સિયા વર રામચંદ્ર કી જય,
સિયા વર રામચંદ્ર કી જય,
હું તમામ ભારતીયોને શક્તિ ઉપાસના પર્વ નવરાત્રિ અને વિજય પર્વ વિજયાદશમીની અનેક-અનેક શુભકામનાઓ પાઠવું છું. વિજયાદશમીનો આ તહેવાર અન્યાય પર ન્યાયની જીત, અહંકાર પર વિનમ્રતાની જીત અને આવેશ પર ધૈર્યનું આ પર્વ છે. અત્યાચારી રાવણ પર ભગવાન શ્રી રામના વિજયનો આ તહેવાર છે. આ જ ભાવના સાથે આપણે દર વર્ષે રાવણ દહન કરીએ છીએ. પરંતુ માત્ર આટલું જ પૂરતું નથી. આ પર્વ આપણા માટે સંકલ્પોનો તહેવાર પણ છે, આપણા સંકલ્પોનું પુનરાવર્તન કરવાનો પણ તહેવાર છે.
મારા વ્હાલા દેશવાસીઓ,
આ વખતે આપણે વિજયાદશમીની ઉજવણી ત્યારે કરી રહ્યા છીએ જ્યારે ચંદ્ર પરના આપણા વિજયને 2 મહિના થયા છે. વિજયાદશમી પર શસ્ત્રોની પૂજા કરવાની પણ પરંપરા છે. ભારતની ધરતી પર શસ્ત્રોની પૂજા કોઈ ભૂમિ પર આધિપત્ય માટે નહીં, પરંતુ તેની રક્ષા માટે કરવામાં આવે છે. નવરાત્રિની શક્તિપૂજાનો સંકલ્પ શરૂ કરતી વખતે આપણે કહીએ છીએ- યા દેવી સર્વભૂતેષૂ, શક્તિરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમ: જ્યારે પૂજા પૂર્ણ થાય છે ત્યારે આપણે કહીએ છીએ-દેહિ, સૌભાગ્ય આરોગ્યં, દેહિ મે પરમં સુખમ, રૂપં દેહિ, જયં દેહિ, યશો દેહિ, દ્વિષોજહિ! આપણી શક્તિ પૂજા ફક્ત આપણા માટે જ નહીં, પરંતુ સમગ્ર સૃષ્ટિનાં સૌભાગ્ય, આરોગ્ય, સુખ, વિજય અને યશ માટે કરવામાં આવે છે. ભારતની ફિલસૂફી અને વિચાર આ જ છે. આપણે ગીતાનું જ્ઞાન પણ જાણીએ છીએ અને INS વિક્રાંત અને તેજસનું નિર્માણ પણ જાણીએ છીએ. આપણે શ્રી રામની મર્યાદા પણ જાણીએ છીએ અને આપણી સીમાઓની રક્ષા કેવી રીતે કરવી તે પણ જાણીએ છીએ. આપણે શક્તિ પૂજાનો સંકલ્પ પણ જાણીએ છીએ અને કોરોનામાં ‘સર્વે સંતુ નિરામયા’ના મંત્રને પણ માનીએ છીએ. ભારતની ભૂમિ આ જ છે. ભારતની વિજયાદશમી પણ આ જ વિચારનું પ્રતીક છે.
સાથીઓ,
આજે આપણે ભાગ્યશાળી છીએ કે આપણે ભગવાન રામનું સૌથી ભવ્ય મંદિર નિર્માણ પામતું જોઈ રહ્યા છીએ. અયોધ્યામાં આગામી રામનવમી પર રામલલાનાં મંદિરમાં ગુંજતો દરેક સ્વર સમગ્ર વિશ્વને હર્ષિત કરનારો હશે. તે સ્વર જે અહીં સદીઓથી કહેવામાં આવે છે-ભય પ્રગટ કૃપાલા, દીનદયાલા... કૌશલ્યા હિતકારી. ભગવાન રામની જન્મભૂમિ પર બની રહેલું મંદિર સદીઓની રાહ પછી આપણે ભારતીયોનાં ધૈર્યને મળેલા વિજયનું પ્રતીક છે. રામ મંદિરમાં ભગવાન રામને બિરાજવામાં માત્ર થોડા મહિના જ બાકી છે. ભગવાન શ્રી રામ, બસ આવવાના જ છે. અને મિત્રો, એ હર્ષની કલ્પના કરો જ્યારે સદીઓ પછી રામ મંદિરમાં ભગવાન રામની પ્રતિમા બિરાજશે. રામનાં આગમનના ઉત્સવની શરૂઆત તો વિજયાદશમીથી જ થઈ હતી. તુલસીબાબા રામચરિત માનસમાં લખે છે - સગુન હોહિં સુંદર સકલ મન પ્રસન્ન સબ કેર. પ્રભુ આગવન જનાવ જનુ નગર રમ્ય ચહું ફેર। એટલે કે જ્યારે ભગવાન રામનું આગમન થવાનું જ હતું ત્યારે આખી અયોધ્યામાં શુકન દેખાવા લાગ્યા. ત્યારે બધાનું મન પ્રસન્ન થવા લાગ્યું, આખું શહેર સુંદર બની ગયું. એવા જ શુકનો આજે થઈ રહ્યાં છે. આજે ભારતે ચંદ્ર પર વિજય મેળવ્યો છે. આપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યા છીએ. આપણે થોડાં અઠવાડિયા પહેલા સંસદની નવી ઇમારતમાં પ્રવેશ્યા હતા. મહિલા શક્તિને પ્રતિનિધિત્વ આપવા માટે સંસદે નારી શક્તિ વંદન કાયદો પસાર કર્યો છે.
ભારત આજે વિશ્વની સૌથી મોટી લોકશાહીની સાથે સૌથી વિશ્વાસપાત્ર લોકશાહી તરીકે ઉભરી રહ્યું છે. અને દુનિયા આ લોકશાહીની જનનીને જોઈ રહી છે. આ સુખદ ક્ષણો વચ્ચે ભગવાન શ્રી રામ અયોધ્યાનાં રામ મંદિરમાં બિરાજવા જઈ રહ્યા છે. એક તરફ આઝાદીનાં 75 વર્ષ બાદ હવે ભારતનાં ભાગ્યનો ઉદય થવા જઈ રહ્યો છે. પરંતુ આ એવો પણ સમય છે જ્યારે ભારતે ખૂબ જ સાવધ રહેવું પડશે. આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આજે રાવણનું દહન એ માત્ર પૂતળાનું દહન ન રહે, તે દરેક વિકૃતિનું દહન હોવું જોઈએ જેના કારણે સમાજની પરસ્પર સંવાદિતા બગડે છે. આ તે શક્તિઓનું દહન હોય જે જાતિવાદ અને પ્રાદેશિકવાદના નામે ભારત માતાને વિભાજિત કરવાનો પ્રયાસ કરે છે. આ દહન હોય એ વિચારનું, જેમાં ભારતનો વિકાસ નહીં પણ સ્વાર્થની સિદ્ધિ રહેલી છે. વિજયાદશમીનું પર્વ માત્ર રાવણ પર રામના વિજયનો તહેવાર ન હોવો જોઈએ, તે રાષ્ટ્રની દરેક બુરાઈ પર દેશભક્તિની જીતનો તહેવાર બનવો જોઈએ. આપણે સમાજમાંથી દૂષણો અને ભેદભાવને ખતમ કરવાનો સંકલ્પ લેવો જોઈએ.
સાથીઓ,
આવનારા 25 વર્ષ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે સમગ્ર વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે અને આપણાં સામર્થ્યને જોઈ રહ્યું છે. આપણે વિશ્રામ કરવાનો નથી. રામચરિત માનસમાં પણ લખ્યું છે- રામ કાજ કીન્હેં બિનુ, કહાં વિશ્રામ આપણે ભગવાન રામના વિચારોનું ભારત બનાવવાનું છે. વિકસિત ભારત, જે આત્મનિર્ભર હોય, વિકસિત ભારત, જે વિશ્વ શાંતિનો સંદેશ આપે, વિકસિત ભારત, જ્યાં દરેકને તેમનાં સપનાં પૂરા કરવાનો સમાન અધિકાર હોય, વિકસિત ભારત, જ્યાં લોકોને સમૃદ્ધિ અને સંતુષ્ટિનો ભાવ દેખાય. રામ રાજનો ખ્યાલ આ જ છે, રામ રાજ બૈઠે ત્રૈલોકા, હર્ષિત ભયે ગયે સબ સોકા એટલે કે જ્યારે રામ પોતાનાં સિંહાસન પર બિરાજે ત્યારે સમગ્ર વિશ્વમાં તેનો હર્ષ થાય અને દરેકના કષ્ટોનો અંત આવે. પરંતુ, આ કેવી રીતે થશે? તેથી, આજે વિજયાદશમી પર, હું દરેક દેશવાસીને 10 સંકલ્પ લેવા વિનંતી કરીશ.
પહેલો સંકલ્પ- આવનારી પેઢીઓને ધ્યાનમાં રાખીને આપણે શક્ય તેટલું વધુ ને વધુ પાણી બચાવીશું.
બીજો સંકલ્પ- આપણે વધુને વધુ લોકોને ડિજિટલ વ્યવહારો માટે પ્રોત્સાહિત કરીશું.
ત્રીજો સંકલ્પ - આપણે આપણાં ગામો અને શહેરોને સ્વચ્છતામાં મોખરે લઈ જઈશું.
ચોથો સંકલ્પ – આપણે શક્ય હોય ત્યાં સુધી વોકલ ફોર લોકલના મંત્રને અનુસરીશું અને મેડ ઈન ઈન્ડિયા ઉત્પાદનોનો ઉપયોગ કરીશું.
પાંચમો સંકલ્પ- આપણે ગુણવત્તાયુક્ત કામ કરીશું અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો બનાવીશું, નબળી ગુણવત્તાને કારણે દેશનું સન્માન ઘટવા નહીં દઈએ.
છઠ્ઠો સંકલ્પ - આપણે પહેલા આપણો આખો દેશ જોઈશું, યાત્રા કરીશું, પરિભ્રમણ કરીશું અને આખો દેશ જોયા પછી સમય મળશે તો વિદેશનો વિચાર કરીશું.
સાતમો સંકલ્પ – આપણે ખેડૂતોને કુદરતી ખેતી વિશે વધુને વધુ જાગૃત કરીશું.
આઠમો સંકલ્પ – આપણે આપણાં જીવનમાં સુપરફૂડ બાજરીનો-શ્રી અન્નનો સમાવેશ કરીશું. આનાથી આપણા નાના ખેડૂતો અને આપણાં પોતાનાં સ્વાસ્થ્યને ઘણો ફાયદો થશે.
નવમો સંકલ્પ - આપણે બધા અંગત સ્વાસ્થ્ય માટે આપણાં જીવનમાં યોગ હોય, રમતગમત હોય કે ફિટનેસને પ્રાધાન્ય આપીશું.
અને દસમો સંકલ્પ – આપણે ઓછામાં ઓછા એક ગરીબ પરિવારનો તેમનાં ઘરના સભ્ય બનીને સામાજિક દરજ્જો વધારીશું.
જ્યાં સુધી દેશમાં એક પણ ગરીબ વ્યક્તિ એવી છે કે જેની પાસે પાયાની સુવિધાઓ નથી, ઘર નથી, વીજળી, ગેસ, પાણી નથી, સારવારની સુવિધા નથી, ત્યાં સુધી આપણે શાંતિથી બેસી રહેવાનું નથી. આપણે દરેક લાભાર્થી સુધી પહોંચવું પડશે અને તેને મદદ કરવી પડશે. તો જ દેશમાંથી ગરીબી દૂર થશે અને સૌનો વિકાસ થશે. તો જ ભારત વિકસિત થશે. ભગવાન રામનું નામ લઈને આપણે આ સંકલ્પોને પૂર્ણ કરીએ. વિજયાદશમીના આ પવિત્ર તહેવાર પર મારી આ કામના સાથે હું દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. રામ ચરિત માનસમાં કહેવાયું છે- બિસી નગર કીજૈ સબ કાજા, હ્રદય રાખિ લોસલપુર રાજા એટલે કે ભગવાન શ્રી રામનાં નામને ધ્યાનમાં રાખીને આપણે જે પણ સંકલ્પ પૂરો કરવા માગીએ છીએ, તેમાં આપણને ચોક્કસ સફળતા મળશે. આવો આપણે સૌ ભારતના સંકલ્પો સાથે પ્રગતિના પંથે આગળ વધીએ, આવો આપણે સૌ ભારતને શ્રેષ્ઠ ભારતનાં લક્ષ્ય સુધી લઈ જઈએ. આ જ કામના સાથે, હું તમને બધાને વિજયાદશમીના આ પવિત્ર તહેવારની અઢળક શુભેચ્છા પાઠવું છું.
સિયા વર રામચંદ્ર કી જય,
સિયા વર રામચંદ્ર કી જય.