નમસ્કાર!
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ, એમપી સરકારના તમામ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, સ્ટાર્ટ-અપ્સની દુનિયાનામારા મિત્રો, દેવીઓ અને સજ્જનો!
તમે બધાએ જોયું જ હશે કે કદાચ હું મધ્યપ્રદેશની યુવા પ્રતિભાઓ સાથે, સ્ટાર્ટઅપ્સ સાથે જોડાયેલા કેટલાક નવયુવાનો ચર્ચા કરી રહ્યો હતો અને મને લાગતું હતું, તમે પણ અનુભવ્યું હશે અને એક વાત ચોક્કસ છે કે જ્યારે હૃદયમાં ઉત્સાહ હોય, નવો ઉમંગ હોય,નવીનતાનો જુસ્સો હોય તો તેની અસર સ્પષ્ટ દેખાય છે, અને ઉમંગે તો આ પ્રકારનું ભાષણ પણ આપી દીધું આજે. મને તમારા બધા સાથે વાત કરવાની તક મળી અને જેમણે આ સાંભળ્યું હશે તેઓ પૂરા વિશ્વાસ સાથે કહી શકે છે કે આજે દેશમાં જેટલી વધુ સક્રિય સ્ટાર્ટઅપ નીતિ છે, એટલું જ પરિશ્રમી સ્ટાર્ટઅપનું નેતૃત્વ પણ છે. તેથી જ દેશ એક નવી યુવા ઊર્જા સાથે વિકાસને વેગ આપી રહ્યો છે. મધ્યપ્રદેશમાં આજે સ્ટાર્ટ અપ પોર્ટલ અને આઈ-હબ ઈન્દોરનો શુભારંભ થયો છે. એમપીની સ્ટાર્ટ અપ પોલિસી હેઠળ સ્ટાર્ટ અપ અને ઇન્ક્યુબેટર્સને નાણાકીય સહાય પણ આપવામાં આવી છે. હું આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ મધ્યપ્રદેશ સરકારને, દેશની સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમને અને આપ સૌને આ પ્રયાસો માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ,
તમને યાદ હશે કે 2014માં જ્યારે અમારી સરકાર આવી ત્યારે દેશમાં લગભગ 300-400સ્ટાર્ટ-અપ હતા અને સ્ટાર્ટ-અપ શબ્દ પણ સાંભળવામાં આવતો ન હતો અને ન તો તેના વિશે કોઈ ચર્ચા થતી હતી. પરંતુ આજે આઠ વર્ષના ટૂંકા ગાળામાં ભારતમાં સ્ટાર્ટ અપની દુનિયા જ બદલાઈ ગઈ છે. આજે આપણા દેશમાં લગભગ 70 હજાર માન્ય સ્ટાર્ટઅપ્સ છે. આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમ ધરાવે છે. આપણે વિશ્વના સૌથી મોટા યુનિકોર્ન હબ્સમાં પણ એક તાકાત તરીકે ઉભરી રહ્યા છીએ. આજે સરેરાશ 8 કે 10 દિવસમાં ભારતમાં સ્ટાર્ટ અપ યુનિકોર્નમાં ફેરવાય છે. હવે તમે કલ્પના કરી શકો છો કે શૂન્યથી શરૂ કરીને, સિંગલ સ્ટાર્ટ અપ યુનિકોર્ન બનવાનો અર્થ છે કે આટલા ઓછા સમયમાં લગભગ 7 હજાર કરોડ રૂપિયાની મૂડી સુધી પહોંચવું, ત્યારે એક યુનિકોર્ન રચાય છે અને આજે 8-10 દિવસમાં રોજ એક નવો યુનિકોર્ન દેશમાં આપણા નવયુવાનો બનાવી રહ્યા છે.
સાથીઓ,
આ છે ભારતના યુવાનોની તાકાત, સફળતાની નવી ઊંચાઈઓ હાંસલ કરવાની ઈચ્છાશક્તિનું ઉદાહરણ અને હું આર્થિક વિશ્વની નીતિઓનો અભ્યાસ કરતા નિષ્ણાતોને એક વાત નોંધવા માટે કહીશ, ભારતમાં આપણા સ્ટાર્ટઅપ્સનું પ્રમાણ જેટલું મોટું છે, એટલી જ તેની વિવિધતા પણ છે. આ સ્ટાર્ટઅપ્સ કોઈ એક રાજ્ય કે બે-ચાર મેટ્રો સિટી પૂરતા જ મર્યાદિત નથી.આ સ્ટાર્ટઅપ્સ હિન્દુસ્તાનના ઘણા રાજ્યોમાં, હિન્દુસ્તાનના ઘણાં નાનાં-નાનાં શહેરોમાં ફેલાયેલાં છે. આટલું જ નહીં, જો હું આશરે અંદાજ લગાવું તો, 50થી વધુ વિવિધ ઉદ્યોગો સાથે સંકળાયેલાં વિવિધ પ્રકારના સ્ટાર્ટ-અપ્સ છે. આ દરેક રાજ્ય અને દેશના સાડા છસોથી વધુ જિલ્લાઓમાં ફેલાયેલા છે. લગભગ 50 ટકા સ્ટાર્ટપ્સ એવા છે જે ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં આવે છે. ઘણી વાર કેટલાક લોકોને એવો ભ્રમ થઈ જાય છે કે સ્ટાર્ટ અપ એટલે કમ્પ્યૂટર સાથે જોડાયેલ એવો નવયુવાનોનો ખેલ ચાલી રહ્યો છે, કંઈક કારોબાર ચાલી રહ્યો છે. આ એક ભ્રમણા છે, વાસ્તવિકતા એ છે કે સ્ટાર્ટ અપનો અવકાશ અને વિસ્તાર બહુ વિશાળ છે. સ્ટાર્ટઅપ્સ આપણને મુશ્કેલ પડકારોના સરળ ઉકેલો આપે છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે ગઈકાલના સ્ટાર્ટ-અપ્સ આજની બહુરાષ્ટ્રીય કંપનીઓ બની રહ્યા છે. મને ખુશી છે કે આજે કૃષિ ક્ષેત્રે, છૂટક વેપારના ક્ષેત્રમાં, આરોગ્ય ક્ષેત્રે નવા નવા સ્ટાર્ટ અપ્સ ઊભરી રહ્યા છે.
સાથીઓ,
આજે જ્યારે આપણે વિશ્વને ભારતની સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમના વખાણ કરતા સાંભળીએ છીએ. દરેક હિંદુસ્તાનીને ગર્વ થાય છે. પણ મિત્રો, એક પ્રશ્ન પણ છે. સ્ટાર્ટ અપ શબ્દ, જે 8 વર્ષ પહેલા સુધી માત્ર કેટલાક કોરિડોરમાં, ટેકનિકલ જગતના કેટલાક કોરિડોરમાં જ ચર્ચાનો ભાગ હતો, તે આજે સામાન્ય ભારતીય યુવાનોના સપનાને સાકાર કરવા માટે એક શક્તિશાળી માધ્યમ, તેમના રોજિંદી વાતચીતનો એક ભાગ કેવી રીતે બની ગયો છે? આટલું મોટું પરિવર્તન કેવી રીતે આવ્યું? તે અચાનક નથી આવ્યું. સારી રીતે વિચારેલી વ્યૂહરચના હેઠળ સ્પષ્ટ લક્ષ્યો, નિર્ધારિત દિશા એ આ બધાનું પરિણામ છે અને મને ચોક્કસ ગમશે કે આજે જ્યારે હું સ્ટાર્ટઅપ્સની દુનિયાના નવયુવાનોને મળ્યો છું અને ઈન્દોર જેવી ધરતી મારી સામે છે, ત્યારે મને લાગે છે કે હું પણ આજે કેટલીક વાતો આપને કહું. આજે જેને સ્ટાર્ટ-અપ ક્રાંતિ તરીકે ગણવામાં આવે છે તેણે કેવી રીતે આકાર લીધો, મને લાગે છે કે દરેક યુવા માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે અને તે પોતાનામાં એક પ્રેરણા પણ છે. આ સ્વતંત્રતાના અમૃત કાળ માટે તે એક બહુ મોટું પ્રોત્સાહન પણ છે.
