નમસ્તે,
આજે તમારા બધાની સાથે વાત કરીને બહુ સંતોષ થઈ રહ્યો છે. સંતોષ એ વાતનો છે કે દિલ્હીથી અન્નનો જે એક એક દાણો મોકલવામાં આવ્યો, તે દરેક લાભાર્થીની થાળી સુધી પહોંચી રહ્યો છે. સંતોષ એ વાતનો કે પહેલાંની સરકારોના સમયમાં ઉત્તર પ્રદેશમાં ગરીબના અનાજની જે લૂંટ ચાલતી હતી તેના માટે હવે તે રસ્તો નથી બચ્યો. યુપીમાં જે રીતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને લાગુ કરવામાં આવી રહી છે, તે નવા ઉત્તર પ્રદેશની ઓળખને વધારે મજબૂત કરે છે. મને તમારી સાથે વાત કરીને બહુ સારું લાગ્યું અને જે હિંમત સાથે તમે કહી રહ્યા હતા, જે વિશ્વાસ સાથે બોલી રહ્યા હતા. અને સચ્ચાઈ, તમારા દરેક શબ્દમાં સચ્ચાઈ નીકળતી હતી. તેનાથી મને એટલો સંતોષ મળ્યો. તમારા લોકો માટે કામ કરવા માટે મારો ઉત્સાહ આજે વધી ગયો છે. ચાલો, તમારી સાથે વાત કરીને તો જેટલી વાતો કરીએ એટલી ઓછી પડી જશે. ચાલો હવે કાર્યક્રમ તરફ જઈએ.
આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી પણ છે, કર્મયોગી પણ છે. એવા આપણાં યોગી આદિત્યનાથજી, યુપી સરકારના આપણાં તમામ મંત્રીગણ, સંસદમાં મારા તમામ સહયોગી, સૌ વિધાનસભા સાંસદો, મેયર, જિલ્લા પંચાયત અધ્યક્ષ અને વિશાળ સંખ્યામાં ઉત્તર પ્રદેશના ખૂણે ખૂણેથી આજે એકત્રિત થયેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો, ઓગસ્ટનો આ મહિનો ભારતના ઇતિહાસમાં તેની શરૂઆત જ જુઓ, એક પ્રકારે સિદ્ધિઓ લઈને આવી છે. એવું લાગી રહ્યું છે કે ભારતના વિજયની શરૂઆત થઈ ચૂકી છે. તેમાં પણ આજની આ 5 ઓગસ્ટની તારીખ ખૂબ વિશેષ બની ગઈ છે. ઘણી મહત્વપૂર્ણ બની ગઈ છે. ઇતિહાસ તેને વર્ષો સુધી નોંધી રાખશે. આ 5 ઓગસ્ટ જ છે જ્યારે 2 વર્ષ પહેલા દેશે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને વધારે સશક્ત કરી હતી. લગભગ લગભગ સાત દાયકા પછી બે વર્ષ પહેલા 5 ઓગસ્ટના રોજ જ કલમ 370 નાબૂદ કરીને જમ્મુ કશ્મીરના દરેક નાગરિકને દરેક અધિકાર, દરેક સુવિધા માટેના પૂર્ણ ભાગીદાર બનાવવામાં આવ્યા હતા. આ જ 5 ઓગસ્ટ છે જ્યારે ગયા વર્ષે કોટિ કોટિ ભારતીયોએ સેંકડો વર્ષો પછી ભવ્ય રામ મંદિરના નિર્માણ તરફ પહેલું પગલું ભર્યું હતું. આજે અયોધ્યામાં તીવ્ર ગતિએ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. અને આજે 5 ઓગસ્ટની તારીખ, ફરી એકવાર આપણાં સૌ માટે, ઉત્સાહ અને ઉમંગ લઈને આવી છે. આજે જ ઓલિમ્પિકના મેદાન પર દેશના યુવાનોએ હોકીના આપણાં ગૌરવને ફરીથી સ્થાપિત કરવાની દિશામાં મોટી છલાંગ લગાવી છે. આશરે 4 દાયકા પછી આ સ્વર્ણિમ ક્ષણ આવી છે. જે હૉકી આપણી રાષ્ટ્રીય ઓળખ રહી છે. આજે આપણાં યુવાનોએ તે ગૌરવને પુનઃ પ્રાપ્ત કરવાની દિશામાં બહુ મોટી ભેટ દેશને આપી છે. અને આ પણ સંયોગ છે કે આજે જ યુપીના 15 કરોડ લોકો માટે આટલું પુણ્ય આયોજન થઈ રહ્યું છે. મારા ગરીબ પરિવારના ભાઈઓ અને બહેનોને, 80 કરોડ કરતાં વધુ લોકોને, અનાજ તો લગભગ લગભગ એક વર્ષથી વધુ સમયથી વિનામૂલ્યે મળી જ રહ્યું છે, પરંતુ મને તેમાં ભાગ લઈને આ પુણ્ય કાર્યક્રમમાં આવીને આપ સૌના દર્શન કરવાનો આજે મને અવસર મળ્યો છે.
ભાઈઓ અને બહેનો,
એક બાજુ આપણો દેશ, આપણાં યુવાનો, ભારતની માટે નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છે, જીતનો ગોલ ઉપર ગોલ કરી રહ્યા છે, તો ત્યાં જ દેશમાં કેટલાક લોકો એવા પણ છે જેઓ રાજનીતિ સ્વાર્થમાં ડૂબીને એવી વસ્તુઓ કરી રહ્યા છે. લાગે છે જાણે સેલ્ફ ગોલ કરવામાં લાગેલા છે. દેશ શું ઈચ્છે છે, દેશ શું પ્રાપ્ત કરી રહ્યો છે, દેશ કઈ રીતે બદલાઈ રહ્યો છે તેનાથી તેમને કઈં લાગે વળગતું નથી. આ લોકો પોતાના સ્વાર્થ માટે દેશનો સમય અને દેશની ભાવના, બંનેને નુકસાન પહોંચાડવામાં લાગેલા છે. ભારતની સંસદનું, જનભાવનાઓની અભિવ્યક્તિના પાવન સ્થાનનું, આ લોકો પોતાના રાજનૈતિક સ્વાર્થના કારણે સતત અપમાન કરી રહ્યા છે. આજે આખો દેશ, માનવતા ઉપર આવેલ સૌથી સંકટમાંથી બહાર આવવા માટે તન મનથી દેશનો દરેક નાગરિક લાગેલો છે. પ્રયાસ કરી રહ્યો છે. અને આ લોકો, કઈ રીતે દેશહિતના કામને રોકી શકાય, તેની સ્પર્ધામાં લાગેલા છે. આ હોડમાં ઉતરેલા છે. પરંતુ સાથીઓ, આ મહાન દેશ, આ દેશની મહાન જનતા આવી સ્વાર્થ અને દેશહિત વિરોધી રાજનીતિની બંધક નહિ બની શકે. આ લોકો દેશને, દેશના વિકાસને રોકવા માટે ગમે તેટલા પ્રયાસો કરી લે, આ દેશ તેનાથી રોકાવાનો નથી. તેઓ સંસદને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ 130 કરોડની જનતા દેશને ના રોકવા દેવામાં લાગેલી છે. દરેક મુશ્કેલીને પડકાર ફેંકતા દેશ દરેક મોરચા પર ઝડપથી આગળ વધી રહ્યો છે. માત્ર વિતેલા કેટલાક અઠવાડિયાના કીર્તિમાનો જ જોઈએ અને જરા જોઈએ કે જ્યારે દેશ નવા કીર્તિમાનો સ્થાપિત કરી રહ્યો હતો. અને કેટલાક લોકો દિલ્હીમાં સંસદને રોકવામાં લાગેલા હતા. કેટલાક જ અઠવાડિયાઓમાં જે આપણે કીર્તિમાનો જોઈએ તો ભારતીયોના સામર્થ્ય અને સફળતા ચારે બાજુ જોવા મળી રહી છે. ઓલિમ્પિકમાં અભૂતપૂર્વ પ્રદર્શનને આખો દેશ ઉત્સાહપૂર્વક જોઈ રહ્યો છે. ભારત રસીકરણની બાબતમાં પણ 50 કરોડના પડાવના એકદમ દરવાજા ઉપર આવીને ઊભો રહી ગયો છે. જોત જોતામાં