ભારત માતાની જય,
ભારત માતાની જય,
મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલ, મુખ્યમંત્રી ભાઇ શિવરાજજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો, પંચાયતી રાજ મંત્રાલયનું નેતૃત્વ કરી રહેલા ભાઇ ગિરિરાજજી, ધારાસભ્યો, સાંસદો, અન્ય તમામ મહાનુભાવો અને મોટી સંખ્યામાં અહીં પધારેલા મારા વ્હાલા ભાઇઓ તથા બહેનો,
રીવાની આ ઐતિહાસિક ભૂમિ પરથી હું મા વિંધ્યવાસિનીને વંદન કરું છુ. આ ધરા શૂરવીરોની છે, દેશ માટે પ્રાણોની આહૂતિ આપનારાઓની છે. હું અનેક વાર રીવા આવ્યો છું, આપ સૌની વચ્ચે આવ્યો છું. અને મને હંમેશા આપ સૌનો ભરપૂર પ્રેમ અને સ્નેહ મળતો રહ્યા છે. આજે પણ તમે બધા અમને આશીર્વાદ આપવા આટલી મોટી સંખ્યામાં આવ્યા છો. હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે આપ સૌને, દેશની 2.5 લાખથી વધુ પંચાયતોને શુભેચ્છાઓ. આજે તમારી સાથે જ 30 લાખથી વધુ પંચાયત પ્રતિનિધિઓ પણ આપણી સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા છે. આ ચોક્કસપણે ભારતની લોકશાહીનું ખૂબ જ શક્તિશાળી પરિદૃશ્ય આપે છે. આપણે સૌ લોકોના પ્રતિનિધિ છીએ. આપણે બધા આ દેશ માટે, આ લોકશાહી માટે સમર્પિત છીએ. કાર્યનો વ્યાપ ભલે અલગ-અલગ હોઇ શકે, પરંતુ આપણું ધ્યેય એક જ છે – જનસેવાથી રાષ્ટ્રની સેવા. મને આનંદ છે કે ગામડાઓ અને ગરીબોનું જીવન સરળ બનાવવા માટે જે પણ યોજનાઓ સરકાર દ્વારા ઘડવામાં આવેન છે તેને આપણી પંચાયતો સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક પાયાના સ્તરે અમલમાં મૂકી રહી છે.
ભાઇઓ અને બહેનો,
આજે અણહીં ઇ-ગ્રામ સ્વરાજ અને GeM પોર્ટલને એકીકૃત કરીને નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે જેનાથી તમારું કામ વધુ સરળ થઇ જશે. પીએમ સ્વામિત્વ યોજના અંતર્ગત દેશના 35 લાખ ગ્રામીણ પરિવારોને પ્રોપર્ટી કાર્ડ પણ આપવામાં આવ્યા છે. આજે, મધ્યપ્રદેશના વિકાસ સાથે સંકળાયેલી 17 હજાર કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યા છે. તેમાં રેલ્વે પ્રોજેક્ટ, ગરીબો માટે પાકા ઘરનાં પ્રોજેક્ટ, પાણી સાથે સંકળાયેલી પરિયોજનાઓ સામેલ છે. ગામડાઓ અને ગરીબોનું જીવન સરળ બનાવનારી અને રોજગારીનું નિર્માણ કરનારી આ પરિયોજનાઓ માટે પણ હું તમને બધાને ખૂબ જ અભિનંદન આપું છું.
