"હું પ્રધાનમંત્રી તરીકે નહીં, પરંતુ એક પરિવારના સભ્ય તરીકે અહીં ઉપસ્થિત છું જે ચાર પેઢીઓથી આ પરિવાર સાથે જોડાયેલો છે"
"બદલાતા સમય અને વિકાસને અનુરૂપ થવાના માપદંડો પર, દાઉદી વ્હોરા સમુદાયે પોતાને પુરવાર કરી બતાવ્યો છે. અલજામિઆ-તુસ-સૈફિયા જેવી સંસ્થા આનું જીવંત ઉદાહરણ છે”
"દેશ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેવા સુધારા સાથે અમૃતકાળના સંકલ્પોને આગળ વધારી રહ્યો છે"
"ભારતની નૈતિકતા સાથેની આધુનિક શિક્ષણ પ્રણાલી એ દેશની પ્રાથમિકતા છે"
"શૈક્ષણિક માળખાકીય સુવિધાઓની ઝડપ અને વ્યાપકતા એ હકીકતના સાક્ષી છે કે ભારત તે યુવા પ્રતિભાનો સમૂહ બનવા જઇ રહ્યું છે જે વિશ્વને આકાર આપશે"
"આપણા યુવાનો વાસ્તવિક દુનિયાની સમસ્યાઓથી વાકેફ છે અને સક્રિયપણે ઉકેલો શોધી રહ્યા છે"
"આજે, દેશ રોજગાર સર્જકોની પડખે ઉભો છે અને વિશ્વાસની પ્રણાલી બનાવવામાં આવી રહી છે"
"ભારત જેવા દેશ માટે વિકાસ અને વારસો એક સરખું મહત્વ ધરાવે છે"

પરમ પૂજ્ય સૈયદના મુફદ્દલજી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેજી, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્રજી, આ કાર્યક્રમમાં પધારેલા અન્ય તમામ માન્યવર મહાનુભાવો!

તમારા બધાની વચ્ચે આવવું એ મારા માટે પરિવારમાં આવવા જેવું હોય છે. અને પેલો જે આજે મેં તમારો વીડિયો જોયો, ફિલ્મ જોઈ તો મારી એક  ફરિયાદ છે અને હું ઈચ્છું છું કે તમે તેમાં સુધારો કરો, તમે વારંવાર એમાં માનનીય મુખ્યમંત્રી અને માનનીય પ્રધાનમંત્રી કહ્યું છે, હું તમારા પરિવારનો સભ્ય છું, ન હું અહીં પ્રધાનમંત્રી છું, ન મુખ્યમંત્રી છું અને કદાચ મને જે સૌભાગ્ય મળ્યું છે, એ બહુ ઓછા લોકોને મળ્યું છે. હું 4 પેઢી આ પરિવાર સાથે જોડાયેલો છું, 4 પેઢી અને ચારેય પેઢી મારાં ઘરે આવી છે. બહુ ઓછા લોકોને આવું નસીબ મળે છે અને તેથી જ હું કહું છું કે ફિલ્મમાં જે વારંવાર મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી છે. હું તો તમારા પરિવારનો એક સભ્ય છું અને દર વખતે એક પરિવારના સભ્ય તરીકે આવવાની જ્યારે પણ મને તક મળી છે, ત્યારે મારી ખુશીમાં અનેકગણો વધારો થયો છે. કોઈ પણ સમુદાય, કોઈ પણ સમાજ કે સંગઠન, તેની ઓળખ એ હકીકત પરથી થાય છે કે તે સમય પ્રમાણે પોતાની પ્રાસંગિકતાને કેટલી જાળવી રાખે છે. દાઉદી વ્હોરા સમુદાયે સમય સાથે પરિવર્તન અને વિકાસની આ કસોટીમાં હંમેશા પોતાને સાચા સાબિત કર્યા છે. આજે અલજામિઆ-તુસ-સૈફિયા જેવાં શિક્ષણનાં મહત્વનાં કેન્દ્રનું વિસ્તરણ તેનું જીવંત ઉદાહરણ છે. હું સંસ્થા સાથે સંકળાયેલ દરેક વ્યક્તિને મુંબઈ શાખા શરૂ થવા બદલ અને 150 વર્ષ જૂનું સ્વપ્ન સાકાર થયું છે, તમે તેને સાકાર કર્યું છે, હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, હું તમને મારાં હૃદયનાં ઊંડાણથી અભિનંદન આપું છું.

સાથીઓ,

દાઉદી વ્હોરા સમુદાય સાથે મારો સંબંધ કેટલો જૂનો છે, ભાગ્યે જ કોઈ એવું હશે જે આ જાણતું ન હોય. હું દુનિયામાં ગમે ત્યાં જાઉં, એ પ્રેમ એટલે એક રીતે વરસતો જ રહે છે. અને મને તો, હું હંમેશા એક વાત જરૂર કહું છું.

હું સૈયદના સાહેબ કદાચ ૯૯ ઉંમર હતી, હું ત્યાં એમ જ ચાલ્યો ગયો શ્રદ્ધાપૂર્વક, ૯૯ની વયે તેઓ બાળકોને ભણાવી રહ્યા હતા, એ ઘટના આજે પણ મારાં મનને એટલી પ્રેરિત કરે છે શું કમિટમેન્ટ નવી પેઢીને તાલીમ આપવા માટે સૈયદના સાહેબની શું પ્રતિબદ્ધતા હતી જી. 99 વર્ષની ઉંમરમાં પણ બાળકોને બેસીને ભણાવવા અને હું સમજુ છું કે 800-1000 બાળકો એક સાથે ભણતા હતા. તે દ્રશ્ય હંમેશાં હંમેશા મારાં હૃદયને પ્રેરણા આપતું રહ્યું છે. ગુજરાતમાં રહેતા રહેતા અમે એકબીજાને ખૂબ નજીકથી જોયા છે, સાથે મળીને ઘણા રચનાત્મક પ્રયાસો પણ આગળ વધાર્યા છે. અને મને યાદ છે કે અમે સૈયદના સાહેબનાં શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યા હતા. અને સુરતમાં અમારો બહુ મોટો જલસો હતો, હું પણ હતો. તેમાં સૈયદના સાહેબે મને કહ્યું કે, તમે મને કહો કે મારે શું કામ કરવું જોઈએ, મેં કહ્યું હું કોણ તમને કામ જણાવવાવાળો, પણ તેમનો ઘણો આગ્રહ હતો, તેથી મેં કહ્યું, જુઓ, ગુજરાતમાં હંમેશા પાણીની કટોકટી રહે છે, તમારે તેમાં કંઈક કરવું જોઈએ, અને આજે પણ હું કહું છું કે એ એક વાતને આજે આટલાં વર્ષો થઈ ગયાં પછી પણ વ્હોરા સમાજના લોકો જળ રક્ષાનાં કાર્યમાં પૂરા દિલથી લાગેલા છે, મન લગાવીને લાગેલા છે. આ મારું સૌભાગ્ય છે અને તેથી જ હું કહું છું કે કુપોષણ સામેની લડાઈથી લઈને જળ સંરક્ષણ અભિયાન સુધી, સમાજ અને સરકાર કેવી રીતે એકબીજાની તાકાત બની શકે છે, અમે સાથે મળીને તે કર્યું છે અને મને તેનું ગૌરવ અનુભવ થાય છે. અને ખાસ કરીને, પરમ પૂજ્ય સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ, જ્યારે પણ મને તેમની સાથે ચર્ચા કરવાનો અવસર મળ્યો છે, ત્યારે તેમની સક્રિયતા, તેમનો સહયોગ મારા માટે એક રીતે માર્ગદર્શક રહ્યો છે. મને ઘણી ઊર્જા મળતી હતી. અને જ્યારે હું ગુજરાતથી દિલ્હી ગયો ત્યારે આપે ગાદી સંભાળી, એ પ્રેમ આજેય ચાલુ છે, એ ક્રમ ચાલતો રહ્યો છે. પરમ પૂજ્ય ડૉ. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ અને તમે બધાએ મને ઈન્દોરના કાર્યક્રમમાં જે સ્નેહ આપ્યો તે મારા માટે બહુ અમૂલ્ય છે.

સાથીઓ,

માત્ર દેશમાં જ નહીં, મેં કહ્યું તેમ હું વિદેશમાં પણ ક્યાંક જાઉં છું, તો મારા વ્હોરા ભાઈઓ અને બહેનો, રાતે જો 2 વાગે પણ લેન્ડ કર્યું છે તો પણ 2-5 પરિવારો તો એરપોર્ટ પર આવ્યા જ છે, હું તેમને કહું છું કે તમે આટલી ઠંડીમાં શા માટે કષ્ટ ઉઠાવો છો, ના કહે તમે આવ્યા છો એટલે અમે બસ અમે આવી ગયા. ભલે તે દુનિયાના ગમે તે ખૂણામાં કેમ ન હોય, ગમે તે દેશમાં કેમ ન હોય, ભારત માટે તેઓની ચિંતા અને ભારત પ્રત્યેનો પ્રેમ હંમેશા તેઓનાં દિલોમાં દેખાતો હતો. તમારા બધાની આ લાગણીઓ, તમારો આ પ્રેમ મને વારંવાર તમારી તરફ ખેંચી લાવે છે.

સાથીઓ,

કેટલાક પ્રયાસો અને કેટલીક સફળતાઓ એવી હોય છે કે તેની પાછળ ઘણા દાયકાઓનાં સપનાં હોય છે. હું એ વાત જાણું છું કે મુંબઈ શાખાનાં રૂપમાં અલજામિઆ-તુસ-સૈફિયાનું જે વિસ્તરણ થઈ રહ્યું છે, એનું સપનું દાયકાઓ પહેલા પરમ પૂજ્ય સૈયદના અબ્દુલકાદિર નઈમુદ્દીન સાહેબે જોયું હતું. તે સમયે દેશ ગુલામીના યુગમાં હતો. શિક્ષણ ક્ષેત્રે આટલું મોટું સપનું જોવું એ પોતે જ મોટી વાત હતી. પરંતુ, જે સપના સાચા વિચારથી જોવામાં આવે છે, તે પૂરાં થઈને જ રહે છે. આજે જ્યારે દેશ પોતાની આઝાદીના અમૃતકાળની યાત્રા શરૂ કરી રહ્યો છે ત્યારે શિક્ષણ ક્ષેત્રે વ્હોરા સમાજનાં આ યોગદાનનું મહત્વ વધુ વધી જાય છે. અને જ્યારે હું આઝાદીનાં 75 વર્ષને યાદ કરું છે, ત્યારે મારે એક વાતનો ઉલ્લેખ કરવો જોઈએ અને હું તમને બધાને આગ્રહ કરું છું કે જ્યારે પણ તમે સુરત જાવ કે મુંબઈ આવો ત્યારે એકવાર દાંડી જરૂર જઈ આવો, દાંડી યાત્રા મહાત્મા ગાંધીજી દ્વારા આઝાદીનો એક ટર્નિંગ પોઈન્ટ હતો. પરંતુ મારા માટે સૌથી મોટી વાત એ છે કે દાંડી યાત્રામાં દાંડીમાં મીઠાના સત્યાગ્રહ પહેલા ગાંધીજી દાંડીમાં તમારાં ઘરે રોકાયા હતા, અને જ્યારે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે મેં આપને પ્રાર્થના કરી સૈયદના સાહેબને મેં કહ્યું સૈયદના સાહેબ મારાં દિલમાં એક બહુ મોટી ઇચ્છા છે. એક ક્ષણ પણ બગાડ્યા વિના, એ વિશાળ બંગલો બિલકુલ દરિયાની સામે છે, એ આખો બંગલો મને આપી દીધો હતો અને આજે દાંડી કૂચની યાદમાં ત્યાં એક સુંદર સ્મારક બનાવવામાં આવ્યું છે. સૈયદના સાહેબની એ યાદો દાંડી યાત્રાની સાથે અમર બની ગઈ છે જી. આજે દેશમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેવા સુધારા સાથે અહીં ઘણા જૂના અને હાલના વાઇસ ચાન્સેલર બેઠા છે, તે બધા મારા સાથી રહ્યા છે. અમે અમૃતકાલમાં જે સંકલ્પો આગળ ધપાવી રહ્યા છીએ. મહિલાઓ અને દીકરીઓને આધુનિક શિક્ષણની નવી તકો મળી રહી છે. અલજામિઆ-તુસ-સૈફિયા પણ આ મિશન સાથે આગળ વધી રહ્યું છે. તમારો અભ્યાસક્રમ પણ આધુનિક શિક્ષણ અનુસાર અપગ્રેડ રહે છે અને તમારી વિચારસરણી પણ સંપૂર્ણ અપડેટેડ રહે છે. ખાસ કરીને મહિલા શિક્ષણ પ્રત્યે આ સંસ્થાનું યોગદાન સામાજિક પરિવર્તનને એક નવી ઊર્જા આપી રહ્યું છે.

સાથીઓ,

શિક્ષણ ક્ષેત્રે ભારત એક સમયે નાલંદા અને તક્ષશિલા જેવી યુનિવર્સિટીઓનું કેન્દ્ર રહેતું હતું. દુનિયાભરમાંથી લોકો અહીં ભણવા અને શીખવા આવતા હતા. જો આપણે ભારતનો વૈભવ  પાછો લાવવો હોય તો આપણે શિક્ષણનું એ ગૌરવ પણ પાછું લાવવું પડશે. તેથી જ આજે ભારતીય શૈલીમાં ઘડાયેલી આધુનિક શિક્ષણ પ્રણાલી દેશની પ્રાથમિકતા છે. આ માટે અમે દરેક સ્તરે કામ કરી રહ્યા છીએ. તમે જોયું જ હશે કે છેલ્લાં 8 વર્ષમાં રેકોર્ડ સંખ્યામાં યુનિવર્સિટીઓ પણ ખુલી છે. મેડિકલ એજ્યુકેશન જેવાં ક્ષેત્રમાં જ્યાં યુવાનોનો ટ્રેન્ડ પણ છે અને દેશની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમે દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજો ખોલી રહ્યા છીએ. તમે જુઓ, 2004 થી 2014ની વચ્ચે દેશમાં 145 મેડિકલ કૉલેજો ખોલવામાં આવી હતી. જ્યારે 2014થી 2022 વચ્ચે 260થી વધુ મેડિકલ કૉલેજો ખોલવામાં આવી છે. છેલ્લાં 8 વર્ષમાં દેશમાં અને તે ખુશીની વાત છે દર અઠવાડિયે એક યુનિવર્સિટી અને બે કૉલેજો ખુલી છે. આ સ્પીડ અને સ્કેલ એ વાતની સાક્ષી છે કે ભારત એ યુવા પેઢીનું પૂલ બનવા જઈ રહ્યું છે, જે વિશ્વનાં ભવિષ્યને દિશા આપશે.

સાથીઓ,

મહાત્મા ગાંધી કહેતા હતા કે- શિક્ષણ આપણી આસપાસના સંજોગોને અનુકૂળ હોવું જોઈએ, તો જ તેની સાર્થકતા જળવાઈ શકે છે. તેથી જ, દેશે શિક્ષણ પ્રણાલીમાં વધુ એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. આ ફેરફાર છે- શિક્ષણ પ્રણાલીમાં સ્થાનિક ભાષાને મહત્વ આપવું. હવે અમે જોઈ રહ્યા હતા કે સરસ ગુજરાતીમાં જે રીતે કવિતાનાં માધ્યમથી જીવનનાં મૂલ્યોની ચર્ચા આપણા સાથીઓએ કરી, માતૃભાષાની તાકાત હું એક ગુજરાતી ભાષી હોવાને કારણે ઘણા શબ્દોની ઉપર એ ભાવનાને પકડી પાડી શક્યો હતો, હું અનુભવ કરી રહ્યો હતો.

સાથીઓ,

ગુલામીના સમયે અંગ્રેજોએ અંગ્રેજીને જ શિક્ષણનું ધોરણ બનાવી દીધું હતું. કમનસીબે, આઝાદી પછી પણ આપણે એ જ હીન ભાવનાનું વહન કર્યું. આમાં સૌથી વધુ નુકસાન આપણાં ગરીબ બાળકોને, દલિતો, પછાત અને નબળા વર્ગને થયું છે. પ્રતિભા હોવા છતાં માત્ર ભાષાના આધારે તેમને સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવતા હતા. પરંતુ હવે મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા અભ્યાસ પણ સ્થાનિક ભાષામાં થઈ શકશે. એ જ રીતે, ભારતીય જરૂરિયાતો અનુસાર, દેશે અન્ય પણ ઘણા ફેરફારો કર્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી, અમે પેટન્ટ ઇકો-સિસ્ટમ પર કામ કર્યું છે અને પેટન્ટ ફાઇલ કરવાનું સરળ બનાવ્યું છે. આજે, IIT, IISC જેવી સંસ્થાઓમાં પહેલા કરતાં વધુ સંખ્યામાં પેટન્ટ ફાઇલ કરવામાં આવી રહ્યા છે. આજે શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. તેથી જ શાળાઓમાં શીખવાના સાધનોનો ઉપયોગ થવા લાગ્યો છે. હવે યુવાનોને પુસ્તકીયું જ્ઞાનની સાથે જ કૌશલ્ય, ટેકનોલોજી અને નવીનતા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આને કારણે, આપણા યુવાનો વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ માટે તૈયાર થઈ રહ્યા છે, તેઓ તેમના ઉકેલો શોધી રહ્યા છે.

સાથીઓ,

કોઈ પણ દેશમાં, તેની શિક્ષણ પ્રણાલી અને તેની ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બંને મજબૂત હોવી જરૂરી હોય છે. સંસ્થા અને ઉદ્યોગ બંને એકબીજાના પૂરક હોય છે. આ બંને યુવાનોનાં ભવિષ્યનો પાયો નાખે છે. દાઉદી વ્હોરા સમુદાયના લોકો ખાસ કરીને બિઝનેસમાં ખૂબ જ સક્રિય પણ છે અને સફળ પણ છે. છેલ્લાં 8-9 વર્ષોમાં, તમે 'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ'ની દિશામાં ઐતિહાસિક સુધારા જોયા છે, તેની અસર અનુભવી છે. આ દરમિયાન, દેશે 40 હજાર અનુપાલન નાબૂદ કર્યાં, સેંકડો જોગવાઈઓને અપરાધમુક્ત કરી. અગાઉ આ કાયદાઓનો ડર બતાવીને ઉદ્યોગ સાહસિકોને હેરાન કરવામાં આવતા હતા. જેનાં કારણે તેમના ધંધાને અસર થતી હતી. પરંતુ આજે સરકાર રોજગાર સર્જકોની સાથે ઊભી છે અને તેમને સંપૂર્ણ સમર્થન આપતી સરકાર છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિશ્વાસનું અભૂતપૂર્વ વાતાવરણ સર્જાયું છે. અમે 42 કેન્દ્રીય કાયદાઓમાં સુધારો કરવા માટે જન વિશ્વાસ બિલ લાવ્યા છીએ. વેપારી- ઉદ્યોગપતિઓમાં વિશ્વાસ કેળવવા માટે અમે વિવાદ સે વિશ્વાસ યોજના લઈને આવ્યા છીએ. આ વખતે બજેટમાં પણ ટેક્સના દરોમાં સુધારા જેવાં ઘણાં પગલાં લેવામાં આવ્યાં છે. આનાથી કર્મચારીઓ અને સાહસિકોના હાથમાં વધુ પૈસા આવશે. આ ફેરફારોથી જે યુવાનો જૉબ ક્રિએટર્સ બનવાનું સપનું જોઈ રહ્યા છે  એમના માટે ઘણી તકો ઊભી થશે.

સાથીઓ,

એક દેશ તરીકે ભારત માટે વિકાસ પણ મહત્વપૂર્ણ છે, અને સાથે સાથે વારસો પણ મહત્વપૂર્ણ છે. આ જ ભારતમાં દરેક સંપ્રદાય, સમુદાય અને વિચારધારાની પણ વિશેષતા રહી છે. તેથી જ આજે દેશ પરંપરા અને આધુનિકતાના સંગમની જેમ વિકાસના પંથે આગળ વધી રહ્યો છે. દેશમાં એક તરફ આધુનિક ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે, તો સાથે સાથે દેશ સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ રોકાણ કરી રહ્યો છે. આજે આપણે પર્વ-તહેવારોની પ્રાચીન સહિયારી પરંપરાને પણ જીવી રહ્યા છીએ અને તહેવારોની ખરીદી દરમિયાન આધુનિક ટેક્નોલોજી દ્વારા ચૂકવણી પણ કરીએ છીએ. તમે જોયું જ હશે કે, આ વખતનાં બજેટમાં નવી ટેકનિકની મદદથી પ્રાચીન અભિલેખોને ડિજીટાઇઝ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. અને હું હમણાં જ આપણા જે જૂની સદીઓ જૂનાં જે પોરાણ છે, હસ્તલિખિત પુરાણોને જોઈ રહ્યો હતો. તેથી મેં વિનંતી કરી કે ભારત સરકારની એક બહુ મોટી યોજના છે, આપણી આ બધી વસ્તુઓ ડિજીટલાઇઝ થઈ જવી જોઈએ. આવનારી પેઢીઓ માટે ઉપયોગી થશે. હું ઈચ્છું છું કે તમામ સમાજો, તમામ સંપ્રદાયો આવા પ્રયાસોને આગળ વધારવા માટે આગળ આવે. કોઈપણ પદ્ધતિથી સંબંધિત, જો કોઈ પ્રાચીન ગ્રંથો હોય તો તેનું ડિજીટલાઇઝેશન કરવું જોઈએ. વચ્ચે હું મંગોલિયા ગયો હતો, તો ત્યાં મંગોલિયામાં ભગવાન બુદ્ધના સમયની કેટલીક હાથથી બનાવેલી વસ્તુઓ હતી. હવે તે ત્યાં જ પડેલી હતી એટલે મેં કહ્યું કે તમે મને આપો, હું ડિજીટલાઇઝ કરી દઈશ અને અમે તે કામ કર્યું છે. દરેક પરંપરા, દરેક શ્રદ્ધા એ એક સામર્થ્ય છે. યુવાનોને પણ આ અભિયાન સાથે જોડવા જોઈએ. દાઉદી વ્હોરા સમુદાય આમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. તેવી જ રીતે, પર્યાવરણ સંરક્ષણ હોય, બરછટ અનાજનો પ્રસાર હોય, આજે ભારત આ વિષયો પર સમગ્ર વિશ્વમાં એક મોટાં અભિયાનની આગેવાની કરી રહ્યું છે. આ અભિયાનોમાં પણ જનભાગીદારી વધારવા માટે, તમે તેને લોકો વચ્ચે લઈ જવાનો સંકલ્પ લઈ શકો છો. આ વર્ષે ભારત G-20 જેવા મહત્વપૂર્ણ વૈશ્વિક મંચની અધ્યક્ષતા પણ કરી રહ્યું છે. વિદેશમાં ફેલાયેલા વ્હોરા સમુદાયના લોકો આ પ્રસંગે વિશ્વની સામે સામર્થ્યવાન બનતા ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરી શકે છે. મને વિશ્વાસ છે કે તમે હંમેશની જેમ આ જવાબદારીઓને એટલી જ ખુશીથી નિભાવશો. વિકસિત ભારતનાં લક્ષ્ય સુધી પહોંચવામાં દાઉદી વ્હોરા સમુદાય પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો આવ્યો છે, તે ભજવતો રહેશે, એ મને સંપૂર્ણ વિશ્વાસ છે અને આ જ ઈચ્છા અને આ વિશ્વાસ સાથે, હું ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આ પવિત્ર દિવસે શ્રેષ્ઠ.અવસરે તમે મને અહીં આવવાની તક આપી. સૈયદના સાહેબનો વિશેષ પ્રેમ રહ્યો છે. સંસદ ચાલતી હતી છતાં પણ મારા માટે અહીં આવવું પણ એટલું જ જરૂરી હતું અને તેથી જ આજે મને આવીને તમારાં આશીર્વાદ લેવાનું સૌભાગ્ય મળ્યું છે. હું ફરી એક વાર આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું.

ખૂબ ખૂબ આભાર

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'

Media Coverage

'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi condoles loss of lives due to stampede at New Delhi Railway Station
February 16, 2025

The Prime Minister, Shri Narendra Modi has condoled the loss of lives due to stampede at New Delhi Railway Station. Shri Modi also wished a speedy recovery for the injured.

In a X post, the Prime Minister said;

“Distressed by the stampede at New Delhi Railway Station. My thoughts are with all those who have lost their loved ones. I pray that the injured have a speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede.”