આસામના રાજ્યપાલ શ્રી જગદીશ મુખીજી, આસામના લોકપ્રિય અને ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા વરિષ્ઠ સહયોગી શ્રી સર્બાનંદ સોનોવાલજી, શ્રી રામેશ્વર તેલીજી, દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર શ્રી રતન ટાટાજી, આસામ સરકારમાં મંત્રીશ્રી કેશબ મહંતાજી, અજંતા નિઓગજી, અતુલ બોરાજી, અને આ ધરતીના સંતાન અને ભારતના ન્યાય જગતને જેમણે ઉત્તમ સેવાઓ પૂરી પાડી છે તેવા અને આજે કાયદાઓ બનાવવાની પ્રક્રિયામાં સંસદમાં અમને સાથ આપી રહેલા શ્રીમાન રંજન ગોગોઈજી, શ્રી સાંસદગણ, ધારાસભ્ય ગણ અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!
પ્રોઠોમોટે મોઈ રોંગાલી બિહૂ, આરી ઑસોમિયા નૉબો- બોખાર શુભેચ્છા જોનાઈસુ!
ઉત્સવ અને ઉમંગની આ મોસમમાં આસામની વિકાસની ધારાને ગતિ આપનારો આજે આ ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો છે તેમાં મને પણ ઉમંગ સાથે તમારી સાથે જોડાવાની તક મળી છે. આજ આ ઐતિહાસિક નગરમાંથી આસામના ગૌરવ અને આસામના વિકાસમાં પોતાનું યોગદાન આપનાર આસામના તમામ મહાન સંતોનું સ્મરણ કરતાં હું આદરપૂર્વક તેમને નમન કરૂં છું.
સાથીઓ,
ભારત રત્ન ભૂપેન હઝારિકાનું એક ગીત છે-
બોહાગ માઠો એટિ ઋતુ નોહાય નોહોય બોહાગ એટી માહ
અખોમિયા જાતિર ઈ આયુષ રેખા ગોનો જીયોનેર ઈ ખાહ!
આસામની જીવનરેખાને અમીટ અને પ્રખર બનાવવા માટે અમે દિવસ - રાત તમારી સેવા કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેવા સંકલ્પની સાથે અનેક વખત તમારી વચ્ચે આવવાનુ મન થતું હોય છે. આસામ આજે શાંતિ માટે, વિકાસ માટે સંગઠિત થઈને ઉત્સાહથી ભરેલું છે. અને મેં હમણાં થોડાક વખત પહેલાં જ કાર્બી આંગલોંગમાં જોયુ છે અને તેનો હું અનુભવ પણ કરી રહ્યો છું કે કેવો ઉમંગ, કેવો ઉત્સાહ, કેવા સપના અને કેવો સંકલ્પ દેખાઈ રહ્યો છે.
સાથીઓ,
થોડીવાર પહેલાં જ મેં દિબ્રુગઢમાં નવી બનેલી કેન્સર હોસ્પિટલ અને ત્યાં ઊભી કરવામાં આવેલી સુવિધાઓ પણ જોઈ. આજે અહિંયા આસામમાં 7 નવી કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એક એવો પણ જમાનો હતો કે જ્યારે 7 વર્ષમાં એક હોસ્પિટલ ખૂલે તો પણ ખૂબ મોટો ઉત્સવ માનવામાં આવતો હતો, પણ આજે સમય બદલાઈ ચૂક્યો છે અને એક દિવસમાં, એક રાજ્યમાં 7 હોસ્પિટલ ખૂલી રહી છે અને મને કહેવામાં આવ્યું છે કે વધુ 3 કેન્સર હોસ્પિટલ આગામી થોડાંક મહિનાઓમાં તૈયાર થઈ જશે અને તમારી સેવામાં લાગી જશે. તે સિવાય પણ આજે રાજ્યના 7 નવા આધુનિક હોસ્પિટલના નિર્માણ કાર્યનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. આ હોસ્પિટલોના કારણે આસામના અનેક જિલ્લાઓમાં હવે કેન્સરના ઈલાજની સુવિધામાં વધારો થશે. હોસ્પિટલો આવશ્યક તો છે જ અને સરકાર તેને બનાવી પણ રહી છે, પરંતુ હું થોડીક અલગ શુભકામના આપવા માંગુ છું. હોસ્પિટલો તમારા ચરણોમાં છે, પરંતુ હું એવું નથી ઈચ્છતો કે આસામના લોકોની જિંદગીમાં હોસ્પિટલમાં જવાની મુસીબત આવી પડે. હું તમારા સૌના આરોગ્ય માટે શુભેચ્છા પાઠવું છું. તમારા પરિવારમાંથી કોઈએ પણ હોસ્પિટલમાં જવું ના પડે અને મને આનંદ થશે કે બનાવેલી આપણી તમામ નવી હોસ્પિટલો ખાલી જ રહે, પણ જો જરૂર ઊભી થાય તો કેન્સરના દર્દીઓને અગવડને કારણે મોતનો મુકાબલો કરવાની સ્થિતિ ઊભી થવી જોઈએ નહીં. અને એટલા માટે, તમારી સેવા માટે અમે તૈયાર રહીશું.
ભાઈઓ અને બહેનો,
આસામમાં કેન્સરની સારવાર માટે આટલી વિસ્તૃત, આટલી વ્યાપક વ્યવસ્થા એટલા માટે મહત્વની બની રહે છે, કારણ કે અહિંયા ખૂબ મોટી સંખ્યામાં કેન્સરનું નિદાન થતું રહ્યું છે. માત્ર આસામમાં જ નહીં, ઉત્તર- પૂર્વમાં કેન્સર એક ખૂબ મોટી સમસ્યા બની ગયું છે. તેનાથી સૌથી માઠી અસર આપણાં ગરીબ પરિવારોને થાય છે, ગરીબ ભાઈ- બહેનોને થાય છે. આપણાં મધ્યમ વર્ગના પરિવારોને થાય છે. થોડાંક વર્ષો પહેલાં અહીંયા કેન્સરની સારવાર માટે દર્દીઓએ મોટા મોટા શહેરોમાં જવું પડતું હતું અને તેના કારણે એક ખૂબ મોટો આર્થિક બોજ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર પડતો હતો. ગરીબ અને મધ્યમ વર્ગની આ તકલીફ દૂર કરવા માટે વિતેલા 5થી 6 વર્ષમાં જે પગલાં લેવામાં આવ્યા છે તે બદલ હું પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલજી અને વર્તમાન મુખ્યમંત્રી હિમંતાજી અને ટાટા ટ્રસ્ટને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
આસામ કેર ફાઉન્ડેશન તરીકે કેન્સરની સસ્તી અને અસરકારક સારવાર માટેનું આટલું મોટું નેટવર્ક આપણે ત્યાં તૈયાર થયું છે તે માનવતાની ખૂબ મોટી સેવા છે.
સાથીઓ,
આસામ સહિત સમગ્ર ઉત્તર- પૂર્વમાં કેન્સરના ઘણાં મોટા પડકાર સામે કામ પાર પાડવા માટે કેન્દ્ર સરકાર પણ સતત કોશિશ કરતી રહી છે. રાજધાની ગૌહાટીમાં પણ કેન્સરની સારવાર સાથે જોડાયેલી માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવામાં આવી રહી છે. આ વર્ષના બજેટમાં ઉત્તર- પૂર્વના વિકાસ માટે રૂ.1500 કરોડની એક વિશેષ યોજના PM DevNE માં પણ કેન્સરની સારવાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ કેન્સરની સારવાર માટે એક સમર્પિત વ્યવસ્થા ગૌહાટીમાં તૈયાર કરવામાં આવશે.
ભાઈઓ અને બહેનો,
કેન્સર જેવી ગંભીર બીમારીઓ એક પરિવાર તરીકે અને એક સમાજ તરીકે આપણને ભાવનાત્મક રીતે અને આર્થિક સ્વરૂપે વધુ કમજોર બનાવી દે છે. એટલા માટે વિતેલા 7 થી 8 વર્ષમાં દેશમાં આરોગ્ય માટે ખૂબ મોટાપાયે અને વ્યાપક સ્વરૂપે કામ કરવામાં આવી રહ્યું છે. અમારી સરકારે 7 વિષયો ઉપર એટલે કે કહી શકાય કે- સ્વાસ્થ્યના સપ્તઋષિ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
અમારો પ્રથમ પ્રયાસ એવો રહ્યો છે કે બીમાર થવા માટેની સ્થિતિ ઊભી જ થાય નહીં તે માટે પ્રિવેન્ટીવ હેલ્થ કેર ઉપર અમારી સરકાર ખૂબ મોટા પાયે ભાર મૂકી રહી છે. આ યોગ, ફિટનેસ, સ્વચ્છતા જેવા અનેક કાર્યક્રમો તે માટે ચલાવવામા આવી રહ્યા છે અને બીજું જો બીમારી આવી જ ગઈ તો તેની જાણ શરૂઆતના ગાળામાં થઈ શકે તે માટે સમગ્ર દેશમાં નવા ટેસ્ટીંગ સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. અમારૂ ત્રીજું ધ્યાન એ તરફ છે કે લોકોને તેમના ઘરની નજીક જ પ્રાથમિક સારવાર માટે બહેતર સુવિધા પ્રાપ્ત થાય અને તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સમગ્ર દેશમાં વેલનેસ સેન્ટર તરીકે એક નવી તાકાત સાથે તેના નેટવર્કને આગળ વધારવામાં આવી રહ્યુ છે. અમારો ચોથા પ્રયાસ એ છે કે ગરીબોને સારામાં સારી હોસ્પિટલમાં મફત સારવાર મળે તે માટે આયુષમાન ભારત જેવી યોજનાઓ હેઠળ રૂ.5 લાખ સુધીનો મફત ઈલાજ આજે ભારત સરકાર તરફથી કરવામાં આવી રહ્યો છે.
સાથીઓ,
અમારૂં પાંચમુ ધ્યાન એ બાબત ઉપર છે કે સારી સારવાર માટે મોટા શહેરો પરનો આધાર ઓછામાં ઓછો રહે અને તે માટે આરોગ્ય અંગેની માળખાકીય સુવિધાઓ અંગે અમારી સરકાર અભૂતપૂર્વ મૂડીરોકાણ કરી રહી છે. અમે જોયું છે કે આઝાદી પછી જેટલી પણ સારી હોસ્પિટલ બની છે તે મોટા મોટા શહેરોમાં જ બન્યા છે. થોડી પણ તબિયત બગડે તો મોટા શહેરોમાં જવું પડે, આવું જ બનતું હોય છે, પણ વર્ષ 2014 પછી અમારી સરકાર આ સ્થિતિને બદલવામાં લાગી ગઈ છે. વર્ષ 2014 પહેલાં દેશમાં માત્ર 7 એઈમ્સ હતા. એમાંથી પણ એક દિલ્હીની એઈમ્સને બાદ કરતાં એમબીબીએસનો અભ્યાસ ક્યાંય થતો ન હતો. ક્યાંય ઓપીડી શરૂ થતી ન હતી. કેટલાક એઈમ્સ અધુરા બનેલા પડ્યા હતા. અમે આ બધી સ્થિતિમાં સુધારો કરવા માટે દેશમાં 16 નવા એઈમ્સ તૈયાર કરવાની જાહેરાત કરી. એઈમ્સ ગૌહાટી પણ એમાંનું એક છે. અમારી સરકાર દેશના દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ ચોક્કસપણે હોય તેવા ધ્યેય સાથે કામ કરી રહી છે. વર્ષ 2014 પહેલાં દેશમાં 387 મેડિકલ કોલેજો હતી અને હવે તેની સંખ્યા વધીને લગભગ 600 સુધી પહોંચી છે.
સાથીઓ,
અમારી સરકારનુ છઠ્ઠું ધ્યાન એ બાબત પર છે કે ડોક્ટરોની સંખ્યામાં વધુને વધુ વધારો કરવામાં આવે. વિતેલા 7 વર્ષમાં એમબીબીએસ અને પોસ્ટ ગ્રેજ્યુએટસ માટે 70,000થી વધુ નવી બેઠકો જોડવામાં આવી છે. અમારી સરકારે 5 લાખ કરતાં વધુ આયુષ ડોક્ટરોને પણ એલોપેથિક ડોક્ટરોની સમકક્ષ માન્યા છે અને તેનાથી ભારતમાં ડોક્ટરો અને દર્દીઓની વચ્ચેનો ગુણોત્તર પણ સુધર્યો છે. તાજેતરમાં જ સરકારે એક મોટો નિર્ણય કર્યો છે અને સરકારે નક્કી કર્યું છે કે ખાનગી મેડિકલ કોલેજોમાં 50 ટકા બેઠકો પર એટલી જ ફી લેવામાં આવે કે જેટલી કોઈપણ સરકારી મેડિકલ કોલેજમાં લેવામાં આવી રહી છે. આનો ફાયદો હજારો નવયુવાનોને મળી રહ્યો છે. દેશની આઝાદી પછી જેટલા ડોક્ટર બન્યા, અમારી સરકારના પ્રયાસોથી હવે તે કરતાં પણ વધુ ડોક્ટર હવે પછીના 10 વર્ષમાં તૈયાર થવાના છે.
સાથીઓ,
અમારી સરકારનું સાતમું ધ્યાન આરોગ્ય સેવાઓના ડિજિટાઈઝેશન તરફ છે. સરકારની એવી કોશિશ રહી છે કે સારવાર માટે લાંબી લાંબી લાઈનોમાંથી મુક્તિ મળે. ઈલાજના નામે પડી રહેલી તકલીફોમાંથી મુક્તિ મળે. આ માટે એક પછી એક યોજનાઓ લાગુ કરવામાં આવી રહી છે. અમારો એ પ્રયત્ન રહ્યો છે કે કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ સમગ્ર દેશના નાગરિકોને, દેશમાં કોઈપણ સ્થળે મળી શકે અને તે માટે કોઈ બંધન હોવું જોઈએ નહીં. આ જ તો વન નેશન, વન હેલ્થ ની ભાવના છે. તે કારણે 100 વર્ષની સૌથી મોટી મહામારીમાં પણ દેશની સંભાળ લઈ શકાઈ છે. પડકાર સાથે કામ પાર પાડવાની તાકાત પ્રાપ્ત થઈ છે.
સાથીઓ,
કેન્દ્ર સરકારની યોજનાઓ દેશમાં કેન્સરની સારવારને સુલભ અને સસ્તી બનાવી રહી છે. અમારી સરકારે મહત્વનો વધુ એક નિર્ણય એ કર્યો છે કે ગરીબોના દીકરા- દીકરીઓ શા માટે ડોક્ટર બની શકે નહીં. ગામમાં રહેનારૂં બાળક કે જેને જીવનમાં અંગ્રેજીમાં ભણવાની તક મળી નથી તે પણ ડોક્ટર શા માટે ના બની શકે. અને એટલા માટે જ હવે ભારત સરકાર તે દિશામાં આગળ ધપી રહી છે, કે જે પોતાની માતૃભાષામાં, સ્થાનિક ભાષામાં તબીબી અભ્યાસ કરવા માંગતા હોય તેમના માટે સરકારી સુવિધાઓ ઊભી કરવામાં આવે કે જેથી ગરીબનું બાળક પણ ડોક્ટર બની શકે.
વિતેલા વર્ષોમાં કેન્સરની જરૂર એવી દવાઓ છે કે જેની કિંમતો આશરે અડધી થઈ ગઈ છે. દર વર્ષે તેનાથી કેન્સરના દર્દીઓના આશરે રૂ.1000 કરોડ બચી રહ્યા છે. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોના માધ્યમથી 900 કરતાં વધુ દવાઓ સસ્તી મળી રહી છે, જે દવાઓ રૂ.100માં મળતી હતી તે હવે રૂ.10 અને રૂ.20માં મળતી થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાંથી અનેક દવાઓ કેન્સરની સારવાર સાથે જોડાયેલી છે. આ સુવિધાને કારણે પણ દર્દીઓના સેંકડો કરોડ રૂપિયા બચી રહ્યા છે. કોઈ પરિવારમાં વૃધ્ધ માતા- પિતા હોય, ડાયાબિટીસ જેવી બીમારી હોય તો મધ્યમ વર્ગ, નિમ્ન મધ્યમ પરિવારને એક મહિનાનું રૂ.1000, રૂ.1500, રૂ.2000ની દવાઓનો ખર્ચ થતો હોય છે. જનૌષધિ કેન્દ્રમાં આ ખર્ચ રૂ.80, રૂ.90, કે રૂ.100માં પૂરો થઈ શકે તે માટેની અમે ચિંતા કરી છે. અને આટલું જ નહીં, આયુષમાન યોજના હેઠળ લાભ મેળવનાર લોકોની ઘણી મોટી સંખ્યા કેન્સરના દર્દીઓની પણ છે. જ્યારે આ યોજના ન હતી ત્યારે ઘણાં બધા ગરીબ પરિવારો કેન્સરનો ઈલાજ કરાવવાથી દૂર રહેતા હતા. તે એવું વિચારતા હતા કે જો હોસ્પિટલમાં જઈશું તો દીકરાએ દેવું કરવું પડશે અને આ ઋણ મારા સંતાનોએ ભોગવવું પડશે. વૃધ્ધ માતા- પિતા મરવાનું પસંદ કરતા હતા, પણ બાળકો ઉપર બોજ બનવાનું પસંદ કરતા ન હતા. હોસ્પિટલમાં જતા ન હતા અને સારવાર કરાવતા ન હતા. ગરીબ માતા- પિતા જો સારવારના અભાવે મૃત્યુ પામે તો અમે શું કામ માટે છીએ, ખાસ કરીને અમારી માતાઓ અને બહેનો તો ઈલાજ પણ કરાવી શકતી ન હતી. તે જોતી હતી કે સારવાર કરવા માટે દેવું કરવું પડે છે, ઘર અને જમીન વેચવી પડતી હોય છે. આપણી માતાઓ, બહેનો અને દીકરીઓને આ ચિંતામાંથી મુક્ત કરવાનું કામ પણ અમારી સરકારે કર્યું છે.
ભાઈઓ અને બહેનો,
આયુષમાન ભારત યોજના મારફતે માત્ર મફત ઈલાજ મળી રહ્યો છે એટલું જ નહીં, પણ કેન્સર જેવી ગંભીર બીમારીઓનું શરૂઆતના ગાળામાં જ નિદાન કરવામાં મદદ મળી રહી છે. આસામ સહિત સમગ્ર દેશમાં હેલ્થ અને વેલનેસ સેન્ટર ખૂલી રહ્યા છે. તેમાં 15 કરોડ કરતાં વધુ સાથીઓની કેન્સર સાથે જોડાયેલી તપાસ થઈ ચૂકી છે. કેન્સરની સ્થિતિમાં તો તે ખૂબ જ જરૂરી છે કે વહેલામાં વહેલી તકે બીમારીની જાણ થાય અને તેના કારણે બીમારી ગંભીર બનતી રોકી શકાય છે.
સાથીઓ,
દેશમાં તબીબી માળખાગત સુવિધાઓને મજબૂત કરવા માટેનું જે અભિયાન ચાલી રહ્યું છે તેનો લાભ પણ આસામને મળી રહ્યો છે. હિમંતાજી અને તેમની ટીમ દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવાના રાષ્ટ્રીય સંકલ્પ માટે પ્રશંસનીય પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે એ બાબતની ખાત્રી રાખી છે કે ઓક્સિજનથી માંડીને વેન્ટીલેટર સુધીની તમામ સુવિધાઓ આસામમાં સતત વધતી રહે. ક્રિટીકલ કેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર આસામમાં ઝડપથી શરૂ કરી શકાય તે માટે આસામ સરકારે બહેતરીન કામ કરવાની દિશામાં અનેક કદમ ઉઠાવ્યા છે.
ભાઈઓ અને બહેનો,
કોરોનાના સંક્રમણ સામે દેશ અને દુનિયા સતત લડત આપી રહી છે. ભારતમાં રસીકરણ અભિયાનનો વ્યાપ ઘણો વધી ગયો છે. હવે તો બાળકો માટે પણ અનેક રસી મંજૂર કરવામાં આવી છે. પ્રિકોશન ડોઝ માટે પણ મંજૂરી આપવામાં આવી છે. હવે તમારા સૌની એ જવાબદારી રહે છે કે સમયસર પોતે પણ રસી લગાવડાવે અને બાળકોને પણ સુરક્ષા કવચ પૂરૂં પાડે.
સાથીઓ,
કેન્દ્ર અને આસામ સરકાર ચાના બગીચામાં કામ કરતા લાખો પરિવારોને બહેતર જીવન પ્રાપ્ત થાય તે માટે સંપૂર્ણ પ્રામાણિકતા સાથે સામે લાગેલી છે. મફત રાશનથી માંડીને હર ઘર જલ યોજના હેઠળ જે પણ સુવિધાઓ પ્રાપ્ત થાય છે તેને આસામ સરકાર ઝડપથી ચાના બગીચાઓ સુધી પહોંચાડી રહી છે. શિક્ષણ અને રોજગારીની તકોને બહેતર બનાવવા માટે પણ સતત કોશિશ કરવામા આવી રહી છે. વિકાસના લાભથી સમાજની કોઈપણ વ્યક્તિ, કોઈપણ પરિવાર બાકી રહી જાય નહીં તે અમારો પ્રયાસ છે, તે અમારો સંકલ્પ છે.
ભાઈઓ અને બહેનો,
આજે વિકાસની જે ધારા લઈને અમે ચાલી રહ્યા છીએ તેમાં જન કલ્યાણના વ્યાપને અમે ખૂબ જ વિસ્તૃત બનાવી દીધો છે. પહેલાં કેટલીક જ સબસિડીને જનકલ્યાણ સાથે જોડવામાં આવી રહી હતી. માળખાગત સુવિધાઓને, કનેક્ટિવિટીની યોજનાઓને કલ્યાણ સાથે જોડીને જોવામાં આવતી ન હતી. જ્યારે હવે બહેતર કનેક્ટિવિટીના અભાવે જન સુવિધાઓની ડિલિવરી મુશ્કેલ બનતી હતી તે સ્થિતિને છોડીને, વિતેલી સદીની સ્થિતિને પાછળ છોડીને દેશ હવે આગળ વધી રહ્યો છે. આજે તમે જોઈ શકો છો કે આસામના દૂર દૂરના વિસ્તારોમાં સડકો બની રહી છે. બ્રહ્મપુત્રા નદી પણ પૂલ બની રહ્યા છે, રેલવે નેટવર્ક મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. આ બધાથી શાળાઓ, કોલેજો અને હોસ્પિટલ બનાવવાનું કામ ખૂબ જ આસાન થઈ ગયું છે. રોજી- રોટી માટે પણ અનેક નવી તકો ખૂલી રહી છે. ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ બચત થઈ રહી છે. આજે ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ મોબાઈલની સુવિધા પ્રાપ્ત થઈ રહી છે અને ઈન્ટરનેટ સાથે જોડવામાં આવી રહ્યો છે. આ કારણે તેને સરકારની તમામ સેવા મેળવવાનું આસાન બન્યુ છે અને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળી રહી છે.
ભાઈઓ અને બહેનો,
સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસની વિચારધારા સાથે અમે આસામ અને દેશમાં વિકાસને ગતિ આપવાના કામમાં જોડાઈ ગયા છીએ. અમારો એવો પ્રયત્ન રહ્યો છે કે આસામની કનેક્ટિવિટી મજબૂત બને. અહિંયા મૂડીરોકાણ માટે નવી તકો પ્રાપ્ત થાય. આસામમાં મૂડીરોકાણ કરવા માટે અનેક સંભાવનાઓ છે. આ સંભાવનાઓને આપણે તકના સ્વરૂપમાં બદલવાની જરૂર છે. ચા હોય, ઓર્ગેનિક ખેતી હોય, ઓઈલ સાથે જોડાયેલ ઉદ્યોગ હોય કે પછી પ્રવાસન હોય. આસામના વિકાસને અમારે નવી બુલંદી સુધી લઈ જવાનો છે.
સાથીઓ,
આજની આસામની મારી આ યાત્રા મારા માટે ખૂબ જ યાદગાર છે. એક તરફ હું એવા લોકોને મળીને આવ્યો છું કે જે બોમ્બ અને બંદૂકનો રસ્તો છોડીને, શાંતિના પંથે, વિકાસની ધારામાં જોડાવા માંગે છે અને હવે હું તમારા લોકોની વચ્ચે છું.
જે બીમારીના કારણે જિંદગીમાં ઝઝૂમવું ના પડે અને તેમની સુખ- શાંતિની વ્યવસ્થા થાય અને તેમાં તમે પણા આશીર્વાદ આપવા માટે આવ્યા છો. બિહુ સ્વયં સૌથી મોટો ઉમંગનો ઉત્સવનો તહેવાર છે. અને આજે હજારો માતાઓ અને બહેનોને, આસામમાં હું ઘણાં વર્ષોથી આવી રહ્યો છું, કદાચ કોઈ બિહું એવો હશે કે જ્યારે આસામમાં તે સમયે મારો પ્રવાસ યોજાયો ના હોય, પણ આજે મેં આટલી મોટી સંખ્યામાં એક સાથે માતાઓ અને બહેનોને બિહુમાં ઝૂમતા જોયા છે. આ પ્રેમ માટે હું, આ આશીર્વાદ માટે અને ખાસ કરીને આસામની માતાઓ અને બહેનોને પ્રણામ કરૂં છું. તેમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું.
સાથીઓ,
ફરી એક વખત રતન ટાટાજી ખુદ અહિંયા પહોંચ્યા, તેમનો સંબંધ ત્યારથી શરૂ થયો અને ચાહત સુધી લંબાયો છે અને આજે તમારા ઉત્તમ આરોગ્ય માટે પણ તે આપણી સાથે જોડાયા છે. હું તેમનું પણ સ્વાગત કરતાં ફરી એક વખત આપ સૌને આ નવી સુવિધાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.
મારી સાથે પૂરી તાકાતથી બોલો-
ભારત માતા કી જય!
ભારત માતા કી જય!
ભારત માતા કી જય!
ખૂબ ખૂબ ધન્યવાદ!