"આધ્યાત્મિક પરિમાણ સાથે, આસ્થાનાં કેન્દ્રો સામાજિક ચેતના ફેલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે"
"અયોધ્યા અને સમગ્ર દેશમાં રામ નવમીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે"
પાણીની જાળવણી અને કુદરતી ખેતીનાં મહત્વ પર ભાર મૂક્યો
"કુપોષણની પીડાને સંપૂર્ણપણે નાબૂદ કરવાની જરૂર છે"
"કોવિડ વાયરસ ખૂબ જ છેતરામણો છે અને આપણે તેની સામે જાગ્રત રહેવું પડશે"

ઉમિયા માતાની જય

ગુજરાતના લોકપ્રિય, કોમળ અને દૃઢ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી ભાઇ પરસોત્તમ રૂપાલા, રાજ્ય સરકારના સર્વ મંત્રીઓ, સંસદમાં મારા સાથી, અન્ય તમામ ધારાસભ્યો, પંચાયત, નગર પાલિકામાં ચૂંટાયેલા તમામ પ્રતિનિધીઓ, ઉમા ધામ ગાઠિલાના અધ્યક્ષ વાલજીભાઇ ફળદુ, અન્ય પદાધિકારીઓ અને સમાજમાં દૂર દૂરથી આવેલા સર્વ મહાનુભાવો તેમજ મોટી સંખ્યમાં ઉપસ્થિત રહેલી માતાઓ અને બહેનો – સૌને આજે મા ઉમિયાના 14મા પાટોત્સવના અવસર પર હું નમન કરુ છુ. આપ સૌને આ શુભ અવસરે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ જ અભિનંદન.

ગયા ડિસસેમ્બરમાં માતા ઉમિયાધામ મંદિર અને ઉમિયાધામ કેમ્પસના શિલાન્યાસનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. અને આજે ગાઠિલાના આ ભવ્ય આયોજનમાં આપ સૌએ મને આમંત્રિત કર્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે. પ્રત્યક્ષ રીતે જો ત્યાં આવી શક્યો હોત તો મને ખૂબ જ ખુશી થાત પરંતુ, પ્રત્યક્ષ આવી શકાયું નથી, છતાં પણ દૂરથી જુના મહાનુભાવોના દર્શન તો થઇ જ શકે છે, એ પણ મારા માટે ખૂબ જ ખુશીનો અવસર છે.

આજે ચૈત્રી નવરાત્રીનો નવમો દિવસ છે. મારી આપ સૌને મંગલકામના છે કે, મા સિદ્ધદાત્રી આપ સૌની તમામ મનોકામનાઓ પૂરી કરે. આપણો ગિરનાર જપ અને તપની ભૂમિ છે. ગિરનાર ધામમાં બિરાજમાન માતા અંબા છે. અને એવી જ રીતે શિક્ષા અને દિક્ષાનું સ્થાન પણ ગિરનારધામ છે. અને ભગવાન દત્તાત્રેય અહીં બિરાજમાન છે, તે પુણ્યભૂમિને હું વંદન કરુ છુ. માતાજીના આશીર્વાદથી જ આપણે સૌ સાથે મળીને સદાય ગુજરાતની ચિંતા કરીએ છીએ, ગુજરાતના વિકાસ માટે પ્રયત્નશીલ રહીએ છીએ, ગુજરાતના વિકાસ માટે હંમેશા કંઇકને કંઇક યોગદાન આપતા રહીએ છીએ અને સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ.

મેં તો આ સામુહિકતાની શક્તિને હંમેશા અનુભવી છે. આજે જ્યારે પ્રભૂ શ્રી રામચંદ્રજીનો પ્રાગત્ય મહોત્સવ છે, ત્યારે અયોધ્યામાં અતિ ભવ્યતા સાથે ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, આખા દેશમાં ઉજવણી થઇ રહી છે, એ પણ આપણા માટે ખૂબ જ મહત્વની બાબત છે.