તેને પણ પાર કરી જશે. આ કોરોના કાલખંડમાં પણ ભારતીયોના ઉદ્યોગો નવા સીમાચિહ્નો સ્થાપિત કરી રહ્યા છે. જુલાઈમાં જીએસટીનો સંગ્રહ હોય કે પછી આપણી નિકાસ હોય, તેઓ નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યા છે. જુલાઈમાં 1 લાખ 16 હજાર કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થવું એ જણાવે છે કે અર્થવ્યવસ્થા ગતિ પકડી રહી છે. ત્યાં બીજી બાજુ આઝાદી પછી પહેલી વાર કોઈ એક મહિનામાં ભારતનો નિકાસ અઢી લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થઈ ગયો છે. અઢી લાખ કરોડ રૂપિયાથી પાર થવું એ આઝાદી પછી પહેલી વાર આ મહિનામાં થયું છે. કૃષિ નિકાસમાં આપણે દાયકાઓ પછી દુનિયાના ટોચના 10 દેશોમાં સામેલ થયા છીએ. ભારતને કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ દાયકાઓ પછી ટોચના 10 ક્રમાંકમાં આપણું નામ આવ્યું છે. ભારતનું ગૌરવ, દેશનું પહેલું મેઇડ ઇન ઈન્ડિયા વિમાન વાહક જહાજ વિક્રાંત સમુદ્રમાં પોતાની ટ્રાયલ શરૂ કરી ચૂક્યું છે. દરેક પડકારને પડકાર ફેંકતા ભારતે લદ્દાખમાં દુનિયાની સૌથી ઊંચા મોટરેબલ માર્ગના નિર્માણનું કાર્ય પૂરું કર્યું છે. હમણાં તાજેતરમાં જ ભારતે ઇ-રૂપી લોન્ચ કર્યો છે કે જે આવનાર સમયમાં ડિજિટલ ઈન્ડિયાને મજબૂતી આપશે અને કલ્યાણ યોજનાને એકદમ લક્ષ્યાંકિત રાખશે અને ઉદ્દેશ્યને હાંસલ કરશે.
સાથીઓ,
જે લોકો માત્ર પોતાના પદ માટે પરેશાન છે, તેઓ હવે ભારતને રોકી નહિ શકે. નવું ભારત, પદ નહિ પદક જીતીને દુનિયામાં છવાઈ રહ્યું છે. નવા ભારતમાં આગળ વધવાનો માર્ગ પરિવાર નહિ પરંતુ પરિશ્રમ દ્વારા નક્કી થશે. અને એટલા માટે આજે ભારતનો યુવાન કહી રહ્યો છે – ભારત ચાલી નીકળ્યું છે, ભારતનો યુવાન ચાલી નીકળ્યો છે.
સાથીઓ,
આ શૃંખલામાં યોગીજી અને તેમની સરકારે જે આજનો આ કાર્યક્રમ રાખ્યો છે તે વધારે મહત્વપૂર્ણ બની જાય છે. આ મુશ્કેલ સમયમાં એક પણ ગરીબ એવો ના હોય જેના ઘરમાં કરિયાણું ના હોય, એ બાબતની ખાતરી કરવી ખૂબ જ જરૂરી છે.