મિત્રો,
આઝાદીના આ અમૃતકાળમાં આપણે સૌ દેશવાસીઓએ વિકસિત ભારતનું સપનું જોયું છે અને તેને સાકાર કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યાં છીએ. ભારતને વિકસિત દેશ બનાવવા માટે ભારતના ગામડાઓની સામાજિક વ્યવસ્થાનો વિકાસ કરવો જરૂરી છે. ભારતને વિકસિત બનાવવા માટે ભારતના ગામડાઓની આર્થિક વ્યવસ્થાનો વિકાસ કરવો જરૂરી છે. ભારતને વિકસિત બનાવવા માટે ભારતના ગામડાઓની પંચાયતી વ્યવસ્થાનો વિકાસ કરવો પણ જરૂરી છે. આ વિચાર સાથે જ અમારી સરકાર દેશની પંચાયતી રાજ વ્યવસ્થાને મજબૂત કરવા માટે નિરંતર કામ કરી રહી છે. અગાઉની સરકારોએ પંચાયતો સાથે જે રીતે ભેદભાવ રાખ્યો હતો તેના કરતાં ઉલટાનું અમે તેમને કેવા સશક્ત બનાવી રહ્યા છીએ, પંચાયતોમાં સુવિધાઓમાં વધારો કરી રહ્યા છીએ, આ બધુ જ આજે ગામડાના લોકો જોઇ રહ્યા છે તેમજ દેશભરના લોકો પણ જોઇ રહ્યા છે. 2014 પહેલા પંચાયતો માટે નાણાં પંચની ગ્રાન્ટ 70 હજાર કરોડ રૂપિયાથી ઓછી હતી. તમે આ આંકડો યાદ રાખશો ને? કંઇક તમે કહેશો તો મને ખહર પડશે કે તમે યાદ રાખશો? 2014 પહેલાં 70 હજાર કરોડ કરતાં ઓછી રકમસ શું આટલી એવી રકમથી આટલા મોટા દેશની બધી પંચાયતો કામ કેવી રીતે કરી શકે? 2014માં અમારી સરકાર આવ્યા બાદ પંચાયતોને મળતી આ ગ્રાન્ટ 70 હજાર કરોડ રૂપિયાથી વધારીને 2 લાખ કરોડ રૂપિયા કરતાં પણ વધુ કરવામાં આવી છે. તમે કહેશો કે, મેં અગાઉ કેટલી રકમ કહી હતી, બોલો કેટલી હતી? અને હવે કેટલી છે? હવે તમે જ અનુમાન કરી શકો છો કે તેઓ કેવી રીતે કામ કરે છે. ચાલો હું તમને વધુ બે ઉદાહરણો આપું. 2014 પહેલાંના 10 વર્ષોમાં, હું તે દસ વર્ષની વાત કરું છું. કેન્દ્ર સરકારની મદદથી માત્ર 6 હજાર જેટલી પંચાયતની ઇમારતો બની હતી. આખા દેશમાં લગભગ 6 હજાર પંચાયત ભવનો બનાવવામાં આવ્યા હતા. અમારી સરકારે 8 વર્ષમાં જ 30 હજારથી વધુ નવા પંચાયત ભવનોનું નિર્માણ કરી દીધું છે. હવે આ આંકડો પણ કહેશે કે અમે ગામડાઓ માટે કેટલા સમર્પિત છીએ. અગાઉની સરકારે ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબર આપવાની યોજના પણ શરૂ કરી હતી. પરંતુ તે યોજના હેઠળ, દેશની 70થી પણ ઓછી, બોલો પૂરી 100 પણ નહીં, 70થી ઓછી ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબરથી જોડવામાં આવી હતી. તે પણ શહેરની બહાર નજીકમાં જ જે પંચાયતો આવતી હોય ત્યાં સુધી ગયા હતા. આ અમારી સરકાર છે, કે જેણે દેશની બે લાખથી વધુ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબરની કનેક્ટિવિટી લઇ ગઇ છે. તફાવત સ્પષ્ટ દેખાય છે, મિત્રો. આઝાદી પછીની સરકારોએ કેવી રીતે ભારતની પંચાયતી રાજ વ્યવસ્થાને ધ્વસ્ત કરી દીધી હતી તેની વિગતોમાં હું બહુ ઊંડો જવા માંગતો નથી. જે વ્યવસ્થા આઝાદીના સેંકડો વર્ષ, હજારો વર્ષો પહેલાંથી જ અસ્તિત્વમાં હતી, તે જ પંચાયતી રાજ વ્યવસ્થા પર આઝાદી પછી ભરોસો જ મૂકવામાં આવ્યો નહોતો. પૂજ્ય બાપુ કહેતા હતા કે ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે. પરંતુ કોંગ્રેસે ગાંધીજીના વિચારોની પણ અવગણના કરી. નેવુંના દાયકામાં પંચાયતી રાજના નામે થોડી ભરપાઇ જરૂર કરવામાં આવી, પરંતુ તે પછી પણ પંચાયતો પર જેટલું ધ્યાન આપવું જોઇએ એટલું આપવામાં આવ્યું નહોતું.
મિત્રો,
2014થી અત્યાર સુધીમાં, દેશે તેની પંચાયતોના સશક્તિકરણનું બીડું ઝડપ્યું છે. અને આજે તેનાં પરિણામો દેખાઇ રહ્યા છે. આજે ભારતની પંચાયતો ગામડાઓના વિકાસનો પ્રાણવાયુ બનીને ઉભરી રહી છે. ગ્રામ પંચાયતો ગામડાની જરૂરિયાત મુજબ ગામનો વિકાસ કરે તેના માટે ગ્રામ પંચાયત વિકાસ યોજના ઘડીને કામ કરવામાં આવી રહ્યું છે.
મિત્રો,
અમે પંચાયતોની મદદથી ગામડાઓ અને શહેરો વચ્ચેનું અંતર પણ એકધારું ઓછું કરી રહ્યા છીએ. ડિજિટલ ક્રાંતિના આ યુગમાં પંચાયતોને પણ સ્માર્ટ બનાવવામાં આવી રહી છે. આજે, પંચાયત સ્તરે યોજનાઓ ઘડવાથી માંડીને તેના અમલીકરણ સુધી દરેક તબક્કે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમારા જેવા લોકો અમૃત સરોવર પર કેટલું બધું કામ કરી રહ્યા છે. આ અમૃત સરોવર માટે સ્થળ પસંદ કરવામાં અને કામ પૂરું કરવામાં દરેક સ્તરે ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં આજે ઇ-ગ્રામ સ્વરાજ - GeM એકીકૃત પોર્ટલનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. આના કારણે હવે, પંચાયતો દ્વારા ખરીદીની પ્રક્રિયા સરળ અને પારદર્શક બનશે. આનાથી હવે પંચાયતોને ઓછા ભાવે માલસામાન મળશે અને સ્થાનિક લઘુ ઉદ્યોગોને પણ તેમનો માલસામાન વેચવા માટે એક સશક્ત માધ્યમ મળી રહેશે. દિવ્યાંગો માટે ટ્રાઇસિકલ હોય કે પછી બાળકોના શિક્ષણ સાથે જોડાયેલી વસ્તુઓ હોય, પંચાયતોને આ બધી જ વસ્તુઓ આ પોર્ટલ પર સરળતાથી મળી શકશે.
ભાઇઓ અને બહેનો,
આધુનિક ટેક્નોલોજીનો અન્ય એક સીધો ફાયદો, આપણે પીએમ સ્વામિત્વ યોજનામાં પણ જોઇ રહ્યા છીએ. ગામડાના મકાનોના પ્રોપર્ટીના કાગળો અંગે બહુ ગુંચવણો રહેતી હતી. તેના કારણે જાત-જાતના વિવાદો થાય છે, ગેરકાયદે કબજો લઇ લેવાની શક્યતા રહે છે. હવે, પીએમ સ્વામિત્વ યોજના આવવાથી આ બધી પરિસ્થિતિઓ બદલાઇ રહી છે. આજે દરેક ગામમાં ડ્રોન ટેક્નોલોજી વડે સર્વે કરવામાં આવી રહ્યો છે, નકશા તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેના આધારે કોઇપણ જાતના ભેદભાવ વગર લોકોને કાયદાકીય દસ્તાવેજો સોંપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં દેશભરના 75 હજાર ગામડાઓમાં પ્રોપર્ટી કાર્ડ આપવાની કામગીરી પૂરી કરવામાં આવી છે. અને મને ખુશી છે કે મધ્યપ્રદેશ સરકાર આમાં ખૂબ સારું કામ કરી રહી છે.
મિત્રો,
હું ઘણી વખત વિચારું છું છિંદવાડાના લોકો જેના પર તમે લાંબા સમય સુધી ભરોસો મૂક્યો, તેઓ તમારા વિકાસ અંગે, આ વિસ્તારના વિકાસ અંગે આટલા બધા ઉદાસીન કેમ રહ્યા? તેનો જવાબ અમુક રાજકીય પક્ષોની વિચારસરણીમાં રહેલો છે. આઝાદી પછી, જે પક્ષે સૌથી વધુ સમય સરકાર ચલાવી તેણે આપણા ગામડાઓનો વિશ્વાસ જ તોડી નાંખ્યો. ગામડામાં રહેનારા લોકો, ગામડાની શાળાઓ, ગામડાના રસ્તાઓ, ગામડાની વીજળી, ગામડાના સંગ્રહ સ્થાનો, ગામડાની અર્થવ્યવસ્થા, કોંગ્રેસના શાસન દરમિયાન આ બધાને સરકારી પ્રાથમિકતાઓમાં સૌથી નીચા સ્તરે રાખવામાં આવ્યા હતા.
ભાઇઓ અને બહેનો,
દેશની અડધા કરતાં પણ વધારે વસ્તી જ્યાં વસે છે એવા ગામડાઓ સાથે ઓરમાયું વર્તન કરીને દેશ પ્રગતિના પંથે આગળ વધી શકે નહીં. આથી, 2014 પછી જ્યારે તમે અમને સેવા કરવાની તક આપી ત્યારે અમે ગામની અર્થવ્યવસ્થા, ગામમાં સુવિધાઓ, ગામના લોકોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા પર લાવ્યા છીએ. ઉજ્જવલા યોજના હેઠળ જે 10 કરોડ ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા તે માત્ર ગામડાના લોકોને જ આપવામાં આવ્યા હતા. અમારી સરકાર હેઠળ, સમગ્ર દેશમાં ગરીબો માટે જે પોણા ચાર કરોડ કરતાં વધુ ઘરો બાંધવામાં આવ્યા છે, જેમાંથી ત્રણ કરોડથી વધુ ઘર ગામડાઓમાં બાંધવામાં આવ્યા છે. અને આમાં મોટી વાત એ છે કે, આવા મોટાભાગના ઘરોમાં માલિકી હક્ક આપણી બહેનો, દીકરીઓ અને માતાઓ પાસે પણ છે. આપણે ત્યાં એવી પરંપરા ચાલતી આવી છે કે, ઘર પુરુષના નામે, દુકાન પુરુષના નામે, ગાડી પુરુષના નામે, ખેતર પુરુષના નામે. મહિલાઓના નામે કંઇ જ ન હોય. અમે આ રિવાજ બદલી નાખ્યો છે અને આપણી માતાઓ, બહેનો અને દીકરીઓ માલિકનો હક આપ્યો છે.
મિત્રો,
ભાજપ સરકારે દેશની કરોડો મહિલાઓને ઘરની માલિક બનાવી દીધી છે. અને શું તમે જાણો છો કે હાલના સમયમાં પીએમ આવાસનું દરેક ઘર લાખ રૂપિયાથી પણ વધુ કિંમતનું હોય છે. મતલબ ભાજપે દેશમાં કરોડો દીદીઓને લખપતિ દીદી બનાવી દીધી છે. હું આ તમામ લખપતિ દીદીઓને વંદન કરું છું, કૃપા કરીને અમને આશીર્વાદ આપો કે દેશમાં હજું પણ કોટી-કોટી દીદીઓ લખપતિ બને તેના માટે અમે એકધારા કામ કરતા રહીએ. આજે જ અહીં ચાર લાખ લોકોએ તેમના પાકાં મકાનોમાં ગૃહ પ્રવેશ કર્યો છે. આમાં પણ મોટી સંખ્યામાં લખપતિ દીદીઓ બની ગઇ છે. હું દરેકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
મિત્રો,
પીએમ સૌભાગ્ય યોજના હેઠળ જે 2.5 કરોડ પરિવારોને વીજળી મળી છે તેમાંથી મોટાભાગના ઘર ગામડામાં આવેલા છે. ગામડામાં રહેનારાઓ મારા ભાઇ-બહેનો છે. અમારી સરકારે ગામડાના લોકો માટે હર ઘર જલ યોજના પણ શરૂ કરી છે. આ યોજનાને કારણે માત્ર ત્રણ-ચાર વર્ષમાં જ દેશના 9 કરોડથી વધુ ગ્રામીણ પરિવારોને ઘરે ઘરે નળનું પાણી મળવા લાગ્યું છે. અહીં મધ્યપ્રદેશમાં પણ ગામડાઓમાં રહેતા માત્ર 13 લાખ પરિવારોને નળનું પાણી મળતું હતું. હું પહેલાંના સમયની વાત કરું છું. આજે, મધ્યપ્રદેશમાં ગામડાઓમાં લગભગ 60 લાખ ઘરોમાં નળનું પાણી પહોંચવાનું શરૂ થઇ ગયું છે. અને તમારો આ જિલ્લો તો 100 ટકા કવરેજ વાળો બની ગયો છે.
મિત્રો,
આપણા ગામડાના લોકોને પહેલા દેશની બેંકો પર કોઇ અધિકાર નથી એવું માનવામાં આવતું હતું, તેમને અવગણવામાં આવતા હતા. ગામના મોટા ભાગના લોકો પાસે ન તો બેંક ખાતા હતા અને ન તો તેમને બેંકોમાંથી સુવિધા મળતી હતી. બેંક ખાતું ન હોવાને કારણે સરકાર ગરીબો માટે જે પૈસા મોકલતી હતી તે પણ અધવચ્ચે લૂંટાઇ જતા હતા. અમારી સરકારે આ સ્થિતિ પણ સંપૂર્ણપણે બદલી નાખી છે. અમે જન ધન યોજના ચલાવીને ગામના 40 કરોડથી વધુ લોકોના બેંક ખાતા ખોલાવ્યા. અમે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા પોસ્ટ ઓફિસનો ઉપયોગ કરીને ગામડાઓ સુધી બેંકોની પહોંચ વધારી છે. અમે લાખો બેંક મિત્ર બનાવ્યા, બેંક સખીઓને તાલીમ આપી. આજે તેની અસર દેશના દરેક ગામમાં જોવા મળી રહી છે. દેશના ગામડાઓને બેંકોની તાકાત મળી છે, ત્યારે ગામડાના લોકોને ખેતીથી લઇને વ્યવસાય સુધી દરેક બાબતમાં મદદ કરવામાં આવી રહી છે.
મિત્રો,
અગાઉની સરકારોએ ભારતના ગામડાઓ સાથે વધુ એક મોટો અન્યાય કર્યો હતો. અગાઉની સરકારો ગામડા પાછળ પૈસા ખર્ચવાનું ટાળતી હતી. ગામ પોતે મતબેંક નહોતું તેથી તેમની અવગણના કરવામાં આવી હતી. ઘણા રાજકીય પક્ષો ગામના લોકોમાં ભાગડા પાડીને પોતાની રાજકીય દુકાનો ચલાવતા હતા. ભારતીય જનતા પાર્ટીએ ગામડાઓ સાથે થઇ રહેલા આ અન્યાયનો પણ અંત લાવી દીધો છે. અમારી સરકારે ગામડાઓના વિકાસ માટે તિજોરી પણ ખોલી દીધી છે. તમે જુઓ, હર ઘર જલ યોજના પર સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થઇ રહ્યો છે. પીએમ આવાસ યોજના પર પણ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. દાયકાઓથી અધૂરી પડેલી સિંચાઇ યોજનાઓને પૂરી કરવા માટે એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પીએમ ગ્રામીણ સડક યોજના પાછળ પણ હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ પણ સરકારે લગભગ અઢી લાખ કરોડ રૂપિયા સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. અહીં મધ્યપ્રદેશના લગભગ 90 લાખ ખેડૂતોને પણ આ યોજના હેઠળ 18.5 હજાર કરોડ રૂપિયા મળ્યા છે. રીવાના ખેડૂતોને પણ આ ભંડોળમાંથી લગભગ 500 કરોડ રૂપિયા મળ્યા છે. અમારી સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તેના કારણે પણ હજારો કરોડ રૂપિયા ગામડાઓમાં પહોંચી ગયા છે. કોરોનાના આ સમયમાં છેલ્લા ત્રણ વર્ષથી અમારી સરકાર ગામડાઓમાં રહેતા ગરીબોને મફત રાશનનું વિતરણ કરી રહી છે. ગરીબોના કલ્યાણ માટે આ યોજના પાછળ 3 લાખ કરોડ રૂપિયા કરતાં વધારે ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
મિત્રો,
જ્યારે ગામડામાં વિકાસના આટલાં બધાં કામો થાય છે, જ્યારે આટલી મોટી રકમ ખર્ચ કરવામાં આવે છે ત્યારે ગામમાં રોજગારીની તકો પણ ઉભી થાય છે. ગામડાઓમાં રોજગાર- સ્વ-રોજગાર ઝડપી બને તે માટે કેન્દ્ર સરકાર ગામડાના લોકોને ગામમાં જ કામ આપવા માટે મુદ્રા યોજના પણ ચલાવી રહી છે. મુદ્રા યોજના હેઠળ લોકોને પાછલા વર્ષોમાં 24 લાખ કરોડ રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવી છે. જેના કારણે ગામડાઓમાં પણ કરોડો લોકોએ પોતાના રોજગાર શરૂ કર્યા છે. આપણી બહેનો, દીકરીઓ અને માતાઓ પણ મુદ્રા યોજનાના સૌથી મોટા લાભાર્થી છે. અમારી સરકારની યોજનાઓ કેવી રીતે ગામડાઓમાં મહિલાઓને સશક્ત કરી રહી છે, મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરી રહી છે, તેની ચર્ચા આજે દરેક જગ્યાએ થઇ રહી છે. છેલ્લા 9 વર્ષમાં 9 કરોડ મહિલાઓ સ્વ-સહાય સમૂહોમાં સામેલ થઇ ચુકી છે. અહીં મધ્યપ્રદેશમાં પણ 50 લાખથી વધુ મહિલાઓ સ્વ-સહાય સમૂહો સાથે જોડાયેલી છે. અમારી સરકારમાં દરેક સ્વ-સહાય સમૂહને બેંક ગેરંટી વિના 20 લાખ રૂપિયા સુધીની લોન પૂરી પાડવામાં આવે છે. મહિલાઓ હવે ઘણા નાના ઉદ્યોગોની કમાન સંભાળી રહી છે. અહીં રાજ્ય સરકારે દરેક જિલ્લામાં દીદી કાફે પણ બનાવ્યા છે. છેલ્લી પંચાયતની ચૂંટણીઓમાં સ્વ-સહાય સમૂહો સાથે સંકળાયેલી લગભગ 17,000 બહેનો પંચાયત પ્રતિનિધિ તરીકે ચૂંટાઇ આવી છે. આ પોતાનામાં ખૂબ જ ગર્વની વાત છે. આ માટે હું ફરી એકવાર મધ્યપ્રદેશની મહિલા શક્તિને અભિનંદન આપું છું.
મિત્રો,
આજે અહીં આઝાદીના અમૃત મહોત્સવમાં સર્વસમાવેશી વિકાસનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. આનાથી વિકસિત ભારતના નિર્માણ માટે સબકા પ્રયાસની ભાવના વધુ મજબૂત થવાની છે. દરેક પંચાયત, દરેક સંસ્થાના પ્રતિનિધિ, દેશના દરેક નાગરિકે વિકસિત ભારત માટે એકજૂથ થવું જ પડશે. આ ત્યારે જ શક્ય બની શકે છે જ્યારે દરેક પાયાની સુવિધા કોઇપણ ભેદભાવ વિના 100% લાભાર્થીઓ સુધી ઝડપથી પહોંચાડવામાં આવશે. આમાં આપ સૌ પંચાયત પ્રતિનિધિઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ભાઇઓ અને બહેનો,
પંચાયતો દ્વારા ખેતીને લગતી નવી વ્યવસ્થાઓ અંગે જાગૃતિ અભિયાન ચલાવવાની પણ જરૂર છે. આજે દેશમાં કુદરતી ખેતીને લઇને ખૂબ જ વ્યાપક સ્તરે કામ ચાલી રહ્યું છે. અહીં પણ રાસાયણિક ખેતીના ગેરફાયદા વિશે ચર્ચા કરવામાં આવી છે. અમે જોયું કે કેવી રીતે આપણી દીકરીઓએ આપણને સૌને ધરતી માતાની વેદના વિશે જણાવ્યું. નાટકનો ઉપયોગ કરીને ધરતી માતાની પીડા આપણા સુધી પહોંચાડવામાં આવી છે. આપણી આ દીકરીઓએ રાસાયણિક ખેતીને કારણે ધરતી માતાને જે નુકસાન થઇ રહ્યું છે તે ખૂબ જ સરળ રીતે બધાને સમજાવ્યું છે. ધરતીનો આ પોકાર આપણે સૌએ સમજવો પડશે. આપણને આપણી માતાને મારવાનો કોઇ જ અધિકાર નથી. આ ધરતી આપણી માતા છે. આપણને આ માતાને મારવાનો કોઇ અધિકાર નથી. હું ભારપૂર્વક કહું છુ કે આપણી પંચાયતોએ પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિ અભિયાન ચલાવવું જોઇએ. નાના ખેડૂતો હોય, પશુપાલકો હોય, માછીમાર ભાઇઓ અને બહેનો હોય, તેમને મદદ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં પંચાયતોની ઘણી મોટી ભાગીદારી છે. જ્યારે તમે વિકાસને લગતી દરેક પ્રવૃત્તિમાં સામેલ થશો, ત્યારે રાષ્ટ્રના સામૂહિક પ્રયાસોને મજબૂતી મળશે. આ અમૃતકલમાં વિકસિત ભારતના નિર્માણ માટે ઉર્જા બનશે.
મિત્રો,
આજે, પંચાયતી રાજ દિવસ નિમિત્તે, મધ્યપ્રદેશના વિકાસને નવી ગતિ આપતી ઘણી વધુ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે. છિંદવાડા-નૈનપુર-મંડલા ફોર્ટ રેલ્વે લાઇનનું વિદ્યુતીકરણ આ ક્ષેત્રના લોકોને દિલ્હી-ચેન્નઇ અને હાવડા-મુંબઇ સાથેની કનેક્ટિવિટી વધુ સરળ બનાવશે. તે આપણા આદિવાસી ભાઇ-બહેનોને પણ ઘણો ફાયદો થશે. આજે છિંદવાડા-નૈનપુર માટે નવી ટ્રેનો પણ શરૂ થઇ છે. આ નવી ટ્રેનોના દોડવાથી ઘણા શહેરો અને ગામડાઓ તેમના જિલ્લા મુખ્યાલય છિંદવાડા, સિઓની સાથે સીધા જોડાઇ જશે. આ ટ્રેનોની મદદથી નાગપુર અને જબલપુર જવાનું પણ વધારે સરળ થઇ જશે. આજથી શરૂ થયેલી નવી રીવા-ઇટવારી-છિંદવાડા ટ્રેન પણ સિવની અને છિંદવાડાને નાગપુર સાથે સીધી જોડશે. આ આખો વિસ્તાર તેના વન્યજીવન માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીંની વધતી જતી કનેક્ટિવિટીથી પ્રવાસનમાં પણ વધારો થશે અને રોજગારીની નવી તકો ઊભી થશે. ખેડૂતો, વિદ્યાર્થીઓ, રેલવેના રોજિંદા મુસાફરો, નાના વેપારીઓ અને દુકાનદારોને આનાથી ઘણો ફાયદો થશે. એટલે કે ડબલ એન્જીન સરકારે આજે તમારી ખુશી બમણી કરી દીધી છે.
મિત્રો,
આજે હું વધુ એક વાત માટે તમારો આભાર માનું છું. હમણાં જ, શિવરાજજીએ ખૂબ જ વિગતવાર વર્ણન કર્યું છે કે આ રવિવારે મન કી બાતના 100 એપિસોડ પૂરા થઇ રહ્યા છે. આપ સૌના આશીર્વાદ, આપ સૌએ આપેલા સ્નેહ અને આપ સૌએ આપેલા યોગદાનને કારણે જ મન કી બાત આજે આ મુકામ પર પહોંચી છે. મેં મારી મન કી બાતમાં મધ્યપ્રદેશના ઘણા લોકોની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કર્યો છે. મને અહીંના લોકો તરફથી લાખો પત્રો અને સંદેશાઓ મળી રહ્યા છે. આ વખતે રવિવારે, મન કી બાતમાં, હું પણ તમને ફરીથી મળવાની ખૂબ રાહ જોઇ રહ્યો છું. કારણ કે આ તો સદી છે ને! અને આપણે ત્યાં સદીનું મહત્વ થોડું વધારે હોય છે. તમે દર વખતની જેમ રવિવારે પણ ચોક્કસ મારી સાથે જોડાશો. આ વિનંતી સાથે હું મારી વાતને પૂરી કરું છું. ફરી એકવાર, હું આપ સૌને પંચાયતી રાજ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ખુબ ખુબ આભાર!
ભારત માતાની જય,
ભારત માતાની જય,
ભારત માતાની જય,