ભારત માતા કી જય,
ભારત માતા કી જય,
ઉત્તર પ્રદેશના લોકપ્રિય કર્મયોગી મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, અહિના કર્મઠ અમારા જૂના સાથી ઉપ મુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી, જનરલ વી કે સિંહજી, સંજીવ બલિયાનજી, એસ પી સિંહ બધેલજી, બી.એલ. વર્માજી, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીશ્રી લક્ષ્મી નારાયણ ચૌધરીજી, શ્રી જય પ્રતાપ સિંહજી, શ્રીકાંત શર્માજી, ભૂપેન્દ્ર ચૌધરીજી, શ્રી નંદગોપાલ ગુપ્તાજી, અનિલ શર્માજી, ધર્મ સિંહ સૈનીજી, અશોક કટારિયાજી, શ્રી જી. એસ. ધર્મેશજી, સંસદમાં મારા સાથી ડોક્ટર મહેશ શર્માજી, શ્રી સુરેન્દ્ર સિંહ નાગરજી, શ્રી ભોલા સિંહજી, સ્થાનિક ધારાસભ્ય શ્રી ધિરેન્દ્ર સિંહજી, મંચ પર બિરાજમાન અન્ય તમામ લોક પ્રતિનિધિગણ અને મોટી સંખ્યામાં અહીં સૌને આશીર્વાદ આપવા માટે પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
આપ સૌને, દેશના લોકોને, ઉત્તર પ્રદેશના અમારા કરોડો ભાઈઓ અને બહેનોને નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ભૂમિપૂજન પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન. આજે આ એરપોર્ટના ભૂમિપૂજનની સાથે જ દાઉજી મેળા માટે પ્રસિધ્ધ જેવર પણ આંતરરાષ્ટ્રીય પટલ પર અંકિત થઈ ગયું છે. તેનો ખૂબ મોટો લાભ દિલ્હી, એનસીઆર અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કરોડો કરોડો લોકોને થશે. હું એના માટે પણ આપ સૌને અને સમગ્ર દેશને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
સાથીઓ,
21મી સદીનું નૂતન ભારત, આજે એકથી એક બહેતર આધુનિક માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરી રહ્યું છે. સારી સડકો, સારૂં રેલવે નેટવર્ક, સારા એરપોર્ટ, આ બધુ માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ જ નથી, પણ આ બધુ સમગ્ર ક્ષેત્રનો કાયાકલ્પ કરી દે છે. લોકોના જીવનને સમગ્ર રીતે બદલી નાંખે છે. ગરીબ હોય કે મધ્યમ વર્ગ, ખેડૂત હોય કે વેપારી, મજૂર હોય કે ઉદ્યોગકાર, આ તમામને તેનો ખૂબ મોટો લાભ મળે છે. માળખાકીય સુવિધાઓની યોજનાથી તાકાત ઘણી વધી જતી હોય છે અને તેની સાથે જો અપાર કનેક્ટિવિટી હોય, લાસ્ટ માઈલ કનેક્ટિવિટી હોય, નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ કનેક્ટિવિટીની દ્રષ્ટિએ પણ એક સારૂં મોડલ બની રહેશે. અહીં આવવા જવા માટે ટેક્સીથી માંડીને મેટ્રો અને રેલવે સુધીની દરેક પ્રકારની કનેક્ટિવિટી પ્રાપ્ત થશે. એરપોર્ટથી નિકળતાની સાથે જ તમે સીધા યમુના એક્સપ્રેસ વે ઉપર આવી શકશો. નોઈડા, ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે સુધી જઈ શકો છો. ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, કોઈપણ સ્થળે જવું હોય તો થોડાક જ સમયમાં પેરિફરલ એક્સપ્રેસ વે પહોંચી શકો છો. અને હવે તો દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ વે પણ તૈયાર થવાનો છે. તેનાથી પણ અનેક શહેરો સુધી પહોંચવાનું આસાન બની જશે. આટલુ જ નહીં, અહીંથી ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર માટે પણ સીધી કનેક્ટિવિટી પ્રાપ્ત થશે. એક રીતે કહીએ તો નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉત્તર ભારતનું લોજિસ્ટીક ગેટવે બની રહેશે. આ સમગ્ર ક્ષેત્રને નેશનલ ગતિ શક્તિ માસ્ટર પ્લાનનું એક સશક્ત પ્રતિબિંબ બનાવશે.
સાથીઓ,
આજે દેશમાં જે ઝડપથી ઉડ્ડયન ક્ષેત્રમાં વૃધ્ધિ થઈ રહી છે, જે ઝડપથી ભારતની કંપનીઓ સેંકડો નવા વિમાનો ખરીદી રહી છે તેમના માટે પણ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટની ખૂબ મોટી ભૂમિકા રહેશે. આ એરપોર્ટ, વિમાનની જાળવણી, રિપેરીંગ અને સંચાલન માટે તે દેશનું સૌથી મોટું કેન્દ્ર બની રહેશે. અહિંયા 40 એકર વિસ્તારમાં મેઈન્ટેનન્સ, રિપેર અને ઓવરહૉલ, એમઆરઓ સુવિધા બનશે, જે દેશ- વિદેશના વિમાનોને પણ સર્વિસ પૂરી પાડશે અને સેંકડો યુવાનોને રોજગારી પૂરી પાડશે. તમે કલ્પના કરો, આજે પણ આપણાં 85 ટકા વિમાનોનને એમઆરઓ સેવા માટે વિદેશ મોકલવા પડે છે અને એ કામગીરી પાછળ દર વર્ષે રૂ.15,000 કરોડનો ખર્ચ થાય છે. આ પ્રોજેકટ રૂ.30,000 કરોડમાં તૈયાર થવાનો છે. માત્ર રિપેરીંગ માટે રૂ.15,000 કરોડ બહાર જાય છે. હજારો કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે, જેનો મોટા ભાગનો હિસ્સો બીજા દેશોમાં જાય છે. હવે આ એરપોર્ટ તે સ્થિતિને બદલવામાં પણ સહાય કરશે.
ભાઈઓ અને બહેનો,
આ એરપોર્ટના માધ્યમથી સૌ પ્રથમ વખત દેશમાં ઈન્ટિગ્રેટેડ મલ્ટી- મોડલ કાર્ગો હબની કલ્પના પણ સાકાર થઈ રહી છે. તેનાથી સમગ્ર વિસ્તારના વિકાસને એક નવી ગતિ મળશે. એક નવી ઉડાન પ્રાપ્ત થશે. આપણે સૌ એ જાણીએ છીએ કે જે રાજ્યોની સીમા સમુદ્ર સાથે જોડાયેલી હોય છે તેમના માટે બંદરગાહ, પોર્ટસ ખૂબ મોટી અસ્કયામત બની રહે છે. નિકાસ માટે તેની ખૂબ મોટી તાકાત કામમાં આવે છે, પરંતુ ઉત્તર પ્રદેશ જેવા ચારે તરફથી જમીન સાથે જોડાયેલા રાજ્ય માટે આ ભૂમિકા એરપોર્ટની હોય છે. અહિંયા અલીગઢ, મથુરા, મેરઠ, આગ્રા, બિજનૌર, મુરાદાબાદ, બરેલી જેવા અનેક ઔદ્યોગિક વિસ્તારો છે. અહિંયા સર્વિસ સેક્ટરની પણ મોટી વ્યવસ્થા છે. અહિં કૃષિ ક્ષેત્રમાં પશ્ચિમી ઉત્તર પ્રદેશની મહત્વની ભાગીદારી છે. હવે આ વિસ્તારોનું સામર્થ્ય પણ ઘણું બધુ વધી જશે. એટલા માટે આ ઈન્ટરનેશનલ એરપોર્ટ, નિકાસ માટેનું એક ખૂબ મોટું કેન્દ્ર બનશે અને આંતરરાષ્ટ્રીય બજારો સાથે સીધુ જોડાણ પણ કરશે. હવે અહિંના કિસાન સાથીદારો, ખાસ કરીને નાના ખેડૂતોના ફળ અને શાકભાજી તથા માછલી જેવી જલ્દી ખરાબ થઈ જતી ચીજો અને ઉપજની આપણે સીધી નિકાસ કરી શકીશું. આપણાં આસપાસના વિસ્તારના જે કલાકારો છે, મેરઠનો રમત ઉદ્યોગ છે, સહરાનપુરનું ફર્નિચર છે, મુરાદાબાદનો પિત્તળ ઉદ્યોગ છે, આગ્રાના પગરખાં અને પેઠાં છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના અનેક માઈક્રો, નાના અને મધ્યમ કદના એકમોને પણ વિદેશના બજાર સુધી પહોંચવામાં હવે ખૂબ જ આસાની થશે.
સાથીઓ,
કોઈપણ વિસ્તારમાં એરપોર્ટના આગમનથી પરિવર્તનનું એક એવું ચક્ર શરૂ થાય છે કે જે ચારે દિશાઓને લાભ પહોંચાડે છે. વિમાન મથકના નિર્માણ દરમ્યાન રોજગારીની હજારો તકો ઊભી થાય છે અને વિમાન મથક સારી રીતે ચલાવવા માટે પણ હજારો લોકોની જરૂર ઉભી થાય છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના હજારો લોકો માટે આ એરપોર્ટ નવી રોજગારી પણ પૂરી પાડશે. રાજધાનીની નજીક હોવાના કારણે, અગાઉ જે કેટલાક વિસ્તારોને એરપોર્ટ જેવી સુવિધાઓથી જોડી શકાતા ન હતા, એવું માનવામાં આવતું હતું કે દિલ્હીમાં એરપોર્ટ અને અન્ય સુવિધાઓ છે જ, અમે આ વિચારધારાને બદલી નાંખી. તમે જુઓ અમે આજે હિંડન એરપોર્ટને યાત્રી સેવાઓ માટે ચાલુ કરી દીધુ છે. એવી જ રીતે હરિયાણાના હિસારમાં પણ એરપોર્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.
ભાઈઓ અને બહેનો,
જ્યારે એર કનેક્ટિવિટીમાં વધારો થાય છે ત્યારે પ્રવાસન પ્રવૃત્તિ પણ એટલી જ ઝડપથી ફૂલેફાલે છે. આપણે સૌએ જોયું છે કે માતા વૈષ્ણોદેવીની યાત્રા હોય કે કેદારનાથની યાત્રા હોય, હેલિકોપ્ટર સર્વિસથી જોડાયા પછી ત્યાં યાત્રાળુઓની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રસિધ્ધ પ્રવાસન અને આસ્થા સાથે જોડાયેલા મોટા કેન્દ્રો માટે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ આવું જ કામ કરવાનું છે.
સાથીઓ,
આઝાદીના 7 દાયકા પછી ઉત્તર પ્રદેશને એવી પ્રાપ્તિ થઈ છે કે જેના માટે તે હંમેશા હક્કદાર રહ્યું હતું. ડબલ એન્જીનની સરકારના પ્રયાસોથી આજે ઉત્તર પ્રદેશ દેશના સૌથી કનેક્ટેડ વિસ્તાર તરીકે રૂપાંતર પામી રહ્યું છે. અહિંયા પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ લાખા કરોડો રૂપિયાના પ્રોજેક્ટ ઉપર ઝડપથી કામ ચાલી રહ્યું છે. રેપિડ રેલ કોરિડોર હોય, એક્સપ્રેસ વે હોય, મેટ્રો કનેક્ટિવિટી હોય, પૂર્વ કે પશ્ચિમ સમુદ્રથી ઉત્તર પ્રદેશને જોડનારો ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર હોય, આ બધુ આધુનિક બનતા જતા ઉત્તર પ્રદેશની એક નવી ઓળખ બની રહ્યું છે. આઝાદીના આટલા વર્ષો સુધી તો ઉત્તર પ્રદેશને મહેણાં સાંભળવા માટે મજબૂર કરવામાં આવતું હતું. ક્યારેક ગરીબી અંગે મહેણાં, તો ક્યારેક જાતિગત રાજનીતિના મહેણાં, તો ક્યારેક હજારો કરોડ રૂપિયાના ગોટાળા અંગેનાં મહેણાં, ક્યારેક ખરાબ સડકો અંગે મહેણાં. કોઈ વખત ઉદ્યોગોના અભાવ અંગે મહેણાં, તો ક્યારેક ઠપ થઈ ગયેલા વિકાસ અંગે મહેણાં, ક્યારેક અપરાધી, માફિયા અને રાજનીતિની ગઠબંધન અંગેના મહેણાં. ઉત્તર પ્રદેશના કરોડ સામર્થ્યવાન લોકોને એ સવાલ થતો હતો કે શું ખરેખર ઉત્તર પ્રદેશની એક હકારાત્મક છબી બની શકશે કે નહીં બની શકે.
ભાઈઓ અને બહેનો,
અગાઉની સરકારોએ જે ઉત્તર પ્રદેશને અભાવ અને અંધકારમાં રાખ્યું હતું, અગાઉની સરકારોએ જે ઉત્તર પ્રદેશને હંમેશા ખોટા સપનાં દેખાડ્યા હતા તે ઉત્તર પ્રદેશ આજે માત્ર રાષ્ટ્રિય જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય છાપ ઉભી કરી રહ્યું છે. આજે ઉત્તર પ્રદેશમાં આંતરરાષ્ટ્રિય સ્તરની તબીબી સંસ્થાઓ બની રહી છે. આજે ઉત્તર પ્રદેશમાં આંતરરાષ્ટ્રીય સ્તરની શિક્ષણ સંસ્થાઓ બની રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરના ધોરિમાર્ગો, એક્સપ્રેસ વે, આંતરરાષ્ટ્રીય સ્તરની રેલ કનેક્ટિવિટી, આજે ઉત્તર પ્રદેશ બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે મૂડીરોકાણ માટેનું એક કેન્દ્ર બન્યું છે. આ બધું આજે આપણાં ઉત્તર પ્રદેશમાં થઈ રહ્યું છે. અને એટલા માટે જ દેશ અને દુનિયાના રોકાણકારો કહે છે કે ઉત્તર પ્રદેશ એટલે ઉત્તમ સુવિધા, સતત મૂડીરોકાણ. ઉત્તર પ્રદેશની આંતરરાષ્ટ્રીય ઓળખને ઉત્તર પ્રદેશની ઈન્ટરનેશનલ એર કનેક્ટિવિટી એક નવું પાસું આપી રહી છે. આવનારા બે થી ત્રણ વર્ષમાં આ એરપોર્ટ જ્યારે કામ કરવાનું શરૂ કરશે ત્યારે ઉત્તર પ્રદેશ પાંચ ઈન્ટરનેશનલ એરપોર્ટ ધરાવતું રાજ્ય બની જશે.
સાથીઓ,
ઉત્તર પ્રદેશમાં અને કેન્દ્રમાં અગાઉ જે સરકારો હતી તેમણે ઉત્તર પ્રદેશના વિકાસને કેવી રીતે ટાળ્યો હતો તેનું એક ઉદાહરણ જેવર એરપોર્ટ પણ છે. બે દાયકા પહેલાં ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે આ પ્રોજેક્ટનું સપનું જોયું હતું, પરંતુ તે પછી આ એરપોર્ટ અનેક વર્ષ સુધી દિલ્હી અને લખનૌમાં જે સરકારો રાજ કરતી હતી તેમની ખેંચતાણ વચ્ચે અથડાતુ રહ્યું. ઉત્તર પ્રદેશમાં અગાઉ જે સરકાર હતી તે સરકારે કાયદેસર પત્ર લખીને કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે આ એરપોર્ટનો પ્રોજેકટ બંધ કરી દેવામાં આવે. હવે ડબલ એન્જિનની સરકારના પ્રયાસોથી આજે આપણે આ એરપોર્ટના ભૂમિપૂજનના સાક્ષી બની રહ્યા છીએ.
સાથીઓ,
હું આજે વધુ એક વાત કહેવા માગું છું. મોદી અને યોગી જો ઈચ્છતા હોત તો 2017માં સરકાર બનવાની સાથે જ અહીં આવીને ભૂમિ પૂજન કરી દીધુ હોત. ફોટા પડાવી દીધા હોત. અખબારોમાં પ્રેસ નોટ પણ છપાઈ ગઈ હોત. અને જો આવું અમે કર્યું હોત તો અગાઉની સરકારોની આદત પ્રમાણ અમે કશુંક ખોટું કર્યુ હોય તેવું પણ લોકોને લાગ્યું હોત.
અગાઉ રાજકીય લાભ માટે ઝડપભેર રેવડીઓની જેમ માળખાકીય સુવિધાઓની યોજનાની જાહેરાતો કરવામાં આવતી હતી. કાગળ પર રેખાઓ દોરવામાં આવતી હતી, પણ પ્રોજેક્ટ જમીન પર કેવી રીતે ઉતરે, અડચણોને કેવી રીતે દૂર કરી શકાય, નાણાંનો પ્રબંધ ક્યાંથી કરાય તે બાબતે તો વિચાર પણ કરવામાં આવતો ન હતો. આ કારણે યોજનાઓ દાયકાઓ સુધી તૈયાર થતી જ ન હતી. જાહેરાતો થઈ જતી હતી, યોજનાનો ખર્ચ અનેક ગણો વધી જતો હતો. તે પછી બહાનાબાજી શરૂ થતી હતી અને શા માટે વિલંબ થયો તેનો દોષ અન્ય લોકોને આપવાની કવાયત ચાલુ થતી હતી, પરંતુ અમે એવુ ના કર્યું, કારણ કે માળખાકીય સુવિધાઓ અમારા માટે રાજનીતિનો નહીં, પણ રાષ્ટ્ર નીતિનો જ હિસ્સો છે. ભારતના ઉજળા ભવિષ્યની જવાબદારી છે. અમે માનીએ છીએ કે નિશ્ચિત કરેલા સમયની અંદર જ માળખાકીય સુવિધાઓનું કામ પૂરૂ કરવામાં આવે. જો વિલંબ થાય તો અમે દંડ કરવાની પણ જોગવાઈ કરી છે.
સાથીઓ,
અગાઉ ખેડૂતોની જમીનો અંગે જે પ્રકારની ગરબડો થતી હતી તેના કારણે પણ યોજનાઓ વિલંબમાં મૂકાતી હતી અને અવરોધ પણ ઉભા થતા હતા. અહિં આસપાસમાં, અગાઉની સરકારોના શાસન વખતની અનેક યોજનાઓ છે કે જેના માટે ખેડૂતો પાસેથી જમીનો તો લઈ લેવામાં આવી, પણ તેમાં વળતર સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ ઊભી થઈ અથવા તો વર્ષો સુધી આ જમીન બેકાર પડી રહી. અમે ખેડૂતોના હિતમાં, યોજનાના હિતમાં, દેશના હિતમાં આ બધી અડચણો પણ દૂર કરી અને અમે એવી ખાત્રી કરી કે ખેડૂતો પાસેથી સમયસર અને સંપૂર્ણ પારદર્શકતા સાથે જમીનની ખરીદી કરવામાં આવે અને એવું થયા પછી જ અમે રૂ.30,000 કરોડની આ યોજનાનું ભૂમિ પૂજન કરવા માટે આગળ વધી શક્યા છીએ.
સાથીઓ,
આજે દરેક સામાન્ય દેશવાસી માટે ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ, ગુણવત્તાયુક્ત સુવિધાઓ, તૈયાર કરવામાં આવી રહી છે. દેશનો સામાન્ય નાગરિક હવાઈ મુસાફરી કરી શકે તે સપનું પણ આજે ઉડાન યોજનાએ સાકાર કરી બતાવ્યું છે. આજે જ્યારે કોઈ સાથી ખુશ થઈને કહે છે કે પોતાના ઘરની નજીકના વિમાન મથકથી તેણે પોતાના માતા-પિતા સાથે પ્રથમ વખત હવાઈ મુસાફરી કરી છે. તે જ્યારે પોતાનો ફોટો શેર કરે છે ત્યારે મને લાગે છે કે અમારા પ્રયાસ સફળ થયા છે. મને એ વાતનો આનંદ છે કે માત્ર ઉત્તર પ્રદેશમાં વિતેલા વર્ષોમાં 8 વિમાન મથકેથી ફ્લાઈટ શરૂ થઈ ચૂકી છે અને અનેક એરપોર્ટ યોજનાઓનું કામ પણ ચાલી રહ્યું છે.
ભાઈઓ અને બહેનો,
આપણાં દેશમાં કેટલાક રાજકીય પક્ષોએ હંમેશા પોતાના સ્વાર્થને જ સર્વોપરી ગણ્યો છે. એ લોકો એવું જ વિચારતા હતા કે પોતાનો સ્વાર્થ સધાય, માત્ર પોતાનો પરિવાર જ્યાં રહેતો હોય તે જ વિસ્તારના વિકાસને તે વિકાસ માનતા હતા. જ્યારે અમે રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે આગળ ધપી રહ્યા છીએ. સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા પ્રયાસ એ જ અમારો મંત્ર છે. ઉત્તર પ્રદેશના લોકો સાક્ષી છે કે વિતેલા થોડાંક સપ્તાહોમાં કેટલાક રાજકીય પક્ષો જે રીતે રાજનીતિ કરી રહ્યા છે, પણ ભારત વિકાસના માર્ગેથી અળગું થયું નથી. થોડાંક સમય પહેલાં જ ભારતે 100 કરોડ વેક્સિન ડોઝનો કઠિન મુકામ પાર કર્યો છે. આ મહિનાની શરૂઆતમાં જ ભારતે વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરોના લક્ષ્યની જાહેરાત કરી છે. થોડાંક સમય પહેલાં જ કુશીનગરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશમાં એક સાથે 9 મેડિકલ કોલેજ શરૂ કરીને દેશમાં આરોગ્યની માળખાકિય સુવિધાઓને મજબૂત કરવામાં આવી. મહોબામાં એક નવો બંધ અને સિંચાઈ યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું, તો ઝાંસીમાં ડિફેન્સ કોરિડોરના કામમાં ગતિ આવી છે. વિતેલા સપ્તાહમાં ઉત્તર પ્રદેશવાસીઓને પૂર્વાંચલ એક્સપ્રેસ વે સમર્પિત કરવામાં આવ્યો. તેના એક જ દિવસ પહેલાં અમે જનજાતિ ગૌરવ દિવસ મનાવ્યો. મધ્ય પ્રદેશમાં એક ખૂબ મોટા અને આધુનિક રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ મહિને જ મહારાષ્ટ્રના પંઢરપુરમાં સેંકડો કિલોમીટરના નેશનલ હાઈવેનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. અને આજ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ભૂમિ પૂજન થયું છે. આપણી રાષ્ટ્ર ભક્તિ સામે, આપણી રાષ્ટ્ર સેવા સામે કેટલાક રાજકીય પક્ષોની સ્વાર્થ નીતિ ક્યારેય ટકી શકે તેમ નથી.
સાથીઓ,
આજે દેશમાં 21મી સદીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અનેક આધુનિક યોજનાઓનું કામ ઝડપભેર આગળ ધપી રહ્યું છે. આ ગતિ, આ પ્રગતિ એક સક્ષમ અને સશક્ત ભારતની ગેરંટી છે. આ પ્રગતિ, સુવિધા અને સુગમતાને કારણે સામાન્ય ભારતીયની સમૃધ્ધિ સુનિશ્ચિત થવાની છે. આપ સૌના આશીર્વાદથી ડબલ એન્જિનની આ સરકાર કટિબધ્ધતા સાથે ઉત્તર પ્રદેશ આ બાબતે અગ્રણી ભૂમિકા નિભાવશે. આપણે સૌ સાથે મળીને આગળ ધપીશું તેવા વિશ્વાસ સાથે આપ સૌને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે ફરી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
મારી સાથે બોલો...
ભારત માતા કી જય,
ભારત માતા કી જય,
ભારત માતા કી જય,
ખૂબ ખૂબ ધન્યવાદ!