હર હર મહાદેવ!
શ્રી સદ્દગુરૂ ચરણ કમલેભ્યો નમઃ
મંચ ઉપર ઉપસ્થિત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, ઉત્તર પ્રદેશના ઊર્જાવાન કર્મયોગી મુખ્ય મંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, સદ્દગુરૂ આચાર્યશ્રી સ્વતંત્ર દેવજી મહારાજ, સંત પ્રવર શ્રી વિજ્ઞાન દેવજી મહારાજ, કેન્દ્ર સરકારની મંત્રી પરિષદના મારા સાથી અને આ વિસ્તારના સાંસદ શ્રી મહેન્દ્રનાથ પાંડેજી, તમારા અહીંના પ્રતિનિધિ અને યોગીજીની સરકારના મંત્રી શ્રી અનિલ રાજભરજી, દેશ- વિદેશથી પધારેલા તમામ સાધક અને શ્રધ્ધાળુ સમુદાય.
ભાઈઓ અને બહેનો તથા તમામ ઉપસ્થિત સાથીઓ,
કાશીની ઊર્જા અતૂટ તો છે, પણ સાથે સાથે નીતિ નવો વિસ્તાર પામતી રહે છે. કાલે કાશીમાં ભવ્ય 'વિશ્વનાથ ધામ' મહાદેવના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું તો આજે 'વિહંગમ યોગ સંસ્થા' નું આ અદ્દભૂત આયોજન થઈ રહ્યું છે. આપણે દેવોની ભૂમિ પર ઈશ્વર આપણી અનેક ઈચ્છાઓ પૂર્ણ કરે તે માટે સંતોને નિમિત્ત બનાવીએ છીએ અને જ્યારે સંતોની સાધના પુણ્ય ફળ પ્રાપ્ત કરે છે ત્યારે સુખદ સંયોગ પણ બનતો રહેતો હોય છે.
આજે આપણે જોઈ રહ્યા છીએ કે અખિલ ભારતીય વિહંગમ યોગ સંસ્થાનો 98મો વાર્ષિકોત્સવ, આઝાદીના આંદોલનમાં સદ્દગુરૂ સદાફલ દેવજીની કારાગાર યાત્રાને 100 વર્ષ અને દેશની આઝાદીનો અમૃત મહોત્સવ આ બંનેના આપણે સાથે મળીને સાક્ષી બની રહ્યા છીએ. આ સંજોગોની સાથે સાથે આજે ગીતા જયંતિનો પવિત્ર અવસર પણ છે. આજના જ દિવસે કુરૂક્ષેત્રની યુધ્ધ ભૂમિ પર જ્યારે સેનાઓ આમને- સામને હતી ત્યારે, માનવ જાતને યોગ, આધ્યાત્મ અને પરમાર્થનું પરમ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ પ્રસંગે હું ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં નમન કરતાં કરતાં આપ સૌને અને તમામ દેશવાસીઓને ગીતા જયંતિની હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવું છું.
ભાઈઓ અને બહેનો,
સદ્દગુરૂ સદાફલ દેવજીએ સમાજની જાગૃતિ માટે 'વિહંગમ યોગ' ને જન જન સુધી પહોંચાડવા માટે યજ્ઞનું આયોજન કર્યું હતું. આજે તે સંકલ્પ બીજ આપણી સામે એક વિશાળ વટવૃક્ષ સ્વરૂપે ઉભુ છે. આજે એકાવન સો એક યજ્ઞ કુંડોના વિશ્વ શાંતિ વૈદિક મહાયજ્ઞ સ્વરૂપે, આટલી મોટી સહયોગાસન તાલિમ શિબિર તરીકે, સેવા સંસ્થાઓ સ્વરૂપે અને લાખો સાધકોના આ વિશાળ પરિવાર તરીકે આપણે સંત સંકલ્પની સિધ્ધિનો અનુભવ કરી રહ્યા છીએ.
હું સદ્દગુરૂ સદાફલ દેવજીને નમન કરૂં છું અને તેમની આધ્યાત્મિક ઉપસ્થિતિને પ્રણામ કરૂં છું. હું, શ્રી સ્વતંત્ર દેવજી મહારાજ અને વિજ્ઞાન દેવજી મહારાજનો પણ આભાર વ્યક્ત કરૂં છુ કે જેમણે આ પરંપરાને જીવંત રાખી છે અને જાળવી પણ છે તથા તેનું વિસ્તરણ કરી રહ્યા છે. આજે એક ભવ્ય આધ્યાત્મિક ભૂમિનું પણ નિર્માણ થઈ રહયું છે અને મને તેના દર્શન કરવાની તક મળી છે. જ્યારે તે પૂર્ણ થશે ત્યારે માત્ર કાશી જ નહીં, પણ સમગ્ર ભારત માટે એક ખૂબ મોટી ભેટ બની રહેશે.
સાથીઓ,
આપણો દેશ એટલો અદ્દભૂત છે કે જ્યારે પણ સમય વિપરીત હોય ત્યારે કોઈને કોઈ સંત વિભૂતિ, સમયની ધારાને વાળવા માટે અવતરીત થાય છે. આ એ ભારત છે કે જ્યાં આઝાદીના રાજકિય આંદોલનની અંદર આધ્યાત્મિક ચેતના નિરંતર પ્રવાહિત થઈ રહી છે અને આ એ જ ભારત છે કે જ્યાં સાધકોની સંસ્થા પોતાના વાર્ષિકોત્સવને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે મનાવી રહી છે.
સાથીઓ,
અહીંયા દરેક સાધકને ગૌરવ થઈ રહ્યું છે કે તેમના પરમાર્થી ગુરૂદેવે આઝાદીના સંગ્રામને નવી દિશા આપી હતી અને અસહયોગ આંદોલનમાં પહેલા જે લોકો જેલમા ગયા હતા તેમાં સંત સદાફલ દેવજી પણ હતા. જેલમાં તેમણે 'સ્વરવેદ' ના વિચારોનું મંથન કર્યું હતું અને જેલમાંથી છૂટ્યા પછી તેમણે તેને મૂર્ત સ્વરૂપ આપ્યું હતું.
સાથીઓ,
સેંકડો વર્ષોના આપણી આઝાદીના સંગ્રામના ઈતિહાસમાં એવા ઘણાં પાસાં છે કે જેણે દેશને એકતાના સૂત્રમાં બાંધી રાખ્યો હતો. એવા ઘણાં સંત હતા કે જે આધ્યાત્મિક તપ છોડીને આઝાદીની લડતમાં જોડાઈ ગયા હતા. આપણી આઝાદીની લડતના આ આધ્યાત્મિક પાસાંની જે રીતે નોંધ લેવાવી જોઈએ તે રીતે તેની ઈતિહાસમાં નોંધ લેવામાં આવી નથી. આજે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ ત્યારે આ પ્રકરણને સામે લાવવાની આપણી જવાબદારી છે. એટલા માટે આજે દેશની આઝાદીની લડાઈમાં આપણાં ગુરૂઓ, સંતો અને તપસ્વીઓના યોગદાનનું હું સ્મરણ કરી રહ્યો છું અને નવી પેઢીને તેમના યોગદાનનો પરિચય આપી રહ્યો છું. મને આનંદ છે કે વિહંગમ યોગ સંસ્થાન પણ તેમાં સક્રિય ભૂમિકા નિભાવી રહી છે.
સાથીઓ,
ભવિષ્યના ભારતને સુદ્રઢ બનાવવા માટે પોતાની પરંપરાઓ, પોતાના જ્ઞાન દર્શનનું વિસ્તરણ એ આજના સમયની માંગ છે. આ સિધ્ધિ માટે કાશી જેવું આપણું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર એક અસરકારક માધ્યમ બની શકે તેમ છે. આપણી સંસ્કૃતિનું આ પ્રાચીન શહેર સમગ્ર વિશ્વને દિશા બતાવી શકે તેમ છે. બનારસ જેવા શહેરોએ કપરામાં કપરા સમયમાં પણ ભારતને ઓળખ આપી છે. કલા અને કારીગરીના બીજને સાચવી રાખ્યું છે. જ્યાં બીજ હોય છે ત્યાં જ વૃક્ષનો વિસ્તાર થવાનું શરૂ થતું હોય છે અને એટલા માટે આજે જ્યારે આપણે બનારસના વિકાસની વાત કરી રહ્યા છીએ ત્યારે તેનાથી સમગ્ર ભારતના વિકાસનો રોડ મેપ પણ બની જાય છે.
