ભારત અને અમેરિકામાં વિશિષ્ટ અતિથિગણ,
નમસ્તે,
‘યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (આઈએસપીએફ)’ દ્વારા અમેરિકા ભારત શિખર સંમેલન 2020 માટે વિવિધ ક્ષેત્રોની હસ્તીઓને એકમંચ પર લાવવા ખરેખર એક પ્રશંસનીય પ્રયાસ અને કાર્ય છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધારે ગાઢ બનાવવા, બંને દેશોને એકબીજાની નજીક લાવવા ‘યુએસ-આઈએસપીએફ’ દ્વારા હાથ ધરવામાં આવેલા અવિરત પ્રયાસ ખરેખર બિરદાવવા યોગ્ય છે.
હું છેલ્લાં ઘણા વર્ષોથી જૉન ચેમ્બર્સને સારી રીતે ઓળખું છું. ભારત સાથે એમનો સંબંધ ગાઢ રહ્યો છે. થોડા વર્ષ અગાઉ ભારત સરકારે ‘પદ્મશ્રી’ પુરસ્કાર એનાયત કરીને એમનું બહુમાન કર્યું હતું.
મિત્રો,
આ વર્ષની થીમ ચોક્કસ અત્યંત પ્રાસંગિક અને પ્રસ્તુત છે – નવા પડકારોનો સામનો કરવો. જ્યારે વર્ષ 2020ની શરૂઆત થઈ હતી, ત્યારે કોઈએ કલ્પના પણ કરી નહોતી કે છેવટે આ વર્ષ કેવું સાબિત થશે? આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા એક રોગચાળાએ દરેક વ્યક્તિ, દરેક ક્ષેત્ર અને દરેક દેશને માઠી અસર પહોંચાડી છે. આ રોગચાળો આપણી સુદ્રઢતા, આપણી જાહેરઆરોગ્યની વ્યવસ્થાઓ, આપણી આર્થિક વ્યવસ્થાઓ – તમામની કસોટી કરી રહ્યો છે.
હાલ જે સ્થિતિસંજોગો છે એમાં નવા દ્રષ્ટિકોણ, નવા અભિગમની બહુ જરૂર છે. એક એવા દ્રષ્ટિકોણની જરૂર છે, જેમાં વિકાસના કેન્દ્રમાં મનુષ્ય હોય, જેમાં તમામ વચ્ચે સહયોગ અને સાથસહકારની ભાવના પ્રબળ હોય.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.41583000_1599153310_684-1-prime-minister-narendra-modi-s-keynote-address-at-us-india-strategic-partnership-forum.png)
મિત્રો,
આપણે ભવિષ્યની યોજના બનાવતા સમયે આપણી ક્ષમતાઓ વધારવા, ગરીબોને સુરક્ષિત કરવા અને ભવિષ્યમાં આપણા નાગરિકોનું બિમારી સામે રક્ષણ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અત્યારે ભારત એ જ દિશામાં અગ્રેસર છે. લોકડાઉનની અસરકારક વ્યવસ્થાને સૌપ્રથમ અપનાવનાર દેશોમાં ભારત પણ સામેલ છે. ભારત એ દેશોમાં પણ સામેલ છે, જેણે સૌપ્રથમ જાહેર આરોગ્યના રક્ષણના ઉપાય સ્વરૂપે માસ્ક અને ફેસ કવરિંગનો ઉપયોગ કરવાની હિમાયત કરી હતી. એટલું જ નહીં ભારત જેવા થોડાં દેશોએ જ સૌપ્રથમ ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’ જાળવવા વિશે લોકોમાં જાગૃતિ લાવવા અભિયાન શરૂ કર્યું હતું. ભારતે રેકોર્ડ સમયમાં ચિકિત્સા સંબંધિત માળખાગત રચનાને અતિ ઝડપથી ઊભું કર્યું છે – પછી એ કોવિડ હોસ્પિટલ હોય, આઇસીયુની વ્યાપક ક્ષમતા હોય વગેરે. દેશમાં જાન્યુઆરીમાં ફક્ત એક ટેસ્ટિંગ લેબ હતી, અત્યારે અમારી પાસે દેશમાં લગભગ 1600 લેબ છે.
આ તમામ નક્કર પ્રયાસોનું ઉલ્લેખનીય અને નોંધપાત્ર પરિણામ એ મળ્યું છે કે, 1.3 અબજ લોકો અને મર્યાદિત સંસાધનો ધરાવતા ભારત સહિત ફક્ત થોડાં દેશોમાં મિલિયનદીઠ મૃત્યુદર આખી દુનિયામાં સૌથી ઓછો છે. દેશમાં દર્દીઓ સાજા થવાનો દર એટલે કે રિકવરી દર પણ સતત વધી રહ્યો છે. મને એ જણાવવાની બહુ ખુશી છે કે, અમારા વેપારી સમુદાય, ખાસ કરીને નાનાં વેપારીઓ આ દિશામાં અત્યંત સક્રિય રહ્યાં છે. લગભગ નગણ્ય શરૂઆત કરીને અમારા વેપારીઓએ આપણને દુનિયામાં સૌથી મોટા પીપીઈ કિટ ઉત્પાદક બનાવી દીધા છે.
હકીકતમાં આ અતિ મજબૂત સાથે બહાર આવવાના પડકારને પણ પડકાર આપવાની ભારતની અંતર્નિહિત ભાવના કે સ્વાભાવિક ક્ષમતાને અનુરૂપ છે. છેલ્લાં થોડા મહિનાઓ દરમિયાન દેશને કોવિડની સાથે–સાથે બે વાર ચક્રવાતી તોફાન, તીડના હુમલા જેવા અન્ય ઘણા સંકટોનો સામનો પણ કરવો પડ્યો છે. જોકે આ સંકટોએ લોકોના સંકલ્પને વધારે મજબૂત કર્યો છે.
મિત્રો,
કોવિડ-19 અને લોકડાઉનના સંપૂર્ણ સમયગાળા દરમિયાન ભારત સરકારે એક વાત બરોબર નક્કી કરી હતી – કોઈ પણ સ્થિતિમાં ગરીબોનું રક્ષણ કરવું છે, એમના જીવ બચાવવા છે. ભારતમાં ગરીબો માટે ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના’ ચાલી રહી છે, જે દુનિયાના કોઈ પણ દેશમાં ગરીબોને સહાય કરવા માટે શરૂ કરવામાં આવેલી સૌથી મોટી યોજના કે વ્યવસ્થા પૈકીની એક છે. દેશમાં 800 મિલિયન લોકોને મફત અનાજ આપવામાં આવે છે. આ યોજના 8 મહિનાથી સતત ચાલી રહી છે. 800 મિલિયન લોકો એટલે –અમેરિકા (યુએસએ)ની કુલ વસ્તી કરતાં બે ગણાથી પણ વધારે. લગભગ 80 મિલિયન પરિવારોને મફત રાંધણ ગેસ આપવામાં આવે છે. લગભગ 345 મિલિયન ખેડૂતો અને જરૂરિયાતમંદ લોકોને રોકડ સહાય પ્રદાન કરવામાં આવી છે. આ યોજનાએ લગભગ 200 મિલિયન કાર્યદિવસનું સર્જન કરીને પ્રવાસી શ્રમિકોને અત્યંત જરૂરી રોજગારી પ્રદાન કરી છે.
![](https://cdn.narendramodi.in/cmsuploads/0.96305400_1599153352_684-3-prime-minister-narendra-modi-s-keynote-address-at-us-india-strategic-partnership-forum.png)
મિત્રો,
આ રોગચાળાએ અનેક ક્ષેત્રોને માઠી અસર કરી છે. પણ એનાથી 1.3 અબજ ભારતીયોની આંકાક્ષાઓ અને મહત્ત્વાકાંક્ષાઓને કોઈ અસર થઈ નથી. છેલ્લાં થોડાં મહિનાઓ દરમિયાન સરકારે લાંબા ગાળાના અનેક સુધારા કર્યા છે. એમાં વેપારવાણિજ્યને સરળ કરવાના અને અમલદારશાહી કે સરકારી અવરોધો ઘટાડવાના પ્રયાસો સામેલ છે. દુનિયાનો સૌથી મોટો રહેણાંક મકાન બનાવવાના કાર્યક્રમ પર સક્રિયપણે કામ આગળ વધી રહ્યું છે. અક્ષય ઊર્જાના વિસ્તાર પર કામ ચાલી રહ્યું છે. રેલવે, માર્ગ અને હવાઈ સંપર્ક માટેના સાધનોમાં વધારો થઈ રહ્યો છે. અમારો દેશ એક રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન શરૂ કરવા માટે એક વિશેષ ડિજિટલ મોડલ તૈયાર કરી રહ્યો છે. અમે કરોડો લોકોને બેકિંગ, લોન, ડિજિટલ પેમેન્ટ અને વીમો ઉપલબ્ધ કરાવવા માટે સર્વશ્રેષ્ઠ ફિન-ટેક (નાણાકીય ટેકનોલોજી)નો ઉપયોગ કરી રહ્યાં છીએ. આ તમામ પહેલો આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ ટેકનિક અને સર્વશ્રેષ્ઠ વૈશ્વિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવી છે.
મિત્રો,
આ રોગચાળાએ દુનિયાને એ પણ દેખાડ્યું છે કે, વૈશ્વિક પુરવઠા સાંકળને વિકસાવવા સાથે સંબંધિત નિર્ણયો ફક્ત ખર્ચ પર આધારિત ન હોવા જોઈએ. એને વિશ્વાસના આધારે પણ આગળ વધારવા જોઈએ. ભૌગોલિક વિસ્તારના સામર્થ્ય સાથે કંપનીઓ હવે વિશ્વસનીયતા અને નીતિગત સ્થિરતા પર પણ વિચાર કરી રહી છે. ભારત એવી જગ્યા છે, જ્યાં આ તમામ વિશેષતાઓ છે.
પરિણામ સ્વરૂપે ભારત વિદેશી રોકાણ માટે અગ્રણી દેશોમાંથી એક દેશ સ્વરૂપે વિકસી રહ્યો છે. અમેરિકા હોય કે ખાડીનો દેશ હોય, યુરોપ હોય કે ઓસ્ટ્રેલિયા હોય – દુનિયા ભારત પર વિશ્વાસ કરે છે. આ વર્ષે અમે 20 અબજ ડોલરનું વિદેશી રોકાણ મેળવ્યું છે. ગૂગલ, એમેઝોન અને મુબાડાલા ઇન્વેસ્ટમેન્ટ્સએ ભારત માટે લાંબા ગાળાની યોજનાઓમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે.
મિત્રો,
ભારતે એક પારદર્શક અને પૂર્વ અનુમાનિત કર વ્યવસ્થા પ્રસ્તુત કરી છે. અમારી વ્યવસ્થા પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહન આપવાની અને એમને સાથસહકાર આપવાની છે. અમારી જીએસટીની વ્યવસ્થા એક એકીકૃત, સંપૂર્ણપણે આઈટી સમર્થન પરોક્ષ કરવેરા પદ્ધતિ છે. દેવાળિયાપણા અને નાદારીની આચારસંહિતાથી સંપૂર્ણ નાણાકીય વ્યવસ્થા માટે જોખમ ઓછું થયું છે. અમારા વિસ્તૃત શ્રમ સુધારાઓથી કંપનીઓ માટે નિયમોના પાલનનો બોજ ઘટશે. એનાથી કામદારોને સામાજિક સુરક્ષા પણ મળશે.
મિત્રો,
વિકાસને વેગ આપવામાં રોકાણના મહત્ત્વને ઓછું ન આંકી શકાય. અમે પુરવઠા અને માંગ બંને પક્ષ પર નજર રાખી રહ્યાં છીએ. ભારતને દુનિયામાં સૌથી ઓછો કરવેરા ધરાવતો દેશ બનાવવા અને નવા ઉત્પાદન એકમોને પ્રોત્સાહન આપવા પર કામ ચાલી રહ્યું છે. નાગરિકોની સહાયતા માટે અનિવાર્ય ઈ-પ્લેટફોર્મ આધારિત ‘ફેસલેસ આકારણી’ એક લાંબા ગાળાનું પારદર્શક અને સારું પગલું સાબિત થશે. કરદાતા ચાર્ટર પણ આ જ દિશામાં લેવામાં આવેલું એક પગલું છે. બોન્ડ બજારમાં અત્યારે નિયમનકારક સુધારાઓ ચાલુ છે, જેનાથી રોકાણકારો માટે બોન્ડ બજારમાં પહોંચવામાં સુધારો સુનિશ્ચિત થશે. માળખાગત નિર્માણના ક્ષેત્રમાં રોકાણ માટે ‘સોવેરિયન વેલ્થ ફંડ્સ’ અને ‘પેન્શન ફંડ્સ’ને કરવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે. વર્ષ 2019માં ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)ના પ્રવાહમાં 20 ટકાનો વધારો થયો છે. આ વધારો મહત્ત્વપૂર્ણ છે, કારણ કે વૈશ્વિક એફડીઆઈ પ્રવાહમાં 1 ટકાનો ઘટાડો થયો છે. એનાથી અમારી એફડીઆઈ વ્યવસ્થા કેટલી હદે સફળ છે એની જાણકારી મળે છે. ઉપરોક્ત તમામ પગલાંઓથી એક ઉજ્જવળ અને વધારે સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત થશે. આ મજબૂત વૈશ્વિક અર્થતંત્રમાં પણ યોગદાન આપશે.
મિત્રો,
1.3 અબજ ભારતીયોને ‘આત્મનિર્ભર ભારત’નું નિર્માણ કરવાના એક મિશન પર લગાવવામાં આવ્યાં છે. ‘આત્મનિર્ભર ભારત’ સ્થાનિક (લોકલ)ને વૈશ્વિક (ગ્લોબલ)ની સાથે સમન્વય કરાવે છે. એનાથી એક ગ્લોબલ ફોર્સ મલ્ટિપ્લાયર સ્વરૂપે ભારતની તાકાત સુનિશ્ચિત થાય છે. સમયની સાથે ભારતે દર્શાવ્યું છે કે, વૈશ્વિક હિત જ અમારો લક્ષ્યાંક છે. અમે વ્યાપક સ્તરે સ્થાનિક જરૂરિયાતો ધરાવીએ છીએ, છતાં અમે અમારી આંતરરાષ્ટ્રીય જવાબદારી અદા કરવામાં સંકોચ અનુભવતા નથી. અમે દુનિયામાં જેનેરિક દવાઓના સૌથી મોટા ઉત્પાદક સ્વરૂપે અમારી જવાબદારીઓ સુપેરે નિભાવી રહ્યાં છીએ. અમે દુનિયામાં સતત એનો પુરવઠો સુનિશ્ચિત કર્યો છે. અમે કોવિડ-19 માટે રસી શોધવાના મોરચા પર પણ અગ્રણી રહ્યાં છે. એક આત્મનિર્ભર અને શાંતિપૂર્ણ ભારત એક શ્રેષ્ઠ વિશ્વ સુનિશ્ચિત કરે છે.
‘આત્મનિર્ભર ભારત’નો અર્થ છે – ભારતને નિષ્ક્રિય બજારમાંથી આંતરરાષ્ટ્રીય વેલ્યુ ચેઇનની વચ્ચે એક સક્રિય ઉત્પાદન કેન્દ્રમાં બદલવાનો છે
મિત્રો,
ભવિષ્યનો માર્ગ અનેક તકો પૂરી પાડશે. આ તકો સરકારી અને ખાનગી એમ બંને ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે. એમાં મુખ્ય આર્થિક ક્ષેત્રોની સાથે સામાજિક ક્ષેત્રો પણ સામેલ છે. તાજેતરમાં કોલસા, ખનીજ, રેલવે, સંરક્ષણ, અંતરિક્ષ અને પરમાણુ ઊર્જા સહિત અનેક ક્ષેત્રોનું આર્થિક ઉદારીકરણ કરવામાં આવ્યું છે.
મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ, તબીબી ઉપકરણ, ફાર્મા ક્ષેત્રો માટે ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓ લઈને સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અન્ય ચેમ્પિયન ક્ષેત્રો માટે પણ આવી જ યોજનાઓ બનાવવામાં આવે છે. કૃષિ ઉત્પાદનોના માર્કેટિંગમાં સુધારો કરવામાં આવ્યો છે અને 14 અબજ ડોલરની કૃષિ સંબંધિત ધિરાણની સુવિધાઓથી મોટી સંખ્યામાં વિવિધ તકોનું સર્જન થયું છે.
મિત્રો,
ભારતમાં અનેક પડકારો છે, પણ તમારી પાસે એક એવી સરકાર છે, જે પડકારોને ઝીલવામાં અને પરિણામો આપવામાં વિશ્વાસ ધરાવે છે. આ સરકાર માટે ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ (વેપારવાણિજ્ય કરવાની સરળતા) જેટલું મહત્ત્વપૂર્ણ છે, એટલી જ અગત્યની બાબત ઈઝ ઓફ લિવિંગ (સરળ અને સુગમ જીવનશૈલી) છે. તમે એક યુવા રાષ્ટ્રની સામે જુઓ છે, જેની 65 ટકા વસ્તીની વય 35 વર્ષથી ઓછી છે. તમે એક મહત્ત્વાકાંક્ષી દેશ તરફ મીટ માંડી છે, જેણે પોતાને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો નિર્ધાર કર્યો છે. આ એ સમય છે, જ્યારે આપણે સ્વતંત્રતાના 75મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તમે એવા દેશ સાથે કામ કરવા આતુર છો, જ્યાં રાજકીય સ્થિરતા અને નીતિગત સાતત્યતા છે. તમે એક એવા દેશ સામે આશાસ્પદ નજર સાથે જોઈ રહ્યાં છો, જે લોકશાહી શાસન વ્યવસ્થા અને વિવિધતા માટે કટિબદ્ધ છે.
આવો, અમારી સાથે આ સફરમાં સામેલ થાવ.
તમારો આભાર.
ખૂબ–ખૂબ આભાર.