Remembers immense contribution of the ‘Utkal Keshari’
Pays tribute to Odisha’s Contribution to the freedom struggle
History evolved with people, foreign thought process turned the stories of dynasties and palaces into history: PM
History of Odisha represents the historical strength of entire India: PM

જય જગન્નાથ,

કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત રહેલા, લોકસભામાં માત્ર સાંસદ તરીકે જ નહીં, પણ સાંસદના જીવનમાં એક ઉત્તમ સાંસદ કેવી રીતે કામ કરી શકે તેનું એક જીવતુ જાગતું ઉદાહરણ પૂરૂ પાડનાર ભાઈ ભર્તુહરી મહતાબજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, અન્ય વરિષ્ઠ મહાનુભવો, દેવીઓ અને સજ્જનો ! મારા માટે અત્યંત આનંદનો વિષય  એ છે કે મને ‘ઉત્કલ કેસરી’ હરેકૃષ્ણ મહતાબજી સાથે જોડાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી છે. આશરે દોઢ વર્ષ પહેલાં આપણે સૌએ ‘ઉત્કલ કેસરી’ હરેકૃષ્ણ મહતાબજીની 120મી જયંતિ ખૂબ જ પ્રેરણાદાયક અવસર સ્વરૂપે મનાવી હતી. આજે આપણે તેમના પ્રસિધ્ધ પુસ્તક ‘ઓડિશા ઈતિહાસ’ ની હિન્દી આવૃત્તિનું લોકાર્પણ કરી રહ્યા છીએ. ઓડિશાનો વ્યાપક અને વિવિધતાથી ભરેલો ઈતિહાસ દેશના લોકો સુધી પહોંચે તે ખૂબ જ આવશ્યક છે. ઓડીયા અને અંગ્રેજી પછી હિન્દી આવૃત્તિના માધ્યમથી આપણે આ આવશ્યકતા પૂરી કરી છે. હું આ અભિનવ પ્રયાસ બદલ ભાઈ ભર્તુહરી મહતાબજીને, હરેકૃષ્ણ મહતાબ ફાઉન્ડેશન તરફથી અને વિશેષ કરીને સેશંકરલાલ પુરોહિતજીને ધન્યવાદ પણ આપું છું અને હાર્દિક શુભકામના પણ વ્યક્ત કરૂં છું.

સાથીઓ,

ભર્તુહરીજીના આ પુસ્તકના વિમોચનના અનુરોધની સાથે જ એક નકલ પણ તે આવીને આપી ગયા હતા. તે નકલ હું વાંચી શક્યો નહીં, પરંતુ ઉપરછલ્લી નજર નાંખીને તેને મેં જોઈ ત્યારે મને વિચાર આવ્યો કે તેની હિન્દી આવૃત્તિ સાથે સાચા અર્થમાં કેટલા સુખદ સંયોગો જોડાયેલા છે. આ પુસ્તક એક એવા વર્ષમાં પ્રકાશિત થઈ રહ્યું છે કે જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહયું છે. આ વર્ષે એ ઘટનાને પણ 100 વર્ષ પૂરાં થવા જઈ રહ્યા કે જ્યારે હરેકૃષ્ણ મહતાબજી કોલેજ છોડીને  આઝાદીની લડાઈમાં જોડાઈ ગયા હતા. ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ માટે દાંડી યાત્રા શરૂ કરી હતી ત્યારે ઓડિશામાં હરેકૃષ્ણજીએ એ આંદોલનનું નેતૃત્વ સંભાળ્યું હતું. એ પણ એક સંજોગ છે કે વર્ષ 2023માં ‘ઓડિશા ઈતિહાસ’ ના પ્રકાશનને પણ 75 વર્ષ પૂરાં થઈ રહ્યા છે. મને લાગે છે કે જ્યારે કોઈ વિચારના કેન્દ્રમાં દેશ સેવાનું, સમાજ સેવાનું બીજ પડેલું હોય તો આવા સંજોગો પણ બનતા રહેતા હોય છે.

સાથીઓ,

આ પુસ્કની ભૂમિકામાં ભર્તુહરીજીએ લખ્યું છે કે “હરેકૃષ્ણ મહતાબજી એક એવી વ્યક્તિ હતા કે જેમણે ઈતિહાસ રચ્યો પણ છે અને ઈતિહાસ રચાતાં જોયો પણ છે અને તેને લખ્યો પણ છે.” વાસ્તવમાં આવા ઐતિહાસિક વ્યક્તિત્વ ખૂબ જ વિરલ હોય છે. આવા મહાપુરૂષ પોતે પણ ઈતિહાસનો મહત્વપૂર્ણ અધ્યાય હોય છે. મહતાબજીએ આઝાદીની લડાઈમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું અને પોતાની યુવાની પણ હોમી દીધી હતી. તેમણે જેલમાં જ જીવન વિતાવ્યું હતું, પરંતુ મહત્વપૂર્ણ બાબત એ રહી હતી કે આઝાદીની લડાઈની સાથે સાથે તેમણે સમાજ માટે પણ લડત આપી હતી ! જ્ઞાતિવાદ અને અસ્પૃશ્યતા વિરૂધ્ધ આંદોલનમાં તેમણે પોતાના પૈતૃક મંદિરને પણ તમામ જ્ઞાતિઓ માટે તે જમાનામાં ખોલી દીધું હતું. અને આજે પણ પોતાના વ્યવહારથી આ પ્રકારનું ઉદાહરણ રજૂ કરવું તેની તાકાત કેવી હોય છે તેનો આપણને અંદાજ આવી શકે તેમ નથી. તે યુગમાં જોઈએ તો અંદાજ આવે છે કે આ કેટલું મોટું સાહસ હશે. પરિવારમાં પણ કેવા પ્રકારના વાતાવરણની વચ્ચે આ નિર્ણય લીધો હશે અને જવું પડ્યુ હશે. આઝાદી પછી તેમણે ઓડિશાના મુખ્ય મંત્રી તરીકે મોટા મોટા નિર્ણયો લીધા, ઓડિશાનું ભવિષ્ય ઘડવા માટે અનેક પ્રયાસો કર્યા. શહેરોનું આધુનિકીકરણ, પોર્ટનું આધુનિકીકરણ, સ્ટીલ પ્લાન્ટ જેવા અનેક કાર્યોમાં તેમની મોટી ભૂમિકા રહી હતી.

સાથીઓ,

સત્તા ઉપર પહોંચ્યા છતાં પણ તે હંમેશા પોતાને એક સ્વાતંત્ર્ય સેનાની જ માનતા હતા અને જીવન પર્યંત તે સ્વાતંત્ર્ય સેનાની જ બની રહ્યા. આ વાત આજના જનપ્રતિનિધિઓને અચરજમાં મૂકી શકે છે કે જે પક્ષમાંથી તે મુખ્ય મંત્રી બન્યા હતા તે જ પક્ષનો વિરોધ કરીને તે જેલમાં ગયા હતા. આનો અર્થ એ થાય કે તે એક એવા વિરલ નેતા હતા કે જે આઝાદી માટે તો જેલમાં ગયા જ હતા, પરંતુ દેશની લોકશાહીને બચાવવા માટે પણ જેલમાં ગયા હતા. મારૂં એ સૌભાગ્ય રહ્યું છે કે હું કટોકટી સમાપ્ત થયા પછી તેમને મળવા માટે ઓડિશા ગયો હતો. મારી તો કોઈ ઓળખાણ હતી નહીં, છતાં તેમણે મને સમય આપ્યો હતો. મને બરાબર યાદ છે કે બપોરના ભોજનના સમય પહેલાં સમય આપ્યો હતો તેથી સ્વાભાવિક છે કે ભોજનનો સમય થતાં વાત પૂરી થઈ જાત, પરંતુ હું આજે યાદ કરૂં છું ત્યારે મને લાગે છે કે બે અઢી કલાક સુધી તે જમવા માટે પણ નહીં ગયા અને લાંબા સમય સુધી મને ઘણી બધી ચીજો બતાવતા રહ્યા, કારણ કે હું કોઈ વ્યક્તિ માટે આ બધું સંશોધન કરી રહ્યો હતો, કેટલીક સામગ્રી એકત્ર કરી રહ્યો હતો અને એ કારણે જ હું તેમની પાસે ગયો હતો. અને મારો એ અનુભવ છે કે કોઈ કોઈ વખત જોઉં છું કે મોટા પરિવારમાં સંતાન તરીકે દીકરાનો જન્મ થાય છે અને એમાં પણ ખાસ કરીને રાજકીય પરિવારોમાં અને પછીથી તેમના સંતાનોને જોઈએ ત્યારે ક્યારેક ક્યારેક એવો સવાલ થાય છે કે ભાઈ આ શું કરી રહ્યા છે. પરંતુ ભર્તુહરીજીને જોયા પછી આવું ક્યારેય જણાયું ન હતું. અને તેના કારણે હરેકૃષ્ણજીના પરિવારમાં જે શિષ્ટતા, અનુશાસન, સંસ્કાર ઉપર પણ એટલો જ ભાર મૂકવામાં આવ્યો હતો. તેથી જ ભર્તુહરી જેવા સાથી  મળતા રહે  છે.

સાથીઓ,

આપણે સારી રીતે જાણીએ છીએ કે એક મુખ્યમંત્રી તરીકે ઓડિશાના ભવિષ્યની ચિંતા કરતાં કરતાં પણ ઓડિશાના ઈતિહાસ માટે તેમનું આકર્ષણ ખૂબ જ વધારે હતું. તેમને ઈન્ડીયન હીસ્ટ્રી કોંગ્રેસમાં પણ ખૂબ જ મહત્વની ભૂમિકા બજાવી હતી. ઓડિશાના ઈતિહાસને રાષ્ટ્રીય ફલક પર લઈ ગયા હતા. ઓડિશામાં મ્યુઝિયમ હોય કે પૌરાણિક બાબતો હોય કે  પછી પૌરાણિક વિભાગ હોય. આ બધી બાબતોને મહતાબજીએ ઈતિહાસની દ્રષ્ટિએ જોઈ હતી અને તેથી જ તેમનું યોગદાન શક્ય બન્યું હતું.

સાથીઓ,

મેં અનેક વિદ્વાનોને સાંભળ્યા છે કે જો તમે મહતાબજીની ઓડિશા ઈતિહાસ વાંચ્યો હોય તો સમજી લો કે તમે ઓડિશાને જાણી લીધુ છે, ઓડિશાને જીવી લીધુ છે અને એ બાબત પણ સાચી છે કે ઈતિહાસ માત્ર ભૂતકાળનો જ અધ્યાય હોતો નથી, પરંતુ ભવિષ્યનો અરીસો પણ હોય છે. આ વિચારને સામે રાખીને આજે દેશ અમૃત મહોત્સવમાં આઝાદીના ઈતિહાસને ફરીથી જીવંત બનાવી રહ્યો છે. આજે આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓએ કરેલા ત્યાગ અને બલિદાનની કથાઓને પુનર્જીવિત કરી રહ્યા છીએ કે જેથી આપણાં યુવકો તેને માત્ર જાણે જ નહીં, અનુભવી પણ શકે. નવા આત્મવિશ્વાસ સાથે આગળ ધપે અને કશુંક કરી છૂટવાના ઈરાદાથી નવા સંકલ્પો સાથે આગળ ધપતા રહે. સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડાયેલી એવી અનેક ગાથાઓ છે કે જે દેશની સામે તે સ્વરૂપે આવી શકી નથી. જે રીતે હમણાં ભર્તુહરિજી કહી રહ્યા હતા કે ભારતનો ઈતિહાસ એ રાજમહેલોનો ઈતિહાસ નથી. ભારતનો ઈતિહાસ રાજપથનો ઈતિહાસ નથી. માત્ર જન જનના જીવનની સાથે સાથે ઈતિહાસનું આપમેળે જ નિર્માણ થયું છે અને એટલે તો હજારો વર્ષોની આ મહાન પરંપરા સાથે આપણે જીવ્યા હોઈશું. એવી  બહારની વિચારધારા છે કે જેમાં રાજપાઠ અને રાજઘરાનાની આસપાસની ઘટનાઓને જ ઈતિહાસ માની લેવામાં આવ્યો હતો. આપણે એવા લોકો નથી. સમગ્ર રામાયણ અને મહાભારત જુઓ, તેમાં 80 ટકા બાબતો સામાન્ય લોકોની છે અને એટલા માટે જ આપણાં લોકોના જીવનમાં સામાન્ય માણસ એક કેન્દ્ર બિંદુ તરીક રહ્યો છે. આજે આપણાં યુવાનો ઈતિહાસના એવા અધ્યાયો અંગે શોધ કરે છે અને કરી રહ્યા છે. તે સંશોધનને નવી પેઢી સુધી પહોંચાડવા માટે કામ કરી રહ્યા છે. આ પ્રયાસોમાંથી કેટલીક પ્રેરણાઓ નિકળીને સામે આવશે કે જેથી  દેશની વિવિધતાના કેટલા રંગોથી આપણે પરિચિત થઈ શકીશું.

સાથીઓ,

હરેકૃષ્ણજીએ આઝાદીની લડાઈ માટેના એવા અનેક અધ્યાયથી આપણને પરિચિત કર્યા છે, જેમાં ઓડિશા બાબતે બોધ અને શોધના નવા પાસાં ખૂલ્યા છે. પાઈક સંગ્રામ, ગંજામ આંદોલન અને લારજા કોલ્હ આંદોલનથી માંડીને સંબલપુર સંગ્રામ સુધી, ઓડિશાના ધરતી ઉપર વિદેશી શાસન વિરૂધ્ધ ક્રાંતિની જ્વાળાને હંમેશા નવી ઉર્જા આપવામાં આવી હતી. કેટલા બધા સેનાનીઓને અંગ્રેજોએ જેલમાં ધકેલી દીધા હતા, યાતનાઓ આપી હતી. કેટલા બધા બલિદાન અપાયા હતા! પરંતુ આઝાદીનું ઝનૂન ઢીલું પડ્યું ન હતું. સંબલપુર સંગ્રામના વીર ક્રાંતિકારી સુરેન્દ્ર સાય, આપણાં માટે આજે પણ ખૂબ મોટી પ્રેરણા છે. જ્યારે દેશમાં ગાંધીજીના નેતૃત્વ હેઠળ ગુલામી વિરૂધ્ધ પોતાની અંતિમ લડાઈ શરૂ કરવામાં આવી ત્યારે પણ ઓડિશા અને અહીંના લોકો તેમાં ખૂબ મોટી ભૂમિકા બજાવી રહ્યા હતા. અસહયોગ આંદોલન હોય કે સવિનય કાનૂન ભંગ જેવુ આંદોલન હોય કે જેમાં મીઠાના સત્યાગ્રહ સુધી પંડિત ગોપબંધુ, આચાર્ય  હરિહર અને હરેકૃષ્ણ મહતાબ જેવા નેતાઓ આગેવાની પૂરી પાડી રહ્યા હતા. રમા દેવી, માલતી દેવી, કોકિલા દેવી, રાની ભાગ્યવતી જેવી અનેક માતાઓ અને બહેનો હતી કે જેમણે આઝાદીની લડાઈને એક નવી દિશા આપી હતી. આવી જ રીતે ઓડિશાના આપણાં આદિવાસી સમાજના  યોગદાનને કોણ ભૂલાવી શકે તેમ છે ?  આપણાં આદિવાસીઓએ પોતાનું શૌર્ય અને દેશપ્રેમ દર્શાવીને વિદેશી હકુમતને શાંતિથી બેસવા દીધી  ન હતી. અને તમને કદાચ ખબર હશે કે, મારો એ  પ્રયાસ રહ્યો છે કે આઝાદીની લડતમાં આદિવાસી સમાજે જે નેતૃત્વ પૂરૂં પાડ્યું છે, તેમની જે ભૂમિકા રહી છે તે બાબતે એ રાજ્યોમાં પણ આ પ્રકારે ભાવિ પેઢી માટે ત્યાં એક મ્યુઝિયમ બનાવવું જોઈએ. અનેક ગાથાઓ છે, ત્યાગ, તપસ્યા અને બલિદાનની અગણિત વીર ગાથાઓ પડેલી છે. તે કેવી રીતે યુધ્ધ લડતા હતા અને કેવી રીતે જંગ જીતી જતા હતા. લાંબા સમય સુધી અંગ્રેજોને પગ મૂકવા દેતા ન હતા. પોતાની તાકાતથી આ બધી ગાથાઓ આપણાં આદિવાસી સમાજનું ત્યાગ, તપસ્યા અને ગૌરવ આવનારી પેઢીઓને બતાવવામાં આવે તે ખૂબ જ આવશ્યક છે. એવી કોશિષ થઈ રહી છે કે સમગ્ર દેશમાં આદિવાસી સમાજે આઝાદીના જંગનું નેતૃત્વ લઈને તેની અલગથી રજૂઆત કરીને લોકોની સામે લાવવાની જરૂર છે અને એવી અગણિત ગાથાઓ છે કે જેના વિશે ઈતિહાસે અન્યાય કર્યો છે. જે રીતે આપણાં લોકોનો સ્વભાવ છે કે જેમાં પ્રભાવશાળી બાબતો આવી જાય તો આપણે તેની તરફ આકર્ષિત થઈએ છીએ અને આ કારણે જ આવી તપસ્યા અંગે ઘણી વાતો થતી હોય છે, ત્યાગની ઘણી વાતો થતી હોય છે જે એક સાથે ઉભરીને સામે આવતી નથી, પ્રયાસ કરીને એને બહાર લાવવી પડે છે. અંગ્રેજો સામેના ભારત છોડો આંદોલનના મહાન આદિવાસી નેતા લક્ષ્મણ નાયકજીને પણ આપણે જરૂર યાદ કરવા જોઈએ. અંગ્રેજોએ તેમને ફાંસી આપી હતી. આઝાદીનું સપનું લઈને તે ભારત માતાની ગોદમાં પોઢી ગયા હતા.

સાથીઓ,

આઝાદીના ઈતિહાસની સાથે સાથે અમૃત મહોત્સવનું એક મહત્વનું પાસું ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને સાંસ્કૃતિક મૂડી પણ છે. ઓડિશા તો આપણી એ સાંસ્કૃતિક વિવિધતાનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. અહીંની કલા, અહીંનું આધ્યાત્મ, અહીંની આદિવાસી સંસ્કૃતિ સમગ્ર દેશનો વારસો છે. સમગ્ર દેશને તેનાથી પરિચિત કરવો જોઈએ, તેની સાથે  જોડવો જોઈએ અને નવી પેઢીને તેની ખબર પણ હોવી જોઈએ. આપણે ઓડિશાના ઈતિહાસને જેટલો ઊંડાણથી સમજશું, દુનિયાની સામે લાવીશું, તેટલો જ માનવતાને સમજવાનો એક  વ્યાપક દ્રષ્ટિકોણ આપણને પ્રાપ્ત થશે. હરેકૃષ્ણજીએ પોતાના પુસ્તકમાં ઓડિશાની આસ્થા, કલા અને વાસ્તુ ઉપર જે પ્રકાશ ફેંક્યો છે તે આપણાં યુવાનોને આ દિશામાં એક મજબૂત આધાર પૂરો પાડે છે.

સાથીઓ,

જો આપણે ઓડિશાનો ભૂતકાળ ફંફોસીએ તો તેમાં ઓડિશાની સાથે સાથે સમગ્ર ભારતના ઐતિહાસિક સામર્થ્યનું દર્શન થાય છે. ઈતિહાસમાં લખાયેલું આ સામર્થ્ય વર્તમાન અને ભવિષ્યની સંભાવનાઓ સાથે જોડાયેલું છે. તે આપણને ભવિષ્ય માટે માર્ગ દેખાડે છે. તમે જુઓ, ઓડિશાનો વિશાળ સાગરકાંઠો કે જ્યાં એક સમયે મોટા મોટા પોર્ટસ અને આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર બન્યો હતો. ઈન્ડોનેશિયા, મલેશિયા, થાઈલેન્ડ, મ્યાનમાર અને શ્રી લંકા જેવા દેશોની સાથે અહીંથી વેપાર થતો હતો. તે ઓડિશા ભારતની સમૃધ્ધિનું ખૂબ મોટું કારણ હતું. કેટલાક ઈતિહાસકારોનું સંશોધન તો ત્યાં સુધીની વાત કરે છે કે ઓડિશાના કોણાર્ક મંદિરમાં જીરાફની તસવીરો છે તેનો અર્થ એ બાબતની સાક્ષી પૂરે છે કે ઓડિશાનો વેપાર આફ્રિકા સુધી વિસ્તરેલો હતો ત્યારે જ તો જીરાફની વાત આવી હશે. એ સમયે તો વોટ્સએપ્પ ન હતું. મોટી સંખ્યામાં ઓડિશાના લોકો વેપાર માટે બીજા દેશોમાં રહેતા પણ હતા અને તેમને દરિયાપારી ઓડીયા કહેવામાં આવતા હતા. ઓડીયા ભાષા સાથે બંધ બેસતી હોય તેવી લિપિ અનેક દેશોમાં મળી આવે છે. ઈતિહાસના જાણકારો તો કહે છે કે સમ્રાટ અશોકે આ દરિયાઈ વેપાર ઉપર અધિકાર હાંસલ કરવા માટે કલિંગ ઉપર આક્રમણ કર્યું હતું. આ આક્રમણને કારણે અશોકને ધમ્મ અશોક બનાવ્યો હતો અને એક રીતે કહીએ તો ઓડિશા વેપારની સાથે સાથે ભારત સાથે બૌધ્ધ સંસ્કૃતિના પ્રસાર માટેનું માધ્યમ પણ  બન્યું હતું.

સાથીઓ,

તે સમયે આપણી પાસે જે પ્રાકૃતિક સાધનો હતા તે પ્રકૃતિએ આજે પણ આપણને આપેલાં છે. આપણી પાસે આજે પણ આટલી મોટી દરિયાઈ સીમા છે. માનવીય સાધનો છે. વેપારની સંભાવનાઓ છે અને સાથે સાથે આપણી પાસે આધુનિક વિજ્ઞાનની તાકાત પણ છે. જો આપણે પોતાના આ પ્રાચીન અનુભવો અને આધુનિક સંભાવનાઓને એક સાથે જોડીએ તો ઓડિશા વિકાસની નવી ઉંચાઈઓ સુધી પહોંચી શકે તેમ છે. આજે દેશ આ દિશામાં ગંભીર પ્રયાસ કરી રહ્યો છે અને અધિક પ્રયાસ કરવાની દિશામાં પણ આપણે સજાગ છીએ. હું જ્યારે પ્રધાનમંત્રી બન્યો ન હતો, ચૂંટણીઓ પણ જાહેર થઈ ન હતી ત્યારે વર્ષ 2013નું મારૂ કદાચ એક ભાષણ છે, મારા જ પક્ષનો કાર્યક્રમ હતો અને તેમાં જણાવ્યું હતું કે હું ભારતના ભવિષ્યને કેવી રીત જોઉં છું. તેમાં મેં કહ્યું હતું કે જો ભારતનો સમતોલ વિકાસ નહીં કરી શકીએ તો કદાચ આપણે આપણી ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ નહીં કરી શકીએ અને હું એવું માનીને ચાલુ છું કે જે રીતે ભારતનો પશ્ચિમ ભાગ, આપણે જો ભારતનો નકશો લઈને વચ્ચે એક રેખા દોરીએ તો પશ્ચિમમાં આપણને એ દિવસોની પ્રગતિ અને સમૃધ્ધિ નજરે પડશે. આર્થિક ગતિવિધી પણ નજરે પડશે. નીચેથી માંડીને ઉપર સુધી. પરંતુ પૂર્વમાં જ્યાં આટલા કુદરતી સાધન છે, જ્યાં આટલા રચનાત્મક દિમાગ છે, અદ્દભૂત માનવ સંશાધન છે, આપણી પાસે પૂર્વમાં ઉડિયા હોય કે પછી બિહાર હોય, બંગાળ હોય કે આસામ હોય કે ઉત્તર-પૂર્વ હોય. અહીં એક અદ્દભૂત સામર્થ્યની એક અદ્દભૂત મૂડી પડેલી છે. માત્ર આ વિસ્તાર વિકસીત થઈ જાય તો ભારત ક્યારે પણ પાછળ પડી શકે તેમ નથી તેટલી તાકાત તેમાં પડેલી છે. અને એટલા માટે જ તમે જોયું હશે કે વિતેલા 6 વર્ષનું કોઈ વિશ્લેષણ કર્યું હશે તો પૂર્વ ભારતના વિકાસ માટે અને વિકાસ માટે જો કોઈ મોટી પહેલ કરવામાં આવી હોય તો તેમાં માળખાકિય સુવિધાઓ માટે પૂર્વ ભારત ઉપર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે કે જેથી દેશ પૂર્વ અને પશ્ચિમમાં એક સમતોલ ભારત તરીકે 19-20નો ફર્ક હોય તો હું કુદરતી કારણો સમજી શકું છું. અને તમે પણ જુઓ કે ભારતનો સુવર્ણ યુગ એ સમયે હતો કે જ્યારે ભારતનું નેતૃત્વ પૂર્વ  ભારત કરતું હતું. ઓડિશા હોય કે પછી બિહાર હોય કે પછી કોલકતા હોય, આ બધા ભારતનું નેતૃત્વ કરનારા કેન્દ્ર બિંદુ હતા અને તે સમયે ભારતનો સુવર્ણ યુગ હતો. તેનો અર્થ એ થાય કે અહીંયા એક અદ્દભૂત સામર્થ્ય પડેલું છે. આ સામર્થ્ય સાથે આપણે જો આગળ વધીશું તો ભારતને ફરીથી એ ઉંચાઈ પર લઈ જઈ શકીએ તેમ છીએ.

સાથીઓ,

વેપાર અને ઉદ્યોગ માટે સૌ પ્રથમ જરૂર છે માળખાકીય સુવિધાઓની. આજે ઓડિશામાં હજારો કી.મી.ના રાષ્ટ્રીય ધોરિમાર્ગો બની રહ્યા છે. સાગરકાંઠે  ધોરિમાર્ગો બની રહ્યા છે કે જેથી પોર્ટસને જોડી શકાય. વિતેલા 6 થી 7 વર્ષમાં સેંકડો કી.મી.ની નવી રેલવે લાઈનો બિછાવવામાં આવી છે. સાગરમાલા પ્રોજેક્ટમાં પણ હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. માળખાકિય સુવિધાઓ પછી આગળનું મહત્વનું ઘટક છે ઉદ્યોગ !  ઉદ્યોગો અને કંપનીઓને આ દિશામાં કામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ઓઈલ અને ગેસ સાથે જોડાયેલી જેટલી વ્યાપક શક્યતાઓ ઓડિશામાં મોજૂદ છે તેના માટે પણ હજારો કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. ઓઈલ રિફાઈનરીઝ હોય, ઈથિનોલ બાયો રિફાઈનરીઝ હોય, આ બધા માટે નવા નવા પ્લાન્ટ ઓડિશામાં સ્થાપવામાં આવી રહ્યા છે. આ રીતે સ્ટીલ ઉદ્યોગ માટે પણ અહીંયા વ્યાપક સંભાવનાઓને આકાર આપવામાં આવી રહ્યો છે. હજારો કરોડ રૂપિયાનું મૂડી રોકાણ ઓડિશામાં કરવામાં આવ્યું છે. ઓડિશા પાસે દરિયાઈ સાધનો મારફતે સમૃધ્ધિ પ્રાપ્ત કરવાની અપાર તકો પડેલી છે. દેશનો એ પ્રયાસ રહ્યો છે કે બ્લૂ રિવોલ્યુશનના માધ્યમથી ઓડિશાને પ્રગતિને આધાર બનાવીને માછીમારો અને ખેડૂતોનું જીવન સ્તર બહેતર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે.

સાથીઓ,

આવનારા સમયમાં આ વ્યાપક સંભાવનાઓ માટે કૌશલ્યની પણ ખૂબ મોટી જરૂર છે. ઓડિશાના યુવકોને આ વિકાસનો વધુમાં વધુ લાભ મળે તે માટે આઈઆઈટી- ભૂવનેશ્વર, IISER બહેરામપુર અને ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્કીલ જેવી સંસ્થાઓનો પાયો નાંખવામાં આવ્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં મને ઓડિશામાં આઈઆઈએમ સંબલપુરના શિલાન્યાસ માટેનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આ સંસ્થા આગામી વર્ષોમાં ઓડિશાના ભવિષ્યનું નિર્માણ કરવામાં અને વિકાસને નવી ગતિ આપવામાં મહત્વની બની રહેશે.

સાથીઓ,

ઉત્કલમણિ ગોપબંધુ દાસજીએ લખ્યું છે કે जगत सरसे भारत कनल। ता मधे पुण्य नीलाचल આજે દેશ જ્યારે આઝાદીના 75 વર્ષના શુભ અવસર માટે તૈયાર થઈ રહ્યો છે ત્યારે આપણે આ ભાવનાને, આ સંકલ્પને ફરીથી સાકાર કરવાનો છે અને મેં તો જોયું પણ છે કે મારી પાસે કદાચ ચોક્કસ આંકડા નથી, પરંતુ ક્યારેક ક્યારેક લાગે છે કે કોલકતા પછી જો કોઈ એક શહેરમાં ઓડિયા લોકો સૌથી વધુ પ્રમાણમાં  રહેતા હોય તો કદાચ તે સુરતમાં રહે છે અને તેના કારણે મારો તેમની સાથે સ્વાભાવિક સંપર્ક પણ રહ્યો છે. આવું સરળ જીવન ઓછામાં ઓછા સાધન અને વ્યવસ્થાઓની વચ્ચે મસ્તીભરી જીંદગી જીવતુ હોય તે  ખૂબ નજીકથી જોયું છે. પોતાના માટે  કે પોતાના નામે  પણ કોઈ ઉપદ્રવ તેમના ખાતામાં જોવા મળતો નથી એટલા તે શાંતિપ્રિય છે. હવે જ્યારે હું પૂર્વ ભારતની વાત કરૂં છું તો આજે દેશમાં મુંબઈની ચર્ચા થાય છે. આઝાદી પહેલાં કરાંચીની ચર્ચા થતી હતી, લાહોરની ચર્ચા થતી હતી. ધીમે ધીમે બેંગ્લોર અને હૈદ્રાબાદની પણ ચર્ચા થવા માંડી. ચેન્નાઈની પણ ચર્ચા થવા માંડી અને કોલકતા જેવા સમગ્ર ભારતની પ્રગતિ અને વિકાસ તથા અર્થવ્યવસ્થા બાબતે ખૂબ યાદ કરીને કોઈ લખી શકે છે, જ્યારે વાયબ્રન્ટ કોલકતા સમગ્ર પૂર્વ ભારતને,  માત્ર બંગાળ જ નહીં, પણ સમગ્ર પૂર્વ ભારતની પ્રગતિ માટે એક મોટું નેતૃત્વ પૂરૂં પાડી શકે તેમ છે. અને અમારી એ કોશિષ રહી છે કે કોલકતા ફરી એક વખત વાયબ્રન્ટ બને. એક પ્રકારે કહીએ તો ભારતના વિકાસમાં કોલકતા એક શક્તિ બનીને ઉભરી આવે અને આ સમગ્ર નકશા સાથે અમે કામ કરી રહ્યા છીએ. મને પૂરો વિશ્વાસ છે કે માત્ર દેશનું જ ભલુ થાય તેવા તમામ નિર્ણયોથી તેને તાકાત મળે છે. હું આજે શ્રીમાન હરેકૃષ્ણ મહતાબ ફાઉન્ડેશનના વિદ્વાનોને અનુરોધ કરૂં છું કે મહતાબજીના કામને આગળ ધપાવવાનો આ મહાન અવસર છે. આપણે ઓડિશાના ઈતિહાસને, અહીંની સંસ્કૃતિને, અહીંના વાસ્તુ વૈભવને, દેશ વિદેશ સુધી લઈ જવાનો છે. આવો, અને અમૃત મહોત્સવમાં આપણે દેશ સાથે આ મંત્ર સાથે જોડાઈએ. આ અભિયાનને જન જનનું અભિયાન બનાવીએ. મને વિશ્વાસ છે કે આ અભિયાન એક રીતે વૈચારિક  ઉર્જાનો પ્રવાહ બનશે, જે રીતનો સંકલ્પ હરેકૃષ્ણ મહતાબજીએ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન લીધો હતો તેવા શુભ સંકલ્પ સાથે હું ફરી એક વખત આ મહત્વને અવસરે આ પરિવારની સાથે જોડાવાની મને જે તક મળી છે તે બદલ હું મહતાબ ફાઉન્ડેશનનો આભારી છું.  ભાઈ ભર્તુહરિ મહતાબજીનો આભારી છું કે મને આપ સૌની વચ્ચે આવીને મારી લાગણી વ્યક્ત કરવાની તક મળી છે અને જેમના માટે મારી શ્રધ્ધા અને આદર રહ્યો છે તેવા ઈતિહાસની કેટલીક ઘટનાઓ સાથે જોડાવાની મને આજે તક મળી છે. હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂં છું.

ખૂબ ખૂબ ધન્યવાદ!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 ડિસેમ્બર 2024
December 25, 2024

PM Modi’s Governance Reimagined Towards Viksit Bharat: From Digital to Healthcare