મંત્રીમંડળના મારા તમામ સહયોગીઓ, રાજ્ય સરકારોના ઉદ્યોગ અને અકાદમી સાથે જોડાયેલા તમામ સાથીઓ અને આપણાં તમામ ખેડૂત ભાઈઓ અને બહેનો, દેવીઓ અને સજ્જનો !
આ એક સુખદ જોગાનુજોગ છે કે 3 વર્ષ પહેલાં આજના જ દિવસે આપણે પીએમ કિસાન સન્માન નિધિની શરૂઆત કરી હતી. આ યોજના આજે દેશના નાના ખેડૂતો માટે એક ખૂબ મોટો સહારો બની ગઈ છે. આ યોજના હેઠળ દેશના 11 કરોડ ખેડૂતોને લગભગ પોણા બે લાખ કરોડ રૂપિયા આપવામાં આવી ચૂકયા છે. આ યોજનામાં આપણે સ્માર્ટનેસનો અનુભવ કરી શકીએ છીએ, કારણ કે માત્ર એક જ ક્લિક કરીને 10થી 12 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પૈસા સીધા ટ્રાન્સફર થઈ જાય છે. આ બાબત કોઈ પણ ભારતીય માટે કોઈ પણ હિંદુસ્તાની માટે ગર્વ લેવા જેવી બાબત છે.
સાથીઓ,
વિતેલા સાત વર્ષમાં આપણે બીજથી બજાર સુધી આવી જ અનેક નવી વ્યવસ્થાઓ તૈયાર કરી છે અને જૂની વ્યવસ્થાઓમા સુધારા કર્યા છે. માત્ર 6 વર્ષમાં ખેતીના બજેટમાં અનેકગણો વધારો કર્યો છે. ખેડૂતો માટે કૃષિ ધિરાણોમાં પણ 7 વર્ષમાં અઢી ગણો વધારો કરવામાં આવ્યો છે. કોરોનાના કપરા સમયમાં પણ ખાસ ઝૂંબેશ ચલાવીને અમે 3 કરોડ નાના ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા સાથે જોડવામાં આવ્યા છે. આ સુવિધાને વિસ્તારીને પશુપાલન અને માછીમારી સાથે જોડાયેલા કિસાનો માટે પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. માઈક્રો ઈરીગેશનનું નેટવર્ક જેટલુ મજબૂત થઈ રહ્યું છે તેના કારણે પણ ખેડૂતોને ખૂબ જ મદદ મળી રહી છે.
સાથીઓ,
આ બધા પ્રયાસોના કારણે ખેડૂતો દર વર્ષે વિક્રમ ઉત્પાદન કરી રહયા છે અને લઘુત્તમ ટેકાના ભાવે ખરીદીના વિક્રમ રચાઈ રહયા છે. ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન મળવાને કારણે હવે ઓર્ગેનિક ઉત્પાદનોનું બજાર રૂ.11,000 કરોડ થઈ ચૂક્યુ છે. 6 વર્ષમાં તેની નિકાસ પણ રૂ. 2000 કરોડથી વધીને રૂ.7000 કરોડ કરતાં વધુ થઈ છે.
સાથીઓ,
આ વર્ષનું કૃષિ બજેટ વિતેલા વર્ષોના આ પ્રયાસોને ચાલુ રાખી રહ્યું છે અને તેનો વિસ્તાર કરી રહ્યું છે. આ બજેટમાં ખેતીને આધુનિક અને સ્માર્ટ બનાવવા માટે મુખ્ય 7 માર્ગ સૂચવવામાં આવ્યા છેઃ
પ્રથમ- ગંગા નદીના બંને કિનારા પર 5 કિલોમીટરના વ્યાપમાં નેચરલ ફાર્મીંગને મિશન મોડમાં લાવવાનું લક્ષ્ય છે. એમાં હર્બલ મેડીસીન ઉપર પણ ઝોક દાખવવામાં આવ્યો છે તથા ફળ-ફૂલ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
બીજુ- કૃષિ અને બાગાયતમાં ખેડૂતોને આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ કરવામાં આવશે.
