પૂજ્ય શ્રી ગણપતિ સચ્ચિદાનંદજી સ્વામીજી,
ઉપસ્થિત તમામ સંતગણ, દત્ત પીઠમના તમામ શ્રદ્ધાળુ અનુયાયીગણ, અને દેવીઓ તથા સજ્જનો,
એલ્લરિગૂ...
જય ગુરુ દત્ત.
અપ્પાજી અવરિગે,
એમ્ભત્તને વર્ધન્તતિય, સદર્ભદલ્લિ,
પ્રણામ,
હાગૂ શુભકામને ગલુ.
સાથીઓ,
થોડા વર્ષ અગાઉ મને દત્ત પીઠમ આવવાનો અવસર સાંપડ્યો હતો. એ જ સમયે તમે મને આ કાર્યક્રમમાં હાજરી આપવાનું કહ્યું હતું. ત્યારે પણ નક્કી કરી લીધું હતું કે ફરીથી આપની પાસે આશીર્વાદ લેવા આવીશ પરંતુ આવી શકતો નથી. મારે આજે જ જાપાન પ્રવાસે નીકળવાનું છે. હું ભલે ભૌતિક રૂપથી દત્ત પીઠમના આ ભવ્ય કાર્યક્રમમાં હાજર નથી પરંતુ મારી આત્મિક ઉપસ્થિતિ તમારી સાથે જ છે.
શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજીને હું આ શુભ પ્રસંગે ખૂબ ખૂબ શુભકામના પાઠવી રહ્યો છું. પ્રણામ કરું છું. જીવનના 80 વર્ષનો પડાવ અત્યંત મહત્વપૂર્ણ હોય છે. 80 વર્ષના પડાવને આપણી સાંસ્કૃતિક પરંપરામાં સહસ્ત્ર ચંદ્રદર્શનના રૂપમાં પણ માનવામાં આવે છે. હું પૂજ્ય સ્વામીજીના દીર્ઘાયુ થવાની મનોકામના કરું છું. હું તેમના અનુયાયીઓને પણ હાર્દિક શુભેચ્છા પાઠવું છું.
આજે પૂજ્ય સંતો તથા વિશિષ અતિથિ દ્વારા આશ્રમમાં ‘હનુમંત દ્વાર’ (પ્રવેશ દ્વાર)નું લોકાર્પણ પણ થયું છે. હું તેના માટે પણ આપ સૌને શુભેચ્છા પાઠવું છું. ગુરુદેવ દત્તે જે સામાજિક ન્યાયની પ્રેરણા આપણને આપી છે, તેનાથી પ્રેરિત થઈને, આપ સૌ જે કાર્ય કરી રહ્યા છો, તેમાં વધુ એક કડી સામેલ થઈ છે. આજે અન્ય એક મંદીરનું લોકાર્પણ પણ થયું છે.
સાથીઓ,
આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે
“પરોપકારમ સતામ વિભૂતમઃ”
અર્થાર્ત, સંતોની, સજ્જનોની વિભૂતિ પરોપકાર માટે જ હોય છે. સંત પરોપકાર અને જીવ સેવા માટે જ જન્મ લેતા હોય છે. આથી જ એક સંતનો જન્મ, તેમનું જીવન માત્ર એક અંગત યાત્ર હોતી નથી. પરંતુ તેની સાથે સમાજના વિકાસ અને કલ્યાણની યાત્રા પણ જોડાયેલી હોય છે. શ્રી ગણપતિ સચ્ચિદાનંદજીનું જીવન એક પ્રત્યક્ષ પ્રમાણ છે, એક ઉદાહરણ છે. દેશ અને દુનિયાના ખૂણે ખૂણે અનેક આશ્રમ, આવડી મોટી સંખ્યા, અલગ અલગ પ્રકલ્પ પરંતુ તમામની દિશા અને ધારા એક જ છે. જીવ માત્રની સેવા, જીવ માત્રનું કલ્યાણ.
ભાઈઓ અને બહેનો,
દત્ત પીઠમના પ્રયાસોને લઈને મને સૌથી વધારે સંતોષ એ વાતનો રહે છે કે અહીં આધ્યાત્મિકતાની સાથે સાથે આધુનિકતાનું પણ પોષણ થાય છે. અહીં વિશાળ હનુમાન મંદીર છે તો 3ડી મેપિંગ, સાઉન્ડ અને લાઇટ્સ શોની પણ વ્યવસ્થા છે. અહીં એટલો મોટો બર્ડ પાર્ક (પક્ષીઓનો પાર્ક) છે તો સાથે સાથે તેના સંચાલન માટે આધુનિક વ્યવસ્થા પણ છે.
દત્ત પીઠમ આજે વેદોના અધ્યયનનું મોટું કેન્દ્ર બની ગયું છે. એટલું જ નહીં ગીત—ંગીત અને સ્વરોનું જે સામર્થ્ય આપણા પૂર્વજોએ આપણને આપ્યું છે તેને લોકોના સ્વાસ્થ્ય માટે કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તેને લઈને પણ સ્વામીજીના માર્ગદર્શનમાં પ્રભાવશાળી ઇનોવેશન થઈ રહ્યા છે. પ્રકૃત્તિ માટે વિજ્ઞાનનો આ ઉપયોગ, આધ્યાત્મિકતાની સાથે સાથે ટેકનોલોજીનો આ સમાગમ, આ જ તો ગતિશીલ ભારતનો આત્મા છે. મને આનંદ છે કે સ્વામીજી જેવા સંતના પ્રયાસોથી આજે દેશનો યુવાન પોતાની પરંપરાના સામર્થ્યથી પરિચિત થઈ રહ્યો છે. તેને આગળ ધપાવી રહ્યો છે.
સાથીઓ,
આજે આપણે સ્વામીજીનો જન્મ દિવસ એક એવા સમયે મનાવી રહ્યા છીએ જ્યારે દેશ પોતાની આઝાદીના 75મા વર્ષનું પર્વ મનાવી રહ્યો છે. આપણા સંતોએ આપણને હંમેશાં સ્વથી આગળ વધીને સર્વસ્વ માટે કાર્ય કરવાની પ્રેરણા આપી છે. આજે દેશ પણ આપણને ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રની સાથે સામૂહિક સંકલ્પોનું આહવાન કરી રહ્યો છે. આજે દેશ પોતાની પ્રાચીનતાને સંરક્ષિત પણ કરી રહ્યો છે, સંવર્ધન પણ કરી રહ્યો છે અને સાથે સાથે પોતાની નવીનતાને, આધુનિકતાને તાકાત પણ આપી રહ્યો છે. આજે ભારતની ઓળખ યોગ પણ છે. અને યુવાન પણ છે. આજે આપણા સ્ટાર્ટ અપ્સને દુનિયા પોતાના ભવિષ્યના રૂપમાં નિહાળી રહી છે. આપણા ઉદ્યોગો, આપણા ‘મેઇક ઇન ઇન્ડિયા’ વૈશ્વિક વિકાસ માટે આશાનું કિરણ બની રહ્યા છે. આપણે આપણા આ સંકલ્પો માટે લક્ષ્યાંક બનાવીને કાર્ય કરવાનું રહેશે. અને હું ઇચ્છીશ કે આપણા આધ્યાત્મિક કેન્દ્ર આ દિશામાં પણ પ્રેરણાનું કેન્દ્ર બનશે.
સાથીઓ,
આઝાદીના 75 વર્ષમાં આપણી સામે આગામી 25 વર્ષના સંકલ્પ છે, આગામી 25 વર્ષનો લક્ષ્યાંક હોય. હું માનું છું કે દત્ત પીઠમના સંકલ્પો આઝાદીના અમૃત સંકલ્પો સાથે જોડાઈ શકે છે. પ્રકૃતિનું સંરક્ષણ, પક્ષીઓની સેવા માટે આપ અસાધારણ કાર્ય કરી રહ્યા છો. હું ઇચ્છીશ કે આ દિશામાં વધુ કેટલાક નવા સંકલ્પો લેવામાં આવે. મારો આગ્રહ છે કે જળ સંરક્ષણ માટે, આપણા જળ સ્ત્રોતો માટે, નદીઓની સુરક્ષા માટે જનજાગરૂકતામાં ઓર વધારો કરવા માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ.
અમૃત મહોત્સવમાં દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ સરોવરોનો નિભાવ માટે, તેમના સંવર્ધન માટે પણ સમાજને આપણે સાંકળવો પડશે. આવી જ રીતે સ્વચ્છ ભારત અભિયાનને સતત જન આંદોલનના રૂપમાં આપણે સતત આગળ ધપાવવાનું છે. આ દિશામાં સ્વામીજી દ્વારા સફાઈ કર્મચારીઓ માટે કરવામાં આવી રહેલો યોગદાનો, અને અસમાનતાની વિરુદ્ધ તેમના પ્રયાસોની હું વિશેષરૂપથી પ્રશંસા કરવા માગું છું. સૌને સાંકળવાનો પ્રયાસ, આ જ તો ધર્મનું વાસ્તવિક સ્વરૂપ છે. જેને સ્વામીજી સાકાર કરી રહ્યા છે. મને સંપૂર્ણ ભરોસો છે કે દત્ત પીઠમ સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણની મહત્વની જવાબદારીઓમાં પણ આ પ્રકારે જ મહત્વપૂર્ણ જવાબદારીઓ અદા કરતું રહેશે અને આધુનિક સમયમાં જીવ સેવાના આ યજ્ઞને નવો વ્યાપ આપશે. અને આ જ તો જીવ સેવાથી શિવ સેવાનો સંકલ્પ બની જાય છે.
હું ફરી એક વાર શ્રી ગણપતિ સચ્ચિદાનંદજી સ્વામીજીના દીર્ઘાયુ માટે પરમાત્માને પ્રાર્થના કરું છું. તેમનું આરોગ્ય ઉત્તમ રહે. દત્ત પીઠમના માધ્યમથી સમાજની શક્તિ પણ આવી જ રીતે આગળ ધપતી રહે. આ જ ભાવના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.