નોમોસ્કાર!
મહાનુભાવો,
બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ
અબ્દુલ હામિદજી,
પ્રધાનમંત્રી
શેખ હસીનાજી,
કૃષિ મંત્રી
ડૉક્ટર મોહંમદ અબ્દુર રજ્જાકજી,
અન્ય પ્રતિષ્ઠિત અતિથિગણ,
સોનાર બાંગ્લાદેશેરપ્રિયો બોંધુરા,
આપ સૌનો આ સ્નેહ મારા જીવનની અણમોલ ઘડીઓમાંની એક છે. મને ખુશી છે કે બાંગ્લાદેશની વિકાસયાત્રાના આ મહત્વના પડાવે આપે મને પણ સામેલ કર્યો. આજે બાંગ્લાદેશનો રાષ્ટ્રીય દિવસ છે તો શાઘી-નૌતાની 50મી વર્ષગાંઠ પણ છે. આ વર્ષે જ ભારત-બાંગ્લાદેશ મૈત્રીના 50 વર્ષો પૂર્ણ થઈ રહ્યા છે. જાતિરપીતા બૉન્ગોબૌન્ધુ શેખ મુજિબૂર રોહમાનની જન્મ શતાબ્દીનું આ વર્ષ બેઉ દેશોના સંબંધોને વધારે મજબૂત કરી રહ્યું છે.
મહાનુભાવો,
રાષ્ટ્રપતિ અબ્દુલ હામિદજી, પ્રધાનમંત્રી શેખ હસીનાજી અને બાંગ્લાદેશના નાગરિકોનો હું આભાર પ્રકટ કરું છું. આપે આપની આ ગૌરવશાળી ઘડીમાં, આ ઉત્સવમાં ભાગીદાર બનવા માટે ભારતને સપ્રેમ નિમંત્રણ આપ્યું. હું તમામ ભારતીયો તરફથી આપ સૌનો, બાંગ્લાદેશના તમામ નાગરિકોને હાર્દિક અભિનંદન આપું છું. હું બૉન્ગોબૌંધુ શેખ મુજિબૂર રોહમાનજીને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પુ છું, જેમણે બાંગ્લાદેશ અને અહીંના લોકો માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. અમે ભારતવાસીઓ માટે ગૌરવની વાત છે કે અમને શેખ મુજિબૂર રૉહમાનજીને ગાંધી શાંતિ સન્માન અર્પણ કરવાની તક સાંપડી છે. હું અત્રે આ કાર્યક્રમમાં અત્યારે ભવ્ય પ્રસ્તુતિ કરનારા તમામ કલાકારોની પણ પ્રશંસા કરું છું.
બોંધુગોણ, હું આજે યાદ કરી રહ્યો છું બાંગ્લાદેશના એ લાખો દીકરા-દીકરીઓને જેમણે પોતાના દેશ, પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિ માટે અગણિત અત્યાચાર સહન કર્યા, પોતાનું લોહી વહાવ્યું, પોતાની જિંદગી દાવ પર લગાવી દીધી. હું આજે યાદ કરી રહ્યો છું મુક્તિયુદ્ધોના શૂરવીરોને. હું આજે યાદ કરી રહ્યો છું શહીદ ધીરેન્દ્રોનાથ દત્તોને, શિક્ષણશાસ્ત્રી રૉફિકુદ્દીન અહમદને, ભાષા-શહીદ સલામ, રોફિક, બરકત, જબ્બાર અને શફિઉરજીને.
હું આજે ભારતીય સેનાના એ વીર જવાનોને પણ નમન કરું છું જે મુક્તિયુદ્ધોમાં બાંગ્લાદેશના ભાઇ-બહેનો સાથે ઊભા રહ્યા હતા. જેમણે મુક્તિયુદ્ધોમાં પોતાનું લોહી રેડ્યું, પોતાનું બલિદાન આપ્યું, અને આઝાદ બાંગ્લાદેશના સપનાને સાકાર કરવા માટે બહુ મોટી ભૂમિકા નિભાવી. ફિલ્ડ માર્શલ સૈમ, માણેક્શા, જનરલ અરોરા, જનરલ જૈકબ, લાન્સ નાયક અલ્બર્ટ એક્કા, ગ્રૂપ કૅપ્ટન ચંદન સિંહ, કૅપ્ટન મોહન નારાયણ રાવ સામંત જેવા અગણિત કેટલાય વીર છે જેમના નેતૃત્વ અને સાહસની કથાઓ આપણને પ્રેરિત કરે છે. બાંગ્લાદેશ સરકાર દ્વારા આ વીરોની સ્મૃતિમાં આશુગોંઝમાં યુદ્ધ સ્મારક સમર્પિત કરવામાં આવ્યું છે.
