નમસ્તે ભાઈઓ,
આજે ગુજરાતના સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત સુવિધાઓ માટે એક બહુ મોટો દિવસ છે. હું ભૂપેન્દ્રભાઈને, મંત્રીમંડળના તમામ સાથીદારોને, મંચ પર બિરાજમાન તમામ સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેશનના તમામ મહાનુભાવોને આ મહત્વપૂર્ણ કાર્યને આગળ વધારવા માટે અને ઝડપથી આગળ વધારવા માટે ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું અને તેમનો આભાર માનું છું. દુનિયાની સૌથી વધુ અદ્યતન મેડિકલ ટેકનોલોજી, શ્રેષ્ઠ, અતિ શ્રેષ્ઠ સુવિધાઓ અને મેડિકલ માળખાગત સુવિધાઓ હવે આપણા અમદાવાદ અને ગુજરાતમાં વધારે ઉપલબ્ધ થશે. આ તમામ સુવિધાઓ સમાજના સામાન્ય નાગરિકોને ઉપયોગી પુરવાર થશે. જે લોકો સારવાર મેળવવા માટે ખાનગી હોસ્પિટલોમાં જઈ શકતાં નથી એ પ્રકારની દરેક વ્યક્તિ માટે આ સરકારી હોસ્પિટલ, સરકારી ટીમ 24 કલાક સેવા માટે તત્પર રહેશે, ભાઈઓ અને બહેનો. ત્રણ-સાડાં ત્રણ વર્ષ અગાઉ મને અહીં આ જ સંકુલમાં આવીને 1200 બેડની સુવિધાઓની સાથે મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ (માતૃત્વ અને બાળકના સ્વાસ્થ્ય) અને સુપર-સ્પેશિયાલ્ટી સર્વિસીસ (અતિ વિશેષ સેવાઓ)ની શરૂઆત કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. આજે આટલાં ઓછાં સમયમાં જ આ મેડિસિટી કેમ્પસ પણ આટલાં ભવ્ય સ્વરૂપમાં આપણી સામે તૈયાર થઈ ગયું છે. સાથે સાથે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એટલે કે કિડનીના રોગોની સારવાર કરતી સંસ્થા અને યુ એન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીની ક્ષમતા અને સેવાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની નવી બિલ્ડિંગની સાથે અપગ્રેડ કરેલી બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સુવિધાઓ પણ શરૂ થઈ રહી છે. આ દેશની પહેલી સરકારી હોસ્પિટલ હશે, જ્યાં સાયબર-નાઇફ જેવી આધુનિક ટેકનિક ઉપલબ્ધ થશે. જ્યારે વિકાસની ગતિ ગુજરાત જેવી ઝડપી હોય છે, ત્યારે કામ અને ઉપલબ્ધિઓ એટલી વધારે હોય છે કે તેમને ઘણી વાર ગણવામાં પણ મુશ્કેલી પડે છે. હંમેશાની જેમ એવું ઘણું બધું છે, જે દેશમાં પહેલી વાર ગુજરાતમાં થઈ રહ્યું છે, ગુજરાત કરી રહ્યું છે. હું તમને બધાને અને તમામ ગુજરાતવાસીઓને આટલી ઉપલબ્ધિઓ માટે અભિનંદન આપું છું. ખાસ કરીને હું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની સરકારની બહુ પ્રશંસા કરું છં, જેમણે આટલી મહેનત સાથે આ યોજનાને સફળતાપૂર્વક પાર પાડી છે.
સાથીદારો,
આજે સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત આ કાર્યક્રમમાં હું ગુજરાતની એક બહુ મોટી સફર વિશે વાત કરવા ઇચ્છું છું. આ સફર છે, વિવિધ પ્રકારની બિમારીઓમાંથી સ્વસ્થ થવાની. હવે તમે વિચારતાં હશો કે હોસ્પિટલમાં કાર્યક્રમ છે. મોદી વિવિધ પ્રકારની બિમારીઓ વિશે આ શું કહી રહ્યાં છે. હું જણાવું છું કે, હું ડૉક્ટર નથી, છતાં મારે કઈ-કઈ બિમારીઓની સારવાર કરવી પડી હતી. 20-25 વર્ષ અગાઉ ગુજરાતની વ્યવસ્થાઓને વિવિધ પ્રકારની બિમારીઓએ જકડી રાખી હતી. એક બિમારી હતી – સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પછાતપણું. બીજી બિમારી હતી – શિક્ષણમાં કુવ્યવસ્થા. ત્રીજી બિમારી હતી – વીજળીના પુરવઠાનો અભાવ. ચોથી બિમારી હતી – પાણીની ખેંચ. પાંચમી બિમારી હતી – દરેક દિશામાં કુશાસનનો પ્રભાવ. છઠ્ઠી બિમારી હતી – કાયદા અને વ્યવસ્થાની નબળી સ્થિતિ. અને આ તમામ બિમારીઓના મૂળમાં સૌથી મોટી બિમારી હતી – મતબેંકનું રાજકારણ, વોટ બેંકનું પોલિટિક્સ. વોટ બેંકની રાજનીતિ, મતબેંકનું રાજકારણ. અહીં જે મોટા વડીલો હાજર છે, ગુજરાતની જૂની પેઢીના લોકો છે, તેમને આ તમામ બિમારીઓ સારી રીતે યાદ છે. આ જ હાલત હતી – 20-25 વર્ષ અગાઉના ગુજરાતની! સારું શિક્ષણ મેળવવા માટે યુવાનોને બહાર જવું પડતું હતું. સારી સારવાર મેળવવા લોકોને ફરવું પડતું હતું. લોકોને વીજળીની રાહ જોવી પડતી હતી. ભ્રષ્ટાચાર અને કાયદા વ્યવસ્થાની કથળેલી હાલતનો તો દરરોજ સામનો કરવો પડતો હતો. અને એટલે જે રીતે નાગરિકોને મુક્ત કરવા સારવારની જરૂર હોય છે, તેમ રાજ્યને પણ અનેક પ્રકારની બિમારીઓમાંથી મુક્ત કરવાનો આ મુક્તયજ્ઞ અમે ચલાવી રહ્યાં છીએ. અને અમે મુક્ત કરવાનો દરેક પ્રયાસ કરતાં રહ્યાં છીએ. આજે હાઇટેક હોસ્પિટલમાં ગુજરાતનું નામ સૌથી ઉપર છે. જ્યારે હું મુખ્યમંત્રી હતો, ત્યારે હું સિવિલ હોસ્પિટલ ઘણી વાર આવતો હતો, અને હું જોતો હતો કે, મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારો, રાજસ્થાનના કેટલાંક વિસ્તારમાંથી બહુ મોટી સંખ્યામાં સારવાર મેળવવા માટે દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવવાનું પસંદ કરતાં હતાં.
સાથીદારો,
જો શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ, એક-એકથી ચડિયાતી, શ્રેષ્ઠ યુનિવર્સિટીની વાત કરીએ, તો અત્યારે ગુજરાતનો મુકાબલો કોઈ ન કરી શકે. ગુજરાતમાં પાણીનિ સ્થિતિ, વીજળીની સ્થિતિ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હવે સુધરી ગઈ છે. અત્યારે સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસ ધરાવતી સરકાર ગુજરાતની સતત સેવા માટે કામ કરી રહી છે.
સાથીદારો,
અત્યારે અમદાવાદમાં આ હાઇટેક મેડિસિટી અને આરોગ્ય ક્ષેત્ર જોડાયેલી અન્ય સેવાઓ ગુજરાતની ઓળખને એક નવી ઊંચાઈ પર લઈ જઈ રહી છે. આ એક સેવાસંસ્થા હોવાની સાથે ગુજરાતના લોકોની ક્ષમતાનું પ્રતીક પણ છે. મેડિસિટીમાં ગુજરાતના લોકોને સારું સ્વાસ્થ્ય મળશે અને આ ગર્વ પણ થશે કે વિશ્વની ટોચની મેડિકલ સુવિધાઓ, તબીબી સુવિધાઓ હવે અમારા પોતાના રાજ્યમાં સતત વધી રહી છે. મેડિકલ ટૂરિઝમના ક્ષેત્રમાં ગુજરાત જે અપાર શક્તિ ધરાવે છે, તેમાં પણ હવે વધારો થશે.
સાથીદારો,
આપણે બધા અવારનવાર સાંભળીએ છીએ કે, સ્વસ્થ શરીર માટે સ્વસ્થ મન જરૂરી હોય છે. આ વાત સરકારો પર પણ લાગુ પડે છે. જો સરકારોનું મન ચોખ્ખું ન હોય, નિયત સાફ ન હોય, તેમના મનમાં જનતા જનાર્દન માટે સંવેદનશીલતા ન હોય, તો રાજ્યનું સ્વાસ્થ્ય માળખું પણ નબળું પડી જાય છે. ગુજરાતના લોકોએ 20-22 વર્ષ અગાઉ આ પીડા બહુ વેઠી છે અને પીડામાંથી મુક્તિ માટે આપણાં ડૉક્ટર સાથીદારો, સામાન્ય રીતે તમે કોઈ પણ ડૉક્ટરને મળવા જશો, તો મોટા ભાગે ડૉક્ટર ત્રણ સલાહ જરૂરી આપશે. ત્રણ અલગ-અલગ વિકલ્પ આપશે. સૌ પ્રથમ કહે છે કે, ભાઈ, દવાથી સારું થઈ જશે. પછી તેમને લાગે છે કે, આ દવાથી સારવાર આપવાનો તબક્કો તો પસાર થઈ ગયો છે. તો પછી તેમણે લાચારી સાથે કહેવું પડે છે કે, ભાઈ, સર્જરી વિના કોઈ વિકલ્પ નથી. દવા હોય કે સર્જરી હોય – પણ તમારી સાથે એ તમારાં કુટુંબના સભ્યોને પણ સમજાવે છે. તેઓ કહે છે કે, હું તો મારું કામ કરી લઈશ, પણ સારસંભાળ રાખવાની જવાબદારી તમારી છે. તમે દર્દીની સારી રીતે સારસંભાળ રાખજો. કુટુંબના સભ્યોને પણ તેઓ સલાહ આપે છે.
સાથીદારો,
હું આ જ વાતને અલગ રીતેથી વિચારું તો ગુજરાતની ચિકિત્સા વ્યવસ્થાને સુધારવા માટે અમારી સરકારે સારવારની આ ત્રણ રીતોનો ઉપયોગ કર્યો છે. જે ડૉક્ટર દર્દી માટે કહે છે, એનો જ ઉપયોગ હું રાજ્ય વ્યવસ્થા કરતો હતો. જે સલાહ ડૉક્ટર આપે છે. સર્જરી એટલે જૂની સરકારી વ્યવસ્થામાં હિંમતની સાથે સંપૂર્ણ ક્ષમતા સાથે પરિવર્તન. નિષ્ક્રિયતા, લાલિયાવાડી કે ઢીલું કામકાજ અને ભ્રષ્ટાચાર પર કાતર – આ મારી સર્જરી છે. બીજું, દવાઓ – એટલે કે નવી વ્યવસ્થા ઊભી કરવા માટે સતત નવા પ્રયાસ, નવી વ્યવસ્થાઓ ઊભી કરવી, માનવ સંસાધન વિકસિત કરવું, માળખાગત સુવિધાઓ ઊભી કરવી, સંશોધન કરવું, નવીનતા લાવવી, નવી હોસ્પિટલો બનાવવી, આ પ્રકારના અનેક કામ. અને ત્રીજી વાત, સારસંભાળ.
આ ગુજરાતના હેલ્થ સેક્ટર કે આરોગ્ય ક્ષેત્રને સુધારવાના સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. અમે સારસંભાળ એટલે કે સંવેદનશીલતા સાથે કામ કર્યું છે. અમે લોકો વચ્ચે ગયા, તેમની તકલીફો વહેંચી. એટલું જ નહીં હું આજે બહુ નમ્રતાપૂર્વક કહેવા ઇચ્છું છું કે ગુજરાત આ દેશમાં પ્રથમ રાજ્ય છે, જે ફક્ત મનુષ્ય જ નહીં, પણ પશુઓ માટે પણ હેલ્થ કેમ્પનું આયોજન કરે છે. વળી જ્યારે હું દુનિયાને કહું છું કે, મારાં દેશમાં પશુઓની ડેન્ટલ સારવાર એટલે કે દાંતની સારવાર થાય છે, પશુઓનાં આંખોની સારવાર થાય છે, ત્યારે બહારના લોકોને બહુ નવાઈ લાગે છે.
ભાઈઓ-બહેનો,
અમે જે પ્રયાસો કર્યા તે લોકોને એકબીજા સાથે જોડીને, જનભાગીદારી સાથે કર્યા છે. અને જ્યારે કોરોનાનું સંકટ આવ્યું હતું, ત્યારે જી-20 સમિટમાં હું બોલી રહ્યો હતો. એ શિખર સંમેલનમાં મેં બહુ આગ્રહપૂર્વક કહ્યું હતું કે, દુનિયાની આટલી ભયાનક સ્થિતિને જોઈને મેં કહ્યું હતું – જ્યારે આપણે એક પૃથ્વી, એક આરોગ્ય – આ મિશન સાથે કામ નહીં કરીએ, ત્યાં સુધી જે લોકો ગરીબ છે, જે લોકો પીડિત છે, તેમની કોઈ મદદ નહીં કરે અને દુનિયામાં આપણે જોયું છે. કેટલાંક દેશ એવા છે કે, જ્યાં ચાર-ચાર, પાંચ-પાંચ રસીના ડોઝ કોરોનામાં આપવામાં આવ્યાં છે, તો બીજી તરફ કેટલાંક એવા દેશ છે, જ્યાં ગરીબને એક પણ રસીનો ડોઝ મળ્યો નથી. આ સમયે મને દુઃખ થતું હતું મિત્રો. એ સમયે ભારતની એ તાકાત લઈને અમે બહાર આવ્યાં હતાં, અમે દુનિયામાં રસી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, જેથી દુનિયામાં કોઈ રસીના અભાવે મૃત્યુ ન પામે. ભાઈઓ, આપણે બધાએ જોયું છે કે, જ્યારે વ્યવસ્થા સારી થઈ જાય છે, ત્યારે ગુજરાતનું સ્વાસ્થ્ય ક્ષેત્ર પણ સારું થઈ જશે. લોકો દેશમાં ગુજરાતનું ઉદાહરણ આપશે.
સાથીદારો,
જ્યારે પ્રયાસ સંપૂર્ણ મનથી, સર્વાંગી અભિગમ સાથે કરવામાં આવે છે, ત્યારે તેના પરિણામો પણ એટલી જ બહુપરિમાણીય, સર્વાંગી મળે છે. આ જ ગુજરાતની સફળતાનો મંત્ર છે. અત્યારે ગુજરાતમાં હોસ્પિટલો પણ છે, ડૉક્ટર્સ પણ છે અને યુવાનો માટે ડૉક્ટર બનવાનું સ્વપ્ન સાકાર કરવાની તક પણ છે. 20-22 વર્ષ અગાઉ આટલાં મોટા આપણાં રાજ્યમાં ફક્ત 9 મેડિકલ કૉલેજ હતી. ફક્ત 9 મેડિકલ કૉલેજ! જ્યારે મેડિકલ કૉલેજ ઓછી હતી, ત્યારે સસ્તી અને સારી સારવારની શક્યતા પણ ઓછી હતી. પણ અત્યારે રાજ્યમાં 36 મેડિકલ કૉલેજ પોતાની સેવાઓ આપી રહી છે. 20 વર્ષ અગાઉ ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં આશરે 15 હજાર બેડ હતાં. અત્યારે અહીંની સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યા 60 હજાર થઈ ગઈ છે. અગાઉ ગુજરાતમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલની કુલ બેઠકો 2200 હતી.
અત્યારે ગુજરાતમાં આઠ હજાર પાંચસો બેઠકો, મેડિકલ સીટ્સ આપણા યુવાનો-યુવતીઓ માટે ઉપલબ્ધ છે. તેમાં અભ્યાસ કરીને બહાર આવતા ડૉક્ટર્સ ગુજરાતના ખૂણેખૂણામાં સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડી રહ્યાં છે. અત્યારે હજારો પેટા કેન્દ્રો, કોમન હેલ્થ સેન્ટર્સ (સીએચસી), પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પીએચસી) અને વેલનેસ સેન્ટર્સનું એક મોટું નેટવર્ક પણ ગુજરાતમાં તૈયાર થઈ ગયું છે.
અને સાથીદારો,
હું તમને જણાવવા ઇચ્છું છું કે, ગુજરાતે જે શીખવ્યું છે, તે દિલ્હી ગયા પછી મને બહુ કામ લાગ્યું છે. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આ જ વિઝનને લઈને અમે કેન્દ્રમાં પણ કામગીરી શરૂ કરી છે. આ 8 વર્ષ દરમિયાન અમે દેશના લગભગ અલગ-અલગ ભાગોમાં 22 નવી એઈમ્સ આપી છે. એનો લાભ પણ ગુજરાતને થયો છે. રાજકોટમાં ગુજરાતની પોતાની પ્રથમ એઈમ્સ મળી છે. ગુજરાતમાં જે રીતે હેલ્થ ક્ષેત્રમાં કામ થઈ રહ્યું છે તેને જોતાં એ દિવસ દૂર નથી, જ્યારે ગુજરાત મેડિકલ રિસર્ચ એટલે કે તબીબી સંશોધન, ફાર્મા રિસર્ચ (ફાર્મા ક્ષેત્રમાં સંશોધન અને બાયો-ટેક રિસર્ચ (બાયો-ટેક સંશોધન)માં આખી દુનિયામાં પોતાનો ડંકો વગાડશે. ડબલ એન્જિનની સરકારે બહુ મોટા પાયે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
સાથીદારો,
જ્યારે સંસાધનો સાથે સંવેદનાઓ જોડાયેલી હોય છે, ત્યારે સંસાધન સેવાનું ઉતમ માધ્યમ બની જાય છે. પણ જ્યાં સંવેદના હોતી નથી, ત્યાં સંસાધનો સ્વાર્થ અને ભ્રષ્ટાચારની ભેટ ચઢી જાય છે. એટલે મેં શરૂઆતમાં જ સંવેદનોનો પણ ઉલ્લેખ કર્યો અને કુશાસન ધરાવતી જૂની વ્યવસ્થાની યાદ પણ અપાવી. હવે વ્યવસ્થા બદલાઈ ગઈ છે. આ જ સંવેદનશીલ અને પારદર્શક વ્યવસ્થાનું પરિણામ છે કે, અમદાવાદમાં મેડિસિટી બન્યું છે, કેન્સર ઇન્સ્ટિટ્યૂટનું આધુનિકીકરણ થયું છે. અને સાથે સાથે ગુજરાતના દરેક જિલ્લામાં ડે કેર કીમોથેરેપીની સુવિધા પણ શરૂ થાય છે, જેથી ગામેગામ દર્દીઓને કીમોથેરેપી લેવા દોડવું ન પડે. તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં હોવ, તમારા ઘરની નજીક, તમારા જ જિલ્માં કીમોથેરેપી જેવી મહત્વપૂર્ણ સારવાર ઉપલબ્ધ થઈ જશે. આ જ રીતે ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા ડાયાલીસિસ જેવી જટિલ સ્વાસ્થ્ય સેવા પણ તાલુકા સ્તરે આપવામાં આવે છે. ગુજરાતે ડાયાલીસિસ વેનની સુવિધા પણ શરૂ કરી છે, જેથી દર્દીઓને જો જરૂર પડે, તો તેમના ઘરે જઈને તેની સેવા આપી શકાય. આજે અહીં 8 માળના રેનબસેરાનું લોકાર્પણ પણ થયું છે. અને જ્યાં સુધી ડાયાલીસિસનો સવાલ છે, ત્યાં સુધી સંપૂર્ણ હિંદુસ્તાનમાં સમગ્ર વ્યવસ્થા નબળી હતી. ડાયાલીસિસની જરૂરિયાત ધરાવતા દર્દીને એક નિશ્ચિત સમયમર્યાદામાં ડાયાલીસિસની સેવા મળે એ જરૂરી છે. પછી મેં દુનિયાના મોટાં-મોટાં હેલ્થ સેક્ટરમાં કામ કરતાં લોકો સાથે વાત કરી. મેં કહ્યું કે, મારે મારાં હિંદુસ્તાનમાં દરેક જિલ્લામાં ડાયાલીસિસ સેન્ટર બનાવવા છે. જેમ ગુજરાતમાં દરેક તાલુકા સુધી કામ થઈ રહ્યું છે, તેમ મેં દેશના જિલ્લાઓ સુધી ડાયાલીસિસની વ્યવસ્થા પહોંચાડવાનું બીડું ઝડપ્યું અને બહુ મોટા પાયે એના પર કામગીરી ચાલી રહી છે.
સાથીદારો,
દર્દીના કુટુંબીજનોને જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તેમને વધારે તકલીફોનો સામનો ન કરવો પડે – આ ચિંતા ગુજરાત સરકારે કરી છે. આ જ દેશની અત્યારે કામ કરવાની રીત છે. આ જ અત્યારે દેશની પ્રાથમિકતાઓ છે.
સાથીદારો,
જ્યારે સરકાર સંવેદનશીલ હોય છે, ત્યારે તેનો સૌથી મોટો લાભ સમાજના નબળાં વર્ગના લોકોને થાય છે, ગરીબોને થાય છે, મધ્યમ વર્ગના પરિવારને થાય છે, માતાઓ-બહેનોને મળે છે. સૌપ્રથમ આપણે જોયું હતું કે, ગુજરાતમાં માતૃ મૃત્યુદર, બાળ મૃત્યુદર બહુ મોટો ચિંતાનો વિષય હતો, પણ સરકારોએ આ સમસ્યાઓને નસીબને આધારે છોડી દીધી હતી. અમે નક્કી કર્યું કે, આ આપણી માતાઓ-બહેનોના જીવનનો પ્રશ્ર છે. એટલે એને નસીબને આધારે ન છોડી શકાય. છેલ્લાં 20 વર્ષમાં આપણે આ માટે સતત નીતિઓ બનાવી, તેને લાગુ કરી. અત્યારે ગુજરાતમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં મોટો ઘટાડો થયો છે. માતાનું જીવન પણ બચે છે અને નવજાત બાળક પણ દુનિયામાં સુરક્ષિત રહે છે તથા પોતાના વિકાસની યાત્રા પર પા પા પગલી માંડે છે. ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાનને કારણે પહેલીવાર દિકરાઓની સરખામણીમાં દિકરીઓની સંખ્યા વધી છે મિત્રો. આ સફળતાઓ પાછળ ગુજરાત સરકારની ‘ચિરંજીવી’ અને ‘ખિલખિલાહટ’ જેવી યોજનાઓનો પરિશ્રમ જવાબદાર છે. ગુજરાતની આ સફળતા, આ પ્રયાસ અત્યારે સંપૂર્ણ દેશને ‘મિશન ઇન્દ્રધનુષ’ અને ‘માતૃવંદના’ જેવી યોજનાઓ મારફતે માર્ગદર્શન આપે છે.
સાથીદારો,
અત્યારે દેશમાં દરેક ગરીબની મફત સારવાર માટે આયુષ્માન ભારત જેવી યોજનાઓ ઉપલબ્ધ છે. ગુજરાતમાં ‘આયુષ્માન ભારત’ અને ‘મુખ્યમંત્રી અમૃતમ’ યોજના એકસાથે મળીને ગરીબોની ચિંતા અને બોજને ઓછો કરી રહી છે. આ ડબલ એન્જિન સરકારની તાકાત છે.
સાથીદારો,
શિક્ષણ અને આરોગ્ય – આ બંને એવા ક્ષેત્રો છે, વર્તમાનની સાથે સાથે ભવિષ્યની દિશા પણ નક્કી કરે છે. ઉદાહરણ તરીકે, જો આપણે જોઈએ તો, વર્ષ 2019માં સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની સુવિધા હતી. એક વર્ષ પછી જ્યારે વૈશ્વિક મહામારી આવી, ત્યારે આ જ હોસ્પિટલ સૌથી મોટા સેન્ટર તરીકે બહાર આવી હતી. તેનાં એક હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે કેટલાં લોકોનું જીવન બચાવ્યું હતું. આ જ રીતે, વર્ષ 2019માં અમદાવાદમાં એએમસીની એસવીપી હોસ્પિટલની શરૂઆત થઈ હતી. આ હોસ્પિટલે પણ વૈશ્વિક મહામારી સામે લડવામાં મોટી ભૂમિકા અદા કરી છે. જો ગુજરાતમાં છેલ્લાં 20 વર્ષમાં આટલું આધુનિક મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર ન થયું હોત, તો કલ્પના કરો કે વૈશ્વિક મહામારી સામે લડવામાં આપણને કેટલી મુશ્કેલીઓ પડી હોત? આપણે ગુજરાતના વર્તમાનને પણ શ્રેષ્ઠ બનાવવાનું છે અને ભવિષ્યને સુરક્ષિત પણ રાખવાનું છે. મને ખાતરી છે કે, ગુજરાત પોતાના વિકાસની આ ગતિને વધુ આગળ વધારશે અને નવી ઊંચાઈ પર લઈ જશે. તમારા આશીર્વાદ સતત મળતાં રહેશે અને એ જ તાકતના બળે લઈને અમે વધુ ઊર્જા સાથે તમારી સેવા કરતાં રહીશું. હું તમને બધાનાં ઉત્તમ આરોગ્યની કામના કરું છું. તમે નિરોગી રહો, તમારો પરિવાર નિરોગી રહે, આ જ મારા ગુજરાતના ભાઇઓ-બહેનોને શુભકામના છે. આ સાથે મારી વાણીને વિરામ આપું છું.
ખૂબ ધન્યવાદ.