નમસ્કારજી !
કોરોના વિરૂધ્ધ દેશની લડતમાં કેટલાક મહત્વના મુદ્દા પર આપ સૌએ તમારી વાત રજૂ કરી છે. હમણાં બે દિવસ પહેલાં ઉત્તરપૂર્વના તમામ માનનીય મુખ્યમંત્રીઓ સાથે મને આ વિષય ઉપર ચર્ચા કરવાની તક મળી હતી, કારણ કે જ્યાં જયાં ચિંતાજનક હાલત છે તે રાજ્યો સાથે હું વિશેષપણે વાત કરી રહ્યો છું.
સાથીઓ,
વીતેલા દોઢ વર્ષમાં દેશે આટલી મોટી મહામારીનો પરસ્પરના સહયોગથી અને સંગઠીત પ્રયાસોથી સામનો કર્યો છે. તમામ રાજય સરકારોએ જે રીતે એકબીજા પાસેથી શિખવાનો પ્રયાસ કર્યો છે, ઉત્તમ પ્રણાલિઓને સમજવાનો પ્રયાસ કર્યો છે. એક બીજાને સહયોગ પૂરો પાડવાની કોશિશ કરી છે. અને આપણે અનુભવના આધારે કહી શકીએ તેમ છીએ કે આવા જ પ્રયાસો કરીને આપણે આગળની લડતમાં વિજયી બની શકીશું.
સાથીઓ,
આપ સૌ એ બાબતથી તો પરિચિત છો જ કે આપણે આ સમયે એક એવા વળાંક ઉપર ઉભા છીએ કે જ્યાં સતત ત્રીજી લહેરની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં કેસની સંખ્યા જે રીતે ઓછી થઈ રહી છે તેનાથી થોડીક રાહત થઈ છે અને માનસિક રીતે સારૂ લાગ્યુ છે, થોડી રાહતનો અનુભવ થઈ રહ્યા છે. નિષ્ણાતો આ ઘટતી જતી તરાહ જોઈને આશા રાખી રહ્યા છે કે ઝડપથી દેશ સંપૂર્ણ રીતે બીજી લહેરમાંથી બહાર નીકળી જશે. આમ છતાં કેટલાંક રાજ્યોમાં કેસની વધતી સંખ્યા ચિંતાજનક બની રહી છે.
સાથીઓ,
આજે જેટલાં રાજય, છ રાજય આપણી સાથે છે. આ ચર્ચામાં સામેલ થયાં છે. ગયા સપ્તાહે આશરે 80 ટકા નવા કેસ તમે જે રાજયમાં છો ત્યાંથી આવ્યા છે. ચોરાશી ટકા દુઃખદ મૃત્યુ પણ આ રાજ્યોમાં જ થયાં છે. શરૂઆતમાં નિષ્ણાતો એવું માની રહ્યા હતા કે જ્યાંથી બીજી લહેરની શરૂઆત થઈ હતી ત્યાં અન્યની તુલનામાં પરિસ્થિતિ વહેલી નિયંત્રિત થશે. પણ, મહારાષ્ટ્ર અને કેરળમાં કેસમાં વધારો લગાતાર જોવા મળી રહ્યો છે તે ખરેખર આપણા સૌના માટે ગંભીર ચિંતાનો વિષય છે. આપ સૌ એ બાબતથી પરિચિત છો કે આવી જ તરાહ આપણને બીજી લહેરની પહેલાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પણ જોવા મળી હતી. એટલા માટે સ્વાભાવિક રીતે એવી આશંકા વધી જાય છે કે જો સ્થિતિ નિયંત્રણમાં નહી આવે તો મુશ્કેલી થઈ શકે છે. એ ખૂબ જ જરૂરી છે કે જે રાજયોમાં કેસ વધી રહ્યા છે તેમણે સક્રિય પગલાં લઈને ત્રીજી લહેરની કોઈ પણ આશંકાને રોકવાની રહેશે.
સાથીઓ,
નિષ્ણાતો જણાવે છે કે લાંબા સમય સુધી કેસ વધતા રહેવાને કોરોના વાયરસમાં મ્યુટેશનની આશંકા વધી જાય છે. નવા નવા વેરિયન્ટ (પ્રકારો)નું જોખમ વધતું જાય છે. એટલા માટે ત્રીજી લહેરને રોકવા માટે કોરોના વિરૂધ્ધ અસરકારક કદમ ઉઠાવવાનું અત્યંત આવશ્યક બની રહે છે. એ માટેની વ્યુહરચના એ જ છે જે તમે રાજ્યોમાં અપનાવી રહ્યા છો. સમગ્ર દેશે તે વ્યુહરચના લાગુ કરી છે. અને તેનો એક અનુભવ આપણને છે. તે તમારા માટે પણ ચકાસાયેલી અને પૂરવાર થયેલી પધ્ધતિ છે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ, અને હવે રસી, રસીની આપણી રણનીતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને આપણે આગળ વધવાનુ છે. માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન ઉપર આપણે વધારે ધ્યાન આપવુ પડશે. જે જીલ્લામાં પોઝિટિવીટીનો દર વધારે છે, જ્યાંથી કેસની સંખ્યા વધુ આવી રહી છે, ત્યાં એટલુ વધુ ધ્યાન કેન્દ્રિત કરવુ પડશે. હું જ્યારે ઉત્તર પૂર્વના સાથીદારો સાથે વાત કરી રહ્યા હતો ત્યારે એક વાત એ ઉપસી આવી છે કે કેટલાંક રાજ્યોએ તો લૉકડાઉન પણ કર્યુ નથી. પણ, માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન ઉપર વધારે ભાર મુક્યો. અને તે કારણે તે સ્થિતિ સંભાળી શકયા. ટેસ્ટીંગમાં પણ આવા જિલ્લા તરફ વધુ ધ્યાન આપીને સમગ્ર રાજયમાં ટેસ્ટીંગ વધુને વધુ પ્રમાણમાં કરતા રહેવું જોઈએ. જે જે જીલ્લાઓમાં, જે જે વિસ્તારોમા સંક્રમણ વધારે છે ત્યાં રસી એજ આપણા માટે એક વ્યુહાત્મક સાધન છે. રસીના અસરકારક ઉપયોગ વડે કોરોનાને કારણે પેદા થયેલી તકલીફો ઓછી કરી શકાય તેમ છે. ઘણાં રાજ્યો, આ સમયે આપણને જે વિન્ડો મળી છે તેનો ઉપયોગ આરટી-પીસીઆર ટેસ્ટ વધારવા માટે પણ કરી રહ્યા છે. આ પણ એક પ્રશંસનિય અને આવશ્યક કદમ છે. વધુને વધુ આરટી-પીસીઆર ટેસ્ટીંગ વાયરસને રોકવામાં ખૂબ જ અસરકારક બની શકે છે.
સાથીઓ,
દેશનાં તમામ રાજ્યોને નવા આઈસીયુ બેડ બનાવવા માટે, ટેસ્ટીંગની ક્ષમતા વધારવા માટે અને અન્ય જરૂરિયાતો માટે ભંડોળ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યુ છે. કેન્દ્ર સરકારે હજુ હમણાંજ 23 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમનુ ઈમરજન્સી કોવિડ રિસ્પોન્સ પેકેજ જારી કર્યુ છે. હું એવી ઈચ્છા રાખુ છું કે આ બજેટનો ઉપયોગ આરોગ્ય માટેની માળખાકીય સુવિધાઓ મજબૂત કરવા માટે કરવામાં આવે. રાજ્યોમાં માળખાકીય સુવિધાઓ મજબૂત કરવામાં જે કાંઈ ઉણપો છે તેને ઝડપથી હલ કરવામાં આવે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આપણે વધુ મહેનત કરવાની જરૂર છે. તેની સાથે સાથે હું તમામ રાજ્યોમાં આઈટી સિસ્ટમ, કન્ટ્રોલ રૂમ, અને કૉલ સેન્ટર્સનુ માળખુ મજબૂત કરવાની એટલી જ જરૂર છે. તેનાથી રિસોર્સનો ડેટા અને તેની જાણકારી લોકોને પારદર્શક પધ્ધતિથી મળી શકે છે. ઈલાજ માટે દર્દીઓએ અને તેમના સ્વજનોને એકથી બીજી જગાએ ભાગવું પડતું નથી.
સાથીઓ,
મને કહેવામાં આવ્યુ છે કે તમારા રાજયોમાં જે 332 પીએસએ પ્લાન્ટ ફાળવવામાં આવ્યા છે, તેમાંથી 53 કાર્યરત થઈ ચૂકયા છે. મારો તમામ રાજયોને આગ્રહ છે કે આ પીએસએ ઓક્સિજન પ્લાન્ટની કામગીરી વહેલામાં વહેલીતકે પૂરી કરે. કોઈ એક વરિષ્ઠ અધિકારીને ખાસ આ કામ માટે જ કામે લગાવી દો, અને 15 થી 20 દિવસમાં મિશન મોડમાં આ કામગીરી પૂરી કરાવો.
સાથીઓ,
વધુ એક ચિંતા બાળકો બાબતે પણ છે. બાળકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે આપણે આપણા તરફથી તમામ તૈયારીઓ કરવાની રહેશે.
સાથીઓ,
આપણે જોઈ રહ્યા છીએ કે વિતેલા 6 સપ્તાહમાં યુરોપના અનેક દેશોમાં એકદમ ઝડપથી કેસ વધવા લાગ્યા છે. આપણે જો પશ્ચિમ તરફ નજર માંડીએ તો યુરોપ હોય કે અમેરિકા હોય, બીજી તરફ પૂર્વમાં નજર નાખીએ તો બાંગ્લાદેશ, મ્યાનમાર, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડમાં પણ ખૂબ જ ઝડપથી કેસમાં વધારો થઈ રહ્યા છે. એક રીતે જોઈએ તો ક્યાંક ચાર ગણા તો ક્યાંક આઠ ગણા, તો કયાંક દસ ગણો વધારો થયો છે. આ બાબત સમગ્ર દુનિયા માટે અને આપણા માટે પણ ચેતવણી સમાન છે. એક ખૂબ મોટો ભયનો સંકેત છે. આપણે લોકોને એ બાબત વારંવાર યાદ અપાવવાની છે કે કોરોના હજુ આપણી વચ્ચેથી ગયો નથી. આપણે ત્યાં ઘણા સ્થળોએ અનૉલક પછીની જે તસવીરો આવી રહી છે તે આ ચિંતામાં મોટો વધારો કરે છે. આ બાબતનો ઉલ્લેખ હમણાં મેં ઉત્તર પૂર્વના બધા સાથીઓ સાથે વાતચિત કરી રહ્યા હતો તેમાં પણ કર્યો હતો. આજે હું ફરીથી ભારપૂર્વક આ બાબતનો પુનરોચ્ચાર કરવા માગુ છું કે આજે જે રાજ્યો આપણી સાથે જોડાયેલાં છે તેમાં ઘણાં મોટો મેટ્રોપોલિટન શહેરો છે. ખૂબ ગીચ વસતી ધરાવતાં શહેરો છે. આપણે એ બાબત પણ ધ્યાનમાં લેવાની રહેશે. સાર્વજનિક સ્થળો પર ભીડ થતી રોકવા માટે આપણે સજાગ, સતર્ક અને કડક થવુ જ પડશે. સરકારની સાથે સાથે અન્ય રાજકીય પક્ષો, સામાજીક સંગઠનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ તથા નાગરિક સમાજને સાથે લઈને આપણે લોકોને સતત જાગૃત કરતા રહેવુ પડશે. મને વિશ્વાસ છે કે આપ સૌનો વ્યાપક અનુભવ આ દિશામાં ખૂબ જ કામ આવશે. આપ સૌએ આ મહત્વની બેઠક માટે જે સમય ફાળવ્યો તેના માટે હું તમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવુ છું. અને જે રીતે આપ સૌ માનનીય મુખ્યમંત્રીઓએ ઉલ્લેખ કર્યો છે તે મુજબ હું હંમેશાં ઉપલબ્ધ છું. આપણી વચ્ચે સંપર્ક જળવાઈ રહેશે. હવે પછી પણ હું હંમેશાં ઉપલબ્ધ રહેવાનો છું કે જેથી આપણે સૌ સાથે મળીને માનવજાતને આ સંકટમાંથી બચાવવાના આ અભિયાનમાં આપણે પોત પોતાનાં રાજ્યોને પણ બચાવી શકીએ. હું તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવુ છું.
ખૂબ ખૂબ ધન્યવાદ !