Quote“ડબલ એન્જિનની સરકાર આદિવાસી સમુદાયો અને મહિલાઓના કલ્યાણ માટે સેવાની ભાવના સાથે કામ કરી રહી છે”
Quote“પ્રગતિની સફરમાં આપણી માતાઓ અને દીકરીઓ પાછળ ના રહી જાય તેની આપણે ખાતરી કરવી જોઇએ”
Quote“લોકોમોટીવના વિનિર્માણથી દાહોદ મેક ઇન ઇન્ડિયા ઝુંબેશમાં યોગદાન આપશે”

 

ભારત માતા કી- જય, ભારત માતા કી- જય

સૌ પ્રથમ હું દાહોદની જનતાની માફી માગું છું. શરૂઆતમાં, હું થોડો સમય હિન્દીમાં વાત કરીશ, અને તે પછી હું મારા ઘરની વાત ઘરની ભાષામાં કરીશ.

ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી, આ દેશના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી, મંત્રી પરિષદનાં સાથી દર્શનાબેન જરદોશ, સંસદમાં મારા વરિષ્ઠ સાથીદાર, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રીમાન સી. આર. પાટીલ, ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો, અને મોટી સંખ્યામાં અહીં પધારેલા મારા વહાલા આદિવાસી ભાઈઓ અને બહેનો.

આજે આદિવાસી વિસ્તારોમાંથી લાખો બહેનો અને ભાઈઓ આપણે સૌને આશીર્વાદ આપવા અહીં આવ્યા છે. અહીં જૂની માન્યતા છે કે આપણે જે જગ્યાએ રહીએ છીએ, જે વાતાવરણમાં આપણે રહીએ છીએ તેની આપણા જીવન પર મોટી અસર પડે છે. મારા જાહેર જીવનના પ્રારંભિક સમયગાળામાં, જ્યારે જીવનના એક તબક્કાની શરૂઆત હતી, ત્યારે હું ઉમરગામથી અંબાજી, ભારતની આ પૂર્વ પટ્ટી, ગુજરાતનો આ પૂર્વ પટ્ટો, ઉમરગામથી અંબાજી, મારા આદિવાસી ભાઈ-બહેનોનો આખો વિસ્તાર, એ મારું કાર્યક્ષેત્ર હતું. આદિવાસીઓની વચ્ચે રહેવું, તેમની જ વચ્ચે જીવન વીતાવવું, તેમને સમજવા, તેમની સાથે જીવવું, આ મારાં સમગ્ર જીવનના શરૂઆતના વર્ષોમાં આ મારા આદિવાસી માતાઓ, બહેનો, ભાઈઓએ મને જે માર્ગદર્શન આપ્યું, મને ઘણું શીખવ્યું, તેમાંથી જ આજે મને આપના માટે કંઇક ને કંઇક કરવાની પ્રેરણા મળતી રહે છે.

મેં આદિવાસીઓનું જીવન ખૂબ જ નજીકથી જોયું છે અને હું માથું નમાવીને કહી શકું છું કે તે ગુજરાત હોય, મધ્યપ્રદેશ હોય, છત્તીસગઢ હોય, ઝારખંડ હોય, ભારતનો કોઈ પણ આદિવાસી વિસ્તાર હોય, હું કહી શકું છું કે મારા આદિવાસી ભાઈ-બહેનોનું જીવન એટલે પાણી જેટલું પવિત્ર અને નવા અંકુર જેટલું સૌમ્ય હોય છે. મેં અહીં દાહોદમાં ઘણા પરિવારો સાથે અને સમગ્ર વિસ્તારમાં ઘણો લાંબો સમય પસાર કર્યો. આજે મને તમને બધાને એકસાથે મળવાનો અને તમારા બધાના દર્શન કરવાનો લહાવો મળ્યો છે.

ભાઇઓ-બહેનો,

આ જ કારણ છે કે પહેલા ગુજરાતમાં અને હવે સમગ્ર દેશમાં આદિવાસી સમાજની, ખાસ કરીને આપણી બહેન-દીકરીઓની નાની-નાની સમસ્યાઓને દૂર કરવાનું માધ્યમ આજે ભારત સરકાર, ગુજરાત સરકાર, આ ડબલ એન્જિનની સરકાર એક સેવા ભાવથી કાર્ય કરી રહી છે.

ભાઇઓ અને બહેનો,

આ શ્રેણીમાં દાહોદ અને પંચમાર્ગના વિકાસ સાથે સંકળાયેલ રૂ. 22 હજાર કરોડથી વધુની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આજે જે પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેમાં એક પીવાના પાણીને લગતી યોજના છે અને બીજી દાહોદને સ્માર્ટ સિટી બનાવવા સંબંધિત અનેક પ્રોજેક્ટ્સ છે. પાણીના આ પ્રોજેકટથી દાહોદના સેંકડો ગામડાંઓની માતા-બહેનોનું જીવન ખૂબ જ સરળ બનવાનું છે.

સાથીઓ,

આ સમગ્ર વિસ્તારની આકાંક્ષા સાથે જોડાયેલ એક બીજું મોટું કાર્ય આજે શરૂ થયું છે. દાહોદ હવે મેક ઈન ઈન્ડિયાનું પણ બહુ મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ગુલામીના સમયગાળા દરમિયાન અહીં જે સ્ટીમ લોકોમોટિવ માટેની વર્કશોપ બની હતી તે હવે મેક ઇન ઇન્ડિયાને વેગ આપશે. હવે દાહોદના પરેલમાં 20 હજાર કરોડ રૂપિયાનું કારખાનું લાગવાનું છે.

હું જ્યારે પણ દાહોદ આવતો ત્યારે મને સાંજના સમયે પરેલના એ સર્વન્ટ્સ ક્વાર્ટરમાં જવાનો મોકો મળતો અને મને નાની ટેકરીઓની વચ્ચે આવેલો પરેલનો એ વિસ્તાર બહુ ગમતો. મને ત્યાં કુદરત સાથે રહેવાની તક મળતી. પરંતુ મારા હૃદયમાં એક પીડા રહેતી હતી. હું મારી નજર સામે જોતો હતો કે ધીરે ધીરે આપણું રેલવેનું ક્ષેત્ર, આપણું આ પરેલ, સાવ નિર્જીવ બની રહ્યું છે. પરંતુ પ્રધાનમંત્રી બન્યા પછી મારું એક સપનું હતું કે હું તેને ફરી એક વાર જીવંત બનાવીશ, તેને જાનદાર બનાવીશ, તેને શાનદાર બનાવીશ અને આજે મારું સપનું પૂરું થઈ રહ્યું છે કે 20 હજાર કરોડ રૂપિયાથી આજે મારા દાહોદમાં, આ સમગ્ર આદિવાસી વિસ્તારોમાં આટલું મોટું રોકાણ, હજારો નવયુવાનોને રોજગાર.

આજે ભારતીય રેલવે આધુનિક બની રહી છે, વીજળીકરણ ઝડપથી થઈ રહ્યું છે. માલગાડીઓ માટે અલગ રૂટ એટલે કે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાવવામાં આવી રહ્યા છે. એના પર ઝડપથી માલગાડીઓ દોડી શકે, જેથી માલસામાનની હેરફેર ઝડપી, સસ્તી હોય, આ માટે દેશમાં જ બનેલા લોકોમોટિવ્સ બનાવવા જરૂરી છે. વિદેશોમાં પણ આ ઈલેક્ટ્રિક લોકોમોટિવની માગ વધી રહી છે. આ માગને પહોંચી વળવામાં દાહોદ મોટી ભૂમિકા ભજવશે. અને મારા દાહોદના યુવાનો, જ્યારે પણ તમને દુનિયામાં જવાનો મોકો મળશે, ત્યારે કોઈને કોઈ સમયે તમને જોવા મળશે કે તમારા દાહોદમાં બનાવેલું લોકોમોટિવ દુનિયાના કોઈને કોઈ દેશમાં દોડી રહ્યું છે. જે દિવસે તમે તેને જોશો, તમારા હૃદયમાં કેટલો આનંદ હશે.