સાથીઓ,
સો વર્ષનું આ સૌથી મોટું સંકટ માત્ર મહામારીનું જ નથી. પરંતુ તેણે અનેક મોરચાઓ ઉપર દેશ અને દુનિયાની અબજોની વસતિને, સંપૂર્ણ માનવજાતને પોતાની હડફેટમાં લઈ લીધી છે. અને તે એક સૌથી મોટો પડકાર ઊભો કરી રહ્યો છે. ભૂતકાળમાં આપણે અનુભવ કર્યો છે કે જ્યારે દેશની ઉપર પહેલા આ પ્રકારનું મોટું સંકટ આવતું હતું તો દેશની તમામ વ્યવસ્થાઓ ખરાબ રીતે ભાંગી પડતી હતી, હલી જતી જતી હતી. લોકોનો વિશ્વાસ પણ ડગમગી જતો હતો. પરંતુ આજે ભારત, ભારતનો પ્રત્યેક નાગરિક સંપૂર્ણ તાકાત સાથે આ મહામારીનો સામનો કરી રહ્યો છે. મેડિકલ સુવિધાઓ સાથે જોડાયેલ ઇન્ફ્રાસ્ટ્રકચર હોય, દુનિયાનું સૌથી મોટું મફત રસીકરણ અભિયાન હોય કે પછી ભારતવાસીઓને ભૂખમરામાંથી બચાવવા માટેનું સૌથી મોટું અભિયાન હોય, લાખો કરોડો રૂપિયાના આ કાર્યક્રમ આજે ભારત સફળતા સાથે આગળ વધી રહ્યું છે. મહામારીના આ સંકટની વચ્ચે, ભારતે મોટી સંખ્યામાં રોજગાર નિર્માણ કરનાર લોકો અને મોટા મોટા મેગા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સને પણ અટકવા નથી દીધા. મને ખુશી છે કે યુપી અને યુપીના લોકોએ દેશના સામર્થ્યને આગળ વધારવા માટે ખભે ખભો મિલાવીને કામ કર્યું છે. યુપીમાં ચાલી રહેલા ધોરીમાર્ગો, એક્સપ્રેસ વે અને ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર અને ડિફેન્સ કોરિડોર જેવા પ્રોજેક્ટ્સ જે ગતિએ આગળ વધી રહ્યા છે, આ તેનું જ જીવતું જાગતું ઉદાહરણ છે.
સાથીઓ,
આટલા સંકટ હોવા છતાં પણ આજે દેશ કરિયાણાથી લઈને અન્ય ખાણી પીણીના સામાનની કિંમતોમાં આખી દુનિયામાં તોફાન મચેલું છે. એવામાં આપણને ખબર છે કે નાનકડું પૂર પણ આવી જાય તો દૂધ અને શાકના ભાવ કેટલા વધી જાય છે. થોડી પણ અસુવિધા હોય તો મોંઘવારી કેટલી વધી જાય છે. આપણી સામે પણ બહુ મોટું સંકટ છે. પરંતુ હું મારા ગરીબ મધ્યમ વર્ગના ભાઈ બહેનોને વિશ્વાસ અપાવું છું કે અમે પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ કે જેથી તેને નિયંત્રણમાં રાખી શકીએ, અને આ પણ આપ સૌના સહયોગ વડે જ શક્ય બનવાનું છે. કોરોના કાળમાં પણ ખેતી અને તેની સાથે જોડાયેલ કામોને અટકવા નથી દીધા, તેમને સંપૂર્ણ સતર્કતા સાથે ચાલુ રાખવામાં આવ્યા છે. ખેડૂતોને બિયારણથી લઈને ખાતર સુધી અને પછી પાક વેચવા સુધીમાં કોઈ સમસ્યા ના આવે તેની માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી. પરિણામ એ આવ્યું કે આપણાં ખેડૂતોએ રેકોર્ડ ઉત્પાદન કર્યું અને સરકારે પણ લઘુત્તમ ટેકાના ભાવો પર ખરીદી કરવાના નવા રેકોર્ડ સ્થાપિત કર્યા. અને આપણાં યોગીજીની સરકારે તો વિતેલા 4 વર્ષોમાં લઘુત્તમ ટેકાના ભાવો પર ખરીદીમાં દર વર્ષે નવા નવા રેકોર્ડ બનાવ્યા છે. યુપીમાં આ વર્ષે ઘઉં અને અનાજની ખરીદીમાં ગયા વર્ષની સરખામણીએ લગભગ બમણી સંખ્યામાં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવોનો ફાયદો થયો છે. યુપીના 13 લાખથી વધુ ખેડૂત પરિવારોને તેમના ઉત્પાદનના લગભગ 24 હજાર કરોડ રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં પહોંચાડવામાં આવ્યા છે.