સાથીઓ,
ભારતમાં હંમેશા નવું કરવાની, નવા વિચારો સાથે સમસ્યાઓ ઉકેલવાનીઉત્કંઠા હંમેશા રહી છે. આપણે આપણી IT ક્રાંતિના દોરમાં આનો સારી રીતે અનુભવ કર્યો છે. પરંતુ કમનસીબે, તે સમયે આપણા યુવાનોને જે પ્રોત્સાહન, સમર્થન મળવું જોઈતું હતું તે મળ્યું નહીં. જરૂરિયાત એ હતી કે આઇટી ક્રાંતિ દ્વારા સર્જાયેલાં વાતાવરણને ચેનલાઇઝ કરવામાં આવ્યું હોત, એક દિશા આપવામાં આવી હોત. પરંતુ તે થઈ શક્યું નહીં. આપણે જોયું છે કે આખો એક દાયકો મોટા મોટા કૌભાંડોમાં, પોલિસી પેરાલિસિસમાં, નેપોટિઝમમાં, આ દેશની એક પેઢીનાં સપનાં બરબાદ કરી ગયો. આપણા યુવાનો પાસે વિચારો હતા, નવીનતાની ઝંખના પણ હતી, પરંતુ અગાઉની સરકારોની નીતિઓમાં અને એક રીતે નીતિઓના અભાવે બધું ગૂંચવાઇ ગયું.
સાથીઓ,
2014 પછી, અમે યુવાનોમાં આઇડિયાની આ શક્તિ, નવીનતાની આ ભાવનાને પુનર્જીવિત કરી, અમે ભારતના યુવાનોની શક્તિમાં વિશ્વાસ કર્યો. અમે આઈડિયા ટુ ઈનોવેશન ટુ ઈન્ડસ્ટ્રી માટે સંપૂર્ણ રોડમેપ તૈયાર કર્યો અને ત્રણ બાબતો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
પ્રથમ - આઈડિયા, ઈનોવેટ, ઈન્ક્યુબેટ
અને ઉદ્યોગ, તેમની સાથે સંકળાયેલી સંસ્થાઓનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ.
બીજું - સરકારી પ્રક્રિયાઓનું સરળીકરણ
અને ત્રીજું- નવીનતા માટે માનસિકતામાં પરિવર્તન, નવી ઇકોસિસ્ટમનું નિર્માણ.
સાથીઓ,
આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને અમે અલગ-અલગ મોરચે એક સાથે કામ કરવાનું શરૂ કર્યું. આમાંથી એક હતું હેકાથોન. સાત-આઠ વર્ષ પહેલાં, જ્યારે દેશમાં હેકાથોન્સ થવાનું શરૂ થયું, ત્યારે કોઈને ખ્યાલ નહોતો કે તે સ્ટાર્ટ-અપ્સ માટે મજબૂત પાયા તરીકે કામ કરશે. અમે દેશના યુવાનોને ચેલેન્જ આપી, યુવાનોએ ચેલેન્જ સ્વીકારી અને તેનો ઉકેલ આપીને બતાવ્યો. આ હેકાથોન્સ દ્વારા દેશના લાખો યુવાનોને જીવનનો હેતુ મળ્યો, જવાબદારીની ભાવના વધુ વધી. આનાથી તેમનામાં એવો વિશ્વાસ જન્મ્યો કે દેશ જે રોજિંદી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છે એના નિરાકરણમાં તેઓ પોતાનું યોગદાન આપી શકે છે.આ ભાવનાએ સ્ટાર્ટ-અપ્સ માટે એક પ્રકારના લોન્ચ પેડ તરીકે કામ કર્યું. માત્ર સરકારની સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનમાં જ, તમે તો જાણો જ છો, કદાચ તમારામાંથી કેટલાક લોકો તેમાં સામેલ હશે, જેઓ મારી સામે બેઠા છે, સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનમાં જ વીતેલાં વર્ષોમાં આવા 15 લાખ જેટલા પ્રતિભાશાળી યુવા સાથીઓ તેની સાથે સંકળાયેલા છે. મને યાદ છે કે આવી હેકાથોનમાં, મને પણ ખૂબ ગમતું હોવાથી મને નવી-નવી બાબતો સમજવા મળતી, જાણવા મળતી, તેથી હું 2-2 દિવસ સુધી યુવાનોની આ હેકાથોનની પ્રવૃત્તિઓ પર બારીક નજર રાખતો હતો,રાત્રે 12-12 વાગ્યે, 1-1, 2-2 વાગ્યે તેમની સાથે ગપસપ કરતો. એમના જુસ્સાને જોતો હતો. તેઓ શું કરે છે, તેઓ કેવી રીતે સંઘર્ષ કરે છે, તેઓ તેમની સફળતાથી કેટલા ખુશ થાય છે, આ બધું હું જોતો હતો, મને અનુભવ થતો હતો. અને મને ખુશી છે કે આજે પણ દેશના કોઈને કોઈ ભાગમાં રોજ કોઈને કોઈ એક હેકાથોન ચાલી રહી છે, તે થઈ રહ્યું છે. એટલે કે, દેશ સ્ટાર્ટ-અપ્સ નિર્માણની પ્રારંભિક પ્રક્રિયા પર સતત કામ કરી રહ્યો છે.
સાથીઓ,
7 વર્ષ પહેલા સ્ટાર્ટ અપ ઈન્ડિયા અભિયાનઆઇડિયા ટુ ઇન્ડસ્ટ્રીને સંસ્થાકીય બનાવવાની દિશામાં એક મોટું પગલું હતું. આજે તે વિચારને હાથ પકડી-હૅન્ડ હૉલ્ડિંગ અને હૅન્ડ હૉલ્ડિંગ કરીને તેને ઉદ્યોગમાં ફેરવવાનું એક બહુ મોટું માધ્યમ બની ગયું છે. એના બીજા વર્ષે દેશમાં ઈનોવેશનની માનસિકતા વિકસાવવા માટે અમે અટલ ઈનોવેશન મિશન શરૂ કર્યું. આ અંતર્ગત, શાળાઓમાં અટલ ટિંકરિંગ લેબ્સથી લઈને યુનિવર્સિટીઓમાં ઈન્ક્યુબેશન સેન્ટર્સ અને હેકાથોન્સ સુધી એક વિશાળ ઈકોસિસ્ટમ તૈયાર કરાઇ રહી છે. અટલ ટિંકરિંગ લેબ્સ આજે દેશભરમાં 10 હજારથી વધુ શાળાઓમાં ચાલી રહી છે. આમાં 75 લાખથી વધુ બાળકો આધુનિક ટેક્નોલોજીથી પરિચિત થઈ રહ્યા છે, નવીનતાની એબીસીડી શીખી રહ્યા છે. દેશભરમાં બનાવવામાં આવી રહેલી આ અટલ ટિંકરિંગ લેબ્સ સ્ટાર્ટ અપ માટે એક પ્રકારની નર્સરી તરીકે કામ કરી રહી છે. જ્યારે વિદ્યાર્થી કૉલેજમાં પહોંચે છે, ત્યારે તેની પાસે જે નવો વિચાર હશે તેનેબહાર લાવવા માટે દેશમાં 700થી વધુ અટલ ઇન્ક્યુબેશન કેન્દ્રો તૈયાર થઈ ચૂક્યા છે. દેશે જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરી છે તે પણ આપણા વિદ્યાર્થીઓના નવીન મનને વધુ નિખારવામાં મદદ કરશે.
સાથીઓ,
ઇન્ક્યુબેશનની સાથે સ્ટાર્ટ અપ માટે ફંડિંગ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમાં તેમને સરકારની નક્કર નીતિઓને કારણે મદદ મળી. સરકારે પોતાના તરફથી એક ફંડ્સ ઑફ ફંડ્સ તો બનાવ્યું જ, સ્ટાર્ટ-અપ્સને ખાનગી ક્ષેત્ર સાથે જોડવા માટે અલગ અલગ પ્લેટફોર્મ્સ પણ બનાવ્યા છે. એવા જ પગલાંઓથી, આજે હજારો કરોડનું ખાનગી રોકાણ પણ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાં દાખલ થઈ રહ્યું છે અને તે દિવસેને દિવસે વધી રહ્યું છે.
સાથીઓ,
વીતેલાં વર્ષોમાં, ટેક્સમાં છૂટ આપવાથી લઈને અન્ય પ્રોત્સાહનો આપવા સુધી, દેશમાં સતત ઘણા સુધારા કરવામાં આવ્યા છે. સ્પેસ સેક્ટરમાં મેપિંગ, ડ્રોન્સ એટલે કે ટેકનોલોજીની ઊંચાઈ સુધી પહોંચેલા આવા ઘણા ક્ષેત્રો, તેમાં જે પ્રકારના સુધારા કરવામાં આવ્યા છે, એમાં સ્ટાર્ટ-અપ્સ માટે નવા ક્ષેત્રોના દરવાજા ખુલી ગયા છે.
સાથીઓ,
અમે સ્ટાર્ટ અપની વધુ એક જરૂરિયાતને પ્રાથમિકતા આપી છે. સ્ટાર્ટ અપ બની ગયું, તેની સેવા, તેના ઉત્પાદનો બજારમાં સરળતાથી આવ્યા, તેને સરકારના રૂપમાં એક મોટો ખરીદદાર મળે, આ માટે ભારત સરકાર દ્વારા GeM પોર્ટલ પર વિશેષ જોગવાઈ કરવામાં આવી. આજે GeM પોર્ટલ પર 13 હજારથી વધુ સ્ટાર્ટ અપ્સ નોંધાયેલા છે. અને તમને એ જાણીને આનંદ થશે કે આ પોર્ટલ પર સ્ટાર્ટ અપ્સે સાડા 6 હજાર કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે.
સાથીઓ,
બીજું મોટું કામ જે થયું છે તે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું છે. ડિજિટલ ઈન્ડિયાએ સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમનાં વિસ્તરણમાં બહુ જોર આપ્યું. સસ્તા સ્માર્ટ ફોન અને સસ્તા ડેટાએ ગામના ગરીબ અને મધ્યમ વર્ગને પણ જોડ્યા છે. આનાથી સ્ટાર્ટ-અપ્સ માટે નવા રસ્તાઓ, નવા બજારો ખુલ્યા છે. આઇડિયા ટુ ઈન્ડસ્ટ્રીના આવા જ પ્રયાસોને કારણે આજે સ્ટાર્ટ અપ્સ અને યુનિકોર્ન દેશના લાખો યુવાનોને રોજગાર આપી રહ્યા છે.
સાથીઓ,
સ્ટાર્ટ અપ પોતે નિત્ય નવીન હોય છે. તે ભૂતકાળ વિશે વાત કરતું નથી, તે સ્ટાર્ટઅપનું મૂળભૂત ચારિત્ર્ય છે, તે હંમેશા ભવિષ્ય વિશે વાત કરે છે. આજે, સ્વચ્છ ઊર્જા અને આબોહવા પરિવર્તનથી લઈને હેલ્થકેર સુધી, આવા તમામ ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સ માટે નવીનતાની અનંત તકો છે. આપણા દેશમાં પ્રવાસનની જે સંભાવના છે એને વધારવામાં પણ સ્ટાર્ટ-અપ્સની મોટી ભૂમિકા છે. તેવી જ રીતે, વોકલ ફોર લોકલની લોક ચળવળને મજબૂત કરવા માટે પણ સ્ટાર્ટ-અપ્સ ઘણું કરી શકે છે. આપણા દેશના કુટીર ઉદ્યોગો છે,હાથશાળ અને વણકરો દ્વારા અદભુત કાર્ય થાય છે એના બ્રાન્ડીંગમાં, તેને આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડવા માટે પણ આપણા સ્ટાર્ટ અપ્સનું એક બહુ મોટું નેટવર્ક, બહુ મોટું પ્લેટફોર્મ દુનિયા સમક્ષ લાવીને આવી શકે છે. આપણા ભારતના આદિવાસી ભાઈઓ અને બહેનો, વનવાસી ભાઇ-બહેનો ઘણાં સુંદર ઉત્પાદનો બનાવે છે. તે પણ સ્ટાર્ટ-અપ્સ માટે કામ કરવા માટે એક વિશાળ વિકલ્પ- નવું ક્ષેત્ર બની શકે છે. એ જ રીતે તમે જાણો છો કે મોબાઈલ ગેમિંગના મામલે ભારત વિશ્વના ટોપ-5 દેશોમાં છે.ભારતના ગેમિંગ ઉદ્યોગનો વિકાસ દર 40 ટકાથી પણ વધુ છે. આ વખતના બજેટમાં અમે AVGC એટલે કે એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ, ગેમિંગ અને કોમિક સેક્ટરના સપોર્ટ પર પણ ભાર મૂક્યો છે. ભારતના સ્ટાર્ટ અપ્સ માટે પણ આ એક મોટું ક્ષેત્ર છે, જેનું તેઓ નેતૃત્વ કરી શકે છે. આવું જ એક ક્ષેત્ર રમકડાં ઉદ્યોગ છે. ભારતમાં રમકડાંને લઈને ઘણો સમૃદ્ધ વારસો છે. ભારતમાંથી સ્ટાર્ટઅપ્સ તેને સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવી શકે છે. હાલમાં, રમકડાંના વૈશ્વિક બજાર હિસ્સામાં ભારતનું યોગદાન માત્ર એક ટકાથી પણ ઓછું છે. આને વધારવામાં, મારા દેશના નવયુવાનો, મારા દેશના વિચારો સાથે જીવતા નવયુવાનો, સ્ટાર્ટ-અપ્સ લઈને આવે, બહુ મોટું યોગદાન આપી શકે છે. મને એ જોવું ગમે છે કે ભારતના 800થી વધુ સ્ટાર્ટ-અપ્સ, તમને પણ સાંભળીને આનંદ થશે, 800થી વધુ સ્ટાર્ટ અપ્સ રમતગમતના કામમાં સ્પોર્ટ્સ સાથે જોડાયેલાં છે. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આ પણ એક ક્ષેત્ર છે. આમાં પણ ભારતમાં જે રીતે એક સ્પોર્ટ્સમેનનું કલ્ચર ઊભું થઈ રહ્યું છે. રમતગમતની ભાવના જન્મી છે. સ્ટાર્ટ અપ માટે આ ક્ષેત્રમાં પણ અનેક સંભાવનાઓ છે.
સાથીઓ,
આપણે દેશની સફળતાને નવી ગતિ આપવાની છે, નવી ઊંચાઈઓ આપવાની છે. આજે G-20 દેશોમાં ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતની છે. આજે ભારત સ્માર્ટફોન ડેટા કન્ઝ્યુમરની બાબતમાં વિશ્વમાં નંબર વન પર છે. ઈન્ટરનેટ યુઝર્સની બાબતમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. આજે ભારત વૈશ્વિક રિટેલ ઈન્ડેક્સમાં બીજા સ્થાને ઊભું છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઊર્જા ઉપભોક્તા દેશ છે. વિશ્વનું ત્રીજું સૌથી મોટું ગ્રાહક બજાર ભારતમાં છે. ભારતે ગત નાણાકીય વર્ષમાં 417 અબજ ડૉલર એટલે કે 30 લાખ કરોડ રૂપિયાથી વધુની કિંમતની માલસામાનની નિકાસ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારત આજે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે જેટલું રોકાણ કરી રહ્યું છે, એટલું પહેલાં કદી થયું નથી. ભારતનો આજે અભૂતપૂર્વ ભાર ઈઝ ઑફ લિવિંગ પર પણ છે અને ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ પર પણ છે. આ તમામ બાબતો કોઈપણ ભારતીયને ગર્વથી ભરી દેશે. આ બધા પ્રયત્નો એક વિશ્વાસ જગાવે છે. ભારતની વિકાસગાથા, ભારતની સફળતાની ગાથા હવે આ દાયકામાં એક નવી ઊર્જા સાથે આગળ વધશે. આ સમય આઝાદીના અમૃત મહોત્સવનો છે. આપણે આપણી આઝાદીનાં 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. આજે આપણે જે પણ કરીશું, એનાથી નવા ભારતનું ભવિષ્ય નક્કી થશે, દેશની દિશા નક્કી થશે. આપણા આ સામૂહિક પ્રયાસોથી આપણે 135 કરોડ આશા-આકાંક્ષાઓને પૂર્ણ કરીશું. મને ખાતરી છે કે, ભારતની સ્ટાર્ટ અપ ક્રાંતિ આ અમૃત કાળની ખૂબ જ મહત્વપૂર્ણ ઓળખ બની જશે. તમામ યુવાનોને મારી ઘણી ઘણી શુભકામનાઓ છે.
મધ્યપ્રદેશ સરકારને પણ મારા અભિનંદન.
તમારો ખૂબ ખૂબ આભાર.