આપ મહામહિમ અને મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોન, બંને દેશોના પ્રતિનિધિઓ, મીડિયા મિત્રો, નમસ્કાર!
હું સુંદર શહેર પેરિસમાં આ ઉષ્માસભર આવકાર માટે રાષ્ટ્રપતિ મેક્રોનનો આભાર માનું છું. હું ફ્રાંસના લોકોને તેમના રાષ્ટ્રીય દિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવું છું. આ દિવસને વિશ્વમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા મૂલ્યોનું પ્રતીક માનવામાં આવે છે. આ મૂલ્યો આપણા બે લોકશાહી રાષ્ટ્રો વચ્ચેના સંબંધોનો પાયો પણ છે. આજે, હું આ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ગૌરવની લાગણી અનુભવું છું. મને ખુશી છે કે ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય સેનાઓની ટુકડીઓએ આ પ્રસંગે કૃપા અને ગરિમા ઉમેરવા માટે ભાગ લીધો હતો. અમે ભારતીય રાફેલ વિમાનોના ફ્લાયપાસ્ટના સાક્ષી બન્યા, અને અમારું નૌકાદળનું જહાજ પણ ફ્રાન્સના બંદર પર હાજર હતું. સમુદ્ર, જમીન અને હવાઈ ક્ષેત્રમાં આપણો વધતો જતો સહકાર એકસાથે જોવો એ એક અદ્ભુત દૃશ્ય હતું. ગઈકાલે રાષ્ટ્રપતિ મેક્રોને મને ફ્રાંસના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યો હતો. આ સન્માન 1.4 અબજ ભારતીયોનું સન્માન છે.
મિત્રો,
અમે અમારી વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. છેલ્લાં 25 વર્ષનાં મજબૂત પાયા પર નિર્માણ કરીને અમે આગામી 25 વર્ષ માટે એક રોડમેપ તૈયાર કરી રહ્યાં છીએ. આ અંગે સાહસિક અને મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો નક્કી કરવામાં આવી રહ્યા છે. ભારતના લોકોએ પણ આ સમયગાળા દરમિયાન આપણા દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ યાત્રામાં આપણે ફ્રાન્સને એક પ્રાકૃતિક ભાગીદારના રૂપમાં જોઈએ છીએ. આગામી બે દિવસ દરમિયાન અમને પારસ્પરિક હિતના તમામ ક્ષેત્રોમાં સહકાર પર વિસ્તૃત ચર્ચા કરવાની તક મળશે. આપણા આર્થિક સંબંધોને મજબૂત કરવા એ અમારી સહિયારી પ્રાથમિકતા છે.
અમે પુનઃપ્રાપ્ય ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર્સ, સાયબર સુરક્ષા અને ડિજિટલ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા નવી પહેલોની ઓળખ કરી રહ્યા છીએ. ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)ને ફ્રાન્સમાં લોન્ચ કરવા માટે સમજૂતી થઇ છે. અમે બંને દેશોની સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન ઇકોસિસ્ટમને કનેક્ટ કરવા પર ભાર મૂકી રહ્યા છીએ. સમાન વિચારધારા ધરાવતા રાષ્ટ્રો સાથે મળીને, આપણે ટેકનોલોજી સપ્લાય ચેઇનના લોકશાહીકરણ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આબોહવામાં પરિવર્તન અને પર્યાવરણીય સુરક્ષા અમારી સહિયારી અને ટોચની પ્રાથમિકતાઓ છે. આ દિશામાં અમે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની સ્થાપના કરી દીધી છે, જે હવે એક આંદોલન બની ગયું છે. હવે અમારું લક્ષ્ય વાદળી અર્થતંત્ર અને સમુદ્રી શાસન માટેના રોડમેપ પર ઝડપથી કામ કરવાનું છે. અમે સિંગલ-યુઝ પ્લાસ્ટિક સામે સંયુક્ત પહેલ પર સાથે મળીને પ્રગતિ કરીશું. હું ઇન્ડિયન ઓઇલ અને ફ્રાન્સની કંપની ટોટલ વચ્ચે એલએનજી નિકાસ માટે લાંબા ગાળાના કરારને આવકારું છું. આ આપણા સ્વચ્છ ઊર્જા સંક્રમણ લક્ષ્યોને મજબૂત કરશે. ટૂંક સમયમાં અમે ભારત-ફ્રાંસ સીઈઓ ફોરમમાં પણ સહભાગી થઈશું. આર્થિક સહયોગ વધારવા માટે બંને દેશોના બિઝનેસ રિપ્રેઝન્ટેટિવ્સ સાથે ગહન ચર્ચા કરવામાં આવશે.
મિત્રો,
સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર એ આપણા સંબંધોનો એક મજબૂત સ્તંભ છે. તે બંને દેશો વચ્ચેના ઊંડા પારસ્પરિક વિશ્વાસનું પ્રતીક છે. મેક ઇન ઇન્ડિયા અને 'આત્મનિર્ભર ભારત'માં ફ્રાન્સ એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. આજે આપણે વાત કરીશું રક્ષાના ક્ષેત્રમાં ભારતમાં નવી ટેકનોલોજીના સહ-ઉત્પાદન અને સહ-વિકાસ વિશે. સબમરીન હોય કે નૌકાદળના જહાજો, અમે માત્ર આપણી પોતાની જ નહીં, પરંતુ અન્ય મૈત્રીપૂર્ણ દેશોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સાથે મળીને કામ કરવા માંગીએ છીએ. આપણી સંરક્ષણ અવકાશ સંસ્થાઓ વચ્ચે સહકાર વધારવાની શક્યતાઓ છે. અમે ભારતમાં ફ્રાન્સની કંપનીઓ દ્વારા હેલિકોપ્ટર માટે એમઆરઓ સુવિધાઓ, સ્પેરપાર્ટ્સ અને એન્જિનના ઉત્પાદનમાં પ્રગતિ કરી રહ્યા છીએ. અમે આ સંબંધમાં અમારા સહયોગને મજબૂત બનાવીશું. અમે નાગરિક પરમાણુ સહયોગના ક્ષેત્રમાં નાના અને આધુનિક મોડ્યુલર રિએક્ટર્સમાં સહયોગની સંભવિતતા પર ચર્ચા કરીશું. આજે સમગ્ર દેશ ભારતમાં ચંદ્રયાનના સફળ પ્રક્ષેપણને લઈને ઉત્સાહિત છે. આપણા વૈજ્ઞાનિકો દ્વારા આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે અંતરિક્ષનાં ક્ષેત્રમાં લાંબા સમયથી અને ઊંડો સહયોગ છે. અમે તાજેતરમાં જ અમારી અંતરિક્ષ એજન્સીઓ વચ્ચે નવી સમજૂતીઓ કરી છે, જેમાં ઉપગ્રહ પ્રક્ષેપણ સેવાઓની સાથે દરિયા અને જમીનનાં તાપમાન તથા પર્યાવરણ પર નજર રાખવા માટે ત્રિશના ઉપગ્રહનો વિકાસ સામેલ છે. અમે અંતરિક્ષ-આધારિત મેરિટાઇમ ડોમેન જાગરૂકતા જેવા ક્ષેત્રોમાં પણ અમારા સહકારને વિસ્તૃત કરી શકીએ છીએ.
મિત્રો,
ભારત અને ફ્રાન્સ લોકો વચ્ચે ગાઢ અને લાંબા સમયથી સંપર્ક ધરાવે છે. આજની અમારી ચર્ચાઓ આ સંબંધોને વધુ મજબૂત બનાવશે. અમે દક્ષિણ ફ્રાન્સમાં માર્સેલે શહેરમાં એક નવું ભારતીય વાણિજ્ય દૂતાવાસ શરૂ કરીશું. અમે ફ્રાન્સમાં અભ્યાસ કરતા ભારતીય મૂળના લોકોને લાંબા ગાળાના વિઝા આપવાના નિર્ણયને આવકારીએ છીએ. અમે ફ્રેન્ચ યુનિવર્સિટીઓને ભારતમાં તેમના કેમ્પસ સ્થાપિત કરવા આમંત્રણ આપીએ છીએ. દિલ્હીમાં બની રહેલા નવા નેશનલ મ્યુઝિયમની સ્થાપનામાં ફ્રાન્સ ભાગીદાર તરીકે જોડાઈ રહ્યું છે. ભારતના તમામ ખેલાડીઓ આવતા વર્ષે પેરિસમાં યોજાનારા આગામી ઓલિમ્પિકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હું રાષ્ટ્રપતિ મેક્રોન અને તેમની સંપૂર્ણ ટીમને આ કાર્યક્રમના સફળ આયોજન માટે ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
મિત્રો,
આજે આપણે કેટલાક મહત્વપૂર્ણ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરીશું. ઈન્ડો-પેસિફિકમાં નિવાસી સત્તાઓ તરીકે, ભારત અને ફ્રાન્સ આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે વિશેષ જવાબદારી ધરાવે છે. અમે અમારા સહયોગને રચનાત્મક આકાર આપવા માટે ઈન્ડો-પેસિફિક સહયોગ રોડમેપ પર કામ કરી રહ્યા છીએ. બંને પક્ષો ઇન્ડો-પેસિફિક ત્રિકોણીય વિકાસ સહકાર ભંડોળના પ્રસ્તાવ પર પણ ચર્ચામાં રોકાયેલા છે. તેનાથી સમગ્ર વિસ્તારમાં સ્ટાર્ટ-અપ્સ અને નવીનતાને પ્રોત્સાહન આપવા નવી તકોનું સર્જન થશે. અમે ભારતની ઇન્ડો-પેસિફિક ઓશન ઇનિશિયેટિવમાં મેરિટાઇમ રિસોર્સ પિલરનું નેતૃત્વ કરવાના ફ્રાંસના નિર્ણયને આવકારીએ છીએ.
મિત્રો,
કોવિડ -19 રોગચાળાની અસરો અને યુક્રેનમાં સંઘર્ષ વિશ્વભરમાં અનુભવાઈ રહ્યો છે, ખાસ કરીને વૈશ્વિક દક્ષિણના દેશો પર નકારાત્મક અસર સાથે. આ ચિંતાનો વિષય છે. તમામ રાષ્ટ્રોએ એકજૂથ થઈને આ સમસ્યાઓનું સમાધાન શોધવાના પ્રયાસો કરવા જરૂરી છે. અમારું માનવું છે કે તમામ વિવાદોનો ઉકેલ સંવાદ અને કૂટનીતિ દ્વારા લાવવો જોઈએ. ભારત કાયમી શાંતિ પુનઃસ્થાપિત કરવામાં યોગદાન આપવા તૈયાર છે. આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને ફ્રાન્સ હંમેશા સાથે ઉભા રહ્યા છે. અમારું માનવું છે કે સરહદ પારના આતંકવાદને નાબૂદ કરવા નક્કર પગલાં લેવાં જરૂરી છે. બંને દેશો આ દિશામાં સહયોગ વધારવા પર સહમત છે.
રાષ્ટ્રપતિ મેક્રોન,
હું અને તમામ ભારતીયો આ વર્ષે જી-20 સમિટ દરમિયાન ભારતમાં તમારું સ્વાગત કરવા આતુર છીએ. ફરી એક વાર તમારી મિત્રતા અને આતિથ્ય-સત્કાર બદલ તમારો ખૂબ ખૂબ આભાર.