કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી શ્રી હરદીપ સિંહ પુરીજી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ભાઈ શિવરાજજી, રાજ્ય મંત્રી મંડળના અન્ય સભ્યો, વહીવટી તંત્ર સાથે જોડાયેલા લોકો, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના તમામ લાભાર્થી અને આ કાર્યક્રમમાં સહભાગી થયેલા મધ્ય પ્રદેશના તથા મધ્ય પ્રદેશની બહારના સૌ મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
સૌથી પહેલા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના તમામ લાભાર્થીઓને હું ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. હમણાં થોડી વાર પહેલા મને કેટલાક સાથીઓ સાથે વાતચીત કરવાનો મોકો મળ્યો. તેમની વાતોમાં એક વિશ્વાસ પણ છે, એક આશા પણ જોવા મળે છે. આ ભરોસો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની હું માનું છું કે સૌથી મોટી સફળતા છે, સૌથી મોટી તાકાત છે. તમારા શ્રમની તાકાતને, તમારા આત્મસન્માન અને આત્મબળને હું આદરપૂર્વક નમન કરું છું.
સમગ્ર દેશના જે સાથીઓ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના સાથે આગળ વધી રહ્યા છે, તેમને પણ હું મારી શુભકામનાઓ આપું છું. ખાસ કરીને મધ્ય પ્રદેશ અને શિવરાજજીની ટીમને હું ખૂબ અભિનંદન આપું છું, તેમના પ્રયાસો વડે માત્ર 2 જ મહિનાના સમયમાં મધ્ય પ્રદેશમાં 1 લાખથી વધુ શેરીના ફેરિયાઓ, લારીવાળા, ફૂટપાથના વિક્રેતાઓને સ્વનિધિ યોજનાનો લાભ સુનિશ્ચિત કર્યો છે.
કોરોના હોવા છતાં આટલા ઓછા સમયમાં સાડા 4 લાખ શેરી વિક્રેતાઓને ઓળખ પત્ર આપવા, વેચાણ માટેના પ્રમાણપત્રો આપવા, હું સમજુ છું કે આ બહુ મોટું કામ છે. મને વિશ્વાસ છે કે, અન્ય રાજ્યો પણ મધ્ય પ્રદેશના આ પ્રયાસ વડે પ્રેરણા લઈને જરૂરથી પ્રોત્સાહિત બનશે અને હિન્દુસ્તાનના દરેક શહેરમાં જેટલા પણ આપણાં લારી ફૂટપાથવાળા ભાઈઓ અને બહેનો છે તેમને બેન્ક પાસેથી પૈસા મળે, તેના માટે તમે સક્રિય પ્રયાસ કરશો.
સાથીઓ, વિશ્વમાં જ્યારે પણ કોઈ આવું મોટું સંકટ આવે છે, મહામારી આવે છે તો તેનો સૌથી પહેલા અને સૌથી વધુ પ્રભાવ આપણાં ગરીબ ભાઈ-બહેનો ઉપર જ પડે છે. વધારે પડતો વરસાદ થઈ જાય તો પણ તકલીફ ગરીબને, વધારે પડતી ઠંડી આવી જાય તો પણ તકલીફ ગરીબને, વધુ પડતી ગરમી આવી પડે તો પણ તકલીફ ગરીબને. ગરીબને રોજગારીનું સંકટ આવે છે, તેના ખાવા પીવાનું સંકટ આવે છે, તેની જે જમા પૂંજી હોય છે તે ખાલી થઈ જાય છે. મહામારી આ બધી આપત્તિઓ પોતાની સાથે લઈને આવે છે. આપણાં જે ગરીબ ભાઈ-બહેનો છે, જે શ્રમિક સાથીઓ છે, જે લારી ફૂટપાથવાળા સાથીઓ છે, આ બધાએ મહામારીના આ સંકટનો સૌથી વધારે અનુભવ કર્યો છે.
અનેક એવા સાથીઓ છે કે જેઓ અન્ય શહેરોમાં કામ કરતાં હતા પરંતુ મહામારી દરમિયાન તેમને પોતાના ગામડે પાછું જવું પડ્યું. અને એટલા માટે કોરોના વૈશ્વિક મહામારી દરમિયાન પહેલા દિવસથી જ સરકારનો, દેશનો એવો પ્રયાસ રહ્યો છે કે, ગરીબની જેટલી મુસીબતો આપણે હળવી કરી શકીએ તેને ઓછી કરવા માટે સક્રિય રૂપે પ્રયાસ કરીએ. દેશે આ દરમિયાન આપણાં દેશના આવા જે લોકો તકલીફોમાં હતા, તેમના ભોજનની ચિંતા કરી, કરિયાણાની ચિંતા કરી, મફત ગેસના સિલિન્ડરો પણ આપવામાં આવ્યા.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન ચલાવીને, લાખો લોકોને આ દરમિયાન રોજગારી પણ આપવામાં આવી. ગરીબોને માટે સતત થઈ રહેલા આ કાર્યોની વચ્ચે, એક બહુ મોટો વર્ગ એવો હતો, જેની ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર હતી. અને તે હતા મારા લારીવાળા, ફૂટપાથવાળા ફેરિયા ભાઈ-બહેનો. લારી ફૂટપાથવાળા આપણાં લાખો સાથીઓના પરિવાર તો તેમની રોજની મહેનત વડે ચાલે છે. કોરોનાના કારણે બજારો બંધ થઈ ગયા, પોતાનો જીવ બચાવવા માટે લોકો ઘરમાં જ વધુ રહેવા લાગ્યા તો તેની બહુ મોટી અસર આ આપણાં લારીઓ અને ફૂટપાથવાળા ભાઈ બહેનો છે તેમના કારોબાર ઉપર જ પડી. તેમને અનેક મુશ્કેલીઓમાંથી બહાર કાઢવા માટે જ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની શરૂઆત થઈ છે.
આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે, તે લોકો નવી શરૂઆત કરી શકે, પોતાનું કામ ફરીથી શરૂ કરી શકે, તેના માટે તેમને સરળતાથી મૂડી મળી શકે. તેમને બહાર વધારે પડતું વ્યાજ આપીને રૂપિયા લાવવા માટે મજબૂર ના થવું પડે. આ પણ પહેલીવાર થયું છે કે લારી અને ફૂટપાથવાળા લાખો લોકોના નેટવર્કને સાચા અર્થમાં તંત્ર સાથે જોડવામાં આવ્યા છે, તેમને એક ઓળખ મળી છે. સ્વનિધિ યોજના, સ્વનિધિ વડે રોજગાર, સ્વરોજગાર દ્વારા સ્વાવલંબન, અને સ્વાવલંબન સાથે સ્વાભિમાનની યાત્રાનો આ મહત્વપૂર્ણ મુકામ છે.
સાથીઓ, સ્વનિધિ યોજનાના વિષયમાં તમને બધાને જણાવવામાં આવ્યું જ છે. જે સાથીઓ સાથે મેં હમણાં વાત કરી, તેમને આ અંગે ખાસ્સી જાણકારી છે. પરંતુ એ બાબત અત્યંત જરૂરી છે કે પ્રત્યેક જરૂરિયાતમંદ વ્યક્તિને, પ્રત્યેક લારીવાળા ફૂટપાથવાળા વ્યક્તિને આ યોજના વિષે બધી જ સારી બાબતોની સારી રીતે જાણકારી હોવી જોઈએ. ત્યારે જ તો આપણાં ગરીબ ભાઈ બહેન તેનો ફાયદો ઉઠાવી શકશે.
આ યોજનાને આમ પણ એટલી સરળ બનાવવામાં આવી છે કે, સામાન્ય વ્યક્તિ પણ તેની સાથે જોડાઈ શકે છે. હમણાં જેમ કે આપણી બહેન અર્ચનાજી જણાવી રહ્યા હતા કે, તેમનું એટલું સરળતાથી કામ થઈ ગયું. તેમને કોઈ તકલીફ નહોતી પડી. તેમાં ટેકનોલોજીના માધ્યમથી એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે લારી અને ફૂટપાથવાળા લોકોને કાગળ જમા કરાવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. તમે કોમન સર્વિસ સેન્ટરમાં, નગર પાલિકા કાર્યાલયમાં, બેન્કની બ્રાંચમાં જઈને પોતાની અરજી અપલોડ કરી શકો છો. એટલું જ નહીં, બેન્કના બિઝનેસ કોરસપોન્ડન્ટ અને નગર પાલિકાના કર્મચારી પણ તમારી પાસે આવીને અરજી લઈ શકે છે. તમને જે સુવિધા સારી લાગે તમે તેનો ઉપયોગ કરી શકો છો. બધી જ વ્યવસ્થા એટલી સરળ બનાવવામાં આવી છે કે તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સાથીઓ, આ એક એવી યોજના છે, જેમાં તમને વ્યાજમાંથી સંપૂર્ણ રીતે મુક્તિ પણ મળી શકે છે. આ યોજના અંતર્ગત આમ પણ વ્યાજમાં 7 ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. પરંતુ જો તમે અમુક નાની મોટી વાતોનું ધ્યાન રાખશો તો તમારે એ પણ નહીં આપવું પડે. હવે દાખલા તરીકે તમે જો સમય પર એટલે કે 1 વર્ષની અંદર બેન્ક પાસેથી લીધેલા પૈસાની ચુકવણી કરી દો છો તો તમને વ્યાજમાંથી રાહત આપવામાં આવશે. એટલું જ નહીં, જ્યારે તમે ડિજિટલ લેવડ-દેવડ કરશો, તમારા મોબાઈલ ફોન વડે પૈસા લેવાનું અને આપવાનું, જથ્થાબંધ વેપારીને પણ મોબાઈલ વડે આપવા અને જે તમારી પાસેથી ખરીદવા માટે આવે છે તેમની પાસેથી પણ મોબાઈલ વડે લેવા; તો તમારા ખાતામાં સરકાર તરફથી ઇનામના રૂપમાં કેટલાક પૈસા કેશબેક તરીકે મોકલવામાં આવશે. એટલે કે સરકાર તમારા ખાતામાં કેટલાક પૈસા અલગથી નાંખશે. આ રીતે તમારી જે કુલ બચત હશે તે વ્યાજથી પણ વધુ બચત થઇ જશે.
તે સિવાય, જો તમે બીજી વખત ધિરાણ લો છો, તો હજુ પણ વધારે ધિરાણની સુવિધા પ્રાપ્ત થશે. જો આ વખતે 10 હજાર મળ્યા છે અને જો તમે સારું કામ કરી રહ્યા છો તો તમને 15 હજારની જરૂર છે તો 15 હજાર થઈ જશે, ત્યાર બાદ ફરી સારું કામ કર્યું તો 20 હજાર થઈ શકે છે, 25 હજાર થઈ શકે છે, 30 હજાર મળી શકે છે. અને હમણાં પ્રારંભમાં આપણાં છગનલાલજી તો જણાવી જ રહ્યા હતા કે તેઓ દસ ગણું કરવા માંગે છે, એક લાખ સુધી પહોંચવા માંગે છે. આ બધુ જ્યારે હું સાંભળું છું તો ખૂબ આનંદ થાય છે.
સાથીઓ, વિતેલા 3-4 વર્ષ દરમિયાન દેશમાં ડિજિટલ લેવડદેવડનું પ્રચલન ખૂબ ઝડપથી વધી રહ્યું છે. કોરોના કાળમાં આપણે બધા અનુભવ પણ કરી રહ્યા છીએ કે તે કેટલું જરૂરી પણ છે. હવે ગ્રાહકો રોકડા પૈસા આપવાથી બચવા માંગે છે. સીધા મોબાઈલ વડે જ પેમેન્ટ કરે છે. એટલા માટે આપણાં લારીઓ ફૂટપાથવાળા સાથીઓ આ ડિજિટલ દુકાનદારીમાં સાવ પાછળ ના રહી જાય, અને તમે કરી શકો છો. આપણાં કુશવાહાજીની લારી ઉપર અમે જોયું, તેમણે કયુઆર કોડ લગાવીને રાખ્યો છે. હવે મોટા-મોટા મૉલમાં પણ આ નથી હોતું. આપણો ગરીબ માણસ બધી જ નવી ચીજવસ્તુ શીખવા માટે તત્પર હોય છે. અને તેને માટે બેન્કો અને ડિજિટલ ચુકવણીની સુવિધા આપનારાઓની સાથે મળીને એક નવી શરૂઆત કરવામાં આવી છે. હવે બેન્કો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ તમારા સરનામા પર આવશે, તમારા લારી, ગલ્લા પર આવશે અને કયુઆર કોડ આપશે. તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, તે પણ જણાવશે. હું મારા લારી ફૂટપાથવાળા સાથીઓને વિનંતી કરું છું કે તેઓ પોતાની વધુમાં વધુ લેવડ દેવડ ડિજિટલ કરે અને આખી દુનિયાની સામે એક નવું ઉદાહરણ પ્રસ્તુત કરે.
સાથીઓ, ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણાં જે ખાણીપીણીનો વ્યવસાય કરનાર સાથીઓ છે, જેને આપણે સ્ટ્રીટ ફૂડ વેન્ડર પણ કહીએ છીએ, તેમને ઓનલાઈન પ્લેટફોર્મ આપવાની પણ યોજના બનાવવામાં આવી છે. એટલે કે મોટા મોટા રેસ્ટોરન્ટ્સની જેમ જ લારી ફૂટપાથવાળા પણ પોતાના ગ્રાહકોને ઓનલાઈન ડિલિવરી કરી શકે, તે રીતની સુવિધા આપવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, અને થોડા જ દિવસોમાં તમે લોકો જરૂરથી આગળ આવશો તો તેને અમે હજુ વધારે આગળ વધારીશું. મને વિશ્વાસ છે કે આ પ્રકારના પ્રયાસો વડે લારીઓ, ફૂટપાથવાળા અને ફેરિયાઓનો કામધંધો વધારે વધશે, તેમની કમાણી હજુ વધારે વધશે.
સાથીઓ, શેરીના ફેરિયાઓ સાથે જોડાયેલ એક અન્ય યોજના ઉપર પણ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના સાથે જોડાનારા જે પણ લારીઓ ફૂટપાથવાળા લોકો હશે, તેમનું જીવન સરળ બને, તેમને મૂળભૂત સુવિધાઓ મળી રહે, તે બાબતની પણ ખાતરી કરવામાં આવશે. એટલે કે લારી ફૂટપાથ અથવા ફેરી કરનારા મારા ભાઈ બહેનોની પાસે ઉજ્જવલા ગેસના જોડાણો છે કે નથી, તેમના ઘરમાં વીજળીના જોડાણો છે કે નથી, તેઓ આયુષમાન ભારત યોજના સાથે જોડાયેલા છે કે નથી, તેમને 90 પૈસા પ્રતિદિન અને એક રૂપિયા મહિનાવાળી વીમા યોજનાનો લાભ મળી રહ્યો છે કે નથી, તેમની પાસે તેમનું પોતાનું પાકું મકાન છે કે નથી, આ બધી જ બાબતો જોવામાં આવશે અને જ્યાં પણ ખામી રહેલી હશે તેને પૂરી કરવાં માટે સરકાર સક્રિય રૂપે પ્રયાસ કરશે. જેની જેની પાસે આ બધુ નહીં હોય, તેમની માટે પ્રાથમિકતાના આધાર પર કામ કરવામાં આવશે.
સાથીઓ, આપણાં દેશમાં ગરીબોની વાત ઘણી થઈ છે પરંતુ ગરીબો માટે જેટલું કામ છેલ્લા 6 વર્ષમાં થયું છે અને એકદમ આયોજનબદ્ધ રીતે થયું છે, એક વસ્તુ પછી બીજી વસ્તુ, બીજી સાથે જોડાયેલ ત્રીજી વસ્તુ, દરેક વસ્તુની ભરપાઈ થાય અને ગરીબી સામે લડવાની તેને તાકાત મળે અને તે પોતાની જાતે જ ગરીબીને હરાવીને ગરીબીમાંથી બહાર નીકળે, તે દિશામાં એક પછી એક પગલાં, અનેક નવી પહેલો ભરવામાં આવી છે અને આવું પહેલા ક્યારેય નથી થયું. તે દરેક ક્ષેત્ર, તે દરેક સેક્ટર કે જ્યાં ગરીબ પીડિત શોષિત વંચિત દલિત આદિવાસી અછતમાં હતો, સરકારની યોજનાઓ તેમને સક્ષમ બનાવીને આવી છે.
તમે યાદ કરો, આપણાં દેશનો ગરીબ વ્યક્તિ તો કાગળોના ભયથી બેન્કના દરવાજા સુધી જઈ જ નહોતો શકતો. પ્રધાનમંત્રી જન ધન યોજનાના માધ્યમથી દેશભરમાં 40 કરોડથી વધુ ગરીબોના, નિમ્ન મધ્યમ વર્ગના લોકોના બેન્ક ખાતા ખોલવામાં આવ્યા છે. આ જનધન ખાતાઓ વડે આપનો ગરીબ બેન્ક સાથે જોડાયો છે અને ત્યારે જ તો સરળ લોન તેને મળી રહી છે, વચેટિયાઓની ઝાળમાંથી તે બહાર નીકળી શક્યો છે. આ જ બેંક ખાતાઓના કારણે ગરીબોને કોઈપણ લાંચ વિના, ઘરો મળી રહ્યા છે, ખેડૂતોને સીધા તેમના બેંક ખાતામાં મદદ પહોંચી રહી છે. કોરોના કાળમાં જ આખા દેશની 20 કરોડથી વધુ બહેનોના જનધન ખાતામાં આશરે 31 હજાર કરોડ રૂપિયા જનધન યોજનાના કારણે જ જમા થઈ શક્યા છે. એ જ રીતે પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત દેશભરના 10 કરોડથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં 94 હજાર કરોડ રૂપિયાથી વધુ સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
સાથીઓ, આપણો ગરીબ આ વર્ષોમાં જે રીતે જનધન ખાતાઓ સાથે, બેંકિંગ વ્યવસ્થા સાથે જોડાયો છે, તેનાથી એક નવી શરૂઆત થઈ છે. હવે ખૂબ ટૂંક સમયમાં શહેરોની જેમ જ આપણાં ગામડાઓ પણ ઓનલાઈન માર્કેટ સાથે જોડાશે, વિશ્વનું બજાર આપણાં ગામડાઓ સુધી પહોંચી જશે. આ વખતે 15 ઓગસ્ટના રોજ દેશે આ માટે એક સંકલ્પ કર્યો છે. દેશના તમામ ગામડાઓને આવતા એક હજાર દિવસોમાં ઓપ્ટિકલ ફાયબર સાથે જોડવામાં આવશે. એટલે કે ગામડે-ગામડે, ઘર ઘરમાં ઝડપી ઈન્ટરનેટ પહોંચી જશે. તેનાથી ડિજિટલ ક્રાંતિના ફાયદા પણ એટલી જ ઝડપથી ગામડાઓ સુધી, ગરીબો સુધી પહોંચી શકશે. એ જ રીતે, દેશે ડિજિટલ હેલ્થ મિશનની પણ શરૂઆત કરી છે. એટલે કે હવે દરેક દેશવાસીને એક હેલ્થ આઈડી મળશે. તમારી બધી જાણકારી સુરક્ષિત રીતે તેમાં રહેશે. આ આઈડીની મદદથી તમે ડૉક્ટર પાસેથી એપોઇન્ટમેન્ટ પણ ઓનલાઈન લઈ શકો છો. અને હેલ્થ ચેકઅપ તથા રિપોર્ટ્સ પણ ઓનલાઈન જ જોઈ શકો છો. એટલે કે એક રીતે જોઈએ તો પહેલા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના વડે વીમા સુરક્ષા મળી, પછી આયુષમાન ભારત અંતર્ગત પાંચ લાખ સુધીનો મફત ઈલાજ મળ્યો, અને હવે ડિજિટલ હેલ્થ મિશન દ્વારા સરળ ઈલાજની સુવિધા પણ મળવા જઈ રહી છે.
સાથીઓ, દેશનો પ્રયાસ છે કે દરેક દેશવાસીનું જીવન સરળ થાય, પ્રત્યેક દેશવાસી સમર્થ બને, સશક્ત બને અને સૌથી મોટી વાત આત્મનિર્ભર બને. વર્તમાન સમયમાં સરકારે શહેરોમાં તમારા જેવા સાથીઓને યોગ્ય ભાડાંમાં વધુ સારા આવાસ ઉપલબ્ધ કરાવવા માટેની પણ એક બહુ મોટી યોજના શરૂ કરવામાં આવી છે.
એક દેશ, એક રૅશન કાર્ડની સુવિધા વડે તમે દેશમાં ગમે ત્યાં જાવ છો તો તમારા ભાગનું સસ્તું કરિયાણું તમને તે શહેરમાં પણ મળી શકે છે. તમે જ્યાં પણ જશો તમારો હક પણ તમારી સાથે સાથે ચાલશે.
સાથીઓ, હવે જ્યારે તમે નવી રીતે તમારો વ્યવસાય શરૂ કરવા જઈ રહ્યા છો ત્યારે તમારે કેટલીક સાવચેતીઓ પણ જરૂરથી રાખવી પડશે. જ્યાં સુધી કોરોનાની રસી નથી આવી જતી, કોઈ ઉપાય નથી મળી જતો, ત્યાં સુધી કોરોનાનો ભય યથાવત ચાલુ રહેશે. એવામાં તમારે તમારી પણ અને તમારા ગ્રાહકોની પણ સુરક્ષાનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. માસ્ક હોય, હાથની સાફસફાઇ હોય, તમારી જગ્યાની આસપાસની સાફ સફાઇ હોય, બે ગજની દૂરી હોય, તેની સાથે કોઈપણ સંજોગોમાં સમાધાન નથી કરવાનું. પ્રયાસ એવો પણ કરવાનો છે કે સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ પણ ના કરવામાં આવે. તમે કોરોનાથી બચવા માટે જેટલી વ્યવસ્થા તમારી લારી કે તમારા ફૂટપાથ ઉપર કરશો, લોકોનો ભરોસો એટલો જ વધશે અને તમારી દુકાનદારી પણ વધશે. તમારે પોતાને પણ આ નિયમોનું પાલન કરવાનું છે અને સામે વાળા સાથે પણ તેનું પાલન કરવાં માટેનો આગ્રહ કરતાં રહેવાનો છે.
એક વાર ફરી તમને એક નવી શરૂઆત માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. તમે સ્વસ્થ રહો, તમારો પરિવાર સ્વસ્થ રહે, તમારો કારોબાર પણ સમૃદ્ધ બને, આ જ એક આશા સાથે મારી ખૂબ-ખૂબ શુભકામનાઓ!