નમસ્કાર,
મારા પ્રિય દેશવાસીઓ અને વિશ્વ સમુદાયના તમામ પરિવારજનો, થોડા દિવસો પછી, 1 ડિસેમ્બરથી, ભારત જી-20ની અધ્યક્ષતા કરશે. આ ભારત માટે એક ઐતિહાસિક અવસર છે. આજે આ સંદર્ભમાં આ સમિટની વેબસાઇટ, થીમ અને લોગો લૉન્ચ કરવામાં આવ્યાં છે. હું આ પ્રસંગે તમામ દેશવાસીઓને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ,
જી-20 એવા દેશોનું એક જૂથ છે, જેનું આર્થિક સામર્થ્ય વિશ્વની 85 ટકા જીડીપીનું પ્રતિનિધિત્વ કરે છે. જી-20 એ વીસ દેશોનો એક સમૂહ છે જે વિશ્વના 75 ટકા વેપારનું પ્રતિનિધિત્વ કરે છે. જી-20 એ 20 દેશોનું એક જૂથ છે જે વિશ્વની બે તૃતીયાંશ વસ્તી ધરાવે છે. અને ભારત, હવે આ જી -20 જૂથનું નેતૃત્વ કરવા જઈ રહ્યું છે, તેની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે.
તમે કલ્પના કરી શકો છો કે આઝાદીના અમૃતકાળમાં દેશ સામે કેટલી મોટી તક આવી છે. આ દરેક ભારતીય માટે ગર્વની વાત છે, તેનું ગૌરવ વધારતી વાત છે. અને મને ખુશી છે કે જી-20 સમિટને લઈને, ભારતમાં તેની સાથે જોડાયેલાં આયોજનોને લઇને ઉત્સુકતા અને સક્રિયતા સતત વધી રહી છે. આજે જે લોગો લૉન્ચ થયો છે એ લોગોનાં નિર્માણમાં પણ દેશવાસીઓની મોટી ભૂમિકા રહી છે. અમે દેશવાસીઓ પાસેથી લોગો માટે તેમનાં મૂલ્યવાન સૂચનો માગ્યાં હતાં. અને મને એ જાણીને ખૂબ જ આનંદ થયો કે હજારો લોકોએ સરકારને તેમના સર્જનાત્મક વિચારો મોકલ્યા. આજે તે વિચારો, તે સૂચનો, આટલા મોટા વૈશ્વિક કાર્યક્રમનો ચહેરો બની રહ્યા છે. હું આ પ્રયાસ માટે દરેકને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ,
જી-20નો આ લોગો માત્ર એક પ્રતીક ચિહ્ન નથી. તે એક સંદેશ છે. તે એક એવી ભાવના છે જે આપણી નસોમાં છે. આ એક એવો સંકલ્પ છે જે આપણી વિચારસરણીમાં સામેલ રહ્યો છે. 'વસુધૈવ કુટુમ્બકમ્'ના મંત્ર દ્વારા આપણે જે વૈશ્વિક ભાઈચારાની ભાવના જીવતા આવ્યા છીએ તે વિચાર આ લોગો અને થીમમાં પ્રતિબિંબિત થઈ રહ્યો છે. આ લોગોમાં કમળનું ફૂલ ભારતની પૌરાણિક વિરાસત, આપણી આસ્થા, આપણી બૌદ્ધિકતાને દર્શાવે છે.
આપણે ત્યાં અદ્વૈતનું ચિંતન એ જીવમાત્રનાં એકત્વનું દર્શન રહ્યું છે. આ લોગો અને થીમનાં માધ્યમથી આપણે એ સંદેશ આપ્યો છે કે આ ફિલોસોફી આજના વૈશ્વિક સંઘર્ષો અને દુવિધાઓને ઉકેલવાનું માધ્યમ બને. યુદ્ધથી મુક્તિ માટે બુદ્ધનો જે સંદેશ છે, હિંસાની સામે મહાત્મા ગાંધીના જે ઉપાયો છે, જી-20નાં માધ્યમથી ભારત એની વૈશ્વિક પ્રતિષ્ઠાને નવી ઊર્જા આપી રહ્યું છે.
મિત્રો,
વિશ્વમાં સંકટ અને અરાજકતાના સમયે ભારતનું જી-20નું પ્રમુખ પદ આવી રહ્યું છે. વિશ્વ સદીમાં એક વખત થતી વિક્ષેપિત મહામારી, સંઘર્ષો અને ઘણી આર્થિક અનિશ્ચિતતાની અસરોમાંથી પસાર થઈ રહ્યું છે. જી ૨૦ લોગોમાં કમળનું પ્રતીક આ સમયમાં આશાનું પ્રતિનિધિત્વ છે. ગમે તેટલા વિપરીત સંજોગો હોય તો પણ કમળ ખીલે છે. વિશ્વ એક ઊંડી કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે, તો પણ આપણે પ્રગતિ કરી શકીએ છીએ અને વિશ્વને એક વધુ સારું સ્થાન બનાવી શકીએ છીએ.
ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાન અને સમૃદ્ધિની દેવી બંને કમળ પર બિરાજમાન છે. વિશ્વને આજે આની જ સૌથી વધુ જરૂર છે: વહેંચાયેલું જ્ઞાન જે આપણને આપણા સંજોગોને દૂર કરવામાં મદદ કરે છે, અને વહેંચાયેલી સમૃદ્ધિ જે છેલ્લા માઇલ પર છેલ્લી વ્યક્તિ સુધી પહોંચે છે.
આ જ કારણ છે કે, જી-20ના લોગોમાં પૃથ્વીને કમળ પર પણ મૂકવામાં આવી છે. લોગોમાં કમળની સાત પાંખડીઓ પણ નોંધપાત્ર છે. તે સાત ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે. સાત એ સંગીતની સાર્વત્રિક ભાષામાં સૂરોની સંખ્યા પણ છે. સંગીતમાં, જ્યારે સાત સૂરો એક સાથે આવે છે, ત્યારે તેઓ સંપૂર્ણ સુમેળ બનાવે છે. પરંતુ દરેક સૂરની પોતાની આગવી વિશિષ્ટતા હોય છે. એ જ રીતે, જી-20નો ઉદ્દેશ વિવિધતાનું સન્માન કરવાની સાથે વિશ્વને સંવાદિતામાં લાવવાનો છે.
સાથીઓ,
તે વાત સાચી છે કે જ્યારે પણ વિશ્વમાં જી -20 જેવાં મોટાં પ્લેટફોર્મ્સનું કોઇ સંમેલન હોય છે, ત્યારે તેનો પોતાનો રાજદ્વારી અને ભૂ-રાજકીય અર્થ હોય છે. તે સ્વાભાવિક પણ છે. પરંતુ ભારત માટે આ સમિટ માત્ર ડિપ્લોમેટિક બેઠક નથી. ભારત આને પોતાના માટે એક નવી જવાબદારી તરીકે જુએ છે. ભારત આને પોતાના પ્રત્યે વિશ્વના વિશ્વાસ તરીકે જુએ છે. આજે વિશ્વમાં ભારતને જાણવા માટે, ભારતને સમજવા માટે અભૂતપૂર્વ જિજ્ઞાસા છે. આજે ભારતનો અભ્યાસ એક નવા પ્રકાશમાં થઈ રહ્યો છે. આપણી વર્તમાન સફળતાઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આપણાં ભવિષ્ય વિશે અભૂતપૂર્વ આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આવી સ્થિતિમાં, આ આશાઓ અને અપેક્ષાઓ કરતા ઘણું સારું કામ કરવાની જવાબદારી આપણા દેશવાસીઓની છે. ભારતની વિચારસરણી અને સામર્થ્યથી, ભારતની સંસ્કૃતિ અને સામાજિક શક્તિથી દુનિયાને પરિચિત કરાવવાની જવાબદારી આપણી છે. આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃતિની બૌદ્ધિકતા અને તેમાં સમાયેલી આધુનિકતા સાથે વિશ્વનું જ્ઞાન વધારવું એ આપણી જવાબદારી છે.
જે રીતે આપણે સદીઓ અને હજારો વર્ષોથી 'જય-જગત'ના વિચારને જીવતા આવ્યા છીએ, આજે આપણે તેને જીવંત બનાવવાનો છે અને આધુનિક વિશ્વ સમક્ષ રજૂ કરવાનો છે. આપણે બધાને જોડવાના છે. દરેકને વૈશ્વિક કર્તવ્યોનો બોધ કરાવવાનો છે. વિશ્વનાં ભવિષ્યમાં તેમની પોતાની ભાગીદારી માટે તેમને જાગૃત કરવા પડશે, પ્રેરિત કરવા પડશે.
સાથીઓ,
આજે જ્યારે ભારત જી-20ની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમ આપણા માટે 130 કરોડ ભારતીયોની શક્તિ અને સામર્થ્યનું પ્રતિનિધિત્વ કરે છે. આજે ભારત આ મુકામ પર પહોંચ્યું છે. પરંતુ, તેની પાછળ હજારો વર્ષોની આપણી ખૂબ મોટી યાત્રા જોડાયેલી છે, અનંત અનુભવો જોડાયેલા છે. આપણે હજારો વર્ષોની પ્રગતિ અને વૈભવ પણ જોયો છે. આપણે વિશ્વનો સૌથી અંધકારમય સમયગાળો પણ જોયો છે. આપણે સદીઓની ગુલામી અને અંધકારને જીવવાની મજબૂરીના દિવસો જોયા છે. કેટલાય આક્રમણકારો અને અત્યાચારોનો સામનો કરીને ભારત એક જીવંત ઇતિહાસ સાથે આજે અહીં સુધી પહોંચ્યું છે.
તે અનુભવો ભારતની આજની વિકાસયાત્રામાં તેની સૌથી મોટી તાકાત છે. આઝાદી પછી, આપણે શિખરને લક્ષ્યમાં રાખીને શૂન્યથી શરૂ કરીને એક મોટી યાત્રા શરૂ કરી. આમાં છેલ્લાં 75 વર્ષોમાં જેટલી પણ સરકારો રહી, તે તમામના પ્રયત્નો સામેલ છે. તમામ સરકારો અને નાગરિકોએ પોતપોતાની રીતે મળીને ભારતને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે. આ ભાવના સાથે આજે આપણે એક નવી ઊર્જા સાથે સમગ્ર દુનિયાને સાથે લઈને આગળ વધવાનું છે.
સાથીઓ,
ભારતની હજારો વર્ષ જૂની સંસ્કૃતિએ આપણને વધુ એક વસ્તુ શીખવી છે. જ્યારે આપણે આપણી પ્રગતિ માટે પ્રયાસ કરીએ છીએ, ત્યારે આપણે વૈશ્વિક પ્રગતિની કલ્પના પણ કરીએ છીએ. આજે ભારત દુનિયામાં એક એવું સમૃદ્ધ અને જીવંત લોકતંત્ર છે.આપણી પાસે લોકશાહીનાં સંસ્કારો પણ છે, અને લોકશાહીની જનનીનાં રૂપમાં એક ગૌરવપૂર્ણ પરંપરા પણ છે. ભારત જેટલી વિશિષ્ટતા ધરાવે છે તેટલી જ વિવિધતા પણ ધરાવે છે. આ લોકશાહી, આ વિવિધતા, આ સ્વદેશી અભિગમ, આ સર્વસમાવેશક વિચારસરણી, આ સ્થાનિક જીવનશૈલી, આ વૈશ્વિક વિચારો, આજે વિશ્વ આ જ વિચારોમાં તેના તમામ પડકારોના ઉકેલ જોઈ રહ્યું છે.
અને, જી-20 આ માટે એક મોટી તક તરીકે કામમાં આવી શકે છે. આપણે દુનિયાને બતાવી શકીએ છીએ કે લોકશાહી, જ્યારે તે એક વ્યવસ્થાની સાથે સાથે એક સંસ્કાર અને સંસ્કૃતિ બની જાય છે, ત્યારે સંઘર્ષોનો અવકાશ કેવી રીતે સમાપ્ત થઈ જાય છે.
આપણે વિશ્વના દરેક માનવીને ખાતરી આપી શકીએ છીએ કે પ્રગતિ અને પ્રકૃતિ બંને એકબીજાની સાથે ચાલી શકે છે. આપણે ટકાઉ વિકાસને માત્ર સરકારોની વ્યવસ્થાને બદલે વ્યક્તિગત જીવનનો એક ભાગ પણ બનાવવાનો છે, તેનો વિસ્તાર કરવો પડશે. પર્યાવરણ એ આપણા માટેવૈશ્વિક કારણની સાથે સાથે વ્યક્તિગત જવાબદારી પણ બનવું જોઈએ.
સાથીઓ,
આજે દુનિયા ઈલાજને બદલે સ્વાસ્થ્યની શોધમાં છે. આપણું આયુર્વેદ, આપણો યોગ, જેના વિશે વિશ્વમાં એક નવો વિશ્વાસ અને ઉત્સાહ છે, તેનાં વિસ્તરણ માટે આપણે એક વૈશ્વિક વ્યવસ્થા ઊભી કરી શકીએ છીએ. આવતાં વર્ષે વિશ્વ આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ ઉજવવા જઈ રહ્યું છે, પરંતુ આપણે સદીઓથી ઘણાં બરછટ અનાજને આપણા ઘરનાં રસોડામાં સ્થાન આપતાં આવ્યા છીએ.
સાથીઓ,
અનેક ક્ષેત્રોમાં ભારતની સિદ્ધિઓ એવી છે કે તે વિશ્વના અન્ય દેશોને પણ ઉપયોગી થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ભારતે જે રીતે વિકાસ માટે, સમાવેશ માટે, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા, ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ અને ઈઝ ઑફ લિવિંગને વધારવા માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, તે તમામ વિકાસશીલ દેશો માટેના મૉડલ્સ છે, નમૂનાઓ છે.
એ જ રીતે આજે ભારત મહિલા સશક્તીકરણ, એથીય વધીને મહિલા સંચાલિત વિકાસમાં પ્રગતિ કરી રહ્યું છે. આપણાં જન ધન ખાતાંઓ અને મુદ્રા જેવી યોજનાઓએ મહિલાઓને નાણાકીય સર્વસમાવેશકતા સુનિશ્ચિત કરી છે. આવાં જ વિવિધ ક્ષેત્રોમાં આપણો અનુભવ વિશ્વને ઘણી મદદ કરી શકે છે. અને જી-20માં ભારતનું પ્રમુખપદ આ તમામ સફળ અભિયાનોને વિશ્વ સુધી પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ માધ્યમ બનીને આવી રહ્યું છે.
સાથીઓ,
આજની દુનિયા સામૂહિક નેતૃત્વ તરફ મોટી આશા સાથે જોઈ રહી છે. પછી તે જી-7 હોય, જી-77 હોય કે પછી યુએનજીએ હોય. આ વાતાવરણમાં જી-20ના પ્રમુખ તરીકે ભારતની ભૂમિકા ઘણી મહત્વની છે. એક તરફ ભારત વિકસિત દેશો સાથે ગાઢ સંબંધો જાળવી રાખે છે અને સાથે સાથે વિકાસશીલ દેશોના દૃષ્ટિકોણને પણ સારી રીતે સમજે છે, એની અભિવ્યક્તિ કરે છે. આ આધાર પર આપણે 'ગ્લોબલ સાઉથ'ના એ તમામ મિત્રો સાથે જી-20ના પ્રમુખપદની રૂપરેખા તૈયાર કરીશું, જેઓ વિકાસના પથ પર દાયકાઓથી ભારતના સહ-યાત્રી રહ્યા છે. અમારો પ્રયાસ એ રહેશે કે વિશ્વમાં કોઈ પણ પ્રથમ કે ત્રીજું વિશ્વ ન હોવું જોઈએ, પરંતુ માત્ર એક જ વિશ્વ હોય. ભારત એક સમાન ઉદ્દેશ માટે, ઉજ્જવળ ભવિષ્ય માટે સમગ્ર વિશ્વને એકમંચ પર લાવવાનાં વિઝન પર કામ કરી રહ્યું છે. વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડના મંત્ર સાથે ભારતે વિશ્વમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્રાંતિ લાવવાનું આહ્વાન કર્યું છે. ભારતે વન અર્થ, વન હેલ્થના મંત્ર સાથે વૈશ્વિક સ્વાસ્થ્યને મજબૂત કરવાનું અભિયાન શરૂ કર્યું છે. અને હવે જી-20માં પણ આપણો મંત્ર છે - વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર. ભારતના આ જ વિચારો, આ જ સંસ્કારો, વિશ્વ કલ્યાણનો માર્ગ મોકળો કરે છે.
સાથીઓ,
આજે મારા દેશની તમામ રાજ્ય સરકારો, તમામ રાજકીય પક્ષોને પણ એક વિનંતી છે. આ આયોજન માત્ર કેન્દ્ર સરકારનું નથી. આ આયોજન આપણા ભારતીયોનું આયોજન છે. 'અતિથિ દેવો ભવઃ'ની આપણી પરંપરાનાં દર્શન કરાવવાનો પણ જી-20 એક ઉત્તમ અવસર છે. જી-20 સાથે જોડાયેલાં આ આયોજનો દિલ્હી કે અમુક જગ્યાઓ સુધી સીમિત નહીં રહે. આ અંતર્ગત દેશના ખૂણે ખૂણે કાર્યક્રમો યોજાશે. આપણાં દરેક રાજ્યની પોતાની લાક્ષણિકતાઓ છે, તેનો પોતાનો વારસો છે. દરેક રાજ્યની પોતાની સંસ્કૃતિ છે, પોતાનું સૌંદર્ય છે, તેની પોતાની આભા છે, પોતાની મહેમાનગતિ છે.
રાજસ્થાનનું આતિથ્ય આમંત્રણ છે – પધારો મ્હારે દેસ! ગુજરાતના પ્રેમાળ અભિનંદન - તમારું સ્વાગત છે! આ જ પ્રેમ કેરળમાં મલયાલમમાં જોવા મળે છે – એલ્લાવર્ક્કુમ સ્વાગતમ્! ‘અતુલ્ય ભારતનું દિલ’મધ્યપ્રદેશ કહે છે- આપ કા સ્વાગત હૈ! પશ્ચિમ બંગાળમાં મીઠી બાંગ્લામાં આપનું સ્વાગત થાય છે - અપના કે સ્વાગત ઝાનાઇ! તામિલનાડુ, કડેગલ મુડી-વદિલ્યે, તે કહે છે - થંગલ વરવ નલ-વર-વહુહા!, યુપીનો આગ્રહ હોય છે - યુપી નહીં દેખા તો ભારત નહીં દેખા. હિમાચલ પ્રદેશ આપણને 'દરેક ઋતુ માટે, દરેક કારણસર' એટલે ‘હર મૌસમ, હર વજહ કે લિયે’ આપણને બોલાવે છે. ઉત્તરાખંડ તો “એક સ્વર્ગ" જ છે. આ આતિથ્ય-સત્કાર, આ વિવિધતા દુનિયાને આશ્ચર્યચકિત કરી દે છે. જી-20નાં માધ્યમથી આપણે આ પ્રેમને દુનિયા સુધી પહોંચાડવાનો છે.
સાથીઓ,
મારે હમણાં આવતા અઠવાડિયે ઇન્ડોનેશિયા જવાનું છે. ત્યાં ભારતને જી-20નું પ્રમુખપદ આપવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. હું દેશનાં તમામ રાજ્યોને, તમામ રાજ્ય સરકારોને પણ આગ્રહ કરું છું કે, આમાં તેઓ તેમનાં રાજ્યની ભૂમિકાને શક્ય તેટલી વિસ્તૃત કરે. તમારાં રાજ્ય માટે આ તકનો લાભ લો. દેશના તમામ નાગરિકો, બુદ્ધિજીવીઓએ પણ આ કાર્યક્રમનો હિસ્સો બનવા આગળ આવવું જોઈએ. હમણાં જ લૉન્ચ થયેલી વેબસાઇટ પર, તમે બધા આ માટે તમારાં સૂચનો મોકલી શકો છો, તમારા મંતવ્યો જાહેર કરી શકો છો.
વિશ્વ કલ્યાણ માટે ભારત કેવી રીતે તેની ભૂમિકાને આગળ ધપાવે, એ દિશામાં તમારાં સૂચનો અને સહભાગીતા જી-20 જેવાં આયોજનની સફળતાને નવી ઊંચાઈ આપશે. મને વિશ્વાસ છે કે આ આયોજન માત્ર ભારત માટે યાદગાર નહીં રહે, પરંતુ ભવિષ્ય પણ વિશ્વના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ તક તરીકે તેનું મૂલ્યાંકન કરશે.
આ જ ઇચ્છા સાથે આપ સૌને ફરી એક વાર ખૂબ ખૂબ શુભકામનાઓ.
ખૂબ ખૂબ આભાર!