નમસ્કાર!
કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી પરિષદના મારા સાથી સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાજી, મંત્રી મંડળના મારા અન્ય તમામ સહયોગી, વરિષ્ઠ અધિકારીગણ, દેશભરમાંથી જોડાયેલા સરકારી અને ખાનગી દવાખાનાઓના ડોકટરો, આરોગ્ય વ્યાવસ્થાપન સાથે જોડાયેલ લોકો, કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભવ અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
21મી સદીમાં આગળ વધી રહેલા ભારત માટે આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. વિતેલા સાત વર્ષોમાં દેશની સ્વાસ્થ્ય સુવિધાઓને મજબૂત કરવાનું જે અભિયાન ચાલી રહ્યું છે, તે આજથી એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે અને આ સામાન્ય તબક્કો નથી, તે અસામાન્ય પડાવ છે. આજે એક એવા મિશનની શરૂઆત થવા જઈ રહી છે કે જેમાં ભારતની સ્વાસ્થ્ય સુવિધાઓમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાની બહુ મોટી તાકાત રહેલી છે.
સાથીઓ,
ત્રણ વર્ષ પહેલા પંડિત દિન દયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતીના અવસર પર પંડિતજીને સમર્પિત આયુષ્માન ભારત યોજના આખા દેશમાં લાગુ કરવામાં આવી હતી. મને ખુશી છે કે આજથી આયુષ્માન ભારત ડિજિટલ મિશન પણ આખા દેશમાં શરૂ કરવામાં આવી રહ્યું છે. આ મિશન, દેશના ગરીબ અને મધ્યમ વર્ગના ઈલાજમાં આવતી જે તકલીફો છે તે તકલીફોને દૂર કરવામાં બહુ મોટી ભૂમિકા નિભાવશે. ટેકનોલોજીના માધ્યમથી દર્દીઓને આખા દેશના હજારો દવાખાનાઓ સાથે જોડવાનું જે કામ આયુષ્માન ભારતે કર્યું છે, આજે તેને પણ વિસ્તાર મળી રહ્યો છે, એક મજબૂત ટેકનોલોજી મંચ મળી રહ્યો છે.
સાથીઓ,
આજે ભારતમાં જે રીતે ટેકનોલોજીને સુશાસન માટે, શાસન વ્યવસ્થા સુધારવા માટેનો એક આધાર બનાવવામાં આવી રહી છે, તે પોતાની જાતમાં જ જન સામાન્યને સશક્ત કરી રહી છે, તે અભૂતપૂર્વ છે. ડિજિટલ ઈન્ડિયા અભિયાને ભારતના સામાન્ય માનવીને ડિજિટલ ટેકનોલોજી સાથે જોડીને, દેશની તાકાત અનેકગણી વધારી દીધી છે અને આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે આપણો દેશ ગર્વ સાથે કહી શકે છે, 130 કરોડ આધાર નંબર, 118 કરોડ મોબાઈલ સબ્સ્ક્રાઇબર્સ, લગભગ 80 કરોડ ઈન્ટરનેટ વપરાશકર્તાઓ, આશરે 43 કરોડ જનધન બેંક ખાતા, આટલું મોટું કનેકટેડ ઇન્ફ્રાસ્ટ્રકચર દુનિયામાં ક્યાંય નથી. આ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર, કરિયાણાથી લઈને વહીવટ વ્યવસ્થા સુધી દરેકને ઝડપી અને પારદર્શક રીતે સામાન્ય ભારતીય સુધી પહોંચાડી રહ્યું છે. યુપીઆઈના માધ્યમથી ગમે ત્યાં, ગમે ત્યારે, ડિજિટલ લેવડદેવડમાં આજે ભારત દુનિયામાં પોતાની ઓળખ બનાવી રહ્યું છે. હાલ દેશમાં જે ઇ-રૂપી વાઉચર શરૂ કરવામાં આવ્યું છે તે પણ એક શાનદાર પહેલ છે.