ભારત હવે વિશ્વના એવા કેટલાંક દેશોમાંનો એક છે જે 9 હજાર હોર્સપાવરના શક્તિશાળી લોકો બનાવે છે. આ નવા કારખાનાથી અહીં હજારો નવયુવાનોને રોજગારી મળશે, આસપાસના વિસ્તારોમાં નવા વ્યવસાયની શક્યતાઓ વધશે. તમે કલ્પના કરી શકો કે એક દાહોદની રચના થશે. ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે હવે આપણું દાહોદ બરોડાની હરીફાઈમાં આગળ વધવા માટે સખત મહેનત કરીને ઊભું થવાનું છે. આ તમારો ઉત્સાહ અને જુસ્સો જોઈને મને લાગે છે કે મિત્રો, મેં મારા જીવનના ઘણા દાયકાઓ દાહોદમાં વિતાવ્યા છે. એક જમાનો હતો જ્યારે હું સ્કૂટર પર આવું, બસમાં આવું, ત્યારથી લઈને આજ સુધી મેં ઘણા કાર્યક્રમો કર્યા છે. જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે પણ ઘણા કાર્યક્રમો કર્યા છે. પરંતુ આજે મને ગર્વ છે કે, હું મુખ્યમંત્રી હતો ત્યારે આટલો મોટો કોઇ કાર્યક્રમ કરી શક્યો ન હતો. અને આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એવી કમાલ કરી દીધી છે કે, ભૂતકાળમાં તમે ન જોયો હોય એટલો મોટો જનસાગર મારી સામે આજે ઉમટી પડ્યો છે. હું ભૂપેન્દ્રભાઈને, સી. આર. પાટીલને અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભાઈઓ અને બહેનો, પ્રગતિના માર્ગમાં એક વાત નિશ્ચિત છે કે આપણે ગમે તેટલી પ્રગતિ કરવી હોય કરી શકીએ છીએ, પરંતુ આપણી માતાઓ અને બહેનો આપણી પ્રગતિના માર્ગમાં પાછળ ન રહેવી જોઈએ. માતાઓ અને બહેનો પણ પ્રગતિમાં ખભે ખભા મિલાવીને સમાન રીતે આગળ વધે અને તેથી મારી યોજનાઓના કેન્દ્રબિંદુમાં મારી માતાઓ અને બહેનો, તેમની સુખાકારી, તેમની શક્તિનો વિકાસમાં ઉપયોગ એ કેન્દ્રમાં રહે છે. આપણે ત્યાં પાણીની સમસ્યા હોય તો સૌથી પહેલી સમસ્યા માતાઓ-બહેનોને થાય છે. અને તેથી જ મેં સંકલ્પ કર્યો છે કે મારે નળથી પાણી પહોંચાડવું છે, નળથી જળ પહોંચાડવું છે. અને ટુંક સમયમાં જ માતાઓ અને બહેનોનાં આશીર્વાદથી આ કાર્ય પણ પૂર્ણ કરવાનો છું. પાણી તમારા ઘર સુધી પહોંચે, અને મને પાણી દ્વારા પાણીદાર લોકોની સેવા કરવાનો મોકો મળવાનો છે. અમે અઢી વર્ષમાં છ કરોડથી વધુ પરિવારોને પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવામાં સફળ રહ્યા છીએ. ગુજરાતમાં પણ આપણા આદિવાસી પરિવારોમાં પાંચ લાખ પરિવારોને નળથી જળ પહોંચાડી ચૂક્યા છીએ, અને આગામી સમયમાં અહીં કામ ઝડપથી આગળ વધવાનું છે.

ભાઈઓ અને બહેનો, કોરોનાનો સંકટકાળ આવ્યો, હજી કોરોના ગયો નહીં, ત્યાં વિશ્વના યુદ્ધના સમાચાર, યુદ્ધની ઘટનાઓ, કોરોનાની મુસીબત ઓછી હતી કે નવી મુસીબતો, અને આ બધું હોવા છતાં, આજે દુનિયા સમક્ષ દેશ ધીરજપૂર્વક, મુશ્કેલીઓની વચ્ચે, અનિશ્ચિતકાળની વચ્ચે પણ આગળ વધી રહ્યો છે. અને મુશ્કેલ દિવસોમાં પણ સરકારે ગરીબોને ભૂલવા માટે કોઇ તક ઊભી થવા દીધી નથી. અને મારા માટે ગરીબ, મારા આદિવાસી, મારા દલિત, મારા ઓબીસી સમાજના છેવાડાના માનવીનું સુખ અને એમનું ધ્યાન અને તેના કારણે જ્યારે શહેરો બંધ થઇ ગયા, શહેરોમાં કામ કરતા આપણા દાહોદના લોકો રસ્તાનું કામ બહુ કરતા હતા, પહેલા તો બધું બંધ થયું, જ્યારે પાછા આવ્યા ત્યારે ગરીબના ઘરનો ચૂલો સળગતો રહે તે માટે હું જાગતો રહ્યો. અને આજે લગભગ બે વર્ષ થવાં આવ્યા, ગરીબના ઘરમાં મફત અનાજ પહોંચે, 80 કરોડ લોકોના ઘરે બે વર્ષ સુધી મફત અનાજ પહોંચાડીને વિશ્વનો સૌથી મોટામાં મોટો વિક્રમ આપણે બનાવ્યો છે. અમે સપનું જોયું છે કે મારા ગરીબ આદિવાસીઓને પોતાનું પાકું ઘર મળે, તેમને શૌચાલય મળે, તેમને વીજળી મળે, તેમને પાણી મળે, તેમને ગેસનો ચૂલો મળે, તેમના ગામ પાસે સારું સુખાકારી કેન્દ્ર હોય, હૉસ્પિટલ હોય, તેમને 108 સેવાઓ ઉપલબ્ધ હોય, તેમને ભણવા માટે સારી શાળા મળે, ગામમાં જવા માટે સારા રસ્તા મળે, આ બધી ચિંતાઓ એક સાથે આજે ગુજરાતના ગામડાઓ સુધી પહોંચે, તેના માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર ખભે ખભા મિલાવીને કામ કરી રહી છે. અને તેથી હવે અમે એક ડગલું આગળ વધી રહ્યા છીએ.

ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક, હમણાં જયારે, આપની વચ્ચે આવતી વખતે ભારત સરકાર અને ગુજરાત સરકારની અલગ-અલગ યોજનાઓનાં લાભાર્થી ભાઇ-બહેન છે, હું તેમની સાથે બેઠો હતો, તેમના અનુભવો સાંભળ્યા, મારા માટે એટલો બધો આનંદ હતો, એટલો મોટો આનંદ હતો કે એને હું શબ્દોમાં વર્ણવી શકતો નથી. હું ખુશ છું કે પાંચમું-સાતમું ભણેલી મારી બહેનો, શાળામાં પગ મૂક્યો ન હોય એવી માતા-બહેનો એમ કહે કે અમે અમારી ધરતીમાતાને કેમિકલ મુક્ત કરી રહ્યા છીએ, અમે સંકલ્પ લીધો છે, અમે સજીવ ખેતી કરીએ છીએ, અને અમારી શાકભાજી અમદાવાદના બજારોમાં વેચાઈ રહી છે. અને બમણા ભાવે વેચાઈ રહી છે, મારા આદિવાસી ગામડાઓની માતાઓ અને બહેનો જ્યારે મારી સાથે વાત કરતી હતી ત્યારે હું તેમની આંખોમાં ચમક જોઈ રહ્યો હતો.

એક જમાનો હતો, મને યાદ છે આપણા દાહોદમાં ફૂલવાડી, ફૂલોની ખેતીએ વેગ પકડ્યો હતો, અને મને યાદ છે કે તે સમયે અહીંના ફૂલ મુંબઇ સુધી ત્યાંની માતાઓને, દેવતાઓને, ભગવાનને આપણા દાહોદના ફૂલ ચઢતા હતા. આટલી બધી ફૂલવાડી, હવે આપણો ખેડૂત સજીવ ખેતી તરફ વળ્યો છે. અને જ્યારે આદિવાસી ભાઈ આટલું મોટું પરિવર્તન લાવે છે ત્યારે તમારે સમજી લેવાનું છે, અને બધાએ લાવવું જ પડશે, જો આદિવાસીઓ શરૂઆત કરે તો સૌએ કરવી જ પડે. અને દાહોદે આ કરી બતાવ્યું છે.

આજે મને એક દિવ્યાંગ દંપતીને મળવાની તક મળી, અને મને આશ્ચર્ય એ વાતનું થયું કે સરકારે હજારો રૂપિયાની મદદ કરી, તેઓએ એક કોમન સર્વિસ સેન્ટર શરૂ કર્યું, પણ તેઓ ત્યાં અટક્યા નહીં, અને તેઓએ મને કહ્યું કે સાહેબ હું દિવ્યાંગ છું અને તમે આટલી મદદ કરી, પણ મેં નક્કી કર્યું છે કે જો હું મારા ગામમાં કોઈ દિવ્યાંગ વ્યક્તિની સેવા કરીશ તો હું તેની પાસેથી એક પૈસો પણ નહીં લઉં, હું આ પરિવારને સલામ કરું છું.

ભાઈઓ, મારા આદિવાસી પરિવારનાં સંસ્કાર જુઓ, આપણને શીખવા મળે એવા એમના સંસ્કાર છે. આપણી વનબંધુ કલ્યાણ યોજના, જનજાતીય પરિવારો એમના માટે પોતાના ચિંતા કરતા રહ્યા, ખાસ કરીને સિકલસેલની બીમારી, આટલી બધી સરકારો આવીને ગઈ, સિકલસેલની ચિંતા કરવા માટે જે મૂળભૂત મહેનત જોઇએ એ કામ અમે લીધું અને આજે સિકલસેલ માટે મોટા પાયે કામ ચાલી રહ્યું છે. અને હું આપણા આદિવાસી પરિવારોને વિશ્વાસ આપું છું કે વિજ્ઞાન જરૂર આપણી મદદ કરશે, વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે અને વર્ષોથી આ પ્રકારની સિકલસેલની બીમારીને લીધે ખાસ કરીને મારા આદિવાસી દીકરા-દીકરીઓએ સહન કરવું પડતું હતું, એવી મુસીબતમાંથી બહાર લાવવા માટે અમે મહેનત કરી રહ્યા છીએ.

ભાઇઓ-બહેનો,

આ આઝાદીનો અમૃત ઉત્સવ છે, દેશ આઝાદીનાં 75 વર્ષ ઉજવી રહ્યો છે, પરંતુ આ દેશની કમનસીબી રહી છે કે સાત દાયકા વીતી ગયા, પરંતુ આઝાદીના જે મૂળ લડવાવાળા રહ્યા એમની સાથે ઈતિહાસે આંખ આડા કાન કર્યા, એમને જે હક મળવો જોઇએ એ ન મળ્યો, હું જ્યારે ગુજરાતમાં હતો ત્યારે મેં એમના માટે જહેમત ઉઠાવી હતી. તેમની 20-22 વર્ષની ઉંમરમાં, ભગવાન બિરસા મુંડા મારા આદિવાસી નવયુવક, ભગવાન બિરસા મુંડાએ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કરીને અંગ્રેજોના દાંત ખાટા કરી દીધા હતા. અને લોકો તેમને ભૂલી ગયા, આજે અમે ઝારખંડમાં ભગવાન બિરસા મુંડાનું ભવ્ય મ્યુઝિયમ બનાવી દીધું છે.

ભાઈઓ અને બહેનો, મારે દાહોદના ભાઈઓ અને બહેનોને, ખાસ કરીને શૈક્ષણિક જગતના લોકોને વિનંતી કરવી છે કે, તમે જાણતા જ હશો કે 15મી ઓગસ્ટ, 26 જાન્યુઆરી, 1લી મેની ઉજવણી વિવિધ જિલ્લાઓમાં તેઓ કરતા હતા. એકવાર દાહોદમાં જ્યારે ઉત્સવ હતો ત્યારે દાહોદના આદિવાસીઓએ કેટલું નેતૃત્વ કર્યું, કેટલા મોરચા સંભાળ્યા હતા, આપણા દેવગઢ બારિયામાં આદિવાસીઓએ 22 દિવસ સુધી જે યુદ્ધ કર્યું, આપણા માનગઢ પર્વતની શૃંખલામાં આપણા આદિવાસીઓએ અંગ્રેજોને નાકે દમ લાવી દીધો હતો. અને આપણે ગોવિંદગુરુને ભૂલી શકતા જ નથી, અને અમારી સરકારે માનગઢમાં ગોવિંદગુરુનું સ્મારક બનાવીને આજે પણ તેમના બલિદાનને યાદ કરવાનું કામ કર્યું છે. આજે હું દેશને કહેવા માગું છું, અને તેથી હું દાહોદની શાળાઓને, દાહોદના શિક્ષકોને વિનંતી કરું છું કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેવગઢ બારિયા હોય, લીમખેડા હોય, લીમડી હોય, દાહોદ હોય, સંતરામપુર હોય, ઝાલોદ હોય તેમાં કોઈ વિસ્તાર એવો ન હતો કે ત્યાંના આદિવાસીઓ અંગ્રેજોની સામે તીર-કમાન લઈને યુદ્ધના મેદાનમાં ઉતર્યા ન હોય, ઈતિહાસમાં આ લખાયેલું છે, અને કોઈને ફાંસી અપાઇ હતી, અને જેવો હત્યાકાંડ અંગ્રેજોએ જલિયાંવાલા બાગમાં કર્યો એવો જ નરસંહાર તેના આપણા આ આદિવાસી વિસ્તારમાં થયો હતો. પણ ઈતિહાસે બધું ભૂલવી દીધું, આઝાદીના 75 વર્ષ નિમિત્તે આ બધી બાબતોમાંથી આપણા આદિવાસી ભાઈ-બહેનોને પ્રેરણા મળે, શહેરમાં વસતી નવી પેઢીને પ્રેરણા મળે અને તેથી શાળામાં તેના માટે નાટક લખાવા જોઈએ, ગીતો લખાવા જોઈએ, આ નાટકો શાળામાં રજૂ કરવામાં આવે, અને તે સમયની ઘટનાઓ લોકોમાં તાજી કરવામાં આવે, ગોવિંદગુરુનું જે બલિદાન હતું, ગોવિંદગુરુની જે તાકાત હતી, એની પણ આપણો આદિવાસી સમાજ તેમની પૂજા કરે છે, પરંતુ આવનારી પેઢીને પણ તે વિશે ખબર પડે એ માટે આપણે પ્રયાસ કરવા જોઇએ.

ભાઇઓ-બહેનો, આપણો આદિવાસી સમાજ, મારા મનમાં એક સપનું હતું કે, મારા આદિવાસી દીકરા-દીકરીઓ ડૉકટર બને, નર્સિંગમાં જાય, હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો ત્યારે ઉમરગામથી અંબાજી સમગ્ર આદિવાસી વિસ્તારમાં શાળાઓ હતી, પરંતુ વિજ્ઞાન સાથેની શાળાઓ ન હતી. જ્યારે વિજ્ઞાનની કોઈ શાળા જ ન હોય, ત્યારે મારો આદિવાસી દીકરો કે દીકરી એન્જિનિયર કેવી રીતે બની શકે, ડૉક્ટર કેવી રીતે બની શકે,  તેથી મેં વિજ્ઞાનની શાળાઓથી શરૂઆત કરી હતી, કે આદિવાસીઓના દરેક તાલુકામાં એક-એક વિજ્ઞાનની શાળા બનાવીશ અને આજે મને ખુશી છે કે આદિવાસી જિલ્લાઓમાં મેડિકલ કૉલેજ, ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ, નર્સિંગની કોલેજ ચાલી રહી છે અને મારા આદિવાસી દીકરા-દીકરીઓ ડૉક્ટર બનવા તત્પર છે. અહીંના દીકરાઓ અભ્યાસ માટે વિદેશ ગયા છે, ભારત સરકારની યોજના હેઠળ વિદેશ ભણવા ગયા છે, ભાઈઓ અને બહેનો, પ્રગતિની દિશા કેવી હોય, એની દિશા અમે બતાવી છે અને અમે તે રસ્તે ચાલી રહ્યા છીએ. આજે દેશભરમાં સાડી સાતસો એકલવ્ય મોડલ સ્કૂલો છે, એટલે કે લગભગ દરેક જિલ્લામાં એકલવ્ય મોડલ સ્કૂલ  અને તેના લક્ષ્યને પૂર્ણ કરવા માટે કાર્યરત છીએ. આપણા આદિવાસી સમુદાયના બાળકોને એકલવ્ય શાળામાં આધુનિકથી આધુનિક શિક્ષણ મળે એની અમે ચિંતા કરી રહ્યા છીએ.

