કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો, ધર્મેન્દ્રજી, અન્નપૂર્ણા દેવીજી અને દેશભરના મારા તમામ શિક્ષક સાથીઓ તેમજ આપ સૌના માધ્યમથી, એક રીતે, હું આજે દેશના તમામ શિક્ષકો સાથે પણ વાત કરી રહ્યો છું.
દેશ આજે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષણવિદ્ ડૉ. રાધાકૃષ્ણનજીને તેમના જન્મદિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે અને આપણા માટે આ ઘણા સૌભાગ્યની વાત છે કે આપણા વર્તમાન રાષ્ટ્રપતિ પણ શિક્ષક છે. તેમના જીવનના પ્રારંભિક સમયગાળા દરમિયાન, તેમણે શિક્ષક તરીકે કામ કર્યું હતું અને તે પણ દૂરના ઓરિસ્સાના અંતરિયાળ વિસ્તારમાં સેવા આપી અને ત્યાંથી જ તેમનું જીવન અનેક પ્રકારે આપણા માટે સુખદ સંયોગ છે અને આવા શિક્ષક રાષ્ટ્રપતિના હસ્તે આપ સૌનું સન્માન કરવામાં આવ્યું છે તે આપણા સૌના માટે એક ગૌરવની વાત છે
જુઓ, આજે જ્યારે દેશ આઝાદીના અમૃતકાળના પોતાના વિરાટ સપના પૂરા કરવા માટે પ્રયાસરત છે, ત્યારે શિક્ષણના ક્ષેત્રમાં રાધાકૃષ્ણનજીએ કરેલા પ્રયાસો આપણને સૌને પ્રેરણા આપે છે. આ અવસર પર, હું રાષ્ટ્રીય પુરસ્કારો જીતનારા આપ સૌ શિક્ષકોને છે, રાજ્યોમાં પણ આવા જ પ્રકારના પુરસ્કારો આપવામાં આવે છે, તે સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું
સાથીઓ,
અત્યારે મને ઘણા શિક્ષકો સાથે સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો. બધા જ લોકો જુદી જુદી ભાષાઓ બોલે છે, જુદા જુદા પ્રયોગ કરનારા લોકો છે. ભાષા અલગ હશે, પ્રદેશ અલગ હશે, સમસ્યાઓ પણ અલગ હશે, પરંતુ એક વાત એ પણ છે કે તમે આમની વચ્ચે ભલે ગમે તેટલા હોવ, તમારા બધામાં એક બાબતે સમાનતા છે અને તે છે તમારું કામ, તમારા વિદ્યાર્થીઓ પ્રત્યેનું તમારું સમર્પણ, અને આ સમાનતા તમારી અંદર જે સૌથી મોટી વાત હોય છે અને તમે જોયું જ હશે, જે એક સફળ શિક્ષક હશે, તેઓ ક્યારેય બાળકોને એવું નથી કહેતા કે રહેવા દે આ તારાથી નહીં થઇ શકે, નથી જ કહેતા. શિક્ષકની સૌથી મોટી જે તાકાત છે એ છે તેમની સકારાત્મકતા, જે પોઝિટીવિટી હોય છે તે. બાળક વાંચન-લેખનમાં ગમે તેટલું નિપુણ હોય… અરે આમ કર, જો બેટા થઇ જશે. અરે જો તેણે કરી નાખ્યું, તું પણ કર, થઇ થશે.
એટલે કે, તમે જુઓ, તેમને તો ખબર પણ નથી, પરંતુ તે શિક્ષકના ગુણોમાં તે છે. તે દર વખતે પોઝિટીવ જ બોલશે, નેગેટીવ ટિપ્પણી કરીને કોઇને નિરાશ કરવા તે તેમના સ્વભાવમાં જ નથી હોતું. અને તે શિક્ષકની ભૂમિકા એ જ છે, જે વ્યક્તિને પ્રકાશ બતાવવાનું કામ કરે છે. તે સપનાં વાવે છે, શિક્ષક જે હોય છે ને, તે દરેક બાળકમાં સપનાંનું વાવેતર કરે છે અને તેને સંકલ્પોમાં પરિવર્તિત કરવાની તાલીમ આપે છે, જો આ સપનું સાકાર થઇ શકે છે, તમે એકવાર સંકલ્પ લઇ લો, અને કામે લાગી જાઓ. તમે જોયું જ હશે કે તે બાળક સપનાઓને સંકલ્પોમાં પરિવર્તિત કરે છે અને શિક્ષકે બતાવેલા માર્ગે આગળ વધીને તેને સિદ્ધ કરે છે. એટલે કે, સપનાથી સિદ્ધિ સુધીની આ આખી સફર એ જ પ્રકાશના કિરણથી થાય છે, જે એક શિક્ષકે તેમના જીવનમાં સપના તરીકે વાવ્યું હતું, દીવો પ્રગટાવ્યો હતો. જે તેને ઘણા પડકારો અને અંધકાર વચ્ચે પણ માર્ગ બતાવે છે.
અને હવે દેશ પણ આજે નવા સપનાંઓ, નવા સંકલ્પો લઇને એક એવા મુકામ પર ઊભો છે કે જે આજની જે પેઢી છે, જેઓ વિદ્યાર્થી અવસ્થામાં છે, તેઓ 2047માં ભારત કેવું બનશે, તેનો આધાર નક્કી કરનારાઓ છે. અને તેમનું જીવન તમારા હાથમાં છે. આનો મતલબ એવો થાય કે, 2047માં દેશના ઘડતરનું કામ, આજે વર્તમાનમાં જે શિક્ષકો છે, જેઓ આવનારા 10 વર્ષ, 20 વર્ષ સેવા આપવાના છે, તેમના હાથમાં 2047નું ભવિષ્ય નક્કી થવાનું છે.
અને આથી જ તમે માત્ર એક શાળામાં નોકરી કરો છો, એવું નથી, તમે એક વર્ગખંડમાં બાળકોને ભણાવો છો, એવું નથી, તમે એક અભ્યાસક્રમમાં ધ્યાન આપો છો, એવું નથી. તમે તેની સાથે જોડાઇને, તેમનું જીવન ઘડવાનું કામ અને તેના જીવનના માધ્યમથી આખા દેશને ઘડવાનું સપનું સેવીને આગળ વધી રહ્યા છો. જે શિક્ષકનું પોતાનું જ સપનું નાનું હોય છે, તેના મનમાં માત્ર 10 થી 5નો સમય જ ભરાયેલો હોય છે, આજે ચાર પિરિયડ લેવાના છે, એવું જ રહે છે. તો સમજવું જે તેઓ, તેના માટે ભલે પગાર લેતા હોય, પહેલી તારીખની તેઓ રાહ જોતા હોય, પરંતુ તેમને આનંદ નથી આવતો, તેમને તે બધી બાબતો બોજ જેવી લાગે છે. પરંતુ જ્યારે તેમના સપનાઓ સાથે તેઓ પોતે જોડાઇ જાય છે, ત્યારે તેના માટે કંઇ બોજ લાગતું નથી. તેમને લાગે છે કે અરે! મારા આ કામથી તો હું દેશ માટે આટલું મોટું યોગદાન આપીશ. જો હું રમતના મેદાનમાં એક ખેલાડીને તૈયાર કરું અને હું સપનું જોઉં કે ક્યારેક તો હું તેને દુનિયામાં ક્યાંકને ક્યાંક તિરંગા ઝંડાની સામે ઊભલો જોવા માગું છું... તો તમે કલ્પના કરી શકો છો કે, તમને તે કામમાં કેટલો આનંદ આવશે. તમને આખી આખી રાત જાગવાનું થાય તો પણ આનંદ આવશે.
અને આથી જ શિક્ષકના મનમાં માત્ર એ જ વર્ગખંડ, એ જ પોતાનો પિરિયડ, ચાર લેવાના છે, પાંચ લેવાના છે, તે આજે આવ્યા છે, નહીંતર તેમના બદલામાં મારે જવું પડે છે, આ બધા બોજથી મુક્ત થઇને… હું તમારી મુશ્કેલીઓ સારી રીતે જાણું છે. તેથી જ હું કહી રહ્યો છું... તે બોજથી મુક્ત થઇને, આપણે આ બાળકો સાથે, તેમના જીવન સાથે જોડાઇ જઇએ.
બીજું કે, આખરે તો આપણે બાળકોને ભણાવવાના જ છે, જ્ઞાન તો આપવાનું જ છે, પરંતુ આપણે તેમના જીવનનું પણ ઘડતર કરવાનું છે. જુઓ, આઇસોલેશનમાં, સિલોસમાં જીવન નથી બનતું. વર્ગખંડમાં તેઓ કંઇક જુઓ, શાળાના પરિસરમાં બીજું કંઇક જુએ, ઘરના વાતાવરણમાં પણ બીજું કંઇક જુએ, તો બાળક કોન્ફ્લિક્ટ અને કોન્ટ્રાડિક્શનમાં ફસાઇ જાય છે. તેમને એવું લાગે છે કે, માં તો આવું કહેતી હતી અને શિક્ષક આમ કહેતા હતા અને વર્ગના બાકીના લોકો આમ કહેતા હતા. તે બાળકને મૂંઝવણભરી જીંદગીમાંથી બહાર કાઢવા એ જ આપણું કામ છે. પરંતુ તેનું કોઇ ઇન્જેક્શન નથી આવતું કે ચાલો આજે આ ઇન્જેક્શન લઇ લો, એટલે તમે મૂંઝવણમાંથી બહાર આવી જાઓ. રસી આપી દો, મૂંઝવણમાંથી બહાર, એવું તો નથી થતું ને. અને એટલા માટે જ શિક્ષકનો સંકલિત અભિગમ હોવો ખૂબ જ જરૂરી છે.
એવા કેટલા શિક્ષકો છે, જેઓ વિદ્યાર્થીઓના પરિવારને જાણે છે, ક્યારેય તેમના પરિવારને મળ્યા છે, ક્યારેય તેમને પૂછ્યું છે કે તેઓ ઘરે આવીને શું કરે છે, કેવી રીતે કરે છે, તમને શું લાગે છે. અને ક્યારેક એવું કહ્યું હોય કે, જુઓ ભાઇ, આ તમારું બાળક મારા વર્ગમાં આવે છે, આમાં ખૂબ જ સારી આવડત છે. તમે ઘરમાં પણ તેના પર થોડું ધ્યાન આપશો તો તે ખૂબ જ આગળ નીકળશે. હું તો છું જ અને એક શિક્ષક તરીકે, હું કોઇ કસર છોડીશ નહીં, પરંતુ તમે મને થોડી મદદ કરો.
તો એ ઘરના લોકોના દિલમાં પણ એક સપનું વાવ્યા પછી તમે આવો અને તેઓ તમારા હમસફર બની જાય છે. પછી ઘર પોતાની રીતે જ સંસ્કારની પાઠશાળા બની જાય છે. જે સપનાં તમે વર્ગખંડમાં વાવો છો, તે સપનાઓ તે ઘરની અંદર ફૂલવાડી બનીને ખીલવાની શરૂઆત કરી દે છે. અને તેથી અમારો પ્રયાસ શું છે, અને તમે જોયું જ હશે કે, કોઇ એકાદ વિદ્યાર્થી એવા પણ હોય જે તમને ખૂબ જ પરેશાન કરે છે, આવું તો હોય જ, તે સમય બગાડે છે, જ્યારે તમે વર્ગખંડમાં આવતા જ સૌથી પહેલાં તેમના પર નજર જાય છે, તો તમારું અડધું મગજ તો ત્યાં જ ખરાબ થઇ જાય છે. હું તમારી અંદરથી બોલું છું. અને એવા હોય છે કે પહેલી બેન્ચ પર જ બેસશે, તેને પણ લાગે છે કે જો આ શિક્ષક મને પસંદ ન કરે તો તે સૌથી પહેલા સામે આવશે. અને તે તમારો અડધો સમય ખાઇ જાય છે.
આવી સ્થિતિમાં બાકીના બીજા બાળકો સાથે અન્યાય થઇ જાય… કારણ શું છે, મારી પસંદ-નાપસંદ. એક સફળ શિક્ષક એ છે કે, જેમની બાળકોના સંબંધમાં, વિદ્યાર્થીઓના સંબંધમાં કોઇ પસંદ કે ના પસંદ જેવું કંઇ જ નથી હોતું. તેના માટે તો સૌ સરખા હોય છે. મેં એવા શિક્ષકોને જોયા છે કે, જેમના પોતાના બાળકો એક જ વર્ગખંડમાં હોય. પરંતુ તે શિક્ષકો વર્ગખંડમાં તેમના પોતાના બાળકોને સાથે એવું જ વર્તન કરતા હોય છે જેવું વર્તન તેઓ અન્ય બાળકો સાથે કરતા હોય.
જો તમારે ચાર જણને પૂછવું હોય તો, તેનો વારો આવે ત્યારે તેને પૂછો છો, ખાસ કરીને તેને ક્યારેય એવું નથી કહેતા કે તું આનો જવાબ આપ, તું આમ કર, ક્યારેય નહીં. કારણ કે તે જાણે છે કે, તેને એક સારી માતાની જરૂર છે, એક સારા પિતાની જરૂર છે, પરંતુ એક સારા શિક્ષકની પણ જરૂર છે. તેથી તે પણ એવો પ્રયાસ કરે છે કે ઘરમાં હું માતા-પિતાની ભૂમિકા નિભાવીશ, પરંતુ વર્ગમાં મારે તેમની સાથે શિક્ષક-વિદ્યાર્થી તરીકેનો મારો સંબંધ છે તે જ રાખવો જોઇએ, ઘરનો સંબંધી અહીં ન આવવો જોઇએ.
આ શિક્ષકનો ખૂબ જ મોટો ત્યાગ હોય છે, એ ત્યારે જ શક્ય બને છે. આ, પોતાની જાતને સંભાળીને આ રીતે કામ કરવું, એ ત્યારે જ શક્ય બને છે. અને આથી જ આપણી જે શિક્ષણ વ્યવસ્થા છે, ભારતની જે પરંપરા છે, તે ક્યારેય માત્ર પુસ્તકો સુધી સિમિત નથી રહી, ક્યારેય નથી રહી. એ તો એક રીતે અમારા માટે આધાર છે. આપણે કેટલાય કામ કરીએ છીએ... અને આજે ટેક્નોલોજીના કારણે તે ખૂબ જ શક્ય બન્યું છે. અને હું જોઉં છું કે ટેક્નોલોજીના કારણે આપણા ગામડાના મોટી સંખ્યામાં શિક્ષકો પણ કે જેમણે પોતે ટેક્નોલોજીમાં અભ્યાસ નથી કર્યો, પરંતુ તેઓ ધીમે ધીમે શીખી રહ્યા છે. અને તેમણે એમ પણ વિચાર્યું કે ભાઇ, કારણ કે તેમના મનમાં વિદ્યાર્થીઓ વસેલા છે, તેના મગજમાં અભ્યાસક્રમ ભરેલો છે, તેથી તેઓ એવી વસ્તુઓ, ઉત્પાદનો તૈયાર કરે છે જે બાળકો માટે ઉપયોગી હોય.
અહીં સરકારમાં બેઠેલા લોકોના મનમાં શું હોય છે, તેમના મનમાં તો આંકડા હોય છે કે હજુ કેટલા શિક્ષકોની ભરતી થવાની બાકી છે, કેટલા વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થઇ ગયા છે, છોકરીઓની નોંધણી થઇ છે કે નહીં, તેમના મગજમાં આવી બધી વાતો રહે છે, પરંતુ શિક્ષકના મગજમાં તેમનું જીવન હોય છે... આ એક ખૂબ જ મોટો તફાવત છે. અને આથી જ, શિક્ષક આ બધી જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી શકે છે.
હવે, આપણી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી છે, તેની ખૂબ જ પ્રશંસા થઇ રહી છે, આટલી બધી પ્રશંસા થઇ રહી છે, કેમ થઇ રહી છે, શું તેમાં કોઇ ખામીઓ નહીં હોય, હું એવો દાવો તો કરી શકતો નથી, કોઇ દાવો કરી શકે નહીં. પરંતુ લોકોના મનમાં જે કંઇ હતું, તેમને લાગ્યું કે ભાઇ, અહીંયા કોઇક રસ્તો દેખાઇ રહ્યો છે, આ કંઇક સાચી દિશામાં જઇ રહ્યું છે. આથી, આ રસ્તે આપણે આગળ વધી રહ્યાં છીએ.
જૂની આદતો આપણામાં એટલી હદે ઊંડી ઉતરી ગઇ છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને માત્ર એક વાર વાંચવા અને સાંભળવાથી કામ થવાનું નથી. મહાત્મા ગાંધીજીને પણ એક વાર કોઇએ પૂછ્યું હતું કે ભાઇ, જો તમારા મનમાં જો કોઇ શંકા હોય, તમને જો કોઇ તકલીફ હોય તો, તમે શું કરો છો. તો તેમણે જવાબ આપ્યો કે, મને ભગવદ્ ગીતામાંથી ઘણું બધું મળે છે. આનો અર્થ એ છે કે, તેઓ વારંવાર તેને વાંચે છે, વારંવાર તેનો અલગ અલગ અર્થ તેમને જાણવા મળે છે, વારંવાર તેમને નવા અર્થો જોવા મળે છે, વારંવાર એક નવું તેજસ્વી કિરણપૂંજ સામે આવી જાય છે.
આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ, શિક્ષણ જગતના લોકો તેમાંથી દરેક સમસ્યાનો ઉકેલ તેમાં છે કે નહીં, તે જાણવા માટે, દસ વાર વાંચો, 12 વાર વાંચો, 15 વાર વાંચો, તેમાં ઉકેલ છે કે કે તેમ જાણો. આપણે તેને એ સ્વરૂપમાં જોઇશું. એક વાર આવી ગયું, ચાલો પરિપત્ર આવે છે, આવી રીતે ઉપરછલ્લી નજર કરી દેશો તો નહીં ચાલે. આપણે તેને આપણી નસોમાં ઉતારવું પડશે, આપણા મનમાં તેને ઉતારવું પડશે. જો આવો પ્રયાસ કરવામાં આવે તો મને પાક્કી ખાતરી છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવામાં આપણા દેશના શિક્ષકોની ખૂબ જ મોટી ભૂમિકા રહી છે. આ બનાવવામાં લાખો શિક્ષકોનું યોગદાન રહ્યું છે.
દેશમાં પ્રથમ વખત આટલું મોટું મંથન થયું છે. જે શિક્ષકોએ તેને તૈયાર કરી છે, તે શિક્ષકોનું કામ છે કે, સરકારી ભાષા વગેરે બાળકો માટે ઉપયોગી નથી હોતી, માટે તમારે માધ્યમ એક બનવું પડશે કે જે આ સરકારી દસ્તાવેજો છે, એ તેમના જીવનનો આધાર કેવી રીતે બને તે સમજાવો. મારે તેનો અનુવાદ કરવો છે, મારે તેને પૂર્ણવિરામ, અલ્પવિરામ સાથે રાખીને પણ સરળ, સહેલાઇથી બાળકોને સમજાવવું છે. અને હું માનું છું કે જે રીતે કેટલાક નાટ્ય પ્રયોગો થાય છે, કેટલાક નિબંધ લેખન થાય છે, કેટલીક વ્યક્તિત્વ સ્પર્ધાઓ થાય છે, એવી રીતે બાળકોએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે પણ ચર્ચા કરવી જોઇએ. કારણ કે શિક્ષક તેમને જ્યારે તૈયાર કરશે, ત્યારે તેઓ બોલશે તો કેટલીક નવી વસ્તુઓ પણ બહાર આવશે. તેથી આ પ્રયાસ કરવો જ જોઇએ.
તમે જાણો છો કે, 15 ઑગસ્ટે આઝાદીના 75 વર્ષ પૂરા થયા તે નિમિત્તે મારું જે ભાષણ હતું, તો તેમાં પણ મારો એક અલગ મિજાજ હતો. તેથી, મેં 2047ને ધ્યાનમાં રાખીને વાત કરી હતી. અને તેમાં મેં આગ્રહપૂર્વક પંચ પ્રણની ચર્ચા કરી. શું તે પંચ પ્રણની આપણા વર્ગખંડમાં થઇ શકે છે? જ્યારે એસેમ્બલી હોય છે, ચાલો ભાઇ આજે ફલાણા વિદ્યાર્થી અને ફલાણા શિક્ષક પ્રથમ પ્રણ અંગે વાત કરશે, મંગળવાર બીજા પ્રણ પર, બુધવારે ત્રીજા પ્રણ પર, શુક્રવારે પાંચમા પ્રણ પર અને પછીના અઠવાડિયે ફરીથી પહેલા પ્રણથી શરૂઆત કરીને આ શિક્ષક પછી પેલા શિક્ષક એવી રીતે વારાફરતી ચર્ચા કરે. એટલે કે, આખા વર્ષ દરમિયાન ચર્ચા કરવાની. તેનો અર્થ શું છે, આપણે શું કરવાનું છે, આ પાંચ પ્રણ આપણા છે, આપણું શરીર પણ પાંચ તત્વોનું જ બનેલું છે ને, આ બધી જ ચર્ચા દરેક નાગરિકની હોવી જોઇએ.
આ પ્રકારે જો આપણે કરી શકીએ તો, મને લાગે છે કે તેની જે પ્રકારે પ્રશંસા થઇ રહી છે, બધા કહી રહ્યા છે કે, હા ભાઇ, આ પાંચ પ્રણ એવા છે જે આપણને આગળ વધવાનો માર્ગ બનાવે છે. તો આ પાંચ પ્રણ તે બાળકો સુધી કેવી રીતે પહોંચે, તેમના જીવનમાં કેવી રીતે આત્મસાત થાય, તેમને જોડવાનું કામ કેવી રીતે કરવું તેના પર વિચાર કરવો જોઇએ.
બીજું કે, હિન્દુસ્તાનમાં શાળામાં એવું કોઇ બાળક ન હોવું જોઇએ કે જેના મનમાં 2047નું સ્વપ્ન ન હોય. તેમને કહેવું જોઇએ કે, ભાઇ મને કહો કે, 2047માં તમારી ઉંમર કેટલી હશે, તેમને પ્રશ્ન કરવો જોઇએ. ગણતરી કરો, તમારી પાસે આટલા વર્ષો છે, મને કહો કે આ વર્ષો દરમિયાન તમે પોતે તમારા માટે શું કરશો અને તમે દેશ માટે શું કરશો. ગણતરી કરો, 2047 પહેલા તમારી પાસે કેટલા વર્ષ, કેટલા મહિના, કેટલા દિવસ, કેટલા કલાક છે, તમે એક એક કલાકની ગણતરી કરીને કહો, તમે શું કરશો. તરત જ તેનું એક સંપૂર્ણ કેનવાસ તૈયાર થઇ જશે કે, હા, આજે એક કલાક જતો રહ્યો છે, મારું 2047નું વર્ષ તો નજીક આવી ગયું છે. આજે મારા બે કલાક જતા રહ્યા, મારું 2047 નજીક આવી ગયું. મારે 2047માં આવું કરવું છે, આ પણ કરવું છે.
જો આપણે આ લાગણી બાળકોના મન- મંદિરમાં ભરી જઇએ, એક નવી ઊર્જા સાથે, નવા ઉમંગ સાથે ભરી દઇશું, તો બાળકો તેની પાછળ પડી જશે. અને આખી દુનિયામાં, પ્રગતિ એવા લોકોની જ થાય છે જેઓ મોટા સપનાં જુએ છે, જેઓ મોટા સંકલ્પો લે છે અને દૂરનો વિચાર કરીને તેના માટે પોતાનું જીવન ખર્ચી નાખવા માટે તૈયાર થઇ જાય છે.
હિન્દુસ્તાનમાં, 1947 પહેલા, એક રીતે, દાંડી યાત્રા - 1930 અને 1942 થઇ હતી, અંગ્રેજો ભારત છોડો ચળવળ, આ 12 વર્ષ દરમિયાન થઇ હતી... તમે જુઓ, તે સમયે આખું હિન્દુસ્તાન તેમાં કૂદી પડ્યું હતું, અને દરેકના મનમાં સ્વતંત્રતા સિવાય બીજો કોઇ મંત્ર નહોતો. જીવનના દરેક કામમાં આઝાદી, સ્વતંત્રતા, આવો એક મિજાજ બની ગયો હતો. એવો જ મિજાજ, સુરાજ, રાષ્ટ્રનું ગૌરવ, મારો દેશ, આ સમય એ જ લાગણીને પેદા કરવાનો છે.
અને મને આપણા શિક્ષક ભાઇઓ પર વધારે વિશ્વાસ છે, શિક્ષણ જગત પર વધારે વિશ્વાસ છે. જો તમે આ પ્રયાસમાં સામેલ થશો, તો મને પાક્કી ખાતરી છે કે આપણે તે સપનાઓને પાર કરી શકીશું અને ગામડે ગામડેથી અવાજ ઉઠશે. હવે દેશ અટકવા માગતો નથી. જુઓને, બે દિવસ પહેલાની જ વાત કરીએ - 250 વર્ષ સુધી જેમણે આપણા પર, વિચાર કરો 250 વર્ષ સુધી જેમણે રાજ કર્યું... આપણે તેમને પણ પાછળ ધકેલી દઇને દુનિયાની અર્થવ્યવસ્થામાં આગળ નીકળી ગયા છીએ. 6 નંબરથી આગળ વધીને 5મા નંબર પર આવ્યા તેનો જે આનંદ છે એના કરતાં પણ વધારે આનંદ તેમને પાછળ રાખી દીધા એનો છે, કેમ? જો 6માંથી 5 હોત તો થોડો આનંદ થયો હોત, પરંતુ આ 5 તો ખાસ છે. કારણ કે આપણે એમને પાછળ છોડી દીધા છે, આપણા મનમાં જે ભાવના રહેલી છે, તે તિરંગાવાળી, 15 ઑગસ્ટની ભાવના.
15 ઑગસ્ટનું તિરંગાનું જે આંદોલન હતું, તેના પ્રકાશમાં આ 5મો નંબર આવ્યો છે અને તેથી જ તેમની અંદર જે જીદ ભરાઇ ગઇ છે કે, જુઓ, મારો તિરંગો લહેરાઇ રહ્યો છે. આ મિજાજ ખૂબ જ આવશ્યક છે અને આથી જ 1930 થી 1942 સુધીનો દેશમાં જે મિજાજ હતો, દેશ માટે જીવવાનો, દેશ માટે લડવાનો અને જરૂર પડે તો દેશ માટે મરવાનો, એ મિજાજની આજે જરૂર છે.
હું મારા દેશને પાછળ નહીં રહેવા દઉં. હજારો વર્ષોની ગુલામીમાંથી બહાર આવ્યા છીએ, હવે અવસર છે, આપણે રોકાઇશું નહીં, આપણે ચાલતા જ રહીશું. આ મિજાજ સૌના સુધી પહોંચાડવાનું કામ, આપણા તમામ શિક્ષક વર્ગ દ્વારા થાય તો તાકાત અનેકગણી વધી જશે, અનેક ગણો વધારો થશે.
હું ફરી એકવાર, આપ સૌએ આટલું કામ કરીને પુરસ્કાર જીત્યા છો, પરંતુ પુરસ્કાર જીત્યા છો, એટલે જ હું વધારે કામ આપી રહ્યો છું. જે કામ કરે છે, તેમને જ કામ આપવાનું મન થાય છે, જે નથી કરતા એમને કોણ આપે છે? અને શિક્ષકો પર મને વિશ્વાસ છે કે, તેઓ જવાબદારી ઉપાડે તો પૂરી કરી બતાવે છે. તો, આથી જ હું આપ સૌ લોકોને કહું છું કે, મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ.
ખૂબ ખૂબ આભાર!