"ખેલાડીઓની શાનદાર મહેનતને કારણે દેશ આઝાદી કા અમૃત કાળમાં એક પ્રેરણાદાયી સિદ્ધિ સાથે પ્રવેશ કરી રહ્યો છે"
"એથ્લેટ્સ દેશના યુવાનોને માત્ર રમતગમતમાં જ નહીં પરંતુ અન્ય ક્ષેત્રોમાં પણ વધુ સારું પ્રદર્શન કરવા પ્રેરણા આપે છે"
"તમે દેશને વિચાર અને ધ્યેયની એકતાને વણી લો છો જે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની એક મહાન શક્તિ પણ હતી"
"તિરંગાની શક્તિ યુક્રેનમાં જોવા મળી હતી જ્યાં તે માત્ર ભારતીયો માટે જ નહીં પરંતુ અન્ય દેશોના નાગરિકો માટે પણ યુદ્ધના મેદાનમાંથી બહાર નીકળવા માટે રક્ષણાત્મક કવચ બની ગયું હતું."
“આપણી સમક્ષ એક એવી સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ બનાવવાની જવાબદારી છે જે વૈશ્વિક સ્તરે ઉત્તમ, સમાવિષ્ટ, વૈવિધ્યસભર અને ગતિશીલ હોય. કોઈ પણ પ્રતિભાને પાછળ છોડવી જોઈએ નહીં”

ચાલો, આમ તો બધા સાથે વાત કરવાથી મને બહુ પ્રેરણા મળે છે, પણ બધા સાથે સંવાદ કરવો કદાચ શક્ય નથી. પણ જુદાં જુદાં સમયે તમારામાંથી ઘણા બધા સાથે કોઈને કોઈ સ્વરૂપે મને સંપર્કમાં રહેવાની તક મળી છે, વાતચીત કરવાનો મોકો મળ્યો છે. મારા માટે ખુશીની બાબત એ છે કે, તમે સમય કાઢીને મારા નિવાસસ્થાને આવ્યાં અને પરિવારના એક સભ્ય સ્વરૂપે આવ્યાં છો. તમે તમારી સાથે ભારત માટે ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે. જે રીતે દરેક હિંદુસ્તાની તમારી સાથે જોડાઈને ગર્વની લાગણી અનુભવે છે, તે જ રીતે હું પણ તમારી સાથે જોડાઈને ગૌરવની લાગણી અનુભવું છું. તમારું બધાનું મારે ત્યાં હાર્દિક સ્વાગત છે.

જુઓ, બે દિવસ પછી દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. આ ગર્વની વાત છે કે, દેશ તમારા બધાની મહેનતથી એક પ્રેરણાદાયક ઉપલબ્ધિની સાથે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ કરી રહ્યો છે.

સાથીદારો,

છેલ્લાં થોડાં અઠવાડિયાઓમાં દેશના રમતવીરોએ રમતના મેદાનમાં 2 મોટી સફળતા હાંસલ કરી છે. કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક પ્રદર્શન કરવાની સાથે દેશમાં પહેલી વાર ચેસ ઓલિમ્પિયાડનું આયોજન થયું હતું. આપણે સફળ આયોજન કરવાની સાથે ચેસમાં પોતાની સમૃદ્ધ પરંપરાને જાળવી રાખીને શ્રેષ્ઠ પ્રદર્શન પણ કર્યું છે. હું ચેસ ઓલિમ્પિયાડમાં સામેલ થયેલા તમામ ખેલાડીઓને અને તમામ મેડલવિજેતાઓને પણ આ પ્રસંગે અભિનંદન આપું છું.

સાથીદારો,

કોમનવેલ્થ ગેમ્સ શરૂ થયા અગાઉ મેં તમને બધાને કહ્યું હતું કે, એક પ્રકારે વચન આપ્યું હતું કે, જ્યારે તમે પરત ફરશો, તો આપણે બધા મળીને વિજયોત્સવની ઉજવણી કરીશું. મને ખાતરી હતી કે, તમે વિજય મેળવીને સ્વદેશ આવશો અને મેં પણ સમયનું એવું આયોજન કર્યું હતું કે, હું ગમે એટલો વ્યસ્ત કેમ ન હોઉં, પણ તમારા લોકો માટે સમય ફાળવીશ અને વિજયની ઉજવણી કરીશ. આજે આ વિજયના ઉત્સવનો જ પ્રસંગ છે. જ્યારે અત્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે હું એ આત્મવિશ્વાસ, એ જુસ્સો જોઈ રહ્યો હતો અને તે જ તમારી ઓળખ છે, તે જ તમારી ઓળખ સાથે જોડાઈ ગયો છે. જેણે મેડલ જીત્યો તે પણ અને જે લોકો ભવિષ્યમાં મેડલ જીતશે તેઓ પણ આજે પ્રશંસાના પાત્ર છે.

સાથીદારો,

આમ તો હું તમને અન્ય એક વાત જણાવવા ઇચ્છું છું. તમે તો ત્યાં મુકાબલો કરી રહ્યાં હતાં, પણ હિંદુસ્તાનમાં સમયનો ફરક રહે છે, અહીં કરોડો ભારતીય રાત્રે ઉજાગરો કરી રહ્યાં હતાં. મોડી રાત સુધી તમારી દરેક એક્શન, દરેક મૂવ પર દેશવાસીઓની નજર હતી. ઘણા લોકો એલાર્મ મૂકીને સૂતાં હતાં કે તમારા પ્રદર્શનની અપડેટ મેળવીશું. અનેક લોકો વારંવાર ચેક કરતાં હતાં કે, સ્કોર શું થયો છે, કેટલાં ગોલ થયા, કેટલાં પોઇન્ટ થયા. રમત પ્રત્યે આ રસ વધારવામાં, આ આકર્ષણ વધારવામાં તમારા બધાની બહુ મોટી ભૂમિકા છે અ આ માટે તમે બધા અભિનંદનને પાત્ર છો.

