નમસ્કાર,
રાજસ્થાનની ધરતીના સપૂત અને ભારતની સૌથી મોટી પંચાયત લોકસભાના કસ્ટોડિયન, આપણાં માનનિય સ્પીકર શ્રીમાન ઓમ બિરલાજી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમાન અશોક ગેહલોતજી, કેન્દ્રના આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાજી, કેન્દ્રિય મંત્રી મંડળના મારા અન્ય તમામ સહયોગી શ્રીમાન ગજેન્દ્ર સિંહ સેખાવતજી, ભૂપેન્દ્ર યાદવજી, અર્જુન રામ મેઘવાલજી, કૈલાસ ચૌધરીજી, ડો. ભારતી પવારજી, ભગવંત ખૂબાજી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી બહેન વસુંધરા રાજેજી, નેતા વિપક્ષ ગુલાબચંદ કટારિયાજી, રાજસ્થાન સરકારના અન્ય મંત્રીગણ, સાંસદગણ, વિધાયકગણ, કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો અને રાજસ્થાનના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
100 વર્ષની સૌથી મોટી મહામારીએ દુનિયાના આરોગ્ય ક્ષેત્ર સામે અનેક પડકારો ઉભા કરી દીધા છે અને આ મહામારીએ ઘણું બધુ શીખવ્યું પણ છે અને ઘણું બધુ શીખવી પણ રહી છે. તમામ દેશ પોતપોતાની રીતે આ સંકટને પાર પાડવામાં જોડાઈ ગયા છે. ભારતે આ આપત્તિમાં આત્મનિર્ભરતાનો, પોતાના સામર્થ્યમાં વધારો કરવાનો સંકલ્પ લીધો છે. રાજસ્થાનમાં ચાર નવી મેડિકલ કોલેજોના નિર્માણની કામગીરીનો પ્રારંભ અને જયપુરમાં ઈન્સ્ટીટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ ટેકનોલોજીનું ઉદ્દઘાટન આ દિશામાં એક મહત્વનું કદમ છે. હું રાજસ્થાનના તમામ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આજે મને રાજસ્થાનના આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાગ લેવાનો જે મોકો મળ્યો છે તે બદલ હું રાજસ્થાનના દીકરા- દીકરીઓને પણ અભિનંદન આપવા માંગુ છું. જેમણે ઓલિમ્પિકમાં હિંદુસ્તાનનો ઝંડો રોપવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે તેવા રાજસ્થાનના મારા દીકરા- દીકરીઓને પણ ફરી એક વખત હું અભિનંદન આપવા માગું છું. આજે જ્યારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે જયપુર સહિત દેશના 10 સિપેટ સેન્ટરમાં પ્લાસ્ટિક અને તેની સાથે જોડાયેલા વેસ્ટ મેનેજમેન્ટના નિયમો બાબતે જાગૃતિ કાર્યક્રમ પણ ચાલી રહ્યા છે. આ પહેલ માટે પણ હું દેશના તમામ ગણમાન્ય નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
ભાઈઓ અને બહેનો,
વર્ષ 2014માં રાજસ્થાનમાં 23 નવી મેડિકલ કોલેજો માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે એમાંથી 7 મેડિકલ કોલેજોએ કામ કરવાનું શરૂ કરી દીધુ છે અને આજે વાંસવાડા, સિરોહી, હનુમાનગઢ અને દૌસામાં નવી મેડિકલ કોલેજોના નિર્માણની કામગીરી શરૂ થઈ ગઈ છે. હું આ વિસ્તારોના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મેં જોયું છે કે અહિંના જે લોકપ્રતિનિધિ છે કે જે અમારા માનનિય સાંસદ છે તેમની સાથે જ્યારે પણ મુલાકાત થાય છે ત્યારે તે જણાવે છે કે મેડિકલ કોલેજ બનવાથી કેટલા ફાયદા થશે. મારા મિત્ર, સાંસદ ભાઈ 'કનક- મલ' કટારાજી હોય, કે અમારી સિનિયર સાંસદ બહેન જસકૌર મિણાજી હોય, મારા ખૂબ જૂના સાથી ભાઈ નિહાલચંદ ચૌહાણ હોય કે પછી અમારા અડધા ગુજરાતી અને અડધા રાજસ્થાની એવા ભાઈ દેવજી પટેલ હોય. આપ સૌ રાજસ્થાનમાં તબીબી માળખાકીય સુવિધા અંગે ખૂબ જ જાગૃત રહ્યા છો. મને વિશ્વાસ છે કે આ નવી તબીબી કોલેજોનું નિર્માણ રાજ્ય સરકારના સહયોગથી સમયસર પૂરૂં થશે.
સાથીઓ,
આપણે સૌએ જોયું છે કે થોડાંક દાયકા પહેલાં દેશની તબીબી વ્યવસ્થાઓની કેવી હાલત હતી. 2001માં, આજથી 20 વર્ષ પહેલાં જ્યારે મને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપવાની તક મળી ત્યારે આરોગ્ય ક્ષેત્રની સ્થિતિ ત્યાં પણ ખૂબ જ પડકારરૂપ હતી. તબીબી માળખાકીય સુવિધાઓ હોય કે પછી તબીબી શિક્ષણ હોય કે પછી સારવારની સુવિધા હોય, દરેક પાસાં અંગે ઝડપથી કામ કરવાની જરૂર હતી. અમે આ પડકાર ઉપાડી લીધો અને સાથે મળીને સ્થિતિ બદલવાની કોશિશ કરી. એ સમયે ગુજરાતમાં મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ ગરીબ પરિવારોને રૂ.2 લાખ સુધીની મફત સારવારની સુવિધા શરૂ કરવામાં આવી હતી. ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલમાં ડિલિવરી માટે ચિરંજીવી યોજના હેઠળ પ્રોત્સાહિત કરવામાં આવી, જેના કારણે માતાઓ અને બાળકોનો જીવ બચાવવામાં વધુ સફળતા મળી. તબીબી શિક્ષણ બાબતે પણ વિતેલા બે દાયકામાં અથાગ પ્રયાસોના કારણે ગુજરાતની તબીબી બેઠકોમાં આશરે 6 ગણી વૃધ્ધિ થઈ શકી છે.
સાથીઓ,
મુખ્યમંત્રી તરીકે મેં દેશના આરોગ્ય ક્ષેત્રની જે ઊણપોનો અનુભવ કર્યો છે, વિતેલા 6 થી 7 વર્ષમાં તે ઊણપોને દૂર કરવાની સતત કોશિશ કરવામાં આવી રહી છે અને આપણને સૌને ખબર છે કે આપણાં બંધારણ હેઠળ ફેડરલ માળખાની વ્યવસ્થા છે અને તેમાં આરોગ્ય એ રાજ્યનો વિષય છે, રાજ્યની જવાબદારી છે, પરંતુ મેં રાજ્યના મુખ્યમંત્રી તરીકે રહીને લાંબા સમય સુધી જે મુશ્કેલીઓ સહન કરી હતી તેનો મને ખ્યાલ હતો. આથી મેં ભારત સરકારમાં આવીને, ભલે રાજ્ય સરકારની જવાબદારી હોય તો પણ તેમાં ઘણું બધુ કામ કરવું જોઈએ. ભારત સરકારે એ દિશામાં અમે પણ પ્રયાસો શરૂ કર્યા. આપણે ત્યાં એક મોટી સમસ્યા એ હતી કે દેશની આરોગ્ય પ્રણાલિ ઘણાં બધા ટૂકડાઓમાં વહેંચાયેલી હતી. અલગ અલગ રાજ્યોની તબીબી પ્રણાલિમાં રાષ્ટ્રિય સ્તરે કનેક્ટિવિટી અને કલેક્ટિવ અભિગમનો અભાવ હતો. ભારત જેવા દેશમાં કે જ્યાં બહેતર આરોગ્ય સેવાઓ રાજ્યની રાજધાની કે કેટલાક મેટ્રો શહેરો સુધી જ સિમીત હતી, જ્યાં ગરીબ પરિવાર રોજગાર માટે એક શહેરમાંથી બીજા શહેરમાં જતા હતા ત્યાં રાજ્યોની સીમાઓ સુધી સમેટાયેલી આરોગ્ય યોજનાઓનો ઝાઝો લાભ મળી શકતો ન હતો. આ પ્રકારે પ્રાથમિક આરોગ્ય સંભાળ અને મોટી હોસ્પિટલોમાં પણ એક ખૂબ મોટી ઊણપ નજરે પડતી હતી. જે આપણી પરંપરાગત સારવાર પધ્ધતિ અને આધુનિક સારવાર પધ્ધતિ વચ્ચે તાલમેલની ઊણપ હતી. આ વહિવટી ઊણપોને દૂર કરવામાં આવે તે ખૂબ જરૂરી હતું. દેશના આરોગ્ય ક્ષેત્રનું પરિવર્તન કરવા માટે આપણે એક રાષ્ટ્રિય અભિગમ, એક નવી રાષ્ટ્રિય આરોગ્ય નીતિ ઉપર કામ કર્યું. સ્વચ્છ ભારત અભિયાનથી શરૂ કરીને આયુષમાન ભારત અને હવે આયુષમાન ભારત ડિજિટલ મિશન સુધી, એવા અનેક પ્રયાસ કરવામાં આવ્યા છે તેનો આ હિસ્સો છે. આયુષમાન ભારત યોજનાથી શરૂ કરીને અત્યાર સુધીમાં રાજસ્થાનના આશરે સાડા ત્રણ લાખ લોકોની મફત સારવાર થઈ ચૂકી છે. ગામડાંમાં આરોગ્ય સુવિધાઓને મજબૂત કરવા માટે આશરે અઢી હજાર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર હાલમાં કામ કરતા થઈ ગયા છે. સરકારનો ઝોક પ્રિવેન્ટિવ હેલ્થ કેર ઉપર પણ છે. અમે નવુ આયુષ મંત્રાલય પણ બનાવ્યું છે. આયુર્વેદ અને યોગને પણ સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
ભાઈઓ અને બહેનો,
વધુ એક મોટી સમસ્યા તબીબી માળખાકીય સુવિધાઓના નિર્માણ માટેની ધીમી ગતિ પણ છે. ભલે એઈમ્સ હોય, મેડિકલ કોલેજ હોય કે પછી એઈમ્સ જેવી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ હોય, તેમનું નેટવર્ક દેશના ખૂણે ખૂણા સુધી ઝડપથી ફેલાય તે ખૂબ જ જરૂરી છે. આજે આપણે સંતોષ સાથે કહી શકીએ તેમ છીએ કે 6 એઈમ્સથી આગળ વધીને આજે ભારતમાં 22થી વધુ એઈમ્સનું સશક્ત નેટવર્ક આગળ ધપી રહ્યું છે. આ 6 થી 7 વર્ષમાં 170થી વધુ નવી તબીબી કોલેજો તૈયાર થઈ ચૂકી છે અને 100 કરતાં વધુ નવી મેડિકલ કોલેજ માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. વર્ષ 2014માં દેશમાં તબીબી અન્ડર ગ્રેજ્યુએટ્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સની કુલ બેઠકો આશરે 82,000 હતી, આજે તેની સંખ્યા વધીને 1,40,000 બેઠક સુધી પહોંચી છે. એટલે કે આજે વધુ નવયુવાનોને ડોક્ટર બનવાની તક પ્રાપ્ત થઈ રહી છે. આજે અગાઉ કરતાં વધુ નવયુવાનો ડોક્ટર બની રહ્યા છે. તબીબી શિક્ષણની આ ઝડપી પ્રગતિનો ખૂબ મોટો લાભ રાજસ્થાનને પણ મળ્યો છે. રાજસ્થાનમાં પણ આ ગાળા દરમ્યાન તબીબી બેઠકોમાં બમણા કરતાં વધુ વધારો થયો છે. યુજી બેઠકો 2000થી વધીને 4,000થી વધુ થઈ છે. પીજી બેઠકો રાજસ્થાનમાં હજારથી પણ ઓછી હતી તે આજે પીજી બેઠકો 2100 સુધી પહોંચી ગઈ છે.
ભાઈઓ અને બહેનો,
આજે દેશનો એ પ્રયાસ રહ્યો છે કે દરેક જિલ્લામાં એક તબીબી કોલેજ કે પછી પોસ્ટ ગ્રેજ્યુએટ તબીબી શિક્ષણ પૂરૂ પાડનારી ઓછામાં ઓછી એક સંસ્થા હોવી જોઈએ. આ ગાળા દરમ્યાન તબીબી શિક્ષણ સાથે જોડાયેલા શાસનથી માંડીને અન્ય નીતિઓ, કાયદાઓ વગેરેમાં સુધારા કરવામાં આવ્યા છે. આપણે જોયું છે કે અગાઉ જે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા- એમસીઆઈ હતી તેના નિર્ણયો બાબતે કેવા સવાલો ઊભા થતા હતા, જાત જાતના આરોપ મૂકવામાં આવતા હતા. સંસદમાં પણ કલાકો સુધી તેની ચર્ચા થતી હતી. પારદર્શિતાના વિષયે સવાલો કરવામાં આવતા હતા, આરોપો મૂકવામાં આવતા હતા. તેનો ખૂબ મોટો પ્રભાવ દેશમાં તબીબી શિક્ષણની ગુણવત્તા અને આરોગ્ય સેવાઓ આપવાની વ્યવસ્થા ઉપર પણ પડી રહ્યો હતો. વર્ષોથી દરેક સરકાર એવું વિચારતી હતી કે કશુંક કરવું જોઈએ, પરિવર્તન લાવવું જોઈએ, કેટલાક નિર્ણયો કરવા જોઈએ, પણ આ બધુ થઈ શકતું ન હતું. મને પણ આ કામ કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ નડી છે. સંસદમાં અનેક કામ ગઈ સરકાર વખતે અમે કરવા માંગતા હતા, પણ કરી શક્યા ન હતા. એટલા બધા જૂથ, એટલા મોટા અડંગા ઉભા કરતા હતા કે ઘણી બધી મુસીબતો પછી આખરે આ કામ થઈ શક્યું છે. અમને પણ આ બધુ ઠીક કરવામાં ખૂબ જ મહેનત કરવી પડી છે. હવે આ વ્યવસ્થાઓની જવાબદારી નેશનલ મેડિકલ કમિશન પાસે છે. તેનો ઘણો બહેતર પ્રભાવ દેશના આરોગ્ય ક્ષેત્રના માનવ સંસાધનો અને આરોગ્ય સેવાઓ ઉપર દેખાવાનું શરૂ થઈ ગયું છે.
સાથીઓ,
દાયકાઓ જૂની આરોગ્ય પ્રણાલિમાં આજે જરૂરિયાત મુજબ પરિવર્તન કરવું જરૂરી બન્યું છે. તબીબી શિક્ષણ હોય કે પછી આરોગ્ય સેવા પૂરી પાડવાની બાબત હોય, તેમાં જે ઊણપ હતી તે ઓછી કરવાનું કામ સતત ચાલી રહ્યું છે. મોટી હોસ્પિટલો, પછી ભલેને તે સરકારી હોય કે ખાનગી તેમના સંસાધનોને, નવા ડોક્ટર, નવા પેરામેડિક્સ તૈયાર કરવામાં વધુને વધુ ઉપયોગ થાય તે બાબત ઉપર સરકાર વધુ ભાર મૂકી રહી છે. ત્રણ -ચાર દિવસ પહેલાં શરૂ થયેલા આયુષમાન ભારત ડિજિટલ મિશન દેશના ખૂણે ખૂણા સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં ઘણી મદદ કરશે. સારી હોસ્પિટલ, ટેસ્ટીંગ લેબ્ઝ, ફાર્મસી, ડોક્ટરોની નિમણૂંક વગેરે એક ક્લિકથી થશે. તેના કારણે દર્દીઓને પોતાના આરોગ્યનો રેકર્ડ સંભાળીને રાખવાની સુવિધા પણ પ્રાપ્ત થશે.
ભાઈઓ અને બહેનો,
આરોગ્ય સેવા સાથે જોડાયેલા કુશળ માનવબળની સીધી અસર સ્વાસ્થ્યસેવાઓ ઉપર થતી હોય છે અને આ બાબતનો અમે કોરોના કાળમાં વધુ અનુભવ કર્યો છે. કેન્દ્ર સરકારના સૌને રસી, મફત રસી અભિયાનની સફળતા તેનું પ્રતિબિંબ છે. આજે ભારતમાં કોરોનાની રસીના 88 કરોડ કરતાં વધુ ડોઝ લાગી ચૂક્યા છે. રાજસ્થાનમાં પણ પાંચ કરોડ કરતાં વધુ રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે. હજારો સેન્ટર્સ ઉપર આપણાં ડોક્ટરો, નર્સો, તબીબી સ્ટાફ રસી આપવામાં સતત જોડાઈ ગયા છે. તબીબી ક્ષેત્રમાં દેશનું આ સામર્થ્ય હજુ વધારવાનું છે. ગામડાં અને ગરીબ પરિવારોમાંથી આવનારા યુવકો માટે માત્ર અંગ્રેજી ભાષામાં તબીબી અને ટેકનિકલ શિક્ષણના અભ્યાસને કારણે એક અવરોધ નડી રહ્યો છે. હવે નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિ હેઠળ હિંદી અને અન્ય ભારતીય ભાષાઓમાં તબીબી શિક્ષણ માટેનો માર્ગ મોકળો થયો છે. રાજસ્થાનના ગામડાં, ગરીબ પરિવારોની માતાઓ પણ પોતાના સંતાનો માટે જે સપનાઓ જુએ છે તે હવે વધુ આસાનીથી પાર પડશે. ગરીબનો દીકરો પણ, ગરીબની દીકરી કે જેને અંગ્રેજી શાળામાં ભણવાની તક મળી નથી તે પણ હવે ડોક્ટર બનીને માનવતાની સેવા કરશે. એ જરૂરી પણ છે કે તબીબી શિક્ષણ સાથે જોડાયેલી તકો સમાજના દરેક વર્ગ, દરેક વિસ્તારને સમાન રીતે પ્રાપ્ત થાય. તબીબી શિક્ષણમાં ઓબીસી અને આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના યુવાનોને અનામત આપવાની પાછળ પણ આ ભાવના કામ કરી રહી છે.
સાથીઓ,
આઝાદીના આ અમૃતકાળમાં ઉચ્ચસ્તરનું કૌશલ્ય ભારતની તાકાત તો વધારશે જ, પણ સાથે સાથે આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સિધ્ધ કરવામાં મોટી ભૂમિકા નિભાવશે. સૌથી ઝડપથી જેનો વિકાસ થઈ રહ્યો છે તેવા ઉદ્યોગોમાંના એક પેટ્રો- કેમિકલ ઈન્ડસ્ટ્રી માટે પણ કુશળ માનવબળ આજની જરૂરિયાત છે. રાજસ્થાનનું નવું ઈન્સ્ટીટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ ટેકનોલોજી આ ક્ષેત્રમાં દર વર્ષે સેંકડો યુવાનોને નવી તકો સાથે જોડશે. પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ આજકાલ કૃષિ, આરોગ્ય અને ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીથી માંડીને જીવનના દરેક ક્ષેત્રમાં વધી રહ્યો છે. આથી જ કુશળ યુવાનો માટે આવનારા વર્ષોમાં રોજગારની અનેક તકો ઊભી થવાની છે.
સાથીઓ,
આજે જ્યારે આપણે પેટ્રોકેમિકલ સંસ્થાનું ઉદ્દઘાટન કરી રહ્યા છીએ ત્યારે મને 13-14 વર્ષ પહેલાંના એ દિવસો પણ યાદ આવી રહ્યા છે કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં અમે પેટ્રોલિયમ યુનિવર્સિટીના વિચાર અંગે કામ શરૂ કર્યું હતું ત્યારે કેટલાક લોકો આ વિચાર ઉપર હસતા હતા કે આખરે યુનિવર્સિટીની જરૂર શું છે, તે શું કરી શકશે અને ત્યાં અભ્યાસ કરવા માટે છાત્ર- છાત્રાઓ ક્યાંથી આવશે? પરંતુ અમે આ વિચારને પડતો ના મૂક્યો. રાજધાની ગાંધીનગરમાં જમીન શોધવામાં આવી અને પછી પંડિત દીન દયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી- પીડીપીયુની શરૂઆત થઈ. ખૂબ જ ટૂંકાગાળામાં પીડીપીયુએ બતાવી દીધું કે તેનું સામર્થ્ય શું છે. અભ્યાસ કરવા માટે સમગ્ર દેશમાંથી અહીં આવવા માટે હોડ મચી ગઈ. હવે આ યુનિવર્સિટીના વિઝનનો વધુ વિસ્તાર થઈ ચૂક્યો છે. હવે તેને પંડિત દીન દયાળ એનર્જી યુનિવર્સિટી- પીડીઈયુ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની સંસ્થાઓ હવે ભારતના યુવાનોને ક્લિન એનર્જી માટે નવતર પ્રકારના ઉપાયો શોધવા માટેનો માર્ગ દર્શાવી રહી છે અને તેમની નિપુણતા વધતી જાય છે.
સાથીઓ,
બાડમેરમાં રાજસ્થાન રિફાઈનરી પ્રોજેકટ અંગેનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે રૂ.70 હજાર કરોડથી વધુ મૂડી રોકાણ કરવામાં આવી રહ્યું છે. ઈન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ ટેકનોલોજીમાંથી ભણીને તૈયાર થનારા વ્યવસાયીઓ માટે આ પ્રોજેક્ટ ઘણી બધી નવી તકો ઊભી કરશે. રાજસ્થાનમાં સીટી ગેસ વિતરણનું જે કામ ચાલી રહ્યું છે, તેમાં પણ યુવાનો માટે ઘણી બધી તકો છે. વર્ષ 2014 સુધીમાં રાજસ્થાનમાં માત્ર એક જ શહેરમાં સીટી ગેસ વિતરણની મંજૂરી હતી. આજે રાજસ્થાનના 17 જિલ્લા સીટી ગેસ વિતરણના નેટવર્ક માટે અધિકૃત બની ચૂક્યા છે. આવનારા વર્ષોમાં દરેક જિલ્લામાં પાઈપથી ગેસ પહોંચાડવાનું નેટવર્ક બની જશે.
ભાઈઓ અને બહેનો,
રાજસ્થાનનો એક મોટો વિસ્તાર રણ વિસ્તાર તો છે જ, સરહદી વિસ્તાર પણ છે. આકરી ભૌગોલિક પરિસ્થિતિઓના કારણે આપણી માતાઓ અને બહેનો ઘણાં બધા પડકારોનો સામનો કરી રહી છે. ઘણાં વર્ષથી હું રાજસ્થાનના દૂર દૂરના વિસ્તારોમાં આવતો જતો રહ્યો છું. મેં જોયું છે કે શૌચાલય, વિજળી અને ગેસના જોડાણના અભાવને કારણે માતાઓ અને બહેનોને કેટલી બધી મુશ્કેલીઓ પડતી હતી. ગરીબમાં ગરીબના ઘેર શૌચાલય અને ગેસનું જોડાણ પહોંચવાના કારણે જીવન ખૂબ જ આસાન બની ગયું છે. પીવાનું પાણી તો રાજસ્થાનમાં, એક રીતે કહીએ તો વિતેલા દિવસોમાં માતાઓ અને બહેનોની ધીરજની પરિક્ષા લેતું રહ્યું છે. આજે જળ જીવન મિશન હેઠળ રાજસ્થાનના 21 લાખ કરતાં વધુ પરિવારોને પાઈપથી પાણી પહોંચાડવાનું શરૂ થઈ ચૂક્યું છે. હર ઘર જળ અભિયાન રાજસ્થાનની માતાઓ અને બહેન-દીકરીઓના પગમાં વર્ષોથી જે છાલાં પડતાં હતા તેની પર મલમ લગાવવાનો આ એક નાનો પણ ઈમાનદાર પ્રયાસ છે.
સાથીઓ,
રાજસ્થાનનો વિકાસ, ભારતના વિકાસને ગતિ આપી રહ્યો છે. જ્યારે રાજસ્થાનના લોકોની, ગરીબની, મધ્યમ વર્ગની સગવડો વધે છે ત્યારે તેમના જીવન જીવવામાં આસાની વધે છે અને તેનાથી મને પણ સંતોષ થાય છે. વિતેલા 6 થી 7 વર્ષોમાં કેન્દ્ર સરકારની આવાસ યોજનાઓના માધ્યમથી રાજસ્થાનમાં ગરીબો માટે 13 લાખ કરતાં વધુ પાકા મકાનો બનાવવામાં આવ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ રાજસ્થાનના 74 લાખ કરતાં વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં આશરે 11 હજાર કરોડ રૂપિયા સીધા ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર થયા છે. પ્રધાનમંત્રી વીમા યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને 15 હજાર કરોડ રૂપિયાથી વધુ દાવા (ક્લેઈમ) પણ આપવામાં આવ્યા છે.
સાથીઓ,
સરહદી રાજ્ય હોવાના નાતે કનેક્ટિવિટી અને સરહદી વિસ્તાર વિકાસને અગ્રતાનો લાભ પણ રાજસ્થાનને મળી રહ્યો છે. નેશનલ હાઈવેના નિર્માણની બાબત હોય, નવી રેલવે લાઈનોનું કામ હોય, સિટી ગેસ વિતરણ હોય, ડઝનબંધ પ્રોજેક્ટસ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. દેશની રેલવેનું પરિવર્તન કરનાર ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરનો મોટો હિસ્સો પણ રાજસ્થાન અને ગુજરાતમાં જ છે. તેના કામને કારણે પણ રોજગારીની અનેક સંભાવનાઓ ઊભી થઈ રહી છે.
ભાઈઓ અને બહેનો,
રાજસ્થાનનું સામર્થ્ય સમગ્ર દેશને પ્રેરણા પૂરી પાડી રહ્યું છે. આપણે રાજસ્થાનના સામર્થ્યને પણ વધારવાનું છે અને દેશને પણ નવી ઉંચાઈઓ સુધી લઈ જવાનો છે. આપણાં સૌનો આ પ્રયાસ સબકા પ્રયાસથી શક્ય બનશે. સબકા પ્રયાસ એ આઝાદીના 75 વર્ષમાં આપણે સૌના સાચા પ્રયાસથી આ મંત્ર લઈને તાકાતમાં વધારો કરવા માટે આગળ વધવાનું છે. ભારતની આઝાદીના આ અમૃતકાળ રાજસ્થાનના વિકાસનો પણ સ્વર્ણિમકાળ બને તે અમારી શુભકામના છે. હજુ હમણાં હું જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રીજીને સાંભળી રહ્યો હતો ત્યારે તેમણે કામો માટેની એક લાંબી યાદી દર્શાવી છે. હું રાજસ્થાનના મુખ્યમંત્રીજીને પણ ધન્યવાદ આપું છું કે તેમને મારી ઉપર ભરોસો છે અને લોકતંત્રમાં આ જ ખૂબ મોટી તાકાત છે. તેમની રાજનીતિક વિચારધારા પણ, પક્ષ અલગ છે. મારી રાજનીતિક વિચારધારા, પક્ષ અલગ છે, પરંતુ અશોકજીનો મારા ઉપર જે વિશ્વાસ છે તેના કારણે આજે તેમણે દિલ ખોલીને ઘણી બધી બાબતો જણાવી છે. આ દોસ્તી, આ વિશ્વાસ, આ ભરોસો લોકશાહીની ખૂબ મોટી તાકાત છે. હું ફરી એક વખત રાજસ્થાનના લોકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.
ધન્યવાદ!