ભાઈઓ અને બહેનો,
આજે લાખોની સંખ્યામાં તમે લોકો અહીં ઉપસ્થિત છો. તમે અલગ અલગ રાજ્યોમાંથી અને અલગ અલગ સ્થળોએથી પધાર્યા છો. તમારી કાશીમાં શ્રધ્ધા, પોતાનો વિશ્વાસ, પોતાની ઊર્જા અને પોતાની સાથે અપાર સંભાવનાઓ કેટલું બધુ લઈને આવ્યા છો. તમે જ્યારે કાશીમાંથી પરત ફરશો ત્યારે નવા વિચાર, નવા સંકલ્પ, અહીંના આશીર્વાદ, અહીંના અનુભવ જેવું કેટલું બધુ સાથે લઈને જશો. એ દિવસો પણ યાદ કરો કે પહેલાં જ્યારે તમે અહીંયા આવતા હતા ત્યારે કેવી સ્થિતિ હતી. જે સ્થાન આટલું પવિત્ર હોય તેની ખરાબ સ્થિતિ લોકોને નિરાશ કરતી હોય છે, પરંતુ આજે આ સ્થિતિ બદલાઈ રહી છે.
આજે જ્યારે દેશ વિદેશના લોકો અહીં આવે છે ત્યારે એરપોર્ટથી નિકળતાં જ તેમને બધુ બદલાયેલું લાગે છે. એરપોર્ટથી સીધા શહેર સુધી આવવામાં હવે વધુ સમય જતો નથી. કાશીના રીંગ રોડનું કામ પણ વિક્રમ સમયમાં પૂરૂ કરવામાં આવ્યું છે. મોટા વાહનો અને બહારની ગાડીઓ હવે બારોબાર નિકળી જાય છે. બનારસ સુધી પહોંચતી ઘણી બધી સડકો પહોળી કરવામાં આવી છે. જે લોકો સડક માર્ગે બનારસ આવે છે તે લોકો જાણે છે કે સુવિધામાં કેટલો ફર્ક પડ્યો છે અને આ બધુ લોકો સારી રીતે સમજે છે.
અહીં આવ્યા પછી તમે બાબા વિશ્વનાથના દર્શન કરવા જાવ કે મા ગંગાના ઘાટ પર જાવ, દરેક સ્થળે કાશીના મહિમાને અનુરૂપ આભા વધતી જાય છે. કાશીમાં વિજળીના તારને અંડરગ્રાઉન્ડ કરવાનું કામ ચાલી રહ્યું છે. ગટરના લાખો લીટર પાણીને શુધ્ધ કરવામાં આવી રહ્યું છે. વિકાસનો આ લાભ અહીંયા આસ્થા અને પર્યટનની સાથે સાથે અહીંની કલા અને સંસ્કૃતિને પણ મળી રહ્યો છે.
ટ્રેડ ફેસિલિટેશન સેન્ટર હોય કે પછી રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર હોય કે પછી વણકર કારીગરો માટે ચલાવવામાં આવી રહેલા કાર્યક્રમો હોય, આજે કાશીના કૌશલ્યને એક નવી તાકાત મળી રહી છે. આરોગ્યના ક્ષેત્રે પણ આધુનિક સુવિધાઓ અને માળખાકિય સુવિધાઓના કારણે બનારસ એક મોટા મેડિકલ હબ તરીકે ઉભરી રહ્યું છે.
સાથીઓ,
હું જ્યારે કાશી આવું છું અને દિલ્હીમાં હોઉં ત્યારે પણ પ્રયાસ કરતો રહું છું કે બનારસમાં થઈ રહેલા વિકાસ કાર્યોને ગતિ મળતી રહે. કાલે રાત્રે આશરે 12 થી 12.30 કલાકેની વચ્ચે મને જેવી તક મળી કે તરત જ હું બહાર નિકળી પડ્યો હતો. મારી કાશીમાં જે કામ ચાલી રહ્યા છે, જે કામ કરવામાં આવ્યા છે તે જોવા માટે બહાર નિકળી આવ્યો હતો. ગૌદોલિયામાં સૌંદર્યકરણ માટે જે કામ થયું છે તે સાચે જ જોવાલાયક છે. અહીંયા ઘણાં લોકો સાથે મારી વાતચીત થઈ. મેં મડુવાડીહમાં બનારસ રેલવે સ્ટેશન પણ જોયું. આ સ્ટેશનનો પણ કાયાકલ્પ થઈ ચૂક્યો છે. જૂની સ્થિતિને સમેટી લઈને નવિનતા ધારણ કરીને બનારસ દેશને નવી દિશા આપી રહ્યું છે.
સાથીઓ,
આ વિકાસની હકારાત્મક અસર બનારસની સાથે સાથે અહીં આવનારા પ્રવાસીઓ પણ પડી રહી છે. તમે જો વર્ષ 2019-20ની વાત કરો તો વર્ષ 2014-15ની તુલનામાં અહીંયા આવનારા પર્યટકોની સંખ્યા બમણી થઈ ગઈ છે. 2019-20માં કોરોના કાલખંડ માત્ર બાબતપુર એરપોર્ટથી 30 લાખ કરતાં વધુ પ્રવાસીઓની આવન- જાવન થઈ હતી. આ પરિવર્તનથી કાશીએ એવું બતાવ્યું છે કે ઈચ્છાશક્તિ હોય તો પરિવર્તન આવી શકે છે.
આવું જ પરિવર્તન આજે આપણાં અન્ય તીર્થ સ્થાનોમાં પણ જોવા મળી રહ્યું છે. કેદારનાથ કે જ્યાં અનેક તકલીફો વેઠવી પડતી હતી. વર્ષ 2013ની તબાહી પછી લોકોનું ત્યાં આવવા- જવાનું ઓછુ થઈ ગયું હતું. આજે ત્યાં પણ વિક્રમ સંખ્યામાં શ્રધ્ધાળુઓ પહોંચી રહયા છે. ત્યાં પણ વિકાસ અને રોજગારીની અપાર તકો ઉભી થઈ રહી છે. યુવાનોના સપનાંઓને બળ મળી રહ્યું છે. આવો જ વિશ્વાસ આજે સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. આવી જ ગતિથી આજે દેશ વિકાસના નવા વિક્રમો સ્થાપિત કરી રહ્યો છે.
સાથીઓ,
સદ્દગુરૂ સદાફલ દેવજીએ સ્વર્વેદમાં કહ્યું હતું કેઃ
દયા કરે સબ જીવ પર, નીચ ઉંચ નહીં જાન,
દેખે અંતર આત્મા, ત્યાગ દેહ અભિમાન.
આનો અર્થ એ થાય છે કે તમામ લોકો માટે પ્રેમ, તમામ લોકો પ્રત્યે કરૂણા, ઉંચ નીચના ભેદભાવથી મુક્તિ. આ જ તો દેશની પ્રેરણા છે, આ જ તો દેશનો મંત્ર છે- સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ. આજે દેશ સ્વાર્થથી ઉપર જઈને 'સબ કા પ્રયાસ' નો મંત્ર લઈને આગળ ધપી રહ્યો છે.
સાથીઓ,
આઝાદીના સંગ્રામ સમયે સદ્દગુરૂએ આપણને સ્વદેશીનો મંત્ર આપ્યો હતો અને આજે એવી જ ભાવના સાથે મેં દેશમાં હવે 'આત્મનિર્ભર ભારત મિશન' શરૂ કર્યું છે. આજે દેશનો સ્થાનિક વેપાર- રોજગાર હોય, ઉત્પાદકોને બળ પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. લોકલને ગ્લોબલ બનાવવામાં આવી રહ્યું છે. ગુરૂદેવે સ્વર્વેદમાં આપણને યોગનો, વિહંગમ યોગનો માર્ગ બતાવ્યો હતો. તેમનું સપનું હતું કે યોગ જન જન સુધી પહોંચે. ભારતની યોગ શક્તિ સમગ્ર વિશ્વમાં સ્થાપિત થાય. આજે જ્યારે આપણે સમગ્ર દુનિયાને યોગ દિવસ મનાવતા જોઈએ છીએ, યોગનું અનુસરણ કરતાં જોઈએ છીએ ત્યારે આપણને લાગે છે કે સદ્દગુરૂના આશીર્વાદ ફળીભૂત થઈ રહ્યા છે.
સાથીઓ,
આજે આઝાદીના અમૃતકાળ પ્રસંગે દેશ માટે જેટલું મહત્વપૂર્ણ સ્વરાજ છે, તેટલું જ મહત્વપૂર્ણ સુરાજ પણ છે. આ બંનેનો માર્ગ ભારતીય જ્ઞાન- વિજ્ઞાન, જીવનશૈલી અને પધ્ધતિઓમાંથી જ મળશે. હું જાણું છું કે વિહંગમ યોગ સંસ્થાન વર્ષોથી આ વિચારને આગળ ધપાવી રહ્યું છે. તમારૂં આદર્શ વાક્ય છે- "ગાવો વિશ્વસ્ય માતરઃ". ગૌ માતા સાથેના આ સંબંધને દ્રઢ બનાવવા માટે ગૌ-ધનની આપણી ગ્રામીણ અર્થવ્યવસ્થાને એક સ્થંભ બનાવવા માટે અનેક પ્રયાસ થઈ રહ્યા છે.
સાથીઓ,
આપણું ગૌધન આપણાં ખેડૂતો માટે માત્ર દૂધનો જ સ્રોત ના રહે, પણ અમારી એ કોશિષ રહી છે કે તે ગૌવંશ પ્રગતિના અન્ય પ્રયાસોમાં પણ સહાયરૂપ બને. દુનિયા આજે આરોગ્ય માટે સજાગ બની રહી છે. રસાયણોને છોડીને વિશ્વ ઓર્ગેનિક ફાર્મિગ તરફ પાછુ વળી રહ્યું છે. આપણે ત્યાં છાણ પણ ક્યારેક ઓર્ગેનિક ફાર્મિંગનો મોટો આધાર બની રહ્યું હતું. તે આપણી ઊર્જાની જરૂરિયાત પણ પૂરી કરતું હતું. આજે દેશ ગોબર-ધન યોજના મારફતે બાયો ફ્યુઅલને વેગ આપી રહ્યું છે. ઓર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને આ બધાથી પર્યાવરણની સુરક્ષા પણ થઈ રહી છે.
આજથી બે દિવસ પછી 16 તારીખે 'ઝીરો બજેટ- નેચરલ ફાર્મીગ' વિષયે એક મોટો રાષ્ટ્રિય કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમમાં સમગ્ર દેશના ખેડૂતો જોડાશે. હું ઈચ્છા રાખું છું કે આપ સૌ પણ 16 ડિસેમ્બરના રોજ પ્રાકૃતિક ખેતી અંગે વધુમાં વધુ જાણકારી પ્રાપ્ત કરો અને તે પછી આ પરંપરાને જીવંત બનાવી રાખો, નવું વિસ્તરણ કરો. આજે એક ભવ્ય આધ્યાત્મિક ભૂમિનું પણ નિર્માણ થઈ રહ્યું છે અને મને તેના દર્શન કરવાની તક મળી છે. જ્યારે તે પૂર્ણ થઈ જશે ત્યારે માત્ર કાશી માટે જ નહીં, ભારત માટે પણ તે એક ખૂબ મોટી ભેટ બની જશે. આ બધુ ખેડૂતોને ઘરે ઘરે જઈને જણાવશો. આ એક એવું મિશન છે કે જેને જન આંદોલન બનાવવું જોઈએ.
સાથીઓ,
આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ અનેક સંકલ્પો અંગે કામ કરી રહ્યો છે. વિહંગમ યોગ સંસ્થા, સદ્દગુરૂ સદાફલ દેવજીના આદેશોનું પાલન કરતાં રહીને લાંબા સમય સુધી સમાજના કલ્યાણ માટે ઘણાં બધા અભિયાન ચલાવી રહ્યું છે. આજથી બે વર્ષ પછી આપ સૌ સાધકો 100મા અધિવેશન માટે એકત્રિત થશો. બે વર્ષનો આ એક ખૂબ ઉત્તમ સમય છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને હું આપ સૌને કેટલાક સંકલ્પ લેવા માટે આગ્રહ કરવા માંગુ છું. આ સંકલ્પ એવા હોવા જોઈએ કે જેમાં સદ્દગુરૂના સંકલ્પો સિધ્ધ થાય અને તેમાં દેશના મનોરથ પણ સામેલ થાય. આ એવા સંકલ્પો હોઈ શકે કે જેમાં હવે પછીના બે વર્ષને ગતિ આપવામાં આવે. સાથે મળીને કામ પૂરા કરવામાં આવે.
એક રીતે એવો સંકલ્પ પણ કરી શકાય કે આપણે દીકરીઓને ભણાવવાની છે. આપણી દીકરીઓને કૌશલ્ય વિકાસ માટે પણ તૈયાર કરવાની છે. પોતાના પરિવારની સાથે સાથે જે લોકો સમાજમાં જવાબદારી ઉઠાવી શકે છે તે લોકો એક- બે ગરીબ દીકરીઓના કૌશલ્ય વિકાસની જવાબદારી પણ ઉઠાવે.
એક અન્ય સંકલ્પ પણ થઈ શકે છે અને તે છે પાણી બચાવવાનો સંકલ્પ. આપણે આપણી નદીઓને, ગંગાજીને, તમામ જળસ્રોતોને સ્વચ્છ રાખવાના છે અને તેના માટે પણ તમારી સંસ્થા દ્વારા નવું અભિયાન શરૂ થઈ શકે તેમ છે. મેં આગળ જણાવ્યું તે મુજબ દેશ આજે પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકી રહ્યો છે. તેના માટે લાખો ખેડૂત ભાઈઓ- બહેનોને પ્રેરણા આપવા માટે તમે મોટી મદદ કરી શકો તેમ છો.
આપણે આપણી આસપાસ સફાઈ અને સ્વચ્છતા ઉપર વિશેષ ધ્યાન આપવાનું છે. કોઈપણ સાર્વજનિક સ્થળે ગંદકી ના ફેલાય તે માટે ધ્યાન રાખવાનું છે. પરમાત્માના નામે તમારે એવું કોઈને કોઈ સેવાનું કાર્ય કરતાં રહેવાનું છે, કે જેનાથી સમગ્ર સમાજને લાભ થાય.
મને વિશ્વાસ છે કે આ પવિત્ર પ્રસંગે સંતોના આશીર્વાદથી આ સંકલ્પો ચોક્કસ પૂરા થશે અને નૂતન ભારતના સપનાં સાકાર કરવામાં સહયોગ પૂરો પાડશે.
આવા વિશ્વાસની સાથે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ!
પૂજ્ય સ્વામિજીનો હું આભારી છું કે આ મહત્વના પવિત્ર અવસરે મને આપ સૌની વચ્ચે આવવાની તક પૂરી પાડી છે. આ પવિત્ર સ્થળનું દર્શન કરવાની મને તક મળી છે. હું ફરી એક વખત આપ સૌનો આભાર વ્યક્ત કરૂં છું.
હર હર મહાદેવ! ખૂબ ખૂબ ધન્યવાદ!