સાથીઓ,
ભારતના ડિજિટલ સમાધાનોએ કોરોના સાથે લડાઈમાં પણ દરેક ભારતીયને ખૂબ મદદ કરી છે, એક નવી તાકાત આપી છે. હવે જેમ કે આરોગ્ય સેતુ એપ વડે કોરોના ચેપને ફેલાતો રોકવામાં એક સજગતા આવવી, જાગૃતિ લાવવી, સંપૂર્ણ પરિસ્થિતિઓને ઓળખવી, પોતાની આસપાસ એક પરિસરને જાણવું, તેમાં આરોગ્ય સેતુ એપે બહુ મોટી મદદ કરી છે. તે જ રીતે સૌને રસી, મફત રસીકરણ અભિયાન અંતર્ગત ભારત આજે લગભગ લગભગ 90 કરોડ રસીના ડોઝ લગાવી શક્યું છે તમને તેનો રેકોર્ડ મળી શક્યો છે, પ્રમાણપત્ર ઉપલબ્ધ થયું છે, તો તેમાં કો-વિનની બહુ મોટી ભૂમિકા છે. નોંધણીથી લઈને પ્રમાણપત્ર સુધીનું આટલું મોટું ડિજિટલ મંચ, દુનિયાના મોટા મોટા દેશો પાસે નથી.
સાથીઓ,
કોરોના કાળમાં ટેલિ-મેડિસિનનો પણ અભૂતપૂર્વ વિસ્તાર થયો છે. ઇ-સંજીવનીના માધ્યમથી અત્યાર સુધી લગભગ સવા કરોડ રિમોટ કન્સલ્ટેશન પૂરા થઈ ચૂક્યા છે. આ સુવિધા દરરોજ દેશના દૂર-સુદૂરમાં રહેતા હજારો દેશવાસીઓને ઘરે બેઠા જ શહેરોના મોટા દવાખાનાઓના મોટા મોટા ડૉક્ટર્સ સાથે જોડી રહી છે. જાણીતાં ડૉક્ટર્સની સેવાઓ સરળ બની રહી છે. હું આજે આ અવસર પર દેશના તમામ ડૉક્ટર્સ, નર્સ, અને મેડિકલ સ્ટાફનો હ્રદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું. ભલે તે રસીકરણ હોય, કોરોનાના દર્દીઓનો ઈલાજ હોય, તેમના પ્રયાસ, કોરોનાની સરખામણીએ દેશને બહુ મોટી રાહત આપી શક્યા છે, બહુ મોટી મદદ કરી શક્યા છે.
સાથીઓ,
આયુષ્માન ભારત પીએમ જેએવાયએ ગરીબના જીવનની બહુ મોટી ચિંતા દૂર કરી છે. અત્યાર સુધી 2 કરોડથી વધુ દેશવાસીઓએ આ યોજના અંતર્ગત વિના મૂલ્યે ઈલાજની સુવિધાનો લાભ ઉઠાવ્યો છે અને તેમાં પણ અડધી લાભાર્થી આપણી માતાઓ છે, આપણી બહેનો છે, આપણી દીકરીઓ છે. તે પોતાનામાં જ શાંતિ આપનારી બાબત છે, મનને સંતોષ આપનારી વાત છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણાં પરિવારોની સ્થિતિ, સસ્તા ઇલાજના અભાવે, સૌથી વધુ તકલીફ દેશની માતાઓ બહેનો જ ઊપાડતી હતી. ઘરની ચિંતા, ઘરના ખર્ચાની ચિંતા, ઘરના બીજા લોકોની ચિંતામાં આપણી માતાઓ બહેનો પોતાની ઉપર થનારા ઇલાજના ખર્ચને હંમેશા ટાળતી રહે છે, સતત ટાળવાની કોશિશ કરે છે, તે કાયમ એવું જ બોલ્યા કરે છે કે ના હમણાં સરખું થઈ જશે, ના ના આ તો એક જ દિવસનો સવાલ છે, અરે ના આમ જ એક પડીકું લઈ લઇશ તો સારું થઈ જશે કારણ કે માતાનું મન છે ને, તે દુઃખો ઉપાડી લે છે પરંતુ પરિવાર ઉપર કોઈ આર્થિક બોજ આવવા નથી દેતી.
સાથીઓ,
જેમણે આયુષ્માન ભારત અંતર્ગત અત્યાર સુધી ઈલાજનો લાભ લીધો છે અથવા તો પછી જેઓ ઈલાજ કરાવી રહ્યા છે તેમાંથી લાખો એવા સાથીઓ છે, કે જેઓ આ યોજના આવ્યા પહેલા દવાખાને જવાની હિંમત જ નહોતા કરી શકતા, ટાળતા રહેતા હતા. તેઓ તકલીફ સહન કરી લેતા હતા, જિંદગીની ગાડીને કોઈક રીતે ખેંચ્યા કરતાં હતા પરંતુ પૈસાની તંગીના કારણે દવાખાને નહોતા જઈ શકતા. આ તકલીફનો અનુભવ જ આપણને અંદરથી હચમચાવી મૂકે છે. હું એવા પરિવારોને મળેલો છું આ કોરોના કાળમાં અને તેની પહેલા આ આયુષ્માનની જ્યારે જે લોકો સેવાઓ લેતા હતા. કેટલાક વડીલો એવું કહેતા હતા કે હું એટલા માટે ઈલાજ નહોતો કરાવતો હતો કારણ કે હું મારા સંતાનો પર કોઈ દેવું છોડીને જવા નહોતો માંગતો. પોતે સહન કરી લેશે, બની શકે કે જલ્દી જવું પડે, ઈશ્વર બોલાવી લે તો જતાં રહીશું પરંતુ બાળકો પર સંતાનો પર કોઈ આર્થિક દેવું છોડીને નથી જવું, એટલા માટે ઉપચાર નહોતા કરાવતા અને અહિયાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણામાંથી મોટાભાગનાઓએ પોતાના પરિવારોમાં, આપણી આસપાસ, આવા અનેક લોકોને જોયા હશે. આપણામાંથી ઘણાખરા લોકો આ જ પ્રકારની ચિંતાઓમાંથી પોતે પણ પસાર થયા હશે.
સાથીઓ,
અત્યારે તો કોરોના કાળ છે, પરંતુ તેની પહેલા, હું દેશમાં જ્યારે પણ પ્રવાસ કરતો હતો, રાજ્યોમાં જતો હતો તો મારો પ્રયાસ રહેતો હતો કે આયુષ્માન ભારતના લાભાર્થીઓને જરૂરથી મળું. હું તેમને મળતો હતો, તેમની સાથે વાત કરતો હતો. તેમની તકલીફો, તેમના અનુભવો, તેમના સૂચનો, હું તેમની પાસેથી સીધા લેતો હતો. આ વાત જોકે મીડિયામાં અને સાર્વજનિકરૂપે વધારે ચર્ચામાં નથી આવી પરંતુ મેં તેને મારૂ નિત્ય કર્મ બનાવી દીધું હતું. આયુષ્માન ભારતના સેંકડો લાભાર્થીઓને હું પોતે રૂબરૂ મળી ચૂક્યો છું અને હું કઈ રીતે ભૂલી શકું છું તે વૃદ્ધ માતાને, જે વર્ષો સુધી તકલીફ સહન કર્યા પછી પથરીનું ઓપરેશન કરાવી શકી હતી, તે નવયુવાન જે કિડનીની બીમારીથી ગ્રસ્ત હતો, કોઈને પગમાં તકલીફ હતી, કોઈ ને કરોડરજ્જુમાં તકલીફ, તેમના ચહેરા હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. આજે આયુષ્માન ભારત એવા તમામ લોકો માટે બહુ મોટું બળ બની છે. થોડા સમય પહેલા જે ફિલ્મ અહિયાં બતાવવામાં આવી છે, જે કૉફી ટેબલ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું તેમાં ખાસ કરીને તે માતાઓ બહેનોની ચર્ચા વિસ્તાર પૂર્વક કરવામાં આવી છે. વિતેલા 3 વર્ષોમાં જે હજારો કરોડ રૂપિયા સરકારે વહન કર્યા છે તેનાથી લાખો પરિવાર ગરીબીના કુચક્રમાં ફસાવાથી બચ્યા છે. કોઈ ગરીબ નથી રહેવા માંગતુ, તનતોડ મહેનત કરીને ગરીબીમાંથી બહાર નીકળવા માટે દરેક વ્યક્તિ પ્રયાસ કરે છે, અવસર શોધ્યા કરે છે. ક્યારેક તો લાગે છે કે હા બસ, હવે થોડાક જ સમયમાં હવે ગરીબીમાંથી બહાર આવી જઈશું અને અચાનક પરિવારમાં એક બીમારી આવી જાય તો બધી મહેનત ઉપર પાણી ફરી વળે છે. વળી પાછો તે પાંચ દસ વર્ષ પાછળ તે ગરીબીના ચક્રમાં ફસાઈ જાય છે. બીમારી આખા પરિવારને ગરીબીના કુચક્રમાંથી બહાર આવવા નથી દેતી અને એટલા માટે આયુષ્માન ભારત સહિત હેલ્થકેર સાથે જોડાયેલ જે પણ ઉકેલો સરકાર સામે લાવી રહી છે, તે દેશના વર્તમાન અને ભવિષ્યમાં એક બહુ મોટું રોકાણ છે.
ભાઈઓ અને બહેનો,
આયુષ્માન ભારત – ડિજિટલ મિશન, દવાખાનાઓમાં પ્રક્રિયાઓને સરળ બનાવવાની સાથે જ જીવન જીવવાની સરળતાને વધારશે. વર્તમાન સમયમાં દવાખાનાઓમાં ટેકનોલોજીનો જે ઉપયોગ થઈ રહ્યો છે, તે અત્યારે માત્ર એક જ દવાખાના અથવા તો એક જ જૂથ સુધી સીમિત રહે છે. નવા દવાખાના અથવા નવા શહેરોમાં જ્યારે દર્દી જાય છે, તો તેને પાછું તે જ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ડિજિટલ આરોગ્ય રેકોર્ડ્સના અભાવમાં તેને વર્ષો વર્ષથી ચાલતી આવી રહેલ ફાઈલો લઈને જવું પડે છે. આકસ્મિક પરિસ્થિતિમાં તો એ શક્ય પણ નથી બની શકતું. તેનાથી દર્દી અને ડૉક્ટર બંનેનો ઘણો બધો સમય પણ બરબાદ થાય છે, તકલીફો પણ વધારે થાય છે અને ઈલાજનો ખર્ચ પણ ખૂબ વધારે વધી જાય છે. આપણે અવારનવાર જોઈએ છીએ કે ઘણા બધા લોકોની પાસે દવાખાને જતી વખતે તેમનો મેડિકલ રેકોર્ડ જ નથી હોતો. એવામાં જે ડોક્ટરની સલાહ હોય છે, તપાસ હોય છે, તે તેને બિલકુલ શૂન્યથી શરૂ કરવી પડે છે, નવી રીતે શરૂ કરવી પડે છે. મેડિકલ હિસ્ટ્રીનો રેકોર્ડ ના હોવાના કારણે સમય પણ વધારે લાગે છે અને ખર્ચ પણ વધી જાય છે અને ક્યારેક ક્યારેક તો ઈલાજ વિરોધાભાસી પણ થઈ જાય છે, અને આપણાં ગામડા ગામમાં રહેનારા ભાઈ બહેનો તો આના લીધે બહુ તકલીફ ભોગવતા હોય છે. એટલું જ નહિ, ડૉક્ટર્સની ક્યારેય છાપાઓમાં જાહેરાત તો આવતી નથી હોતી. કાનો કાન વાત પહોંચી જતી હોય છે કે ફલાણા ડૉક્ટર સારા છે, હું ગયો હતો તો સારું થઈ ગયું. હવે તેના કારણે ડૉક્ટર્સની માહિતી દરેકની પાસે પહોંચશે કે ભાઈ હા કોણ આવા મોટા મોટા ડૉક્ટર છે, કોણ આ વિષયના જાણકાર છે, કોની પાસે પહોંચવું જોઈએ, નજીકમાં કોણ છે, જલ્દીથી ક્યાં પહોંચી શકાય છે, બધી સુવિધાઓ અને તમે જાણો છો અને હું એક વાત કહેવા માંગીશ આ બધા જ નાગરિકોને આ પ્રકારની તકલીફમાંથી મુક્તિ અપાવવામાં આયુષ્માન ભારત ડિજિટલ મિશન મોટી ભૂમિકા નિભાવશે. સાથીઓ,
આયુષ્માન ભારત – ડિજિટલ મિશન, હવે આખા દેશના દવાખાનાઓના ડિજિટલ આરોગ્ય ઉકેલોને એક બીજા સાથે જોડશે. તેના અંતર્ગત દેશવાસીઓને હવે એક ડિજિટલ આરોગ્ય આઈડી મળશે. દરેક નાગરિકનો આરોગ્ય રેકોર્ડ ડિજિટલ રીતે સુરક્ષિત રહેશે. ડિજિટલ આરોગ્ય આઈડીના માધ્યમથી દર્દી પોતે પણ અને ડૉક્ટર પણ જૂના રેકોર્ડને જરૂર પડ્યે ચેક કરી શકે છે. એટલું જ નહિ, તેમાં ડૉક્ટર્સ, નર્સ, પેરા મેડિક્સ જેવા સાથીઓની પણ નોંધણી થશે. દેશના જે દવાખાનાઓ છે, ક્લિનિક છે, પ્રયોગશાળાઓ છે, દવાની દુકાનો છે, એ તમામની પણ નોંધણી થશે. એટલે કે આ ડિજિટલ મિશન, આરોગ્ય સાથે જોડાયેલ દરેક હિતધારકને એક સાથે એક જ મંચ પર લઈ જશે.
સાથીઓ,
આ મિશનનો સૌથી મોટો લાભ દેશના ગરીબો અને મધ્યમ વર્ષના લોકોને થશે. એક સુવિધા તો એ રહેશે કે દર્દીને દેશમાં ગમે ત્યાં એવો ડૉક્ટર શોધવામાં સરળતા રહેશે જે તેની ભાષા પણ જાણતો હોય અને સમજતો હોય અને તેની બીમારીના ઉત્તમમાં ઉત્તમ ઈલાજનો અનુભવી પણ હોય. તેનાથી દર્દીને દેશના કોઈપણ ખૂણામાં પણ રહેલા તજજ્ઞ ડૉક્ટર સાથે સંપર્ક કરવામાં સરળતા રહેશે. માત્ર ડૉક્ટર્સ જ નહિ, પરંતુ વધુ સારા ટેસ્ટ માટે પ્રયોગશાળાઓ અને દવાની દુકાનોની ઓળખ પણ સરળતાથી શક્ય થઈ શકશે.
સાથીઓ,
આ આધુનિક મંચ પરથી ઈલાજ અને આરોગ્ય કાળજી નીતિ નિર્ધારણ સાથે જોડાયેલ સંપૂર્ણ ઇકો સિસ્ટમ હજી વધારે અસરકારક બનવાનું છે. ડૉક્ટર અને દવાખાનાઓ આ મંચનો ઉપયોગ પોતાની સેવાઓને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પુરી પાડવા માટે કરી શકશે. અસરકારક અને વિશ્વાસપાત્ર ડેટાની સાથે તેનાથી ઈલાજ પણ વધુ સારો થશે અને દર્દીઓની પણ બચત થશે.
ભાઈઓ અને બહેનો,
દેશમાં સ્વાસ્થ્ય સેવાઓને સહજ અને સુલભ બનાવવાનું જે અભિયાન આજે આખા દેશમાં શરૂ થયું છે, તે 6-7 વર્ષથી ચાલી રહેલ સતત પ્રક્રિયાનો એક ભાગ છે. વિતેલા વર્ષોમાં ભારતે દેશમાં આરોગ્ય સાથે જોડાયેલ દાયકાઓ જૂની વિચારધારા અને પહોંચમાં પરિવર્તન કર્યું છે. હવે ભારતમાં એક એવા આરોગ્ય મોડલ પર કામ ચાલી રહ્યું છે, જે સમગ્રતયા હોય, સમાવેશી હોય. એક એવું મોડલ, જેમાં બીમારીઓથી બચાવ પર ભાર મૂકવામાં આવે – એટલે કે અટકાયતી આરોગ્ય કાળજી, બીમારીની સ્થિતિમાં ઈલાજ સુલભ થઈ શકે, સસ્તો હોય અને સૌની પહોંચમાં હોય. યોગ અને આયુર્વેદ જેવી આયુષની આપણી પરંપરાગત ચીકીત્સા પદ્ધતિ ઉપર ભાર મૂકવામાં આવે, એવા બધા જ કાર્યક્રમો ગરીબ અને મધ્યમ વર્ગને બીમારીના કુચક્રથી બચાવવા માટે શરૂ કરવામાં આવ્યા છે. દેશમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ અને વધુ સારા ઈલાજની સુવિધાઓ, દેશના ખૂણે ખૂણા સુધી પહોંચાડવા માટે નવી સ્વાસ્થ્ય નીતિ બનાવવામાં આવી. આજે દેશમાં એઇમ્સ જેવા બહુ મોટા અને આધુનિક સ્વાસ્થ્ય સંસ્થાનોનું નેટવર્ક પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. દર 3 લોકસભા ક્ષેત્રની વચ્ચે એક મેડિકલ કોલેજનું નિર્માણ પણ ચાલી રહ્યું છે.
સાથીઓ,
ભારતમાં સ્વાસ્થ્ય સુવિધાઓને વધુ સારી બનાવવા માટે ખૂબ જરૂરી છે કે ગામડાઓમાં જે ઈલાજની સુવિધા મળે છે, તેમાં સુધારો થાય. આજે દેશમાં ગામ અને ઘરની નજીક જ, ખાનગી આરોગ્ય કાળજી સાથે જોડાયેલ નેટવર્કને આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો દ્વારા સશક્ત કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી આવા લગભગ 80 હજાર કેન્દ્રો ચાલુ થઈ ચૂક્યા છે. આ કેન્દ્રો, રૂટિન ચેકઅપ અને રસીકરણથી લઈને ગંભીર બીમારીઓની શરૂઆતની તપાસ અને અનેક પ્રકારના પરિક્ષણોની સુવિધાઓથી સજ્જ છે. પ્રયાસ એ છે કે આ કેન્દ્રોના માધ્યમથી જાગૃતિ વધે અને સમય રહેતા ગંભીર બીમારીઓની ખબર પડી શકે.
સાથીઓ,
કોરોના વૈશ્વિક મહામારીના આ યુગમાં, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણને સતત ગતિ આપવામાં આવી રહી છે. દેશના જિલ્લા દવાખાનાઓમાં ગંભીર કાળજી બ્લોક્સનું ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવામાં આવી રહ્યું છે, બાળકોના ઈલાજ માટે જિલ્લા અને બ્લોકના દવાખાનાઓમાં વિશેષ સુવિધાઓ બની રહી છે. જિલ્લા સ્તરના દવાખાનાઓમાં પોતાના ઑક્સીજન પ્લાન્ટ્સ પણ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.
સાથીઓ,
ભારતના આરોગ્ય ક્ષેત્રને પરિવર્તિત કરવા માટે મેડિકલ શિક્ષણમાં પણ અભૂતપૂર્વ સુધારાઓ થઈ રહ્યા છે. 7-8 વર્ષ પહેલાંની સરખામણીમાં આજે વધારે ડૉક્ટર્સ અને પેરા મેડિકલ મેન પાવર દેશમાં તૈયાર થઈ રહ્યો છે. માત્ર માનવબળ જ નહિ, પરંતુ આરોગ્ય સાથે જોડાયેલ આધુનિક ટેકનોલોજી, બાયો ટેકનોલોજી સાથે જોડાયેલ સંશોધન, દવાઓ અને સાધનોમાં આત્મનિર્ભરતાને લઈને પણ દેશમાં મિશન મોડ પર કામ ચાલી રહ્યું છે. કોરોનાની રસીના વિકાસ અને ઉત્પાદનમાં ભારતે જે રીતે પોતાનું સામર્થ્ય દેખાડ્યું છે, તે આપણને ગર્વથી ભરી દે છે. સ્વાસ્થ્ય સાધનો અને દવાઓના કાચા માલ માટે પીએલઆઇ યોજના વડે પણ આ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત અભિયાનને ખૂબ તાકાત મળી રહી છે.
