લાભાર્થીઓને સિકલ સેલ જિનેટિક સ્ટેટસ કાર્ડનું વિતરણ કર્યું
મધ્યપ્રદેશમાં લગભગ 3.57 કરોડ AB-PMJAY કાર્ડનું વિતરણ શરૂ કરવામાં આવ્યું
રાણી દુર્ગાવતીની 500મી જન્મજયંતિની ઉજવણી રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવશે
"સિકલ સેલ એનિમિયા નાબૂદી માટેનું અભિયાન અમૃતકાળનું મુખ્ય મિશન બનશે"
"અમારા માટે, આદિવાસી સમુદાય માત્ર ચૂંટણી માટેનો કોઇ આંકડો નથી પરંતુ તે ખૂબ જ સંવેદનશીલતા અને લાગણીની બાબત છે"
"ખોટી ગેરંટીઓથી સાવધાન રહો કારણ કે 'નિયત મેં ખોટ ઔર ગરીબ પર ચોટ' (નીતિમાં ખોટ અને ગરીબોને નુકસાન પહોંચાડવાની વૃત્તિ) વાળા લોકો દ્વારા તે આપવામાં આવે છે"

ભારત માતા કી જય.

ભારત માતા કી જય.

 

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમાન મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી ભાઈ શિવરાજજી, કેન્દ્રમાં મંત્રીમંડળના મારા સાથી શ્રી મનસુખ માંડવિયાજી, ફગ્ગન સિંહ કુલસ્તેજી, પ્રોફેસર એસ.પી. સિંહ બઘેલજી, શ્રીમતી રેણુકા સિંહ સરુતા, ડૉ. ભારતી પવારજી, શ્રી બિશ્વેશ્વર ટુડુજી, સાંસદ શ્રી વીડી શર્માજી, મધ્યપ્રદેશ સરકારના મંત્રીઓ, તમામ ધારાસભ્યો, આ કાર્યક્રમમાં જોડાયેલા દેશભરના અન્ય તમામ મહાનુભાવો અને આટલી મોટી સંખ્યામાં આપણને સૌને આશીર્વાદ આપવા આવેલા મારાં વ્હાલા ભાઈઓ અને બહેનો!

જય સેવા, જય જોહાર. આજે મને રાણી દુર્ગાવતીજીની આ પાવન ધરતી પર તમારા બધાની વચ્ચે આવવાનું સૌભાગ્ય મળ્યું છે. હું રાણી દુર્ગાવતીજીનાં ચરણોમાં મારી શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું. તેમની પ્રેરણાથી આજે એક બહુ મોટાં અભિયાન 'સિકલ સેલ એનિમિયા મુક્તિ મિશન' શરૂ કરવામાં આવી રહ્યું છે. આજે જ મધ્યપ્રદેશમાં 1 કરોડ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ પણ આપવામાં આવી રહ્યા છે. આ બંને પ્રયાસોના સૌથી મોટા લાભાર્થી આપણા ગોંડ સમાજ, ભીલ સમાજ અથવા અન્ય આપણા આદિવાસી સમુદાયના લોકો જ છે. હું આપ સૌને, મધ્યપ્રદેશની ડબલ એન્જિન સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ,

શહડોલની આ ધરતી પર આજે દેશ એક બહુ મોટો સંકલ્પ લઈ રહ્યો છે. આ સંકલ્પ આપણા દેશનાં આદિવાસી ભાઈ-બહેનોનાં જીવનને સુરક્ષિત બનાવવાનો સંકલ્પ છે. આ સંકલ્પ છે- સિકલસેલ એનિમિયાના રોગમાંથી મુક્તિનો.આ સંકલ્પ છે- દર વર્ષે સિકલ સેલ એનિમિયાથી પ્રભાવિત અઢી લાખ બાળકો અને તેમના અઢી લાખ પરિવારજનોનાં જીવનને બચાવવાનો.

સાથીઓ,

મેં દેશના વિવિધ વિસ્તારોમાં આદિવાસી સમાજ વચ્ચે લાંબો સમય વિતાવ્યો છે. સિકલ સેલ એનિમિયા જેવી બીમારી ખૂબ જ પીડાદાયક હોય છે. તેના દર્દીઓના સાંધામાં હંમેશા દુખાવો રહે છે, શરીરમાં સોજો અને થાક રહે છે. પીઠ, પગ અને છાતીમાં અસહ્ય પીડા અનુભવાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે. લાંબા સમયથી દર્દથી પીડાતા દર્દીનાં શરીરનાં આંતરિક અંગોને પણ નુકસાન થવા લાગે છે.આ રોગ પરિવારોને પણ વેરવિખેર કરી નાખે છે. અને આ રોગ ન તો હવા દ્વારા ફેલાય છે, ન પાણી દ્વારા, ન ખોરાક દ્વારા. આ રોગ એવો છે જે માતાપિતા પાસેથી જ બાળકમાં આ રોગ આવી શકે છે, તે આનુવંશિક છે. અને જે બાળકો આ રોગ સાથે જન્મે છે તેઓ જીવનભર પડકારો સાથે સંઘર્ષ કરતા રહે છે.

સાથીઓ,

સમગ્ર વિશ્વમાં સિકલ સેલ એનિમિયાના જેટલા કેસ થાય છે, એમાંથી અડધા- 50 ટકા કેસ એકલા આપણા દેશમાં થાય છે. પરંતુ કમનસીબી એ છે કે છેલ્લાં 70 વર્ષમાં તેની ક્યારેય ચિંતા કરવામાં ન આવી, તેની સામે કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું નહીં! આનાથી પ્રભાવિત મોટાભાગના લોકો આદિવાસી સમાજના હતા. આદિવાસી સમાજ પ્રત્યેની ઉદાસીનતાને કારણે અગાઉની સરકારો માટે આ મુદ્દો જ ન હતો.પરંતુ હવે ભાજપ સરકાર, અમારી સરકારે આદિવાસી સમાજના આ સૌથી મોટા પડકારને ઉકેલવાનું બીડું ઝડપ્યું છે. અમારા માટે આદિવાસી સમાજ માત્ર એક સરકારી આંકડો નથી. આ અમારા માટે સંવેદનશીલતાની બાબત છે, ભાવનાત્મક બાબત છે. હું જ્યારે પહેલીવાર ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો તેના પણ ઘણા સમય પહેલાથી હું આ દિશામાં પ્રયાસો કરી રહ્યો છું. આપણા જે ગવર્નર છે શ્રીમાન મંગુભાઈ આદિવાસી પરિવારના આશાસ્પદ નેતા રહ્યા છે.મંગુભાઈ અને હું લગભગ 50 વર્ષથી આદિવાસી વિસ્તારોમાં સાથે કામ કરીએ છીએ. અને અમે આદિવાસી પરિવારોમાં જઈને આ બીમારીથી કેવી રીતે છુટકારો મેળવી શકાય, કેવી રીતે જાગૃતિ લાવી શકાય તેના પર સતત કામ કરતા હતા. હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો તે પછી પણ મેં ત્યાં તેને લગતાં ઘણાં અભિયાનો શરૂ કર્યાં. હું પ્રધાનમંત્રી બન્યા પછી જ્યારે જાપાનની મુલાકાતે ગયો ત્યારે હું ત્યાં નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિકને મળ્યો.મને ખબર પડી કે તે વૈજ્ઞાનિક સિકલ સેલ રોગ પર ઘણું સંશોધન કરી ચૂક્યા છે. મેં તે જાપાની વૈજ્ઞાનિક પાસે પણ સિકલ સેલ એનિમિયાના ઉપચારમાં મદદ માગી હતી.

સાથીઓ,

સિકલ સેલ એનિમિયાથી મુક્તિનું આ અભિયાન અમૃતકાલનું મુખ્ય મિશન બનશે. અને મને વિશ્વાસ છે કે, જ્યારે દેશ આઝાદીનાં 100 વર્ષની ઉજવણી કરશે, 2047 સુધીમાં આપણે બધા સાથે મળીને, એક મિશન મોડમાં અભિયાન ચલાવીને, આપણા આદિવાસી પરિવારોને સિકલ સેલ એનિમિયાથી મુક્તિ અપાવીશું, દેશને મુક્તિ અપાવીશું.અને આ માટે આપણે સૌએ આપણી જવાબદારી નિભાવવાની છે. સરકાર હોય, આરોગ્ય કર્મચારીઓ હોય, આદિવાસીઓ હોય, બધા સંકલનથી કામ કરે તે જરૂરી છે. સિકલ સેલ એનિમિયા ધરાવતા દર્દીઓને લોહી ચઢાવવાની જરૂર પડે છે. આથી તેમના માટે બ્લડ બૅન્કો ખોલવામાં આવી રહી છે. તેમની સારવાર માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની સુવિધા વધારવામાં આવી રહી છે. તમે એ પણ જાણો છો કે સિકલ સેલ એનિમિયાના દર્દીઓની તપાસ કેટલી મહત્વપૂર્ણ છે. કોઈપણ બાહ્ય લક્ષણો વિના પણ કોઈપણ વ્યક્તિ સિકલ સેલનો વાહક હોઈ શકે છે.આવા લોકો અજાણતા પોતાનાં બાળકોને આ બીમારી આપી શકે છે. તેથી જ તેને શોધવા માટે પરીક્ષણ કરવું, સ્ક્રીનીંગ કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તપાસ કરવામાં ન આવે તો શક્ય છે કે દર્દીને આ રોગ વિશે લાંબા સમય સુધી ખબર ન પડે. જેમ ઘણીવાર હમણાં આપણા ભાઈ મનસુખભાઇકુંડળી વિશે કહેતા હતા, ઘણા પરિવારોમાં પરંપરા રહેતી હોય છે, લગ્ન પહેલા જન્માક્ષર મેળવે છે. અને તેમણે કહ્યું ભાઈ, જન્માક્ષર મેળવો કે ન મેળવો, પરંતુ સિકલ સેલ ટેસ્ટનો જે રિપોર્ટ છે, જે કાર્ડ આપવામાં આવે છે તેને જરૂરથી મેળવજો અને ત્યાર પછી જ લગ્ન કરજો.

સાથીઓ,

તો જ આપણે આ બીમારીને એક પેઢીથી બીજી પેઢીમાં જતા અટકાવી શકીશું. તેથી, હું દરેકને આગ્રહ કરું છું કે દરેક વ્યક્તિ સ્ક્રીનીંગ અભિયાનમાં જોડાય, પોતાનો કાર્ડ બનાવડાવે, બીમારીની તપાસ કરાવે. જેટલો સમાજ પોતે આ જવાબદારી લેવા આવશે, તેટલી જ સિકલ સેલ એનિમિયાથી મુક્તિ સરળ બનશે.

સાથીઓ,

બીમારીઓ માત્ર એક વ્યક્તિને જ નહીં, માત્ર એક વ્યક્તિ જે બીમાર હોય છે તેને જ નહીં, પરંતુ જ્યારે પરિવારમાં એક વ્યક્તિ બીમાર હોય છે, ત્યારે આ રોગ સમગ્ર પરિવારને અસર કરે છે. જ્યારે એક વ્યક્તિ બીમાર પડે છે, ત્યારે આખો પરિવાર ગરીબી અને લાચારીની જાળમાં ફસાઈ જાય છે. અને હું એક રીતે તમારા કરતાં ખૂબ જ અલગ પરિવારમાંથી આવ્યો નથી. હું તમારી વચ્ચેથી જ અહીં પહોંચ્યો છું.તેથી જ હું તમારી સમસ્યાને સારી રીતે જાણું છું, સમજું છું. એટલા માટે અમારી સરકાર આવી ગંભીર બીમારીઓને સમાપ્ત કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહી છે. આ જ પ્રયાસોને કારણે આજે દેશમાં ટીબીના કેસમાં ઘટાડો થયો છે. હવે તો દેશ 2025 સુધીમાં ટીબીને જડથી નાબૂદ કરવા માટે કામ કરી રહ્યો છે.

સાથીઓ,

2013માં, અમારી સરકાર બની તે પહેલાં, કાલા અઝરના 11,000 કેસ નોંધાયા હતા. આજે તે ઘટીને એક હજારથી પણ ઓછા થઈ ગયા છે. 2013માં મેલેરિયાના 10 લાખ કેસ હતા, 2022માં તે પણ ઘટતા-ઘટતા 2 લાખથી ઓછા થઈ ગયા છે. 2013માં રક્તપિત્તના 1.25 લાખ દર્દીઓ હતા, પરંતુ હવે તેમની સંખ્યા ઘટીને 70-75 હજાર સુધી રહી ગઈ છે. મગજના તાવ- મેનિન્જાઇટિસને કારણે થતી પાયમાલી પણ આપણે સૌ જાણીએ છીએ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેના દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. આ માત્ર અમુક આંકડાઓ નથી. જ્યારે બીમારી ઓછી થાય છે, ત્યારે લોકો દુઃખ, પીડા, સંકટ અને મૃત્યુથી પણ બચી જાય છે.

ભાઇઓ અને બહેનો,

અમારી સરકારનો પ્રયાસ છે કે બીમારી ઓછી હોય, સાથે જ રોગ પર થતા ખર્ચમાં પણ ઘટાડો થાય. તેથી જ અમે આયુષ્માન ભારત યોજના લઈને આવ્યા છીએ, જેનાથી લોકો પર પડનારો બોજ ઓછો થયો છે. આજે અહીં મધ્યપ્રદેશમાં 1 કરોડ લોકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. જો કોઈ ગરીબ વ્યક્તિને ક્યારેકહૉસ્પિટલમાં જવું પડે તો આ કાર્ડ તેના ખિસ્સામાં 5 લાખ રૂપિયાના એટીએમકાર્ડનું કામ કરશે. આપ યાદ રાખજો, આજે તમને જે કાર્ડ મળ્યું છે, હૉસ્પિટલમાં તેની કિંમત રૂ.5 લાખ જેટલી છે. જો તમારી પાસે આ કાર્ડ હશે તો કોઈ તમને સારવાર માટે ના પાડી શકશે નહીં, પૈસા માગી શકશે નહીં. અને જો તમને ભારતમાં ક્યાંય પણ તકલીફ થઈ તો ત્યાંની હૉસ્પિટલમાં જઈને મોદીની  ગૅરન્ટીબતાવી દેજોએણે ત્યાં પણ તમારી સારવાર કરવી પડશે. આ આયુષ્માન કાર્ડ ગરીબોની સારવાર માટે 5 લાખ રૂપિયાની  ગૅરન્ટી છે અને તે મોદીની  ગૅરન્ટી છે.

ભાઇઓ બહેનો,

આયુષ્માન યોજના હેઠળ દેશભરની હૉસ્પિટલોમાં લગભગ 5 કરોડ ગરીબોની સારવાર થઈ ચૂકી છે. જો આયુષ્માન ભારત કાર્ડ ન હોત તો આ ગરીબોએ એક લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરીને બીમારીની સારવાર કરાવવી પડતે. તમે કલ્પના કરો કે આમાંથી કેટલા લોકો એવા હશે જેમણે જીવનની આશા પણ છોડી દીધી હશે. કેટલા પરિવારો એવા હશે જેમણે સારવાર કરાવવા માટે પોતાનું ઘર, પોતાની ખેતી કદાચ વેચવી પડતી હોય. પરંતુ અમારી સરકાર આવા દરેક મુશ્કેલ પ્રસંગે ગરીબોની સાથે ઊભી જોવા મળી છે.5 લાખ રૂપિયાનું આ આયુષ્માન યોજના  ગૅરન્ટી કાર્ડ ગરીબોની સૌથી મોટી ચિંતા ઓછી કરવાની  ગૅરન્ટીછે. અને જેઓ અહીં આયુષ્માનનું કામ કરે છે, જરા કાર્ડ લાવો – તમને જે કાર્ડ મળ્યું છે, તેના પર લખ્યું છે રૂ.5 લાખ સુધીની મફત સારવાર.આ દેશમાં ક્યારેય કોઈએ કોઈ ગરીબને 5 લાખ રૂપિયાની  ગૅરન્ટી આપી નથી, મારા ગરીબ પરિવારો માટે આ ભાજપની સરકાર છે, તે મોદી છે જે તમને 5 લાખ રૂપિયાનો ગૅરન્ટી કાર્ડ આપે છે.

સાથીઓ,

 ગૅરન્ટીની આ બધી ચર્ચા વચ્ચે તમારે ખોટી  ગૅરન્ટી આપનારાઓથી પણ સાવધાન રહેવું પડશે. અને જે લોકો પાસે પોતાની કોઈ  ગૅરન્ટી નથી, તેઓ તમારી પાસે  ગૅરન્ટીવાળી નવી નવી સ્કીમો લઈને આવી રહ્યા છે. તેમની  ગૅરન્ટીમાં છુપાયેલ ખોટને ઓળખો. ખોટી  ગૅરન્ટીનાં નામે તેમની છેતરપિંડીનો ખેલ જાણી લો.

સાથીઓ,

જ્યારે તેઓ મફત વીજળીની  ગૅરન્ટી આપે છે, તો તેનો અર્થ એ છે કે તેઓ વીજળીના દરમાં વધારો કરવાના છે. જ્યારે તેઓ મફત મુસાફરીની  ગૅરન્ટી આપે છે, તો તેનો અર્થ એ છે કે તે રાજ્યની ટ્રાફિક વ્યવસ્થા બરબાદ થવાની છે. જ્યારે તેઓ પેન્શન વધારવાની  ગૅરન્ટી આપે છે, તો તેનો અર્થ એ છે કે તે રાજ્યના કર્મચારીઓને સમયસર તેમનો પગાર પણ નહીં મળે. જ્યારે તેઓ સસ્તા પેટ્રોલની  ગૅરન્ટી આપે છે, તો તેનો અર્થ એ છે કે તેઓ ટેક્સ વધારીને તમારાં ખિસ્સામાંથી પૈસા કાઢવાની તૈયારી કરી રહ્યા છે.જ્યારે તે રોજગાર વધારવાની  ગૅરન્ટી આપે છે, તો તેનો અર્થ એ છે કે તે ત્યાંના ઉદ્યોગો-ધંધાને ચોપટ કરી દે તેવી નીતિઓ લઈને આવશે. કૉંગ્રેસ જેવા પક્ષોની  ગૅરન્ટીનો મતલબ નિયતમાં ખોટ અને ગરીબ પર ચોટ, આ જ તેમની રમત છે. 70 વર્ષમાં તેઓ  ગૅરન્ટી આપી શક્યા નથી કે ગરીબોને ભરપેટ ભોજન આપવામાં આવશે. પરંતુ આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાએ 80 કરોડથી વધુ લોકોને મફત રાશનની  ગૅરન્ટીમળી છે, તેઓને મફત રાશન મળી રહ્યું છે.તેઓ 70 વર્ષમાં ગરીબોને મોંઘી સારવારમાંથી મુક્તિ અપાવવાની  ગૅરન્ટી આપી શક્યા નથી. પરંતુ આયુષ્માન યોજનાથી 50 કરોડ લાભાર્થીઓને આરોગ્ય વીમાની  ગૅરન્ટી મળી છે. તેઓ 70 વર્ષમાં મહિલાઓને ધુમાડાથી છુટકારો અપાવવાની  ગૅરન્ટીઆપી શક્યા નથી. પરંતુ ઉજ્જવલા યોજનાથી લગભગ 10 કરોડ મહિલાઓને ધૂમ્ર મુક્ત જીવનની  ગૅરન્ટી મળી છે. તેઓ 70 વર્ષમાં ગરીબોને તેમના પગ પર ઊભા થવાની  ગૅરન્ટી આપી શક્યા નથી. પરંતુ મુદ્રા યોજના દ્વારા 8.5 કરોડ લોકોને સન્માન સાથે સ્વરોજગારની  ગૅરન્ટી મળી છે.તેમની  ગૅરન્ટીનો અર્થ છે કે ક્યાંક ને ક્યાંક કંઈક ગડબડ છે. આજે જે લોકો સાથે આવવાનો દાવો કરી રહ્યા છે, તેમનાં જૂનાં નિવેદનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. પાણી પીધા બાદ તેઓ હંમેશા એકબીજાને કોસતા રહ્યા છે. એટલે કે વિપક્ષી એકતાની કોઈ  ગૅરન્ટી નથી. આ પરિવારવાદી પક્ષો તેમના પરિવારનાં કલ્યાણ માટે જ કામ કરતા આવ્યા છે.એટલે કે દેશના સામાન્ય માણસના પરિવારને આગળ લઈ જવાની  ગૅરન્ટી તેમની પાસે નથી. જેમના પર ભ્રષ્ટાચારનો આરોપ છે તેઓ જામીન લઈને બહાર ફરી રહ્યા છે. જેઓ કૌભાંડના આરોપમાં સજા કાપી રહ્યા છે તેઓ એક મંચ પર જોવા મળે છે.એટલે કે તેમની પાસે ભ્રષ્ટાચાર મુક્ત શાસનની  ગૅરન્ટી નથી. તેઓ એક અવાજે દેશ વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. તેઓ દેશ વિરોધી તત્વો સાથે બેઠકો કરી રહ્યા છે. એટલે તેમની પાસે આતંકવાદ મુક્ત ભારતની  ગૅરન્ટી નથી.  ગૅરન્ટી આપ્યા પછી તેઓ ચાલ્યા જશે, પરંતુ ભોગવવું તમારેપડશે. તેઓ  ગૅરન્ટી આપીને પોતાનાં ખિસ્સા ભરશે, પણ નુકસાન તમારાં બાળકોનું થશે.તે  ગૅરન્ટી આપીને પોતાના પરિવારને આગળ લઈ જશે, પરંતુ દેશને તેની કિંમત ચૂકવવી પડશે. એટલા માટે તમારે કૉંગ્રેસ સહિત આવા દરેક રાજકીય પક્ષોની  ગૅરન્ટીથી સાવચેત રહેવું પડશે.

સાથીઓ,

ખોટી  ગૅરન્ટી આપનારાઓનું વલણ હંમેશાથી આદિવાસીઓ વિરુદ્ધ રહ્યું છે. અગાઉ આદિવાસી સમાજના યુવાનોને ભાષાના મોટા પડકારનો સામનો કરવો પડતો હતો. પરંતુ, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં હવે સ્થાનિક ભાષામાં શિક્ષણની સુવિધા આપવામાં આવી છે. પરંતુ ખોટી  ગૅરન્ટી આપનારા ફરી એકવાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો વિરોધ કરી રહ્યા છે. આ લોકો નથી ઈચ્છતા કે આપણાં આદિવાસી ભાઈ-બહેનોનાં બાળકો પોતાની ભાષામાં અભ્યાસ કરી શકે.તેઓ જાણે છે કે આદિવાસી, દલિત, પછાત અને ગરીબ લોકોનાં બાળકો આગળ વધશે તો તેમની વોટબૅન્કની રાજનીતિ ચૌપટ થઈ જશે. હું જાણું છું આદિવાસી વિસ્તારોમાં શાળાઓનું, કૉલેજોનું મહત્વ કેટલું છે. તેથી જ અમારી સરકારે 400 થી વધુ નવી એકલવ્ય શાળાઓમાં આદિવાસી બાળકોને નિવાસી શિક્ષણની તક આપી છે. એકલા મધ્યપ્રદેશની શાળાઓમાં આવા 24 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

સાથીઓ,

છેલ્લાં 9 વર્ષોમાં આદિવાસી ગૌરવને સાચવવા અને તેને સમૃદ્ધ બનાવવા માટે સતત કાર્ય થયું છે. હવે ભગવાન બિરસા મુંડાના જન્મદિવસ પર, આખો દેશ 15 નવેમ્બરના રોજ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરે છે. આજે દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓને સમર્પિત સંગ્રહાલયો સ્થાપવામાં આવી રહ્યાં છે. આ પ્રયાસો વચ્ચે આપણે અગાઉની સરકારોનાં વર્તનને પણ ભૂલવું ન જોઈએ. દેશમાં દાયકાઓ સુધી સરકાર ચલાવનારાઓનું આદિવાસી સમાજ પ્રત્યે, ગરીબો પ્રત્યેનું વલણ અસંવેદનશીલ અને અપમાનજનક રહ્યું. જ્યાં સુધી આદિવાસી મહિલાને દેશનાં રાષ્ટ્રપતિ બનાવવાની વાત આવી તો આપણે અનેક પક્ષોનું વલણ જોયું છે. તમે એમપીના લોકોએ પણ તેમનું વલણ સાક્ષાત્‌ જોયું છે. જ્યારે શહડોલ ડિવિઝનમાં સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી ખોલવામાં આવી, ત્યારે તેનું નામ પણ તેમણે તેમના પરિવારનાં નામ પર રાખી દીધું.જ્યારે શિવરાજજીની સરકારે છિંદવાડા યુનિવર્સિટીનું નામ મહાન ગોંડ ક્રાંતિકારી રાજા શંકર શાહનાં નામ પર રાખ્યું છે. તેઓએ ટંટ્યા મામા જેવા નાયકોની પણ સંપૂર્ણ ઉપેક્ષા કરી, પરંતુ અમે પાતાલપાણી સ્ટેશનનું નામ ટંટ્યા મામાનાં નામ પર રાખ્યું.તે લોકોએ ગોંડ સમુદાયના આટલા મોટા નેતા શ્રી દલવીર સિંહજીના પરિવારનું પણ અપમાન કર્યું. તેની ભરપાઇ પણ અમે કરી, અમે તેમને સન્માન આપ્યું. અમારા માટે આદિવાસી નાયકોનું સન્માન એ અમારા આદિવાસી યુવાનોનું સન્માન છે, આપ સૌનું સન્માન છે.

સાથીઓ,

આપણે આ પ્રયાસોને આગળ પણ ચાલુ રાખવાના છે, તેને વધુ ગતિ આપવાની છે. અને, આ તમારા સહયોગથી, તમારા આશીર્વાદથી જ શક્ય બનશે. મને વિશ્વાસ છે કે, તમારા આશીર્વાદ અને રાણી દુર્ગાવતીની પ્રેરણા અમને આ રીતે પથ=પ્રદર્શન કરતા રહેશે. હમણાં શિવરાજજી કહી રહ્યા હતા કે રાણી દુર્ગાવતીજીની 500મી જન્મજયંતિ 5 ઑક્ટોબરે આવી રહી છે.આજે, જ્યારે હું તમારી વચ્ચે આવ્યો છું, રાણી દુર્ગાવતીનાં શૌર્યની આ પવિત્ર ભૂમિ પર આવ્યો છું, ત્યારે હું આજે દેશવાસીઓ સમક્ષઘોષણા કરું છું કે ભારત સરકાર રાણી દુર્ગાવતીની 500મી જન્મશતાબ્દી દેશભરમાં ઉજવશે. રાણી દુર્ગાવતીનાં જીવન પર આધારિત ફિલ્મ બનાવવામાં આવશે, રાણી દુર્ગાવતીનો ચાંદીનો સિક્કો પણ બહાર પાડવામાં આવશે, રાણી દુર્ગાવતીની પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડવામાં આવશે અને દેશ અને દુનિયામાં 500 વર્ષ પહેલાં જન્મેલાં આપણા માટે પવિત્ર માતા સમાન તેમની પ્રેરણાની વાત હિંદુસ્તાનનાં દરેક ઘર સુધી પહોંચાડવાનું એક અભિયાન ચલાવશે.

મધ્યપ્રદેશ વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શશે અને આપણે સૌ સાથે મળીને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરીશું. અત્યારે હું અહીં કેટલાક આદિવાસી પરિવારોને પણ મળવાનો છું, આજે મને તેમની સાથે વાત કરવાની તક મળવાની છે. તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા છો, સિકલ સેલ ,આયુષ્માન કાર્ડ તમારી આવનારી પેઢીઓની ચિંતા કરવાનું મારું મોટું અભિયાન છે.મને તમારો સાથ જોઇએ. આપણે દેશને સિકલસેલથી મુક્ત કરવો છે, મારા આદિવાસી પરિવારોને આ સમસ્યામાંથી મુક્ત કરવાના છે. મારા માટે, આ મારાં હૃદયની નજીકનું કામ છે અને મને આમાં તમારી મદદની જરૂર છે, મને મારા આદિવાસી પરિવારોનો સાથ જોઇએ છે. આપને આ જ પ્રાર્થના છે.તંદુરસ્ત રહો, સમૃદ્ધ બનો. આ શુભેચ્છા સાથે, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર!

ભારત માતા કી જય!

ભારત માતા કી જય!

ભારત માતા કી જય!

ખૂબ ખૂબ આભાર!

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s Biz Activity Surges To 3-month High In Nov: Report

Media Coverage

India’s Biz Activity Surges To 3-month High In Nov: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to participate in ‘Odisha Parba 2024’ on 24 November
November 24, 2024

Prime Minister Shri Narendra Modi will participate in the ‘Odisha Parba 2024’ programme on 24 November at around 5:30 PM at Jawaharlal Nehru Stadium, New Delhi. He will also address the gathering on the occasion.

Odisha Parba is a flagship event conducted by Odia Samaj, a trust in New Delhi. Through it, they have been engaged in providing valuable support towards preservation and promotion of Odia heritage. Continuing with the tradition, this year Odisha Parba is being organised from 22nd to 24th November. It will showcase the rich heritage of Odisha displaying colourful cultural forms and will exhibit the vibrant social, cultural and political ethos of the State. A National Seminar or Conclave led by prominent experts and distinguished professionals across various domains will also be conducted.