો ઘટાડો પણ સુનિશ્ચિત કર્યો છે. અમે નવેમ્બર 2022ના લક્ષ્યાંક કરતાં 5 મહિના આગળ પેટ્રોલમાં 10% ઇથેનોલ મિશ્રણ હાંસલ કર્યું છે.
2013-14માં સંમિશ્રણ ભાગ્યે જ 1.5% અને 2019-20માં 5% હતું તે જોતાં આ એક મોટી સિદ્ધિ છે. આનાથી ભારતની ઊર્જા સુરક્ષામાં વધારો થયો છે, 5.5 અબજ ડોલરથી વધુની ક્રૂડ ઓઈલની આયાતમાં ઘટાડો થયો છે. તેણે કાર્બન ડાયોક્સાઇડનાં ઉત્સર્જનમાં પણ 2.7 મિલિયન ટનનો ઘટાડો કર્યો છે. અને તેનાથી ખેડૂતોની આવકમાં લગભગ 5.5 બિલિયન ડોલરનો વધારો થયો છે. પુનઃપ્રાપ્ય ઊર્જા વ્યાપકપણે લોકપ્રિય બની રહી છે અને અમારી સરકાર આ ક્ષેત્રના વિકાસ પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
સાથીઓ,
આગળનો માર્ગ નવીનતા અને નિખાલસતા વિશે છે. દરેક સ્તરે, ચાલો આપણે ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતા સંશોધનકારોને પ્રોત્સાહિત કરીએ. આ હાંસલ કરવા માટે ટેક્નોલોજી એક મહાન સહાયક બની શકે છે. જ્યારે પરંપરા અને ટેક્નોલોજીનો મેળ થશે, ત્યારે LiFEનું વિઝન વધુ આગળ ધપાવાશે. હું ખાસ કરીને શૈક્ષણિક જગત, સંશોધકો અને અમારાં ગતિશીલ સ્ટાર્ટ-અપ્સને આ વિશે વિચારવા વિનંતી કરું છું. આ નિર્ણાયક સમયે વિશ્વને તેમની યુવા ઊર્જાની જરૂર છે. આપણે આપણી શ્રેષ્ઠ પ્રથાઓ અન્ય લોકો સાથે શેર કરવા અને અન્યની સફળ પ્રથાઓમાંથી શીખવા માટે પણ ખુલ્લા હોવા જોઈએ.
મહાત્મા ગાંધીએ ઝીરો-કાર્બન જીવનશૈલી વિશે વાત કરી હતી. આપણાં રોજિંદાં જીવનની પસંદગીઓમાં, ચાલો આપણે સૌથી વધુ ટકાઉ વિકલ્પો પસંદ કરીએ. ચાલો રિ-યુઝ, રિડ્યુસ અને રિસાઇકલના સિદ્ધાંતને અનુસરીએ. આપણો ગ્રહ એક છે પણ આપણા પ્રયત્નો ઘણા હોવા જોઈએ. એક પૃથ્વી, ઘણા પ્રયત્નો.
સાથીઓ,
ભારત બહેતર પર્યાવરણ અને વૈશ્વિક સુખાકારી માટે કોઈપણ પ્રયાસને સમર્થન આપવા તૈયાર છે. અમારો ટ્રેક રેકોર્ડ પોતે જ બોલે છે. યોગને વધુ લોકપ્રિય બનાવવામાં આગેવાની લેવા બદલ અમને ગર્વ છે. ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ, વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડ પર ફોકસ, ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગઠબંધન જેવી પહેલ મુખ્ય યોગદાન આપી રહી છે. અમને ખુશી છે કે વિશ્વ આ પ્રયાસોને સમર્થન આપી રહ્યું છે. મને ખાતરી છે કે, લાઇફ ચળવળ આપણને વધુ એક કરશે, અને આવનારી પેઢીઓ માટે સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરશે. હું ફરી એકવાર વિશ્વને આ પ્રવાસનો હિસ્સો બનવા આમંત્રણ આપું છું. ચાલો સાથે મળીને આપણા ગ્રહને બહેતર બનાવીએ. ચાલો સાથે મળીને કામ કરીએ. આ એક્શનનો સમય છે. એક્શન ફોર લાઇફ, પર્યાવરણ માટે જીવનશૈલી માટે એક્શન.
આપ સૌનો આભાર.
આપ સૌનો ખૂબ ખૂબ આભાર.