દ્રારકાધીશ કી જય!
દ્રારકાધીશ કી જય!
દ્રારકાધીશ કી જય!
મંચ પર ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, સંસદમાં મારા સાથીદાર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સી. આર. પાટીલ, અન્ય તમામ મહાનુભાવો અને ગુજરાતના મારાં ભાઈઓ અને બહેનો,
સૌ પ્રથમ, હું માતા સ્વરૂપા મારી આહીર બહેનો જેમણે મારું સ્વાગત કર્યું તેમને હું શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરું છું અને આદરપૂર્વક આભાર વ્યક્ત કરું છું. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. દ્વારકામાં 37000 આહીર બહેનો એકસાથે ગરબા કરતી હતી, તો લોકો મને ખૂબ ગર્વથી કહેતા હતા કે સાહેબ, આ દ્વારકામાં 37000 આહીર બહેનો! મેં કહ્યું ભાઈ તમને ગરબા તો દેખાયા, પણ ત્યાંની બીજી એક વિશેષતા એ હતી કે જ્યારે ત્યાં 37,000 આહીર બહેનો ગરબા કરતી હતી ને ત્યારે તેમનાં શરીર પર ઓછામાં ઓછું 25,000 કિલો સોનું હતું. આ સંખ્યા તો હું ઓછામાં ઓછી કહું છું. જ્યારે લોકોને ખબર પડી કે શરીર પર 25000 કિલો સોનું અને ગરબા તો લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. આવી માતૃ સ્વરૂપા આપ સૌએ મારું સ્વાગત કર્યું, તમારા આશીર્વાદ મળ્યા, હું શીશ ઝુકાવી સૌ આહિર બહેનોનો આભાર વ્યક્ત કરું છું.
હું ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા ધામને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. દેવભૂમિ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાધીશના રૂપમાં બિરાજે છે. અહીં જે કંઈ પણ થાય છે તે દ્વારકાધીશની ઈચ્છા પ્રમાણે જ થાય છે. આજે સવારે મને મંદિરમાં દર્શન કરવાનો અને પૂજા કરવાનો લહાવો મળ્યો. દ્વારકા વિશે એવું કહેવાય છે કે તે ચાર ધામ અને સપ્તપુરી બંનેનો એક ભાગ છે. અહીં આદિ શંકરાચાર્યજીએ શારદા પીઠની સ્થાપના કરી હતી, જે ચાર પીઠોમાંથી એક છે. અહીં નાગેશ્વર જ્યોતિર્લિંગ છે, રુકમણી દેવી મંદિર છે, આવાં અનેક આસ્થાનાં કેન્દ્રો છે. અને વીતેલા દિવસોમાં દેશ-કાજ કરતા કરતા દેવ-કાજ ખાતર દેશનાં અનેક તીર્થસ્થળોની યાત્રા કરવાનો લહાવો મળ્યો છે. આજે હું દ્વારકા ધામમાં પણ એ જ દિવ્યતાનો અનુભવ કરી રહ્યો છું. આજે સવારે જ મને આવો જ વધુ એક અનુભવ થયો, મેં એ ક્ષણો વિતાવી જે આખી જિંદગી મારી સાથે રહેવાની છે. મેં ઊંડા સમુદ્રની અંદર જઈને પ્રાચીન દ્વારકાજીના દર્શન કર્યા. દરિયામાં સમાઈ ગયેલી એ દ્વારકા વિશે પુરાતત્વ નિષ્ણાતોએ ઘણું લખ્યું છે. આપણા શાસ્ત્રોમાં પણ દ્રારકા વિશે કહેવામાં આવ્યું છે-
ભવિષ્યતિ પુરી રમ્યા સુદ્વારા પ્રાર્ગ્ય-તોરણા ।
ચયાટ્ટાલક કેયુરા પૃથિવ્યામ્ કકુદોપમા ॥
