વાહે ગુરુ દા ખાલસા, વાહે ગુરુ કી ફતેહ
કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગીગણ, રાજ્યોના મુખ્યમંત્રીગણ, વિવિધ સન્માનિત સંસ્થાઓના ચેરમેન અને પ્રમુખ, રાજદ્રારીઓ, દેશભરમાંથી સંકળાયેલા ખાસ કરીને આ કાર્યક્રમની સાથે આવેલા બાળક અને બાળિકાઓ, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો.
આજે દેશનો પ્રથમ વીર બાળ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. જે દિવસને, જે બલિદાનને આપણે પેઢીઓથી યાદ કરતા આવ્યા છીએ, જે એક રાષ્ટ્રના રૂપમાં તેને એકજૂટ નમન કરવા માટે એક નવો પ્રારંભ થયો છે. શહીદી સપ્તાહ તથા વીર બાળ દિવસ આપણી સિખ પરંપરા માટે લાગણીથી ભરેલો ચોક્કસ છે પરંતુ તેનાથી આકાશ જેવી પ્રેરણારેરણા પણ સંકળાયેલી છે. વીર બાળ દિવસ આપણને યાદ અપાવશે કે શૌર્યની પરાકાષ્ટા સમયે ઓછી વય કોઈ મહત્વ રાખતી નથી. વીર બાળ દિવસ આપણને યાદ અપાવશે કે દસ ગુરુઓનું યોગદાન શું છે, દેશના સ્વાભિમાન માટે સિખ પરંપરાનું બલિદાન શું છે. વીર બાળ દિવસ આપણને દેખાડશે કે ભારત શું છે, ભારતની ઓળખ શું છે. દર વર્ષે વીર બાળ દિવસનો આ પૂણ્ય અવસર આપણને આપણા અતીતને ઓળખવા તથા આવનારા ભવિષ્યનું નિર્માણ કરવાની પ્રેરણા આપશે. ભારતની યુવાન પેઢીનું સામર્થ્ય શું છે, ભારતની યુવાન પેઢીએ કેવા ભૂતકાળમાં દેશનું રક્ષણ કર્યું છે, માનવતાના કેવા ઘોર-અઘોર અંધકારમાંથી આપણી યુવાન પેઢીએ ભારતને બહાર કાઢ્યું છે, વીર બાળ દિવસ આવનારા દાયકાઓ તથા સદીઓ માટે એક ઉદઘોષ કરશે.
હું આજે આ પ્રસંગે વીર સાહિબજાદોના ચરણોમાં નમન કરતા કૃતજ્ઞ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ બાબતને હું મારી સરકારનું સૌભાગ્ય માનું છું કે તેણે આજે 26મી ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે જાહેર કરવાની તક મળી છે. હું પિતા દશમેશ, ગુરુ ગોવિંદ સિંહજી અને તમામ ગુરુઓના ચરણોમાં પણ ભક્તિભાવથી પ્રણામ કરું છું. હું માતૃશક્તિના પ્રતિક માતા ગુજરીના ચરણોમાં પણ મારું શિશ નમાવું છું.
સાથીઓ,
વિશ્વનો હજારો વર્ષોનો ઇતિહાસ ક્રૂરતાના એકથી એક પ્રકરણોથી ભરેલો છે. ઇતિહાસથી લઈને કિવંદતીઓ સુધી, દરેક ક્રૂર ચહેરા સામે મહાનાયકો અને મહાનાયિકાઓના પણ એકથી એક મહાન ચરિત્ર રહ્યા છે. પરંતુ એ પણ સત્ય છે કે ચમકોર અને સરહિંદના યુદ્ધમાં જે કાંઈ બન્યું તે ભૂતો ન ભવિષ્યતિ હતું. આ અતીત હજારો વર્ષ પુરાણો નથી કે સમયના ચક્રએ તેની રેખાઓને ધૂંધળી બનાવી દીધી હોય. આ તમામ બાબતો આ જ દેશની ધરતી પર કાંઈક ત્રણ સદી અગાઉ જ બન્યું છે. અન્ય એક ધાર્મિક કટ્ટરતા અને તે કટ્ટરતામાં અંધ આવડી મોટી મોગલ સલ્તનત, બીજી તરફ જ્ઞાન અને તપસ્યામાં તપેલા આપણા ગુરુ, ભારતના પ્રાચીન મૂલ્યોને જીવનારી પરંપરા બીજી તરફ આતંકની પરાકાષ્ટા, તો બીજી તરફ આધ્યાત્મની પરાકાષ્ટા. એક તરફ મજહબી ઉન્માદ તો બીજી તરફ સૌમાં ઇશ્વર નિહાળનારી ઉદારતા. અને આ તમામ વચ્ચે એક તરફ લાખોની ફોજ અને બીજી તરફ એકલા હોવા છતાં નીડર ઉભેલા ગુરુના વીર સાહિબજાદો. આ વીર સાહિબજાદાઓ કોઈ ધમકીથી ડર્યા નહીં, કોઈની સામે ઝુક્યા નહીં. જોરાવર સિંહ સાહેબ તથા ફતેહ સિંહ સાહેબ બંનેને દિવાલમાં જીવતા જ ચણી નાખવામાં આવ્યા. એક તરફ નૃશંસતાએ પોતાની તમામ હદ પાર કરી નાખી તો બીજી તરફ ધૈર્ય, શૌર્ય અને પરાક્રમના તમામ પ્રતિમાન તૂટી ગયા. સાહિબજાદા અજિતસિંહ તથા સાહિબજાદા જુજારસિંઘે પણ બહાદુરીનું એ ઉદાહરણ રજૂ કર્યું જે સદીઓથી પ્રેરણા આપી રહી છે.
ભાઈઓ અને બહેનો,
જે દેશના વારસો આવો હોય, જેનો ઇતિહાસ આવો હોય તેમા સ્વાભાવિકપણે સ્વાભિમાન તથા આત્મવિશ્વાસ ઠાંસી ઠાંસીને ભરેલો હોવો જોઇએ. પરંતુ કમનસીબે આપણને ઇતિહાસના નામે એ ઘડેલા નેરેટિવ્સ દેખાડવામાં આવ્યા અને ભણાવવામાં આવતા રહ્યા જેને કારણે આપણી અંદર હિનભાવના પેદા થાય. આમ છતાં તેનાથી આપણા સમાજે, આપણી પરંપરાઓએ આ ગૌરવગાથાઓને જીવંત રાખી.
સાથીઓ,
જો આપણે ભારતને ભવિષ્યમાં સફળતાના શિખર પર લઈ જવી છે તો આપણે અતીતના સંકુચિત માનસથી પણ આઝાદ થવું પડશે. આથી જ આઝાદીના અમૃતકાળમાં દેશે ‘ગુલામીની માનસિકતાથી મુક્તિ’નો પ્રાણ ફૂંક્યો છે. વીર બાળ દિવસ દેશના એ ‘પંચ-પ્રાણો’ માટે પ્રાણવાયુની માફક છે.
સાથીઓ,
આટલી નાની ઉંમરમાં સાહિબજાદોના આ બલિદાનમાં આપણા માટે અન્ય એક મોટો ઉપદેશ છુપાયેલો છે. આપ એ સમયગાળાની કલ્પના કરો. ઔરંગઝેબના આતંકની વિરુદ્ધમાં, ભારતને બદલવાના તેના ઇરાદાઓની વિરુદ્ધમાં ગુરુ ગોવિંદસિંહ જી પહાડની માફક ઉભા હતા. પરંતુ જોરાવર સિંહ સાહેબ તથા ફતેહ સિંહ સાહેબ જેવા નાની વયના બાળકોથી ઔરંગઝેબ તથા તેની સલ્તનતને શું દુશ્મની હોઈ શકે ? બે નિર્દોષ બાળકોને દિવાલમાં જીવતા ચણાવી દેવા જેવી નિર્દયતા તેમ થઈ ? તે એટલા માટે કેમ કે ઔરંગઝેબ તથા તેમના તેના માણસો ગુરુ ગોવિંદસિંહના બાળકોના ધર્મ તેમની તલવારના જોરે બદલવા માગતા હતા. જે સમાજમાં, જે રાષ્ટ્રમાં તેની નવી પેઢી આવા જુલમો સામે ઘુંટણીયે પડી જાય છે તેનો આત્મવિશ્વાસ તથા ભવિષ્ય આપોઆપ મરી જતું હોય છે. પરંતુ ભારતના એ બેટા, એ વીર બાળક મોતથી પણ ગભરાયા નહીં, તેઓ દિવાલમાં જીવતા ચણાઈ ગયા પરંતુ તેમણે એ આતંકવાદી ઇરાદાઓને કાયમ માટે દફનાવી દીધી. આ જ તો કોઈ પણ રાષ્ટ્રના સમર્થ યુવાનોનું સામર્થ્ય હોય છે. યુવાનો પોતાના સાહસથી સમયની ધારાને હંમેશાં માટે બદલી નાખતા હોય છે. આ જ સંકલ્પશક્તિની સાથે આજે ભારતની યુવાન પેઢી પણ દેશને નવી ઉંચાઈ પર લઈ જવા માટે ચાલી નીકળી છે. અને તેથી જ હવે 26મી ડિસેમ્બરે વીર બાળ દિવસની ભૂમિકા વધારે મહત્વની બની ગઈ છે.
સાથીઓ,
સિખ ગુરુ પરંપરા માત્ર આસ્થા અને આધ્યાત્મની પરંપરા નથી. તે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના વિચારનો પણ પ્રેરણા પૂંજ છે. આપણા પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબથી મોટું ઉદાહરણ બીજું શું હોઈ શકે ? તેમાં સિખ ગુરુઓની સાથે સાથે ભારતના અલગ અલગ ખૂણાઓમાંથી 15 સંતો અને 14 રચનાકારોની વાણી સમાહિત છે. આ જ રીતે આપ ગુરુ ગોવિંદ સિંહજીની જીવન યાત્રાને પણ જૂઓ. તેમનો જન્મ પૂર્વ ભારતના પટણામાં થયો. તેમનું કાર્યક્ષેત્ર ઉત્તર પશ્ચિમી ભારતના પહાડી વિસ્તારોમાં રહ્યું. અને તેમની જીવન યાત્રા મહારાષ્ટ્રમાં સમાપ્ત થઈ. ગુરુના પંચ પ્યારા પણ દેશના અલગ અલગ પ્રાંતમાંથી આવતા હતા. અને મને તો ગર્વ છે કે પ્રથમ પંચ પ્યારોમાંથી એક આ ધરતી પરથી પણ હતો. દ્વારકાથી, ગુજરાતથી જ્યાં મને જન્મ લેવાનું સૌભાગ્ય સાંપડયું છે. ‘વ્યક્તિથી મોટો વિચાર અને વિચારથી મોટું રાષ્ટ્ર’, ‘રાષ્ટ્ર પ્રથમ’નો આ ગુરુ મંત્ર ગુરુ ગોવિંદ સિંહનો અટલ સંકલ્પ હતો. જ્યારે તેઓ બાળક હતા તો એ પ્રશ્ન આવ્યો કે રાષ્ટ્ર ધર્મના રક્ષણ માટે મોટા બલિદાનની જરૂરિયાત છે. તેમણે પોતાના પિતાને કહ્યું કે આપના કરતાં મહાન આજે કોણ છે ? આ બલિદાન આપ જ આપો. જ્યારે તેઓ પિતા બન્યા ત્યારે આવી જ તત્પરતાથી તેમણે પોતાના દિકરાઓને પણ રાષ્ટ્ર ધર્મ માટે બલિદાન કરતાં જરાય સંકોચ રાખ્યો નહીં. જ્યારે તેમના પુત્રોનું બલિદાન થયું તો તેમણે પોતાની સંગતને જોઈને કહ્યું કે ‘ચાર મૂયે તો ક્યા હુઆ જીવત કંઈ હજાર.’ એટલે કે મારા ચાર પુત્રો મરી ગયા તો શું થયું ? સંગતના કેટલાક હજાર સાથી, હજારો દેશવાસીઓ મારા દિકરાઓ જ છે. દેશ પ્રથમ, રાષ્ટ્ર પ્રથમને સર્વોપરિ રાખવા માટેની આ પરંપરા આપણા માટે ઘણી મોટી પ્રેરણા છે. આ પરંપરાને સશક્ત કરવાની જવાબદારી આજે આપણા ખભા પર છે.
સાથીઓ,
ભારતની ભાવિ પેઢી કેવી હશે, તે બાબત તેની ઉપર આધાર રાખે છે કે તે કોની પાસેથી પ્રેરણા લે છે. ભારતની ભાવિ પેઢી માટે પ્રેરણાનો પ્રત્યેક સ્ત્રોત આ ધરતી પર જ છે. કહેવાય છે કે આપણા દેશ ભારતનું નામ જે બાળક ભારતના નામ પરથી પડ્યું તે સિંહો તથા દાનવો સુધીના સંહાર કરતાં પણ થાકતા ન હતા. આપણે આજે પણ ધર્મ અને ભકિતની વાત કરીએ છીએ તો ભક્તરાજ પ્રહલાદને યાદ કરીએ છીએ. આપણે ધૈર્ય અને વિવેકની વાત કરીએ છીએ તો બાળક ધ્રુવનું ઉદાહરણ આપીએ છીએ. આપણે મૃત્યુના દેવતા યમરાજાને પણ પ્રભાવિત કરનારા નચિકેતાને પણ નમન કરીએ છીએ. જે નચિકેતાએ બાળ્યકાળમાં યમરાજાને પૂછ્યું હતું આ શું છે ? મૃત્યુ શું હોય છે ? આપણે બાળ રામના જ્ઞાનથી લઇને તેમના શૌર્ય સુધી, વશિષ્ઠના આશ્રમથી લઈને વિશ્વામિત્રના આશ્રમ સુધી, તેમના જીવનમાં આપણે ડગલે ને પગલે આદર્શ જોઇએ છીએ, પ્રભુ રામના પુત્રો લવ અને કુશની વાર્તા પણ દરેક માતા પોતાના બાળકને સભળાવતી હોય છે. શ્રી કૃષ્ણ પણ આપણને જ્યારે યાદ આવે છે તો સૌથી પહેલા કાનુડાની છબિ યાદ આવે છે. જેના વાંસળીમાં પ્રેમના સૂર પણ છે અને તેઓ મોટા મોટા રાક્ષસોનો સંહાર પણ કરે છે. એ પૌરાણિક યુગથી લઈને આધુનિક કાળ સુધી વીર બાળક અને બાલિકાઓ ભારતની પરંપરાઓનું પ્રતિબિંબ રહ્યા છે.
પરંતુ સાથીઓ,
આજે એક સત્ય પણ દેશની સામે ફરીથી રજૂ કરવા માગું છું. સાહિબજાદોએ આવડું મોટું બલિદાન તથા ત્યાગ કર્યો, પોતાનું જીવન ન્યોચ્છાવર કરી દીધું પરંતુ આજની પેઢીના બાળકોને પૂછશો તો તેમાંથી મોટા ભાગનાને તેમના વિશે જાણકારી જ નથી. દુનિયાના કોઈ દેશમાં આમ બનતું નથી કે આટલી મોટી શૌર્યગાથાને આવી રીતે ભુલાવી દેવામાં આવે. હું આજના આ પાવન દિવસે એ ચર્ચામાં નહીં પડું કે અગાઉ આપણે ત્યાં વીર બાળ દિવસનો વિચાર કેમ આવ્યો નહીં. પરંતુ એ ચોક્કસ કહીશ કે હવે નવું ભારત, દાયકાઓ અગાઉ થયેલી એક જૂની ભૂલને સુધારી રહ્યો છે.
કોઈ પણ રાષ્ટ્રની ઓળખ તેના સિદ્ધાંતો, મૂલ્યો તથા આદર્શથી થતી હોય છે. આપણે ઇતિહાસમાં જોયું છે કે જ્યારે કોઈ રાષ્ટ્રનું મૂલ્ય બદલાઈ જાય છે તો થોડા જ સમયમાં તેનું ભવિષ્ય પણ બદલાઈ જાય છે. અને આ મૂલ્યો ત્યાં સુધી સુરક્ષિત રહે છે જ્યારે વર્તમાન પેઢી સામે તેમના ભૂતકાળના આદર્શ સ્પષ્ટ થઈ જાય છે. યુવાન પેઢીને આગળ ધપવા માટે હંમેશાં રોલ મોડલ્સની જરૂર હોય છે. યુવાન પેઢીને શીખવા તથા પ્રેરણા માટે મહાન વ્યક્તિત્વ ધરાવતા નાયકો તથા નાયિકાઓની જરૂર હોય છે. અને તેથી જ આપણે શ્રીરામના આદર્શોમાં આસ્થા રાખીએ છીએ, આપણે ભગવાન ગૌતમ બુદ્ધ અને ભઘવાન મહાવીર પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરીએ છીએ. આપણે ગુરુ નાનક દેવ જીની વાણીને જીવવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે મહારાણા પ્રતાપ અને છત્રપતિ વીર શિવાજી મહારાજ જેવા વીરો વિશે વાંચીએ છીએ. આથી જ આપણે વિવિધ જયંતીઓ મનાવીએ છીએ, સેંકડો હજારો વર્ષ પુરાણી ઘટનાઓ પર પણ પર્વો, તહેવારોનું આયોજન કરીએ છીએ. આપણા પૂર્વજોએ સમાજની આ જરૂરિયાતને સમજી હતી અને ભારતને એક એવા દેશના રૂપમાં ઘડ્યો જેની સંસ્કૃતિ પર્વ અને માન્યતાઓ સાથે સંકળાયેલી છે. આવનારી પેઢી માટે આ જ આપણી જવાબદારી છે. આપણે પણ એ ચિંતન અને ચેતનાને ચિરંતર બનાવવાની છે. આપણે આપણા વૈચારિક પ્રવાહને અક્ષુણ્ણ રાખવાનો છે.
તેથી જ આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ સ્વાઘીનતા સંગ્રામને પુનર્જિવીત કરવા માટે પ્રયાસ કરી રહ્યો છે. આપણા સ્વાધીનતા સેનાનીઓના, વિરાંગનાઓના, આદિવાસી સમાજના યોગદાનને પ્રત્યેક માનવી સુધી પહોંચાડવા માટે આપણે બઘા કામ કરી રહ્યા છીએ. ‘વીર બાળ દિવસ’ જેવી પૂણ્યતિથી આ દિશામાં પ્રભાવી પ્રકાશ સ્તમ્ભની ભૂમિકા અદા કરશે.
સાથીઓ,
મને આનંદ છે કે વીર બાળ દિવસથી નવી પેઢીને સાંકળવા માટે જે ક્વિઝ સ્પર્ધા યોજાઈ. જે નિબંધ સ્પર્ધા યોજાઈ, તેમાં હજારો યુવાનોએ ભાગ લીધો છે. જમ્મુ-કાશ્મીર હોય, દક્ષિણમાં પુડુચેરી હોય, પૂર્વમાં નાગાલેન્ડ હોય, પશ્ચિમમાં રાજસ્થાન હોય, દેશનો એકેય ખૂણો એવો ન હતો જ્યાંથી બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લઇને સાહિબજાદોના જીવનના વિષયમાં જાણકારી પ્રાપ્ત કરી ન હોય, નિબંધ ના લખ્યો હોય. દેશની વિવિધ શાળાઓમાં પણ સાહિબજાદો સાથે જોડાયેલી ઘણી હરિફાઇઓ યોજાઈ હતી. હવે એ દિવસ દૂર નથી જ્યારે કેરળના બાળકો વીર સાહિબજાદો અંગે માહિતી હશે, નોર્થ ઇસ્ટના બાળકોને વીર સાહિબજાદો વિશે જાણકારી હશે.
સાથીઓ,
આપણે સાથે મળીને વીર બાળ દિવસનો સંદેશ દેશના ખૂણા ખૂણા સુધી પહોંચાડવાનો છે. આપણા સાહિબજાદોનું જીવન, તેમનું જીવન જ સંદેશ દેશના પ્રત્યેક બાળક સુધી પહોંચે, તેઓ તેમાંથી પ્રેરણા લઈને દેશ માટે સમર્પિત નાગરિક બને, આપણે તેના માટે પણ પ્રયાસ કરવાના છે. મને વિશ્વાસ છે કે આપણો આ સામૂહિક પ્રયાસ સમર્થ અને વિકસીત ભારતના આપણા લક્ષ્યાંકોને નવી ઉર્જા પ્રદાન કરશે. હું ફરી એક વાર વીર સાહિબજાદોના ચરણોમાં નમન કરતાં એ જ સંકલ્પ સાથે આપ તમામનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું.