તમારા બધા સાથે વાત કરીને મને ખૂબ સારું લાગ્યું. દર વર્ષે મારો આ પ્રયાસ રહે છે કે તમારા જેવા યુવાન સાથીઓ સાથે વાતચીત કરું, તમારા વિચારોને સતત જાણતો રહું. તમારી વાતો, તમારા પ્રશ્નો, તમારી ઉત્સુકતા મને પણ ભવિષ્યના પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે.
સાથીઓ,
આ વખતની આ ચર્ચા એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત દેશ પોતાની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. આ વર્ષની 15મી ઓગસ્ટની તારીખ, તેની સાથે સાથે આઝાદીની 75મી વર્ષગાંઠનો અવસર લઈને આવી રહી છે. છેલ્લા 75 વર્ષમાં ભારતે એક બહેતર પોલીસ સેવાના નિર્માણનો પ્રયાસ કર્યો છે. પોલીસની તાલીમ સાથે સંકળાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ તાજેતરના વર્ષોમાં ઘણો સુધારો આવ્યો છે. આજે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું તો એ યુવાનોને જોઈ રહ્યો છું જે આગામી 25 વર્ષ સુધી ભારતની કાનૂની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામા સહભાગી થશે. આ ઘણી મોટી જવાબદારી છે. આથી જ હવે એક નવો પ્રારંભ, એક નવા સંકલ્પના ઇરાદા સાથે આગળ ધપવાનું છે.
સાથીઓ,
મને ખાસ જાણકારી તો નથી કે તમારામાંથી કેટલા લોકો દાંડી ગયા છે અથવા તો તમારામાંથી કેટલાયે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી છે પરંતુ હું તમને 1930ની દાંડી યાત્રાની યાદ અપાવવા માગું છું. ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહના જોરે અંગ્રેજી શાસનના પાયા હચમચાવી નાખવાની વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે સાધન ન્યાયપૂર્ણ અને યોગ્ય હોય છે તો ભગવાન પણ સાથ આપવા માટે ઉપસ્થિત થઈ જતા હોય છે.
સાથીઓ,
એક નાનકડા જૂથને સાથે લઈને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમથી નીકળી પડ્યા હતા. એક એક દિવસ પસાર થતો ગયો તેમ તેમ જે લોકો જ્યાં હતા ત્યાંથી મીઠાના સત્યાગ્રહ સાથે સંકળાતા ગયા. 24 દિવસ બાદ જ્યારે ગાંધીજીએ દાંડી ખાતે પોતાની યાત્રા પૂર્ણ કરી ત્યારે સમગ્ર દેશ એક રીતે આખો દેશ ઉભો થઈ ગયો હતો. કાશ્મીરથી કન્યાકુમારી સુધી, અટકથી કટક. આખું હિન્દુસ્તાન ચેતનવંતુ થઈ ચૂક્યું હતો. એ મનોબળને યાદ કરો, એ ઇચ્છાશક્તિને યાદ કરો. એ જ લગને, આ જ એકજૂટતાએ ભારતની આઝાદીની લડતને સામૂહિકતાની શક્તિથી ભરી દીધો હતો. પરિવર્તનનો એ જ ભાવ, સંકલ્પમાં એ જ ઇચ્છાશક્તિ આજે દેશ તમારા જેવા યુવાનો પાસેથી માંગી રહ્યો છે. 1930થી 1947ની વચ્ચે દેશમાં જે જુવાળ પેદા થયો, જે રીતે દેશના યુવાનો આગળ આવ્યા. એક લક્ષ્યાંક માટે એકત્રિત થઈને આખી યુવાન પેઢી તેમાં સામેલ થઈ ગઈ. આજે એ જ મનોબળ તમારી અંદર પણ અપેક્ષિત છે. આપણે બધાએ એ મનોભાવમાં જીવવું પડશે, એ સંકલ્પ સાથે સંકળાઈ જવું પડશે. એ વખતે આખો દેશ અને ખાસ કરીને દેશનો યુવાન વર્ગ સ્વરાજ્ય માટે લડ્યો હતો. આજે તમારે સ્વરાજ્ય માટેની લડત માટે જાનની બાજી લગાવીને લડવાનું છે. એ વખતે દેશના લોકો દેશની આઝાદી માટે જીવનનું બલિદાન આપવા માટે તૈયાર હતા. આજે તમારે દેશ માટે જીવવાની ભાવના સાથે લઈને આગળ વધવાનું છે. 25 વર્ષ બાદ જ્યારે ભારતની સ્વતંત્રતાના 100 વર્ષ પૂરા થશે ત્યારે આપણી પોલીસ સેવા કેવી હશે, કેટલી મજબૂત હશે તે તમારા આજના કાર્યો પર પણ આધાર રાખશે. તમારે આ પાયો રચવાનો છે જેની પર 2047ના ભવ્ય શિસ્તબદ્ધ ભારતનું નિર્માણ થશે. સમયે આ સંકલ્પની સિદ્ધિ માટે તમારા જેવા યુવાનોની પસંદગી કરી છે. અને હું આ બાબતને તમારા તમામનું મોટું સૌભાગ્ય માનું છું કેમ કે તમે એક એવા સમયે તમારી કારકિર્દીનો પ્રારંભ કરી રહ્યા છો જ્યારે ભારત તમામ ક્ષેત્ર, તમામ કક્ષાએ પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તમારી કારકિર્દીના આવનારા 25 વર્ષ ભારતના વિકાસના પણ સૌથી મહત્વના 25 વર્ષ બની રહેવાના છે. આથી જ તમારી સજ્જતા, તમારી મનોદશા આ જ મોટા લક્ષ્યાંકને અનુકૂળ હોવી જોઇએ. આવનારા 25 વર્ષ તમે દેશના અલગ અલગ પ્રાંતોમાં, અલગ અલગ હોદ્દા પર કાર્ય કરવાના છો, અલગ અલગ ભૂમિકા અદા કરશો. તમારા તમામ પર એક આધુનિક અને એક પ્રભાવશાળી તથા સંવેદનશીલ પોલીસ સેવાના નિર્માણની એક અત્યંત મોટી જવાબદારી છે. અને તેથી જ તમારે હંમેશાં એ યાદ રાખવાનું છે કે તમે 25 વર્ષના એક ખાસ મિશન પર છો અને ભારતે તેના માટે ખાસ કરીને તમારી પસંદગી કરી છે.
સાથીઓ,
દુનિયાભરના અનુભવ કહે છે કે જ્યારે કોઈ રાષ્ટ્ર વિકાસના માર્ગે આગળ ધપે છે ત્યારે દેશની બહારથી અને દેશની અંદરથી પડકાર પણ એટલા જ વધે છે. આ સંજોગોમાં તમારી જવાબદારી સતત વધી રહેલા ટેકનોલોજીના અવરોધના આ યુગ વચ્ચે પોલીસ સેવાને સતત સજ્જ કરવાની છે. તમારી જવાબદારી ગુનાની નવી નવી રીતોને તેના કરતાં પણ વધુ ઇનોવેટિવ ઉપાયો અજમાવીને રોકવાની છે. ખાસ કરીને સાઇબર સિક્યોરીટીને લઇને નવા પ્રયોગો, નવા સંશોધન અને નવી સ્ટાઇલને તમારે વિકસાવવી પણ પડશે. અને તેનો અમલ પણ કરવો પડશે.
સાથીઓ,
દેશના બંધારણે, દેશની લોકશાહીએ જે પણ અધિકારો દેશવાસીઓને આપ્યા છે. જે કર્તવ્યો અદા કરવાની અપેક્ષા રાખી છે તેને સુનિશ્ચિત કરવામાં તમારી ભૂમિકા મહત્વની છે અને તેથી તમારી પાસેથી અપેક્ષા પણ વધારે રહે છે. તમારા આચરણ પર હંમેશાં સૌની નજર રહે છે અને તમારી ઉપર ઘણા દબાણ પણ આવતા રહેશે. તમારે માત્ર પોલીસ સ્ટેશન કે તમારા પોલીસ સ્ટેશનની હદમાં રહીને જ વિચારવાનું નથી પણ તમારે દરરોજ સમાજની તમામ હિલચાલથી માહિતગાર પણ રહેવાનું છે. મૈત્રીપૂર્ણ પણ રહેવાનું છે અને વરદીની મર્યાદાઓને હંમેશાં અગ્રતા આપવાની છે. આ ઉપરાંત વધુ એક ખાસ વાત જેનું તમારે હંમેશાં ધ્યાન રાખવું પડશે. તમારી ફરજ દેશના અલગ અલગ જિલ્લામાં હશે, શહેરોમાં હશે તેથી તમારે એક મંત્ર સદાસર્વદા યાદ રાખવાનો છે. ફિલ્ડમાં રહીને તમે જે કોઈ નિર્ણય લો તેમાં દેશહિત હોવું જોઇએ. રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં નિર્ણય લેવાવો જોઇએ. તમારા કામકાજનો વ્યાપ અને સમસ્યાઓ મોટા ભાગે સ્થાનિક હશે. આ સંજોગોમાં તેનો સામનો કરતી વખતે આ મંત્ર ખૂબ જ કામ લાગશે. તમારે હંમેશાં એ યાદ રાખવાનું છે કે તમે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના પણ ધ્વજવાહક છો. આથી જ તમારા તમામ એક્શન, તમારી તમામ ગતિવિધિ નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ, રાષ્ટ્ર પ્રથમ, સદાય પ્રથમ એવી ભાવનાને પ્રતિબિંબિત કરનારી હોવી જોઇએ.
સાથીઓ,
હું મારી સામે તેજસ્વી મહિલા અધિકારીઓની નવી પેઢીને પણ જોઈ રહ્યો છું. તાજેતરના વર્ષમાં પોલીસ દળમાં દીકરીઓની ભાગીદારી વધારવાનો સતત પ્રયાસ કરવામાં આવ્યો છે. આપણી દીકરીઓ પોલીસ સેવામાં સક્ષમતા અને જવાબદારીની સાથે સાથે વિનમ્રતા, સરળતા અને સંવેદનશીલતાના મૂલ્યોને પણ મજબૂત કરે છે. આવી જ રીતે દસ લાખની વધુ વસતિ ધરાવતા શહેરોમાં કમિશનર પ્રથા લાગુ કરવાની દિશામાં રાજ્યો કામ કરી રહ્યા છે. હજી સુધી 16 રાજ્યના અનેક શહેરોમાં આ વ્યવસ્થા લાગુ થઈ ચૂકી છે. મને ખાતરી છે કે બાકીના જિલ્લાઓમા પણ આ મામલે સકારાત્કમ પગલાં ભરવામાં આવશે.
સાથીઓ,
પોલીસની કામગીરીને મહત્વાકાંક્ષી અને પ્રભાવશાળી બનાવવામાં સહિયારા તથા સંવેદનશીલતા સાથે કાર્ય કરવું અત્યંત જરૂરી છે. આ કોરોના કાળમાં પણ આપણે જોયું છે કે પોલીસકર્મીઓએ કેવી રીતે પરિસ્થિતિને સંભાળવામાં મોટી ભૂમિકા ભજવી છે. કોરોના સામેની લડતમાં આપણા પોલીસ સાથીઓએ દેશવાસીઓની સાથે ખભાથી ખભા મેળવીને કાર્ય કર્યું છે. આ પ્રયાસમાં ઘણા બધા પોલીસ કર્મચારીઓએ પોતાના જીવનનું બલિદાન આપવું પડ્યું છે. હું એ તમામ જવાનોને, પોલીસ કર્મચારીઓને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અને સમગ્ર દેશ વતી તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
સાથીઓ,
આજે જયારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું તો આ પ્રસંગે હું તમને એક વાત કહેવા માગું છું. આજે જ્યારે આપણે જોઇએ છીએ કે જ્યાં જ્યાં કુદરતી આપત્તિ આવે છે, ક્યાંક પૂર કે ક્યાંક ચક્રવાતી વાવાઝોડું કે ક્યાંક ભૂસ્ખલન આવે છે તો આપણા એનડીઆરએફના સાથી સંપૂર્ણ સજ્જતા સાથે ત્યાં પહોંચી જતા હોય છે. આપત્તિના સમયે એનડીઆરએફનું નામ સાંભળતા જ નાગરિકોમાં એક ભરોસો પેદા થાય છે. આ પ્રતિષ્ઠા એનડીઆરએફએ પોતાની પ્રશંસનીય કામગીરીથી ઉભી કરી છે. આજે લોકોને ભરોસો છે કે આપત્તિના સમયે એનડીઆરએફના જવાનો અમને જીવની બાજી લગાવીને પણ બચાવી લેશે. એનડીઆરએફમાં પણ આમ તો મોટા ભાગે તો પોલીસના જ જવાનો હોય છે, તમારા જ સાથી હોય છે પરંતુ શું આ જ ભાવના, આ જ આદર લોકોમાં પોલીસ માટે છે? એનડીઆરએફમાં પોલીસના જ લોકો છે, એનડીઆરએફને સન્માન મળે છે. એનડીઆરએફમાં કામ કરનારા પોલીસના જવાનોને પણ સન્માન મળે છે પણ સમાજ વ્યવસ્થામાં આવું છે ખરું? આખરે આમ શા માટે? આ સવાલનો જવાબ તમને પણ ખબર છે. જનમાનસમાં પોલીસ માટે આ જે નકારાત્મક અભિગમ પેદા થયેલો છે તે જ પોતાનામાં એક મોટો પડકાર છે.
કોરોના કાળના પ્રારંભે એ અનુભવાયું હતું કે પ્રજામાં આ અભિગમમાં થોડો ફરક આવ્યો છે કેમ કે લોકો જ્યારે વીડિયો જોઈ રહ્યા હતા, સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા હતા કે પોલીસના લોકો ગરીબોને ગરીબોની સેવા કરી રહ્યા છે ભૂખ્યાને ખોરાક આપી રહ્યા છે, અને ક્યાંક તો ખોરાક રાંધીને ગરીબોને પહોંચાડી રહ્યા છે તો આ બધું જોઇને સમાજમાં પોલીસ તરફ જોવાનું કે તેમના અંગે વિચારવાનું વલણ વાતાવરણ બદલાઈ રહ્યું હતું. પણ, હવે પાછી એની એ જ સ્થિતિ આવી ગઈ છે. આખરે જનતાના વિશ્વાસનું સંપાદન કેમ થતું નથી. શાખ કેમ વધતી નથી?
સાથીઓ,
દેશની સુરક્ષા માટે, કાયદાની વ્યવસ્થા જાળવી રાખવા માટે, આતંકને નાબૂદ કરવા માટે આપણા પોલીસના સાથીઓ પોતાના જીવનું બલિદાન પણ આપી દે છે. દિવસોના દિવસો સુધી તમે ઘરે જઈ શકતા નથી, તહેવારોમાં પણ તમે અવારનવાર તમારા પરિવારથી તમારે દૂર રહેવું પડે છે પણ જ્યારે પોલીસની ઇમેજની વાત આવે છે તો લોકોની વિચારસરણી બદલાઈ જાય છે.
પોલીસમાં આવી રહેલી નવી પેઢીની એ જવાબદારી બને છે કે આ ઇમેજ બદલે, પોલીસ સામેના નકારાત્મક વલણ બદલાય. આ તમારે જ કરવાનું છે. તમારી તાલીમ, તમારા વિચારોની વચ્ચે વર્ષોથી ચાલતી આવતી પોલીસ વિભાગની જે સ્થાપિત પરંપરા છે તેની સાથે તમારો દરરોજ આમનો સામનો થવાનો જ છે. સિસ્ટમ તમને બદલી નાખે છે અથવા તો તમે સિસ્ટમને બદલી નાખો છો તે તમારી તાલીમ, તમારી ઇચ્છાશક્તિ અને તમારા મનોબળ પર નિર્ભર કરે છે. તમારા ઇરાદા કેવા છે? તમે કયા આદર્શોથી જોડાયેલા છો. એ આદર્શોની પરિપૂર્તિ માટે કયા સંકલ્પોને સાથે રાખીને તમે આગળ વધી રહ્યા છો એ જ બાબત તમારા વ્યવહાર-વર્તનની બાબતમાં મહત્વ રાખે છે. આમ એક રીતે તમારી વધુ એક પરીક્ષા થશે. અને મને ખાતરી છે કે તમે તેમાં પણ સફળ થશો. ચોક્કસ સફળ થશો.
સાથીઓ,
અહીં જે આપણા પડોશી દેશના યુવાન અધિકારીઓ છે તેમને પણ હું ખૂબ ખૂબ શુભકામના આપવા માગીશ. ભુતાન હોય, નેપાળ હોય, માલદિવ્સ હોય કે મોરેશિયસ હોય આપણે બધા માત્ર પડોશીઓ જ નથી પરંતુ આપણા વિચારો અને સામાજિક બંધનોમાં પણ ઘણી સમાનતા છે. આપણે બધા સુખ-દુઃખના સાથી છીએ. જ્યારે કોઈ આફત આવે છે. આપત્તિ આવે છે તો સૌથી પહેલા આપણે જ એકબીજાની મદદ કરીએ છીએ. કોરોના કાળમાં પણ આપણે આ અનુભવ કર્યો છે. આથી જ આવનારા વર્ષોમાં થનારા વિકાસમાં પણ આપણી ભાગીદારી નિશ્ચિત છે. ખાસ કરીને આજે જ્યારે ક્રાઇમ અને ક્રિમિનલ સરહદોથી અલગ છે આ સંજોગોમાં એકમેક સાથેની તાલમેલ વધુ જરૂરી છે. મને ભરોસો છે કે સરદાર પટેલ એકેડમીમાં પસાર કરેલા તમારા આ દિવસોમાં તમારી કારકિર્દી, તમારા રાષ્ટ્રીય અને સામાજિક વચનબદ્ધતાને અને ભારત સાથેની મિત્રતાને વધુ મજબૂત કરવામાં મદદરૂપ બનશે. ફરી એક વાર તમને તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ.