આ પાઇપલાઇન કેરળ અને કર્ણાટકના લોકોના જીવનધોરણને સરળ બનાવામાં સુધારો લાવશે: પ્રધાનમંત્રી
બ્લ્યુ ઇકોનોમી આત્મનિર્ભર ભારતનો મહત્વપૂર્ણ સ્રોત બનવા જઇ રહી છે: પ્રધાનમંત્રી

નમસ્કાર !

કેરળના રાજ્યપાલ, આરિફ મોહમ્મદ ખાનજી, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાજી, કેરળના મુખ્યમંત્રી શ્રી પિનારાઈ વિજયનજી, કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બી. એસ. યેદિયુરપ્પાજી, કેન્દ્રિય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, પ્રહલાદ જોષીજી, વી. મુરલીધરનજી, સાંસદ ગણ, વિધાયક ગણ, ભાઈઓ અને બહેનો,

450 કિ.મી. લાંબી કોચી-મેંગલુરૂ નેચરલ ગેસ પાઈપલાઈન રાષ્ટ્રને સમર્પિત કરતાં હું આનંદની લાગણી અનુભવુ છું. આજે ભારત અને ખાસ કરીને કેરાલા અને કર્ણાટક રાજ્ય માટે એક મહત્વનો દિવસ છે. આ બંને રાજ્યોને નેચરલ ગેસ પાઈપલાઈનથી જોડવામાં આવ્યાં છે. હું આ રાજ્યોના લોકોને અભિનંદન પાઠવુ છું. ક્લિન એનર્જીની માળખાગત સુવિધા પૂરૂ પાડવા માટે હું તમામ સહયોગીઓનો આભાર માનુ છું. આ બંને રાજ્યોના વિકાસમાં આ પાઈપલાઈન મહત્વની ભૂમિકા બજાવશે.

સાથીઓ,

કોચી- મેંગ્લોર પાઈપલાઈન એ બાબતનું ખૂબ મોટું ઉદાહરણ છે કે વિકાસને અગ્રતા આપીને તમામ લોકો સાથે મળીને કામ કરે તો કોઈ લક્ષ્ય અસંભવ નથી. આ પ્રોજેકટ સાથે જોડાયેલા લોકો જાણે છે કે ઈજનેરી દ્રષ્ટિએ આ કામ પૂરૂ કરવામાં કેટલી તકલીફોનો સામનો કરવો પડયો હતો. પ્રોજેકટમાં અન્ય અવરોધો પણ આવ્યા, પરંતુ, આપણા શ્રમિકો, ઈજનેરો, ખેડૂતો અને રાજ્ય સરકારના સહયોગથી આ પાઈપલાઈનનું કામ પૂરૂ કરી શકાયું છે. કહેવામાં તો આ એક માત્ર પાઈપલાઈન છે, પણ બંને રાજ્યોના વિકાસને ગતિ આપવામાં તેની ખૂબ મોટી ભૂમિકા રહેવાની છે. આપણો દેશ હાલમાં ગેસ આધારિત અર્થતંત્ર ઉપર આટલો કેમ મૂકી ભાર મુકી રહ્યો છે ? શા માટે વન નેશન વન ગેસ ગ્રીડ માટે આટલું ઝડપથી કામ થઈ રહ્યું છે. શા માટે આત્મનિર્ભર ભારત માટે ગેસ આધારિત અર્થતંત્રનું આટલુ ઝડપી વિસ્તરણ જરૂરી બન્યુ છે? તેને તમે આ એક પાઈપલાઈનના ફાયદાઓને આધારે સમજી શકશો.

પ્રથમ તો, આ પાઈપલાઈન આ બંને રાજ્યોના લોકોના જીવન જીવવાની આસાનીમાં વધારો કરશે. બીજું, આ પાઈપલાઈન બંને રાજ્યોના ગરીબ, મધ્યમ વર્ગ અને ઉદ્યોગનો ખર્ચ ઓછો કરશે. ત્રીજુ, આ પાઈપલાઈન અનેક શહેરોમાં સીટી ગેસ વિતરણનું માધ્યમ બનશે. ચોથુ, આ પાઈપલાઈન અનેક શહેરોમાં સીએનજી આધારિત પરિવહન વ્યવસ્થા વિકસાવવાનો આધાર બનશે. પાંચમુ, આ પાઈપલાઈન મેંગ્લોર કેમિકલ અને ફર્ટિલાઈઝર પ્લાન્ટને ઉર્જા પૂરી પાડશે. ઓછા ખર્ચે ખાતર બનાવવામાં સહાય થશે, આ કારણે તેનાથી ખેડૂતને મદદ થશે. છઠ્ઠુ, આ પાઈપલાઈન મેંગ્લોર કેમિકલ અને ફર્ટિલાઈઝર પ્લાન્ટને ઉર્જા પૂરી પાડશે, સ્વચ્છ ઈંધણ પૂરૂ પાડશે. સાતમું, આ પાઈપલાઈન બંને રાજ્યોમાં પ્રદૂષણ ઓછું કરવામાં ખૂબ મોટી ભૂમિકા નિભાવશે. આઠમુ, પ્રદૂષણ ઓછુ થવાની સીધી અસર પર્યાવરણ ઉપર થશે અને આ પ્લાન્ટને કારણે કાર્બન ડાયોકસાઈડ છૂટવાનું પ્રમાણ પણ ઓછું થશે, જે લાખો વૃક્ષો વાવવાથી પણ ઓછું થઈ શકે નહીં.

સાથીઓ, નવમો લાભ એ છે કે પર્યાવરણ બહેતર બનવાથી લોકોનું આરોગ્ય પણ સારૂ રહેશે. બીમારી સંબંધિત થતા તેમના ખર્ચમાં પણ ઘટાડો થશે. દસમું, જો પ્રદૂષણ ઓછું થશે તો હવા સ્વચ્છ રહેશે, શહેરમાં ગેસ આધારિત વ્યવસ્થાઓ હશે તો નવા પ્રવાસીઓ આવશે. પ્રવાસન ક્ષેત્રને પણ તેનો લાભ મળશે. અને સાથીઓ આ પાઈપલાઈનના વધુ બે લાભ છે, જેની ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. આ પાઈપલાઈનના નિર્માણ સમયે 12 લાખ માનવ દિનની રોજગારીનું નિર્માણ થયુ છે. પાઈપલાઈન શરૂ થયા પછી પણ રોજગાર અને સ્વરોજગારની એક નવી વ્યવસ્થા કેરળ અને કર્ણાટકમાં ખૂબ ઝડપથી વિકસિત થશે. ફર્ટિલાઈઝર ઉદ્યોગ હોય કે કેમિકલ ઉદ્યોગ હોય, દરેક ઉદ્યોગને તેનો લાભ મળશે અને રોજગારની તકો ઉભી થશે. સાથીઓ, આ પાઈપલાઈનનો વધુ એક લાભ સમગ્ર દેશને થવાનો છે. જ્યારે આ પાઈપલાઈન પૂર્ણ ક્ષમતાથી કામ કરતી થઈ જશે ત્યારે દેશનું હજારો કરોડ રૂપિયાનું ચલણ ખર્ચાતું બચી જશે. ભારત COP21ના લક્ષ્યાંકો બાબતે જે ગંભીરતાથી કામ કરી રહ્યું છે તે માટેનો આ પ્રયાસ આપણને તે દિશામાં પણ સહાયક બનશે.

સાથીઓ,

દુનિયાભરના નિષ્ણાતોનું કહેવુ છે કે 21મી સદીમાં જે દેશ, પોતાની કનેક્ટિવીટી અને ક્લિન એનર્જી ઉપર સૌથી વધુ ઝોક રાખતો હશે તે ઝડપથી કામ કરી શકશે અને ખૂબ જ ઝડપથી આગળ ધપી શકશે. આજે તમે કોઈ પણ મોરચે જુઓ, હાઈવે કનેક્ટિવિટી, રેલવે કનેક્ટિવિટી, મેટ્રો કનેક્ટિવિટી, એર કનેક્ટિવિટી, વૉટર કનેક્ટિવિટી, ડિજિટલ કનેક્ટિવિટી કે પછી ગેસ કનેક્ટિવિટીની બાબત હોય, ભારતમાં હાલમાં જેટલું કામ થઈ રહ્યું છે તેટલું કામ અગાઉ ક્યારેય પણ થઈ શક્યું નથી. એક ભારતીય તરીકે આપણા બધાનું એ સૌભાગ્ય છે કે આપણે આ બધુ આપણી સામે જ બનતાં જોઈ રહ્યા છીએ. વિકાસના આ નવા આંદોલનનો આપણે બધા હિસ્સો છીએ.

ભાઈઓ અને બહેનો,

પાછલી સદીમાં ભારત જે ઝડપથી આગળ ધપ્યું તેનાં પોતાનાં કારણો હશે. હું તે અંગે વિગતે વાત કરવા માંગતો નથી, પરંતુ એટલું નક્કી છે કે આજનું યુવા ભારત દુનિયા ઉપર છવાઈ જવા માટે ઉત્સુક છે. ભારત હવે ધીરે ધીરે ચાલી શકે તેમ નથી અને એટલા માટે જ વિતેલાં વર્ષોમાં ભારતની ઝડપમાં વધારો કરવામાં આવ્યો છે, વ્યાપ પણ વધાર્યો છે અને સાથે સાથે તેના લક્ષ્યોમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

સાથીઓ,

ભારતની આ નવી પેઢીનો એક સારો ગુણ એ છે કે તે હકિકતોના આધારે બાબતોને પારખી જાય છે અને પોતાની સફળતા અને નિષ્ફળતાનું તેના આધારે વિશ્લેષણ કરે છે તથા દરેક બાબતને તર્ક અને તથ્યોના આધારે સ્વીકાર કરે છે. ભારતમાં ગેસ આધારિત અર્થતંત્ર ઉપર હાલમાં જે કામ થઈ રહ્યું છે તેનાં કેટલાંક તથ્યો અને તર્ક ખૂબ જ મહત્વના છે.

સાથીઓ,

આપણાં દેશમાં પહેલી આંતર રાજ્ય ગેસ પાઈપલાઈન વર્ષ 1987માં કાર્યરત થઈ હતી. તેના પછી વર્ષ 2014 સુધી એટલે કે 27 વર્ષ દરમિયાન દેશમાં 15 હજાર કિલો મીટરની ગેસ પાઈપલાઈન બની. આજે સમગ્ર દેશમાં પૂર્વ- પશ્ચિમ, ઉત્તર, દક્ષિણમાં 16 હજાર કિલો મીટરથી પણ વધુ લાંબી પાઈપલાઈન ઉપર કામ ચાલી રહ્યુ છે. આ કામ હવે પછીના 4થી 6 વર્ષમાં પૂરૂ થશે. તમે કલ્પના કરી શકો છો કે જેટલુ કામ 27 વર્ષમાં થયુ, તેનાથી વધુ કામ અમે તેનાથી અડધા સયમમાં કરવાનું લક્ષ્ય લઈને આગળ ધપી રહ્યા છીએ.

સાથીઓ,

આ પ્રકારનું વધુ એક ઉદાહરણ છે સીએનજી સ્ટેશન માટેનું. આપણાં દેશમાં પહેલું સીએનજી સ્ટેશન વર્ષ 1992ની આસપાસ શરૂ થયુ હતું. વર્ષ 2014 સુધીનાં 22 વર્ષ સુધી આપણા દેશમાં સીએનજી સ્ટેશનોની સંખ્યા 900 કરતા વધી ન હતી. જ્યારે પાછલાં 6 વર્ષમાં સીએનજી સ્ટેશનોની સંખ્યા 10 હજાર સુધી પહોંચાડવામાં આવી છે. હજુ હમણાં તો આ પાઈપલાઈન કાર્યરત થઈ છે તે પણ કેરળ અને કર્ણાટકનાં અનેક શહેરોમાં જે 700 સીએનજી સ્ટેશન શરૂ કરવામાં સહાયક બનવાની છે.

સાથીઓ,

વધુ એક રસપ્રદ આંકડો છે- તે છે પીએનજી કનેક્શન અંગેનો. રસોઈ માટે પાઈપલાઈનથી જે ગેસ પહોંચાડવામાં આવે છે તેનાં વર્ષ 2014 સુધીમાં દેશમાં માત્ર 25 લાખ જોડાણો હતાં, આજે દેશમાં 72 લાખ કરતાં પણ વધુ ઘરમાં રસોઈ માટે પાઈપલાઈનથી ગેસ પહોંચી રહ્યો છે. કોચી -મેંગ્લોર પાઈપલાઈનથી વધુ 21 લાખ નવા લોકો પાઈપલાઈનથી ગેસ મેળવવાની સુવિધા પ્રાપ્ત કરી શકશે.

ભાઈઓ અને બહેનો,

લાંબા સમય સુધી દેશમાં એલપીજી કવરેજની સ્થિતિ શું હતી તે તમે સારી રીતે જાણો છો. વર્ષ 2014 સુધીમાં જ્યાં સમગ્ર દેશમાં 21 લાખ જોડાણો હતાં ત્યાં વિતેલાં 6 વર્ષમાં એટલા જ નવાં જોડાણો આપવામાં આવ્યાં છે. ઉજ્જવલા યોજના જેવી સ્કીમથી દેશના 8 કરોડ કરતાં વધુ લોકોના ઘર સુધી રસોઈ ગેસ પહોંચ્યો છે અને સાથે સાથે એલપીજી સાથે જોડાયેલી માળખાગત સુવિધાઓ પણ તેના કારણે મજબૂત બની છે.

સાથીઓ,

આની સૌથી મોટી અસર એ થઈ છે કે કોરોના કાળ દરમિયાન પણ દેશમાં રાંધણ ગેસની કોઈ અછત ઉભી થઈ નથી. ગરીબમાં ગરીબ લોકોને આ ગાળા દરમિયાન અમે મુશ્કેલ સમયમાં આશરે 12 કરોડ સિલિન્ડર મફત આપ્યા છે.

 

સાથીઓ,

સરકારના આ પ્રયાસોના કારણે, આટલી ઝડપથી જે કામ થયાં તેની અસર કેવી ઉભી થઈ તેની કોઈ ચર્ચા કરતું નથી. યાદ કરો, આપણે ત્યાં કેરોસીનની કેટલી લાંબી લાંબી કતારો લાગતી હતી. રાજ્ય સરકારો ભારત સરકારને પત્રો લખતી હતી કે કેરોસીનનો ક્વોટા વધારવામાં આવે. કેરોસીનની ડિલીવરી બાબતે હંમેશાં રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે તંગદિલી રહેતી હતી. આજે જ્યારે રસોઈ માટે ગેસ આસાનીથી મળી રહ્યો છે ત્યારે કેરોસીનની અછત પણ ઓછી થઈ છે. આજે દેશનાં અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પોતાને કેરોસીન મુક્ત જાહેર કરી ચૂક્યા છે.

મિત્રો,

અમારી સરકાર ઉર્જાના સંકલિત અભિગમમાં માને છે. અમારો એનર્જી એજન્ડા સર્વસમાવેશી છે. વર્ષ 2014 પછી અમે ઉર્જા અને ગેસ ક્ષેત્રમાં અનેક સુધારા કર્યા છે. આ સુધારામાં તેલ સંશોધન અને ઉત્પાદન તથા નેચરલ ગેસના માર્કેટીંગ અને વિતરણનો સમાવેશ થાય છે. અમે ‘‘વન નેશન વન ગેસ ગ્રીડ”નું ધ્યેય હાંસલ કરવા માંગીએ છીએ. અમે ગેસ આધારિત અર્થતંત્ર તરફ પણ જવા માંગીએ છીએ. નેચરલ ગેસના કેટલાક પર્યાવરણલક્ષી ફાયદા પણ છે. ભારત સરકાર દેશના એનર્જી બાસ્કેટમાં નોચરલ ગેસનું પ્રમાણ 6 ટકાથી વધારીને 15 ટકા સુધી લઈ જવા માંગે છે. આ દાયકામાં જ ઓઈલ અને ગેસ ક્ષેત્રોમાં કરોડો રૂપિયાનું મૂડી રોકાણ થવાનું છે. ગેઈલની આ કોચી- મેંગ્લૂરૂ નેચરલ ગેસ પાઈપલાઈન એ વન નેશન, વન ગેસ ગ્રીડ તરફના માર્ગનો એક હિસ્સો છે. બહેતર ભવિષ્ય માટે ક્લિન એનર્જી ખૂબ જ આવશ્યક છે. આ પાઈપલાઈનને કારણે ક્લિન ઉર્જાની પ્રાપ્યતામાં સુધારો કરવામાં સહાય થશે. અન્ય ક્ષેત્રોમાં પણ અમારી સરકાર ખૂબ જ પ્રયાસો હાથ ધરી રહી છે. ઉદાહરણ તરીકે સ્વચ્છ ભારત ચળવળનો જ દાખલો લઈએ તો આ પ્રયાસોને પરિણામે એલઈડી બલ્બની સંખ્યામાં અથવા તો ઈલેક્ટ્રીક મોબિલીટીમાં સુધારો થયો છે.

સાથીઓ,

આજે અમારી કોશિશ એ રહી છે કે દેશની ભવિષ્યની જરૂરિયાતો માટે, દેશની ઉર્જાની જરૂરિયાતો માટે આજથી જ તૈયારી શરૂ કરવામાં આવે અને એટલા માટે જ એક તરફ દેશ નેચરલ ગેસ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે તો બીજી તરફ દેશ પોતાના ઉર્જા સ્રોતોનું પણ વિવિધિકરણ કરી રહ્યો છે. હજુ હમણાં જ ગુજરાતમાં દુનિયાના સૌથી મોટી રિન્યુએબલ એનર્જી પ્લાન્ટનું કામ શરૂ થયું છે. તેવી જ રીતે હાલમાં બાયોફ્યુઅલ બાબતે પણ ખૂબ મોટા પાયે કામ ચાલી રહ્યું છે. શેરડી હોય કે અન્ય ખેત પેદાશો હોય, તેમાંથી ઈથેનોલ પેદા કરવા માટે ગંભીરતા સાથે કામ હાથ ધરવામાં આવી રહયું છે. અગાઉના 10 વર્ષમાં પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણનું પ્રમાણ 20 ટકા સુધી લઈ જવાનો ધ્યેય નક્કી કરવામાં આવ્યો હતો અને આટલું જ નહીં, ઈલેક્ટ્રીક મોબિલીટી સાથે જોડાયેલા ક્ષેત્રોમાં તેની સાથે જોડાયેલી માળખાગત સુવિધાઓને પણ ઘણું બધુ પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. દરેક દેશવાસીને પૂરતું, સસ્તુ અને પ્રદુષણ રહિત બળતણ મળે, વીજળી મળે તેને માટે અમારી સરકાર સંપૂર્ણ કટિબધ્ધતા સાથે કામ કરી રહી છે.

ભાઈઓ અને બહેનો,

દેશના સમતોલ અને ઝડપી વિકાસની વિચારધારા અમારા સાગરકાંઠાના સ્થળોના વિકાસમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. કેરળ હોય કે કર્ણાટક, દક્ષિણ ભારત હોય કે અન્ય કોઈ રાજ્ય, જે કોઈ રાજ્ય દરિયા સાથે જોડાયેલા છે ત્યાં બ્લૂ ઈકોનોમીના વિકાસ માટે એક ઘનિષ્ટ ઈ-પ્લાન ઉપર કામ ચાલી રહ્યું છે. બ્લૂ ઈકોનોમી આત્મનિર્ભર ભારતનો ખૂબ મોટો સ્રોત બનવાની છે. આપણે ત્યાંના બંદરો હોય કે સાગરકાંઠાના માર્ગો હોય, તેમને અન્ય માધ્યમો સાથે જોડવામાં આવી રહ્યા છે. મલ્ટીમોડલ કનેક્ટિવીટી ઉપર અમે વિશેષ પ્રમાણમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આપણા સાગરકાંઠાના વિસ્તારો બિઝનેસ કરવાની આસાનીનું મોડલ પણ બની રહ્યા છે. બિઝનેસ કરવામાં આસાની બહેતર હોય તે લક્ષ્યને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવી રહ્યું છે.

ભાઈઓ અને બહેનો,

સાગરકાંઠે વસવાટ કરતી એક મોટી વસતી આપણાં ખેડૂતોની પણ છે. આપણાં માછીમાર સાથીદારોની પણ છે. આ તમામ સાથીઓ માત્ર સમુદ્ર સંપત્તિ ઉપર જ આધાર રાખે છે તેવું નથી, પણ તે ખૂબ મોટા સંરક્ષક પણ છે. એટલા માટે જ સમગ્ર સાગરકાંઠાની વ્યવસ્થાની સુરક્ષા અને સમજૂતી ખૂબ જ જરૂરી છે. વિતેલા વર્ષોમાં આ માટે અનેક સાર્થક કદમ ઉઠાવવામાં આવ્યા છે. માછીમારોને ઊંડા દરિયામાં માછીમારી માટે મદદ કરવાની હોય કે પછી તેમના અલગ વિભાગની રચના કરવાની હોય, મત્સ્ય વેપાર સાથે જોડાયેલા સાથીઓને પણ સસ્તા ધિરાણ માટે કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનું હોય તેનાથી સામાન્યમાંથી સામાન્ય માછીમારોને પણ લાભ થઈ રહ્યો છે. થોડાંક મહિના પહેલાં દેશમાં રૂ.20 હજાર કરોડની મત્સ્ય સંપદા યોજના શરૂ કરવામાં આવી હતી અને તેનો સીધો લાભ કેરળ અને કર્ણાટકના લાખો માછીમાર સાથીઓને થવાનો છે. આજે અમે માછલી સાથે જોડાયેલી નિકાસને પણ ઝડપથી આગળ ધપાવી રહ્યા છીએ. ભારત હવે એક ક્વોલિટી પ્રોસેસ્ડ સી ફૂડનું હબ બને તેના માટે જરૂરી તમામ કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે. દુનિયામાં સી-વીડ ફાર્મીંગની માંગ પણ વધી રહી છે, જે પૂરી કરવામાં ભારત મહત્વની ભૂમિકા બજાવી શકે તેમ છે. સી-વીડ ફાર્મીંગ માટે ખેડૂતોને જેટલું પ્રોત્સાહન મળશે તેટલી જ ઝડપથી આ ક્ષેત્રમાં આપણે આગળ ધપી શકીશું. આપણે સંગઠીત થઈને, સંકલ્પ ભાવના સાથે કામ કરીશું ત્યારે જ આપણું દરેક રાષ્ટ્રીય લક્ષ્ય ઝડપથી હાંસલ કરી શકીશું. ફરી એક વખત કોચી- મેંગલૂરૂ ગેસ પાઈપલાઈન માટે કેરળ અને કર્ણાટકના તમામ નાગરિક ભાઈઓ બહેનોને તથા તમામ મહાનુભવોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખૂબ શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ !

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi to launch multiple development projects worth over Rs 12,200 crore in Delhi on 5th Jan

Media Coverage

PM Modi to launch multiple development projects worth over Rs 12,200 crore in Delhi on 5th Jan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 જાન્યુઆરી 2025
January 04, 2025

Empowering by Transforming Lives: PM Modi’s Commitment to Delivery on Promises