મહામારી દરમિયાન તબીબોની સેવાઓ અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પી
આરોગ્ય ક્ષેત્રનું બજેટ બમણું કરીને રૂ. 2 લાખ કરોડથી વધુનું થયું છે: પ્રધાનમંત્રી
આપણા તબીબો એમના અનુભવ અને કુશળતા સાથે આ નવા અને ઝડપથી મ્યુટેટ થતાં વાયરસનો સામનો કરી રહ્યા છે: પ્રધાનમંત્રી
સરકાર તબીબોની સલામતી માટે કટિબદ્ધ છે: પ્રધાનમંત્રી
યોગના લાભો અંગે પુરાવા આધારિત અભ્યાસો માટે આહ્વાન કર્યું
માહિતી એકત્ર કરી દસ્તાવેજીકરણની અગત્યતા પર ભાર, કોવિડ મહામારી વિગતવાર દસ્તાવેજીકરણ માટે સારું આરંભબિંદુ બની શકે છે

નમસ્કાર,

આપ સૌને નેશનલ ડોકટર્સ ડે પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ડો. બી સી રોયની યાદમાં મનાવાઈ રહેલો આ દિવસ આપણાં ડોકટરોના, આપણા તબીબી સમુદાયના ઉચ્ચતમ આદર્શોનું પ્રતિક છે. ખાસ કરીને વિતેલાં દોઢ વર્ષમાં આપણાં ડોકટરોએ જે રીતે દેશવાસીઓની સેવા કરી છે તે સ્વયં એક ઉદાહરણ છે. હું 130 કરોડ દેશવાસીઓ તરફથી તમામ ડોકટરોને ધન્યવાદ પાઠવું છું. તેમનો આભાર વ્યક્ત કરૂં છું.

સાથીઓ,

ડોકટરોને ભગવાનના બીજા સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે તે એમ જ કહેવામાં આવતું નથી. ઘણાં લોકો એવા હશે કે જેમનું જીવન સંકટમાં મૂકાયું હોય, કોઈ બીમારી કે દુર્ઘટનાનો ભોગ બન્યા હોય  ત્યારે આપણને લાગતું હોય છે કે આપણે પોતાના માણસને ખોઈ બેસીશું? પરંતુ આપણા ડોકટરો આવી સ્થિતિમાં કોઈ દેવદૂતની જેમ જીવનની દિશા બદલી દેતા હોય છે. આપણને એક નવું જીવન આપતા હોય છે.

સાથીઓ,

આજે દેશ જ્યારે કોરોના સામે આટલી મોટી લડત લડી રહયો છે ત્યારે ડોકટરોએ દિવસ-રાત મહેનત કરીને લોકોના જીવ બચાવ્યા છે. આવું પુણ્યનુ કામ કરતાં કરતાં અનેક ડોકટરોએ પોતાનો જીવ પણ ન્યોચ્છાવર કરી દીધો છે. હું જીવનની આહુતિ આપનારા તમામ ડોકટરોને વિનમ્ર શ્રધ્ધાંજલિ અર્પણ કરૂં છું અને તેમના પરિવારો તરફ સંવેદના વ્યક્ત કરૂં છું.

સાથીઓ,

કોરોના સામેની લડાઈમાં જેટલા પણ પડકારો આવ્યા, આપણાં ડોકટરોએ, વૈજ્ઞાનિકોએ  તેનો ઉપાય શોધી કાઢ્યો છે, અસરકારક દવાઓ બનાવી છે. આજે આપણા ડોકટરો જ કોરોના પ્રોટોકોલ બનાવી રહયા છે અને તેને લાગુ કરવામાં મદદ કરી રહયા છે. આ વાયરસ નવો છે, એમાં નવાં નવાં મ્યુટેશન સમજીને સાથે મળીને સામનો કરી રહયા છે. આટલા દાયકામાં જે પ્રકારની તબીબી માળખાકીય સુવિધાઓનું દેશમાં નિર્માણ થયુ છે તેની સિમાઓ તમે સારી રીતે જાણો છો. અગાઉના સમયમાં તબીબી માળખાકીય સુવિધાઓ બાબતે કેવી બેપરવાહી દાખવવામાં આવતી હતી તેનાથી તમે પરિચિત છો. આપણા દેશમાં વસતિનું દબાણ આ પડકારને વધુ કપરો બનાવી દે છે. આવી સ્થિતિ છતાં પણ કોરોના વચ્ચે દર લાખની વસતીએ કોરોનાના સંક્રમણને તપાસીએ તો મૃત્યુ દર તપાસીએ તો, ભારતની સ્થિતિ મોટા મોટા વિકસિત અને અનેક સમૃધ્ધ દેશોની તુલનામાં સારી સંભાળ લેવાઈ છે. કોઈના જીવનનું કસમયે સમાપ્ત થવું તે એટલુ જ દુઃખદ છે, પણ ભારતમાં કોરોનાથી લાખો લોકનુ જીવન બચાવાયુ છે. તેનો ઘણો મોટો યશ આપણા પરિશ્રમી ડોકટરો, આપણા હેલ્થકેર વર્કર્સ અને આપણાં ફ્રન્ટલાઈન વર્કર્સને મળે છે.

સાથીઓ,

એ આપણી સરકાર છે કે જેણે આરોગ્ય સુવિધાઓ પર સૌથી વધુ ભાર મૂક્યો છે. ગયા વર્ષે પ્રથમ લહેર દરમ્યાન આશરે રૂ.15 હજાર કરોડ આરોગ્ય ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યા હતા. તેનાથી આપણાં આરોગ્ય ક્ષેત્રની માળખાકીય સુવિધાઓ વધારવામાં સહાય થઈ હતી. આપણાં આરોગ્ય ક્ષેત્ર માટે બજેટની ફાળવણી બે ગણાં કરતાં પણ વધારે એટલે કે રૂ.બે લાખ કરોડ કરતાં પણ વધુ કરવામાં આવી છે. આપણે આવાં ક્ષેત્રોમાં આરોગ્ય ક્ષેત્રની માળખાકીય સુવિધાઓ મજબૂત કરવા માટે રૂ.50,000 કરોડની ક્રેડીટ ગેરંટી લાઈન  લાવ્યા છીએ.  જ્યાં આરોગ્યની સુવિધાઓની અછત છે ત્યાં તેનો ઉપયોગ કરવામાં આવશે. આપણે બાળકો માટેની આરોગ્ય ક્ષેત્રની માળખાકીય સુવિધાઓ મજબૂત કરવા માટે પણ રૂ. 22 હજાર કરોડ કરતાં પણ વધુ રકમની ફાળવણી કરી છે. આજે દેશમાં ઝડપથી નવાં એઈમ્સ ખોલવામાં આવી રહયાં છે. નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવી રહી છે. આધુનિક હેલ્થ ઈનફ્રાસ્ટ્રકચર ઉભુ કરવામાં આવી રહ્યુ છે. વર્ષ 2014 સુધીમાં દેશમાં માત્ર 6 એઈમ્સ હતાં. ત્યાં આ સાત વર્ષમાં 15 નવાં એઈમ્સ માટે કામ શરૂ કરવામાં આવ્યું છે. મેડિકલ કોલેજોની સંખ્યા આશરે દોઢ ગણી વધી છે અને એનું પરિણામ એ આવ્યું છે કે આટલા ઓછા સમયમાં પૂર્વ સ્નાતક વિદ્યાર્થીઓની બેઠકોમાં દોઢ ગણા કરતાં વધુ વધારો થયો છે. પૂર્વ સ્નાતક બેઠકોમાં 80 ટકા જેટલો વધારો થયો છે એટલે કે અહીં સુધી પહોંચવા માટે અમારે જે સંઘર્ષ કરવો પડ્યો હતો તે તકલીફો આપણાં યુવાનોએ, આપણાં બાળકોએ ઉઠાવવી નહીં પડે. દૂર દૂરના ક્ષેત્રોમાં પણ આપણે વધુને વધુ યુવાનોને ડોક્ટર બનવાની તક પૂરી પાડી રહ્યા છીએ, તેમની પ્રતિભાને, તેમના સપનાંને એક નવી ઉડાન પ્રાપ્ત થશે. તબીબી ક્ષેત્રે થઈ રહેલા આ પરિવર્તનની વચ્ચે ડોક્ટરોની સુરક્ષા માટે પણ સરકારે કટિબધ્ધ છે. આપણી સરકારે ડોક્ટરો સાથે થઈ રહેલી હિંસાને રોકવા માટે ગયા વર્ષે જ અનેક આકરા કાયદાઓની જોગવાઈ કરી છે. તેની સાથે સાથે આપણે કોરોના વૉરિયર્સ માટે ફ્રી વીમા સુરક્ષાની યોજના લઈ આવ્યા છીએ.

સાથીઓ,

કોરોના વિરૂધ્ધ દેશની લડાઈ હોય કે પછી તબીબી વ્યવસ્થા સુધારવા માટે દેશનું લક્ષ્ય હોય એમાં આપ સૌ મહત્વની ભૂમિકા અદા કરી રહ્યા છો. ઉદાહરણ તરીકે વાત કરૂં તો આપ સૌએ પ્રથમ તબક્કામાં વેક્સીન લગાવડાવી તેથી દેશમાં રસી બાબતે ઉત્સાહ અને વિશ્વાસ અનેકગણો વધી ગયો છે. આ રીતે જ્યારે તમે લોકો કોરોના અંગે યોગ્ય વર્તણુંકનું પાલન કરવા માટે કહો છો ત્યારે લોકો સંપૂર્ણ શ્રધ્ધા સાથે તેનું પાલન કરતા હોય છે. હું ઈચ્છા રાખું છું કે તમે તમારી ભૂમિકા વધુ સક્રિયતાથી નિભાવો અને પોતાની કામગીરીનો વ્યાપ વધુ વિસ્તારો.

સાથીઓ,

આ દિવસોમાં આપણે એક સારી બાબત જોઈ છે અને તે છે તબીબી આલમના લોકોમાં યોગ બાબતે જાગૃતિ ફેલાવવા માટે તે ખૂબ આગળ આવ્યા છો. યોગનો પ્રચાર અને પ્રસાર કરવામાં આઝાદી પછી જે કામ વિતેલી સદીમાં કરવું જોઈતું હતું તે કામ અત્યારે થઈ રહ્યું છે. કોરોના કાળમાં  યોગ અને પ્રાણાયામનો  સોકોના આરોગ્ય ઉપર હકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે. કોરોના પછીની જટિલતાઓ સાથે કામ પાર પાડવા માટે યોગ જે રીતે મદદ કરી રહ્યો છે તેના કારણે આધુનિક તબીબી વિજ્ઞાન સાથે જોડાયેલી અનેક સંસ્થાઓ પૂરાવા આધારિત અભ્યાસો કરાવી રહી છે. આ અંગે તમારામાંથી ઘણાં બધા લોકો સમય આપી રહ્યા છે.

સાથીઓ,

તમે લોકો તબીબી વિજ્ઞાનને જાણો છો, નિષ્ણાત છો, સ્પેશ્યાલિસ્ટ છો અને એક ભારતીયને યોગનું મહત્વ સમજાવવાનું તમે આસાન બનાવી શકો તેમ છો. તમે લોકો જ્યારે યોગના અભ્યાસ કરો છો ત્યારે સમગ્ર દુનિયા તેને ખૂબ ગંભીરતાથી લે છે. ઈન્ડીયન મેડિકલ એસોસિએશન તેને મિશન મોડમાં આગળ વધારી શકશે. યોગ અંગે પૂરાવા આધારિત અભ્યાસોને વૈજ્ઞાનિક પધ્ધતિથી આગળ લઈ જઈ શકશે. એક પ્રયાસ એવો પણ થઈ રહ્યો છે કે યોગ પરના અભ્યાસોને આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં પ્રકાશિત કરવામાં આવે અને તેનો પ્રચાર કરવામાં આવે. મને વિશ્વાસ છે કે આ અભ્યાસો દુનિયાભરના ડોક્ટરોને પોતાના દર્દીઓને યોગ અંગે જાગૃત કરવા માટે પ્રોત્સાહિત કરશે.

સાથીઓ,

જ્યારે પરિશ્રમ, પ્રતિભા અને કૌશલ્યની વાત કરવામાં આવે છે ત્યારે તમારો કોઈ મુકાબલો કરી શકે તેમ નથી. હું તમને અનુરોધ કરવા ઈચ્છું છું કે તમે તેના પર પૂરતું ધ્યાન આપીને પોતાના અનુભવોનું દસ્તાવેજીકરણ કરતા રહો. દર્દીઓ સાથેના તમારા અનુભવોનું દસ્તાવેજીકરણ ખૂબ જ મહત્વનું છે. સાથે સાથે દર્દીઓના લક્ષણો, સારવારનું આયોજન અને તેના પ્રતિભાવનું પણ વિસ્તૃત દસ્તાવેજીકરણ થવું જોઈએ. આ એક સંશોધન અભ્યાસ તરીકે પણ થઈ શકે તેમ છે, જેમાં ભિન્ન પ્રકારની દવાઓ અને સારવારની અસરો અંગે નોંધ લેવામાં આવી હોય. જેટલી મોટી સંખ્યામાં તમે દર્દીઓની સેવા અને સંભાળ લઈ રહ્યા છો તે મુજબ તમે અગાઉથી જ દુનિયામાં સૌથી આગળ છો. આ સમય એવું પણ નક્કી કરવાનો છે કે તમારા કામનો, તમારા વૈજ્ઞાનિક અભ્યાસોની દુનિયા નોંધ લે અને આવનારી પેઢીને પણ તેનો લાભ મળે. તેનાથી દુનિયાને તબીબી વિજ્ઞાન સાથે જોડાયેલા અનેક જટિલ સવાલોને સમજવમાં આસાની થશે અને તેના ઉપાય માટેની દિશા પણ પ્રાપ્ત થશે. કોરોના મહામારી તેના માટે એક સારો સ્ટાર્ટીંગ પોઈન્ટ બની શકે તેમ છે. જે રીતે વેક્સીન આપણી મદદ કરી રહી છે, તેવી જ રીત વહેલા નિદાન માટેનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે અને ચોક્કસ સારવાર જે રીતે આપણને સહાયરૂપ થઈ રહી છે, શું આ બધી બાબતો અંગે આપણે વધુ અભ્યાસ કરી શકીએ તેમ છીએ. વિતેલી શતાબ્દિમાં જ્યારે મહામારી આવી હતી ત્યારે આજના જેવું દસ્તાવેજીકરણ વધુ ઉપલબ્ધ ન હતું. આજે આપણી પાસે ટેકનોલોજી પણ છે અને આપણે કોવિડનો જે રીતે સામનો કર્યો તેના પ્રેક્ટીકલ અનુભવોનું દસ્તાવેજીકરણ કરીશું તો આવનારા ભવિષ્યમાં સમગ્ર માનવજાત માટે તે ખૂબ જ ઉપયોગી નિવડશે. તમારો આ અનુભવ તબીબી સંશોધનને એક નવી દિશા પણ આપશે. અંતમાં, હું કહીશ કે તમારી સેવા, તમારો શ્રમ ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ ના આપણાં સંકલ્પને અવશ્ય સિધ્ધ કરશે. આપણો દેશ કોરોના ઉપર પણ વિજય મેળવશે અને વિકાસના નવા પરિમાણો હાંસલ કરશે તેવી શુભેચ્છા સાથે તમારો ખૂબ ખૂબ આભાર!

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi