કેન્દ્રીય મંત્રી મંડળનાં મારાં સહયોગી શ્રીમતી નિર્મલા સીતારામનજી, શ્રી રાવ ઈન્દ્રજીતસિંહજી, પંકજ ચૌધરીજી, ભાગવત કૃષ્ણરાવ કરાડજી, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ અને સજજનો.
વિતેલા વર્ષોમાં નાણાં મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયે તેમનાં કાર્યો યોગ્ય સમયે સાચા નિર્ણય લઈને કર્યાં તેમજ પોતાની કામગીરીનો એક વારસો ઉભો કર્યો અને એક બહેતર મજલ પણ પસંદ કરી હતી. આપ સૌ આ વારસાનો હિસ્સો છો. દેશના સામાન્ય માણસનું જીવન આસાન થાય અથવા તો ફરીથી દેશની અર્થવ્યવસ્થાને સશક્ત બનાવવાની હોય, વિતેલાં 75 વર્ષમાં અનેક સાથીઓએ પોતાનું મોટું યોગદાન આપ્યું છે.
આ આઈકોનિક સપ્તાહ એવા દરેક સાથીદારને અને ભૂતકાળના આવા દરેક પ્રયાસને જીવંત બનાવવાનો અવસર છે. આઝાદીના અમૃતકાળમાં આપણે આપણા ભૂતકાળમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીને આપણાં પ્રયાસોને વધુ બહેતર બનાવી શકીએ તે આ દિશાનું ઘણુ સારૂ કદમ છે. આજે અહિંયા રૂપિયાની ગૌરવશાળી યાત્રા પણ દર્શાવવામાં આવી. આ સફરથી આપણને પરિચીત કરાવનારૂં ડિજિટલ પ્રદર્શન પણ શરૂ થયું છે અને આઝાદીના અમૃત મહોત્સવ માટે સમર્પિત નવા સિક્કા પણ જારી કરવામાં આવ્યા છે.
આ નવા સિક્કા દેશના લોકોને નિરંતર અમૃતકાળના લક્ષ્ય યાદ અપાવશે, તેમને રાષ્ટ્રના વિકાસ માટે યોગદાન આપવા માટે પ્રેરિત કરશે. હવે પછીના એક સપ્તાહમાં તમારા વિભાગો દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ અમૃતકાળ સાથે જોડાયેલા તમામ વિભાગોને, તમારા દરેક નાના- મોટા એકમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
સાથીઓ,
આ આઝાદીનો આ અમૃત મહોત્સવ એ માત્ર 75 વર્ષનો ઉત્સવ જ નથી, પણ આઝાદીને આપણાં નાયક- નાયિકાઓએ આઝાદ ભારત માટે જે સપનાં જોયા હતા તે સપનાને ઉજવવાનો અને તે સપનાંને પરિપૂર્ણ કરવાનો તથા તે સપનામાં એક નવું સામર્થ્ય ભરીને નવા સંકલ્પ સાથે આગળ ધપવાની આ ક્ષણ છે. આઝાદીના લાંબા સંઘર્ષમાં જેમણે પણ ભાગ લીધો હોય, આ આંદોલનને એક અલગ પાસાં સાથે જોડ્યું હોય, તેની ઊર્જામાં વધારો કર્યો હોય, કોઈએ તો રસ્તો અપનાવ્યો જ હશે. કોઈએ તો અસ્ત્ર-શસ્ત્રનો માર્ગ પસંદ કર્યો હશે, તો કોઈએ આસ્થા અને આધ્યાત્મનો માર્ગ પસંદ કર્યો હશે, તો કોઈએ બૌધ્ધિક આઝાદીની અલખ જગાવવામાં પોતાની કલમની તાકાતનો ઉપયોગ કર્યો હશે. કોઈએ કોર્ટ- કચેરીમાં લડત આપીને આઝાદીની લડતને એક નવી તાકાત આપવાનો પ્રયાસ કર્યો હશે તે માટે આજે જ્યારે આપણે આઝાદીના 75મા વર્ષનું પર્વ મનાવી રહ્યા છીએ ત્યારે દરેક દેશવાસીનું એ કર્તવ્ય બની રહે છે તે દરેક પોતપોતાના સ્તરે, પોતાના વિશિષ્ટ યોગદાનને રાષ્ટ્રના વિકાસ સાથે અવશ્ય જોડે.
તમે જુઓ, જો આપણે એક રાષ્ટ્ર તરીકે જોઈએ તો ભારતે વિતેલા 8 વર્ષમાં અલગ અલગ બાબતો પર રોજે રોજ નવા કદમ ઉઠાવ્યા છે અને નવા કામ કરવાનો પ્રયાસ કર્યો છે. આ ગાળા દરમ્યાન દેશમાં જે જન ભાગીદારીમાં વધારો થયો તેના કારણે દેશના વિકાસને ગતિ મળી છે અને દેશના ગરીબમાં ગરીબ માણસને સશક્ત બનાવવામાં આવ્યો છે. સ્વચ્છ ભારત અભિયાનને કારણે ગરીબને સન્માન સાથે જીવવાની તક મળી છે, પાકુ ઘર, વિજળી, ગેસ, પાણી, મફત સારવાર જેવી સુવિધાઓથી આપણાં ગરીબોની ગરિમામાં વધારો થયો છે. આપણાં નાગરિકોના આત્મવિશ્વાસમાં એક નવી ઊર્જા ભરી શકાઈ છે અને સાથે સાથે સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
કોરોના કાળમાં મફત રાશન આપવાની યોજનાના કારણે 80 કરોડથી વધુ દેશવાસીઓને ભૂખની આશંકામાંથી મુક્તિ મળી છે. દેશની અડધાથી વધુ વસતિ કે જે દેશના વિકાસના વિચારોને તથા તેની ઔપચારિક વ્યવસ્થાથી વંચિત હતી, જેને દૂર રાખવામાં આવી હતી તેમનો સમાવેશ કરીને અમે મિશન મોડ ઉપર કામ કર્યું. નાણાંકિય સમાવેશિતાનું આ આટલું મોટું કામ, આટલા ઓછા સમયમાં દુનિયામાં કોઈ સ્થળે થઈ શક્યું નથી. અને સૌથી મોટી બાબત તો એ છે કે દેશના લોકોને અભાવમાંથી બહાર કાઢીને સપનાં દેખાડવાનું અને તેમનામાં સપનાં સાકાર કરવા માટેનો એક નવો ઉત્સાહ આપણને જોવા મળ્યો છે.
સાથીઓ,
આઝાદીના 7 દાયકા પૂરા થયા પછી આટલું જે પરિવર્તન આવ્યું તેને કેન્દ્રમાં રાખીને લોક કેન્દ્રિત શાસન હોય કે ગુડ ગવર્નન્સનો સતત પ્રયાસ હોય, એક સમય એવો પણ હતો કે જ્યારે આપણાં દેશમાં નીતિઓ અને નિર્ણય સરકાર કેન્દ્રિત રહેતા હતા, એટલે કે કોઈ યોજના શરૂ કર્યા પછી લોકોની એ જવાબદારી રહેતી હતી કે તે સરકાર સુધી પહોંચીને તેનો લાભ ઉઠાવે. આ પ્રકારની વ્યવસ્થાને કારણે સરકાર અને શાસન બંનેની જવાબદારી ઓછી થઈ જતી હતી. હવે જે રીતે કોઈ ગરીબ વિદ્યાર્થીને અભ્યાસ માટે આર્થિક મદદની જરૂર હોય તો તે પહેલાં પોતાના પરિવાર, પોતાના સગા- સંબંધી અથવા તો પોતાના મિત્રો પાસેથી સહાય મેળવવા માટે મજબૂર થઈ જતો હતો. આ કામ માટે સરકારની જે યોજનાઓ હતી તેમાં ઘણી લાંબી પ્રક્રિયા કરવાની રહેતી હતી કે જેથી તે મદદ મેળવવા માટે આગળ વધી શકતો ન હતો અને તે પ્રક્રિયામાં જ તે થાકનો અનુભવ કરતો હતો.
આવી જ રીતે જો કોઈ ઉદ્યોગસાહસિક, કોઈ વ્યાપારી કે કારોબારીને લોનની જરૂરિયાત ઉભી થાય તો તેને પણ અનેક સ્થળોએ ચક્કર લગાવવા પડતા હતા, અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું હતું. ઘણી વખત એવું પણ બનતું હતું કે અધૂરી જાણકારીને કારણે તે મંત્રાલયની વેબસાઈટ સુધી પહોંચી પણ શકતો ન હતો. આવી તકલીફોનું પરિણામ એ આવતું હતું કે વિદ્યાર્થી હોય કે વ્યાપારી, તે પોતાના સપના અધવચ્ચે જ છોડી દેતો હતો અને તેને પૂરા કરવા માટેના કદમ ઉઠાવવામાં આવતા ન હતા.
અગાઉના સમયમાં સરકાર કેન્દ્રિત શાસનને કારણે દેશને ખૂબ મોટું નુકશાન ઉઠાવવું પડ્યું હતું, પણ આજે 21મી સદીનું ભારત લોક કેન્દ્રિત શાસનના અભિગમની સાથે આગળ ધપી રહ્યું છે. એ જનતા જ છે કે જેણે પોતાની સેવા માટે અહિંયા મોકલ્યા છે અને એટલા માટે આપણી એ સર્વોચ્ચ અગ્રતા બની રહે છે કે આપણે જાતે જ લોકો સુધી પહોંચીએ. દરેક પાત્ર વ્યક્તિ સુધી પહોંચવું અને તેને પૂરો લાભ પહોંચાડવાની જવાબદારી આપણાં માથે રહે છે.
અલગ અલગ મંત્રાલયોની, અલગ વેબસાઈટના ચક્કર લગાવવા કરતાં એ બહેતર રહે છે કે તે ભારત સરકારને એક પોર્ટલ સુધી પહોંચે અને તેની સમસ્યાઓનું નિરાકરણ આવે. આજે જન સમર્થ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જે આ લક્ષ્ય સાથે તૈયાર કરવામાં આવ્યું છે. હવે ભારત સરકારની પણ ક્રેડિટ લીંક્ડ યોજનાઓ અલગ અલગ માઈક્રો સાઈટ પર નહીં, પણ એક જ સ્થળે ઉપલબ્ધ થશે. આ જન સમર્થ પોર્ટલ વિદ્યાર્થીઓનું, ઉદ્યોગસાહસિકોનું, વેપારીઓ અને કારોબારીઓનું તથા ખેડૂતોનું જીવન તો આસાન બનાવશે જ, પણ સાથે સાથે તેમના પોતાના સપનાં પૂરા કરવામાં પણ મદદ કરશે. હવે વિદ્યાર્થીઓ આસાનીથી માહિતી મેળવી શકશે કે કઈ સરકારી યોજનામાં તેમને સૌથી વધુ લાભ થવાનો છે અને તેનો લાભ કઈ રીતે ઉઠાવી શકાય છે. એવી જ રીતે આપણાં યુવાનો આસાનીથી એ બાબત નક્કી કરી શકશે કે તેમને મુદ્રા લોન જોઈએ કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા લોન જોઈએ.
જન સમર્થ પોર્ટલના માધ્યમથી દેશના યુવાનોને અને મધ્યમ વર્ગને એન્ડ- ટુ- એન્ડ ડિલિવરીનું એક મોટું માધ્યમ પ્રાપ્ત થયું છે અને જ્યારે લોન લેવામાં જ્યારે આસાની રહેશે ત્યારે ઓછામાં ઓછી પ્રક્રિયાઓ પાર કરવાની રહેશે ત્યારે સ્વાભાવિક છે કે વધુને વધુ લોકો લોન લેવા માટે આગળ આવશે. આ પોર્ટલ સ્વરોજગાર વધારવામાં, સરકારની યોજનાઓને તમામ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા બજાવતું રહેવાનું છે. હું જન સમર્થ પોર્ટલ માટે દેશના યુવાનોને વિશેષ રૂપે અભિનંદન પાઠવું છું. આજે આ સમારંભમાં બેંકીંગ સેક્ટરના દિગ્ગજો પણ મોજૂદ છે. મારો એમને આગ્રહ છે કે તમામ બેંકર્સ પણ જન સમર્થ પોર્ટલને સફળ બનાવવા માટે, યુવાનોને ધિરાણ મેળવવાનું આસાન બનાવવા માટે પોતાની ભાગીદારી વધુને વધુ પ્રમાણમાં વધારે.
સાથીઓ,
કોઈપણ સુધારણા કરવાના હોય કે રિફોર્મ હાથ ધરવાના હોય તો તેનું લક્ષ્ય સ્પષ્ટ છે કે તેના અમલીકરણ બાબતે ગંભીરતા અપનાવવામાં આવે તો તેના સારા પરિણામો મળવાનું નિશ્ચિત બની જાય છે. વિતેલા 8 વર્ષમાં દેશમાં સુધારા કરવામાં આવ્યા છે. તેમાં મોટી અગ્રતા એ બાબતને આપવામાં આવી છે કે આપણાં દેશના યુવાનોને પોતાનું સામર્થ્ય દેખાડવાની તક મળે.
આપણાં યુવાનો પોતાને મનગમતી કંપની આસાનીથી શરૂ કરી શકે, તે પોતાના એકમો આસાનીથી ઊભા કરી શકે અને તેને આસાનીથી ચલાવી શકે તે બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એટલા માટે 30 હજારથી વધુ કોમ્પ્લાયન્સ (નિયમપાલનની વિધિઓ) ઓછી કરીને તથા દોઢ હજારથી વધુ કાયદાઓ સમાપ્ત કરીને કંપનીઓના કાયદાની અનેક જોગવાઈઓને ગુનામુક્ત બનાવીને આપણે એ બાબતની ખાત્રી રાખી છે કે ભારતની કંપનીઓ આગળ ધપે એટલું જ નહીં, નવી ઉંચાઈ પણ પ્રાપ્ત કરે.
સાથીઓ,
રિફોર્મ્સ એટલે કે સુધારા બાબતે આપણે જે બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તે છે સરળીકરણ, સિમ્પ્લીફિકેશન. કેન્દ્ર અને રાજ્યના વેરાઓના જાળાંની જગા હવે જીએસટીએ લીધી છે અને આ સરળીકરણનું પરિણામ પણ દેશ જોઈ રહ્યો છે. હવે દર મહિને જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાનો આંક વટાવી જાય તે બાબત સામાન્ય બની ગઈ છે. ઈપીએફઓ રજીસ્ટ્રેશનની સંખ્યામાં પણ આપણે સતત વધારો થયેલો જોઈ શકીએ છીએ. સુધારણા અને સરળીકરણથી આગળ વધીને આપણે સુગમ વ્યવસ્થાનું નિર્માણ કરી રહ્યા છીએ.
GeM પોર્ટલને કારણે ઉદ્યોગસાહસિકો અને એકમો માટે સરકારને પોતાના ઉત્પાદનો વેચવાનું ખૂબ જ આસાન થઈ ગયું છે અને તેમાં પણ ખરીદીના આંકડા 1 લાખ કરોડનો આંક પાર કરી ગયા છે. આજે દેશમાં મૂડીરોકાણ કરવા માટે ક્યાં ક્યા સંભાવના છે તેની જાણકારી પણ ઈન્વેસ્ટ ઈન્ડિયા પોર્ટલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.
આજે અનેક પ્રકારની મંજૂરીઓ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ પોર્ટલ છે તે કડીમાં આ જન સમર્થ પોર્ટલ પણ દેશના યુવાનોને, દેશના સ્ટાર્ટઅપ્સને ઘણી મોટી મદદ કરવાનું છે. આજે આપણે સુધારણા, સરળીકરણ અને સુગમતાની શક્તિ સાથે આગળ વધીશું તો સુવિધાઓને એક નવું સ્તર પ્રાપ્ત થશે. તમામ ભારતવાસીઓને આ આધુનિક સેવાઓ આપવી અને તે માટે રોજેરોજ નવા પ્રયાસ કરતાં રહેવું, નવા સંકલ્પો લઈને તેને સિધ્ધ કરવા તે આપણા બધાની જવાબદારી બની રહે છે.
સાથીઓ,
વિતેલા 8 વર્ષમાં આપણે બતાવ્યું છે કે ભારત જો સાથે મળીને કોઈ કામ કરવાનો નિશ્ચય કરી લે તો તે સમગ્ર દુનિયા માટે એક નવી આશા બની રહે છે. આજે દુનિયા માત્ર એક મોટા કન્ઝ્યુમર માર્કેટ તરીકે જ નહીં, પણ એક સમર્થ ગેમ ચેન્જર ક્રિએટીવ અને ઈનોવેટીવ વ્યવસ્થા તરીકે આપણી સમક્ષ દુનિયા આજે આશા અને અપેક્ષા સાથે જોઈ રહી છે. દુનિયાના એક મોટા ભાગને ભારત પાસે સમસ્યાઓના ઉકેલની અપેક્ષાઓ છે. અને આવું એટલા માટે શક્ય બની રહ્યું છે કે વિતેલા 8 વર્ષમાં આપણે સામાન્ય ભારતીયના વિવેક ઉપર ભરોંસો કર્યો અને તેમને વૃધ્ધિ માટે આગળ વધવા આપણે જનતાને બૌધ્ધિક સામેલગિરી સાથે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી છે.
આપણને દેશની જનતા ઉપર પૂરો વિશ્વાસ રહ્યો છે કે જે ટેકનોલોજી સુશાસન માટે લાવવામાં આવશે તેનો દેશની જનતા સ્વિકાર કરશે અને તેની પ્રશંસા પણ કરશે. આવા જન વિશ્વાસનું પરિણામ દુનિયાના સર્વ શ્રેષ્ઠ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ સ્વરૂપે આપણી સામે છે. આજે દૂર દૂરના ગામડાંથી માંડીને શહેરોના મહોલ્લાઓમાં લારી- ફેરીવાળા રૂપિયા 10 થી 20ના આર્થિક વ્યવહારો ખૂબ જ આસાનીથી કરી રહ્યા છે.
આપણને ભારતના યુવાનોના ઈનોવેશન અને ઉદ્યોગસાહસિકતા બાબતે એક ઝનૂન છે અને તેની ઉપર ઘણો બધો વિશ્વાસ હતો. દેશના નવયુવાનોમાં છૂપી રીતે પડેલા આ ઝનૂનને માર્ગ દર્શાવવા માટે સ્ટાર્ટઅપ ઈન્ડિયાનું પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. આજે દેશમાં લગભગ 70 હજાર સ્ટાર્ટઅપ્સ છે અને તેમાં દરરોજ ડઝનબંધ નવા સભ્યો ઉમેરાતા રહે છે.
સાથીઓ,
આજે દેશ જે કાંઈ હાંસલ કરી રહ્યો છે તેમાં ખૂબ મોટી ભૂમિકા આત્મપ્રેરણાની પણ છે, સૌના પ્રયાસની છે. દેશવાસી આત્મનિર્ભર ભારત અભિયાનથી માંડીને વોકલ ફોર લોકલ જેવા અભિયાનો સાથે ભાવનાત્મક રીતે જોડાઈ ગયા છે. તેમાં હવે આપ સૌની એટલે કે નાણાં મંત્રાલય અને કોર્પોરેટ બાબતના મંત્રાલયની ભૂમિકા ઘણી વધી ગઈ છે. હવે આપણે યોજનાઓને સંતૃપ્તિ સુધી ઝડપભેર પહોંચાડવાની છે.
આપણે નાણાંકિય સમાવેશિતા માટે પ્લેટફોર્મ તૈયાર કર્યા છે અને હવે આપણે તેના સદુપયોગ માટેની જાગૃતિમાં વધારો કરવાનો છે. જે નાણાંકિય ઉપાયો ભારત માટે તૈયાર કરવામાં આવ્યા છે તે હવે દુનિયાના અન્ય દેશોના નાગરિકો માટે પણ ઉપયોગી થાય તેવા પ્રયાસો પણ હાથ ધરવા જોઈએ.
આપણી બેંકો, આપણી કરન્સી ઈન્ટરનેશનલ સપ્લાય ચેઈનમાં આંતરરાષ્ટ્રીય વેપાર સાથેનો વ્યાપક હિસ્સો કઈ રીતે બને તે બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. અને મને વિશ્વાસ છે કે આઝાદીના અમૃતકાળમાં બહેતર નાણાંકીય અને કોર્પોરેટ ગવર્નન્સને તમે સતત પ્રોત્સાહિત કરતા રહેશો. આજે આ સમારંભ માટે 75 સ્થળોએથી જે કોઈ પણ સાથીઓ અહિંયા બેઠા છે તે તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપતાં મારી વાણીને વિરામ આપું છું.
ખૂબ ખૂબ ધન્યવાદ!