ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉક્ટર મોહમ્મદ ઇરફાન અલી જી, સૂરીનામના રાષ્ટ્રપતિ શ્રી ચંદ્રિકા પ્રસાદ સંતોખી જી, મધ્ય પ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, વિદેશ મંત્રી એસ. જયશંકર જી, મંત્રીમંડળના અન્ય સહયોગીગણ તથા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમં વિશ્વભરમાંથી પધારેલા મારા પ્રિય ભાઈઓ તથા બહેનો.
આપ સૌને 2023ની મંગળકામનાઓ. લગભગ ચાર વર્ષ બાદ પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ફરી એક વાર પોતાના મૂળ સ્વરૂપમાં, પોતાની સંપૂર્ણ ભવ્યતા સાથે યોજાઈ રહ્યો છે. પોતાનાઓની આમને સામનેની મુલાકાતનો, આમને સામનેની વાતોનો પોતાનો અલગ જ આનંદ હોય છે અને તેનું મહત્વ પણ હોય છે. હું આપ સૌનું 130 કરોડ ભારતવાસીઓ તરફથી અભિનદન કરું છું અને સ્વાગત કરું છું.
ભાઈઓ અને બહેનો,
અહીં ઉપસ્થિત પ્રત્યેક પ્રવાસી ભારતીય પોતપોતાના ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ સાથે પોતાના દેશની માટીને નમન કરવા આવ્યા છે. અને, આ પ્રવાસી ભારતીય સંમેલન મધ્ય પ્રદેશની એ ધરતી પર યોજાઈ રહ્યું છે જેને દેશનું હૃદય ક્ષેત્ર કહેવામાં આવે છે. .મધ્ય પ્રદેશમાં માતા નર્મદાનું જળ, અહીંના જંગલ, આદિવાસી પરંપરા, અહીંનું આધ્યાત્મ, એવું ઘણું બધું છે જે આપની આ યાત્રાને અવિસ્મરણીય બનાવી દેશે. હજી તાજેતરમાં જ ઉજ્જૈનમાં ભગવાન મહાકાલના મહાલોકનો પણ ભવ્ય અને દિવ્ય વિસ્તાર થયો છે. હું આશા રાખું છું કે આપ સૌ ત્યાં જઈને ભગવાન મહાકાલના આશીર્વાદ પણ લેશો અને તે અદભૂત અનુભવનો હિસ્સો બનશો.
સાથીઓ,
આમેય આપણે તમામ લોકો જે શહેરમાં છીએ તે પણ પોતાનામાં અદભૂત છે. લોકો કહે છે કે ઇન્દોર એક શહેર છે પરંતુ હું કહું છું કે ઇન્દોર એક યુગ છે. આ એ યુગ છે જે સમયની આગળ ચાલે છે તેમ છતાં વારસાને પણ જાળવી રાખે છે. ઇન્દોરે સ્વચ્છતાના આ ક્ષેત્રમાં દેશમાં એક અલગ ઓળખ સ્થાપિત કરી છે. ખાણી પીણી માટે ‘અપન કા ઇન્દોર’ દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં લાજવાબ છે. ઇન્દોરી નમકીનનો સ્વાદ, અહીંના લોકોનો અહીયા પોહે પ્રત્યેનો જે લગાવ છે, સાબુદાણાના ખીચડી, કચોરી સમોસા શિકંજી જેણે પણ તેને જોયું તેના મોઠામાં પાણી આવતું અટકતું નથી. અને જેણે તેને ચાખ્યું તેણે પાછું વાળીને જોયું નથી. આવી જ રીતે છપ્પન દુકાન તો પ્રસિદ્ધ છે જ સર્રાફા પણ મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે કેટલાક લોકો ઇન્દોરને સ્વચ્છતાની સાથે સાથે સ્વાદની રાજધાની પણ કહે છે. મને વિશ્વાસ છે કે અહીંનો અનુભવ આપ ખુદ પણ ભૂલશો નહીં અને પાછા આવીને અન્યને અહીંના વિશે કહેવાનું ભૂલશો નહીં.
મિત્રો,
પ્રવાસી ભારતીય દિવસ અન્ય ઘણી રીતે વિશેષ છે. અમે હજી થોડા મહિના અગાઉ જ ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરી હતી. આપણી સ્વતંત્રતા ચળવળ સંબંધિત એક ડિજિટલ પ્રદર્શનનું અહીં આયોજન કરવામાં આવ્યું હતું. તે ફરી એક વાર આપની સમક્ષ એ સુવર્ણયુગ લાવી દીધો હતો.
મિત્રો,
રાષ્ટ્રએ આગામી 25 વર્ષના અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે. આ યાત્રામાં આપણા પ્રવાસી ભારતીયોએ નોંધપાત્ર સ્થાન હાંસલ કર્યું છે. ભારતના અનોખા વૈશ્વિક વિઝન તથા વૈશ્વિક વ્યવસ્થામાં તેની મહત્વપૂર્ણ ભમિકા તમારા લોકો દ્વારા મજબૂત બનશે.
સાથીઓ,
આપણે ત્યાં કહેવાય છે તે “સ્વદેશો ભુવનયત્રમ”. એટલે કે આપણા માટે સમગ્ર સંસાર જ આપણું સ્વદેશ છે. મનુષ્ય માત્ર જ આપણઆ બંધુ-બાંધવ છે. આ જ વૈચારિક બુનિયાદ પર આપણઆ પૂર્વજોએ ભારતના સાંસ્કૃતિક વિસ્તારને આકાર આપ્યો હતો. આપણે દુનિયાના અલગ અલગ ખૂણાઓમાં ગયા. આપણે સભ્યતાઓના સમાગમની અનેક સંભાવનાઓને સમજી. આપણે સદીઓ અગાઉ વૈશ્વિક વ્યાપારની અસાધારણ પરંપરા શરૂ કરી હતી. આપણે અસીમ લાગતા સમૂદ્રોને પેલે પાર ગયા. અલગ અલગ દેશો, અલગ અલગ સભ્યતાઓને વચ્ચે વ્યવસાયિક સંબંધ કેવી સમૃદ્ધિના માર્ગ ખોલી શકે છે, તે ભારતે તથા ભારતીયોએ કરી દેખાડ્યું. આજે આપણા કરોડો પ્રવાસી ભારતીયોને જ્યારે અમે વૈશ્વિક નકશા પર જોઇએ છીએ તો ઘણી તસવીરો એક સાથે ઉભરી આવે છે. દુનિયાના આટલા બધા અલગ અલગ દેશોમાં જ્યારે ભારતના લોકો એક કોમન ફેક્ટરની માફક દેખાય છે. તો વસુદૈવ કુટુમ્બકમની ભાવનાના સાક્ષાત દર્શન થાય છે. દુનિયાના કોઈ એક દેશમાં જ્યારે ભારતના અલગ અલગ પ્રાંતો, અલગ અલગ ક્ષેત્રોના લોકો મળે છે તો ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત ‘નો સુખદ અહેસાસ પણ થાય છે. દુનિયાના અલગ અલગ દેશોમાં જ્યારે સૌથી શાંતિપ્રિય, લોકશાહી તથા શિસ્તબદ્ધ નાગરિકોની ચર્ચા થાય છે તો લોકશાહીની માતા હોવાનું ભારતીય ગૌરવ અનેક ગણું વધી જાય છે. અને જ્યારે આપણા આ પ્રવાસી ભારતીયોના યોગદાનની વિશ્વ સમીક્ષા કરે છે તો તેને ‘સશક્ત અને સમર્થ ભારત’ તેનો અવાજ સાંભળવા મળે છે. તેથી જ તો હું આપ સૌને. તમામ પ્રવાસી ભારતીયોને વિદેશી ધરતી પરના ભારતીય રાજદૂત બ્રાન્ડ એમ્બેસેડર કહું છું. સરકારી વ્યવસ્થામાં રાજદૂત હોય છે. ભારતના મહાન વારસામાં આપ રાષ્ટ્રદૂત હો છો.
મિત્રો,
ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની તમારી ભૂમિકા વૈવિધ્યસભર છે. તમે મેક ઇન ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર છો. તમે યોગ અને આયુર્વેદના બ્રાન્ડ એમ્બેસેડર છો. તમે ભારતના કુટિર ઉદ્યોગો અને હસ્તકલાના બ્રાન્ડ એમ્બેસેડર પણ છો. તે જ સમયે, તમે ભારતના બાજરીના બ્રાન્ડ એમ્બેસેડર પણ છો. તમે પહેલેથી જ જાણતા હશો કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. હું તમને અપીલ કરું છું કે તમે પાછા ફરતી વખતે તમારી સાથે બાજરીના કેટલાક ઉત્પાદનો લઈ જાઓ. આ ઝડપથી બદલાતા સમયમાં તમારી બીજી મહત્વની ભૂમિકા પણ છે. તમે એવા લોકો છો કે જેઓ ભારત વિશે વધુ જાણવાની વિશ્વની ઇચ્છાને સંબોધિત કરશે. આજે આખું વિશ્વ ખૂબ જ રસ અને ઉત્સુકતા સાથે ભારતની રાહ જોઈ રહ્યું છે. હું આ કેમ કહું છું તે સમજવું અગત્યનું છે.
સાથીઓ,
છેલ્લા કેટલાક વર્ષમાં ભારતે વિકાસની જે ગતિ પ્રાપ્ત કરી છે, જે સિદ્ધિઓ હાંસલ કરી છે, તે અસાધારણ છે અને અભૂતપૂર્વ છે. જ્યારે ભારત કોવીડની મહામારીમાં થોડા જ મહિનાઓમાં સ્વદેશી વેક્સિન બનાવી લે છે, જ્યારે ભારત પોતાના નાગરિકોને 220 કરોડથી વધારે વેકિસ્ન ડોઝ વિના મૂલ્યે આપવાનો રેકોર્ડ બનાવે છે, જ્યારે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ ભારત વિશ્વની સૌથી ઉભરતી અર્થવ્યવસ્થા બને છે, જ્યારે ભારત વિશ્વની સૌથી મોટી ઇકોનોમીને પૂર્ણ કરે છે, મોખરાની પાંચ ઇકોનોમીમાં સામેલ થાય છે, જ્યારે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ બને છે, જ્યારે મોબાઇલ ઉત્પાદન ક્ષેત્રોમાં, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રમાં ‘મેક ઇન ઇન્ડિયા’નો ડંકો વાગે છે, જ્યારે ભારત પોતાના જોર પર તેજસ ફાઇટર પ્લેન, એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત અને અરિહંત જેવી ન્યૂક્લિયર સબમરીન બનાવે છે, તો સ્વાભાવિક છે કે દુનિયા તથા દુનિયાના લોકોમાં આતુરતા થાય છે કે ભારત શું કરી રહ્યું છે અને કેવી રીતે કરી રહ્યું છે.
લોકો જાણવા માગે છે કે ભારતની ઝડપ શું છે, વ્યાપ શું છે, ભારતનુ ભવિષ્ય શું છે. કેવી રીતે, જ્યારે કેશલેશ ઇકોનોમીની વાત થાય છે, ફિનટેકની ચર્ચા થાય છે તો દુનિયા એ જોઇને અચંબામાં છે કે વિશ્વના 40 ટકા રિયલ ટાઇમ ડિજિટલ વ્યવહારો ભારતમાં થાય છે. જ્યારે સ્પેસના ભવિષ્યની વાત થાય છે તો ભારતની ચર્ટા સ્પેસ ટેકનોલોજીના સૌથી આધુનિક દેશમાં થાય છે. ભારત એક સાથે સો સો સેટેલાઇટ્સ લોંચ કરવાનો રેકોર્ડ બનાવી રહ્યું છે. સોફટવેર અને ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં આપણી તાકાત દુનિયા નિહાળી રહી છે. આપમાંથી ઘણા બધા લોકો તેનો મોટો હિસ્સો છો. ભારતનું આ વધતું જતું સામર્થ્ય, ભારતની આ તાકાત, ભારત સાથે સંકળાયેલી પ્રત્યેક વ્યક્તિની છાતી પહોળી કરી નાખે છે. વૈશ્વિક મંચ પર આજે ભારતનો અવાજ ભારતનો સંદેશ, ભારતે કહેલી વાતો એક અલગ જ મહત્વ ધરાવે છે. ભારતની આ વધતી તાકાત આવનારા દિવસોમાં આથી પણ વધારે વધનારી છે. અને તેથી જ ભારત પ્રત્યે જિજ્ઞાસા, ભારત પ્રત્યે કૂતુહલ પણ વધવાનું છે. અને તેથી જ વિદેશમાં રહેનારા ભારતીય મૂળના લોકોની, પ્રવાસી ભારતીયોની જવાબદારી પણ ઘણી વધી જાય છે. આપ પાસે આજે ભારત વિશે જેટલી વ્યાપક માહિતી હશે, તેટલું જ આપ અન્ય લોકોને ભારતના વધતા સામર્થ્ય વિશે માહિતી આપી શકશો અને તથ્યોના આધારે કહી શકશો. મારો આગ્રહ છે કે આપ પાસે સંસ્કૃતિ અને આધ્યાત્મિક માહિતીની સાથે સાથે ભારતની પ્રગતિની તાજી માહિતી હોવી જોઇએ.
સાથીઓ,
આપ સૌને એ પણ ખબર છે કે આ વર્ષે ભારત દુનિયાના G 20 સમૂહની અધ્યક્ષતા પણ કરી રહ્યું છે. ભારત આ જવાબદારીને એક મોટા અવસરના રૂપમાં નિહાળી રહ્યું છે. આપણા માટે આ બાબત દુનિયાને ભારત અંગે જાણકારી આપવાની તક છે. તે દુનિયા માટે ભારતના અનુભવી શીખવાનો, ભૂતકાળના અનુભવોથી ટકાઉ ભાવિની દિશા નક્કી કરવાનો અવસર છે. આપણે G 20 ઇવેન્ટને એક રાજદ્વારી ઇવેન્ટ નહીં પરંતુ જન ભાગીદારીનું એક ઐતિહાસિક આયોજન બનાવવાની છે. આ દરમિયાન વિશ્વના વિવિધ દેશ, ભારતના જન જનના માનસપટ પર ‘અતિથિ દેવો ભવઃ’ની ભાવનાના દર્શન કરશે. આપ પણ તમારા દેશમાંથી આવી રહેલા પ્રતિનિધિઓને મળીને તેમને ભારત વિશે જણાવી શકો છો. તેનાથી તેમને ભારત પહોંચતા પહેલાં જ પોતીકાપણા તથા સ્વાગતનો અનુભવ થશે.
સાથીઓ,
અને હું તો એટલે સુધી કહીસ કે જ્યારી જી 20 શિખરમાં કોઈ 200 બેઠકો યોજાનારી છે. જી 20 સમૂહના 200 પ્રતિનિધિમંડળ અહીં આવનારા છે. હિન્દુસ્તાનના અલગ અલગ શહેરોમાં જનારા છે. પરત ફર્યા બાદ ત્યાંના પ્રવાસી ભારતીયો તેમને બોલાવશે, ભારતમાં ગયા હતા તો કેવું રહ્યું તેમના અનુભવ સાંભળો. હું માનું છું કે તેમની સાથેના આપણા બંધનને વધારે મજબૂત કરવા માટે અવસર બની જશે.
સાથીઓ,
આજે ભારત પાસે માત્ર દુનિયાના નોલેજ સેન્ટર બનવાનુંજ નહીં પરંતુ સ્કિલ કેપિટલ બનવાનું પણ સામર્થ્ય છે. આજે ભારત પાસે સક્ષમ યુવાનોની એક જંગી સંખ્યા છે. આપણા યુવાનો પાસે સ્કીલ પણ છે, મૂલ્યો પણ છે અને કામ કરવા માટે જરૂરી જુસ્સો તથા ઇમાનદારી પણ છે. ભારતની આ સ્કીલ કેપિટલ દુનિયાના વિકાસનું એન્જિન બની શકે છે. ભારતમાં ઉપસ્થિત યુવાનોની સાથે જ ભારતની પ્રાથમિકતા પ્રવાસી યુવાનો પણ છે જે ભારત સાથે સંકળાયેલા છે. આપણી આ આગામી પેઢીના યુવાનો જ વિદેશમાં જન્મ્યા છે, ત્યાં જ ઉછર્યા છે, અમે તેમને પણ આપણું ભારતને જાણવા સમજવા માટે ઘણા અવસર આપી રહ્યા છીએ. આગામી પેઢીના પ્રવાસી યુવાનોમાં પણ ભારતને લઈને ઉત્સાહ વધી રહ્યો છે. તેઓ પોતાના માતા પિતાના દેશ વિશે જાણવા માગે છે. પોતાના મૂળિયાઓ સાથે જોડાવા માગે છે. આ આપણા સૌની જવાબદારી છે કે આપણે આ યુવાનોને માત્ર દેશ અંગે ઉંડાણપૂર્વક માહિતી આપીએ પરંતુ તેમને ભારત દેખાડીએ પણ ખરા. પારંપરિક બોધ અને આધુનિક નજર સાથે આ યુવાનો ભાવિ વિશ્વને ભારત અંગે ઘણી પ્રભાવશાળી રીતે જણાવી શકશે. યુવાનોમાં જેટલી જિજ્ઞાસા વધશે, તેટલું જ ભારત સાથે સંકળાયેલું પર્યટન વધશે, ભારત સાથે સંકળાયેલું સંશોધન વધશે, ભારતનું ગૌરવ વધશે. આ યુવાનો ભારતના વિવિધ તહેવારો દરમિયાન, પ્રસિદ્ધ મેળા દરમિયાન આવી શકે છે અથવા તો બુદ્ધ સરકિટ, રામાયણ સરકિટનો લાભ લઈ શકે છે. તેઓ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાઈ રહેલા કાર્યક્રમો સાથે પણ જોડાઇ શકે છે.
સાથીઓ,
મારું અન્ય એક સૂચન છે. ઘણા દેશોમાં ભારતના પ્રવાસી ઘણી સદીઓથી જઇને વસ્યા છે. ભારતીય પ્રવાસીઓએ ત્યાંના રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અસામાન્ય યોગદાન આપેલું છે. આપણે તેમના જીવન, તેમના સંઘર્ષો તથા તેમની સિદ્ધિઓનું દસ્તાવેજીકરણ કરવાનું છે. આપણા ઘણા વડીલોની પાસે એ જમાનાની ઘણી યાદગીરીઓ હશે. મારો આગ્રહ છે કે યુવનિવર્સિટીના માધ્યમથી દરેક દેશમાં આપણા વારસાના ઇતિહાસ પર એક ઓડિયો વીડિયો અથવા તો લિખિત દસ્તાવેજીકરણનો પ્રયાસ કરવો જોઇએ.
સાથીઓ,
કોઇ પણ રાષ્ટ્ર તેમાં નિષ્ઠા રાખનારી પ્રત્યેક વ્યક્તિના દિલમાં જીવીત રહે છે. અહીં ભારતમાંથી કોઈ વ્યક્તિ જ્યારે વિદેશ જાય છે અને ત્યાં તેને ભારતીય મૂળની એક પણ વ્યક્તિ મળી જાય છે તો તેને લાગે છે કે આખું ભારત મળી ગયું. એટલે કે આપ જ્યાં રહો છો ભારતને પોતાની સાથે રાખો છો. વીતેલા આઠ વર્ષમાં દેશે પોતાના વારસાને તાકાત આપવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસ કર્યા છે. આજે ભારતની આ વચનબદ્ધતા છે કે આપ દુનિયામાં ક્યાંય પણ રહેશો, દેશ આપના હિતો તથા અપેક્ષાઓ માટે આપની સાથે રહેશે.
હું ગુયાનાના રાષ્ટ્રપતિ જી તથા સૂરિનામના રાષ્ટ્રપતિ જીનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને અભિવાદન કરું છું. આ મહત્વપૂર્ણ સમારંભ માટે તેમણે સમય કાઢ્યો અને તેમણે જેટલી વાતો આજે આપી સમઙ રજૂ કરી છે તે ખરેખર ખૂબ જ ઉપયોગી છે અને હું તેમને ભરોસો આપું છું કે જે સૂચનો તેમણે રજૂ કર્યા છે તેની ઉપર ભારત ચોક્કસ ખરું ઉતરશે. હું ગુયાનાના રાષ્ટ્રપતિ જીનો ખૂબ આભારી છું કે તેમણે આજે ઘણી જૂની યાદો તાજી કરી છે કેમ કે જ્યારે હું ગુયાના ગયો હતો ત્યારે હું કાંઇ પણ ન હતો, મુખ્યમંત્રી પણ ન હતો અને ત્યારનો સંબંધ તેમણે યાદ કર્યો હતો. હું તેમનો ઘણો આભારી છું. હું ફરી એક વાર આપ તમામ પ્રવાસી ભારતીય દિવસ માટે આ સમારંભમાં આવ્યા, વચ્ચેના મોટા ગાળા બાદ મળવાની તક મળી છે. મારા તરફથી આપ સૌને અનેક અનેક શુભકામનાઓ છે. ઘણા લોકોને મળવાનું થશે. ઘણા લોકો પાસેથી વિવિધ બાબતો જાણવા મળશે, જેને લઇને એ સ્મૃતિઓને લઈને ફરીથી પોતાના કાર્યક્ષેત્રમાં પરત ફરશે, પોતપોતાના દેશોમાં જશે. મને ખાતરી છે કે ભારત સાથેના લગાવનો એક નવો યુગ શરૂ થશે. મારા તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ધન્યવાદ.