મથેન વન્દામી.
દુનિયાભરમાં જૈન મતાબલંબિયો તથા ભારતની સંત પરંપરાના વાહક તમામ આસ્થાવાનોને હું આ પ્રસંગે નમન કરું છું. આ કાર્યક્રમમાં અનેક પૂજ્ય સંતગણ હાજર છે. આપ તમામના દર્શન, આશીર્વાદ અને સાનિધ્યનું સૌભાગ્ય મને અનેક વાર સાંપડ્યું છે. ગુજરાતમાં હતો વડોદરા અને છોટા ઉદયપુરના કંવાટ ગામમાં પણ મને સંતવાણી સાંભળવાનો અવસર સાંપડ્યો હતો. જ્યારે આચાર્ય પૂજ્ય શ્રી વિજય વલ્લભ સુરિશ્વર જીની સાર્દતશતી એટલે કે 150મી જન્મ જયંતીનો પ્રારંભ થયો હતો ત્યારે મને આચાર્ય જી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આજે ફરી એક વાર હું ટેકનોલોજીના માધ્યમથી આપ સંતોની વચ્ચે હાજર છું. આજે આચાર્ય શ્રી વિજય વલ્લભ સુરિશ્વર જીને સમર્પિત ટપાલ ટિકિટ તથઆ સિક્કાનું વિમોચન થયું છે. તેથી મારા માટે આ પ્રસંગ બેવડી ખુશ લઈને આવ્યો છે. સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કાનું વિમોચન એક અત્યંત મહત્વપૂર્ણ પ્રયાસ છે. એ આધ્યાત્મિક ચેતના સાથે જન જનને સાંકળવાનો જે પ્રયાસ પૂજ્ય આચાર્ય જીએ પોતાના જીવનભર કર્મ દ્વારા વાણી દ્વારા અને તેમના દર્શનમાં હંમેશાં પ્રતિબિંબિત રહ્યો હતો.
બે વર્ષ સુધી ચાલેલા આ સમારંભોનું હવે સમાપન થઈ રહ્યું છે. આ દરમિયાન આસ્થા, આધ્યાત્મ, રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રશક્તિને વિકસાવવા માટે જે અભિયાન આપે ચલાવ્યું તે પ્રશંસનીય છે. સંતજન, આજે દુનિયા યુદ્ધ, આતંક અને હિંસાને સંકટનો અનુભવ કરી રહી છે. આ કુચક્રમાંથી બહાર નીકળવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન તેના માટે દુનિયા સંશોધન કરી રહી છે. આવામાં ભારતની પ્રાચીન પરંપરા, ભારતનું દર્શન તથા આજના ભારતનું સામર્થ્ય, આ વિશ્વ માટે મોટી આશાનું કિરણ બની રહ્યું છે. આચાર્ય શ્રી વિજય વલ્લભ સુરિશ્વર મહારાજના ચીંધેલા માર્ગ, જૈન ગુરુઓની શિખામણો, આ વૈશ્વિક સંકટોનો ઉકેલ છે. અહિંસા, અનેકાંત અને અપરિગ્રહને જે રીતે આચાર્યએ જીવ્યો અને તેના પ્રત્યે જન જનમાં જે વિશ્વાસ ફેલાવવનો સતત પ્રયાસ કર્યો તે આજે પણ આપણને સૌને પ્રેરિત કરે છે. શાંતિ અને સૌહાર્દ માટે તેમનો આગ્રહ વિભાજનની વિભીષિકા દરમિયાન પણ સ્પષ્ટરૂપે જોવા મળ્યો. ભારતના વિભાજનને કારણે આચાર્ય જીને ચતુર્માસનું વ્રત તોડવું પડ્યું હતું.
એક જ સ્થાને રહીને સાધનાનું આ વ્રત કેટલું મહત્વપૂર્ણ છે તે આપ કરતાં વધારે સારી રીતે કોણ જાણી શકે, પરંતુ પૂજ્ય આચાર્યએ જાતે જ ભારત આવવાનો નિર્ણય લીધો અને બાકીના લોકોએ જેમણે પોતાનું તમામ ત્યાગીને અહીં આવવું પડ્યું તેમના સુખ અને સેવાનો પણ શક્ય તેટલું તમામ પ્રકારનું ધ્યાન રાખ્યું.
સાથીઓ,
આચાર્યગણે અપરિગ્રહનો જે માર્ગ અપનાવ્યો, આઝાદીના આંદોલનમાં પૂજ્ય મહાત્મા ગાંધીએ પણ તેને અપનાવ્યો. અપરિગ્રહ માત્ર ત્યાગ જ નથી પરંતુ તમામ પ્રકારના મોહ પર અંકુશ રાખવો તે પણ અપરિગ્રહ છે. આચાર્યશ્રીએ દેખાડ્યું કે પોતાની પરંપરા, પોતાની સંસ્કૃતિ માટે પ્રામાણિકતાથી કાર્ય કરતાં કરતાં તમામના કલ્યાણ માટે બહેતર કામ કરી શકાય છે.
સાથીઓ,
ગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રી વિજય નિત્યાનંદ સુરિશ્વર જી વારંવાર તેનો ઉલ્લેખ કરે છે કે ગુજરાતે દેશને બે બે વલ્લભ આપ્યા છે. એ પણ સંયોગ છે કે આજે આચાર્ય જીની 150મી જન્મ જયંતીનો સમારોહ પૂર્ણ થઈ રહ્યો છે અને થોડા દિવસ બાદ આપણે સરદાર પટેલની જન્મ જયંતી, રાષ્ટ્રીય એકતા દિવસ મનાવી રહ્યા છીએ. આજે ‘સ્ટેચ્યુ ઓફ પીસ’ સંતોની સૌથી મોટી પ્રતિમા પૈકીની એક છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા છે. અને આ માત્ર ઉંચી પ્રતિમા માત્ર નથી પરંતુ તે એક ભારત, શ્રેષ્ઠ ભારતનું પણ સૌથી મોટું પ્રતિક છે. સરદાર સાહેબે ટુકડાઓમાં વહેંચાયેલા, રજવાડાઓમાં ફેલાયેલા ભારતને જોડ્યું હતું. આચાર્ય જીએ દેશના અલગ અલગ પ્રાંતમાં ફરીને ભારતની એકતા અને અખંડતાને, ભારતની સંસ્કૃતિને મજબૂત કરી. દેશની આઝાદી માટે જે આંદોલનો થયા તે સમયગાળામાં પણ તેમણે કોટિ કોટિ સ્વતંત્રતા સેનાનીઓની સાથે મળીને કામ કર્યું.
સાથીઓ,
આચાર્ય જીનું કહેવું હતું કે “દેશની સમૃદ્ધિ, આર્થિક સમૃદ્ધિ પર નિર્ભર છે. સ્વદેશી અપનાવીને ભારતની કલા, ભારતની સંસ્કૃતિ તથા ભારતને સભ્યતાને જીવિત રાખી શકીએ છીએ.” તેમણે શીખવ્યું કે ધાર્મિક પરંપરા અને સ્વદેશીને કેવી રીતે એક સાથે વેગ આપી શકાય છે. તેમના વસ્ત્રો ધવલ રહેતા હતા પરંતુ સાથે સાથે તે વસ્ત્રો ખાદીના રહેતા હતા. જેને તેમણે આજીવન અપનાવી. સ્વદેશી તથા સ્વાવલંબનનો આવો સંદેશ આજે પણ આઝાદીના અમૃતકાળમાં અત્યંત પ્રાસંગિક છે. આત્મનિર્ભર ભારત માટે આ પ્રગતિનો મૂળ મંત્ર છે. તેથી જ સ્વયં આચાર્ય વિજય વલ્લભ સુરિશ્વર જીથી લઈને વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય શ્રી નિત્યાનંદ સુરિશ્વર જી સુધી આ જે માર્ગ સશક્ત બન્યો છે તેને આપણે વધારે મજબૂતી પ્રદાન કરવાની છે. પૂજ્ય સંતગણ, અતીતમાં સમાજ કલ્યાણ, માનવસેવા, શિક્ષણ અને જનચેતનાની જે સમૃદ્ધ પરિપાટી આપે જે વિકસીત કરી છે તેનો સતત વ્યાપ વધે તે આજના દેશની જરૂરિયાત છે. આઝાદીના અમૃતકાળમાં આપણે વિકસીત ભારતના નિર્માણ તરફ આગળ ધપી રહ્યા છીએ. તેના માટે દેશે પંચ પ્રણોનો સંકલ્પ કર્યો છે. આ પંચ પ્રણોની સિદ્ધિમાં આપ સંતગણોની ભૂમિકા અત્યંત અગ્રણી છે. નાગરિક ફરજને આપણે કેવી રીતે મજબૂત બનાવીએ, તેના માટે સંતોનું માર્ગદર્શન હંમેશાં મહત્વનું હોય છે. તેની સાથે સાથે દેશ લોકલ માટે વોકલ હોય, ભારતના લોકો દ્વારા બનાવવામાં આવેલા સામાનને આદર સન્માન મળે તેના માટે પણ આપ તરફથી ચેતના અભિયાન ઘણી મોટી રાષ્ટ્રસેવા છે. આપના મોટા ભાગના અનુયાયી વેપાર કારોબાર સાથે સંકળાયેલા છે. ભારતમાં જ બનેલી વસ્તુઓનો વેપાર કરીશું, ખરીદી વેચાણ કરીશું, ભારતમાં બનેલા સામાનનો જ ઉપયોગ કરીશું તેવું તેમના દ્વારા લેવામાં આવેલું આ પ્રણ મહારાજ સાહેબને આ ઘણી મોટી શ્રદ્ધાંજલિ હશે. સૌનો પ્રયાસ સૌના માટે, સમગ્ર રાષ્ટ્ર માટે હોય, પ્રગતિનો આ જ પથ પ્રદર્શન આચાર્ય જીએ આપણને શીખવ્યો છે. આ જ પથને આપણે પ્રશસ્ત કરતા રહીએ એ જ કામના સાથે ફરીથી તમામ સંતગણોને મારા પ્રણામ.
આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.