આઝાદી પછી આદિજાતિ સંશોધન સંસ્થા માત્ર 18 બની, સાત દાયકામાં માત્ર 18, મારા આદિવાસી ભાઈઓ અને બહેનો મને આશીર્વાદ આપો, મેં સાત વર્ષમાં બીજી 9 બનાવી દીધી. કેમ પ્રગતિ થાય છે અને કેટલા મોટા પાયે પ્રગતિ થાય છે એનું આ ઉદાહરણ છે. અમે પ્રગતિ કેમ થાય તેની ચિંતા કરીએ છીએ, અને તેથી જ મેં બીજું કામ લીધું છે, તે સમયે પણ, મને યાદ છે કે હું લોકોની વચ્ચે જીવતો હતો, તેથી મને નાની-નાની બાબતો જાણવા મળી જતી, 108ની જે અમે સેવા આપતા હતા, જ્યારે હું અહીં દાહોદ આવ્યો હતો ત્યારે મને કેટલાંક બહેનો મળ્યા, મને ઓળખ હતી, અહીં જ્યારે આવતો ત્યારે એમના ઘરે ભોજન માટે પણ જતો હતો. ત્યારે તે બહેનોએ મને કહ્યું કે સાહેબ આ 108માં તમે એક કામ કરો, મેં કહ્યું શું કરું, ત્યારે કહ્યું કે અમારે ત્યાં સાપ કરડવાને લીધે જ્યારે 108માં લઈ જઈએ છીએ ત્યારે ઝેર ચઢી જાય છે અને અમારા પરિવારના લોકોનું સર્પદંશને લીધે મૃત્યુ થઈ જાય છે. દક્ષિણ ગુજરાતમાં પણ આ જ સમસ્યા છે, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ આ સમસ્યા છે, પછી મેં નક્કી કર્યું કે 108માં સર્પદંશની જે ઇન્જેક્શન તાત્કાલિક આપવું પડે અને લોકોને બચાવી શકાય, આજે 108માં આ સેવા ચાલી રહી છે.

પશુપાલન, આજે આપણા પંચમહાલની ડેરી ધમધમી રહી છે, આજે તેનું નામ થયું છે, નહીંતર પહેલાં કોઈ પૂછતું પણ ન હતું. વિકાસના તમામ ક્ષેત્રોમાં ગુજરાત આગળ વધે, મને આનંદ થયો કે લગભગ દરેક ગામમાં સખી મંડળ ચાલી રહ્યા છે. અને બહેનો પોતે સખી મંડળનું નેતૃત્વ કરી રહી છે. અને મારા સેંકડો, હજારો આદિવાસી પરિવારોને તેનો લાભ મળી રહ્યો છે, એક બાજુ આર્થિક પ્રગતિ, બીજી બાજુ આધુનિક ખેતી, ત્રીજી તરફ જીવનની સુખસુવિધા માટે પાણી હોય, ઘર હોય, વીજળી હોય, શૌચાલય હોય, આવી નાની નાની વસ્તુઓ, અને બાળકો જ્યાં ભણવા માગતા હોય ત્યાં સુધી અભ્યાસ કરી શકે, આવી વ્યવસ્થા, આવી ચારેય દિશામાં પ્રગતિનું કામ આપણે કરી રહ્યા છીએ, ત્યારે આજે જ્યારે હું દાહોદ જિલ્લામાં સંબોધન કરી રહ્યો છું, અને મારા ઉમરગામથી અંબાજી સુધીના તમામ આદિવાસી નેતાઓ મંચ પર બેઠેલા છે, બધા આગેવાનો પણ અહીં હાજર છે, ત્યારે મારી એક ઈચ્છા છે, તમે મારી આ ઈચ્છા પૂરી કરી દો. કરશો? જરા તમારો હાથ ઊંચો કરો અને મને ખાતરી આપો, તમે તે પૂરી કરશો? ખરેખર, આ કૅમેરા બધું રેકોર્ડ કરી રહ્યો છે, હું ફરીથી તપાસ કરીશ, સૌ કરશો ને, તમે મને ક્યારેય નિરાશ નથી કર્યા, એ મને ખબર છે, અને મારો આદિવાસી ભાઈ એકલો પણ બોલે કે હું કરીશ, તો મને ખબર છે, તે કરી બતાવે છે, આપણે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આપણે દરેક જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં આપણે 75 મોટા તળાવ બનાવી શકીએ છીએ? અત્યારથી જ કામ શરૂ કરો અને દરેક જિલ્લામાં 75 તળાવ, અને આ વરસાદી પાણી તેમાં જાય, એનો સંકલ્પ લો, અંબાજીથી ઉમરગામનો આખો પટ્ટો પાણીદાર બની જશે. અને તેની સાથે અહીંનું જનજીવન પણ પાણીદાર બની જશે. અને તેથી આઝાદીના અમૃત મહોત્સવને આપણે પાણીદાર બનાવવા માટે પાણીનો ઉત્સવ કરીને, પાણી માટે તળાવ બનાવીને એક નવી ઊંચાઇ પર લઈ જઈએ અને જે અમૃત કાળ છે, આઝાદીના 75 વર્ષ અને આઝાદીના 100 વર્ષ વચ્ચે જે 25 વર્ષનો અમૃત કાળ છે, આજે જે 18-20 વર્ષના યુવા છે, એ વખતે તેઓ સમાજમાં નેતૃત્વ કરતા હશે, જ્યાં હશે ત્યાં નેતૃત્વ કરતા હશે, ત્યારે દેશ એવી ઊંચાઇએ પહોંચ્યો હોય, એના માટે મજબૂતીથી કામ કરવાનો આ સમય છે. અને મને પૂરો વિશ્વાસ છે કે મારા આદિવાસી ભાઈ-બહેનો એ કાર્યમાં પાછળ નહીં હટે, મારું ગુજરાત ક્યારેય પાછળ નહીં હટે એવો મને પૂર્ણ વિશ્વાસ છે. તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા, મને આશીર્વાદ આપ્યા, માન-સન્માન આપ્યું, હું તો તમારા ઘરનો માણસ છું. હું તમારી વચ્ચે મોટો થયો છું. તમારી પાસેથી ઘણું શીખીને હું આગળ વધ્યો છું. મારા પર આપના અનેક ઋણ છે, અને તેથી જ્યારે પણ મને આપનું ઋણ અદા કરવાનો મોકો મળે છે, ત્યારે હું તેને જવા દેતો નથી. અને મારા વિસ્તારનું ઋણ ચૂકવવાની કોશીશ કરું છું. ફરી એકવાર, હું આદિવાસી સમાજના, સ્વતંત્રતાના તમામ યોદ્ધાઓને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું તેમને નમન કરું છું. અને આવનારી પેઢીઓ હવે ભારતને આગળ લઈ જવા માટે ખભે ખભા મિલાવીને આગળ આવે, એવી આપ સૌને શુભકામનાઓ પાઠવું છું.

મારી સાથે બોલો

ભારત માતા કી-જય

ભારત માતા કી-જય

ભારત માતા કી-જય

ખૂબ ખૂબ ધન્યવાદ!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Raj Kapoor’s Iconic Lantern Donated To PM Museum In Tribute To Cinematic Icon

Media Coverage

Raj Kapoor’s Iconic Lantern Donated To PM Museum In Tribute To Cinematic Icon
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi to participate in the Post-Budget Webinar on "Agriculture and Rural Prosperity"
February 28, 2025
QuoteWebinar will foster collaboration to translate the vision of this year’s Budget into actionable outcomes

Prime Minister Shri Narendra Modi will participate in the Post-Budget Webinar on "Agriculture and Rural Prosperity" on 1st March, at around 12:30 PM via video conferencing. He will also address the gathering on the occasion.

The webinar aims to bring together key stakeholders for a focused discussion on strategizing the effective implementation of this year’s Budget announcements. With a strong emphasis on agricultural growth and rural prosperity, the session will foster collaboration to translate the Budget’s vision into actionable outcomes. The webinar will engage private sector experts, industry representatives, and subject matter specialists to align efforts and drive impactful implementation.