"ધરતીકંપ દરમિયાન ભારતના ઝડપી પ્રતિસાદે સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. તે આપણી બચાવ અને રાહત ટીમોની સજ્જતાનું પ્રતિબિંબ છે"
"ભારતે તેની આત્મનિર્ભરતાની સાથે સાથે તેની નિઃસ્વાર્થતાને પણ પોષી છે"
"વિશ્વમાં જ્યાં પણ કોઈ આપત્તિ આવે છે, ભારત પ્રથમ પ્રતિસાદ આપનાર તરીકે તૈયાર જોવા મળે છે"
"આપણે 'તિરંગા' સાથે જ્યાં પણ પહોંચીએ છીએ, ત્યાં એક ખાતરી થઈ જાય છે કે હવે જ્યારે ભારતીય ટીમો આવી ગઈ છે, ત્યારે પરિસ્થિતિ સારી થવા લાગશે"
"એનડીઆરએફે દેશના લોકો વચ્ચે ઘણી સારી પ્રતિષ્ઠા ઊભી કરી છે. દેશના લોકો તમારા પર ભરોસો કરે છે"
"આપણે વિશ્વની શ્રેષ્ઠ રાહત અને બચાવ ટીમ તરીકેની આપણી ઓળખને મજબૂત બનાવવી પડશે. આપણી પોતાની તૈયારી જેટલી સારી હશે, તેટલી જ સારી રીતે આપણે વિશ્વની સેવા કરી શકીશું"

આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન!

તમે માનવતા માટે એક મહાન કાર્ય કરીને પાછા ફર્યા છો. ઓપરેશન દોસ્ત સાથે સંકળાયેલી આખી ટીમ, પછી તે એનડીઆરએફ હોય, એરફોર્સ હોય કે આપણી અન્ય સેવાઓના સાથી હોય,  સૌએ બહુ જ સરસ કાર્ય કર્યું છે અને ત્યાં સુધી કે આપણા મૂક દોસ્તો, ડોગ સ્ક્વૉડના સભ્યોએ પણ અદ્‌ભૂત ક્ષમતા દર્શાવી છે. દેશને તમારા બધા પર ખૂબ ગર્વ છે.

સાથીઓ,

આપણી સંસ્કૃતિએ આપણને વસુધૈવ કુટુંબકમ્‌ની શીખ આપી છે અને જે શ્લોકમાંથી આ મંત્ર નીકળ્યો છે તે ખૂબ જ પ્રેરણાદાયી છે. અયં નિજ: પરો વેતિ ગણના લઘુ ચેતસામ્‌। ઉદારચરિતાનાં તુ વસુધૈવ કુટુમ્બકમ્‌॥  એટલે કે, મોટાં હૃદયવાળા લોકો પોતાનાં-પારકાની ગણના કરતા નથી. ઉદાર ચારિત્ર્ય ધરાવતા લોકો માટે આખી પૃથ્વી જ તેમનો પરિવાર હોય છે. એટલે કે, જે જીવમાત્રને પોતાના માનીને તેમની સેવા કરે છે.

સાથીઓ,

તુર્કી હોય કે સીરિયા, આખી ટીમે જ આ ભારતીય સંસ્કારોને એક રીતે પ્રગટ કર્યા છે. આપણે સમગ્ર વિશ્વને એક પરિવાર માનીએ છીએ. આવી સ્થિતિમાં જો પરિવારના કોઈપણ સભ્ય પર કોઈ સંકટ આવે તો તે ભારતનો ધર્મ છે, ભારતની ફરજ છે કે તે તેની મદદ માટે ઝડપથી આગળ વધે. દેશ કોઈ પણ હોય, વાત જો માનવતાની છે, માનવીય સંવેદનશીલતાની છે તો ભારત માનવ હિતને જ સર્વોપરી રાખે છે.

સાથીઓ,

કુદરતી આફતના સમયે, મદદ કેટલી ઝડપથી પહોંચાડવામાં આવે છે તે વાતનું ખૂબ મહત્વ હોય છે, જેમ અકસ્માત સમયે તેને ગોલ્ડન અવર કહેવામાં આવે છે, તેમ એનો પણ ગોલ્ડન ટાઇમ હોય છે. મદદ કરનારી ટીમ કેટલી ઝડપથી પહોંચી. તુર્કીમાં આવેલા ભૂકંપ પછી જે ઝડપે તમે બધા ત્યાં પહોંચ્યા હતા તેણે આખી દુનિયાનું ધ્યાન આપના તરફ ખેંચ્યું છે. તે તમારી સજ્જતા દર્શાવે છે, તમારી તાલીમની કુશળતા દર્શાવે છે. તમે જે રીતે ત્યાં પૂરા 10 દિવસ સુધી પૂરી નિષ્ઠા સાથે કામ કર્યું, દરેક પડકારનો સામનો કરતા કામ કર્યું, તે ખરેખર પ્રેરણાદાયક છે. આપણે બધાએ તે તસવીરો જોઇ છે, જ્યારે એક મા તમારું માથું ચૂમીને તમને આશીર્વાદ આપી રહી છે. જ્યારે કાટમાળ નીચે દટાયેલી નિર્દોષ જીંદગી તમારા પ્રયત્નોથી ફરી ખીલી ઉઠી. કાટમાળની વચ્ચે, એક રીતે, તમે પણ ત્યાં મૃત્યુનો સામનો કરી રહ્યા હતા. પરંતુ હું એ પણ કહીશ કે ત્યાંથી આવતી દરેક તસવીર સાથે આખો દેશ ગર્વથી છલકાઈ રહ્યો હતો. ત્યાં ગયેલી ભારતીય ટીમે પ્રોફેશનલિઝમની સાથે સાથે માનવીય સંવેદનાઓનો પણ જે સમાવેશ કર્યો, એ અજોડ છે. જ્યારે કોઈ વ્યક્તિ આઘાતમાંથી પસાર થઈ રહી હોય, જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું સર્વસ્વ ગુમાવ્યા પછી ભાનમાં આવવાનો પ્રયાસ કરી રહી હોય ત્યારે તે વધુ કામમાં આવે છે. આવા સંજોગોમાં સેનાની હૉસ્પિટલ અને તેના જવાનોએ જે સંવેદનશીલતા સાથે કામ કર્યું તે પણ ખૂબ જ પ્રશંસનીય છે.

સાથીઓ,

ગુજરાતમાં 2001માં જ્યારે ભૂકંપ આવ્યો હતો અને તેને છેલ્લી સદીનો સૌથી મોટો ભૂકંપ માનવામાં આવતો હતો, આ તો તેના કરતા પણ અનેક ગણો મોટો છે. ગુજરાતમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તેઓ લાંબા સમય સુધી એક સ્વયંસેવક તરીકે ત્યાં બચાવ કામગીરીમાં જોડાયેલો હતો. કાટમાળ હટાવવામાં જે મુશ્કેલીઓ પડે છે, કાટમાળમાં લોકોને શોધવાનું કેટલું મુશ્કેલ હોય છે, ખાવા-પીવાની મુશ્કેલી, દવાથી માંડીને હૉસ્પિટલની જે જરૂરિયાત હોય છે અને મેં તો જોયું હતું કે ભુજની તો આખી હૉસ્પિટલ જ ધ્વસ્ત થઈ ગઈ હતી. એટલે કે, આખી વ્યવસ્થા જ  તબાહ થઈ ચૂકી હતી અને મને તેનો પ્રથમદર્શી- ફર્સ્ટ હૅન્ડ અનુભવ રહ્યો છે. એ જ રીતે, 1979માં, જ્યારે ગુજરાતમાં જ મોરબીમાં મચ્છુ ડેમ જે બંધ તૂટી ગયો અને આખું ગામ પાણીથી તબાહ થઈ ગયું, સમગ્ર મોરબી શહેર, તબાહી મચી હતી, સેંકડો લોકો માર્યા ગયા હતા. ત્યારે પણ એક સ્વયંસેવક તરીકે હું મહિનાઓ સુધી ત્યાં રહીને જમીન પર કામ કરતો હતો. આજે મારા એ અનુભવોને યાદ કરીને, હું કલ્પના કરી શકું છું કે તમારી મહેનત કેટલી જબરદસ્ત હશે, આપનો જુસ્સો, આપની ભાવનાઓ, હું ખૂબ સારી રીતે અનુભવી શકું છું. તમે કામ ત્યાં કરતા હતા, હું અહીં અનુભવ કરતો હતો કેવી રીતે કરતા હશે? અને તેથી જ આજે તો તક છે કે હું તમને સલામ કરું અને હું તમને સલામ કરું છું.