ત્રીજું- ખાદ્ય તેલની આયાત ઓછી કરવા માટે મિશન ઓઈલ પામની સાથે સાથે તેલિબિયાં ઉપર પણ ઝોક વધારીને તેની ખેતી સશક્ત કરવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ અને આ બજેટમાં એ બાબત ઉપર પણ ભાર મૂકવામા આવ્યો છે.
આ ઉપરાંત ચોથું લક્ષ્ય એ છે કે ખેતી સાથે જોડાયેલા ઉત્પાદનોના પરિવહન માટે પીએમ ગતિશક્તિ પ્લાન દ્વારા લોજીસ્ટિક્સની નવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
બજેટમાં પાંચમો ઉકેલ એ સૂચવવામાં આવ્યો છે કે એગ્રી વેસ્ટ મેનેજમેન્ટને વધુ સંગઠીત બનાવવામાં આવશે. વેસ્ટ ટુ એનર્જી સુધીના ઉપાયો શોધીને ખેડૂતોની આવક વધારવામાં આવશે.
છઠ્ઠો ઉપાય એ છે કે દેશની દોઢ લાખ કરતાં વધુ પોસ્ટ ઓફિસોમાં બેંકો જેવી નિયમિત સુવિધાઓ મળશે કે જેના કારણે ખેડૂતોને અગવડ ના પડે.
સાતમી બાબત એ છે કે કૃષિ સંશોધન અને શિક્ષણ સાથે જોડાયેલા અભ્યાસક્રમોમાં કૌશલ્ય વિકાસ, માનવ સંસાધન વિકાસમાં આધુનિક સમય અનુસાર ફેરફાર કરવામાં આવશે.
સાથીઓ,
આજે દુનિયામાં આરોગ્ય અંગે જાગૃતિ વધતી જાય છે. પર્યાવરણલક્ષી જીવનશૈલી તરફ પણ લોકોની જાગૃતિ વધી રહી છે. વધુને વધુ લોકો એ તરફ આકર્ષિત થઈ રહ્યા છે. આનો અર્થ એ થાય છે કે તેનું બજાર પણ વધતું જાય છે. આપણે તેની સાથે જોડાયેલી બાબતો જેવી કે- નેચરલ ફાર્મિંગ, ઓર્ગેનિક ફાર્મિંગ છે અને તેની મદદથી આ બજારને હાંસલ કરવાની કોશિષ કરી શકીએ તેમ છીએ. નેચરલ ફાર્મિંગના ફાયદા જન જન સુધી પહોંચાડવા માટે આપણાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને કૃષિ યુનિવર્સિટીઓએ પૂરી તાકાત લગાવીને જોડાઈ જવું પડશે. આપણાં કૃષિ વિકાસ કેન્દ્રો એક એક ગામ દત્તક લઈ શકે છે. આપણી કૃષિ યુનિવર્સિટીઓ 100થી 500 ખેડૂતોને હવે પછીને એક વર્ષમાં નેચરલ ફાર્મિંગ તરફ વાળવાનું લક્ષ્ય નક્કી કરી શકે છે.
સાથીઓ,
આજકાલ આપણાં મધ્યમ વર્ગના પરિવારો અને ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારોમાં વધુ એક પ્રવાહ જોવા મળે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે તેમના ડાઈનીંગ ટેબલ પર ઘણી ચીજો પહોંચી ગઈ છે. પ્રોટીનના નામે, કેલ્શિયમના નામે આવી અનેક પ્રોડક્ટસ હવે ટેબલ પર જગા બનાવી ચૂકી છે અને એમાંથી ઘણી બધી ચીજો વિદેશથી આવી રહી છે અને તે ભારતીય સ્વાદ મુજબ પણ હોતી નથી. આ બધી પ્રોજક્ટસ આપણાં ખેડૂતો જેનું ઉત્પાદન કરે છે તે ભારતીય પેદાશો જેવી જ હોવી જોઈએ. એમાં ઘણું બધું છે, પણ આપણે આ પેદાશોની યોગ્ય રીતે રજૂઆત કરી શકતા નથી, તેનું માર્કેટીંગ કરી શકતા નથી, જેથી તે માટે પ્રયત્નો કરવા જોઈએ અને તેમાં લોકલ ફોર વોકલ જરૂરી છે. ભારતીય અન્ન અને ભારતીય પેદાશોમાં તે મહદ્દ અંશે મળી રહેતું હોય છે અને તેમાં આપણો સ્વાદ પણ હોય છે. તકલીફ એ છે કે આપણે ત્યાં એ માટેની જાગૃતિ નથી. ઘણાં લોકોને આ અંગે ખબર જ નથી. ભારતીય અન્નનો પ્રચાર આપણે કઈ રીતે કરી શકીએ અને તેનો પ્રસાર વધારવા માટે પણ આપણે ધ્યાન આપવું પડશે.
આપણે જોયું છે કે કોરોના કાળમાં આપણે ત્યાં મસાલા અને હળદર જેવી ચીજોનું આકર્ષણ ઘણું વધ્યું છે. વર્ષ 2023ને ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ (બાજરી) જાહેર કરવામાં આવ્યું છે. આમાં પણ આપણું કોર્પોરેટ જગત આગળ આવીને તેનું બ્રાન્ડીંગ કરે, પ્રચાર કરે, આપણાં જે જાડાં ધાન્ય છે અને અન્ય દેશોમાં આપણાં જે મોટા મિશન્સ છે તે પણ પોતાના દેશમાં ભારતના ધાન્ય અંગે મોટા મોટા સેમિનાર કરે. ત્યાંના લોકો જે મોટા આયાતકાર છે તેમને સમજાવે કે ભારતની જે બાજરી છે તે ભારતનું ધાન્ય છે અને કેવી રીતે ઉત્તમ છે. તેનો સ્વાદ પણ કેટલો મહત્વપૂર્ણ છે. આપણે આપણાં મિશનને કામે લગાવી શકીએ છીએ અને સેમિનાર, વેબિનાર તથા આયાતકાર અને નિકાસકાર વચ્ચે બાજરી અંગે વાત કરી શકીએ છીએ. ભારતની બાજરીનું પોષણ મૂલ્ય કેટલું વધુ છે તે બાબત ઉપર પણ આપણે ભાર મૂકી શકીએ તેમ છીએ.
સાથીઓ,
તમે જોયું હશે કે આપણી સરકાર સોઈલ હેલ્થ કાર્ડ ઉપર ખૂબ ભાર મૂકી રહી છે. દેશના કરોડો ખેડૂતોને સરકારે સોઈલ હેલ્થ કાર્ડ આપ્યા છે. જે રીતે એક જમાનામાં પેથોલોજી લેબ હતી, લોકો પેથોલોજી ટેસ્ટ કરાવતા ન હતા, પણ હવે કોઈ બીમારી આવે તો સૌથી પહેલાં પેથોલોજી ચેક-અપ થાય છે. પેથોલોજી લેબમાં જવું પડે છે. શું આપણાં સ્ટાર્ટઅપ્સ, આપણાં ખાનગી રોકાણકારો સ્થળે સ્થળે પેથોલોજી લેબ જેવી સુવિધાઓ ઉભી કરી શકે? આ રીતે તે આપણી ધરતી માતા, આપણી જમીનના નમૂનાનો પેથોલોજી ટેસ્ટ કરીને ખેડૂતોને માર્ગદર્શન આપી શકે છે. જમીનના આરોગ્યની તપાસ સતત કરાવતા રહે તેવી આપણાં ખેડૂતોને જો ટેવ પાડીશું તો નાના ખેડૂતો પણ ચોક્કસ સોઈલ ટેસ્ટ કરાવશે. અને આ પ્રકારે સોઈલ ટેસ્ટીંગ લેબનું નેટવર્ક ઉભુ થઈ શકે છે. નવા ઉપકરણો બની શકે છે. હું સમજું છું કે આ એક ઘણું મોટું ક્ષેત્ર છે. સ્ટાર્ટઅપ્સે આ ક્ષેત્રમાં આગળ આવવું જોઈએ.
આપણે ખેડૂતોની જાગૃતિમાં પણ વધારો કરવાનો છે. તેમના સ્વભાવમાં એવું સહજ બનવું જોઈએ કે દર એક- બે વર્ષે ખેતરની માટીની ચકાસણી કરાવે અને તેની ચકાસણી અનુસાર તેમાં કઈ દવાની જરૂર છે, કયા ખાતરની જરૂર છે, આ જમીન કયા પાક માટે ઉપયોગી છે તે અંગે તેમને વૈજ્ઞાનિક જ્ઞાન મળશે. તેમને જાણકારી હશે કે આપણાં યુવાન વૈજ્ઞાનિકોએ નેનો ફર્ટિલાઈઝર વિકસાવ્યું છે. આ એક ગેમ ચેન્જર બની શકે તેવું પરિબળ છે. તેમાં કામ કરવા માટે પણ આપણાં કોર્પોરેટ જગત માટે ઘણી સંભાવનાઓ છે.
સાથીઓ,
માઈક્રો ઈરિગેશન ઈનપુટ ખર્ચ ઓછો કરીને વધુ ઉત્પાદન મેળવી શકાય તેવું મોટું માધ્યમ છે અને એક પ્રકારે તે પર્યાવરણની પણ સેવા છે. પાણી બચાવવું તે પણ હાલમાં માનવજાત માટે ખૂબ મોટું કામ છે. પાણીના દરેક ટીપાં દીઠ વધુ પાક મળે તે માટે સરકાર ખૂબ ભાર મૂકી રહી છે અને તે સમયની માંગ પણ છે. તેમાં વ્યાપાર જગત માટે પણ ઘણી સંભાવનાઓ હોવાથી આ ક્ષેત્રમાં પ્રવેશવું જોઈએ. જેવી રીતે કેન- બેટવા લીંક પરિયોજનાથી બુંદેલખંડમાં કેવા પરિવર્તન આવશે તે આપ સૌ સારી રીતે જાણો છો. દેશની જે ખેતી સિંચાઈ યોજનાઓ વર્ષોથી અટકેલી પડી હતી તેને ઝડપથી પૂરી કરવી જોઈએ.
સાથીઓ,
આવનારા ત્રણથી ચાર વર્ષમાં આપણે ખાદ્ય તેલનું ઉત્પાદન પણ હાલની તુલનામાં આશરે 50 ટકા સુધી વધારવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે અને તે લક્ષ્યાંક આપણે સમયબધ્ધ રીતે હાંસલ કરવાનો છે. ખાદ્ય તેલના રાષ્ટ્રિય મિશન હેઠળ ઓઈલ પામની ખેતીનું વિસ્તરણ કરવાની મોટી ક્ષમતા છે અને તેલિબિયાંને ક્ષેત્રમાં પણ આપણે મોટાપાયે આગળ વધવાની જરૂર છે.
પાકની તરાહ માટે, પાકના વિવિધિકરણને વેગ આપવા માટે આપણાં એગ્રી ઈન્વેસ્ટરોએ પણ આગળ આવવું જોઈએ. ભારતમાં કેવા પ્રકારના મશીનો જોઈએ તે અંગે આયાતકારોને જાણકારી હોય છે. તે જાણતા હોય છે કે કેવી ચીજો અહીંયા ચાલશે. તે રીતે આપણે ત્યાં પાક અંગે પણ જાણકારી હોવી જોઈએ. જો આપણે તેલિબિયાં અને કઠોળનું જ ઉદાહરણ લઈએ તો દેશમાં તેની ઘણી માંગ છે. આવી સ્થિતિમાં આપણાં કોર્પોરેટ જગતે તેમાં આગળ આવવું જોઈએ. તે તમારા માટે ખાત્રીપૂર્વકનું બજાર છે, તો વિદેશથી લાવવાની શું જરૂર છે. તમે ખેડૂતોને અગાઉથી કહી શકો છો કે અમે તમારી પાસેથી આટલો પાક ખરીદીશું. હવે તો વીમા માટેની પણ વ્યવસ્થા છે. વીમાના કારણે સુરક્ષા તો મળી જ રહી છે. ભારતની અન્ન જરૂરિયાત અંગે એક અભ્યાસ કરવામાં આવે અને ભારતમાં જે ચીજોની જરૂરિયાત છે તેને ભારતમાં જ પેદા કરવાની દિશામાં આપણે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ.
સાથીઓ,
આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ 21મી સદીમાં ખેતી અને ખેતી સાથે જોડાયેલા વેપારમાં બિલકુલ પરિવર્તન કરનારૂં પરિવર્તન બનશે. કિસાન ડ્રોનનો ખેતીમાં વધુમાં વધુ ઉપયોગ આ પરિવર્તનનો હિસ્સો છે. ડ્રોન ટેકનોલોજી એક સ્કેલ સુધી ત્યારે જ ઉપલબ્ધ થઈ શકે કે જ્યારે આપણે એગ્રી સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરીશું. વિતેલા ત્રણ થી ચાર વર્ષમાં દેશમાં 700થી વધુ એગ્રી સ્ટાર્ટઅપ્સ તૈયાર થયા છે.
સાથીઓ,
પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટમાં વિતેલા સાત વર્ષમાં ઘણું કામ થયું છે. કેન્દ્ર સરકારનો એ નિરંતર પ્રયાસ રહયો છે કે પ્રોસેસ્ડ ફૂડનો વ્યાપ વધે અને આપણાં ગુણવત્તા આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબની થાય તે માટે કિસાન સંપદા યોજનાની સાથે સાથે પીએલઆઈ સ્કીમ ખૂબ જ મહત્વની છે. તેમાં વેલ્યુચેઈનની પણ ખૂબ જ મોટી ભૂમિકા છે. એટલા માટે 1 લાખ કરોડ રૂપિયાનું વિશેષ એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ બનાવવામાં આવ્યું છે. તમે જોયું હશે કે થોડાંક દિવસ પહેલાં જ ભારતે યુએઈ અને ગલ્ફ દેશો સાથે, અબુધાબી સાથે અનેક મહત્વપૂર્ણ સમજૂતિઓ કરી છે અને તેમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે પણ સહયોગ વધારવા માટે અનેક મહત્વના નિર્ણયો કરવામા આવ્યા છે.
સાથીઓ,
કૃષિ કચરો કે જેને પરાળી કહેવામાં આવે છે અને તેનું વ્યવસ્થાપન કરવું પણ ખૂબ જ જરૂરી છે. તેના માટે આ બજેટમાં કેટલાક નવા પ્રયાસો કરવામાં આવ્યા છે. તેનાથી કાર્બનનો ઉત્સર્ગ તો ઓછો થશે જ, અને સાથે સાથે ખેડૂતોને આવક પણ થશે. આ માટે આપણે સૌએ વૈજ્ઞાનિક અને ટેકનોલોજી દિમાગ ધરાવનારા લોકોએ નક્કી કરવાનું રહેશે કે ખેતીનો કોઈપણ કચરો નકામો નહીં જવો જોઈએ. દરેક વેસ્ટનું બેસ્ટમાં રૂપાંતર થવું જોઈએ. આપણે ઝીણવટપૂર્વક વિચારવું જોઈએ કે આમાંથી કેવી કેવી નવી ચીજો બનાવી શકાશે. પરાળીના મેનેજમેન્ટ બાબતે પણ આપણે જે ઉપાય લાવી રહ્યા છીએ તેનાથી પણ ખેડૂતો માટે તેનો સ્વિકાર કરવાનું ખૂબ જ આસાન બની રહેશે. આ અંગે વાતચીત કરવી જોઈએ. પોસ્ટ હાર્વેસ્ટીંગ વેસ્ટ આપણે ત્યાં ખેડૂતો માટે મોટા પડકાર સમાન છે. હવે આ વેસ્ટનું જો આપણે બેસ્ટમાં રૂપાંતર કરી શકીએ તો ખેડૂત પણ સક્રિય રીતે આપણો સાથી બનીને ભાગીદાર થઈ જશે. આવી સ્થિતિમાં લોજીસ્ટિક્સ અને સંગ્રહની વ્યવસ્થાને પ્રોત્સાહન આપી તેનું વિસ્તરણ કરવું ખૂબ જ જરૂરી છે.
સરકાર આ માટે ઘણું બધુ કરી રહી છે, પણ આપણું જે ખાનગી ક્ષેત્ર છે તેણે પણ આ ક્ષેત્રમાં પોતાનું યોગદાન વધારવું જોઈએ અને હું બેંકીંગ સેક્ટરને પણ કહીશ કે, બેંકીંગ સેક્ટરના આપણાં અગ્રતા ધરાવતા ધિરાણો છે તેની તમામ ચીજોમાં કેવી રીતે ફેરફાર થઈ શકે, લક્ષ્યાંક કેવી રીતે નક્કી કરવામાં આવે, તેનું મોનિટરીંગ કેવી રીતે થાય તે જોવાનું રહેશે. જો આપણે બેંકો દ્વારા આ ક્ષેત્રમાં ધન ઉપલબ્ધ કરાવીશું તો આપણાં ખાનગી ક્ષેત્રના નાના નાના લોકો પણ ખૂબ મોટા પાયે આ ક્ષેત્રમાં આવશે. હું કૃષિ ક્ષેત્રની હાલની કંપનીઓને પણ કહીશ કે તે પણ આ ક્ષેત્રને અગ્રતા આપે.
સાથીઓ,
ખેતીમાં ઈનોવેશન અને પેકેજીંગ એ બે એવા ક્ષેત્રો છે કે જેની ઉપર વધુ ધ્યાન આપવાની જરૂર છે. આજે દુનિયામાં ગ્રાહકવાદ વધી રહ્યો હોવાથી પેકેજીંગ અને બ્રાન્ડીંગ તેમાં ઘણું મહત્વ ધરાવે છે. ફળોના પેકેજીંગમાં આપણાં કોર્પોરેટ ક્ષેત્રએ, કૃષિ સ્ટાર્ટઅપ્સે મોટી સંખ્યામાં આગળ આવવું જોઈએ. એમાં પણ જે કૃષિ કચરો છે તેની મારફતે ઉત્તમ પેકેજીંગ કઈ રીતે કરી શકાય તે બાબતે પણ ધ્યાન આપવું જોઈએ. તે આમાં ખેડૂતોની મદદ કરે અને આ દિશામાં પોતાની યોજનાઓ બનાવે.
ભારતમાં ફૂડ પ્રોસેસિંગ અને ઈથેનોલમાં મૂડીરોકાણની ઘણી મોટી સંભાવનાઓ ઉભી થઈ રહી છે. સરકાર ઈથેનોલનું 20 ટકા મિશ્રણ કરવાનું લક્ષ્ય રાખીને આગળ વધી રહી છે. આ બજાર ખાત્રીપૂર્વકનું છે. વર્ષ 2014 પહેલાં જ્યાં એક થી બે ટકા જેટલા ઈથેનોલનું મિશ્રણ થતું હતું તે હવે આઠ ટકાની આસપાસ પહોંચી ચૂક્યું છે. ઈથેનોલનું બ્લેન્ડીંગ વધારવા માટે સરકાર ઘણાં પ્રોત્સાહનો આપી રહી છે. આપણું વ્યાપારી જગત આ ક્ષેત્રમાં આગળ આવે અને આપણાં બિઝનેસ હાઉસ પણ આગળ આવે તે જરૂરી છે.
એક વિષય નેચરલ જ્યુસનો પણ છે. તેનું પેકેજીંગ ખૂબ જ મહત્વનું છે. પેકેજીંગ એવું થવું જોઈએ કે જેમાં પ્રોડક્ટનું આયુષ લાંબુ હોય અને તે વધુમાં વધુ દિવસ સુધી ચાલે. આ બાબતે પણ કામ કરવાની જરૂર છે, કારણ કે આપણે ત્યાં વિવિધતા ધરાવતા ધરાવતાં ઘણાં ફળ પાકે છે. ભારતમાં નેચરલ જ્યુસ, આપણાં ફળોનો જે રસ છે તેમાં પણ ઘણાં બધા વિકલ્પો ઉપલબ્ધ છે. ઘણી બધી વેરાયટીઝ છે. આપણે બહારના દેશોની નકલ કરવાને બદલે ભારતમાં જે નેચરલ જ્યુસ છે તેને પ્રોત્સાહિત કરવા જોઈએ, લોકપ્રિય બનાવવા જોઈએ.
સાથીઓ,
વધુ એક વિષય છે સહકારી ક્ષેત્રનો. ભારતનું સહકારી ક્ષેત્ર ઘણું જૂનુ છે અને ધબકતું રહે છે. ખાંડની મિલો હોય કે ખાતરના કારખાના હોય, ડેરી હોય કે ધિરાણની વ્યવસ્થા હોય કે અનાજની ખરીદી હોય. સહકારી ક્ષેત્રની તેમાં ઘણી મોટી ભાગીદારી છે. આપણી સરકારે તેની સાથે જોડાયેલું નવું મંત્રાલય પણ બનાવ્યું છે અને તેનું મૂળ કારણ ખેડૂતોની વધુને વધુ મદદ કરવાનું છે. આપણાં સહકારી ક્ષેત્રને એક ધબકતી બિઝનેસ વ્યવસ્થા બનાવવાનો ઘણો મોટો સ્કોપ છે. આપણું એ લક્ષ્ય હોવું જોઈએ કે સહકારી સંસ્થાઓને એક સફળ બિઝનેસ એકમમાં કેવી રીતે બદલી શકાય.
સાથીઓ,
આપણે ત્યાં માઈક્રો-ફાયનાન્સની જે સંસ્થાઓ છે તેમને પણ મારો આગ્રહ છે કે તે આગળ આવે અને એગ્રી સ્ટાર્ટઅપ્સને, ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઈઝેશન (એફપીઓ)ને વધુમાં આર્થિક મદદ કરે. આપણાં દેશના ખેડૂતને ખેતીમાં થતો ખર્ચ ઓછો કરવા માટે એક મોટી ભૂમિકા તમે પણ નિભાવી શકો છો. જે રીતે આપણાં ખેડૂતો ખેતીમાં ઉપયોગ કરી શકાય તેવા આધુનિક ઉપકરણો ખરીદી શકતા નથી તેનો ઉપાય શોધી શકાય તેમ છે. નાના ખેડૂતો પૈસા ક્યાંથી લાવશે, તેને આજે શ્રમિકો પણ ખૂબ ઓછા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં આપણે એક નવી પધ્ધતિથી વિચારી શકીએ તેમ છીએ અને તે છે- પુલીંગનો પ્રયાસ.
આપણાં કોર્પોરેટ જગતે એવી વ્યવસ્થા બનાવવા માટે આગળ આવવું જોઈએ કે જેનાથી ખેતી સાથે જોડાયેલા ઉપકરણોને ભાડેથી આપવાની સુવિધા ઉપલબ્ધ થાય. આપણી સરકાર ખેડૂતોને અન્નદાતાની સાથે સાથે ઊર્જા દાતા બનાવવા માટે પણ ખૂબ મોટું અભિયાન ચલાવી રહી છે. સમગ્ર દેશના ખેડૂતોને સોલાર પંપનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આપણાં વધુને વધુ ખેડૂતો ખેતરોમાં સોલાર પાવર પેદા કરે તે દિશામાં પણ આપણે પ્રયાસો વધારવાના રહેશે.
તે પ્રકારે 'મેડ પર પેડ' આપણાં ખેતરની જે સરહદ હોય છે, આજે આપણે ઈમારતી લાકડાંની આયાત કરી રહ્યા છીએ. જો આપણે આપણાં ખેડૂતોને વૈજ્ઞાનિક પધ્ધતિથી તેમની વાડ પાસે ટીમ્બર માટે પ્રેરણા આપી શકીએ તો 10 થી 20 વર્ષ પછી તેમની આવકનું એક નવું સાધન બની રહેશે. તેમાં આવશ્યક કાનૂની પરિવર્તન લાવવાની જરૂર હશે તો સરકાર તે પણ કરશે.
સાથીઓ,
ખેડૂતોની આવક વધારવી, ખેતીનો ખર્ચ ઓછો કરવો, બીજથી માંડીને બજાર સુધી ખેડૂતોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવી તે અમારી સરકારની અગ્રતા છે. મને વિશ્વાસ છે કે તમારા સૂચનોથી સરકારના પ્રયાસોને, અને આપણાં ખેડૂતો જે સપના લઈને કશુંક કરવા માંગે છે તે બધાને બળ મળશે. અને મને વિશ્વાસ છે કે આજે આપણે ખેતીને એક નેક્સ્ટ જનરેશન પર ચર્ચા કરવા માંગીએ છીએ. પરંપરાગત પધ્ધતિઓમાંથી બહાર આવવા માટે વિચારવા માંગીએ છીએ. બજેટના સંદર્ભમાં, બજેટમાં જે બાબતોની જોગવાઈ કરવામાં આવી છે તેના સંદર્ભમાં આપણે સારૂં કામ કેવી રીતે કરી શકીએ તેવું વિચારવા માટે મારો આપ સૌને આગ્રહ છે. અને આ સેમિનાર દરમ્યાન આવી બાબતો બહાર આવવી જોઈએ.
1 એપ્રિલથી એટલે કે નવું બજેટ જે દિવસથી લાગુ થશે તે જ દિવસથી આપણે આ બાબતો અમલમાં લાવવી જોઈએ અને આ માટે કામ શરૂ કરી દેવું જોઈએ. આપણી પાસે પૂરો માર્ચ મહિનો છે. સંસદમાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે. હવે બજેટ જ આપણી સામે છે, ત્યારે આવી સ્થિતિમાં આપણે સમય બરબાદ નહીં કરીને જૂન- જુલાઈમાં જ્યારે આપણાં ખેડૂતનું નવું વર્ષ શરૂ થાય તે પહેલાં આ માર્ચ મહિનાથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. એપ્રિલમાં આપણે ખેડૂતો સુધી ચીજો પહોંચાડવાનું આયોજન કરીશું અને તે માટે આપણું કોર્પોરેટ જગત આગળ આવે, આપણું નાણાકીય જગત આગળ આવે. આપણાં સ્ટાર્ટઅપ્સ આગળ આવે, આપણાં ટેકનોલોજીના લોકો પણ આગળ આવે. ભારતની જે આવશ્યકતાઓ છે, તે એક કૃષિ પ્રધાન દેશ છે. આપણે એક નાની સરખી ચીજ પણ બહારથી નહીં લાવવી જોઈએ. દેશની આવશ્યતા મુજબ તે દેશમાં જ તૈયાર કરવી જોઈએ.
અને મને વિશ્વાસ છે કે જો આપણે, આપણાં ખેડૂતોને આપણી કૃષિ યુનિવર્સિટીઓને, આપણાં ખેતીના જે વિદ્યાર્થીઓ છે તેમને આ તમામ કામ માટે એક સાથે પ્લેટફોર્મ પર લાવીને આગળ ધપીશું તો સાચા અર્થમાં બજેટ માત્ર આંકડાનો ખેલ નહીં બની રહે. બજેટ જીવન પરિવર્તન, કૃષિ પરિવર્તન, ગ્રામ જીવન પરિવર્તનનું એક ઘણું મોટું સાધન બની શકે તેમ છે. એટલા માટે હું તમને આગ્રહ કરૂં છું કે આ સેમિનાર, આ વેબીનાર ખૂબ જ ઉત્પાદક બની રહેવો જોઈએ, નક્કર બની રહેવો જોઈએ. તેની સાથે એક્શન પોઈન્ટ પણ હોવા જોઈએ અને એવું થશે તો જ આપણે પરિણામ લાવી શકીશું. મને વિશ્વાસ છે કે આ સૌ આ ક્ષેત્ર સાથે જોડાયેલા દેશભરના લોકો જ્યારે આ વેબીનાર સાથે જોડાયેલા છે તેનાથી તમારી તરફથી વિભાગને પણ ઘણું સારૂં માર્ગદર્શન મળશે. ચીજોને વ્યાપકપણે લાગુ કરવાનો માર્ગ નિકળશે અને આપણે સૌ સાતે મળીને ઝડપથી આગળ વધીશું.
હું ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને શુભેચ્છાઓ આપું છું.