નમસ્કારજી!
મુખ્યમંત્રી શ્રીમાન શિવરાજસિંહજી ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી સમુદાય, મધ્ય પ્રદેશ સરકારના મંત્રીગણ, સંસદના મારા સહયોગી, મધ્ય પ્રદેશના ધારાસભ્યો, અન્ય મહાનુભવો અને મધ્ય પ્રદેશના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
આજે મધ્ય પ્રદેશના આશરે સવા પાંચ લાખ ગરીબ પરિવારોને તેમના સપનાનું પાકું ઘર મળી રહ્યું છે. થોડાંક જ દિવસોમાં નવું વર્ષ વિક્રમ સંવત 2079 શરૂ થવાનું છે અને નવા વર્ષે નવા ઘરમાં ગૃહ પ્રવેશ તમારા જીવનની એક અણમોલ ઘડી બની રહેશે. હું આ સમયે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છે.
સાથીઓ,
આપણાં દેશમાં કેટલાક પક્ષોએ ગરીબી દૂર કરવા માટે ખૂબ નારા લગાવ્યા, પણ ગરીબોને સશક્ત બનાવવા માટે જેટલા પ્રયાસો કરવા જોઈએ તેટલા ન થઈ શક્યા. અને મને પૂરો વિશ્વાસ છે કે એક વખત જો ગરીબ સશક્ત બની જાય છે તો લડવાનો ઉત્સાહ વધી જાય છે. એક ઈમાનદાર સરકારનો પ્રયાસ અને એક સશક્ત ગરીબનો પ્રયાસ જ્યારે સાથે મળે છે ત્યારે ગરીબી પરાસ્ત થઈ જાય છે. એટલા માટે કેન્દ્રમાં ભાજપની સરકાર હોય કે રાજ્યમાં ભાજપની સરકાર, સબકા સાથ સબકા વિકાસનો મંત્ર લઈને આગળ વધતાં ગરીબને સશક્ત કરવામાં આ સરકાર જોડાયેલી છે. આજનો આ કાર્યક્રમ આવા જ અભિયાનનો એક હિસ્સો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામડાંમાં બનેલા સવા પાંચ લાખ ઘર એ માત્ર આંકડો જ નથી, આ સવા પાંચ લાખ ઘર દેશમાં સશક્ત બની રહેલા ગરીબની ઓળખ બની ગયા છે. મહિલાઓને લખપતિ બનાવવાના અભિયાનનું આ પ્રતિબિંબ છે. મધ્ય પ્રદેશના દૂર દૂરના ગામોમાં આપણાં આદિવાસી વિસ્તારોમાં આ ઘર આપવામાં આવી રહ્યા છે. હું મધ્ય પ્રદેશના લોકોને આ સવા પાંચ લાખ ઘર માટે અભિનંદન પાઠવું છું.
ભાઈઓ અને બહેનો,
ગરીબોને પાકા ઘર આપવાનું આ અભિયાન માત્ર એક સરકારી યોજના જ નથી, તે ગામડાંને, ગરીબને વિશ્વાસ પૂરો પાડવાની કટિબધ્ધતા દર્શાવે છે. તે ગરીબને ગરીબીમાંથી બહાર કાઢવા માટેની અને ગરીબી સામે લડવાની હિંમત આપવાની પ્રથમ સીડી છે. જ્યારે ગરીબના માથે પાકી છત હોય છે ત્યારે તે પોતાનું સંપૂર્ણ ધ્યાન બાળકોના અભ્યાસ અને અન્ય કામોમાં લગાવી શકે છે. ગરીબને જ્યારે ઘર મળે છે ત્યારે તેના જીવનમાં એક સ્થિરતા આવે છે, એવી વિચારણા સાથે અમારી સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજનાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. અગાઉની સરકારે મારા આગમન પહેલાં જે લોકો હતા તેમણે પોતાના કાર્યકાળ દરમ્યાન કેટલાક લાખ ઘર જ બનાવ્યા હતા. જ્યારે અમારી સરકાર ગરીબોને આશરે અઢી કરોડ ઘર બનાવીને આપી ચૂકી છે. આમાંથી બે કરોડ ઘર ગામડાંઓમાં ઉભા કરવામાં આવ્યા છે. વિતેલા બે વર્ષમાં કોરોનાના કારણે અનેક તકલીફો પડી હોવા છતાં અમે આ કામગીરીને ધીમી પડવા દીધી ન હતી. મધ્ય પ્રદેશમાં પણ આશરે સાડા ત્રીસ લાખ સ્વિકૃત આવાસોમાંથી 24 લાખ કરતાં વધુ મકાનોનું નિર્માણ થઈ ચૂક્યું છે. એનો ખૂબ મોટો લાભ બૈગા, સહરિયા અને ભારિયા જેવા અનેક સમાજના લોકોને થઈ રહ્યો છે. જે લોકોએ ક્યારેય પાકા ઘરમાં જવાનો વિચાર સુધ્ધાં કર્યો ન હતો, તે લોકોને પાકાં ઘર મળી ગયા છે.
ભાઈઓ અને બહેનો,
ભાજપની સરકાર જ્યાં પણ હોય, તેમની એ વિશેષતા રહી છે કે તે જમીન સાથે જોડાયેલી રહી છે. ગરીબના હિત અને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે દિવસ- રાત કામ કરતી રહી છે. પીએમ આવાસ યોજનામાં પણ અમે એ બાબતનું ધ્યાન રાખ્યું છે કે ગરીબોને જે ઘર મળે તે તેમના જીવનની બાકીની જરૂરિયાતો પણ પૂરી કરી શકે તેવા બને. જે રીતે આ આવાસમાં શૌચાલય પણ છે અને તેમાં સૌભાગ્ય યોજના હેઠળ વિજળીના જોડાણો પણ આપવામાં આવ્યા છે. ઉજાલા યોજના હેઠળ એલઈડી બલ્બ તથા ઉજ્જવલા યોજના હેઠળ ગેસના જોડાણો મળે છે. અને હર ઘર જલ યોજના હેઠળ પાણીનાં જોડાણો પણ આપવામાં આવે છે. આનો અર્થ એ થયો કે ગરીબ લાભાર્થીને આ સુવિધાઓ હેઠળ અલગ અલગ સરકારી કચેરીઓના આંટા મારવાની જરૂર પડતી નથી. ગરીબની સેવા કરવાની અમારી આ વિચારધારા છે, જે આજે દેશવાસીઓનું જીવન આસાન બનાવવા માટે કામમાં આવી રહી છે.
સાથીઓ,
ભારત શક્તિની ઉપાસના કરનારો દેશ છે. થોડાંક જ દિવસોમાં નવરાત્રી શરૂ થવાની છે. આપણી દેવીઓ, દુશ્મનોનો સંહાર કરવાની છે. અસ્ત્ર-શસ્ત્રની ઉપાસના થવાની છે. આપણી દેવીઓ જ્ઞાન, કલા અને સંસ્કૃતિની પ્રેરણા છે. 21મી સદીનું ભારત આમાંથી પ્રેરણા લઈને પોતાને પણ આગળ ધપાવી રહ્યું છે અને પોતાની નારી શક્તિને સશક્ત બનાવવાની કામગીરીમાં જોડાઈ ગયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના આ અભિયાનનો એક મહત્વનો હિસ્સો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે ઘર બન્યા છે તેમાંથી આશરે બે કરોડ ઘરનો માલિકી હક્ક મહિલાઓનો પણ છે. આ માલિકી હક્કના કારણે ઘરના અન્ય આર્થિક નિર્ણયોમાં પણ મહિલાઓની ભાગીદારી મજબૂત બની રહી છે તે સ્વયં દુનિયાની મોટી મોટી યુનિવર્સિટીઓ માટે પણ અભ્યાસનો એક વિષય છે, કેસ સ્ટડીનો વિષય છે. તેનો અભ્યાસ મધ્ય પ્રદેશની યુનિવર્સિટીઓ દ્વારા પણ ચોક્કસપણે થવો જોઈએ.
ભાઈઓ અને બહેનો,
મહિલાઓની પરેશાની દૂર કરવા માટે અમે ઘેર ઘેર પાણી પહોંચાડવાનું બીડું ઉઠાવ્યું છે. વિતેલા અઢી વર્ષમાં આ યોજના હેઠળ સમગ્ર દેશમાં 6 કરોડથી વધુ પરિવારોને પીવાના શુધ્ધ પાણીના જોડાણો મળી ચૂક્યા છે. યોજના શરૂ થવાના સમયે મધ્ય પ્રદેશમાં 13 લાખ ગ્રામ્ય પરિવારોના ઘરમાં પાઈપથી પાણી પહોંચતું હતું. આજે આપણે 50 લાખ પરિવારોના ઘર સુધી પાણી પહોંચાડવાના મુકામની ખૂબ જ નજીક છીએ. મધ્ય પ્રદેશના દરેક ગ્રામીણ પરિવાર સુધી પાણી પહોંચાડવાની અમારી કટિબધ્ધતા છે.
સાથીઓ,
આજે હું મધ્ય પ્રદેશ સહિત સમગ્ર દેશના તમામ ગરીબોને આશ્વસ્ત કરવા માંગુ છું કે ઘર બનાવવાનું અભિયાન ખૂબ જ ઝડપી ગતિથી ચાલી રહ્યું છે. હજુ પણ કેટલાક લોકોને પાકા ઘર મળ્યા નથી. મને સંપૂર્ણ ખબર છે અને હું તમને એ કહેવા આવ્યો છું કે આ વર્ષના બજેટમાં સમગ્ર દેશમાં 80 લાખ કરતાં વધુ ઘર બનાવવા માટે નાણાં ફાળવીને રકમની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં મધ્ય પ્રદેશના પણ લાખો પરિવારોને ફાયદો થશે તે નક્કી છે. જ્યારે સવા બે લાખ કરોડ રૂપિયાથી વધુ રકમનો આ યોજના પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે. આ પૈસાનો જ્યારે ગામડાંઓ માટે ખર્ચ કરવામાં આવ્યો છે ત્યારે તેનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થાને ખૂબ મોટી તાકાત મળી છે. જ્યારે એક ઘર બને છે ત્યારે ઈંટ, રેતી, સળિયા, સિમેન્ટ તથા ઘર બનાવવાનું કામ કરનાર શ્રમિક વગેરે સ્થાનિક લોકોને લાભ થતો હોય છે. એટલા માટે પીએમ આવાસ યોજના ગામડાંમાં રોજગારીની નવી તકો પણ ઊભી કરી રહી છે.
સાથીઓ,
આપણાં દેશમાં આઝાદી પછી દાયકાઓ સુધી ઘણી સરકારો જોઈ છે, પરંતુ પ્રથમ વખત દેશના લોકો એવી સરકાર જોઈ રહ્યા છે કે તેમના સુખ- દુઃખની સાથી બનીને, તેમની સાથે ખભેથી ખભો મિલાવીને સાથ આપી રહી છે. કોરોનાના આટલા મોટા સંકટ વચ્ચે પણ ભાજપ સરકારે ફરીથી સાબિત કરી બતાવ્યું છે કે આ સરકાર ગરીબો માટે કેટલી સંવેદનશીલતા સાથે કામ કરી રહી છે. ગરીબોને મફત રસી આપવાની હોય કે પછી ગરીબોને મફત રાશન આપવાનું હોય અને હમણાં શિવરાજજીએ વિસ્તારપૂર્વક વર્ણન કર્યું તે મુજબ બે દિવસ પહેલાં જ આપણે સૌએ સાથે મળીને નક્કી કર્યું છે કે આગામી 6 માસ સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગળ ધપાવવામાં આવશે, કે જેથી ગરીબના ઘરનો ચૂલો સળગતો રહે. અગાઉ કોરોનાના કારણે સમગ્ર દુનિયા મોટી મુસીબતમાં ફસાઈ ગઈ હતી. આજે જ્યારે સમગ્ર દુનિયા લડાઈના મેદાનમાં ઉતરી હોવાના કારણે પણ આર્થિક વ્યવસ્થા ઉપર નવા સંકટો ઊભી થઈ રહ્યા છે. ભારતના નાગરિકો ઉપરનો બોજ કઈ રીતે ઓછો કરી શકાય તે માટે જેટલી થઈ શકે તેટલી દેશના નાગરિકોને મદદ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ભાઈઓ અને બહેનો,
100 વર્ષ પછી આવેલી આ સૌથી મોટા મહામારીમાં અમારી સરકાર ગરીબોને મફત રાશન આપવા માટે બે લાખ સાઈઠ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી ચૂકી છે. હવે પછીના 6 મહિનામાં આ પ્રકારે રૂપિયા એંસી હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. જે લોકો અગાઉ જનતાની કમાણીને લૂંટી લેતા હતા, જે લોકો જનતાની કમાણીથી પોતાની તિજોરી ભરતા હતા, તે લોકો આજે પણ આ યોજના માટે કોઈને કોઈ હળવી મજાક ઉડાડવાનું, જૂઠાણાં ફેલાવવાનું અને ભ્રમ ઊભો કરવાનું કામ કરતા રહ્યા છે. હું આજે દેશને જણાવવા માંગુ છું કે તમે આ બાબત પણ ધ્યાનથી સાંભળો.
સાથીઓ,
જ્યારે આ લોકોની સરકારો હતી, ત્યારે ગરીબોનું રાશન લૂંટવા માટે પોતાના ચાર કરોડ, ચાર કરોડનો આંકડો ખૂબ જ મોટો હોય છે. ચાર કરોડના ખોટા બેનામી નામ ઊભા કરવામાં આવ્યા હતા. આ એવા નામ હતા કે જેમનો જન્મ પણ થયો ન હતો. આવા ચાર કરોડ નામ કાગળ પર બતાવીને એ લોકોએ, ચાર કરોડ નકલી લોકોના નામે રાશન ઉઠાવી લીધું હતું. આ રાશન પાછલા રસ્તે બજારમાં વેચી દેવામાં આવતું હતું અને આ નાણાં એ લોકોના કાળા કારનામા, કાળા ખાતામાં પહોંચી જતા હતા. વર્ષ 2014માં અમારી સરકાર આવી તે પછી અમે આવા નકલી નામોને શોધવાની શરૂઆત કરી અને તેમને રાશનની યાદીમાંથી દૂર કર્યા, કે જેના કારણે ગરીબોને તેમનો હક્ક મળી શકે. તમે જરા વિચાર કરો, કે અગાઉના સમયમાં આ લોકો ગરીબોના મોંમાથી કોળિયો છીનવીને કેટલા હજારો રૂપિયાની લૂંટ ચલાવતા હતા. અમે રાશનની દુકાનોમાં આધુનિક યંત્રો લગાવીને એ નક્કી કર્યું કે રાશનની ચોરી જ ના થઈ શકે. આપ સૌને ખબર હશે કે અમે આ મશીન લગાવવાનું જે અભિયાન શરૂ કર્યું છે તે વ્યવસ્થાની પણ આ લોકો મજાક ઉડાવી રહ્યા છે, કારણ કે એ લોકોને ખબર હતી કે મશીનો આવશે તો લોકો અંગૂઠાની છાપ લગાવશે નહીં અને સત્યનું ચલણ વધશે અને આવી પરિસ્થિતિને રોકવા માટે તેમણે ઘણી બનાવટી વાતો ચલાવી અને એટલે સુધી કહ્યું કે રાશન લેવા જાવ ત્યારે અંગૂઠો લગાવશો તો કોરોના લાગી જશે. આવા આવા તો જૂઠાણાં ફેલાવ્યા હતા. આમ છતાં અમારી સરકારે તેમની નકલનો ખેલ બંધ કરાવી દીધો. આટલા માટે આ લોકો સમસમીને બેઠેલા છે. તમે કલ્પના કરી શકો છો કે જો રાશનની દુકાનોમાં પારદર્શિતા આવી ના હોત તો, આ ચાર કરોડ નકલી નામ હટાવવામાં આવ્યા ના હોત તો કોરોનાના આ સંકટકાળમાં ગરીબોનો કેવો હાલ થયો હોત. ગરીબો માટે સમર્પિત ભાજપની સરકાર દિવસ- રાત ગરીબો માટે કામ કરતી રહે છે.
ભાઈઓ અને બહેનો,
અમારો એ પ્રયાસ રહ્યો છે કે આઝાદીના અમૃતકાળમાં અમે મૂળભૂત સુવિધાઓ દરેક લાભાર્થીઓ સુધી ઝડપથી પહોંચાડી શકીએ અને આવા જ કામોની તાકાત ઉપર અમે યોજનાઓને સેચ્યુરાશન એટલે કે 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો સંકલ્પ લઈને કામ કરી રહ્યા છીએ. ગામમાં જે યોજનાનો જે કોઈ લાભાર્થી હશે, હિત ધારક હશે તેના ઘર સુધી તેનો હક્ક પહોંચાડી શકાય તે માટે અમે કામગીરીમાં જોડાઈ ચૂક્યા છીએ. સેચ્યુરાશનના આ લક્ષ્યનો સૌથી મોટો લાભ એ છે કે કોઈ ગરીબ યોજનાના લાભથી વંચિત નહીં રહી જાય અને યોજના બધા લોકો સુધી પહોંચશે. તેમાં ભેદભાવની કોઈ શક્યતા નહીં રહે. ભ્રષ્ટાચારની પણ કોઈ સંભાવના રહેશે નહીં. આજે સમાજમાં છેલ્લી હરોળમાં બેઠેલી વ્યક્તિને પણ લાભ આપવાની નીતિ હોય, નિયત હોય તો સૌનો સાથ પણ મળશે અને સૌનો વિકાસ પણ થશે.
સાથીઓ,
ગામડાંની ભૂમિકાઓનો પણ લગાતાર વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. અગાઉ વર્ષો સુધી ગામડાંની અર્થવ્યવસ્થા માત્ર ખેતી સુધી જ મર્યાદિત સ્વરૂપે જોવામાં આવી રહી હતી. હવે ખેતીને, ખેડૂતને, પશુપાલકને ડ્રોન જેવી આધુનિક ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતી જેવી જૂની વ્યવસ્થાને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. સાથે સાથે ગામડાંઓની અન્ય ક્ષમતાઓને પણ વિકસાવી રહ્યા છીએ. લાંબા સમય સુધી ગામડાંના ઘર અને જમીન પર ખૂબ મર્યાદિત આર્થિક પ્રવૃત્તિઓ થતી હતી, કારણ કે ગામડાંની સંપત્તિનો રેકોર્ડ તેના માટે વ્યવસ્થિત ન હતો. એટલા માટે ગામડાંમાં વેપાર કરવામાં, વેપાર- ઉદ્યોગ શરૂ કરવામાં બેંકોમાંથી ધિરાણ મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી. હવે સ્વામિત્વ યોજના હેઠળ ગામના ઘરો માટે કાનૂની દસ્તાવેજો તૈયાર કરવામાં આવી રહ્યા છે. મધ્ય પ્રદેશના તમામ જિલ્લાઓના 50 હજારથી વધુ ગામમાં સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. આશરે 3 લાખ ગ્રામીણોને તેમના પ્રોપર્ટી કાર્ડ સોંપવામાં આવી ચૂક્યા છે. આવી જોગવાઈઓના કારણે જમીન અને ઘર સાથે જોડાયેલા વિવાદ ઓછા થશે અને મેં કહ્યું તે મુજબ જરૂર પડશે ત્યારે બેંકો પાસેથી મદદ લેવાનું પણ સરળ બની જશે.
સાથીઓ,
હું આજે શિવરાજજીની સરકારને વધુ એક કામ માટે અભિનંદન આપવા માંગુ છું. અનાજની સરકારી ખરીદીમાં મધ્ય પ્રદેશે પણ ગજબનું કામ કર્યું છે. નવા વિક્રમો સર્જ્યા છે અને દેશના અનેક રાજ્યોને પાછળ છોડી દીધા છે. મધ્ય પ્રદેશમાં ખેડૂતોના બેંકના ખાતામાં આજે અગાઉની તુલનામાં વધુ રકમ આપવામાં આવી રહી છે. સરકારી ખરીદ કેન્દ્રોની સંખ્યા પણ વધારવામાં આવી છે. પ્રધાનમંત્રી સન્માન નિધિ નાના ખેડૂતોને ખૂબ જ મદદ કરી રહી છે. મધ્ય પ્રદેશના આશરે 90 લાખ નાના ખેડૂતોને રૂ.13 લાખ કરોડથી વધુ રકમ તેમના નાના નાના ખર્ચાઓ માટે આપવામાં આવી છે.
સાથીઓ,
હાલમાં આપણો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. આપણને આઝાદી મળે તે માટે ભારત માતાના લાખો વીર સપૂતો અને વીર દીકરીઓએ પોતાના જીવન અને પોતાની સુખ- સુવિધાની આહુતિ આપી હતી. તેમની આ આહુતિના કારણે આપણને આજનું સ્વતંત્ર જીવન પ્રાપ્ત થયું છે. આપણે આ અમૃત મહોત્સવમાં એવા સંકલ્પ સાથે આગળ ધપવાનું છે કે આપણે આવનારી પેઢીઓને પણ કશુંક આપીને જઈએ. આ સમયગાળામાં આપણાં તરફથી કરવામાં આવેલી કામગીરી, ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ બને અને તેમના કર્તવ્યોની યાદ અપાવે તે ખૂબ જ આવશ્યક છે. જે રીતે આપણે સૌ સાથે મળીને એક કામ તો ચોક્કસ કરી શકીએ તેમ છીએ અને હું આશા રાખું છું કે આજે મધ્ય પ્રદેશના લાખો પરિવારો સાથે વાત કરી રહ્યો છું ત્યારે હું તમને સૌને એક સંકલ્પ માટે ચોક્કસ વિનંતી કરીશ. આપણે સંકલ્પ કરીએ કે આ વર્ષે જ્યારે નવુ વર્ષ શરૂ થશે ત્યારે બે-ચાર દિવસ પછી જે પ્રતિપ્રદા છે ત્યાંથી સંકલ્પ લઈને આવતા વર્ષની પ્રતિપ્રદા સુધી એટલે કે આપણી પાસે 12 મહિના છે. આપણે સંકલ્પ કરીએ કે દરેક જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવની યાદમાં આપણી ભાવિ પેઢીને કશુંકને કશુંક આપવાનો સંકલ્પ પૂરો કરવા માટે આપણે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવીશું અને હું ઈચ્છા રાખું છું કે દરેક જિલ્લામાં આ નવા અમૃત સરોવર હોય, મોટા મોટા સરોવર હોય અને તેના નિર્માણ માટે સરકાર તરફથી મનરેગા યોજના હેઠળ જે પૈસા આવે છે તેમાંથી મદદ પણ કરવામાં આવશે. આઝાદીના અમૃત મહોત્સવમાં દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ આવનારી પેઢીઓ માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થશે અને તેનો ખૂબ મોટો લાભ આપણી ધરતી માતાને પણ મળશે. આપણી ધરતી માતા જે તરસી છે, આપણે ધરતીમાંથી એટલું પાણી ખેંચ્યું છે કે આ ધરતી માતાની તરસ બુઝાવવા માટે આ ધરતી માતાના સંતાન તરીકે આપણે આવા સરોવરોનું નિર્માણ કરવાનું કર્તવ્ય બની રહે છે. તેના કારણે પ્રકૃતિના પ્રાણમાં પણ એક નવી ઊર્જા આવશે, એક નવી ચેતના ઊભી થશે અને તેના કારણે નાના ખેડૂતોને લાભ થશે, મહિલાઓને લાભ થશે અને એટલું જ નહીં, જીવદયાનું પણ મોટું કામ થશે. આ કામગીરી પશુ- પંખીઓ માટે પણ ખૂબ જ મદદરૂપ પૂરવાર થશે. એટલા માટે 75 અમૃત સરોવરનું નિર્માણ માનવતા માટે એક મોટું કામ બની રહેશે, જે આપણે ચોક્કસપણે કરવું જોઈએ. હું તમામ રાજ્ય સરકારોને, સ્થાનિક એકમોને તથા પંચાયતોને આ દિશામાં કામ કરવા માટે આગ્રહ કરૂં છું.
સાથીઓ,
ભારતના ઉજળા ભવિષ્યના નિર્માણ માટે કામ કરવાનો આ સમય છે. ભારતનું ઉજળું ભવિષ્ય ત્યારે જ શક્ય બને કે જ્યારે ગરીબ પરિવારનું ભવિષ્ય પણ બહેતર બને. આ નવા ઘર તમારા પરિવારને એક નવી દિશા આપે, તમને નવા લક્ષ્ય તરફ આગળ ધપવાનું સામર્થ્ય પૂરૂં પાડે, તમારા બાળકોમાં શિક્ષણ, કૌશલ્ય અને આત્મવિશ્વાસનો સંચાર થાય તેવી ઈચ્છા સાથે આપ સૌ લાભાર્થીઓને, આ નવા ગૃહ પ્રવેશ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ અભિનંદન આપું છું.
ધન્યવાદ!