સાથીઓ,

જ્યારે કોઈ વ્યક્તિ પોતાની મદદ જાતે કરી શકે છે, ત્યારે તમે તેને આત્મનિર્ભર કહી શકો છો. પરંતુ જ્યારે કોઈ બીજાને મદદ કરવા સક્ષમ હોય છે, ત્યારે તે નિઃસ્વાર્થ હોય છે. આ માત્ર વ્યક્તિઓને જ નહીં પરંતુ રાષ્ટ્રોને પણ લાગુ પડે છે. એટલા માટે ભારતે વીતેલાં વર્ષોમાં આત્મનિર્ભરતાની સાથે સાથે નિઃસ્વાર્થતાની ઓળખને પણ મજબૂત કરી છે. આપણે જ્યાં પણ ત્રિરંગો લઈને પહોંચીએ છીએ ત્યાં એક ખાતરી મળી જાય છે કે હવે જ્યારે ભારતીય ટીમો આવી ગઈ છે, તો પરિસ્થિતિ સુધરવા લાગશે અને સીરિયાનું જે ઉદાહરણ આપ્યું કે બૉક્સમાં જે ધ્વજ લગાવાયો હતો તે ઊંધો હતો, એટલે કેસરી રંગ નીચે હતો, કેસરિયા રંગ નીચે હતો, તેથી ત્યાંના નાગરિકે તેને સુધારી અને ગર્વથી કહ્યું કે હું ભારત પ્રત્યે સન્માન સાથે આભાર માનું છું. ત્રિરંગાની આ જ ભૂમિકા આપણે થોડા સમય પહેલા યુક્રેનમાં જોઈ હતી. જ્યારે ભારતનો તિરંગો ભારતીય નાગરિકોની સાથે-સાથે મુશ્કેલીમાં મુકાયેલા અનેક દેશોના સાથીઓ માટે ઢાલ બન્યો, ઓપરેશન ગંગાએ બધા માટે આશાનું કિરણ બનીને તેણે એક મહાન ઉદાહરણ સ્થાપિત કર્યું. અફઘાનિસ્તાનમાંથી પણ અત્યંત પ્રતિકૂળ સંજોગોમાં આપણે આપણા પ્રિયજનોને સકુશળ લઈને પાછા લાવ્યા, આપણે ઓપરેશન દેવીશક્તિ ચલાવ્યું. આપણે કોરોના વૈશ્વિક મહામારી દરમિયાન આ જ પ્રતિબદ્ધતા જોઈ. તે અનિશ્ચિતતાભર્યાં વાતાવરણમાં, ભારતે દરેકે દરેક નાગરિકને સ્વદેશ પાછા લાવવાની પહેલ કરી. આપણે અન્ય દેશોના ઘણા લોકોને પણ મદદ કરી. આ તે ભારત જ છે જેણે વિશ્વના સેંકડો જરૂરિયાતમંદ દેશોને આવશ્યક દવાઓ અને રસી પૂરી પાડી. તેથી જ આજે સમગ્ર વિશ્વમાં ભારત પ્રત્યે એક સદ્‌ભાવના છે.

સાથીઓ,

ઓપરેશન દોસ્ત માનવતા પ્રત્યે ભારતનાં સમર્પણ અને સંકટગ્રસ્ત દેશોને મદદ કરવા માટે તત્કાલ ઊભા રહેવાની આપણી પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે. વિશ્વમાં જ્યાં પણ આપત્તિ આવે, ભારત પ્રથમ પ્રતિસાદકર્તા તરીકે તૈયાર જોવા મળે છે. નેપાળમાં ભૂકંપ હોય, માલદીવમાં, શ્રીલંકામાં સંકટ હોય, ભારત મદદ માટે સૌથી પહેલા આગળ આવ્યું હતું. હવે તો ભારતીય સેનાઓની સાથે સાથે એનડીઆરએફ પર પણ દેશ ઉપરાંત અન્ય દેશોનો વિશ્વાસ વધી રહ્યો છે. મને ખુશી છે કે વીતેલાં વર્ષોમાં એનડીઆરએફે દેશના લોકોમાં ખૂબ સારી શાખ ઊભી કરી છે. દેશના લોકોને તમને જોતાની સાથે જ, જ્યાં પણ સંકટની સંભાવના હોય, વાવાઝોડું હોય,  જેવા તમને જુએ છે કે તમારા પર વિશ્વાસ કરવા લાગે છે. તમારી વાત માનવાનું શરૂ કરી દે છે. કોઈપણ કટોકટીના સમયમાં, પછી ભલે તે ચક્રવાત હોય, પૂર હોય કે ભૂકંપ જેવી આફત, જેવા એનડીઆરએફના યુનિફોર્મમાં આપ અને આપના સાથીદારો સ્થળ પર પહોંચતા જ લોકોની આશા પાછી આવે છે, વિશ્વાસ પાછો ફરે છે. આ પોતે જ એક મોટી ઉપલબ્ધિ છે. જ્યારે કોઈ દળમાં કૌશલ્ય સાથે સંવેદનશીલતા જોડાય છે, તેનો એક માનવીય ચહેરો બની જાય છે, ત્યારે તે દળની તાકાત્ત અનેક ગણી વધી જાય છે. હું આ માટે એનડીઆરએફની ખાસ પ્રશંસા કરીશ.

સાથીઓ,

દેશને તમારી તૈયારીઓ પર વિશ્વાસ છે. પણ આપણે અહીં અટકવાનું નથી. આપણે આપત્તિના સમયે રાહત અને બચાવ માટે આપણાં સામર્થ્યને વધુ વધારવું પડશે. આપણે વિશ્વની સર્વશ્રેષ્ઠ રાહત અને બચાવ ટીમ તરીકે આપણી ઓળખ મજબૂત કરવી પડશે અને તેથી જ જ્યારે હું તમારી સાથે વાત કરતો હતો ત્યારે હું સતત પૂછતો હતો કે અન્ય દેશોમાંથી જે લોકો આવ્યા હતા, તેમની કાર્ય સંસ્કૃતિ, તેમની કાર્યશૈલી, તેમનાં સાધનો કારણ કે જ્યારે તાલીમ ફિલ્ડમાં ઉપયોગી થાય છે, ત્યારે તીક્ષ્ણતા વધુ વધે છે. જ્યારે આટલી મોટી દુર્ઘટના આપના પહોંચવાથી એક રીતે એક સંવેદના તરીકે, જવાબદારી તરીકે, માનવતા તરીકે આપણે કામ તો કર્યું, પરંતુ આપણે ઘણું બધું શીખીને પણ આવ્યા છીએ, ઘણું બધું જાણીને પણ આવ્યા છીએ. આટલી મોટી ભયાનક આફત વચ્ચે જ્યારે કામ કરીએ છીએ ત્યારે આપણે 10 બાબતોનું અવલોકન પણ કરીએ છીએ. વિચારીએ છીએ કે જો આવું ન થયું હોત તો સારું થાત, જો આમ કરતે તો સારું થાત. તેઓ આમ કરે છે, ચાલો હું પણ એવું કરું. અને તેનાથી આપણી ક્ષમતા પણ વધે છે. તેથી, તુર્કીના લોકો માટે તો આપણે 10 દિવસ આપણી જવાબદારી નિભાવી રહ્યા છીએ. પરંતુ આપણે ત્યાં જે શીખી શક્યા છીએ તેનું આપણે દસ્તાવેજીકરણ કરવું જોઈએ. દસ્તાવેજીકરણ બારીકાઇથી કરવું જોઈએ અને તેમાંથી આપણે નવું શું શીખી શકીએ છીએ? હજુ કયા એવા પડકારો આવે છે જેના માટે આપણી તાકાત વધુ વધારવી પડશે. આપણે આપણી ક્ષમતા વધારવી પડશે. હવે જેમ આ વખતે આપણી દીકરીઓ ગઈ, પહેલીવાર ગઈ અને મારી પાસે જેટલા સમાચાર છે. આ દીકરીઓની હાજરીએ પણ ત્યાંના નારી જગતમાં એક બીજો આત્મવિશ્વાસ પેદા કર્યો. તેઓ પોતાની ફરિયાદો ખુલ્લેઆમ કહી શકતી હતી. પોતાનું દર્દ કહી શકી. હવે પહેલાં ક્યારેય કોઈ વિચારતું ન હતું કે ભાઈ આટલું મુશ્કેલ કામ છે, આ દીકરીઓને શા માટે હેરાન કરવી? પરંતુ આ વખતે નિર્ણય લેવાયો અને અમારી દીકરીઓએ પછી... સંખ્યા આપણી સીમિત લઈને ગયા હતા પણ આપણી આ પહેલ ત્યાં સંબંધો સ્થાપિત કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે જી. હું માનું છું કે આપણે આપણી જાતને જેટલી સારી રીતે તૈયાર કરીશું, તેટલી સારી રીતે આપણે વિશ્વની સેવા કરી શકીશું. મિત્રો, મને વિશ્વાસ છે કે તમે ઘણું બધું કરીને અહીં આવ્યા છો અને ઘણું બધું શીખીને પણ આવ્યા છો. તમે જે કર્યું તેનાથી દેશનું  માન-સન્માન વધ્યું છે. તમે જે શીખ્યા છો તે જો આપણે સંસ્થાકીય બનાવીશું, તો આવનારાં ભવિષ્ય માટે આપણે એક નવો વિશ્વાસ પેદા કરીશું. અને મને પાક્કો ભરોસો છે કે તમારામાંના દરેકની પાસે એક વાર્તા છે, એક અનુભવ છે. કંઈક ને કંઈક કહેવા માટે છે, અને હું આ પૂછતો રહેતો હતો, મને આનંદ થતો હતો કે આપણી ટોળીના લોકો બધા સલામત રહે, તબિયત પણ સારી રહે કારણ કે તે પણ ચિંતા રહેતી હતી કે બહુ જ હવામાન, તાપમાનની સમસ્યાઓ અને ત્યાં કોઇ પણ વ્યવસ્થા ન હતી. જ્યાં આ પ્રકારની દુર્ઘટના થાય છે, ત્યાંથી તે શક્ય જ નથી હોતું. તે કોઈના માટે શક્ય નથી હોતું. પરંતુ આવી સ્થિતિમાં પણ મુશ્કેલીઓ વચ્ચે પણ કામ કરવું અને તમે દેશનું નામ રોશન કરીને આવ્યા છો અને ઘણું બધું શીખીને આવ્યા છે જે આવનારા દિવસોમાં કામ આવશે. હું ફરી એકવાર તમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું જાણું છું કે તમે આજે જ આવ્યા છો. તમે થાકીને આવ્યા હશો, પણ હું છેલ્લા 10 દિવસથી સતત તમારા સંપર્કમાં હતો, માહિતી લેતો રહેતો હતો. તેથી મનથી હું તમારી સાથે જોડાયેલો હતો. તેથી મારું મન થયું કે હું તમને ઘરે બોલાવું, તમને અભિનંદન આપું. આટલું મોટું કામ કરીને તમે આવ્યા છો. હું ફરી એકવાર આપ સૌને સલામ કરું છું.

આભાર!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi