



હિમાચલ પ્રદેશે આજે એક પ્રધાન સેવક તરીકે જ નહિ પરંતુ એક પરિવારના સભ્ય તરીકે પણ મને ગૌરવાન્વિત થવાનો અવસર પ્રદાન કર્યો છે. મેં નાની નાની સુવિધાઓ માટે સંઘર્ષ કરતા હિમાચલને પણ જોયું છે અને આજે વિકાસની ગાથાને લખી રહેલા હિમાચલને પણ જોઈ રહ્યો છું. આ બધુ જ દેવી દેવતાઓના આશીર્વાદ વડે, હિમાચલ સરકારની કર્મ કુશળતા દ્વારા અને હિમાચલનાં જન-જનની જાગૃતિ વડે જ સંભવ થઈ શક્યું છે. હું ફરી એકવાર જેમની જેમની સાથે મને વાતચીત કરવાનો અવસર મળ્યો અને જે રીતે બધાએ વાતો કરી તેના માટે હું તેમનો તો આભાર વ્યક્ત કરું છું. હું સંપૂર્ણ ટીમનો આભાર વ્યક્ત કરું છું. હિમાચલે એક ટીમના રૂપમાં કામ કરીને અદભૂત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મારા તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ!!
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રીમાન રાજેન્દ્ર આર્લેકરજી, ઊર્જાવાન અને લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન જયરામ ઠાકુરજી, સંસદમાં અમારા સાથી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, હિમાચલનાં જ સંતાન શ્રી જગત પ્રકાશ નડ્ડાજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રી અનુરાગ ઠાકુરજી, સંસદમાં મારા સાથી અને હિમાચલ ભાજપા અધ્યક્ષ શ્રીમાન સુરેશ કશ્યપજી, અન્ય તમામ મંત્રીગણ, સાંસદસભ્યો અને વિધાયક ગણ, પંચાયતોના પ્રતિનિધિ અને હિમાચલના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!
100 વર્ષની સૌથી મોટી મહામારી, 100 વર્ષની અંદર આવા દિવસો ક્યારેય જોયા નથી, તેની વિરુદ્ધની લડાઈમાં હિમાચલ પ્રદેશ, વિજેતા બનીને સામે આવ્યું છે. હિમાચલ ભારતનું પહેલું રાજ્ય બન્યું છે, જેણે પોતાની સંપૂર્ણ યોગ્યતા ધરાવતી વસતિને કોરોના રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપી દીધો છે. એટલું જ નહિ બીજા ડોઝની બાબતમાં પણ હિમાચલ લગભગ એક તૃતીયાંશ વસતિને પાર કરી ચૂક્યું છે.
સાથીઓ,
હિમાચલના લોકોની આ સફળતાએ દેશનો આત્મવિશ્વાસ પણ વધાર્યો છે અને આત્મનિર્ભર થવું કેટલું જરૂરી છે તે પણ યાદ અપાવ્યું છે. સૌને રસી, વિના મૂલ્યે રસી, 130 કરોડ ભારતીયોના આ જ આત્મવિશ્વાસ અને રસીમાં આત્મનિર્ભરતાનું જ આ પરિણામ છે. ભારત આજે એક દિવસમાં સવા કરોડ રસી લગાવીને રેકોર્ડ સ્થાપિત કરી રહ્યું છે. જેટલી રસી ભારત આજે એક દિવસમાં લગાવી રહ્યું છે, તે કેટલાય દેશોની સંપૂર્ણ વસતિ કરતાં પણ વધારે છે. ભારતના રસીકરણ અભિયાનની સફળતા, પ્રત્યેક ભારતવાસીના પરિશ્રમ અને પરાક્રમની પરાકાષ્ઠાનું પરિણામ છે. જે ‘સૌના પ્રયાસ’ની વાત મેં 75મા સ્વતંત્રતા દિવસ પર કહી હતી, લાલ કિલ્લા પરથી કહી હતી. હું કહું છું કે આ તેનું જ પ્રતિબિંબ છે. હિમાચલ પછી સિક્કિમ અને દાદરા નગર હવેલીએ સોએ સો ટકા પહેલા ડોઝનો તબક્કો પૂરો કરી લીધો છે અને અનેક રાજ્ય તેના ઘણા નજીક પહોંચી પણ ગયા છે. હવે આપણે સાથે મળીને એ પ્રયાસ કરવાનો છે કે જેમણે પહેલો ડોઝ લગાવી લીધો છે, તેઓ બીજો ડોઝ પણ જરૂરથી લે.
ભાઈઓ અને બહેનો,
આત્મવિશ્વાસની આ જ ઔષધિ હિમાચલ પ્રદેશના સૌથી ઝડપી રસીકરણ અભિયાનનું પણ મૂળ છે. હિમાચલે પોતાની ક્ષમતા પર વિશ્વાસ કર્યો, પોતાના સ્વાસ્થ્ય કર્મીઓ અને ભારતના વૈજ્ઞાનિકો પર વિશ્વાસ કર્યો. આ સિદ્ધિ, સૌ સ્વાસ્થ્ય કર્મચારીઓ, આશા કાર્યકર્તાઓ, આંગણવાડી કાર્યકર્તાઓ, શિક્ષકો અને અન્ય તમામ સાથીઓના બુલંદ ઉત્સાહનું પરિણામ છે. આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોની તો મહેનત છે જ છે. ડૉક્ટર હોય, પેરા મેડિકલ સ્ટાફ હોય, બાકી સહાયક હોય સૌની મહેનત છે. તેમાં પણ બહુ મોટી સંખ્યામાં આપણી બહેનોની વિશેષ ભૂમિકા રહી છે. હમણાં થોડા સમય પહેલા જ ફિલ્ડમાં કામ કરનારા આપણા તમામ સાથીઓએ વિસ્તારથી જણાવ્યું પણ ખરું કે તેમણે કઈ રીતના પડકારોનો સામનો કર્યો છે. હિમાચલમાં તે દરેક પ્રકારના પડકારો હતા કે જે રસીકરણમાં અવરોધક સિદ્ધ થઈ શકે તેમ હોય છે. પહાડી પ્રદેશ હોવાના કારણે સામાનની હેરફેરની તકલીફ રહે છે. કોરોનાની રસીના સંગ્રહ અને વાહનવ્યવહાર તો તેના કરતાં પણ વધારે મુશ્કેલ હોય છે. પરંતુ જયરામજીની સરકારે જે રીતની વ્યવસ્થાઓ વિકસિત કરી, જે રીતે પરિસ્થિતિઓને સંભાળી તે ખરેખર પ્રશંસનીય છે. એટલા માટે હિમાચલે સૌથી વધુ ઝડપથી રસીકરણ, રસીનો બગાડ કર્યા વિના, આ બહુ મોટી વાત છે કે આ કામને સુનિશ્ચિત કર્યુ છે.
સાથીઓ,
મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓની સાથે સાથે જન સંવાદ અને જન ભાગીદારી પણ, રસીકરણની સફળતાનું એક બહુ મોટું પાસું છે. હિમાચલમાં તો પહાડની આસપાસ બોલીઓ પણ સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. મોટાભાગનો વિસ્તાર ગ્રામીણ છે. જ્યાં આસ્થા એ જીવનનો એક અતૂટ ભાગ છે. જીવનમાં દેવી દેવતાઓની ભાવનાત્મક ઉપસ્થિતિ છે. થોડા સમય પહેલા કુલ્લૂ જિલ્લાના મલાણા ગામની વાત અહિયાં આપણને બહેને કરી. મલાણાએ લોકશાહીને દિશા આપવામાં, ઊર્જા આપવામાં હંમેશા એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ત્યાંની ટીમે એક ખાસ કેમ્પ લગાવ્યો, તાર-સ્પેન વડે રસીના ખોખાં પહોંચાડ્યા અને ત્યાંનાં દેવ સમાજ સાથે જોડાયેલ મહત્વપૂર્ણ વ્યક્તિઓને વિશ્વાસમાં લીધા. જન ભાગીદારી અને જન સંવાદની આવી રણનીતિ શિમલાના ડોડરા ક્વાર, કાંગડાના નાના મોટા ભંગાલ, કિન્નૌર, લાહૌલ સ્પીતિ અને પાંગી ભરમૌર જેવા પ્રત્યેક દુર્ગમ ક્ષેત્રમાં પણ કામમાં આવી છે.
સાથીઓ,
મને ખુશી છે કે લાહૌલ સ્પીતિ જેવા દુર્ગમ જિલ્લા હિમાચલમાં પણ સોએ સો ટકા પહેલો ડોઝ આપવામાં આગ્રણી રહ્યા છે. આ એવા ક્ષેત્રો છે કે જેઓ અટલ ટનલ બન્યા પહેલા, મહિનાઓ મહિનાઓ સુધી દેશના બાકીના ભાગો સાથે સંપર્કવિહોણા રહેતા હતા. આસ્થા, શિક્ષણ અને વિજ્ઞાન સાથે મળીને કઈ રીતે જીવન બદલી શકે છે તે હિમાચલે વારંવાર કરી બતાવ્યું છે. હિમાચલ વાસીઓએ કોઈપણ અફવાને, કોઈપણ દૂષ્પ્રચારને ટકવા નથી દીધો. હિમાચલ એ વાતનું પ્રમાણ છે કે દેશનો ગ્રામીણ સમાજ કઈ રીતે દુનિયાના સૌથી મોટા અને સૌથી ઝડપી રસીકરણ અભિયાનને સશક્ત કરી રહ્યો છે.
સાથીઓ,
ઝડપી રસીકરણનો લાભ હિમાચલના પ્રવાસન ઉદ્યોગને પણ થશે, કે જે મોટી સંખ્યામાં યુવાનોના રોજગારીનું માધ્યમ છે. પરંતુ ધ્યાનમાં રહે, માસ્ક અને બે ગજના અંતરનો મંત્ર આપણે રસી લગાવ્યા પછી પણ ભૂલવાનો નથી. આપણે તો હિમાચલના લોકો છીએ, આપણને ખબર છે કે હિમ વર્ષા પુરી થઈ જાય છે. તેમ છતાં પણ આપણે જ્યારે ચાલવા માટે નિકળીએ છીએ તો બરાબર સંભાળીને પગ મૂકવા પડે છે. આપણને ખબર છે ને કે હિમ વર્ષા પુરી થઈ જાય તેમ છતાં સંભાળીને ચાલવાનું છે. વરસાદ થઈ ગયા પછી પણ તમે જોયું હશે, વરસાદ બંધ થઈ ગયો, છત્રી બંધ કરી દીધી પરંતુ પગ તો સંભાળીને જ મૂકીએ છીએ. એ જ રીતે આ કોરોના મહામારી પછી જે વાતોનું ધ્યાન રાખવાનું છે તે તો રાખવાનું જ છે. કોરોના કાળમાં હિમાચલ પ્રદેશ, ઘણા બધા યુવાનો માટે વર્ક ફ્રોમ હોમ, વર્ક ફ્રોમ એનિવેર, તે માટેનું મનપસંદ સ્થળ બની ગયું હતું. વધુ સારી સુવિધાઓ, શહેરોમાં વધુ સારા ઈન્ટરનેટ જોડાણનો હિમાચલને ઘણો લાભ મળી રહ્યો છે.
ભાઈઓ અને બહેનો,
સંપર્ક વ્યવસ્થા દ્વારા જીવન અને આજીવિકા પર કેટલો હકારાત્મક પ્રભાવ પડે છે, તે આ કોરોના કાળમાં પણ હિમાચલ પ્રદેશે અનુભવ કર્યો છે. સંપર્ક ભલે રસ્તાનો હોય, રેલવેનો હોય, હવાઈ સંપર્કનો હોય, કે પછી ઈન્ટરનેટ જોડાણનો હોય, આજે દેશની તે સૌથી મોટી પ્રાથમિકતાઓ છે. પ્રધાનમંત્રી ગ્રામીણ માર્ગ યોજના અંતર્ગત આજે 8-10 ઘરોવાળી વસાહતો પણ માર્ગો સાથે જોડાઈ રહી છે. હિમાચલના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પહોળા થઈ રહ્યા છે. આવી જ સશક્ત બની રહેલ સંપર્ક વ્યવસ્થાનો સીધો લાભ પ્રવાસનને પણ મળી રહ્યો છે. ફળ શાકભાજીનું ઉત્પાદન કરનાર ખેડૂતો બગીચાવાળાઓને પણ સ્વાભાવિક રૂપે મળી રહ્યો છે. ગામડે ગામડે ઈન્ટરનેટ પહોંચવાથી હિમાચલની યુવા પ્રતિભાઓ, ત્યાંની સંસ્કૃતિને, પ્રવાસનની નવી સંભાવનાઓને દેશ-વિદેશ સુધી પહોંચાડી રહી છે.
ભાઈઓ અને બહેનો,
આધુનિક ટેકનોલોજીનો, ડિજિટલ ટેકનોલોજીનો આ લાભ હિમાચલને આવનારા સમયમાં હજી વધારે મળવાનો છે. ખાસ કરીને શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં બહુ મોટા પરિવર્તનો આવવા જઈ રહ્યા છે. તેનાથી દૂર-સુદૂરની શાળાઓ અને સ્વાસ્થ્ય કેન્દ્રોમાં પણ મોટા દવાખાનાઓ સાથે, મોટી શાળાઓ સાથે ડૉક્ટર અને શિક્ષકો વર્ચ્યુઅલી જોડાઈ શકશે.
હમણાં તાજેતરમાં જ દેશે એક બીજો નિર્ણય લીધો છે, જેને હું ખાસ કરીને હિમાચલના લોકોને જણાવવા માંગુ છું. તે છે ડ્રોન ટેકનોલોજી સાથે જોડાયેલ નિયમોમાં થયેલ પરિવર્તન. હવે તેના નિયમો ખૂબ સરળ બનાવી દેવામાં આવ્યા છે. તેનાથી હિમાચલમાં આરોગ્યથી લઈને કૃષિ જેવા અનેક ક્ષેત્રમાં નવી સંભાવનાઓ તૈયાર થવા જઈ રહી છે. ડ્રોન હવે દવાઓની હોમ ડિલિવરીમાં પણ કામ આવી શકે છે, બગીચાઓ ઉદ્યાનોમાં પણ કામમાં આવી શકે છે અને તેનો ઉપયોગ જમીનના સર્વેક્ષણમાં તો કરવામાં આવી જ રહ્યો છે. હું સમજું છું, ડ્રોન ટેકનોલૉજીનો યોગ્ય ઉપયોગ, આપણાં પહાડી વિસ્તારના લોકોનું સંપૂર્ણ જીવન બદલી શકે છે. જંગલોની સુરક્ષા અને સંરક્ષણ માટે પણ હિમાચલમાં ડ્રોન ટેકનોલોજીનો ઘણો ઉપયોગ થઈ શકે તેમ છે. કેન્દ્ર સરકારનો સતત એ પ્રયાસ છે કે આધુનિક ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ સરકારી સેવાઓમાં પણ થાય.
ભાઈઓ અને બહેનો,
હિમાચલ આજે ઝડપી વિકાસના પથ પર અગ્રેસર છે. પરંતુ કુદરતી આપત્તિઓ પણ આજે હિમાચલની માટે બહુ મોટો પડકાર બની રહી છે. વિતેલા દિવસોમાં અનેક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓમાં આપણે અનેક સાથીઓને ગુમાવવા પડ્યા છે. તેની માટે આપણે વૈજ્ઞાનિક સમાધાનોની દિશામાં ઝડપથી આગળ વધવું પડશે, જમીન ધોવાણથી લઈને અર્લી વોર્નિંગ સિસ્ટમ સાથે જોડાયેલ સંશોધનને પ્રોત્સાહિત કરવું પડશે. એટલું જ નહિ, પહાડી ક્ષેત્રોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા બાંધકામ સાથે જોડાયેલ ટેકનોલોજીમાં પણ નવા ઇનોવેશન માટે આપણાં યુવાનોને આપણે પ્રેરિત કરતાં રહેવાનું છે.
સાથીઓ,
ગામ અને સમુદાયને જોડવાના કેટલા સાર્થક પરિણામો મળી શકે છે, તેનું બહુ મોટું ઉદાહરણ જળ જીવન મિશન છે. આજે હિમાચલના તે ક્ષેત્રોમાં પણ નળમાં જળ આવી રહ્યું છે, જ્યાં એક સમયે આને અશક્ય માનવામાં આવતું હતું. આ જ પહોંચ વન સંપત્તિને લઈને પણ અપનાવવામાં આવી શકે છે. તેમાં ગામડાઓમાં જે આપણી બહેનોના સ્વ સહાય જૂથો છે, તેમની ભાગીદારીને વધારવામાં આવી શકે છે. ખાસ કરીને જડીબૂટીઓ, સલાડ, શાકભાજીને લઈને હિમાચલના જંગલોમાં ઘણી બધી સંભાવનાઓ રહેલી છે, જેમની માંગ સતત વધી રહી છે. આ સંપત્તિને આપણી પરિશ્રમી બહેનો, વૈજ્ઞાનિક પદ્ધતિએ અનેક ગણી વધારી શકે છે. હવે તો ઇ-કોમર્સના નવા માધ્યમથી આપણી બહેનોને નવી નવી રીતો પણ મળી રહી છે. આ 15મી ઓગસ્ટના રોજ મેં લાલ કિલ્લા પરથી કહ્યું પણ હતું, કે કેન્દ્ર સરકાર હવે બહેનોના સ્વ સહાય જૂથો માટે ખાસ ઓનલાઈન પ્લેટફોર્મ બનાવવાની છે. આ માધ્યમ વડે આપણી બહેનો, દેશ અને દુનિયામાં પોતાના ઉત્પાદનોને વેચી શકશે. સફરજન, સંતરા, કિન્નું, મશરૂમ, ટામેટાં, એવા અનેક ઉત્પાદનોને હિમાચલની બહેનો દેશના ખૂણે ખૂણામાં પહોંચાડી શકશે. કેન્દ્ર સરકારે 1 લાખ કરોડ રૂપિયાનું એક વિશેષ એગ્રી-ઇન્ફ્રાસ્ટ્રકચર ભંડોળ પણ બનાવ્યું છે. બહેનોના સ્વ સહાય જૂથો હોય, કે ખેડૂત ઉત્પાદક મંડળીઓ હોય, તેઓ આ ભંડોળની મદદથી પોતાના ગામની પાસે જ કોલ્ડ સ્ટોરેજ અથવા તો ફૂડ પ્રોસેસિંગ યુનિટ લગાવી શકે છે. તેનાથી પોતાના ફળ શાકભાજીના સંગ્રહ માટે તેમને બીજાઓ ઉપર નિર્ભર નહિ રહેવું પડે. હિમાચલના પરિશ્રમી આપણાં ખેડૂતો માળીઓ તેમનો વધુમાં વધુ લાભ ઉઠાવશે તેનો મને પૂરો વિશ્વાસ છે.
સાથીઓ,
આઝાદીના અમૃતકાળમાં હિમાચલના ખેડૂતો અને માળીઓને એક વધુ આગ્રહ હું કરવા માગું છું. આવનારા 25 વર્ષોમાં શું આપણે હિમાચલની ખેતીને ફરીથી ઓર્ગેનિક બનાવવા માટે પ્રયાસ કરી શકીએ છીએ ખરા? ધીમે ધીમે આપણે કેમિકલથી આપણી માટીને મુક્ત કરવાની છે. આપણે એવા ભવિષ્યની દિશામાં આગળ વધવાનું છે કે જ્યાં માટી અને આપણાં દીકરા દીકરીઓનું સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહે. મને હિમાચલના સામર્થ્ય પર વિશ્વાસ છે. હિમાચલની યુવાશક્તિ પર વિશ્વાસ છે. જે રીતે સીમાની સુરક્ષામાં હિમાચલના નવયુવાનો આગળ રહે છે, તે જ રીતે માટીની સુરક્ષામાં પણ આપણાં હિમાચલનું દરેક ગામડું, દરેક ખેડૂત અગ્રણી ભૂમિકા નિભાવશે. હિમાચલ, અસાધ્યને સાધ્ય કરવાની પોતાની ઓળખને સશક્ત કરું રહે, એ જ કામના સાથે ફરી એક વાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન! હિમાચલ સંપૂર્ણ રસીકરણના લક્ષ્યને પણ દેશમાં સૌથી પહેલા પ્રાપ્ત કરે તેની માટે અનેક શુભકામનાઓ! આજે હું તમામ દેશવાસીઓને કોરોનાથી સતર્ક રહેવાનો ફરી આગ્રહ કરું છું. અત્યાર સુધી લગભગ 70 કરોડ રસીના ડોઝ લગાવી દેવામાં આવ્યા છે. તેમાં દેશભરના ડૉક્ટર્સ, નર્સો, આંગણવાડી આશા બહેનોની, સ્થાનિક વહીવટ, રસી ઉત્પાદન કંપનીઓ અને ભારતના વૈજ્ઞાનિકોની બહુ મોટી તપસ્યા રહી છે. રસી ખૂબ ઝડપથી લગાવવામાં આવી રહી છે પરંતુ આપણે કોઈપણ રીતે ઉદાસીનતા અને લાપરવાહીથી બચવાનું છે અને હું પહેલા દિવસથી જ એક મંત્ર બોલી રહ્યો છું. ‘દવા પણ કડકાઇ પણ’ના મંત્રને આપણે ભૂલવાનો નથી. એક વાર ફરી હિમાચલના લોકોને અનેક અનેક શુભકામનાઓ! ખૂબ ખૂબ આભાર!!