એટલે કે સુંદર દ્વાર અને ઊંચાં ભવનો સાથેનું આ પુરી પૃથ્વી પર શિખર જેવું હશે. એવું કહેવાય છે કે ભગવાન વિશ્વકર્માએ સ્વયં આ દ્વારકા નગરીનું નિર્માણ કર્યું હતું. ભારતનું શ્રેષ્ઠ નગર દ્વારકા નગરી તેનાં આયોજન અને તેના વિકાસનું એક ઉત્તમ ઉદાહરણ હતું. આજે જ્યારે હું ઊંડા સમુદ્રની અંદર દ્વારકાજીના દર્શન કરી રહ્યો હતો ત્યારે હું મનોમન પુરાતન એવી જ ભવ્યતા, એ જ દિવ્યતાનો અનુભવ કરી રહ્યો હતો. ત્યાં મેં ભગવાન કૃષ્ણને, દ્વારકાધીશને પ્રણામ કર્યા, તેમને નમન કર્યા. હું મારી સાથે મોર પંખ પણ લઈને ગયો હતો, જે મેં ભગવાન કૃષ્ણનું સ્મરણ કરતાં ત્યાં અર્પણ કર્યાં હતાં. મારા માટે, ઘણા વર્ષોથી, જ્યારે મેં પુરાતત્વવિદો પાસેથી એ જાણ્યું હતું, એટલે બહુ મોટી જિજ્ઞાસા હતી. મન થતું હતું, કે કોઈક દિવસ હું સમુદ્રમાં અંદર જઈશ અને એ દ્વારકા નગરીના જે પણ અવશેષો છે તેને સ્પર્શ કરી શ્રદ્ધાભાવથી નમન કરીશ. મારી અનેક વર્ષોની એ ઈચ્છા આજે પૂરી થઈ. હું, મારું મન ખૂબ જ ગદ્ગદ્ છે, હું ખૂબ જ ભાવ-વિભોર છું. તમે કલ્પના કરી શકો છો કે જ્યારે મેં દાયકાઓથી પોષેલું સ્વપ્ન આજે એ પવિત્ર ભૂમિને સ્પર્શીને પૂરું થયું હોય ત્યારે મને કેટલો અભૂત આનંદ થયો હશે.
સાથીઓ,
21મી સદીમાં ભારતના વૈભવની તસવીર પણ મારી આંખમાં ફરી રહી હતી અને હું લાંબા સમય સુધી અંદર રહ્યો. અને આજે હું અહીં મોડો આવ્યો તેનું કારણ એ હતું કે હું સમુદ્રની અંદર ઘણી વાર રહ્યો. હું સમુદ્ર દ્વારકાના એ દર્શનથી વિકસિત ભારતના સંકલ્પને વધારે મજબૂત કરીને આવ્યો છું.
સાથીઓ,
આજે મને સુદર્શન સેતુનું લોકાર્પણ કરવાનું સૌભાગ્ય પણ મળ્યું છે. છ વર્ષ પહેલા મને આ સેતુનો શિલાન્યાસ કરવાનો મોકો મળ્યો હતો. આ સેતુ ઓખાને બેટ દ્વારકા દ્વીપ સાથે જોડશે. આ સેતુ દ્વારકાધીશના દર્શનને પણ સરળ બનાવશે અને અહીંની દિવ્યતાને પણ ચાર ચાંદ લગાવી દેશે. જેનું સપનું જોયું, જેની આધારશિલા મૂકી, તેને પૂરો કર્યો - આ જ ઈશ્વરરૂપી જનતા જનાર્દનના સેવક મોદીની ગૅરંટી છે. સુદર્શન સેતુ એ માત્ર એક સુવિધા જ નથી. વાસ્તવમાં, તે એન્જિનિયરિંગની પણ કમાલ છે અને હું તો ઈચ્છું છું કે સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ આવીને આ સુદર્શન સેતુનો અભ્યાસ કરે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ છે. આ આધુનિક અને વિરાટ સેતુ માટે હું તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
આજે જ્યારે આટલું મોટું કામ થઈ રહ્યું છે ત્યારે એક જૂની વાત યાદ આવે છે. રશિયામાં આસ્ટ્રાખાન નામનું એક રાજ્ય છે, તેનો ગુજરાત અને આસ્ત્રાખાન સાથે સિસ્ટર સ્ટેટનો સંબંધ છે. જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે તેમણે મને રશિયાના આસ્ત્રાખાન રાજ્યમાં આમંત્રણ આપ્યું અને હું ગયો હતો. અને જ્યારે હું ત્યાં ગયો ત્યારે મારા માટે આશ્ચર્યજનક વાત એ હતી કે ત્યાંનું જે સૌથી સારું બજાર હોય છે, સૌથી મોટો મોલ હતો, તેનું નામ ઓખાનાં નામ પર જ રહેતું હતું. બધાનાં નામ પર ઓખા, મેં કહ્યું ઓખા નામ કેમ રાખ્યું? તો સદીઓ પહેલા, આપણે ત્યાંથી લોકો ત્યાં વેપાર માટે જતા હતા, અને અહીંથી જે કંઈ મોકલવામાં આવતું હતું તે ત્યાં ઉત્તમથી ઉત્તમ ચીજ માનવામાં આવતી હતી. તેથી જ આજે સદીઓ પછી પણ જો ઓખાનાં નામે દુકાન હોય કે ઓખાનાં નામે મોલ હોય તો ત્યાંના લોકોને લાગે છે કે અહીં ખૂબ જ સારી ગુણવત્તાની વસ્તુઓ મળે છે. સદીઓ પહેલા મારા ઓખાની જે ઈજ્જત હતી તે હવે આ સુદર્શન સેતુ બન્યા બાદ ફરી એકવાર વિશ્વના નકશા પર ચમકવા જઈ રહી છે અને ઓખાનું નામ વધુ વધવાનું છે.
સાથીઓ,
આજે જ્યારે હું સુદર્શન સેતુને જોઈ રહ્યો છું ત્યારે કેટલીય જૂની વાતો પણ યાદ આવી રહી છે. અગાઉ દ્વારકા અને બેટ દ્વારકાના લોકોએ શ્રદ્ધાળુઓએ ફેરી બોટ પર આધાર રાખવો પડતો હતો. પહેલા દરિયાઈ માર્ગે અને પછી સડક માર્ગે લાંબા અંતરની મુસાફરી કરવી પડતી હતી. યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તો ઘણી વાર દરિયાનાં ઊંચાં મોજાંનાં કારણે ક્યારેક ક્યારેક બોટ સેવા બંધ પણ થઈ જતી હતી. આનાથી શ્રદ્ધાળુઓને ભારે પરેશાની થતી હતી. જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે જ્યારે પણ અહીંના સાથીદારો મારી પાસે આવતા ત્યારે તેઓ ચોક્કસપણે બ્રિજ વિશે વાત કરતા. અને અમારા શિવ-શિવ, અમારા બાબુબાનો એજન્ડા હતો કે આ કામ મારે કરવાનું છે. આજે હું જોઉં છું કે બાબુબા સૌથી વધારે ખુશ છે.
સાથીઓ,
મેં વારંવાર આ બાબત કૉંગ્રેસની તત્કાલીન કેન્દ્ર સરકાર સમક્ષ મૂકી હતી, પરંતુ તેઓએ ક્યારેય તેના પર ધ્યાન આપ્યું ન હતું. આ સુદર્શન સેતુનું નિર્માણ આ પણ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા મારાં જ નસીબમાં લખાયેલું હતું. મને ખુશી છે કે હું પરમાત્માના આદેશનું પાલન કરીને આ જવાબદારી નિભાવી શક્યો છું. આ પુલનાં નિર્માણથી હવે દેશભરમાંથી અહીં આવતા શ્રદ્ધાળુઓને ઘણી સુવિધા મળશે. આ પુલની બીજી એક ખાસ વાત છે. તેમાં જે શાનદાર લાઇટિંગ થયું છે, એ માટે વીજળી બ્રિજ પર લગાવવામાં આવેલી સોલર પેનલ્સમાંથી મેળવવામાં આવશે. સુદર્શન સેતુમાં 12 પ્રવાસી ગેલેરીઓ બનાવવામાં આવી છે. આજે મેં પણ આ ગેલેરીઓ જોઈ છે. તે અદ્ભૂત છે, ખૂબ જ સુંદર બની છે. સુદર્શિની છે, તેના દ્વારા લોકો અનંત વાદળી સમુદ્રને નિહાળી શકશે.
સાથીઓ,
આજે આ પવિત્ર અવસર પર હું દેવભૂમિ દ્વારકાના લોકોની પ્રશંસા પણ કરીશ. અહીંના લોકો દ્વારા જે સ્વચ્છતા મિશનની શરૂઆત કરવામાં આવી અને લોકો મને સોશ્યિલ મીડિયા દ્વારા વીડિયો મોકલતા હતા કે દ્વારકામાં સ્વચ્છતાનું કેટલું જબરદસ્ત કામ ચાલી રહ્યું છે, શું તમે લોકો ખુશ છો ને? અહીં સફાઈ થઈ તો આપ સૌને આનંદ થયો ને, એકદમ બધું ક્લિન લાગી રહ્યું છે ને? પણ હવે તમારા લોકોની જવાબદારી શું છે? ફરી મારે સફાઈ કરવા આવવું પડશે? તમે લોકો તેને સ્વચ્છ રાખશો કે નહીં? જરા હાથ ઊંચો કરીને બોલો, હવે અમે દ્વારકાને ગંદી નહીં થવા દઈએ, મંજૂર, મંજૂર. જુઓ, વિદેશથી લોકો અહીં આવશે. ઘણા શ્રદ્ધાળુ આવશે. જ્યારે તેઓ સ્વચ્છતા જુએ છે ને, તો તેમનું અડધું દિલ તો આપ જીતી જ લો છો.
સાથીઓ,
જ્યારે મેં દેશવાસીઓને નવા ભારતનાં નિર્માણની ગૅરંટી આપી હતી, ત્યારે વિપક્ષના આ લોકો, જેઓ મને રોજેરોજ ગાળો આપવાના શોખીન છે, તેઓ તેની પણ મજાક ઉડાવતા હતા. આજે જુઓ, લોકો નવા ભારતનું નિર્માણ થતું પોતાની આંખે જોઈ રહ્યા છે. જેમણે દેશ પર લાંબો સમય શાસન કર્યું, એમની પાસે ઈચ્છાશક્તિ ન હતી, સામાન્ય લોકોને સુવિધાઓ આપવાની નિયત અને નિષ્ઠામાં ખોટ હતી. કૉંગ્રેસની આખી તાકાત માત્ર એક પરિવારને જ આગળ વધારવામાં લાગેલી રહી, જો એક પરિવારે જ બધું કરવાનું હતું તો દેશ બનાવવાનું યાદ કેમ કરીને આવતે? તેમની સમગ્ર શક્તિ એ જ વાત પર લાગતી હતી કે 5 વર્ષ સુધી સરકાર કેવી રીતે ચલાવવી અને કૌભાંડોને કેવી રીતે દબાવી શકાય. તેથી જ 2014 પહેલાનાં 10 વર્ષમાં તેઓ ભારતને માત્ર 11મા ક્રમનું અર્થતંત્ર જ બનાવી શક્યા. જ્યારે અર્થવ્યવસ્થા આટલી નાની હતી ત્યારે આટલા વિરાટ દેશનાં આટલાં વિરાટ સપના પૂરાં કરવાનું સામર્થ્ય પણ એટલું ન હતું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે થોડું ઘણું બજેટ રહેતું હતું, તે તેઓ કૌભાંડ કરીને લૂંટી લેતા હતા. જ્યારે દેશમાં ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિસ્તારવાનો સમય આવ્યો ત્યારે કૉંગ્રેસે 2G કૌભાંડ કરી દીધું. જ્યારે દેશમાં રમતગમતનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાનો અવસર આવ્યો ત્યારે કૉંગ્રેસે કોમનવેલ્થમાં કૌભાંડ કરી દીધું. જ્યારે દેશમાં સંરક્ષણ માળખાને મજબૂત કરવાનો વારો આવ્યો ત્યારે કૉંગ્રેસે હૅલિકોપ્ટર અને સબમરીન કૌભાંડ આચર્યું. દેશની દરેક જરૂરિયાત સાથે કૉંગ્રેસ માત્ર વિશ્વાસઘાત જ કરી શકે છે.
સાથીઓ,
2014માં જ્યારે તમે બધાએ મને આશીર્વાદ આપ્યા અને મને દિલ્હી મોકલ્યો ત્યારે મેં તમને વચન આપ્યું હતું કે હું દેશને લૂંટવા નહીં દઉં. કૉંગ્રેસના સમયમાં જે હજારો કરોડનાં કૌભાંડો થતા રહેતાં હતાં તે બધું હવે બંધ થઈ ગયાં છે. છેલ્લાં 10 વર્ષમાં આપણે દેશને વિશ્વની 5મી આર્થિક શક્તિ બનાવી દીધો છે અને તેનાં પરિણામે તમે આખા દેશમાં આવા નવ્ય, ભવ્ય અને દિવ્ય નિર્માણ કાર્ય જોઈ રહ્યા છો. એક તરફ આપણા દિવ્ય યાત્રાધામો આધુનિક સ્વરૂપમાં ઉભરી રહ્યા છે. અને બીજી તરફ મેગા પ્રોજેક્ટ્સ દ્વારા નવા ભારતની નવી તસવીર બની રહી છે. આજે તમે ગુજરાતમાં આ દેશનો સૌથી લાંબો કેબલ આધારિત સેતુ જોઈ રહ્યા છો. થોડા દિવસ પહેલા જ મુંબઈમાં દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ પૂર્ણ થયો હતો. જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ પર બનેલો ભવ્ય પુલ આજે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે. તમિલનાડુમાં ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ બ્રિજ, ન્યુ પમ્બન બ્રિજ પર પણ કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આસામમાં ભારતનો સૌથી લાંબો નદી સેતુ પણ છેલ્લાં 10 વર્ષમાં જ બનાવવામાં આવ્યો છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારે બાજુ આવા મોટાં નિર્માણ થઈ રહ્યાં છે. આ આધુનિક જોડાણ એ સમૃદ્ધ અને સશક્ત રાષ્ટ્રનાં નિર્માણનો માર્ગ છે.
સાથીઓ,
જ્યારે કનેક્ટિવિટી વધે છે, જ્યારે કનેક્ટિવિટી વધુ સારી બને છે ત્યારે તેની સીધી અસર દેશનાં પર્યટન પર પડે જ છે. ગુજરાતમાં વધતી જતી કનેક્ટિવિટી રાજ્યને એક મોટું પ્રવાસન હબ બનાવી રહી છે. આજે ગુજરાતમાં 22 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. હજારો વર્ષ જૂનાં બંદર શહેર લોથલની વિશ્વભરમાં ચર્ચા થાય છે. આજે અમદાવાદ શહેર, રાની કી વાવ, ચાંપાનેર અને ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ બની ગયા છે. શિવરાજપુરી દ્વારકામાં બ્લુ ફ્લેગ બીચ છે. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ છે. એશિયાનો સૌથી લાંબો રોપ-વે આપણા ગિરનાર પર્વત પર છે. ગીર જંગલ, એશિયાટીક સિંહ, આ આપણાં ગિરનાં જંગલોમાં જોવા મળે છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સરદાર સાહેબની સ્ટેચ્યુ ઑફ યુનિટી ગુજરાતના એકતા નગરમાં આવેલી છે. આજે રણોત્સવમાં વિશ્વભરના પ્રવાસીઓનો મેળો ભરાય છે. કચ્છનાં ધોરડો ગામની ગણતરી વિશ્વનાં શ્રેષ્ઠ પ્રવાસી ગામોમાં થાય છે. નડાબેટ દેશભક્તિ અને પ્રવાસનનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. વિકાસ અને વિરાસતના મંત્રને અનુસરીને ગુજરાતમાં પણ આસ્થાનાં સ્થળોની શોભા વધારવામાં આવી રહી છે. દ્વારકા, સોમનાથ, પાવાગઢ, મોઢેરા, અંબાજી જેવા તમામ મહત્વના યાત્રાધામોમાં સુવિધાઓ વિકસાવવામાં આવી છે. અંબાજીમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે એક જ જગ્યાએ 52 શક્તિપીઠોના દર્શન થાય. આજે ભારત આવતા વિદેશી પ્રવાસીઓની પસંદગી ગુજરાત બની રહ્યું છે. વર્ષ 2022માં ભારતની મુલાકાતે આવેલા 85 લાખથી વધુ પ્રવાસીઓમાંથી દર પાંચમો પ્રવાસી ગુજરાતમાં આવ્યો છે. ગયા વર્ષે ઑગસ્ટ સુધીમાં લગભગ 15.5 લાખ પ્રવાસીઓ ગુજરાત આવી ચૂક્યા હતા. કેન્દ્ર સરકારે વિદેશી પ્રવાસીઓને જે ઈ-વિઝાની સુવિધા આપી છે, તેનો પણ લાભ ગુજરાતને મળ્યો છે. પ્રવાસીઓની સંખ્યામાં થઈ રહેલો આ વધારો ગુજરાતમાં રોજગાર અને સ્વરોજગારની નવી તકો પણ ઉભી કરી રહ્યો છે.
સાથીઓ,
હું જ્યારે પણ સૌરાષ્ટ્ર આવું છું ત્યારે અહીંથી એક નવી ઊર્જા લઈને જાઉં છું. સૌરાષ્ટ્રની આ ધરતી સંકલ્પથી સિદ્ધિની બહુ મોટી પ્રેરણા છે. આજે સૌરાષ્ટ્રનો વિકાસ જોઈને કોઈને ખ્યાલ પણ નહીં આવે કે અહીં પહેલા જીવન કેટલું મુશ્કેલ રહેતું હતું. આપણે તો એવા દિવસો પણ જોયા છે જ્યારે સૌરાષ્ટ્રનો દરેક પરિવાર અને દરેક ખેડૂત પાણીનાં દરેક ટીપાં માટે તરસતો હતો. લોકો અહીંથી પલાયન કરીને દૂર દૂર ચાલીને જતા હતા. જ્યારે હું કહેતો હતો કે જે નદીઓમાં આખું વર્ષ પાણી હોય છે તેમાંથી પાણી ઉપાડીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં લાવવામાં આવશે ત્યારે આ કૉંગ્રેસી લોકો મારી મજાક ઉડાવતા હતા. પરંતુ આજે સૌની, આ એક એવી યોજના છે જેણે સૌરાષ્ટ્રનું ભાગ્ય બદલી નાખ્યું છે. આ યોજના હેઠળ 1300 કિલોમીટરથી વધુની પાઈપલાઈન બિછાવવામાં આવી છે અને પાઈપલાઈન પણ નાની નથી, મારુતિ કાર પાઈપની અંદર જઈ શકે છે. જેનાં કારણે સૌરાષ્ટ્રનાં સેંકડો ગામોમાં સિંચાઈ અને પીવાનું પાણી પહોંચી શક્યું છે. હવે સૌરાષ્ટ્રના ખેડૂતો સંપન્ન થઈ રહ્યા છે, અહીંના પશુપાલકો સંપન્ન થઈ રહ્યા છે, અહીંના માછીમારો સંપન્ન થઈ રહ્યા છે. મને વિશ્વાસ છે કે આવનારાં વર્ષોમાં સમગ્ર સૌરાષ્ટ્ર, સમગ્ર ગુજરાત, સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચશે. દ્વારકાધીશના આશીર્વાદ આપણી સાથે છે. સૌ સાથે મળીને સૌરાષ્ટ્રને, ગુજરાતને વિકસિત બનાવીશું, ગુજરાત વિકસિત થશે, ભારત વિકસિત બનશે.
ફરી એકવાર, આ ભવ્ય સેતુ માટે હું તમને બધાને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું! હું તમને અભિનંદન આપું છું! અને હવે હું દ્વારકાના લોકોને વિનંતી કરું છું કે, હવે તમે નક્કી કરો કે વિશ્વભરમાંથી વધુને વધુ પ્રવાસીઓ કેવી રીતે આવે. આવ્યા પછી તેમને અહીં રહેવાનું મન થાય. હું તમારી આ ભાવનાનો આદર કરું છું. મારી સાથે બોલો,
દ્વારકાધીશની જય!
દ્વારકાધીશની જય!
દ્વારકાધીશની જય!
ભારત માતા કી જય!
ભારત માતા કી જય!
ભારત માતા કી જય!
ખૂબ ખૂબ આભાર!