ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી અને લખનઉના જ સાંસદ, અમારા વરિષ્ઠ સાથી, શ્રીમાન રાજનાથ સિંહજી, શ્રી હરદીપ સિંહ પુરીજી, મહેન્દ્ર નાથ પાંડેજી, અહિયાના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉપમુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્યજી, શ્રી દિનેશ શર્માજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી શ્રીમાન કૌશલ કિશોરજી, રાજ્ય સરકારના મંત્રીગણ, સાંસદ, ધારાસભ્યો, દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલા તમામ આદરણીય મંત્રીગણ, અન્ય તમામ મહાનુભવો અને ઉત્તર પ્રદેશના મારા વ્હાલા બહેનો અને ભાઈઓ!
લખનઉ આવું છું તો અવધના આ ક્ષેત્રનો ઇતિહાસ, મલિહાબાદ દશહરી જેવી મીઠી બોલી, ખાણી પીણી, કુશળ કારીગરી, કળા સ્થાપત્ય આ બધુ જ સામે દેખાવા માંડે છે. મને સારું લાગ્યું કે ત્રણ દિવસો સુધી લખનઉમાં ન્યુ અર્બન ઈન્ડિયા એટલે કે ભારતના શહેરોના નવા સ્વરૂપ પર દેશભરના નિષ્ણાતો એકત્રિત થઈને મંથન કરવાના છે. અહિયાં જે પ્રદર્શન લગાવવામાં આવ્યું છે, તે આઝાદીના આ અમૃત મહોત્સવમાં 75 વર્ષની સિદ્ધિઓ અને દેશના નવા સંકલ્પોને સારામાં સારી રીતે પ્રદર્શિત કરે છે. મેં અનુભવ્યું છે કે છેલ્લા દિવસોમાં જ્યારે સંરક્ષણનો કાર્યક્રમ કર્યો હતો અને તે વખતે જે પ્રદર્શન લગાવવામાં આવ્યું હતું, માત્ર લખનઉમાં જ નહીં સંપૂર્ણ ઉત્તર પ્રદેશ તેને જોવા માટે અહિયાં આવ્યું હતું. હું આ વખતે પણ આગ્રહ કરીશ કે આ જે પ્રદર્શન લગાવવામાં આવ્યું છે, અહિયાના નાગરિકોને મારો આગ્રહ છે કે તમે જરૂરથી જોજો. આપણે સૌ સાથે મળીને દેશને ક્યાંથી ક્યાં લઈ જઈ શકીએ છીએ, આપણા વિશ્વાસને જગાડનારું આ સારું પ્રદર્શન છે, તમારે ચોક્કસ તેને જોવું જોઈએ.
આજે યુપીના શહેરોના વિકાસ સાથે જોડાયેલ 75 પ્રોજેક્ટ્સ વિકાસના, તેમનો પણ શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે જ યુપીના 75 જિલ્લાઓમ 75 હજાર લાભાર્થીઓને તેમના પોતાના ઘરની ચાવીઓ મળી છે. આ બધા જ સાથીઓ આ વર્ષે દશેરા, દિવાળી, છઠ, ગુરુ પરબ, ઈદ એ મિલાદ, આવનારા અનેક ઉત્સવો, તેમના પોતાના નવા ઘરમાં જ ઉજવશે. હમણાં કેટલાક લોકો સાથે વાત કરીને મને બહુ સંતોષ મળ્યો છે. અને ભોજનનું નિમંત્રણ પણ મળી ગયું છે. મને એ વાતની પણ ખુશી થાય છે કે દેશમાં પીએમ આવાસ યોજના અંતર્ગત જે ઘર આપવામાં આવી રહ્યા છે, તેમાં 80 ટકા કરતાં વધુ ઘરો પર માલિકીનો હક મહિલાઓનો છે અથવા તો પછી તેણી સંયુક્ત માલિક છે.
અને મને એ પણ જણાવવામાં આવ્યું છે કે યુપી સરકારે પણ મહિલાઓના ઘરો સાથે જોડાયેલ એક સારો નિર્ણય લીધો છે. 10 લાખ રૂપિયા સુધીની રકમના ઘરોની નોંધણી કરાવવા ઉપર સ્ટેમ્પ ડ્યૂટીમાં મહિલાઓને 2 ટકાની છૂટ આપવામાં આવી રહી છે. તે ખૂબ જ પ્રશંસનીય નિર્ણય છે. પરંતુ સાથે જ આપણે જ્યારે આ વાત કરીએ છીએ કે મહિલાઓને આ તેમના નામ ઉપર મિલકત મળશે તો તેટલું આપણાં મનમાં નોંધાતુ નથી. પરંતુ હું બસ થોડો તમને બધાને તે દુનિયામાં લઈને જાઉં છું કે જ્યાં તમને અંદાજો આવશે કે આ નિર્ણય કેટલો મહત્વપૂર્ણ છે.
તમે જુઓ, કોઈપણ પરિવારમાં જાવ, સારો છે, ખરાબ છે એ હું નથી કહી રહ્યો. હું માત્ર પરિસ્થિતિનું વિવરણ કરી રહ્યો છું. જો મકાન છે તો પતિના નામ પર, ખેતર છે તો પતિના નામ પર, ગાડી છે તો પતિના નામ પર, સ્કૂટર છે તો પતિના નામ પર. દુકાન છે તો પતિના નામ પર, અને જો પતિ નથી રહ્યો તો દીકરાના નામ પર, પરંતુ તે માંના નામ પર કઈં જ નથી હોતું, તે મહિલાના નામ પર કઈં જ નથી હોતું. એક સ્વસ્થ સમાજ માટે સંતુલન બનાવવા માટે કેટલાક પગલાં ભરવા પડે છે અને એટલા માટે અમે નક્કી કર્યું છે કે સરકાર જે આવાસ આપશે તેનો માલિકીનો હક મહિલાઓને આપવામાં આવશે.
સાથીઓ,
આજે લખનઉ માટે એક અન્ય વધામણીનો અવસર છે. લખનઉએ અટલજીના રૂપમાં એક દૂરંદ્રષ્ટા, માં ભારતી માટે સમર્પિત રાષ્ટ્રનાયક દેશને આપ્યા છે. આજે તેમની સ્મૃતિમાં, બાબા સાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીમાં અટલ બિહારી વાજપેયી ચેર સ્થાપિત કરવામાં આવી રહી છે. મને વિશ્વાસ છે કે આ ચેર અટલજીની દૂરંદેશીતા, તેમના કાર્યો, રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને વિશ્વ પટલ પર લઈને જશે. જે રીતે ભારતની 75 વર્ષની વિદેશ નીતિમાં અનેક પડાવો આવ્યા છે, પરંતુ અટલજીએ તેમને નવી દિશા આપી છે. દેશનો સંપર્ક, લોકોનો સંપર્ક સ્થાપવા માટે તેમના પ્રયાસ, આજના ભારતનો મજબૂત પાયો છે. તમે વિચારો, એક બાજુ પ્રધાનમંત્રી ગ્રામ માર્ગ યોજના, અને બીજી બાજુ સ્વર્ણિમ ચતુષ્કર – ઉત્તર પૂર્વ, પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ કોરિડોર એટલે કે બંને બાજુ એક સાથે દ્રષ્ટિ અને બંને બાજુ વિકાસનો પ્રયાસ.
સાથીઓ,
વર્ષો પહેલા જ્યારે અટલજીએ નેશનલ હાઇવેના માધ્યમથી દેશના મહાનગરોને જોડવાનો વિચાર રજૂ કર્યો હતો તો કેટલાક લોકોને વિશ્વાસ જ નહોતો થતો હતો કે આવું શક્ય પણ છે. 6-7 વર્ષ પહેલા જ્યારે મેં, ગરીબો માટે કરોડો પાકા મકાનો, કરોડો શૌચાલયો, ઝડપથી ચાલનારી રેલવે, શહેરોમાં પાઇપ વડે ગેસ, ઓપ્ટિકલ ફાયબર જેવા મોટા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સની વાત કરી, ત્યારે પણ આદતથી મજબૂર કેટલાક લોકો એવું જ વિચારતા હતા કે આટલું બધુ કઈ રીતે શક્ય બની શકશે. પરંતુ આજે આ અભિયાનોમાં ભારતની સફળતા, દુનિયા જોઈ રહી છે. ભારત આજે પીએમ આવાસ યોજના અંતર્ગત જેટલા પાકા ઘર બનાવી રહ્યું છે, તે દુનિયાના અનેક દેશોની કુલ વસતિ કરતાં પણ વધારે છે.
એક સમય હતો જ્યારે ઘરની મંજૂરીથી લઈને તેને જમીન ઉપર ઉતારવામાં જ વર્ષો લાગી જતાં હતા. જે ઘરો બનતા પણ હતા, તે કદાચ રહેવાને લાયક હતા પણ કે નહીં એવા સવાલીયા નિશાન જરૂરથી તાકવામાં આવતા હતા. ઘરોનું કદ નાનું, બાંધકામની સામગ્રી ખરાબ, ફાળવણીમાં હેરાફેરી, આ જ બધુ મારા ગરીબ ભાઈઓ અને બહેનોનું નસીબ બનાવી દેવામાં આવ્યું હતું. 2014 માં દેશે અમને સેવા કરવાનો અવસર આપ્યો અને હું ઉત્તર પ્રદેશનો ખાસ કરીને આભારી છું કે તમે મને દેશની સંસદમાં પહોંચાડ્યો છે. અને જ્યારે તમે અમને જવાબદારી સોંપી તો અમે પણ અમારી જવાબદારી નિભાવવાનો ઈમાનદાર પ્રયાસ કર્યો છે.
સાથીઓ,
2014 ની પહેલા જે સરકાર હતી, તેણે દેશમાં શહેરી આવાસ યોજનાઓ અંતર્ગત માત્ર 13 લાખ મકાનોને જ મંજૂર કર્યા હતા. આંકડો યાદ રહેશે ને? જૂની સરકારે 13 લાખ આવાસ, તેમાં પણ માત્ર 8 લાખ મકાનો જ બનાવવામાં આવ્યા હતા. 2014 પછીથી અમારી સરકારે પીએમ આવાસ યોજના અંતર્ગત શહેરોમાં 1 કરોડ 13 લાખ કરતાં વધુ ઘરોના નિર્માણને મંજૂરી આપી છે. ક્યાં 13 લાખ અને ક્યાં 1 કરોડ 13 લાખ? તેમાંથી 50 લાખ કરતાં વધુ ઘરો બનાવીને, તેમને ગરીબોને સોંપી દેવામાં પણ આવ્યા છે.
સાથીઓ,
ઈંટ પથ્થર જોડીને ઇમારત તો બની શકે છે પરંતુ તેને ઘર ના કહી શકાય. પરંતુ તે ઘર ત્યારે બને છે, જ્યારે તેમાં પરિવારના દરેક સભ્યનું સપનું જોડાયેલું હોય, પોતાપણું હોય, પરિવારના સભ્ય તન મનથી એક લક્ષ્ય માટે લાગેલા હોય ત્યારે મકાન એ ઘર બની જાય છે.
સાથીઓ,
અમે ઘરોની ડિઝાઇનથી લઈને ઘરોના નિર્માણ સુધીની સંપૂર્ણ આઝાદી લાભાર્થીઓને સોંપી દીધી. તેમને જેવી ઈચ્છા હોય તેવું મકાન બનાવે. દિલ્હીમાં એર કન્ડિશનર ઓરડાઓમાં બેસીને કોઈ એ નક્કી ના કરી શકે કે બારી આ બાજુ લાગશે કે પેલી બાજુ લાગશે. 2014ની પહેલા સરકારી યોજનાઓના ઘર કયા કદના બનશે, તેની કોઈ સ્પષ્ટ નીતિ હતી જ નહિ. ક્યાંક 15 સ્ક્વેર મીટરના મકાનો બનતા હતા તો ક્યાંક 17 સ્ક્વેર મીટરના. આટલી નાની જમીન પર જે નિર્માણ થતું હતું તેમાં રહેવાનું પણ અઘરું હતું.
2014 પછી અમારી સરકારે ઘરોના કદને લઈને પણ સ્પષ્ટ નીતિ બનાવી. અમે એવું નક્કી કર્યું કે 22 સ્ક્વેર મીટરથી નાના કદનું કોઈ ઘર નહિ બને. અમે ઘરનું કદ વધારવાની સાથે જ પૈસા પણ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલવાનું શરૂ કર્યું. ગરીબોના બેંક ખાતાઓમાં ઘર બનાવવા માટે મોકલવામાં આવેલ આ રકમ કેટલી છે, તેની ચર્ચા બહુ ઓછી કરવામાં આવી છે. તમને જાણીને દંગ રહી જશો કે પીએમ આવાસ યોજના – શહેરી અંતર્ગત કેન્દ્ર સરકારે લગભગ લગભગ એક લાખ કરોડ રૂપિયા, ગરીબોના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા છે.
સાથીઓ,
આપણે ત્યાં કેટલાક મહાનુભવો કહેતા રહે છે કે મોદીને આપણે પ્રધાનમંત્રી તો બનાવી દીધા, પણ મોદીએ કર્યું છે શું? આજે સૌપ્રથમ વખત હું એવી વાત કહેવા માંગુ છું કે જે સાંભળ્યા પછી મોટા મોટા વિરોધીઓ, જેઓ દિવસ રાત અમારો વિરોધ કરવામાં જ પોતાની ઊર્જા ખર્ચતા રહે છે, તેઓ મારુ આ ભાષણ સાંભળ્યા પછી તૂટી પડવાના છે, મને ખબર છે. તેમ છતાં મને લાગે છે કે મારે કહેવું જોઈએ.
મારા જે સાથી, જે મારા પરિવાર જનો છે, ઝૂંપડપટ્ટીઓમાં જીવન વિતાવતા હતા, જેમની પાસે પાકું છાપરું સુદ્ધાં નહોતું, એવા ત્રણ કરોડ પરિવારોને આ કાર્યકાળમાં એક જ યોજના દ્વારા લખપતિ બનવાનો અવસર મળી ગયો છે. આ દેશમાં મોટો મોટો અંદાજો આંકવામાં આવે તો 25-30 કરોડ પરિવાર, તેમાંથી પણ આટલા ઓછા કાર્યકાળમાં 3 કરોડ ગરીબ પરિવારનું લખપતિ બનવું, તે પોતાનામાં જ બહુ મોટી વાત છે. હવે તમે કહેશો કે મોદી આટલો મોટો દાવો કરી રહ્યો છે કઈ રીતે બને આવું. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશમાં જે લગભગ લગભગ 3 કરોડ ઘરો બન્યા છે, તમે તેની કિંમતનો અંદાજો લગાવી લો. આ લોકો હવે લખપતિ છે. 3 કરોડ પાકા ઘર બનાવીને અમે ગરીબ પરિવારોનું સૌથી મોટું સપનું પૂરું કર્યું છે.
સાથીઓ,
મને એ દિવસો પણ યાદ આવે છે કે જ્યારે તમામ પ્રયાસો કરવા છતાં પણ ઉત્તર પ્રદેશ, ઘરોના નિર્માણમાં આગળ નહોતું વધી શકતું. આજે લખનઉમાં છું તો મને લાગે છે કે જરા વિસ્તાર પૂર્વક આ વાત કહેવી જોઈએ. કહેવી જોઈએ ને? તમે તૈયાર છો? આપણું શહેરી આયોજન કઈ રીતે રાજનીતિનો શિકાર બની જાય છે તે સમજવા માટે પણ યુપીના લોકોને એ જાણવું જરૂરી છે.
સાથીઓ,
ગરીબો માટે ઘર બનાવવાના પૈસા કેન્દ્ર સરકાર આપી રહી હતી, તેમ છતાં, 2017 પહેલા, યોગીજીના આવ્યા પહેલાની વાત કરી રહ્યો છું, 2017ની પહેલા યુપીમાં જે સરકાર હતી, તે ગરીબો માટે ઘર બનાવવા જ નહોતી માંગતી. ગરીબો માટે ઘર બનાવો તેની માટે અમારે પહેલા અહિયાં જે સરકાર હતી તેમને હાથપગ જોડવા પડતાં હતા. 2017ની પહેલા પીએમ આવાસ યોજના અંતર્ગત યુપી માટે 18 હજાર ઘરોની મંજૂરી આપી દેવામાં આવી હતી. પરંતુ જે સરકાર અહિયાં હતી તેણે ગરીબોને પીએમ આવાસ યોજના અંતર્ગત 18 ઘર પણ બનાવીને નથી આપ્યા.
તમે કલ્પના કરી શકો છો. 18 હજાર ઘરોને મંજૂરી અને 18 ઘરો પણ ના બને, મારા દેશના ભાઈઓ બહેનો આ વાત તમારે વિચારવી જોઈએ. તમે કલ્પના કરી શકો છો કે 18 હજાર ઘરોની મંજૂરી હતી પરંતુ તે લોકોએ ગરીબો માટે 18 ઘરો પણ નથી બનાવ્યા. પૈસા હતા, ઘરોની મંજૂરી હતી પરંતુ તે સમયે જે લોકો યુપીને ચલાવી રહ્યા હતા, તે લોકો સતત આમાં અવરોધ નાંખી રહ્યા હતા. તેમનું આ કૃત્ય યુપીના લોકો, યુપીના ગરીબો ક્યારેય નહિ ભૂલી શકે.
સાથીઓ,
મને સંતોષ છે કે યોગીજીની સરકાર આવ્યા પછી યુપીમાં શહેરી ગરીબોને 9 લાખ ઘરો બનાવીને આપવામાં આવ્યા છે. શહેરમાં રહેનારા આપણાં ગરીબ ભાઈઓ બહેનો માટે હવે યુપીમાં 14 લાખ ઘરોનું નિર્માણ જુદા જુદા તબક્કાઓમાં ચાલી રહ્યું છે. હવે ઘરમાં વીજળી, પાણી, ગેસ, શૌચાલય જેવી સુવિધાઓ પણ મળી રહી છે ટો ગૃહ પ્રવેશ પણ સંપૂર્ણ ખુશી સાથે, આન બાન સાથે થઈ રહ્યો છે.
પરંતુ હું જ્યારે ઉત્તર પ્રદેશ આવ્યો છું તો કઇંક ગૃહકાર્ય પણ આપવાનું મન થાય છે. આપી દઉં? પરંતુ તમારે કરવું પડશે, કરશો ને? પાક્કું? જુઓ, મેં છાપામાં વાંચ્યું છે અને સાથે જ યોગીજીને પણ હું કદાચ પૂછી રહ્યો હતો. આ વખતે દિવાળીમાં અયોધ્યામાં કહે છે કે સાડા સાત લાખ દિપકનો કાર્યક્રમ થશે. હું ઉત્તર પ્રદેશને કહું છું કે પ્રકાશ માટે સ્પર્ધામાં મેદાનમાં આવો. જુઓ અયોધ્યા વધારે દીવા પ્રગટાવે છે કે આ જે 9 લાખ ઘરો આપવામાં આવ્યા છે તે 9 લાખ ઘરો 18 લાખ દિવડા પ્રગટાવીને બતાવે છે. બની શકે છે ખરું? જે પરિવારોને, આ 9 લાખ પરિવાર જેમને ઘર મળ્યા છે, છેલ્લા સાત વર્ષમાં, તેઓ બે બે દિવડા પોતાના ઘરની બહાર પ્રગટાવે. અયોધ્યામાં સાડા સાત લાખ દિવડા પ્રગટશે મારા ગરીબ પરિવારોના ઘરમાં 18 લાખ દિવડા પ્રગટશે. ભગવાન રામજીને ખુશી મળશે.
ભાઈઓ અને બહેનો,
વિતેલા દાયકાઓમા આપણાં શહેરોમાં મોટા મોટા મકાનો જરૂર બને પરંતુ જે પોતાના શ્રમ વડે મકાનોનું નિર્માણ કરે છે, તેમના હિસ્સામાં ઝૂંપડપટ્ટીનું જીવન જ આવતું રહે છે. ઝૂંપડપટ્ટીની સ્થિતિ એવી કે જ્યાં પાણી અને શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ સુદ્ધાં નહોતી મળતી. ઝૂંપડપટ્ટીઓમાં રહેનારા આપણાં ભાઈ બહેનોને હવે પાક ઘર બનવાથી ઘણી મદદ મળી રહી છે. ગામડામાંથી શહેરમાં કામ માટે આવનારા શ્રમિકોને યોગ્ય ભાડા પર વધુ સારી છૂટ મળે, તેની માટે સરકારે યોજના શરૂ કરી છે.
સાથીઓ,
શહેરી મધ્યમ વર્ગની મુશ્કેલીઓ અને પડકારોને પણ દૂર કરવાનો અમારી સરકારે ખૂબ ગંભીર પ્રયાસ કર્યો છે. રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી એટલે કે રેરા કાયદો આવું જ એક મોટું પગલું રહ્યું છે. આ કાયદાએ સંપૂર્ણ આવાસ ક્ષેત્રને અવિશ્વાસ અને છેતરપિંડીમાં હતી બહાર નિકળવામાં બહુ મોટી મદદ કરી છે. આ કાયદો બનવાથી ઘર ખરીદનારાઓને સમય પર ન્યાય પણ મળી રહ્યો છે. અમે શહેરોમાં અધૂરા પડેલા ઘરોને પૂરા કરવા માટે હજારો કરોડ રૂપિયાનું વિશેષ ભંડોળ પણ બનાવ્યું છે.
મધ્યમ વર્ગ પોતાના ઘરનું સપનું પૂરું કરી શકે તેની માટે સૌથી પહેલી વાર ઘર ખરીદનારા લોકોને લાખો રૂપિયાની મદદ પણ મોકલવામાં આવી રહી છે. તેમને ઓછા વ્યાજ દરો દ્વારા પણ મદદ મળી રહી છે. હમણાં તાજેતરમાં જ મૉડલ ટેનન્સી કાયદો પણ રાજ્યોને મોકલવામાં આવ્યો છે, અને મને ખુશી છે કે યુપી સરકારે તરત જ તેને લાગુ પણ કરી દીધો છે. આ કાયદા વડે મકાન માલિક અને ભાડૂઆત બંનેની વર્ષો જૂની તકલીફો દૂર થઈ રહી છે. તેનાથી ભાડાના મકાન મળવામાં સરળતા પણ રહેશે અને ભાડાની સંપત્તિના બજારને પ્રોત્સાહન મળશે, વધુ રોકાણ અને રોજગારના અવસરો બનશે.
ભાઈઓ અને બહેનો,
કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમને લઈને જે નવા નિયમો બનાવવામાં આવ્યા, તેનાથી શહેરી મધ્યમ વર્ગનું જીવન વધારે સરળ બન્યું છે. રિમોટ વર્કિંગ સરળ બનવાથી કોરોના કાળમાં મધ્યમ વર્ગના સાથીઓને ઘણી રાહત મળી છે.
ભાઈઓ અને બહેનો,
જો તમે યાદ કરો તો 2014ની પહેલા આપણાં શહેરોની સાફ સફાઇને લઈને અવારનવાર આપણે નકારાત્મક ચર્ચાઓ સાંભળતા હતા. ગંદકીને શહેરી જીવનનો સ્વભાવ માની લેવામાં આવ્યો હતો. સાફ સફાઇ પ્રત્યે ઉદાસીનતા વડે શહેરોની સુંદરતા, શહેરોમાં આવનાર પ્રવાસીઓ ઉપર તો અસર પડતી જ હતી, પરંતુ શહેરોમાં રહેનારા લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ તે બહુ મોટું સંકટ છે. આ સ્થિતિને બદલવા માટે દેશ સ્વચ્છ ભારત મિશન અને અમૃત મિશન અંતર્ગત બહુ મોટું અભિયાન ચલાવી રહ્યું છે.
વિતેલા વર્ષોમાં શહેરોમાં 60 લાખ કરતાં વધુ ખાનગી શૌચાલયો અને 6 લાખ કરતાં વધુ સામુદાયિક શૌચાલયો બન્યા છે. 7 વર્ષ પહેલા સુધી જ્યાં માત્ર 18 ટકા કચરો જ એકત્રિત થઈ શકતો હતો, તે આજે વધીને 70 ટકા સુધી થઈ ગયો છે. અહિયાં યુપીમાં પણ કચરા ઉપર પ્રક્રિયાની મોટી ક્ષમતા વિતેલા વર્ષોમાં વિકસિત કરવામાં આવી છે. અને આજે મેં પ્રદર્શનમાં જોયું, એવી અનેક ચીજ વસ્તુઓ ત્યાં મૂકવામાં આવી છે અને મનને ખૂબ સંતોષ આપનારું દ્રશ્ય હતું. હવે સ્વચ્છ ભારત અભિયાન 2.0 અંતર્ગત શહેરોમાં ઉભેલા કચરાના પહાડોને દૂર કરવાનું પણ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.
સાથીઓ,
શહેરોની ભવ્યતા વધારવામાં એક અન્ય મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે – એલઇડી લાઇટ્સે. સરકારે અભિયાન ચલાવીને દેશમાં 90 લાખ કરતાં વધુ જૂની શેરી લાઇટોને એલઇડીમાં ફેરવી નાંખી છે/ એલઇડી સ્ટ્રીટ લાઇટ્સ લાગવાથી શહેરી એકમોના પણ દર વર્ષે લગભગ લગભગ 1 હજાર કરોડ રૂપિયા બચી રહ્યા છે. હવે આ રકમ વિકાસના બીજા કાર્યોમાં તે શહેરી એકમો લગાવી શકે છે અને લગાવી રહ્યા છે. એલઇડીએ શહેરમાં રહેનારા લોકોનું વીજળીનું બિલ પણ ઘણું ઓછું કર્યું છે. જે એલઇડી બલ્બ પહેલા 300 રૂપિયા કરતાં પણ વધારે મોંઘા આવતા હતા, તે સરકારે ઉજાલા યોજના અંતર્ગત 50-60 રૂપિયામાં આપ્યા છે. આ યોજનાના માધ્યમથી આશરે 37 કરોડ એલઇડી બલ્બ વિતરીત કરવામાં આવ્યા છે. આના લીધે ગરીબ અને મધ્યમ વર્ગની આશરે 24 હજાર કરોડ રૂપિયા વીજળીના બિલમાં બચત થઈ છે.
સાથીઓ,
21મી સદીના ભારતમાં, શહેરોની કાયાપલટ કરવાની સૌથી પ્રમુખ રીત છે – ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ. શહેરોના વિકાસ સાથે જોડાયેલ જે સંસ્થાઓ છે, જે શહેરી આયોજનકર્તાઓ છે, તેમણે પોતાની પહોંચમાં સર્વોચ્ચ પ્રાથમિકતા ટેકનોલોજીને આપવી પડશે.
સાથીઓ,
જ્યારે અમે ગુજરાતમાં નાનકડા વિસ્તારમાં રહેતા હતા અને જ્યારે પણ લખનઉની વાત આવતી હતી તો લોકોના મોંઢામાંથી નીકળતું હતું કે ભાઈ લખનઉમાં તો ગમે ત્યાં જાવ, એ જ સાંભળવા મળે છે – પહેલા તમે, પહેલા તમે, એ જ વાત થાય છે. આજે મજાકમાં જ ખરું, પણ આપણે ટેકનોલોજીને પણ કહેવું પડશે – પહેલા તમે! ભારતમાં છેલ્લા 6-7 વર્ષોમાં શહેરી ક્ષેત્રમાં બહુ મોટું પરિવર્તન ટેકનોલોજી દ્વારા આવ્યું છે. દેશના 70 કરતાં વધુ શહેરોમાં આજે જે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર ચાલી રહ્યા છે તેનો આધાર ટેકનોલોજી જ છે. આજે દેશના શહેરોમાં સીસીટીવી કેમેરાનું જે નેટવર્ક પથરાઈ રહ્યું છે, ટેકનોલોજી જ તેને મજબૂત કરી રહી છે. દેશના 75 શહેરોમાં જે 30 હજાર કરતાં વધુ આધુનિક સીસીટીવી કેમેરા લાગી રહ્યા છે, તેના કારણે ગુનેગારોને સો વખત વિચારવું પડે છે. આ સીસીટીવી, અપરાધીઓને સજા અપાવવામાં પણ ઘણી મદદ કરી રહ્યા છે.
સાથીઓ,
આજે ભારતના શહેરોમાં દરરોજ જે હજારો તન કચરાનો નિકાલ થઈ રહ્યો છે, પ્રક્રિયા થઈ રહી છે, રસ્તાઓના નિર્માણમાં લાગી રહ્યા છે, તે પણ ટેકનોલોજીના કારણે જ છે. કચરામાંથી કંચન જેવા અનેક પ્રોજેક્ટ મેં આજે પ્રદર્શનમાં જોયા છે. દરેક વ્યક્તિને પ્રેરણા આપનાર આ પ્રયોગ છે, ખૂબ ઝીણવટથી જોવા જોઈએ તેવા છે.
સાથીઓ,
આજે દેશભરમાં જે ગટર વ્યાવસ્થાપન પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે, આધુનિક ટેકનોલોજી તેમની ક્ષમતા વધારે વધારી રહી છે. આ રાષ્ટ્રીય કૉમન મોબિલિટી કાર્ડ, ટેકનોલોજીની જ તો દેન છે. આજે અહિયાં આ કાર્યક્રમમાં, 75 ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપવામાં આવી છે. તે પણ આધુનિક ટેકનોલોજીનું જ તો પ્રતિબિંબ છે.
સાથીઓ,
મેં હમણાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત લખનઉમાં બની રહેલા ઘરોને જોયા. આ ઘરોમાં જે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, તેમાં પ્લાસ્ટર અને કલરકામની જરૂર નહિ પડે. તેમાં પહેલેથી જ તૈયાર પૂરેપૂરી દીવાલોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેનાથી ઘર વધારે ઝડપથી બનીને તૈયાર થશે. મને વિશ્વાસ છે કે અહિયાં લખનઉમાં દેશભરમાંથી જે સાથીઓ આવ્યા છે તેઓ આ પ્રોજેક્ટમાંથી ઘણું બધુ શીખીને જશે અને પોતાના શહેરોમાં તેનું અમલીકરણ કરવાનો પ્રયાસ કરશે.
સાથીઓ,
ટેકનોલોજી કઈ રીતે ગરીબનું જીવન બદલે છે, તેનું એક ઉદાહરણ પીએમ સ્વનિધિ યોજના પણ છે. લખનઉ જેવા અનેક શહેરોમાં તો અનેક રીતના બજારોની પરંપરા રહેલી છે. ક્યાંક બુધ બજાર લાગે છે, ક્યાંક ગુરુ બજાર લાગે છે, ક્યાંક શનિ બજાર લાગે છે, અને આ બજારોની રોનક આપણાં લારીઓ ફૂટપાથવાળા ભાઈ બહેનો જ વધારે છે. આપણાં આ ભાઈ બહેનો માટે પણ હવે ટકેનોલૉજી એક સાથી બનીને આવી છે. પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લારી ફૂટપાથ પર બેસનારાને, શેરીના ફેરિયાઓને બેંકો સાથે જોડવામાં આવી રહ્યા છે. આ યોજનાના માધ્યમથી 25 લાખ કરતાં વધુ સાથીઓને 2500 કરોડ રૂપિયા કરતાં વધુની મદદ આપવામાં આવી છે. તેમાં પણ યુપીના 7 લાખ કરતાં વધુ સાથીઓએ સ્વનિધિ યોજનાનો લાભ લીધો છે. હવે તેમની બેંકિંગ હિસ્ટ્રી બની રહી છે અને તેઓ વધુમાં વધુ ડિજિટલ લેવડદેવડ પણ કરી રહ્યા છે.
મને ખુશી એ વાતની પણ છે કે સ્વનિધિ યોજનાનો સૌથી વધુ લાભ પહોંચાડનાર સંપૂર્ણ દેશના ટોચના ત્રણ શહેરોમાં 2 આપણાં ઉત્તર પ્રદેશના જ છે. સંપૂર્ણ દેશમાં નંબર વન છે લખનઉ, અને નંબર બે પર છે કાનપુર. કોરોનાના આ સમયમાં, આ બહુ મોટી મદદ છે. હું યોગીજીની સરકારની તેની માટે પ્રશંસા કરું છું.
સાથીઓ,
આજે જ્યારે હું આપણાં લારી ફૂટપાથવાળા સાથીઓ દ્વારા ડિજિટલ લેવડદેવડની વાત કરી રહ્યો છું તો મને એ પણ યાદ આવી રહ્યું છે કે પહેલા કઈ રીતે તેની મજાક ઉડાવવામાં આવતી હતી. કહેવામાં આવતું હતું કે આ ઓછું ભણેલા ગણેલા લોકો કઈ રીતે ડિજિટલ લેવડદેવડ કરી શકશે. પરંતુ સ્વનિધિ યોજના સાથે જોડાયેલ લારીઓ ફૂટપાથવાળા, અત્યાર સુધી 7 કરોડ કરતાં વધુ ડિજિટલ લેવડદેવડ કરી ચૂક્યા છે. હવે તેઓ જથ્થાબંધ વેપારીઓ પાસે પણ કઇંક ખરીદવા જાય છે તો ડિજિટલ ચુકવણી જ કરે છે. આજે આવા સાથીઓના જ કારણે ભારત ડિજિટલ પેમેન્ટમાં નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. જુલાઇ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એટલે કે છેલ્લા ત્રણ મહિનામાં દર મહિને 6 લાખ કરોડ રૂપિયા કરતાં વધુ રકમની ડિજિટલ લેવડદેવડ થઈ છે. એટલે કે બેંકોમાં લોકોનું આવવા જવાનું એટલું જ ઓછું થઈ રહ્યું છે. આ બદલાતા ભારત અને ટેકનોલોજીને અપનાવતા ભારતની તાકાત પ્રદર્શિત કરે છે.
સાથીઓ,
વિતેલા વર્ષોમાં ભારતમાં ટ્રાફિકની સમસ્યા અને પ્રદૂષણના પડકારો બંનેની ઉપર સમગ્રતયા પહોંચ સાથે કામ થયું છે. મેટ્રો પણ તેનું એક સારામાં સારું ઉદાહરણ છે. આજે ભારત મેટ્રો સેવાનો દેશભરના મોટા શહેરોમાં ઝડપથી વિસ્તાર કરી રહ્યું છે. 2014 માં જ્યાં 250 કિલોમીટર કરતાં ઓછા રુટ પર મેટ્રો ચાલતી હતી ત્યાં આજે લગભગ સાડા 7 સો કિલોમીટરમાં મેટ્રો ચાલી રહી છે. અને મને આજે એક અધિકારી જણાવી રહ્યા હતા કે એક હજાર પચાસ કિલોમીટર પર કામ ચાલી રહ્યું છે. યુપીના પણ 6 શહેરોમાં આજે મેટ્રો નેટવર્કનો વિસ્તાર થઈ રહ્યો છે. 100 કરતાં વધુ શહેરોમાં ઇલેક્ટ્રિક બસોના સંચાલનનું લક્ષ્ય હોય કે પછી ઉડાન યોજના, તે પણ શહેરોના વિકાસને ગતિ આપી રહ્યા છે. 21મી સદીનું ભારત હવે મળતી મૉડલ કનેક્ટિવિટીની તાકાત સાથે આગળ વધશે અને તેની પણ તૈયારી ખૂબ જોરશોરથી ચાલી રહી છે.
અને સાથીઓ,
શહેરી ઇન્ફ્રાસ્ટ્રકચરના આ બધા જ પ્રોજેક્ટ્સનો સૌથી મોટો હકારાત્મક પ્રભાવ છે – રોજગાર નિર્માણ. શહેરોમાં મેટ્રોનું કામ હોય કે પછી ઘરોના નિર્માણનું કામ હોય, વીજળી પાણીનું કામ હોય, તે ખૂબ મોટી સંખ્યામાં રોજગારના નવા અવસરોનું નિર્માણ કરી રહ્યા છે. નિષ્ણાતો તેને ફોર્સ મલ્ટીપ્લાયર માને છે. એટલા માટે આપણે આ યોજનાઓની ગતિ જાળવી રાખવાની છે.
ભાઈઓ અને બહેનો,
ઉત્તર પ્રદેશમાં તો સંપૂર્ણ ભારતનો, ભારતીય સંસ્કૃતિનો પ્રાણવાયુ સમાયેલ છે. આ પ્રભુ શ્રી રામની ભૂમિ છે, શ્રી કૃષ્ણની ભૂમિ છે, ભગવાન બુદ્ધની ભૂમિ છે. યુપીની સમૃદ્ધ વિરાસતને સંભાળવી, સુંદર બનાવવી, શહેરોને આધુનિક બનાવવા એ આપણી જવાબદારી છે. 2017ની પહેલાના યુપી અને પછીના યુપી વચ્ચેનું અંતર ઉત્તર પ્રદેશના લોકો પણ સારી રીતે જાણે છે. પહેલા વીજળી યુપીમાં આવતી ઓછી હતી, જતી વધારે હતી, અને આવતી હતી તો પણ ત્યાં આવતી હતી કે જ્યાં નેતાઓ ઇચ્છતા હતા. વીજળી એ સુવિધા નહિ રાજકારણનું સાધન હતી, રસ્તાઓ માત્ર ત્યારે જ બનતા હતા જ્યારે સિફારીશ કરવામાં આવે, પાણીની સ્થિતિ તો તમને બધાને ખબર જ છે.
હવે વીજળી બધાને, બધી જગ્યાએ એક સમાન રીતે મળી રહી છે. હવે ગરીબના ઘરમાં પણ વીજળી આવે છે. ગામના રસ્તા કોઈ સિફારીશના મોહતાજ નથી રહ્યા. એટલે કે શહેરી વિકાસ માટે જે ઈચ્છા શક્તિની જરૂર છે તે પણ આજે યુપીમાં ઉપસ્થિત છે.
મને વિશ્વાસ છે, આજે યુપીની જે પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તે યોગીજીના નેતૃત્વમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.
એક વાર ફરી આપ સૌને વિકાસ પરિયોજનાઓ માટે ખૂબ ખૂબ અભિનંદન.
ખૂબ ખૂબ આભાર!