નમો બુધ્ધાય !
નમો ગુરૂભ્યો !
આદરણીય રાષ્ટ્રપતિજી,
અન્ય અતિથિગણ,
ભાઈઓ અને બહેનો,
આપ સૌને ધમ્મચક્ર પ્રવર્તન દિવસ અને આષાઢી પૂર્ણિમાના પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવુ છું. આજે આપણે ગુરૂ-પૂર્ણિમા પણ ઉજવીએ છીએ, અને આજના જ દિવસે જ ભગવાન બુધ્ધે બુધ્ધત્વની પ્રાપ્તિ પછી પોતાનું પ્રથમ જ્ઞાન દુનિયાને આપ્યું હતું. જ્યા જ્ઞાન છે, ત્યાં જ પૂર્ણતા છે, ત્યાં જ પૂર્ણિમા છે. અને ઉપદેશ આપનારા સ્વયં બુધ્ધ હોય તો સ્વાભાવિક છે કે જ્ઞાન સંસારના કલ્યાણનો પર્યાય બની જાય છે.ત્યાગ અને તિતિક્ષાનુ તપ ધરાવતા બુધ્ધ જ્યારે બોલે છે ત્યારે માત્ર શબ્દો જ નીકળતા નથી પણ ધમ્મચક્રનુ પ્રવર્તન થાય છે. આટલા માટે તેમણે માત્ર પાંચ શિષ્યોને જ પ્રવચન આપ્યું હતું, પણ આજે સમગ્ર દુનિયામાં તે શબ્દોના અનુયાયીઓ છે. બુધ્ધમાં આસ્થા રાખનારા લોકો છે.
સાથીઓ,
સારનાથમાં ભગવાન બુધ્ધે સમગ્ર જીવનનુ, સમગ્ર જ્ઞાનનુ સૂત્ર (મંત્ર) આપણને સમજાવ્યુ હતું. તેમણે દુઃખ અંગે કહ્યુ, દુઃખના કારણ અંગે કહ્યુ હતું અને એ આશ્વાસન આપ્યું હતું કે દુઃખોથી જીતી શકાય છે અને તે જીતનો માર્ગ પણ તેમણે બતાવ્યો હતો. ભગવાન બુધ્ધે જીવન માટે અષ્ટાંગ સૂત્ર આપ્યું, આઠ મંત્ર આપ્યા. આ આઠ મંત્ર છેઃ સમ્માદિઠ્ઠી, સમ્મા સંકલ્પો,સમ્મા વાચા, સમ્મા કમ્મન્તો, સમ્મા- આજીવો, સમ્મા- વાયામો, સમ્માસતિ અને સમ્મા-સમાધિ આનો અર્થ થાય છે. સમ્યક દ્રષ્ટી, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક પ્રયાસ, સમ્યક મન, સમ્યક સમાધી એટલે કે મનની એકાગ્રતા. મન, વાણી અને સંકલ્પમાં, આપણા કર્મો અને પ્રયાસોમાં જો સમતુલા હોયતો આપણે દુઃખમાંથી નીકળીને સુખ હાંસલ કરી શકીએ છીએ. આ સમતુલા આપણને સારા સમયમાં લોક કલ્યાણની પ્રેરણા આપે છે અને મુશ્કેલ સમયમાં ધીરજ ધારણકરવાની તાકાત આપે છે.
સાથીઓ,
આજે કોરોના મહામારી સ્વરૂપે માનવતા સામે આવુ જ સંકટ છે. આવા સમયે ભગવાન બુધ્ધ આપણા માટે વધુ પ્રાસંગિક બની જાય છે. બુધ્ધના માર્ગે ચાલીને જ આપણે મોટામાં મોટા પડકારનો સામનો કરી શકીએ તેમ છીએ. ભારતે તે કરી બતાવ્યુ છે. બુધ્ધના સમ્યક વિચારો મુજબ દુનિયાના દેશો આજે એક- બીજાનો હાથ પકડી રહયા છે.એકબીજાની તાકાત બની રહયા છે. આ દિશામાં ‘ઈન્ટરનેશનલ બુધ્ધિષ્ટ ફેડરેશન’ની કેર વીથ પ્રેયર ઈનિશિયેટિવ પણ ખૂબ જ પ્રશંસનિય છે.
સાથીઓ, ધમ્મપદ કહે છે કે
न ही वेरेन वेरानि,
सम्मन्तीध कुदाचनम्।
अवेरेन च सम्मन्ति,
एस धम्मो सनन्ततो॥
આનો અર્થ થાય છે કે વેરથી વેર શાંત થતુ નથી, પણ વેર અવેરથી,શાંત થાય છે. મોટા મનથી, પ્રેમથી શાંત થાય છે. ત્રાસદીના સમયમાં દુનિયાએ પ્રેમની, સૌહાર્દની આ શાંતિનો અનુભવ કર્યો છે.બુધ્ધનુ આ જ્ઞાન, માનવતાનો આ અનુભવ જેમ જેમ સમૃધ્ધ બનતો જશે. તેમ વિશ્વ સફળતા અને સમૃધ્ધિની નવી ઉંચાઈઓને સ્પર્શી શકશે.
આવી કામના સાથે ફરી એક વાર આપ સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ. તમે સ્વસ્થ રહો અને માનવતાની સેવા કરતા રહો!
ધન્યવાદ !