હું આ માટે આપનો આભાર વ્યક્ત કરું છું. મને ખુશી છે કે મુક્તિયુદ્ધોમાં સામેલ ઘણાં ભારતીય સૈનિકો આજે ખાસ કરીને આ કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત પણ છે. બાંગ્લાદેશના મારાભાઇઓ અને બહેનો, અહીંની નવયુવા પેઢીને હું વધુ એક વાત યાદ કરાવવા માગીશ અને બહુ ગર્વ સાથે યાદ અપાવવા માગું છું. બાંગ્લાદેશની આઝાદી માટે સંઘર્ષમાં એ સંઘર્ષમાં સામેલ થવું, મારા જીવનના પણ પહેલા આંદોલનોમાંનું એક હતું. મારી ઉંમર 20-22 વર્ષની હશે જ્યારે હું અને મારા ઘણા સાથીઓએ બાંગ્લાદેશના લોકોની આઝાદી માટે સત્યાગ્રહ કર્યો હતો.
બાંગ્લાદેશની આઝાદીના સમર્થનમાં તે સમયે મેં ધરપકડ વ્હોરી લીધી હતી અને જેલ જવાનો અવસર પણ આવ્યો હતો. એટલે બાંગ્લાદેશની આઝાદી માટે જેટલી તડપ ત્યાં હતી, એટલી જ તડપ અહીં પણ હતી. અહીં પાકિસ્તાનની સેનાએ જે જઘન્ય અપરાધ અને અત્યાચાર કર્યા હતા એ તસવીરો વિચલિત કરી નાખતી હતી, ઘણાં દિવસો સુધી સૂવા દેતી ન હતી.
ગોવિંદો હાલદરજીએ કહ્યું હતું-
“ એક શાગોર રોક્તેર બિનિમોયે,
બાંગ્લાર શાધીનતા આન્લે જારા,
આમરા તોમાદેર ભૂલબો ના,
આમરા તોમાદેર ભૂલબો ના’.
એટલે કે જેમણે પોતાના રક્તના સાગરથી બાંગ્લાદેશને આઝાદી અપાવી, આપણે એમને ભૂલશું નહીં. આપણે એમને ભૂલીશું નહીં. બોન્ધુગોણ, એક નિરંકુશ સરકાર પોતાના જ નાગરિકોનો જનસંહાર કરી રહી હતી. એમની ભાષા, એમના અવાજ, એમની ઓળખને કચડી રહી હતી. ઓપરેશન સર્ચ લાઇટની એ ક્ર્રૂરતા, દમન અને અત્યાચાર વિશે વિશ્વમાં એટલી ચર્ચા નથી થઈ જેટલી એની ચર્ચા થવી જોઇતી હતી. બોન્ધુગોણ, આ બધાની વચ્ચે અહીંના લોકો માટે અને અમે ભારતીયો માટે આશાનું કિરણ હતા-‘ બૉન્ગોબૌંધુ શેખ મુજિબૂર રૉહમાન’.
બૉન્ગોબૌંધુની હિમ્મતે, એમના નેતૃત્વએ એ નક્કી કરી દીધું હતું કે કોઇ પણ તાકાતા બાંગ્લાદેશને ગુલામ રાખી શકે નહીં.
બૉન્ગોબૌન્ધુએ એલાન કર્યું હતું કે-
એબારેર શોંગ્રામ આમાદેર મુક્તિર શોંગ્રામ,
એબારેર શોંગ્રામ શાધિનોતાર શોંગ્રામ.
આ વખતે સંગ્રામ મુક્તિ માટે છે, આ વખતે સંગ્રામ આઝાદી માટે છે. એમના નેતૃવમાં અહીંના સામાન્ય પુરૂષ હોય કે મહિલા, ખેડૂત, નવયુવાન, શિક્ષક, કામદાર, સૌ એક સાથે આવીને મુક્તિવાહિની બની ગયા.
અને એટલે આજે આજનો આ અવસર, મિજિબ બોર્ષે, બૉન્ગોબૌંધુના સ્વપ્ન, એમના આદર્શો અને એમના સાહસને યાદ કરવાનો દિવસ પણ છે. આ સમય ‘ચિરો વિદ્રોહી’ને, મુક્તિયોદ્ધાઓની ભાવનાઓને ફરીથી યાદ કરવાનો સમય છે. બોંધુગોણ, બાંગ્લાદેશના સ્વાધીનતા સંગ્રામને ભારતના ખૂણે ખૂણેથી દરેક પક્ષમાંથી, સમાજના દરેક વર્ગનું સમર્થન પ્રાપ્ત હતું.
તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇંદિરા ગાંધીજીના પ્રયાસ અને એમની મહત્વપૂર્ણ ભૂમિકા સર્વવિદિત છે. એ સમયગાળામાં, 6 ડિસેમ્બર 1971ના રોજ અટલ બિહારી વાજપેયીજીએ કહ્યું હતું-‘ આપણે ન માત્ર મુક્તિ સંગ્રામમાં પોતાના જીવનની આહૂતિ આપનારાની સાથે લડી રહ્યા છીએ, પણ આપણે ઇતિહાસને એક નવી દિશા આપવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છીએ. આજે બાંગ્લાદેશમાં પોતાની આઝાદી માટે લડનારા અને ભારતીય જવાનોનું લોહી સાથે સાથે વહી રહ્યું છે.
આ લોહી એવા સંબંધોનું નિર્માણ કરશે જે કોઇ પણ દબાણ હેઠળ તૂટશે નહીં, જે કોઇ કૂટનીતિનો શિકાર નહીં બનશે.’ અમારા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પ્રણવદાએ કહ્યું હતું, બૉન્ગોબૌન્ધુને એમના એક અથાક રાજદ્વારી કહ્યા હતા.તેમણે કહ્યું હતું કે શેખ મુજિબૂર રૉહમાનનું જીવન ધૈર્ય, પ્રતિબદ્ધતા અને આત્મ-સંયમનું પ્રતીક છે.
બોન્ધુગોણ, આ એક સુખદ સંયોગ છે કે બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ અને ભારતની આઝાદીના 75 વર્ષોનો પડાવ એક સાથે જ આવ્યો છે. આપણે બેઉ દેશો માટે, 21મી સદીમાં આગામી 25 વર્ષોની યાત્રા બહુ મહત્વપૂર્ણ છે. આપણી વિરાસત પણ સંયુક્ત છે, આપણો વિકાસ પણ સંયુક્ત છે.
આપણા લક્ષ્ય પણ સંયુક્ત છે, આપણા પડકારો પણ સંયુક્ત છે. આપણે યાદ રાખવાનું છે કે વેપાર અને ઉદ્યોગમાં જ્યાં આપણા માટે એક જેવી સંભાવનાઓ છે, તો આતંકવાદ જેવા સમાન ખતરા પણ છે. જે વિચાર અને શક્તિઓ આ પ્રકારની અમાનવીય ઘટનાઓને પરિણામ આપે છે, એ હજીય સક્રિય છે.
આપણે એનાથી સાવધાન પણ રહેવાનું છે અને એનો મુકાબલો કરવા માટે સંગઠિત પણ રહેવું પડશે. આપણા બેઉ દેશોની પાસે લોકશાહીની તાકાત છે અને આગળ વધવા માટે સ્પષ્ટ દ્રષ્ટિ છે. ભારત અને બાંગ્લાદેશ એક સાથે મળીને આગળ વધે, એ આ સમગ્ર વિસ્તારના વિકાસ માટે એટલું જ જરૂરી છે.
અને એટલા માટે, આજે ભારત અને બાંગ્લાદેશ બેઉ દેશોની સરકારો આ સંવેદનશીલતાને સમજીને, આ દિશામાં સાર્થક પ્રયાસો કરી રહી છે. અમે બતાવ્યું છે કે પરસ્પર વિશ્વાસ અને સહયોગથી દરેક સમાધાન થઈ શકે છે. આપણી જમીન સરહદ સમજૂતી પણ આ વાતની સાક્ષી છે. કોરોનાના આ કાળખંડમાં પણ બેઉ દેશોની વચ્ચે ખૂબ સરસ તાલમેલ રહ્યો છે.
અમે સાર્ક કોવિડ ફંડની સ્થાપનામાં સહયોગ આપ્યો, અમે માનવ સંસાધનની તાલીમમાં સહયોગ આપ્યો. ભારતને એ વાતની ખુશી છે કે મેડ ઇન ઇન્ડિયા વૅક્સિન બાંગ્લાદેશના આપણા ભાઇઓ અને બહેનોને કામ આવી રહી છે. મને યાદ છે એ તસવીરો જ્યારે આ વર્ષે 26મી જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાક દિને બાંગ્લાદેશના સશસ્ત્ર દળોના ત્રણેય સેવાના કોન્ટિજન્ટે શોનો એક્ટિ મુજીબોરેર થેકેની ધૂન પર પરેડ કરી હતી.
ભારત અને બાંગ્લાદેશનું ભવિષ્ય, સદભાવ ભર્યા, પરસ્પર વિશ્વાસ ભર્યા આવી જ અગણિત પળોની રાહ જોઇ રહ્યું છે. સાથીઓ, ભારત-બાંગ્લાદેશના સંબંધો મજબૂત કરવા માટે બેઉ દેશોના યુવાઓમાં વધારે સારું જોડાણ પણ એટલું જ આવશ્યક છે. ભારત-બાંગ્લાદેશના સંબંધોના 50 વર્ષોના અવસરે હું બાંગ્લાદેશના 50 ઉદ્યોગ સાહસિકોને ભારત આમંત્રિત કરવા ઇચ્છું છું.
તેઓ ભારત આવે, અમારા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ઈકો સિસ્ટમ સાથે જોડાય, વેન્ચર કેપિટાલિસ્ટ્સ સાથે મુલાકાત કરે. અમે પણ એમનામાંથી શીખીશું, એમને પણ શીખવાની તક મળશે. હું એની સાથે સાથે, બાંગ્લાદેશના યુવાઓ માટે શુબર્નોજયંતિ સ્કૉલરશિપની જાહેરાત પણ કરી રહ્યો છું.
સાથીઓ, બૉન્ગોબૌંધુ શેખ મુજિબૂર રૉહમાનજીએ કહ્યું હતું-
‘બાંગ્લાદેશ ઇતિહાશે, શાધિન રાષ્ટ્રો, હિશેબે ટીકે થાકબે બાંગ્લાકે દાબિયે રાખ્તે પારે, એમૌન કોનો શોક્તિ નૈ’ બાંગ્લાદેશ સ્વાધીન થઈને રહેશે.
કોઇમાં એટલી તાકાત નથી કે બાંગ્લાદેશને દબાવીને રાખી શકે. બૉન્ગોબૌંધુનો એ ઉદઘોષ બાંગ્લાદેશના અસ્તિત્વનો વિરોધ કરનારાને ચેતવણી પણ હતી અને બાંગ્લાદેશના સામર્થ્ય પર વિશ્વાસ પણ હતો. મને ખુશી છે કે શેખ હસીનાજીના નેતૃત્વમાં બાંગ્લાદેશ દુનિયામાં શક્તિ અને દ્રઢતા બતાવી રહ્યું છે. જે લોકોને બાંગ્લાદેશના નિર્માણ પર વાંધો હતો, જે લોકોને બાંગ્લાદેશના અસ્તિત્વ પર આશંકા હતી, એમને બાંગ્લાદેશે ખોટા સાબિત કર્યા છે.
સાથીઓ,
આપણી સાથે કાજી નૉજરૂલ ઇસ્લામ અને ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની સમાન વિરાસતની પ્રેરણા છે.
ગુરુદેવે કહ્યું હતું-
કાલ નાડ,
આમાદેર હાતે;
કારાકારી કોરે તાઇ,
શબે મિલે;
દેરી કારો નાહી,
શહે, કોભૂ
એટલે, આપણી પાસે ગુમાવવા માટે સમય નથી, આપણે પરિવર્તન માટે આગળ વધવું જ પડશે, હવે આપણે વધારે વિલંબ ન કરી શકીએ. આ વાત ભારત અને બાંગ્લાદેશ, બેઉ પર સરખી રીતે લાગુ પડે છે.
આપણા કરોડો લોકો માટે, એમના ભવિષ્ય માટે, ગરીબી સામે આપણા યુદ્ધ માટે, આતંકની સામે લડાઈ માટે, આપણા લક્ષ્ય એક છે, એટલે આપણા પ્રયાસ પણ આવી જ રીતે એકજૂથ હોવા જોઇએ. મને વિશ્વાસ છે કે ભારત-બાંગ્લાદેશ ભેગા મળીને ઝડપી ગતિથી પ્રગતિ કરશે.
હું ફરી એક વાર આ પાવન અવસરે બાંગ્લાદેશના તમામ નાગરિકોને અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું અને હૃદયથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.
ભારોત બાંગ્લાદેશ મોઇત્રી ચિરોજીબિ હોખ.
આ શુભકામનાઓ સાથે હું મારી વાત અહીં સમાપ્ત કરું છું.
જોય બાંગ્લા!
જોય હિંદ!