મારા માટે આપ સૌની વચ્ચે આવવું એ કોઇ નવી વાત નથી, માતા ઉમિયાના ચરણોમાં જવું કોઇ નવી વાત નથી. કદાચ છેલ્લા 35 વર્ષમાં એવું ક્યારેય નહીં બન્યું જ્યાં ક્યાંકને ક્યાંક, ક્યારેકને ક્યારેક, હું આપની વચ્ચે આવ્યો ના હોઉ. આવી જ રીતે, આજે ફરી એકવાર, મને ખબર છે, હમણાં જ કોઇએ કહ્યું હતું, 2008માં અહીં લોકાર્પણ માટે આવવાની તક મને મળી હતી. આ પાવન ધામ એક રીતે શ્રદ્ધાનું કેન્દ્ર તો છે જ, સાથે સાથે મને માહિતી મળી છે કે આ હવે એક સામાજિક ચેતનાનું કેન્દ્ર પણ બની ગયું છે. અને ટુરિઝમનું કેન્દ્ર પણ બની ગયું છે. 60થી વધારે ઓરડા બનાવ્યા છે, કેટલાય મેરેજ હોલ બનાવ્યા છે, ભવ્ય ભોજનાલયનું નિર્માણ કર્યું છે. એક રીતે જોઇએ તો, માતા ઉમિયાના આશીર્વાદથી માતા ઉમિયાના ભક્તોને અને સમાજને ચેતના પ્રગટ કરવા માટે જો કોઇ આવશ્યકતા હોય તો, એ બધી જ પૂરી કરવાનો પ્રયાસ આપ સૌ દ્વારા થયો છે. અને 14 વર્ષના આટલા ઓછા સમયમાં જે વ્યાપ વધ્યો છે, તેના માટે અહીંના તમામ ટ્રસ્ટીઓ, કાર્યવાહકો અને માં ઉમિયાના ભક્તોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

હમણાં જ આપણા મુખ્યમંત્રીજીએ ખૂબ જ ભાવનાત્મક વાત કરી. તેમણે કહ્યું કે, આ ધરતી આપણી માતા છે, અને હું જો ઉમિયા માતાનો ભક્ત છુ, તો આ ધરતી માતાને પીડા આપવાનું મારી પાસે કોઇ જ કારણ નથી. ઘરમાં આપણે આપણી માતાને કોઇ જ કારણ વગર દવા ખવડાવીએ છીએ? શું કારણ વગર લોહી ચડાવવાનું એવું બધું કરીએ છીએ? આપણને ખબર છે કે માંને જેટલું જોઇતું હોય એટલું જ આપવાનું હોય છે. પરંતુ આપણે ધરતી માતા માટે એવું માની લીધું છે કે, તેમને આ જોઇએ, તેમને પેલું જોઇએ... પછી માતા પણ અકળાઇ જાય ને, કે ના અકળાય…?

અને તેના કારણે જ આપણે જોઇ શકીએ છીએ કે, કેટલી બધી મુશ્કેલીઓ આવી રહી છે. આ ધરતીમાતાને બચાવવાનું ખૂબ જ મોટું અભિયાન છે. આપણે ભૂતકાળમાં પાણીની અછતમાં જીવન વિતાવી રહ્યા હતા. દુકાળ આપણી હંમેશાની ચિંતાનો મુદ્દો હતો. પરંતુ જ્યારથી આપણે ચેક ડેમનું અભિયાન શરૂ કર્યું છે, જ્યારથી જળસંચયનું અભિયાન શરૂ કર્યું છે, પર ડ્રોપ મોર ક્રોપ, ડ્રિપ ઇરિગેશનનું અભિયાન ચલાવ્યું છે, સૌની યોજનાનો અમલ કર્યો છે ત્યારથી પાણી માટે ઘણા પ્રયાસો કર્યા છે. 

ગુજરાતમાં હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે કોઇપણ અન્ય રાજ્યના મુખ્યમંત્રી સાથે વાત કરું કે અમારે ત્યાં પાણી માટે આટલો બધો ખર્ચ કરવો પડે છે અને આટલી બધી મહેનત કરવી પડે છે, અમારી સરકારનો મોટાભાગનો સમય પાણી પહોંચાડવામાં વ્યતિત થઇ જાય છે જ્યારે અન્ય રાજ્યોને આશ્ચર્ય થતું હતું કારણ કે, તેમને આવી મુસીબતનો અંદાજ નહોતો. આ મુસીબતથી આપણે ધીમે ધીમે બહાર નીકળ્યા કારણ કે, આપણે જન આંદોલનની શરુઆત કરી. આપ સૌના સાથ-સહકારથી જન આંદોલન કર્યું. અને જન આંદોલન, જન કલ્યાણ માટે કર્યું. અને આજે પાણી માટે સૌ લોકોમાં જાગૃતિ આવી છે. પરંતુ તેમ છતાંય હું માનુ છુ કે, જળ સંચય માટે આપણે જરાય ઉદાસિનતા દાખવવી જોઇએ નહીં. કારણ કે દર ચોમાસા પહેલાં કરવાનું આ કામ છે. તળાવો ઉંડા કરવાના છે, નાળા સાફ કરવાના છે, આ બધા જ જેટલા કામ આપણે કરીશું, એટલો જ પાણીનો સંગ્રહ વધારે થશે અને ધરતીમાં વધારે પાણી ઉતરશે. આવી રીતે હવે કેમિકલથી મુક્તિ મેળવવાનો પણ વિચાર કરવો પડશે. નહીંતર એક દિવસ ધરતી માતા કહેશે કે, હવે બહુ થયું... તમે જાઓ... મારે તમારી સેવા નથી કરવી. અને પછી ગમે એટલે પરસેવો પાડીશું, ગમે એટલા મોંઘુ બિયારણ વાવીશું, તો પણ કોઇ ઉપજ નહીં આવે. આ ધરતી માતાને બચાવવી જ પડશે. અને તેના માટે સારું છે કે, ગુજરાતને આવા ગવર્નર મળ્યા છે, જેઓ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતીને સમર્પિત છે. મને તો માહિતી મળી છે કે, તેમણે ગુજરાતના દરેક તાલુકામાં જઇને પ્રાકૃતિક ખેતી માટે અનેક કિસાન આંદોલન ચલાવ્યા છે. મને આનંદ છે – રૂપાલાજી જણાવે છે કે, લાખોની સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે અને તેમને પ્રાકૃતિક ખેતી અપનાવવામાં ગૌરવ થઇ રહ્યં છે. એ વાત પણ સાચી છે કે, તેનાથી ખર્ચ પણ ઘટે છે. હવે જ્યારે મુખ્યમંત્રીજીએ આહ્વાન કર્યું છે, કોમળ અને દૃઢ મુખ્યમંત્રી મળ્યા છે, ત્યારે આપણા સૌની જવાબદારી છે કે, તેમની ભાવનાને આપણે સૌ સાકાર કરીએ. ગુજરાતના ગામડે ગામડે ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે આગળ આવે. મેં અને કેશુભાઇએ જેવી રીતે પાણી માટે ખૂબ જ પરિશ્રમ કર્યો હતો એવી જ રીતે ભૂપેન્દ્રભાઇ હવે ધરતી માતા માટે પરિશ્રમ કરી રહ્યા છે.

આ ધરતી માતાને બચાવવાની તેમની જે મહેનત છે, તેમાં ગુજરાતના સૌ લોકો જોડાય, અને મેં જોયું છે કે તમે જે કામ હાથમાં લો છો, તેમાં ક્યારેય પાછીપાની નથી કરતા. મને યાદ છે કે, ઉંઝામાં બેટી બચાવોની મને ખૂબ જ ચિંતા હતી. માં ઉમિયાનું તીર્થ છે અને દીકરીઓની સંખ્યા ઓછી થઇ રહી હતી. પછી મેં મા ઉમિયાના ચરણોમાં જઇને સમાજના લોકોને એકઠા કર્યા અને કહ્યું કે આપ સૌ મને વચન આપો કે, દીકરીઓને બચાવવી છે. અને મને ગૌરવ છે કે, ગુજરાતમાં મા ઉમિયાના ભક્તોએ, મા ખોડલના ભક્તોએ અને આખા ગુજરાતે આ વાતને વધાવી લીધી. અને ગુજરાતમાં બેટી બચાવો અભિયાન ચલાવવા માટે, માના ગર્ભમાં દીકરીની હત્યા ન થાય તે માટે ખૂબ જ જાગૃતિ આવી છે. આજે તમે જોઇ રહ્યા છો કે, ગુજરાતની દીકરીઓ કેવા કેવા કમાલ કરી રહી છે. આપણી મહેસાણાની દીકરી, દિવ્યાંગ છે, તે ઓલિમ્પિકમાં જઇને ઝંડો લહેરાવી આવી. આ વખતે ઓલિમ્પિકમાં જે ખેલાડીઓ ગયા હતા તેમાં છ દીકરીઓ ગુજરાતની હતી. આનું ગૌરવ કોને ના થાય – એટલે મને લાગે છે કે, માતા ઉમિયાની સાચી ભક્તિના કારણે જ આ શક્તિ આપણામાં આવે છે, અને આ શક્તિના સહારો આપણે આગળ વધીએ છીએ. પ્રાકૃતિક ખેતી પર આપણે જેટલો વધારે ભાર મૂકીશું, જેટલી ભૂપેન્દ્રભાઇને મદદ કરીશું, એટલી આપણી ધરતી માતા વધુને વધુ હરિયાળી થશે. ગુજરાત ખીલી ઉઠશે. આજે આગળ તો વધી જ રહ્યું છે પરંતુ હજુ પણ વધારે ખીલી ઉઠશે.

અને મારા મનમાં બીજો પણ એક વિચાર આવે છે કે, આપણાં ગુજરાતમાં બાળકો કુપોષિત રહે તે સારું ના કહેવાય. ઘરમાં માં કહે છે કે ખાઇ લે, પણ એ ખાતા નથી. ગરીબી નથી, પણ ખાવાની આદતો જ એવી છે કે શરીરમાં પોષણ મળતું નથી. દીકરીઓને એનિમિયા હોય, અને વીસ- બાવીસ- ચોવીસ વર્ષમાં તેના લગ્ન થાય તો તેમના પેટમાં કેવું સંતાન મોટું થાય? જો માતા સશક્ત નહી હોય તો પછી સંતાનનું શું થશે? આથી જ દીકરીઓના આરોગ્યની ચિંતા વધારે કરવી જોઇએ, અને સામાન્યપણે તમામ બાળકોના આરોગ્યની ચિંતા કરવી જોઇએ.

હું માનું છું કે, માતા ઉમિયાના સૌ ભક્તોએ ગામડે ગામડે જઇને પાંચ-દસ બાળકો જેટલા પણ મળે – ભલે તે કોઇપણ સમાજના હોય – તે હવે કુપોષિત ના રહેવા જોઇએ – એવો નિર્ધાર કરી લો. કારણ કે બાળક સશક્ત હશે, તો પરિવાર સશક્ત બનશે અને સમાજ સશક્ત હશે અને તેનાથી દેશ પણ સશક્ત બની શકશે. તમે પાટોત્સવ કરો છો, આજે બ્લડ ડોનેશન વગેરે કાર્યક્રમો પણ કર્યા.. હવે એવું પણ કરો કે, ગામડે ગામડે માં ઉમિયા ટ્રસ્ટના માધ્યમથી તંદુરસ્ત બાળ સ્પર્ધા કરો. બે, ત્રણ, ચાર વર્ષના તમામ બાળકોની તપાસ થાય અને જે પણ તંદુરસ્ત હોય, તેમને ઇનામ આપવામાં આવે. આખો માહોલ બદલાઇ જશે. કામ નાનું છે, પણ આપણે સારી રીતે કરી શકીશું.

હમણાં જ મને કહેવામાં આવ્યું કે, અહીંયા ઘણા મેરેજ હોલ બનાવ્યા છે. બારેય મહિના લગ્નની મોસમ નથી હોતી. એ જગ્યાનો શું ઉપયોગ થાય છે. આપણે ત્યાં કોચિંગ ક્લાસ પણ ચલાવી શકીએ, ત્યાં ગરીબ બાળકો આવે, સમાજના આગેવાનો આવીને અભ્યાસ કરે. એક કલાક માટે, બે કલાક માટે... આ જગ્યાનો ઘણો ઉપયોગ થશે. એવી જ રીતે યોગ કેન્દ્ર પણ થઇ શકે છે. રોજ સવારે માં ઉમિયાના દર્શન પણ થઇ જશે, કલાક- બે કલાક માટે યોગનો કાર્યક્રમ થાય, અને જગ્યાનો સદુપયોગ પણ થઇ શકે છે. જગ્યાનો વધુમાં વધુ ઉપયોગ થાય, ત્યારે જ ખરા અર્થમાં સામાજિક ચેતનાનું કેન્દ્ર બનશે. આથી આપણે સૌએ પ્રયાસ કરવો જોઇએ.

અત્યારે આઝાદીના અમૃત મહોત્સવનો સમય છે – એક રીતે આપણા સૌના માટે ખૂબ જ મહત્વનો સમયગાળો છે. 2047માં જ્યારે દેશ આઝાદીના સો વર્ષની ઉજવણી કરી રહ્યો હશે ત્યારે આપણે સૌ ક્યાં હોઇશું, આપણો સમાજ ક્યાં હશે, આપણો દેશ ક્યાં પહોંચી ગયો હશે, આ સપનું અને સંકલ્પ દરેક નાગરિકના મનમાં પેદા થવા જોઇએ. અને આઝાદીના અમૃત મહોત્સવથી આવી ચેતના આપણે લાવી શકીએ છીએ, જેનાથી સમાજમાં સારા કાર્યો થાય, જે કરવાનો સંતોષ આપણી નવી પેઢીને મળે. અને આના માટે મારા મનમાં એક નાનો વિચાર આવ્યો છે કે, આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે દરેક જિલ્લામાં આઝાદીના 75 વર્ષ પૂરાં થયા છે તે માટે, 75 અમૃત સરોવર બનાવી શકાય. જુના સરોવર હોય, તેને વધુ ઉંડા કરો, ખોદો અને વધુ સારા બનાવો. એક જિલ્લામાં 75. તમે જ વિચાર કરો, આજથી 25 વર્ષ પછી જ્યારે આઝાદીની શતાબ્દીનો ઉત્સવ ઉજવાઇ રહ્યો હશે ત્યારે તે પેઢી જોશે કે, આઝાદીના 75 વર્ષ થયા ત્યારે અમારા ગામના લોકોએ આ તળવા બનાવ્યું હતું. અને કોઇપણ ગામમાં તળાવ હોય તો, એ તો તે ગામની તાકાત હોય છે. પાટીદાર પાણીદાર ત્યારે જ હોય, જ્યારે પાણી હોય. આથી, આપણે પણ આ 75 તળાવનું અભિયાન, મા ઉમિયાના સાનિધ્યમાં ઉઠાવી શકીએ છીએ. અને આ મોટું કામ નથી... આપણે તો લાખોની સંખ્યામાં ચેકડેમ બનાવ્યા છે, આપણે એવા લોકો છીએ. તમે જ વિચારો, કેટલી મોટી સેવા થશે. 15 ઑગસ્ટ 2023 પહેલાં આ કામ પૂરું કરીશું. સમાજને પ્રેરણા મળે તેવું કાર્ય થશે. હું તો કહું છે કે, 15 ઑગસ્ટે તળાવની બાજુમાં જ ધ્વજ વંદનનો કાર્યક્રમ પણ ગામના કોઇ વરિષ્ઠને બોલાવીને કરવો જોઇએ – અમારા જેવા નેતાઓને નહીં બોલાવવાના. ગામના વરિષ્ઠને બોલાવાના અને ધ્વજ વંદનનો કાર્યક્રમ કરવાનો.

આજે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મદિવસ છે. આપણે ભગવાન શ્રી રામચંદ્રજીને યાદ કરીએ તો શબરી યાદ આવે છે, આપણને કેવટ યાદ આવે છે, આપણને નિષાદ રાજા યાદ આવે છે, સમાજના આવા નાના નાના લોકોના નામ પરથી ખબર પડે છે કે, ભગવાન રામ મતલબ આવા લોકો. આનો અર્થ એવો થાય કે, સમાજના પછાત લોકોને જેઓ સંભાળે છે, તેઓ ભવિષ્યમાં લોકોના મનમાં આદરનું સ્થાન પ્રાપ્ત કરે છે. માં ઉમિયના ભક્ત સમાજના પછાત વર્ગોને પોતાના માને – દુઃખી, ગરીબ- જે પણ હોય, કોઇપણ સમાજના હોય. ભગવાન રામ પૂર્ણપુરુષોત્તમ પણ કહેવાયા, તેના મૂળમાં તેઓ સમાજના દરેક નાના નાના લોકોને જેવી રીતે પોતાની સાથે લઇને ચાલ્યા એ છે અને તેમની વચ્ચે કેવી રીતે જીવ્યા તેનો મહિમાં ઓછો નથી. માં ઉમિયાના ભક્તોએ પણ જાતે આગળ વધવું જોઈએ, પરંતુ કોઈ પાછળ ન રહે, તેની પણ ચિંતા કરવી જોઈએ. તો જ આપણે આગળ વધીએ તે યોગ્ય રહેશે, નહીં તો જે પાછળ રહી ગયા છે તે આગળ વધનારને પાછળ ખેંચી લેશે. પછી આપણે વધુ મહેનત કરવી પડશે, તેથી જ આગળ વધવાની સાથે, જો આપણે લોકોને પાછળ રાખીશું, તો આપણે પણ આગળ વધીશું.

હું આપ સૌને વિનંતી કરું છું કે આઝાદીનો આ અમૃત મહોત્સવ, ભગવાન રામનો પ્રાગટ્ય મહોત્સવ અને મા ઉમિયાનો પાટોત્સવ અને આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે, પછી આપણે જે ઝડપે આગળ વધવા માંગીએ છીએ... તમે જુઓ, કોરોના કેવી રીતે. મોટું સંકટ આવ્યું અને... હવે સંકટ સમાપ્ત થઇ ગયું છે, એવું આપણે માનતા નથી, કારણ કે તે હજી પણ ક્યાંક દેખાય છે. આ રોગ ખૂબ જ બહુરૂપિયો છે. તેની સામે ટક્કર લેવા માટે લગભગ 185 કરોડ ડોઝ. જ્યારે દુનિયાના લોકો સાંભળે છે ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ કેવી રીતે શક્ય બન્યું - આપ સૌ સમાજના સહકારથી આ શક્ય થયું. એટલા માટે આપણે મોટાપાયે જાગૃતિ લાવીશું... હવે સ્વચ્છતા અભિયાન, સહજ, આપણો સ્વભાવ કેમ ના બને... પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ – એ આપણો સ્વભાવ કેમ ના બને --- આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ- આપણે ગાયની પૂજા કરીએ છીએ, માં ઉમિયાના ભક્ત છીએ, પશુ પ્રત્યે આદર રાખીએ છીએ, અને જો એજ આ પ્લાસ્ટિક ખાય તો, માં ઉમિયાના ભક્ત તરીકે તે ઠીક નથી. આ બધી વાતોને આપણે આગળ વધારીએ છીએ.. તો... મને આનંદ થયો કે, તમે સામાજિક કાર્યોને જોડ્યા છે... પાટોત્સવની સાથે પૂજા પાઠ, શ્રદ્ધા, આસ્થા, ધાર્મિક જે પણ થતું હોય, તે બધુ થાય જ છે, પણ તેનાથી આગળ વધીને તમે આખી યુવા પેઢીને સાથે રાખીને જો બ્લડ ડોનેશન વગેરે જેવા કાર્યો પણ કર્યા છે. આપ સૌને મારી ખૂબ જ શુભેચ્છાઓ છે. આપની વચ્ચે ભલે દૂરથી પણ આપને મળવાની તક મળી તે મારા માટે આનંદની વાત છે. ખૂબ ખૂબ આભાર. માં ઉમિયાના ચરણોમાં વંદન.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Under Rozgar Mela, PM to distribute more than 71,000 appointment letters to newly appointed recruits
December 22, 2024

Prime Minister Shri Narendra Modi will distribute more than 71,000 appointment letters to newly appointed recruits on 23rd December at around 10:30 AM through video conferencing. He will also address the gathering on the occasion.

Rozgar Mela is a step towards fulfilment of the commitment of the Prime Minister to accord highest priority to employment generation. It will provide meaningful opportunities to the youth for their participation in nation building and self empowerment.

Rozgar Mela will be held at 45 locations across the country. The recruitments are taking place for various Ministries and Departments of the Central Government. The new recruits, selected from across the country will be joining various Ministries/Departments including Ministry of Home Affairs, Department of Posts, Department of Higher Education, Ministry of Health and Family Welfare, Department of Financial Services, among others.