સાથીદારો,

કોમનવેલ્થ ગેમ્સમાં આ વર્ષે આપણા રમતવીરોનું જે પ્રદર્શન રહ્યું છે, એનું પ્રામાણિક મૂલ્યાંકન કરીએ તો તે મેડલની સંખ્યા પરથી ન થઈ શકે. આપણા કેટલાં ખેલાડી આ વર્ષે neck to neck સ્પર્ધા કરતાં નજરે પડ્યાં છે. આ પણ કોઈ મેડલથી ઓછી સિદ્ધિ નથી. ઠીક છે કે પોઇન્ટ વન સેકન્ડ, પોઇન્ટ વન સેન્ટિમીટરનો ફરક રહ્યો હશે, પણ તેને પણ આપણે ભવિષ્યમાં કવર કરી લઇશું. આ મારો તમારા પ્રત્યે, તમારી ક્ષમતામાં સંપૂર્ણ વિશ્વાસ છે. હું એટલા માટે પણ ઉત્સાહિત છું કે, જે ખેલ આપણી તાકાત રહ્યાં છે, તેને તો આપણે મજબૂત કરી જ રહ્યાં છીએ. સાથે સાથે આપણે નવી રમતોમાં પણ પોતાની છાપ છોડી રહ્યાં છીએ. હૉકીમાં જે રીતે આપણે આપણા વારસાને ફરી હાંસલ કરી રહ્યાં છીએ, એ માટે હું બંને ટીમોના પ્રયાસો, તેમની મહેનત, તેમના મિજાજ, તેમની રમતની પ્રશંસા કરું છું, તેને બિરદાવું છું. અગાઉના રમતોત્સવની સરખામણીમાં આ વર્ષે આપણે 4 નવી રમતોમાં વિજયની નવી કેડી કંડારી છે. લૉન બાઉલ્સથી લઈને એથ્લેટિક્સ સુધી આપણા રમતવીરોનું પ્રદર્શન જબરદસ્ત રહ્યું છે. આ પ્રદર્શનથી દેશમાં નવી રમતો પ્રત્યે યુવાનોનો અભિગમ બહુ પ્રેરણાદાયક છે. નવી રમતોમાં આપણએ આ જ રીતે પોતાનું પ્રદર્શન વધારે સુધારવાનું છે. હું જોઈ રહ્યો છું, જૂનાં તમામ ચહેરા મારી સામે છે, શરત હોય, કિદામ્બી હોય, સિંધુ હોય, સૌરભ હોય, મીરાબાઈ હોય, બજરંગ હોય, વિનેશ, સાક્ષી – તમે બધા સીનિયર એથ્લેટ્સે તો કમાલ જ કરી દીધો છે. ગેમ્સ શરૂ થાય એ અગાઉ મારી જે યુવાન સાથીદારો સાથે વાત થઈ હતી, એ બધાએ તેમનું વચન પૂર્ણ કર્યું છે. જેમણે પ્રવેશ કર્યો છે, શરૂઆત કરી છે, તેમાંથી 31 સાથીદારોએ મેડલ જીત્યાં છે. આ દર્શાવે છે કે, અત્યારે આપણા યુવાનોનો આત્મવિશ્વાસ કેટલો વધી રહ્યો છે. જ્યારે અનુભવી શરત પ્રભુત્વ ધરાવે છે અને અવિનાશ, પ્રિયંકા અને સંદીપ પહેલીવાર દુનિયાના શ્રેષ્ઠ એથ્લીટ્સને ટક્કર આપે છે, ત્યારે નવા ભારતનો જુસ્સો પ્રકટ થાય છે. આ જુસ્સો છે – આપણે દરેક સ્પર્ધામાં, દરેક રેસ માટે સજ્જ છીએ, બુલંદ ઇરાદો ધરાવીએ છીએ. એથ્લેટિક્સના પોડિયમ પર એકસાથે બે-બે તિરંગાને સલામી આપતા ભારતીય ખેલાડીઓને આપણે કેટલી વાર જોયા છે. અને સાથીદારો, પોતાની દિકરીઓના પ્રદર્શનથી તો આખો દેશ ગદગદ થઈ ગયો છે. હમણા જ્યારે હું પૂજા સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે મેં ઉલ્લેખ પણ કર્યો હતો. પૂજાનો એ ભાવુક વીડિયો જોઈને સોશિયલ મીડિયાના માધ્યમથી મેં કહ્યું પણ હતું કે, તમારે માફી માંગવાની જરૂર નથી. તમે દેશ માટે વિજેતા છો. બસ, પોતાની પ્રામાણિકતા અને પરિશ્રમમાં આપણે પાછાં પડવાનું નથી. ઓલિમ્પિક્સ પછી વિનેશ સાથે પણ વાત કરતાં મેં એ જ કહ્યું હતું અને મને ખુશી છે કે, તેમણે નિરાશાને પાછળ છોડીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. બોક્સિંગ હોય, જુડો હોય, કુશ્તી હોય – જે રીતે દેશની દિકરીઓએ પ્રભુત્વ મેળવ્યું એ ખરેખર કાબિલેદાદ છે. નીતૂએ તો હરિફોને મેદાન છોડવા જ મજબૂર કરી દીધા. હરમનપ્રીતના નેતૃત્વમાં પહેલી વાર ક્રિકેટમાં આટલું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યું છે. તમામ ખેલાડીઓનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું છે, પણ રેણુકાની સ્વિંગ સામે ટકવું તો કોઈ પણ માટે મુશ્કેલ હતું. દિગ્ગજો વચ્ચે સૌથી વધુ વિકેટ મેળવવી કોઈ નાનીસૂની ઉપલબ્ધિ નથી. તેમના ચહેરા પર ભલે શિમલાની શાંતિ જોવા મળે, પહાડોનું નિર્દોષ હાસ્ય રહેતું હોય, પણ તેમની આક્રમકતા મોટા-મોટા બેટર્સના છક્કા છુડાવી દે છે. આ પ્રદર્શન ચોક્કસ અંતરિયાળ વિસ્તારોમાં પણ દિકરીઓને પ્રેરિત કરશે, પ્રોત્સાહન આપશે.

