નમસ્કાર !
આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવુ છુ.
આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે યોગ આશાનું એક કિરણ બની રહ્યો છે. બે વર્ષથી દુનિયાભરના દેશોમાં કોઈ મોટો કાર્યક્રમ આયોજીત થયો ન હોય તો પણ યોગ પ્રત્યેનો ઉત્સાહ સહેજ પણ ઓછો થયો નથી. કોરોના હોવા છતાં પણ આ વખતે યોગ દિવસના વિષય ‘યોગ ફોર વેલનેસ’ ને કારણે કરોડો લોકોના ઉત્સાહમાં અનેક ગણો વધારો કર્યો છે. હું આજે યોગ દિવસે એવી આશા વ્યક્ત કરૂં છું કે દરેક દેશ, દરેક સમાજ અને દરેક વ્યક્તિ સ્વસ્થ રહે, બધે એક બીજાની સાથે રહીને પરસ્પરની તાકાત બને.
સાથીઓ,
આપણા ઋષિ-મુનિઓએ યોગના માટે “સમત્વમ્ યોગ ઉચ્યતે ”ની પરિભાષા આપી હતી. તેમણે એક રીતે કહીએ તો સુખ-દુઃખમાં સમાન રહેવાની બાબતને યોગનો માપદંડ બનાવ્યો હતો. જે આ વૈશ્વિક ત્રાસદી વચ્ચે યોગે એ સાબિત કરી બતાવ્યું છે. આ દોઢ વર્ષમાં ભારત સહિતના કેટલા બધા દેશોએ કોરોનાના આ મોટા સંકટનો સામનો કર્યો છે.
સાથીઓ,
દુનિયાના મોટા ભાગના દેશો માટે યોગ પર્વ તે તેમનું કોઈ સદીઓ જૂનું સાંસ્કૃતિક પર્વ નથી. આ કપરા સમયમાં આટલી મુસીબતમાં લોકોએ આસાનીથી યોગને ભૂલી શકયા હોત, તેની ઉપેક્ષા કરી શકયા હોત પણ તેનાથી વિરૂધ્ધ લોકોમાં યોગનો ઉત્સાહ વધુ વધ્યો છે, યોગથી પ્રેમ વધ્યો છે. વિતેલા દોઢ વર્ષમાં દુનિયાના ખૂણે ખૂણામાં લાખો નવા સાધક બન્યા છે. યોગનો પ્રથમ પર્યાય તરીકે સંયમ અને અનુશાસનને ગણવામાં આવે છે અને તે બધા તેમના જીવનમાં ઉતારવા પ્રયાસ કરી રહ્યા છે.
સાથીઓ,
જ્યારે કોરોનાના અદ્રશ્ય વાયરસે દુનિયામાં ટકોરા માર્યા હતા ત્યારે કોઈપણ દેશ સાધનોથી, સામર્થ્યથી અને માનસિક અવસ્થાથી તેના માટે તૈયાર ન હતો. આપણે સૌએ જોયું છે કે આવા કઠીન સમયમાં યોગ આત્મબળનું એક મોટું માધ્યમ બન્યો. યોગમાં લોકોનો ભરોંસો વધ્યો કે આપણે આ બિમારી સામે લડી શકીશું.
હું જ્યારે ફ્રન્ટલાઈન વૉરિયર્સ સાથે, ડોક્ટરો સાથે વાત કરૂં છું ત્યારે તે મને જણાવે છે કે કોરોના વિરૂધ્ધની લડાઈમાં તેમણે યોગને પણ પોતાનું સુરક્ષા કવચ બનાવ્યું છે. ડોક્ટરોએ યોગ વડે જ પોતાને મજબૂત બનાવ્યા છે અને પોતાના દર્દીઓને જલ્દી સ્વસ્થ કરવામાં તેનો ઉપયોગ પણ કર્યો છે. આજે હોસ્પિટલોની એવી કેટલીક તસવીરો આવે છે કે જ્યાં ડોક્ટરો, નર્સો અને દર્દીઓ યોગ શિખી રહ્યા છે. તો ક્યાંક દર્દીઓ પોતાના અનુભવ જણાવી રહ્યા છે. પ્રાણાયામ, અનુલોમ- વિલોમ જેવી શ્વાસોશ્વાસની કસરતથી આપણાં શ્વસનતંત્રને કેટલી તાકાત મળે છે તે પણ દુનિયાના નિષ્ણાતો ખુદ બતાવી રહ્યા છે.
સાથીઓ,
મહાન તમિલ સંત શ્રી થિરૂવલ્લવર જણાવે છે કે
“નોઈ નાડી, નોઈ મુદ્દલ નાડી, હદુ તનિક્કુમ, વાય નાડી વાયપચ્યલ”
આનો અર્થ એ થાય છે કે જો કોઈ બિમારી હોય તો તેનું નિદાન કરો, તેના મૂળ સુધી જાવ, બિમારીનું કારણ શું છે તેની તપાસ કરો અને પછી તેનો નિશ્ચિત ઈલાજ કરો. યોગ આ રસ્તો બતાવે છે. આજે તબીબી વિજ્ઞાન પણ ઉપચારની સાથે સાથે સાજા થવા બાબતે પણ એટલો જ ભાર મૂકી રહ્યો છે અને યોગ સાજા થવાની પ્રક્રિયામાં ફાયદાકારક છે. મને સંતોષ છે કે આજે યોગના આ પાસાં અંગે સમગ્ર દુનિયાના નિષ્ણાંતો અનેક પ્રકારે વૈજ્ઞાનિક સંશોધન કરી રહ્યા અને તેની પર કામ કરી રહ્યા છે.
કોરોના કાળમાં યોગથી આપણાં શરીરને થનારા ફાયદા અંગે, આપણી રોગ પ્રતિકારક શક્તિ પર થતી પ્રતિકારક અસરો અંગે ઘણા અભ્યાસ થઈ રહ્યા છે. આજ કાલ આપણે જોઈ રહ્યા છીએ કે અનેક સ્કૂલોમાં ઓનલાઈન વર્ગો શરૂ થવાના પ્રારંભમાં 10 થી 15 મિનિટ બાળકોને યોગ-પ્રાણાયામ કરાવવામાં આવે છે. તે કોરોના સામેની લડતમાં પણ બાળકોને સારી રીતે સજ્જ કરે છે.
સાથીઓ,
ભારતના ઋષિઓએ આપણને શિખવ્યું છે કે –
વ્યાયામાત્ લભતે સ્વાસ્થ્યમ,
દીર્ઘ આયુષ્યમ્ બલમ્ સુખમ્.
આરોગ્યમ્ પરમમ્ ભાગ્યમ,
સ્વાસ્થ્યમ્ સર્વાર્થ સાધનમ.
આનો અર્થ એ થાય છે કે યોગ- વ્યાયામથી આપણને સારૂં આરોગ્ય પ્રાપ્ત થાય છે, સામર્થ્ય મળે છે અને લાંબુ અને સુખી જીવન પ્રાપ્ત થાય છે. આપણા માટે આરોગ્ય જ સૌથી મોટું સૌભાગ્ય છે અને સારૂં આરોગ્ય જ તમામ સફળતાઓનું માધ્યમ છે. ભારતના ઋષિઓએ ભારતને જ્યારે આરોગ્ય અંગે વાત કરી છે ત્યારે તેનો અર્થ માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ હોતો નથી. એટલા માટે યોગમાં શારીરિક આરોગ્યની સાથે સાથે માનસિક આરોગ્ય ઉપર પણ એટલો જ ભાર મૂકવામાં આવે છે. જ્યારે જ્યારે આપણે પ્રાણાયામ કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ કે અન્ય યૌગિક ક્રિયાઓ કરીએ છીએ ત્યારે આપણે પોતાની આંતરિક ચેતનાનો અનુભવ કરીએ છીએ. યોગમાં આપણને એ અનુભવ થાય છે કે આપણી વિચાર શક્તિ, આપણું આંતરિક સામર્થ્ય એટલું બધુ છે કે દુનિયાની કોઈપણ મુસીબત, કોઈપણ નકારાત્મકતા આપણને તોડી શકતી નથી. યોગ આપણને ચિંતાથી તાકાત તરફ અને નકારાત્મકતાથી સર્જનાત્મકતા તરફનો રસ્તો બતાવે છે. યોગ આપણને નિરાશામાંથી ઉમંગ અને આળસમાંથી પ્રસન્નતા તરફ લઈ જાય છે.
મિત્રો,
યોગ આપણને જણાવે છે કે અનેક સમસ્યાઓ હોઈ શકે છે, પણ આપણી અંદર જ અનેક ઉપાયો પડેલા છે. પૃથ્વી પર યોગ સૌથી મોટો ઊર્જાનો સ્રોત છે. આપણને આ ઊર્જા અંગે ખ્યાલ હોતો નથી, કારણ કે અનેક મતમતાંતર હોય છે. કોઈ વખત લોકોનું જીવન ટૂકડાઓમાં વહેંચાયેલું હોય છે. આવા મતમતાંતર એકંદર વ્યક્તિત્વમાં પ્રતિબિંબીત થતા હોય છે. ટૂકડાઓ તરફથી એકત્વ તરફની ગતિ એ યોગ છે અને તે અનુભવે પૂરવાર થયેલી બાબત છે. યોગ આપણને એકત્વનો ખ્યાલ આપે છે. મને અત્યારે મહાન ગુરૂદેવ ટાગોરની યાદ અપાવે છે. તેમણે નીચે મુજબ જણાવ્યું હતુઃ
“સ્વયમનો અર્થ પ્રભુ કે અન્યથી અલગતામાં મળતો નથી, પણ યોગની અથવા એકત્વની અનંતતાના ખ્યાલમાંથી મળે છે.”
વસુધૈવ કુટુમ્બકમ્નો મંત્ર ભારત યુગોથી અપનાવી રહ્યું છે, તેને હવે વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે. જ્યારે માનવજાત સામે જોખમ હોય છે ત્યારે આપણે એક બીજાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ.
યોગ આપણને અનેક વખત સમગ્રલક્ષી આરોગ્યનો માર્ગ બતાવે છે. યોગ આપણને જીવન અંગેનો બહેતર માર્ગ દર્શાવે છે. યોગ સુરક્ષાત્મક ભૂમિકા બજાવવાનુ ચાલુ રાખવાની સાથે સાથે જનસમુદાયના આરોગ્ય માટે હકારાત્મક ભૂમિકા બજાવે છે.
સાથીઓ,
જ્યારે ભારતે યુનાઈટેડ નેશન્સમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટેની દરખાસ્ત કરી હતી ત્યારે એ પાછળની ભાવના એ હતી કે યોગ વિજ્ઞાન સમગ્ર દુનિયાને સુલભ થાય. આજે એ દિશામાં ભારતે યુનાઈટેડ નેશન્સ, વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે મળીને વધુ એક મહત્વનુ કદમ ઉઠાવ્યું છે.
હવે વિશ્વને એમ-યોગ (M-Yoga) એપ્પની શક્તિ મળવાની છે. આ એપ્પમાં કોમન યોગ પ્રોટોકોલના આધારે યોગ તાલિમના અનેક વિડીયોઝ દુનિયાની અલગ અલગ ભાષાઓમાં ઉપલબ્ધ થવાના છે. તે આધુનિક ટેકનોલોજી અને પ્રાચીન વિજ્ઞાનના સંયોજનનું એક બહેતર ઉદાહરણ છે. મને પૂરો વિશ્વાસ છે કે M-Yoga એપ્પ દુનિયાભરમાં યોગનું વિસ્તરણ કરવામાં અને વન વર્લ્ડ, વન હેલ્થ ના પ્રયાસોને સફળ બનાવવામાં મોટી ભૂમિકા બજાવશે.
સાથીઓ,
ગીતામાં કહેવામાં આવ્યું છે કે-
તં વિદ્યાદ્દ દુઃખ સંયોગ-
વિયોગં યોગ સંજ્ઞિતમ્.
આનો અર્થ એ થાય છે કે દુઃખોથી વિયોગને, મુક્તિને જ યોગ કહેવામાં આવે છે. સૌને સાથે લઈને ચાલનારી માનવ જાતની આ યોગની યાત્રા આપણે સતત આગળ ધપાવવાની છે. ભલેને કોઈ પણ સ્થળ હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ ઉંમર હોય, દરેક માટે યોગ પાસે કોઈને કોઈ ઉપાય ચોક્કસ છે. આજે વિશ્વમાં યોગ અંગે કુતૂહલ ધરાવનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે. દેશ- વિદેશમાં યોગ અંગેની સંસ્થાઓમાં વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં યોગનું જે મૂળભૂત તત્વ જ્ઞાન છે, મૂળભૂત સિધ્ધાંતો છે તેને જાળવી રાખીને યોગ જન જન સુધી પહોંચે, અવિરત પહોંચે અને નિરંતર પહોંચતો રહે તેવી કામગીરી આવશ્યક બની રહે છે અને એ કાર્ય યોગ સાથે જોડાયેલા લોકોએ, યોગના આચાર્યોએ, યોગના પ્રચારકોએ સાથે મળીને કરવું જોઈએ. આપણે જાતે પણ યોગનો સંકલ્પ લેવાનો છે અને પોતાના લોકોને પણ આ સંકલ્પ સાથે જોડવાના છે. ‘યોગથી સહયોગ સુધી’નો મંત્ર આપણને એક નવા ભવિષ્યનો માર્ગ દેખાડશે. માનવ જાતને સશક્ત બનાવશે.
આવી શુભેચ્છા સાથે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે સમગ્ર માનવજાતને, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.
ખૂબ ખૂબ આભાર.