કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મંડળના મારા વરિષ્ઠ સહયોગી શ્રીમાન રાજનાથ સિંહજી, હરદીપ સિંહ પુરીજી, અજય ભટ્ટજી, કૌશલ કિશોરજી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતજી, ત્રણેય સેનાઓના પ્રમુખ, વરિષ્ઠ અધિકારીગણ, અન્ય મહાનુભવ, દેવીઓ અને સજ્જનો!
આઝાદીના 75 વર્ષમાં આજે આપણે દેશની રાજધાનીને નવા ભારતની જરૂરિયાતો અને આકાંક્ષાઓ અનુસાર વિકસિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યા છીએ. આ નવું ડિફેન્સ ઓફિસ કોમ્પ્લેકસ આપણી સેનાઓના કામકાજને વધુ સુવિધાજનક, વધુ અસરકારક બનાવવાના પ્રયાસોને વધુ સશક્ત કરનારું છે. આ નવી સુવિધાઓ માટે સંરક્ષણ સાથે જોડાયેલ તમામ સાથીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ,
આપ સૌ પરિચિત છો કે અત્યાર સુધી સંરક્ષણ સાથે જોડાયેલું આપણું કામકાજ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બનાવવામાં આવેલ હટમેન્ટ્સમાંથી ચાલી રહ્યું હતું. એવા હટમેન્ટ્સ કે જેમને તે સમયે ઘોડાઓના તબેલા અને બેરકો સાથે સંલગ્ન જરૂરિયાતો અનુસાર બનાવવામાં આવ્યા હતા. આઝાદી પછીના દાયકામાં તેમને સંરક્ષણ મંત્રાલય, ભૂ-સેના, નૌસેના અને વાયુસેનાની કચેરીઓના રૂપમાં વિકસિત કરવા માટે સમય સમય પર હલકું ફૂલકું સમારકામ કરી દેવામાં આવતું હતું, કોઈ ઉપરના પદના અધિકારી આવવાના હોય તો થોડું ઘણું રંગરોગાન કરી દેવામાં આવતું હતું અને આમ જ ચાલ્યા કરતું હતું. તેની બારીકાઈઓને જ્યારે મેં જોઈ તો મારા મનમાં સૌથી પહેલો વિચાર એ આવ્યો કે આટલી ખરાબ અવસ્થામાં આપણાં આટલા પ્રમુખ સેનાના લોકો દેશની રક્ષા માટે કામ કરે છે. તેમની આવી હાલતના વિષયમાં આપણી દિલ્હીના મીડિયાએ ક્યારેય કઈં લખ્યું કેમ નહિ. એવું મારા મનમાં થતું હતું, નહિતર આ એવી જગ્યા હતી કે જરૂર કોઈ ને કોઈએ ટીકા કરી હોત કે ભારત સરકાર શું કરી રહી છે. પરંતુ ખબર નહિ કોઈએ આની ઉપર ધ્યાન કેમ નથી આપ્યું. આ હટમેન્ટ્સમાં થનારી તકલીફોને પણ તમે લોકો ખૂબ સારી રીતે જાણો છો.
આજે જ્યારે 21મી સદીના ભારતની સૈન્ય તાકાતને આપણે દરેક દ્રષ્ટિએ આધુનિક બનાવવામાં લાગેલા છીએ, એક એકથી ચડે એવા એક આધુનિક હથિયારોથી સજ્જ કરવામાં લાગેલા છીએ, સરહદ ઇન્ફ્રાસ્ટ્રકચરને આધુનિક બનાવવામાં આવી રહ્યું છે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના માધ્યમથી સેનાઓનું કો-ઓર્ડિનેશન વધુ સારું થઈ રહ્યું છે, સેનાની જરૂરિયાતની વસ્તુઓ જે વર્ષો વર્ષ ચાલતી હતી તેમાં ગતિ આવી છે, ત્યારે દેશની રક્ષા સુરક્ષા સાથે જોડાયેલ કામકાજ દાયકાઓ જૂના હટમેન્ટ્સમાંથી ચાલે, તે કઈ રીતે શક્ય બની શકે તેમ છે અને એટલા માટે આ સ્થિતિઓને બદલવી પણ ખૂબ જરૂરી હતી અને હું એ પણ જણાવવા માંગીશ કે જે લોકો કેન્દ્રીય વિસ્ટાના પ્રોજેક્ટ્સની પાછળ લાકડી લઈને પડ્યા હતા તેઓ ખૂબ ચતુરાઇ સાથે, ખૂબ ચાલાકી સાથે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો આ પણ એક ભાગ છે. સાત હજારથી વધારે સેનાના અધિકારીઓ જ્યાં કામ કરે છે તે વ્યવસ્થા વિકસિત થઈ રહી છે, તેની ઉપર એકદમ ચૂપ રહેતા હતા કારણ કે તેમને ખબર હતી કે જે ભ્રમ ફેલાવવાનો ઇરાદો, જૂઠ ફેલાવવાનો ઇરાદો છે, જેવી આ વાત સામે આવશે તો પછી તેમની બધી જ ગપબાજી ચાલી નહિ શકે પરંતુ આજે દેશ જોઈ રહ્યો છે કે સેન્ટ્રલ વિસ્ટાની પાછળ અમે શું કરી રહ્યા છીએ. હવે કેજી માર્ગ અને આફ્રિકા એવન્યુમાં બનેલી આ આધુનિક કચેરીઓ, રાષ્ટ્રની સુરક્ષા સાથે જોડાયેલ દરેક કામને અસરકારક રીતે ચલાવવામાં ખૂબ મદદ કરશે. રાજધાનીમાં આધુનિક ડિફેન્સ એંકલેવના નિર્માણની જેમ આ મોટું અને મહત્વપૂર્ણ પગલું છે. બંને પરિસરોમાં આપણાં જવાનો અને કર્મચારીઓ માટે દરેક જરૂરી સુવિધા આપવામાં આવી છે. અને હું આજે દેશવાસીઓની સામે મારા મનમાં જે મંથન ચાલી રહ્યું હતું તેનો પણ ઉલ્લેખ કરવા માંગુ છું.
2014માં મને સેવા કરવાનું સૌભાગ્ય આપવામાં આવ્યું અને ત્યારે પણ મને લાગતું હતું કે સરકારી કચેરીઓની સ્થિતિ બરાબર નથી. સંસદ ભવનની હાલત બરાબર નથી અને 2014માં જ આવીને હું સૌથી પહેલા આ કામ કરી શકતો હતો પરંતુ મેં તે માર્ગ પસંદ ના કર્યો. મેં સૌથી પહેલા ભારતની આન બાન શાન, ભારત માટે જીવનારા ભારત માટે ઝઝૂમનારા આપણાં દેશના વીર જવાનો, કે જેઓ માતૃભૂમિ માટે શહિદ થઈ થઈ ગયા તેમનું સ્મારક બનાવવાનું સૌથી પહેલા નક્કી કર્યું અને આજે જે કામ આઝાદી પછી તરત જ થઈ જવું જોઈતું હતું તે કામ 2014 પછી શરૂ થયું અને તે કામને પૂર્ણ કર્યા પછી અમે અમારી કચેરીઓને વ્યવસ્થિત કરવા માટે સેન્ટ્રલ વિસ્ટાનું કામ હાથમાં લીધું. સૌથી પહેલા અમે યાદ કર્યા મારા દેશના વીર શહીદોને, વીર જવાનોને!
સાથીઓ,
આ જે નિર્માણ કાર્ય થયું છે કામકાજની સાથે સાથે અહિયાં આવાસી પરિસર પણ બનાવવામાં આવ્યા છે. જે જવાનો 24x7 મહત્વપૂર્ણ સુરક્ષા કાર્યોમાં લાગેલા રહે છે, તેમની માટે જરૂરી આવાસ, રસોડુ, મેસ, ઈલાજ સાથે જોડાયેલ આધુનિક સુવિધાઓ આ બધાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. દેશભરમાંથી જે હજારો નિવૃત્ત સૈનિક પોતાના જૂના સરકારી કામકાજ માટે અહિયાં આવે છે, તેમનું પણ વિશેષ ધ્યાન રાખવું, તેમને વધારે મુશ્કેલી ના થાય તેની માટે યોગ્ય સંપર્કનું અહિયાં ધ્યાન રાખવામાં આવ્યું છે. એક સારી વાત એ પણ છે કે જે મકાનો બન્યા છે, તે પર્યાવરણને અનુકૂળ છે અને રાજધાની ભવનોનું જે જૂનું રંગરૂપ છે, જે તેની એક ઓળખ છે તેને યથાવત રાખવામાં આવી છે. ભારતના કલાકારોની આકર્ષક કળા કૃતિઓને, આત્મનિર્ભર ભારતના પ્રતીકોને અહિયાં પરિસરોમાં સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે દિલ્હીની જીવંતતા અને અહિયાના પર્યાવરણને સુરક્ષિત રાખીને આપણી સાંસ્કૃતિક વિવિધતાના આધુનિક સ્વરૂપનો અહિયાં દરેક વ્યક્તિ અનુભવ કરશે.
સાથીઓ,
દિલ્હી ભારતની રાજધાની બની તેને 100 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. 100 વર્ષથી વધુના આ કાલખંડમાં અહિયાની વસતિ અને અન્ય પરિસ્થિતિઓમાં ઘણો મોટો ફેરફાર આવી ગયો છે. જ્યારે આપણે રાજધાનીની વાત કરીએ છીએ તો તે માત્ર એક શહેર નથી હોતું. કોઈપણ દેશની રાજધાની તે દેશની વિચારધારા, તે દેશના સંકલ્પ, તે દેશના સામર્થ્ય અને તે દેશની સંસ્કૃતિનું પ્રતિક હોય છે. ભારત તો લોકશાહીની જનની છે. એટલા માટે ભારતની રાજધાની એવી હોવી જોઈએ કે જેના કેન્દ્રમાં લોકો હોય, જનતા જનાર્દન હોય. આજે જ્યારે આપણે જીવન જીવવાની સરળતા અને વ્યવસાય કરવાની સરળતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, તો તેમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચરની પણ તેટલી જ મોટી ભૂમિકા છે. સેન્ટ્રલ વિસ્ટા સાથે જોડાયેલ જે કામ આજે થઈ રહ્યું છે, તેના મૂળમાં એ જ ભાવના છે. તેનો વિસ્તાર આપણે આજે શરૂ થયેલ સેન્ટ્રલ વિસ્ટા સાથે જોડાયેલ વેબસાઇટમાં પણ જોવા મળે છે.
સાથીઓ,
રાજધાનીની આકાંક્ષાઓને અનુરૂપ દિલ્હીમાં નવા નિર્માણ પર વિતેલા વર્ષોમાં ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. દેશભરમાંથી ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓ માટે નવા આવાસ હોય, આંબેડકરજીની સ્મૃતિઓને સંભાળીને રાખવાના પ્રયાસ હોય, અનેક નવા મકાનો હોય, જેની પર સતત કામ કરવામાં આવ્યું છે. આપણી સેના, આપણાં શહીદો, આપણાં બલિદાનીઓના સન્માન અને સુવિધા સાથે જોડાયેલ રાષ્ટ્રીય સ્મારક પણ તેમાં સમાવિષ્ટ છે. આટલા દાયકાઓ પછી સેના, અર્ધસૈનિક દળો અને પોલીસ દળના શહીદો માટે રાષ્ટ્રીય સ્મારક આજે દિલ્હીનું ગૌરવ વધારી રહ્યું છે. અને તેની એક બહુ મોટી વિશેષતા એ રહી છે કે તેમાંથી મોટાભાગના નિર્ધારિત સમય કરતાં પહેલા પૂરા કરી દેવામાં આવ્યા છે નહિતર સરકારોની ઓળખ એ જ હોય છે – થાય છે, ચાલે છે, કઈં વાંધો નહિ, 4-6 મહિના થોડું મોડું થઈ ગયું તો સ્વાભાવિક છે. અમે નવી કાર્ય શૈલી સરકારમાં લાવવાનો ઈમાનદારી સાથે પ્રયાસ કર્યો કે જેથી દેશની સંપત્તિ બરબાદ ના થાય, સમય સીમામાં કામ થાય, નિર્ધારિત ખર્ચ કરતાં પણ થોડો ઓછો ખર્ચો કેમ ના હોય અને વ્યવસાયિકરણ હોય, ચોકસાઇ હોય, આ બધી બાબતો પર અમે ભાર મૂકી રહ્યા છીએ. આ વિચારધારા અને પહોંચમાં આવેલ ચોકસાઇનું એક બહુ મોટું ઉદાહરણ આજે અહિયાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
ડિફેન્સ ઓફિસ કોમ્પ્લેકસનું પણ જે કામ 24 મહિનામાં પૂરું થવાનું હતું તે માત્ર 12 મહિનાના રેકોર્ડ સમયમાં પૂર્ણ કરી દેવામાં આવ્યું છે એટલે કે 50 ટકા સમય બચાવી લેવામાં આવ્યો છે. તે પણ એવા સમયમાં જ્યારે કોરોનાથી ઉત્પન્ન થયેલ પરિસ્થિતિઓમાં શ્રમિકોથી લઈને તમામ પ્રકારના પડકારો સામે હતા. કોરોના કાળમાં સેંકડો શ્રમિકોને આ પ્રોજેક્ટમાં રોજગાર મળ્યો છે. આ નિર્માણ કાર્ય સાથે જોડાયેલ તમામ શ્રમિક સાથી, તમામ એન્જિનિયર, તમામ કર્મચારી, અધિકારી, આ બધા જ આ સમય સીમામાં નિર્માણ માટે તો અભિનંદનના અધિકારી છે જ પરંતુ સાથે સાથે કોરોનાનો એટલો ભયાનક ભય હતો, જીવન અને મૃત્યુની વચ્ચે પ્રશ્નપૂર્ણ નિશાન હતા, તે સમયમાં પણ રાષ્ટ્ર નિર્માણના આ પવિત્ર કાર્યમાં જે જે લોકોએ યોગદાન આપ્યું છે, આખો દેશ તેમને અભિનંદન આપે છે. સંપૂર્ણ દેશ તેમનું અભિવાદન કરે છે. આ દર્શાવે છે કે જ્યારે નીતિ અને નિયત સ્પષ્ટ હોય, ઈચ્છાશક્તિ પ્રબળ હોય, પ્રયાસ ઈમાનદાર હોય, તો કઈં પણ અસંભવ નથી હોતું, બધુ જ શક્ય બની શકે છે. મને વિશ્વાસ છે, દેશની સંસદ ઇમારતનું નિર્માણ પણ, જે રીતે હરદીપજી ખૂબ વિશ્વાસ સાથે જણાવી રહ્યા હતા, નિર્ધારિત સમય સીમાની અંદર જ પૂર્ણ થઈ જશે.
સાથીઓ,
આજે બાંધકામમાં જે ઝડપ જોવા મળી રહી છે, તેમાં નવી બાંધકામ ટેકનોલોજીની પણ મોટી ભૂમિકા છે. ડિફેન્સ ઓફિસ કોમ્પ્લેકસમાં પણ પરંપરાગત આરસીસી નિર્માણને બદલે ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવી ટેકનોલોજીના પગલે આ મકાન આગ અને અન્ય કુદરતી આપદાઓથી વધારે સુરક્ષિત છે. આ નવા પરિસરોના બની જવાથી ડઝનબંધ એકરમાં ફેલાયેલા જૂના હટમેન્ટ્સના સમારકામમાં જે ખર્ચ દર વર્ષે કરવો પડતો હતો, તેની પણ બચત થશે. મને ખુશી છે કે આજે દિલ્હી જ નહિ પરંતુ દેશના અન્ય શહેરોમાં પણ સ્માર્ટ સુવિધાઓ વિકસિત કરવા, ગરીબોને પાકા મકાન આપવા માટે આધુનિક બાંધકામ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. દેશના 6 શહેરોમાં ચાલી રહેલ લાઇટ હાઉસ પ્રોજેક્ટ્સ આ દિશામાં એક બહુ મોટો પ્રયોગ છે. આ ક્ષેત્રમાં નવા સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જે ગતિ અને જે પાયા પર આપણે આપણાં શહેરી કેન્દ્રોને પરિવર્તિત કરવાના છે, તે નવી ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ વડે જ શક્ય છે.
સાથીઓ,
આ જે ડિફેન્સ ઓફિસ કોમ્પ્લેકસ બનાવવામાં આવ્યા છે, તે કાર્ય સંસ્કૃતિમાં આવેલ એક અન્ય પરિવર્તન અને સરકારની પ્રાથમિકતાનું પ્રતિબિંબ છે. આ પ્રાથમિકતા છે, ઉપલબ્ધ જમીનનો સદુપયોગ. અને માત્ર જમીન જ નહિ, અમારો એ વિશ્વાસ છે અને અમારો એ પ્રયાસ છે કે આપણાં જે પણ સંસાધનો છે, આપણી જે પણ પ્રાકૃતિક સંપત્તિઓ છે તેનો મહત્તમ ઉપયોગ થવો જોઈએ. આડેધડ આવી સંપદાની બરબાદી દેશ માટે યોગ્ય નથી અને આ વિચારધારાના પરિણામ સ્વરૂપ સરકારના જુદા જુદા વિભાગો પાસે જે જમીનો છે તેમના યોગ્ય મહત્તમ ઉપયોગ પર સંપૂર્ણ આયોજન સાથે આગળ વધવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ જે નવા પરિસર બનાવવામાં આવ્યા છે તે લગભગ 13 એકર જમીનમાં બન્યા છે. દેશવાસી આજે જ્યારે આ સાંભળશે, જે લોકો દિવસ રાત અમારા કામની ટીકા કરે છે, તેમનો ચહેરો સામે રાખીને આ વાતોને સાંભળે દેશવાસી. દિલ્હી જેવી આટલી મહત્વપૂર્ણ જગ્યા પર 62 એકર જમીનમાં રાજધાનીની અંદર 62 એકર ભૂમિમાં, આટલી વિશાળ જગ્યા પર આ જે હટમેન્ટ્સ બનેલા હતા, તેમને ત્યાંથી ખસેડવામાં આવ્યા અને ઉત્તમ પ્રકારની આધુનિક વ્યવસ્થા માત્ર 13 એકર ભૂમિમાં નિર્માણ થઈ ગઈ. દેશની સંપત્તિનો કેટલો મોટો સદુપયોગ થઈ રહ્યો છે એટલે કે આટલી મોટી અને આધુનિક સુવિધાઓ માટે પહેલાંની સરખામણીએ લગભગ 5 ગણી ઓછી જમીનનો ઉપયોગ થયો છે.
સાથીઓ,
આઝાદીના અમૃતકાળ એટલે કે આવનારા 25 વર્ષોમાં નવા આત્મનિર્ભર ભારતના નિર્માણનું આ મિશન સૌના પ્રયાસ વડે જ શક્ય બની શકશે. સરકારી વ્યવસ્થાની ઉત્પાદકતા અને અસરકારકતા વધારવાનું જે બીડું આજે દેશે ઉપાડ્યું છે, અહિયાં બની રહેલા નવા ભવન તે સપનાઓને ટેકો આપી રહ્યા છે, તે સંકલ્પને સાકાર કરવાનો વિશ્વાસ જગાડી રહ્યા છે. કોમન કેન્દ્રીય સચિવાલય હોય, સાથે જોડાયેલ કોન્ફરન્સ હૉલ હોય, મેટ્રો જેવા જાહેર વાહનવ્યવહાર સાથે સુલભ સંપર્ક હોય, એ બધુ જ રાજધાનીને લોકોને અનુકૂળ બનાવવામાં પણ ખૂબ મદદ કરશે. આપણે બધા જ આપણાં લક્ષ્યોને ઝડપથી પ્રાપ્ત કરીએ, એ જ કામના સાથે હું ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.
ખૂબ ખૂબ આભાર!