સાથીદારો,

તમને બધા દેશને ફક્ત એક મેડલ નહીં, ઉજવણી કરવાનો, ગર્વની લાગણી અનુભવવાનો પ્રસંગ આપ્યો છે એવું નથી, પણ એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને તમે વધારે મજબૂત કરી રહ્યાં છો. તમે રમતમાં નથી, પણ બાકી ક્ષેત્રમાં પણ દેશના યુવાનોને શ્રેષ્ઠ કરવા માટે પ્રેરિત કરો છો. તમે બધા દેશને એક સંકલ્પ, એક લક્ષ્યની સાથે જોડીએ છીએ, જે આપણી આઝાદીની લડાઈને પણ બહુ મોટી તાકાત હતી. મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, મંગળ પાંડે, તાત્યા તોપે, લોકમાન્ય તિલક, સરદાર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, અશફાક ઉલ્લા ખાન અને રામપ્રસાદ બિસ્મિલ – અનેક સ્વતંત્રતાસેનાનીઓ, અનેક ક્રાંતિકારીઓનો માર્ગ અલગ હતો, પણ તેમનું લક્ષ્ય એક જ હતું. રાણી લક્ષ્મીબાઈ, ઝલકારી બાઈ, દુર્ગા ભાભી, રાની ચેનમ્મા, રાણી ગાઇદિનલ્યુ અને વેલુ નચિયાર જેવી અનેક વીરાંગનાઓએ દરેક પરંપરાને તોડીને આઝાદીની લડાઈ લડી હતી. બિરસા મુંડા હોય, અલ્લૂરી સીતારામ રાજુ હોય, ગોવિંદ ગુરુ હોય – આવા અનેક મહાન આદિવાસીઓ સેનાનીઓએ પોતાના બુલંદ ઇરાદાઓ સાથે, પોતાના જુસ્સા સાથે આટલી શક્તિશાળી સેના સામે ટક્કર લીધી. ડોક્ટર રાજેન્દ્રપ્રસાદ, પંડિત નેહરુ, સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર, આચાર્ય વિનોબા ભાવે, નાનાજી દેશમુખ, લાલબહાદુર શાસ્ત્રી, શ્યામાપ્રસાદ મુખર્જી જેવી અનેક વિભૂતિઓએ આઝાદ ભારતના સ્વપ્નો પૂર્ણ કરવા માટે જીવન સમર્પિત કરી દીધું. આઝાદીની લડાઈથી લઈને આઝાદ ભારતના નવનિર્માણમાં જે રીતે સંપૂર્ણ ભારતે એકજૂથ થઈને પ્રયાસ કર્યો, એ જ ભાવના સાથે તમે પણ મેદાનમાં ઉતરો છો. તમારા બધાના રાજ્ય, જિલ્લા, ગામ, ભાષા ભલે ગમે તે હોય, પણ તમે ભારતનાં માન, અભિમાન માટે, દેશની પ્રતિષ્ઠા માટે તમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરો છો. તમારી પ્રેરણાશક્તિ પણ તિરંગો છે અને તિરંગોની તાકાત શું છે – એ આપણે બધાએ થોડા સમય અગાઉ યુક્રેનમાં જોયું છે. તિરંગો યુદ્ધક્ષેત્રમાંથી બહાર નીકળવા માટે ભારતીયોની સાથે અન્ય દેશોના લોકો માટે પણ સુરક્ષાકવચ બની ગયો હતો.

સાથીદારો,

અગાઉ આપણે અન્ય ટૂર્નામેન્ટ્સમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં અમારું અત્યાર સુધીનું સૌથી સફળ પ્રદર્શન રહ્યું છે. વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ બહુ પ્રશંસનીય પ્રદર્શન રહ્યું છે. આ જ રીતે વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશિપ અને પેરા બેડમિન્ટન ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ્સ – તેમાં પણ ઘણા નવા રેકોર્ડ કર્યા છે. આ ભારતીય રમત માટે ચોક્કસ ઉત્સાહ અને ઉમંગનો સમય છે. અહીં અનેક કોચ પણ છે, કોચિંગ સ્ટાફના મેમ્બર પણ છે અને દેશમાં રમતના વહીવટ સાથે જોડાયેલા સાથીદારો પણ છે. આ સફળતાઓમાં તમારી ભૂમિકા પણ શ્રેષ્ઠ રહી છે. તમારી ભૂમિકા બહુ મહત્વપૂર્ણ હોય છે. પણ આ મારા હિસાબે શરૂઆત છે, આપણે સંતોષ માનીને બેસી રહેવાનું નથી. ભારતનો રમતોમાં સોનેરી કાળ શરૂ થયો છે, મિત્રો. મને ખુશી છે કે, ખેલો ઇન્ડિયાના મંચ પરથી બહાર આવેલા અનેક રમતવીરોએ આ વર્ષે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. TOPSનો પણ સકારાત્મક પ્રભાવ જોવા મળે છે. નવી પ્રતિભાની શોધ અને તેમને પોડિયમ સુધી પહોંચાડવા માટે આપણા પ્રયાસો આપણને વધારે પ્રેરિત કરે છે. આપણી ઉપર એક સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમના નિર્માણની જવાબદારી છે, જે વિશ્વમાં શ્રેષ્ઠ હોય, સર્વસમાવેશક હોય, વિવિધતાસભર હોય, ગતિશીલ હોય. કોઈ પણ પ્રતિભા બાકાત ન રહેવી જોઈએ, કારણ કે તે દેશની મૂડી છે, દેશની સંપત્તિ છે. હું તમામ રમતવીરોને આગ્રહપૂર્વક કહીશ કે તમારી સામે હવે એશિયન ગેમ્સ છે, ઓલિમ્પિક્સ છે. તમે ફરી તૈયારી કરવા લાગી જાવન. આઝાદીના 75મા વર્ષે મારો તમને બધાને એક વધુ આગ્રહ છે. અગાઉ મેં તમને દેશની 75 શાળાઓ, શિક્ષણ સંસ્થાઓમાં જઈને બાળકોને પ્રોત્સાહન આપવાનો આગ્રહ કર્યો હતો. મીટ ધ ચેમ્પિયન અભિયાન અંતર્ગત અનેક સાથીદારોએ વ્યસ્તતતા વચ્ચે પણ આ કામ કર્યું છે. આ અભિયાનને આગળ વધારો. જે સાથીદારો હજુ જઈ શક્યાં નથી, તેમને પણ મારો આગ્રહ છે કે, તમે જરૂર જાવ, તમને દેશની યુવા પેઢી હવે આદર્શ કે રોલ મોડલ સ્વરૂપે જુએ છે અને એટલે તમારી વાતોને તે ધ્યાનપૂર્વક સાંભળે છે. તમારી સલાહને તેઓ જીવનમાં ઉતારવા માટે તત્પર છે. એટલે તમારી પાસે જે સામર્થ્ય પેદા થયું છે, તમારું જે સન્માન વધ્યું છે, તે દેશની યુવા પેઢી માટે કામ આવવું જોઈએ. હું એક વાર ફરી તમારી બધાની આ વિજય યાત્રાને અનેક-અનેક શુભકામનાઓ આપું છું! ખૂબ ખૂબ અભિનંદન આપું છું ! ધન્યવાદ !

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi