ભારત માતાની - જય!
ભારત માતાની - જય!
ભારત માતાની - જય!
મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી શ્રી નરેન્દ્ર સિંહજી તોમર, વીરેન્દ્ર કુમારજી, જ્યોતિરાદિત્ય સિંધિયાજી, અન્ય તમામ ઉપસ્થિત મહાનુભાવો અને આટલી મોટી સંખ્યામાં અહીં પધાર્યા છે તેવા મારા પરિવારના તમામ સભ્યો, ગ્વાલિયરની આ ઐતિહાસિક ભૂમિને હું શત્ શત્ વંદન કરું છુ.
આ ધરા શૌર્ય, સ્વાભિમાન, સૈન્ય ગૌરવ, સંગીત, સ્વાદ અને સરસવનું પ્રતીક છે. ગ્વાલિયરે દેશને એકથી એક મોટા ક્રાંતિકારીઓ આપ્યા છે. ગ્વાલિયર-ચંબલે દેશના રક્ષણ અને આપણા સૈન્ય માટે પોતાના વીર સંતાનો આપ્યા છે. ગ્વાલિયરે ભાજપની નીતિ અને નેતૃત્વને પણ આકાર આપ્યો છે.
રાજમાતા વિજયરાજે સિંધિયાજી, કુશાભાઉ ઠાકરેજી અને અટલ બિહારી વાજપેયીજીનું ઘડતર પણ ગ્વાલિયરની જ આ માટીએ કર્યું છે. આ ધરતી પોતાની રીતે જ એક પ્રેરણા છે. આ માટીમાંથી જે પણ દેશભક્ત નીકળ્યા છે, તેમણે રાષ્ટ્ર માટે પોતાનું સર્વસ્વ આપી દીધું છે, તેમણે પોતાનું જીવન રાષ્ટ્રના નામે કરી દીધું છે.
મારા પરિવારજનો,
આપણા જેવા કરોડો ભારતીયોને દેશની આઝાદી માટે લડવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી. પરંતુ ભારતને વિકસિત બનાવવા અને સમૃદ્ધ બનાવવાની જવાબદારી આપણા સૌના ખભા પર છે. આજે પણ આ મિશનને આગળ ધપાવવા માટે હું ફરી એકવાર આપ સૌની વચ્ચે ગ્વાલિયર આવ્યો છું. તાજેતમાં જ, અહીં લગભગ 19 હજાર કરોડ રૂપિયાના મૂલ્યના વિકાસલક્ષી કાર્યોનો શિલાન્યાસ કરવામાં આવ્યો અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.
અને હું જોઇ રહ્યો હતો કે, લોકાર્પણ અથવા શિલાન્યાસના એક પછી એક પડદા ખૂલી રહ્યા હતા. પડદા એટલી વાર ખુલ્યા કે, તમે તાળીઓ પાડતા પાડતા પણ થાકી ગયા. તમે કલ્પના કરી શકો છો કે કોઇ સરકાર એક વર્ષમાં કરી શકતી નથી એટલા બધા લોકાર્પણ અને શિલાન્યાસના કામો આજે અમારી સરકારે એક જ દિવસમાં કરી શકે છે, અને લોકો તાળીઓ પાડીને પણ થાકી જાય છે, તેઓ આટલું કામ કરવાનું સામર્થ્ય ધરાવે છે.
મારા પરિવારજનો,
દશેરા, ધનતેરસ અને દિવાળી પહેલાં મધ્યપ્રદેશના લગભગ સવા બે લાખ પરિવારો આજે તેમના પોતાના નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યાં છે. જોડાણને લગતી અનેક પરિયોજનાઓને પણ આજે શરૂ કરવામાં આવી છે. ઉજ્જૈનમાં વિક્રમ ઉદ્યોગપુરી અને ઇન્દોરમાં મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક મધ્યપ્રદેશના ઔદ્યોગિકીકરણનું વધારે વિસ્તરણ કરશે. અહીંના યુવાનો માટે હજારો નવી નોકરીઓ અને નવી તકોનું સર્જન થવા જઇ રહ્યું છે. આજે IIT ઇન્દોરમાં પણ ઘણાં નવાં કામોની શરૂઆત કરવામાં આવી છે.
આજે ગ્વાલિયરની સાથે સાથે વિદિશા, બૈતુલ, કટની, બુરહાનપુર, નરસિંહપુર, દમોહ અને શાજાપુરને નવા આરોગ્ય કેન્દ્રો પણ મળ્યાં છે. આ કેન્દ્રોનું નિર્માણ આયુષ્માન ભારત આરોગ્ય માળખાકીય સુવિધા ઝુંબેશ હેઠળ કરવામાં આવ્યું છે. આમાં ગંભીર રોગોની સારવાર માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ બધા માટે હું તમને અને મધ્યપ્રદેશના મારા પરિવારના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
મિત્રો,
આ જે આટલી મોટી સંખ્યામાં તમામ કામો થઇ રહ્યા છે, તે ડબલ એન્જિન સરકારે કરેલા સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. જ્યારે દિલ્હી અને ભોપાલ, બંને જગ્યાએ સમાન વિચારધારા વાળી, જનતા- જનાર્દનને સમર્પિત હોય તેવી સરકાર હોય ત્યારે, આવા કાર્યો વધુ ઝડપી ગતિએ આગળ વધે છે. આથી જ, આજે મધ્યપ્રદેશને ડબલ એન્જિનની સરકાર પર ભરોસો છે. ડબલ એન્જિન એટલે મધ્યપ્રદેશનો બમણો વિકાસ!
મારા પરિવારજનો,
વિતેલા વર્ષોમાં અમારી સરકારે મધ્યપ્રદેશને બીમારુ રાજ્યમાંથી દેશના ટોચના 10 રાજ્યોમાં સ્થાન અપાવી દીધું છે. અહીંથી હવે અમારું લક્ષ્ય મધ્યપ્રદેશને દેશના ટોચના 3 રાજ્યોમાં લઇ જવાનું છે. મધ્યપ્રદેશ ટોચના 3માં જવું જોઇએ કે નહીં? બોલો, મધ્યપ્રદેશને ટોચના 3માં સ્થાન મળવું જોઇએ કે નહીં? બહુ ગૌરવ સાથે ત્રણ સુધી પહોંચાડવાનું કે નથી પહોંચવું? આ કામ કોણ કરી શકે છે? આ બાંયધરી કોણ આપી શકે છે? તમારો જવાબ ખોટો છે, આ બાંયધરી એક જવાબદાર નાગરિક તરીકે તમારો એક મત મધ્યપ્રદેશને નંબર ત્રણ પર લઇ જઇ શકે છે. ડબલ એન્જિનને આપવામાં આવેલો તમારો દરેક મત મધ્યપ્રદેશને ટોચના 3માં સ્થાપન અપાવશે.
મારા પરિવારજનો,
મધ્યપ્રદેશનો વિકાસ એવા લોકો કરી શકે એમ છે જ નહીં કે, જેમની પાસે ન તો કોઇ નવી વિચારસરણી હોય અને ન તો વિકાસની કોઇ ભાવિ રૂપરેખા તૈયાર કહી હોય. આ લોકોનું બસ એક જ કામ છે - દેશની પ્રગતિ પ્રત્યે નફરત કરવી, ભારતની યોજનાઓ પ્રત્યે નફરત કરવી. પોતાની નફરતમાં તેઓ દેશની સિદ્ધિઓ પણ ભૂલી જાય છે. આજે તમે જ જુઓ, આખી દુનિયા ભારતના ગુણગાન ગાઇ રહી છે. ભારતનો ડંકો આખી દુનિયામાં વાગી રહ્યો કે નહીં? આજે દુનિયાને તેનું ભવિષ્ય ભારતમાં દેખાઇ રહ્યું છે. પરંતુ જેઓ રાજનીતિમાં ફસાયેલા છે, જેમને ખુરશી સિવાય કશું જ સૂઝતું નથી, તેઓને આજે દુનિયામાં 'હિન્દુસ્તાન'નો ડંકો વાગે એ પણ સારું નથી લાગતું.
ભારત, મિત્રો વિચાર કરો, 9 વર્ષમાં 10મા ક્રમેથી આગળ વધીને પાચમા ક્રમની આર્થિક શક્તિ બની ગયું છે. પરંતુ આ વિકાસ વિરોધી લોકો એવું સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આવું કંઇ થયું જ નથી. મોદીએ બાંયધરી આપી છે કે, આગામી કાર્યકાળમાં ભારત સમગ્ર દુનિયાના ટોચના ત્રણ અર્થતંત્રોમાં સામેલ હશે, એક નામ આપણા હિન્દુસ્તાનનું હશે. આનાથી પણ કેટલાક સત્તાના ભૂખ્યા લોકોને પેટમાં દુખાવો થઇ રહ્યો છે.
મારા પરિવારજનો,
વિકાસનો વિરોધ કરી રહેલા આ લોકોને દેશે 6 દાયકાનો સમય આપ્યો હતો. 60 વર્ષ એ કોઇ ટૂંકો સમયગાળો નથી. જો 9 વર્ષમાં આટલું કામ થઇ શકતું હોય, તો 60 વર્ષમાં કેટલું બધું થઇ શક્યું હોત. તેમને પણ તક મળી હતી. પરંતુ તેઓ ન કરી શક્યા, એ તેમની નિષ્ફળતા છે. ત્યારે પણ તે ગરીબોની લાગણીઓ સાથે રમત રમતા હતા, આજે પણ તેઓ રમત જ રમી રહ્યા છે. ત્યારે પણ તેઓ જાતિના નામે સમાજમાં ભાગલા પાડવાનું કામ કરતા હતા, આજે પણ તે જ પાપ કરી રહ્યા છે. ત્યારે પણ તેઓ આતંકવાદ અને ભ્રષ્ટાચારમાં ડૂબેલા રહેતા હતા અને આજે તેઓ એકથી એક ચડિયાતા ઘોર ભ્રષ્ટાચારી થઇ ગયા છે. ત્યારે પણ તેઓ એક જ પરિવારના ગુણગાન ગાતા રહેતા હતા, આજે પણ તેઓ આવું જ કરવામાં પોતાનું ભવિષ્ય જોઇ રહ્યાં છે. તેથી જ તેમને દેશનું ગૌરવ ગાવાનું પસંદ નથી.
મારા પરિવારજનો,
મોદીએ ગરીબ, દલિત, પછાત અને આદિવાસી પરિવારોને પાકા ઘરો આપવાની બાંયધરી આપી છે. અત્યાર સુધીમાં આ અંતર્ગત દેશમાં 4 કરોડ પરિવારોને તેમના પાકા ઘર મળી ચૂક્યા છે. અહીં મધ્યપ્રદેશમાં પણ અત્યાર સુધીમાં ગરીબ પરિવારોને લાખો ઘર આપવામાં આવ્યા છે અને આજે પણ આટલી મોટી સંખ્યામાં મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે દિલ્હીમાં આ લોકોની સરકાર સત્તામાં હતી, ત્યારે ગરીબોના ઘરના નામે માત્રને માત્ર લૂંટ થતી હતી. આ લોકોએ બનાવેલા મકાનો રહેવા માટે પણ યોગ્ય ન હતા. સમગ્ર દેશમાં એવા લાખો લાભાર્થીઓ હતા જેમણે ક્યારેય એ ઘરોમાં પગ પણ મૂક્યો નથી. પરંતુ આજે જે મકાનો બની રહ્યા છે તેમાં લોકો ખુશીથી ગૃહ પ્રવેશ કરી રહ્યા છે. આવું થવાનું કારણ એ છે કે, દરેક લાભાર્થી ભાઇ અને બહેન પોતપોતાની અનુકૂળતા મુજબ આ મકાનો બનાવી રહ્યા છે. પોતાના સપનાને અનુરૂપ, પોતાની જરૂરિયાતો અનુસાર તેમનું ઘર બનાવી રહ્યા છે.
અમારી સરકાર જેમ જેમ કામ થતા જાય છે, તેમ ટેક્નોલોજીના માધ્યમથી તેના પર દેખરેખ રાખે છે અને સીધા તેના ખાતામાં જ પૈસા મોકલવામાં આવે છે, ત્યાં કોઇ ચોરી થતી નથી, કોઇ કટકી કરવામાં આવતી નથી, કોઇ ભ્રષ્ટાચાર નથી થતો. અને તેમના ઘરનું બાંધકામ આગળ વધતું જાય છે. પહેલાંના સમયમાં ઘરના નામે માત્ર ચાર દિવાલો જ ઉભી કરી દેવામાં આવતી હતી. આજે જે ઘરો ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેમાં શૌચાલય, વીજળી, નળનું પાણી, ઉજ્જવલા ગેસ બધું જ એકસાથે પૂરું પાડવામાં આવે છે. આજે, ગ્વાલિયર અને શ્યોપુર જિલ્લાઓ માટે મહત્વપૂર્ણ જળ પરિયોજનાઓ પર કામ પણ શરૂ કરવામાં આવી ગયું છે. આનાથી આ ઘરોમાં પાણી પહોંચાડવામાં પણ મદદ મળશે.
મિત્રો,
આ ઘરોની લક્ષ્મી એટલે કે મારી માતાઓ અને બહેનો આ ઘરની માલિક બને એવું પણ મોદીએ સુનિશ્ચિત કર્યું છે. શું તમે જાણો છો કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના મકાનોની નોંધણી પણ મહિલાઓના નામે કરવામાં આવે છે? પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘરોથી કરોડો બહેનો લખપતિ બની ગઇ છે. લાખોની કિંમતના આ મકાનોની નોંધણી એવા લોકોના નામે કરવામાં આવી છે જેમના નામે કોઇ સંપત્તિ નથી. આજે પણ જે ઘર મળી રહ્યાં છે, તેમાંથી મોટાભાગના ઘરોની નોંધણી બહેનોના નામે કરવામાં આવી છે.
અને ભાઇઓ તેમજ બહેનો,
મોદીએ પોતાની બાંયધરી પૂરી કરી છે. હું તમારી બહેનો પાસેથી પણ એક બાયંધરી ઇચ્છુ છું. મારે બહેનોને એટલું જ પૂછવું છે કે, મેં તો મારી બાંયધરી પૂરી કરી દીધી છે, તમે મને બાંયધરી આપશો? શું તમે મને એક વાતની ખાતરી કરી આપશો, ચોક્કસ કરશોને? તો મારે એવી બાંયધરી જોઇએ છે કે, ઘર મેળવ્યા પછી તમારે તમારા બાળકોને સારું શિક્ષણ આપવું પડશે, તેમને કોઇને કોઇ કૌશલ્ય શીખવવું પડશે, શું તમે તે કરશો? તમારી આ બાંયધરી મને કામ કરવાની તાકાત આપે છે.
મારા પરિવારજનો,
નારી સશક્તિકરણ એ ભારત માટે મત બેંક નથી, પરંતુ રાષ્ટ્ર કલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણ માટે એક સમર્પિત અભિયાન છે. આપણે જોયું છે કે ભૂતકાળમાં ઘણી સરકારો આવી અને ગઇ. લોકસભા અને સંસદમાં 33 ટકા અનામતના ખોટા વચનો આપીને આપણી બહેનો પાસે વારંવાર મત માંગવામાં આવ્યા હતા. પરંતુ સંસદમાં એક ષડયંત્રને કારણે કાયદો બનતા અટકાવવામાં આવ્યો હતો, તેને વારંવાર રોકવામાં આવ્યો હતો. પરંતુ મોદીએ બહેનોને બાંયધરી આપી હતી. અને મોદીની બાંયધરી એટલે દરેક બાંયધરી પૂરી કરવાની પણ બાંયધરી છે.
આજે, નારી શક્તિ વંદન અધિનિયમ વાસ્તવમાં આવી ગયો છે. હું આ સભામાં કહીશ અને આવનારા સમયમાં પણ કહીશ, વિકાસની આ ગાથામાં આપણી માતૃશક્તિની ભાગીદારી હજુ પણ વધે અને પ્રગતિના માર્ગો ખુલે તે માટે આપણે એ જ દિશામાં આગળ વધવું પડશે.
ભાઇઓ - બહેનો,
આજે અમે વિકાસની જે પરિયોજનાઓ અમલમાં મૂકી છે, તે તમામને આ કાયદો પસાર થવાથી તાકાત મળવાની છે.
મારા પરિવારજનો,
ગ્વાલિયર-ચંબલ આજે તકોની ભૂમિ બની રહ્યા છે. પરંતુ પરિસ્થિતિ હંમેશા આવી ન હતી. જે લોકો કેટલાય દાયકાઓ સુધી સરકારમાં રહ્યાં હતાં અને આજે અહીં મોટી મોટી વાતો કરી રહ્યા છે, તેમનો ભૂતકાળની છાપ કેવી રહી છે? જે મારા યુવાન સાથીઓ છે, જેઓ પ્રથમ વખત મતદાન કરવાના છે, તેમણે તેમના સમગ્ર જીવનમાં માત્ર ભાજપની સરકાર જ જોઇ છે. તેમણે તો માત્ર એક પ્રગતિશીલ મધ્યપ્રદેશ જોયું છે. વિરોધ પક્ષોના આ જે મોટા મોટા નેતાઓઓ છે, તેમને કેટલાય દાયકાઓ સુધી મધ્યપ્રદેશમાં શાસન કરવાની તક મળી હતી.
તેમના શાસન દરમિયાન ગ્વાલિયર-ચંબલમાં અન્યાય અને અત્યાચારનો ખૂબ જ વિકાસ થયો હતો. તેમના શાસનમાં સામાજિક ન્યાય હાંસિયામાં ધકેલાઇ ગયો હતો. તે સમયે નબળા, દલિતો તેમજ પછાત લોકોની વાત સાંભળવામાં આવતી ન હતી. લોકો કાયદો પોતાના હાથમાં લેતા હતા. સામાન્ય માણસને રસ્તા પર અવરજવર કરવી મુશ્કેલ બની ગઇ હતી. ઘણી મહેનતથી અમારી સરકાર આ ક્ષેત્રને આજના આ સ્તરે લાવવામાં સફળ રહી છે. હવે આપણે અહીંથી પાછળ વળીને જોવાની જરૂર નથી.
મધ્યપ્રદેશ માટે આગામી 5 વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે જુઓ, ગ્વાલિયરમાં નવું હવાઇમથકનું ટર્મિનલ બની રહ્યું છે, એલિવેટેડ માર્ગોનું નિર્માણ કવરામાં આવી રહ્યું. અહીં હજાર પથારી ધરાવતી નવી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવા બસ સ્ટેન્ડ, આધુનિક રેલવે સ્ટેશન, નવી શાળાઓ અને કોલેજો, એક પછી એક આવવાથી આખા ગ્વાલિયરની તસવીર બદલાઇ રહી છે. એવી જ રીતે, આપણે સમગ્ર મધ્યપ્રદેશની તસવીર પણ બદલવું પડશે અને તેથી અહીં ડબલ એન્જિનની સરકાર હોવી જરૂરી છે.
મિત્રો,
આધુનિક માળખાકીય સુવિધાઓ જીવનને સરળ બનાવે છે એટલું જ નહીં, પરંતુ તે સમૃદ્ધિનો માર્ગ પણ છે. આજે જ ઝાબુઆ, મંદસૌર અને રતલામને જોડતા 8 માર્ગીય એક્સપ્રેસ વેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. વિતેલી સદીમાં મધ્યપ્રદેશ સારા દ્વી માર્ગીય રસ્તાઓ માટે પણ ઝંખતું હતું, હવે આજે મધ્યપ્રદેશમાં 8 માર્ગીય એક્સપ્રેસ વેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઇન્દોર, દેવાસ અને હરદાને જોડતા 4 માર્ગીય રસ્તા પર પણ આજે કામ શરૂ થઇ ગયું છે. રેલવેના ગ્વાલિયરથી સુમાવલી હિસ્સાને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાનું કામ પણ પૂર્ણ થઇ ગયું છે. હવે આના પર પ્રથમ ટ્રેનને પણ લીલી ઝંડી આપવામાં આવી છે. આ તમામ જોડાણલક્ષી કામોથી આ વિસ્તારને ઘણો ફાયદો થવાનો છે.
મિત્રો,
આધુનિક માળખાકીય સુવિધાઓ અને સારા કાયદો અને વ્યવસ્થાની મદદથી, ખેડૂતો હોય કે ઉદ્યોગો- વેપાર- વ્યવસાય હોય, દરેકનો વિકાસ થાય છે. જ્યાં વિકાસ વિરોધી સરકારો સત્તામાં આવે છે. ત્યાં આ બંને વ્યવસ્થાઓ પડી ભાંગે છે. તમે રાજસ્થાનમાં નજર કરો, ખુલ્લેઆમ ગળું કાપી નાખવામાં આવે છે અને ત્યાંની સરકાર જોતી જ રહે છે. આ વિકાસ વિરોધી લોકો જ્યાં પણ જાય છે ત્યાં તુષ્ટિકરણ પણ આવે છે. જેના કારણે ગુંડાઓ, ગુનેગારો, રમખાણો કરનારાઓ અને ભ્રષ્ટાચારીઓ બેફામ બની જાય છે. મહિલાઓ, દલિતો, પછાત વર્ગો તેમજ આદિવાસીઓ પર અત્યાચાર વધી જાય છે. વિતેલા વર્ષોમાં આ વિકાસ વિરોધીઓના રાજ્યોમાં ગુનાખોરી અને ભ્રષ્ટાચારમાં સૌથી વધુ વધારો થયો છે. તેથી, મધ્યપ્રદેશે આ લોકો વિશે ખૂબ જ સાવધાન રહેવું પડશે.
મારા પરિવારજનો,
અમારી સરકાર દરેક વર્ગ અને દરેક ક્ષેત્ર સુધી વિકાસ પહોંચાડવા માટે સમર્પિત છે. જેમને કોઇએ ક્યારેય પૂછ્યું પણ નથી, તેમને મોદી પૂછે છે, તેમને મોદી પૂજે છે. હું તમારી પાસેથી જાણવા માંગુ છું… શું 2014 પહેલાં કોઇએ દિવ્યાંગ શબ્દ સાંભળ્યો હતો? જેઓ શારીરિક રીતે વિકલાંગ હતા તેઓને અગાઉની સરકારોએ લાચાર નિઃસહાય સ્થિતિમાં છોડી દીધા હતા.
આ અમારી સરકાર છે, જેણે દિવ્યાંગજનોની સંભાળ લીધી, તેમના માટે આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવ્યા અને તેમના માટે સામાન્ય સાંકેતિક ભાષા વિકસાવવામાં આવી. આજે જ ગ્વાલિયરમાં દિવ્યાંગ સાથીઓ માટે એક નવા રમતગમત કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આનાથી દેશમાં એક મોટા રમતગમત કેન્દ્ર તરીકે ગ્વાલિયરની ઓળખ વધુ મજબૂત થશે. અને મિત્રો, મારા પર ભરોસો રાખો, દુનિયામાં રમતગમતની ચર્ચા થશે, દિવ્યાંગોની રમતગમતની ચર્ચા થશે, ગ્વાલિયરનું નામ ઉજળું થવાનું છે, તમે લખી રાખો.
અને તેથી જ હું કહું છું કે, જેમને કોઇએ પૂછ્યું નથી, તેમને મોદી પૂછે છે, મોદી તેમની પૂજા કરે છે. આટલા વર્ષો સુધી દેશના નાના ખેડૂતોને કોઇએ પૂછ્યું જ નથી. મોદીએ આ નાના ખેડૂતોને પૂછ્યું છે, અને તેમની ચિંતા કરી છે. અમારી સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ દ્વારા અત્યાર સુધીમાં દેશના દરેક નાના ખેડૂતોના ખાતામાં 28 હજાર રૂપિયા મોકલ્યા છે. આપણા દેશમાં અઢી કરોડ નાના ખેડૂતો છે જેઓ બરછટ અનાજનું વાવેતર કરે છે. અગાઉ બરછટ ધાન્યનું વાવેતર કરતા નાના ખેડૂતોની કોઇને પરવા નહોતી. આ અમારી સરકાર છે, જેણે બરછટ અનાજને 'શ્રી અન્ન' તરીકેની ઓળખ આપી છે અને તેને વિશ્વભરના બજારો સુધી લઇ જઇ રહી છે.
મિત્રો,
અમારી સરકારની આ જ ભાવનાનો બીજો એક મોટો પુરાવો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે. આપણા કુંભાર ભાઇઓ - બહેનો, લુહાર ભાઇઓ - બહેનો, સુથાર ભાઇઓ - બહેનો, સોની ભાઇઓ - બહેનો, માળા બનાવનારા ભાઇઓ - બહેનો, દરજી ભાઇઓ - બહેનો, ધોબી ભાઇઓ - બહેનો, જૂતા બનાવતા ભાઇઓ - બહેનો, વાળ કાપનારા ભાઇઓ - બહેનો, આવા કામ કરનારાઓ લોકો માટે અનેક સાથીઓ, આપણા જીવનના મહત્વપૂર્ણ સ્તંભ છે. તેમના વિના જીવનની કલ્પના પણ કરવી અશક્ય છે. આઝાદીના આટલા દાયકાઓ પછી અમારી સરકારે તેમની કાળજી લીધી છે.
આ સાથીઓ સમાજમાં પાછળ રહી ગયા હતા, હવે તેમને આગળ લાવવા માટે મોદીએ ખૂબ જ મોટું અભિયાન હાથ ધર્યું છે. આ સાથીઓને તાલીમ આપવા માટે સરકાર હજારો રૂપિયા આપશે. ભાજપ સરકાર આધુનિક સાધનો માટે 15 હજાર રૂપિયા આપશે. આ મિત્રોને લાખો રૂપિયાનું સસ્તું ધીરાણ પણ આપવામાં આવી રહ્યું છે. મોદીએ વિશ્વકર્મા સહયોગીઓને ધીરાણની બાંયધરી લીધી છે, કેન્દ્ર સરકારે લીધી છે.
મારા પરિવારજનો,
દેશના વિકાસ વિરોધી રાજકીય પક્ષો મધ્યપ્રદેશને પાછળ લઇ જવા માંગે છે. જ્યારે અમારી ડબલ એન્જિનની સરકાર ભવિષ્ય વિશે વિચાર કરે છે. તેથી, વિકાસનો ભરોસો આપણે માત્રને માત્ર ડબલ એન્જિનની સરકાર પર જ કરી શકીએ છીએ. માત્ર અમારી સરકાર જ ખાતરી આપી શકે છે કે મધ્યપ્રદેશ વિકાસના ધોરણે દેશના ટોચના રાજ્યોમાં સામેલ થશે.
હું હમણાં જ, શિવરાજજી કહી રહ્યા હતા કે સ્વચ્છતાના મામલે મધ્યપ્રદેશ દેશમાં પ્રથમ ક્રમે છે. આજે ગાંધી જયંતિ છે, ગાંધીજી સ્વચ્છતાની વાતો કરતા હતા. ગઇકાલે સમગ્ર દેશમાં સ્વચ્છતાના કાર્યક્રમો યોજાયા હતા. તમે એક પણ કોંગ્રેસીને સ્વચ્છતા કરતા જોયા છે? શું તમે તેમને સ્વચ્છતા માટે કોઇને અનુરોધ કરતા જોયા છે? શું મધ્યપ્રદેશ સ્વચ્છતા બાબતે પ્રથમ ક્રમે આવ્યું એ પણ કોંગ્રેસના લોકોને નથી ગમતું, શું તેઓ મધ્યપ્રદેશનું ભલું કરી શકવાના છે? શું આપણે આવા લોકો પર વિશ્વાસ કરી શકીએ?
અને તેથી જ, હું આપ સૌને આગ્રહ કરું છું, ભાઇઓ અને બહેનોને વિનંતી કરું છું કે તમે વિકાસની આ ગતિને આગળ લઇ જાઓ, તેને ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધારો, અને આજે આટલી મોટી સંખ્યામાં આપ સૌ મને આશીર્વાદ આપવા માટે આવ્યા છો, ગ્વાલિયર-ચંબલના મારા સાથીઓ અહીં આશીર્વાદ આપવા માટે પધાર્યા છો તે બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.
સૌ મારી સાથે બોલો -
ભારત માતાની જય!
ભારત માતાની જય!
ભારત માતાની જય!
ખૂબ ખૂબ આભાર