નમસ્કાર !
શિક્ષણ, કૌશલ્ય, સંશોધન જેવા અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રો સાથે જોડાયેલા આપ સૌ મહાનુભવોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
આજનું આ મંથન એવા સમયે થઈ રહ્યું છે કે જ્યારે દેશ પોતાના વ્યક્તિગત, બૌદ્ધિક, ઔદ્યોગિક, પ્રકૃતિ અને પ્રતિભાને દિશા આપનારી વ્યવસ્થાનું પરિવર્તન કરવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ ગતિ આપવા માટે આપ સૌએ બજેટની રજૂઆત પહેલાં પણ સૂચનો કર્યા હતા. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંબંધમાં પણ દેશના લાખો લોકો સાથે વિચાર-વિમર્શ કરવાની તક મને પ્રાપ્ત થઈ છે. હવે તેના અમલીકરણ માટે આપણે સૌએ સાથે મળીને આગળ ધપવાનું છે.
સાથીઓ,
આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે દેશના યુવકોમાં આત્મવિશ્વાસ હોય તે જરૂરી છે. આત્મવિશ્વાસ ત્યારે જ આવે છે કે જ્યારે યુવાનો પોતાના શિક્ષણ, પોતાનું જ્ઞાન, પોતાના કૌશલ્ય ઉપર પૂરતો ભરોસો રાખતા હોય, વિશ્વાસ હોય. આત્મવિશ્વાસ ત્યારે જ આવે છે કે જ્યારે તેમને ખાત્રી થાય છે કે તેમનો અભ્યાસ, તેમને કામ કરવાની તક પૂરી પાડી રહ્યો છે અને જરૂરી કૌશલ્ય પણ આપી રહ્યો છે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એવી વિચારધારા સાથે બનાવવામાં આવી છે કે પ્રિ-નર્સરીથી માંડીને પીએચ.ડી સુધી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિની દરેકે દરેક જોગવાઈઓને વહેલામાં વહેલી તકે અમલી બનાવવા માટે આપણે સૌએ હવે ઝડપથી કામ હાથ ધરવાનું છે. કોરોનાના કારણે જો કદાચ ગતિ ધીમી પડી હોય તો હવે તેની અસરમાંથી બહાર નિકળીને આપણે ગતિ વધારવાનું પણ જરૂરી બન્યું છે અને આગળ વધવું તે પણ જરૂરી છે.
આ વર્ષનું બજેટ પણ આ દિશામાં ખૂબ જ મદદગાર પૂરવાર થવાનું છે. આ વર્ષના બજેટમાં આરોગ્ય પછી જે બાબત ઉપર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તે શિક્ષણ, કૌશલ્ય, સંશોધન અને ઈનોવેશન જ છે. દેશની યુનિવર્સિટીઓ, કોલેજો અને સંશોધન વિકાસ સંસ્થાઓમાં બહેતર એકરૂપતા આજે આપણાં દેશની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જે ગ્લુ ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી છે કે જેના અંતર્ગત અત્યારે 9 શહેરોમાં આવશ્યક વ્યવસ્થા તૈયાર કરી શકાય.
સાથીઓ,
આ બજેટમાં એપ્રેન્ટીસશીપ ઉપર, કૌશલ્ય વિકાસ ઉપર અને અપગ્રેડેશન ઉપર જે ભાર મૂકવામાં આવ્યો છે તે અભૂતપૂર્વ છે. આ બજેટમાં આ બાબતે જેટલી પણ જોગવાઈઓ કરવામાં આવી છે તેમાં ઉચ્ચ શિક્ષણથી માંડીને દેશના અભિગમમાં એક મોટું પરિવર્તન આવવાનું છે. વિતેલા વર્ષોમાં શિક્ષણને રોજગારપાત્રતા અને ઉદ્યોગસાહસિકતાની ક્ષમતા સાથે જોડવાના જે પ્રયાસ કરવામાં આવ્યા છે તેનો આ બજેટના કારણે વ્યાપ વધશે.
આવા પ્રયોગોનું પરિણામ એ આવ્યું છે કે આજે વૈજ્ઞાનિક પ્રકાશનોની બાબતમાં ભારત ટોચના ત્રણ દેશમાં સ્થાન પામી ચૂક્યુ છે. પીએચ.ડી.નો અભ્યાસ કરનારા અને સ્ટાર્ટ-અપ વ્યવસ્થા બાબતે પણ આપણે દુનિયાના ટોચના ત્રણ દેશોમાં પહોંચી ચૂક્યા છે.
ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં ભારત દુનિયાના ટોચના 50 ઈનોવેટીવ દેશોમાં સ્થાન પામી ચૂક્યું છે અને તેમાં સતત સુધારો થઈ રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને ઈનોવેશનને સતત પ્રોત્સાહન આપવાના કારણે વિદ્યાર્થીઓ અને યુવા વૈજ્ઞાનિકો માટે નવી તકો ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે અને સારી બાબત તો એ છે કે સંશોધન અને વિકાસ પ્રવૃત્તિમાં દીકરીઓની ભાગીદારી પણ સારી અને સંતોષકારક વૃધ્ધિ જોવા મળી રહી છે.
સાથીઓ,
દેશમાં પ્રથમ વખત શાળાઓમાં અટલ ટીંકરીંગ લેબ્ઝથી માંડીને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં અટલ ઈન્ક્યુબેશન સેન્ટર્સ સુધીની બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. દેશમાં સ્ટાર્ટ-અપ્સ માટે હેકેથોનની એક નવી પરંપરા સ્થાપિત થઈ ચૂકી છે, જે દેશના યુવાનો અને ઉદ્યોગ બંને માટે તાકાતરૂપ પૂરવાર થઈ રહી છે. નેશનલ ઈનિશ્યેટીવ ફોર ડેવલપીંગ એન્ડ હાર્નેસીંગ ઈનોવેશનના માધ્યમથી સાડા ત્રણ હજાર કરતાં વધુ સ્ટાર્ટ-અપનું સંવર્ધન કરવામાં આવી રહ્યું છે.
આવી જ રીતે ધ નેશનલ સુપર કોમ્પ્યુટીંગ મિશન અંતર્ગત, પરમ શિવાય, પરમ શક્તિ અને પરમ બ્રહ્મા નામના ત્રણ સુપર કોમ્પ્યુટર આઈઆઈટી-બીએચયુ, આઈઆઈટી- ખડગપુર અને આઈઆઈએસઈઆર-પૂનામાં સ્થાપિત કરવામાં આવી ચૂક્યા છે. આ વર્ષે દેશની એક ડઝન કરતાં વધુ સંસ્થાઓમાં આ પ્રકારના સુપર કોમ્પ્યુટર સ્થાપિત કરવાની યોજના છે. આઈઆઈટી- ખડગપુર, આઈઆઈટી- દિલ્હી અને બીએચયુમાં ત્રણ અદ્યતન એનાલિટીકલ અને ટેકનિકલ હેલ્થ ઈન્સ્ટીટ્યુટ (સાથી) પણ સેવા આપી રહ્યા છે.
આ તમામ કામગીરી બાબતે વાત કરવી તે આજે એટલા માટે જરૂરી બન્યું છે કે સરકારનું આ વિઝન અને સરકારનો અભિગમ તેમાં દેખાઈ રહ્યો છે. 21મી સદીના ભારતમાં 19મી સદીની વિચાર પધ્ધતિને પાછળ છોડીને આપણે આગળ વધવાનું છે.
સાથીઓ,
આપણે ત્યાં કહેવામાં આવે છે કે વ્યયે કૃતે વર્ધત એવ નિત્યમ, વિદ્યા ધનમ સર્વ ધર્મ પ્રધાનમ્. આનો અર્થ એવો થાય છે કે વિદ્યા એ એક એવું ધન છે કે જે પોતાના સુધી સિમિત રાખવાના બદલે વહેંચવાથી વધતું હોય છે. એટલા માટે જ વિદ્યા ધન અને વિદ્યા દાનને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જ્ઞાન હોય કે સંશોધન હોય, તેને સિમીત રાખવાથી દેશના સામર્થ્ય સાથે એક ખૂબ મોટો અન્યાય થાય છે. આવી વિચારધારા સાથે અંતરિક્ષ વિજ્ઞાન હોય કે અણુ ઉર્જા, ડીઆરડીઓ હોય કે કૃષિ ક્ષેત્ર હોય, આવા અનેક ક્ષેત્રોના દ્વાર આપણાં પ્રતિભાશાળી યુવકો માટે ખૂલ્લા મૂકવામાં આવી રહ્યા છે.
હાલમાં બે મોટા કદમ ઉઠાવવામાં આવ્યા છે કે જેનાથી ઈનોવેશન, સંશોધન અને વિકાસના પૂરા વ્યવસ્થાતંત્રને ઘણો લાભ થશે. દેશમાં પ્રથમ વખત હવામાન શાસ્ત્ર સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર સાચા ઠરે તેવા ભારતીય ઉપાયો મળી ચૂક્યા છે. અને આ વ્યવસ્થાને સતત મજબૂત બનાવવામાં આવી રહી છે. તેનાથી સંશોધન અને વિકાસ તથા આપણાં ઉત્પાદનોની વૈશ્વિક ક્ષમતામાં ઘણો બધો સુધારો થશે.
આ ઉપરાંત તાજેતરમાં જ જીઓ-સ્પેટિયલ ડેટા બાબતે પણ ઘણાં મોટા સુધારા કરવામાં આવ્યા છે. હવે સ્પેસ ડેટા અને તેના આધારિત સ્પેસ ટેકનોલોજીને દેશના યુવાનો માટે, દેશના યુવા ઉદ્યોગસાહસિકો માટે, સ્ટાર્ટઅપ્સને માટે ખૂલ્લા મૂકવામાં આવ્યા છે. આપ સૌ સાથીઓને મારો આગ્રહ છે કે આ તમામ સુધારાનો વધુમાં વધુ ઉપયોગ કરે અને તેનો વધુમાં વધુ લાભ ઉઠાવે.
સાથીઓ,
આ વર્ષના બજેટમાં શિક્ષણ સંસ્થાઓના નિર્માણ અને તેમની ઉપલબ્ધિ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. દેશમાં પ્રથમ વખત નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને તેના માટે રૂ,50 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેનાથી સંશોધન સાથે જોડાયેલી સંસ્થાઓમાં વહિવટી માળખાથી માંડીને સંશોધન અને વિકાસ, શિક્ષણ વ્યવસ્થા અને ઉદ્યોગ સાથે જોડાણને વેગ મળશે. બાયોટેકનોલોજી સાથે જોડાયેલા સંશોધન માટે બજેટમાં 100 ટકા કરતાં પણ વધુનો વધારો કરવામાં આવ્યો છે તે સરકારની અગ્રતા દર્શાવે છે.
સાથીઓ,
ભારતના ફાર્મા અને વેક્સીન સાથે જોડાયેલા સંશોધનોના કારણે ભારતની સુરક્ષા અને સન્માન બંનેમાં વધારો થયો છે. આપણાં સામર્થ્યને સશક્ત બનાવવા માટે સરકાર અગાઉથી જ 7 નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફાર્માસ્યુટીકલ એજ્યુકેશન અને સંશોધન સંસ્થાઓને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ જાહેર કરી ચૂકી છે. આ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસથી માંડીને ખાનગી ક્ષેત્રની અને આપણાં ઉદ્યોગોની ખૂબ મોટી ભૂમિકા પ્રશંસાપાત્ર છે. મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં આ પ્રકારની ભૂમિકાનો વધુને વધુ પ્રમાણમાં વ્યાપ વધશે.
સાથીઓ,
હવે બાયોટેકનોલોજીના સામર્થ્યનો વ્યાપ દેશની ખાદ્ય સુરક્ષા, પોષણ અને ખેતીના હિતમાં વ્યાપકપણે થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે અને તેમના જીવનને બહેતર બનાવવા માટે બાયોટેકનોલોજી સાથે જોડાયેલા સંશોધનોમાં જે સાથીઓ લાગેલા છે તેમની પાસે દેશને ઘણી બધી અપેક્ષા છે. ઉદ્યોગોના મારા તમામ સાથીઓને હું આગ્રહ કરૂં છું કે તે આ ક્ષેત્રે પોતાની ભાગીદારીમાં વધારો કરે. દેશમાં 10 બાયોટેક યુનિવર્સિટી, રિસર્ચ, જોઈન્ટ ઈન્ડસ્ટ્રી ટ્રાન્સેશનલ ક્લસ્ટર (URJIT) પણ બનાવવામાં આવી રહ્યા છે, કે જેથી તેમાં થનારા ઈનોવેશનનો ઉદ્યોગો ઝડપભેર ઉપયોગ કરી શકે. આવી જ રીતે દેશના 100 કરતાં વધુ એસ્પીરેશનલ ડીસ્ટ્રીક્ટમાં પણ બાયોટેક- કિસાન પ્રોગ્રામ હોય કે પછી હિમાલયન બાયો રિસોર્સ મિશન પ્રોગ્રામ હોય કે પછી મરિન બાયોટેકનોલોજી નેટવર્કનો કોન્સોર્ટિયમ પ્રોગ્રામ હોય. આ બધામાં સંશોધનને કારણે ઉદ્યોગની ભાગીદારી કેવી રીતે બહેતર બનાવી શકાય તે બાબતે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે.
સાથીઓ,
ભવિષ્યનું બળતણ અને ગ્રીન એનર્જી ઉર્જા ક્ષેત્રે આપણી આત્મનિર્ભરતા માટે ખૂબ જ જરૂરી છે. એટલા માટે બજેટમાં જાહેર કરવામાં આવેલ હાઈડ્રોજન મિશન એક ખૂબ મોટો સંકલ્પ છે. ભારતે હાઈડ્રોજન વાહનોનું ટેસ્ટીંગ પણ કરી દીધુ છે. હવે હાઈડ્રોજનને પરિવહન માટેના બળતણ તરીકે તેની ઉપયોગિતા અને તેના માટે પોતાને ઔદ્યોગિક રીતે સજ્જ બનાવવા માટે આપણે સૌએ સાથે મળીને આગળ ધપવાનું છે. આ ઉપરાંત સમુદ્ર સાથે જોડાયેલી સંપત્તિ અંગે સંશોધનમાં પણ આપણાં સામર્થ્યને આગળ ધપાવવાનું છે. સરકાર ડીપ-સી મિશન શરૂ કરવાની છે. આ મિશનને કારણે ચોક્કસ લક્ષ્ય નક્કી કરીને વિવિધ સેક્ટરમાં ઉપયોગિતાના અભિગમ આધારિત બ્લૂ ઈકોનોમીની ક્ષમતાને આપણે સંપૂર્ણ રીત અનલૉક કરવાની છે.
સાથીઓ,
શિક્ષણ સંસ્થાઓ, સંશોધન સાથે જોડાયેલી સંસ્થાઓને આપણે વધુ મજબૂત કરવાની છે કે જેથી નવા સંશોધન લેખ પ્રકાશિત કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકાય અને દુનિયાભરમાં જે અભ્યાસ લેખો પ્રકાશિત થઈ રહ્યા છે ત્યાં સુધી ભારતના સંશોધકોને, ભારતના વિદ્યાર્થીઓને પહોંચવાનું આસાન બનાવવાનું છે. આ બાબતે ખાત્રી રાખવી તે આજના સમયની માંગ છે. સરકાર પોતાના સ્તરે આ બાબતે કામ કરી રહી છે, પરંતુ ઉદ્યોગોએ પણ આ બાબતે પોતાના તરફથી યોગદાન આપવાનું રહેશે.
આપણે એ યાદ રાખવાનું છે કે ચોક્કસ ધ્યેય સુધી પહોંચવું અને સમાવેશીતા અનિવાર્ય બની ગયા છે અને પોસાય તેવી સ્થિતિ હોવી તે પણ ચોક્કસ ધ્યેય સુધી પહોંચવા માટેની પૂર્વ શરત બની રહે છે. વધુ એક બાબત કે જેની તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે તેમાં ગ્લોબલને લોકલ સાથે કેવી રીતે સુસંકલિત કરી શકાય તે છે. આજે ભારતની પ્રતિભાની દુનિયાભરમાં ઘણી માંગ છે. એટલા માટે એ જરૂરી બને છે કે વિશ્વની માંગને ધ્યાનમાં રાખીને વિવિધ કૌશલ્યનું મેપીંગ કરવામાં આવે અને તેના આધારે યુવાનોને તૈયાર કરવામાં આવે.
આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંકુલોને ભારતમાં લાવવાની વાત હોય કે પછી બીજા દેશોની ઉત્તમ પ્રણાલિઓ સાથે સહયોગ કરી જે પ્રણાલિને અપનાવવાની વાત હોય તેના માટે આપણે ખભેખભા મિલાવીને ચાલવાનું રહેશે. દેશના યુવાનોને ઉદ્યોગો માટે સજ્જ બનાવવાની સાથે સાથે નવા પડકારો તથા બદલાતી ટેકનોલોજીની સાથે સાથે અપગ્રેડેશન કરીને એક પ્રભાવશાળી વ્યવસ્થા ઉભી કરવા બાબતે પણ એક સામુહિક પ્રયાસ કરવાની પણ જરૂર છે. આ બજેટમાં એપ્રેન્ટીસશીપ પ્રોગ્રામ કરવા માટે આસાની બાબતે પણ ઉદ્યોગો અને દેશના યુવાનોને ઘણો લાભ થવાનો છે. મને લાગે છે કે તેના કારણે ઉદ્યોગોની ભાગીદારીનો પણ વ્યાપ વધશે.
સાથીઓ, કૌશલ્ય વિકાસ હોય કે પછી સંશોધન અને ઈનોવેશન હોય, તે સમજ વગર શક્ય બનતું નથી. એટલા માટે જ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના માધ્યમથી દેશની શિક્ષણ વ્યવસ્થામાં એવા સૌથી મોટા સુધારા લાવવામાં આવી રહ્યા છે તે બાબતે આ વેબીનારમાં બેઠેલા તમામ નિષ્ણાંતો, શિક્ષણવિદથી કોણ બહેતર જાણી શકે કે આ વિષયની સમજ બાબતે પણ ભાષાનું પણ ખૂબ મોટું યોગદાન હોય. નવી શિક્ષણ નીતિમાં સ્થાનિક ભાષાઓનો વધુમાં વધુ ઉપયોગ થાય તે બાબતે પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે.
હવે આ તમામ શિક્ષણવિદોની દરેક ભાષાના જાણકારોની એ જવાબદારી બની રહે છે કે દેશ અને દુનિયાની ઉત્તમ અભ્યાસસામગ્રી ભારતીય ભાષાઓમાં કેવી રીત તૈયાર કરી શકાય. ટેકનોલોજીના આ યુગમાં તે સંપૂર્ણ રીતે શક્ય છે. પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધી ભારતીય ભાષાઓમાં દેશના યુવાનોને ઉત્તમ અભ્યાસ સામગ્રી પ્રાપ્ત થાય તે બાબતે આપણે ધ્યાન રાખવાનું છે. તબીબી શિક્ષણ હોય કે ઈજનેરી, ટેકનોલોજી હોય કે મેનેજમેન્ટ શિક્ષણ હોય, આવી તમામ નિપુણતાઓ માટે ભારતીય ભાષાઓમાં અભ્યાસ સામગ્રી તૈયાર કરવી જરૂરી બની રહે છે.
હું આપને ચોક્કસપણે આગ્રહ કરીશ કે દેશમાં પ્રતિભાઓની કોઈ અછત નથી. ગામડું હોય કે ગરીબ હોય, જેમને પોતાની ભાષા સિવાય કશું આવડતું નથી તેવા લોકોમાં પણ પ્રતિભા ઓછી નથી હોતી. ભાષાના કારણે આપણાં ગામડાંની, આપણાં ગરીબોની પ્રતિભાને આપણે મરવા દેવી નહીં જોઈએ. દેશમાં, દેશની વિકાસયાત્રામાં તેમને વંચિત નહીં રાખવા જોઈએ. ભારતની પ્રતિભા ગામડાંઓમાં પણ છે, ભારતની પ્રતિભા ગરીબના ઘરમાં પણ છે. ભારતની પ્રતિભા કોઈ એક મોટી ભાષાને કારણે આપણાં દેશના બાળકો વંચિત ના રહી જાય તે બાબતે ઉપર પણ આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. અને એટલા માટે જ તેમની પ્રતિભાઓનો ઉપયોગ આટલા મોટા દેશ સાથે સાંકળવો જરૂરી બને છે. એટલા માટે જ ભાષાના અવરોધમાંથી બહાર નિકળીને આપણે ભાષાની પ્રતિભાને સંવર્ધિત કરવાની તક પૂરી પાડવાની છે. આ કામગીરી માટે મિશન મોડમાં કામ હાથ ધરવાની જરૂર છે. બજેટમાં જાહેર કરવામાં આવેલ નેશનલ લેંગ્વેજ ટ્રાન્સલેશન મિશન મારફતે આ બાબતે ખૂબ જ પ્રોત્સાહન મળશે.
સાથીઓ,
આ બધી જે જોગવાઈઓ છે, આ બધા જે સુધારા છે તેનો ઉપયોગ સૌની ભાગીદારીથી થઈ શકે તેમ છે. સરકાર હોય કે શિક્ષણવિદ હોય, નિષ્ણાત હોય કે ઉદ્યોગ હોય, સહયોગી અભિગમ મારફતે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રને કેવી રીતે આગળ ધપાવી શકાય તે બાબતે આજની ચર્ચામાં તમે જે મૂલ્યવાન સૂચનો આપ્યા છે તે ખૂબ જ કામમાં આવશે. મને કહેવામાં આવ્યું છે કે હવે પછીના થોડાક કલાકોમાં આ બાબત સાથે જોડાયેલા 6 વિષયો ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા થવાની છે.
અહીંથી મળનારા સૂચનો અને ઉપાયો અંગે દેશને ઘણી બધી અપેક્ષાઓ છે અને મારો આપને એ આગ્રહ છે કે હવે નીતિમાં પણ આ ફેરફારો થવા જોઈએ અથવા બજેટમાં પણ ફેરફાર થવા જોઈએ. ફેરફાર કરવાનો સમય પૂરો થઈ ચૂક્યો છે. હવે તો આવનારા 365 દિવસમાં 1 તારીખથી નવું બજેટ, નવી યોજના ઝડપી ગતિથી દેશમાં કેવી રીતે લાગુ કરી શકાય અને તેને ભારતના વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં કેવી રીત પહોંચાડી શકાય, છેલ્લી વ્યક્તિ સુધી પહોંચવું હોય તો કઈ રીતે પહોંચી શકાય તેનો રોડ મેપ કેવો હોય, નિર્ણય પ્રક્રિયા કેવી હોય. અમલીકરણમાં જે નાના મોટા અવરોધો છે તેનાથી મુક્ત કઈ રીતે થઈ શકાય તે બાબતો ઉપર જેટલું વધુમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાશે તેટલો વધુ લાભ 1 એપ્રિલથી જ નવા બજેટને લાગુ કરવાથી મળશે. આપણી પાસે જે પણ સમય છે તેનો મહત્તમ ઉપયોગ કરવાનો ઈરાદો છે.
મને વિશ્વાસ છે કે તમારી પાસે અનુભવ છે, અલગ અલગ ક્ષેત્રોનો અનુભવ છે. તમારા વિચારો, તમારા અનુભવ અને કોઈને કોઈ જવાબદારી સ્વિકારવાની તૈયારીના કારણે આપણને ઈચ્છીત પરિણામ જરૂરથી મળશે. હું આપ સૌનો આ વેબીનાર માટે, ઉત્તમ વિચારો રજૂ કરવા માટે તથા ખૂબ જ ચોકસાઈથી રોડમેપ તૈયાર કરવા માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
ખૂબ ખૂબ આભાર !!