સાથીઓ,
કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની ડબલ એન્જિન સરકારો સામાન્ય લોકોની સુવિધા અને સશક્તીકરણ માટે સતત પ્રયાસ કરી રહી છે. કોરોના કાલખંડ હોવા છતાં ગરીબોને સુવિધાઓ આપવાના અભિયાન ધીમા નથી પડ્યા. યુપીમાં અત્યાર સુધી 17 લાખ કરતાં વધુ ગ્રામીણ અને શહેરી ગરીબ પરિવારોને પોતાના પાકા ઘર મળી ચૂક્યા છે. લાખો ગરીબ પરિવારોને ઘરમાં જ શૌચાલયની સુવિધા પણ મળી છે. લગભગ દોઢ કરોડ ગરીબ પરિવારોને ઉજ્જવલા અંતર્ગત વિના મૂલ્યે ગેસના જોડાણો અને લાખો પરિવારોને વીજળીના જોડાણો આપવામાં આવ્યા છે. દરેક ઘરે પાણી પહોંચાડવાનું મિશન પણ યુપીમાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. વિતેલા 2 વર્ષોની અંદર યુપીમાં 27 લાખ ગ્રામીણ પરિવારો સુધી પાઇપ વડે પાણી પહોંચાડી દેવામાં આવ્યું છે.
ભાઈઓ અને બહેનો,
ડબલ એન્જિનની સરકારે એ બાબતની ખાતરી કરી છે કે ગરીબો, દલિતો, પછાતો, આદિવાસીઓ માટે બનાવવામાં આવેલ યોજનાઓ જમીન પર ઝડપથી લાગુ કરવામાં આવે. પીએમ સ્વનિધિ યોજના પણ તેનું એક બહુ મોટું ઉદાહરણ છે. કોરોના દ્વારા ઉત્પન્ન થયેલ પરિસ્થિતિઓમાં, આ કોરોના કાળમાં જે પરિસ્થિતિઓ બની. લારી, ગલ્લા, ફૂટપાથ પર બેસનારા ભાઈઓ બહેનોની આજીવિકા ફરીથી પાટા પર ચડી જાય તે માટે તેમને બેંકો સાથે જોડવામાં આવ્યા છે. ખૂબ ઓછા સમયમાં જ આ યોજના અંતર્ગત યુપીના લગભગ 10 લાખ સાથીઓને આનો લાભ આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે.
સાથીઓ,
વિતેલા દાયકાઓમાં ઉત્તર પ્રદેશની હંમેશા શું ઓળખ બની, શું ઉલ્લેખ જોવા મળતો હતો ઉત્તર પ્રદેશનો તમને યાદ હશે. ઉત્તર પ્રદેશને હંમેશા રાજનીતિના ચશ્મા વડે જોવામાં આવ્યું છે. યુપી દેશના વિકાસમાં પણ અગ્રણી ભૂમિકા નિભાવી શકે છે, તેની ચર્ચા સુદ્ધાં જ નથી થવા દેવામાં આવી. દિલ્હીના સિંહાસનનો રસ્તો, યુપી થઈને જાય છે, તેનું સપનું જોનારા તો ઘણા બધા લોકો આવ્યા અને ગયા પરંતુ આવા લોકોએ ક્યારેય એ યાદ નથી રાખ્યું કે ભારતની સમૃદ્ધિનો રસ્તો પણ યુપી થઈને જ નીકળે છે. આ લોકોએ ઉત્તર પ્રદેશને માત્ર રાજનીતિનું કેન્દ્ર જ બનાવી રાખ્યું છે. કોઈએ વંશવાદ માટે, કોઈએ પોતાના પરિવાર માટે, કોઈએ પોતાના રાજનૈતિક સ્વાર્થ માટે યુપીનો માત્ર ઉપયોગ જ કર્યો છે. આ લોકોની સંકુચિત રાજનીતિમાં, ભારતના આટલા મોટા રાજ્યને ભારતની આર્થિક પ્રગતિ સાથે જોડવામાં જ નથી આવ્યું. હા, કેટલાક લોકો જરૂરથી સમૃદ્ધ થયા, કેટલાક પરિવારો જરૂરથી આગળ વધ્યા. આ લોકોએ યુપીને નહિ પરંતુ પોતાની જાતને સમૃદ્ધ કરી છે. મને ખુશી છે કે આજે ઉત્તર પ્રદેશ આવા લોકોના કૂચક્રમાંથી બહાર નીકળીને આગળ વધી રહ્યું છે. સબળ એન્જિનની સરકારે યુપીના સામર્થ્યને એક સંકુચિત દ્રષ્ટિકોણથી જોવાની રીત બદલી નાંખી છે. યુપી ભારતના વિકાસ એન્જિનનું પાવર હાઉસ બની શકે છે, એવો આત્મવિશ્વાસ વિતેલા વર્ષોમાં ઉત્પન્ન થયો છે. યુપીના ઇતિહાસમાં પહેલી વાર સામાન્ય યુવાનોના સપનાઓની વાત ચાલી રહી છે. યુપીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ગુનેગારોમાં ભયનું વતાવરણ ઊભું થયું છે. યુપીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ગરીબોને હેરાન કરનારા, નબળા વર્ગોને ડરાવનાર ધમકાવવાવાળા અને ગેરકાયદે સંપત્તિ હડપી લેનારાઓના મનમાં ભય ઊભો થયો છે.
જે વ્યવસ્થાને ભ્રષ્ટાચાર અને ભાઈ ભત્રીજાવાદની આદત પડી ગઈ હતી, તેમાં સાર્થક બદલાવની શરૂઆત થઈ છે. આજે યુપીમાં એ બાબતની ખાતરી કરવામાં આવી રહી છે કે જનતાના ભાગનો એક એક પૈસો સીધો જનતાના ખાતામાં પહોંચે, જનતાને તેનો લાભ મળે. આજે યુપી રોકાણનું કેન્દ્ર બની રહ્યું છે. મોટી મોટી કંપનીઓ આજે યુપી આવવા માટે તલપાપડ થઈ રહી છે. યુપીમાં ઇન્ફ્રાસ્ટ્રકચરના મેગા પ્રોજેક્ટ્સ બની રહ્યા છે, ઔદ્યોગિક કોરિડોર બની રહ્યા છે, રોજગારના નવા અવસરો તૈયાર થઈ રહ્યા છે.
ભાઈઓ અને બહેનો,
ઉત્તર પ્રદેશ, અહિયાના પરિશ્રમી લોકો, આત્મનિર્ભર ભારત, એક વૈભવશાળી ભારતના નિર્માણનો બહુ મોટો આધાર છે. આજે આપણે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે, આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ મહોત્સવ માત્ર આઝાદીનો ઉત્સવ માત્ર જ નથી. પરંતુ તે આવનાર 25 વર્ષો માટે મોટા લક્ષ્યો, મોટા સંકલ્પોનો અવસર છે. આ સંકલ્પોમાં ઉત્તર પ્રદેશની બહુ મોટી ભાગીદારી છે, બહુ મોટી જવાબદારી છે. વિતેલા દાયકાઓમાં ઉત્તર પ્રદેશ જે હાંસલ નથી કરી શક્યું હવે તેને હાંસલ કરવાનો સમય આવી ગયો છે. આ દાયકો એક રીતે ઉત્તર પ્રદેશના છેલ્લા 7 દાયકાઓમાં જે ઉણપો રહી ગઈ તેની ભરપાઈ કરવાનો દાયકો છે. આ કામ યુપીના સામાન્ય યુવાનો, આપણી દીકરીઓ, ગરીબ, દલિતો, વંચિતો, પછાતોની પૂરતી ભાગીદારી અને તેમને વધુ સારા અવસરો આપ્યા વિના શક્ય નથી બનવાનું. સૌનો સાથ, સૌનો વિકાસ, અને સૌનો વિશ્વાસ આ જ મંત્ર સાથે અમે આગળ વધી રહ્યા છે. વિતેલા સમયમાં શિક્ષણ સાથે જોડાયેલા બે મોટા નિર્ણયો એવા છે કે જેનું ઉત્તર પ્રદેશ સૌથી વધુ મોટું લાભાર્થી થવા જવાનું છે. પહેલો નિર્ણય એન્જિનિયરિંગના અભ્યાસ સાથે જોડાયેલો છે. એન્જિનિયરિંગ અને ટેકનિકલ શિક્ષણ સાથે જોડાયેલ અભ્યાસ સાથે યુપીના ગામડા અને ગરીબના સંતાનો ઘ્યાન અંશે ભાષાની સમસ્યાના કારણે વંચિત રહી જતાં હતા. હવે આ બાધ્યતાને નાબૂદ કરી દેવામાં આવી છે. હિન્દી સહિત અનેક ભારતીય ભાષાઓમાં એન્જિનિયરિંગ અને ટેકનિકલ શિક્ષણનો અભ્યાસ શરૂ થઈ રહ્યો છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતાં શ્રેષ્ઠ કોર્સ, શ્રેષ્ઠ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. દેશના અનેક રાજ્યોના સંસ્થાનોએ આ સુવિધા લાગુ કરવાની શરૂ કરી દીધી છે.
ભાઈઓ અને બહેનો,
બીજો એક મહત્વનો નિર્ણય છે મેડિકલ શિક્ષણ સાથે જોડાયેલો. મેડિકલ શિક્ષણમાં અખિલ ભારતીય કોટામાંથી ઓબીસીને, પછાતને અનામતની હદમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. આ સ્થિતિને બદલતા હમણાં તાજેતરમાં જ અમારી સરકારે આમાં ઓબીસીને 27 ટકા અનામત આપ્યું છે. એટલું જ નહિ, સામાન્ય વર્ગના ગરીબ પરિવારના બાળકોની માટે પણ જે 10 ટકા અનામત છે, તેને પણ આ સત્રથી લાગુ કરવામાં આવ્યું છે. આ નિર્ણય વડે મેડિકલ વ્યવસાયમાં જેઓ ડૉક્ટર બનવા માંગે છે, તે ક્ષેત્રમા એક બહુ મોટા પ્રતિભા જૂથને અવસર મળશે અને સમાજના દરેક વર્ગને આગળ વધવા માટે, વધુ સારું બનવા માટે પ્રોત્સાહન મળશે. ગરીબના બાળકોને ડૉક્ટર બનવા માટેનો રસ્તો ખોલ્યો છે.
ભાઈઓ અને બહેનો,
આરોગ્ય ક્ષેત્રમાં પણ વિતેલા વર્ષોમાં ઉત્તર પ્રદેશમાં અભૂતપૂર્વ કામ થયું છે. કલ્પના કરો 4-5 વર્ષ પહેલા જો કોરોના જેવી વૈશ્વિક મહામારી આવત તો યુપીની શું સ્થિતિ થઈ હોત? એ વખતે તો સામાન્ય શરદી તાવ, ઝાડા જેવી બીમારીઓ સુદ્ધાં પણ જીવન માટે સંકટ બની જતી હતી. આજે ઉત્તર પ્રદેશ કોરોના રસીકરણના મામલામાં લગભગ લગભગ સવા પાંચ કરોડના પડાવ પર પહોંચનારું સૌથી પહેલું રાજ્ય બની રહ્યું છે. તે પણ એવા સમયમાં કે જ્યારે રાજનૈતિક વિરોધ માત્ર માટે થઈને મેઇડ ઇન ઈન્ડિયા રસીને લઈને કેટલાક લોકો દ્વારા ભ્રમ ફેલાવવામાં આવ્યા, જુઠ્ઠાણાં ફેલાવવામાં આવ્યા. પરંતુ યુપીની સમજદાર જનતાએ દરેક ભ્રમ, દરેક જૂઠને નકારી દીધા. મણે વિશ્વાસ છે કે ઉત્તર પ્રદેશ, સૌને રસી – મફત રસી અભિયાનને હજી વધારે ઝડપી ગતિએ આગળ વધારશે. અને માસ્ક, બે ગજનું અંતર વગેરે નિયમોમાં ઢીલાશ નહિ આવવા દે. એક વાર ફરીથી પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના તમામ લાભાર્થીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને આવનારો સમય તો તહેવારોનો સમય છે. દિવાળી સુધી તહેવારો જ તહેવારો આવી રહ્યા છે. અને એટલા માટે અમે નક્કી કર્યું છે કે આ તહેવારોમાં આપણાં કોઈપણ ગરીબ પરિવારને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે દિવાળી સુધી આ વિના મૂલ્યે કરિયાણું આપવાનું કાર્ય ચાલુ રાખવામાં આવશે. હું ફરી એકવાર આપ સૌને આવનારા બધા જ તહેવારો માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. તમે સ્વસ્થ રહો, તમારો પરિવાર સ્વસ્થ રહે. ખૂબ ખૂબ આભાર!!