સાથીઓ,
વધુ સારી આરોગ્ય સુવિધા સાથે જ, એ પણ જરૂરી છે કે ગરીબ અને મધ્યમ વર્ગનો દવાઓ પર ઓછામાં ઓછો ખર્ચ થાય. એટલા માટે કેન્દ્ર સરકારે જરૂરી દવાઓ, સર્જરીનો સામાન, ડાયાલીસીસ જેવી અનેક સેવાઓ અને સામાનને સસ્તો રાખ્યો છે. ભારતમાં જ બનનારી દુનિયાની શ્રેષ્ઠ જેનરિક દવાઓનો ઈલાજમાં વધુમાં વધુ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. 8 હજાર કરતાં વધુ જન ઔષધિ કેન્દ્રોએ તો ગરીબ અને મધ્યમ વર્ગને બહુ મોટી રાહત આપી છે અને મને જન ઔષધિ કેન્દ્રોમાંથી જે દવાઓ લે છે તેવા દર્દીઓને પણ છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી વાર વાત કરવાનો અવસર મળ્યો અને મેં જોયું છે કે કેટલાક પરિવારોમાં આવા લોકોને દૈનિક કેટલીક દવાઓ લેવી પડે છે, કેટલીક ઉંમર અને કેટલીક બીમારીઓના કારણે. આ જન ઔષધિ કેન્દ્રોના કારણે આવા મધ્યમ વર્ગીય પરિવારના હજાર પંદરસો, બબ્બે હજાર રૂપિયા દર મહિને બચાવી રહ્યા છે.
સાથીઓ,
એક સંયોગ એ પણ છે કે આજનો આ કાર્યક્રમ વિશ્વ પ્રવાસન દિવસ પર આયોજિત થઈ રહ્યો છે. કેટલાક લોકો વિચારે છે કે આરોગ્ય કાળજીના કાર્યક્રમને પ્રવાસન સાથે શું લેવા દેવાનું? પરંતુ આરોગ્યનો પ્રવાસન સાથે એક બહુ મોટો મજબૂત સંબંધ છે. કરણ કે જ્યારે આપણાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચરનું સંકલન થાય છે, મજબૂત થાય છે, તો તેનો પ્રભાવ પ્રવાસન ક્ષેત્ર ઉપર પણ પડે છે. શું કોઈ પ્રવાસી એવી જગ્યા પર આવવાનું પસંદ કરશે કે જ્યાં કોઈ આકસ્મિક પરિસ્થિતિમાં ઈલાજની સારી સુવિધાઓ જ ઉપલબ્ધ ના હોય? અને કોરોના પછી તો હવે એ વધારે મહત્વપૂર્ણ થઈ ગયું છે. જ્યાં રસીકરણ જેટલું વધારે હશે, પ્રવાસી ત્યાં જવામાં તેટલો જ સુરક્ષિત અનુભવ કરશે અને તમે જોયું હશે કે હિમાચલ હોય, ઉત્તરાખંડ હોય, સિક્કિમ હોય, ગોવા હોય, આ જે આપણાં પ્રવાસન ગંતવ્ય સ્થાનો વાળા રાજ્યો છે ત્યાં, ખૂબ ઝડપથી અંદામાન નિકોબાર હોય, ખૂબ ઝડપથી રસીકરણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કારણ કે પ્રવાસીઓ માટે મનમાં એક વિશ્વાસ ઉત્પન્ન થાય. આવનાર વર્ષોમાં એ બાબત સુનિશ્ચિત છે કે બધા જ પરિબળો હજી વધારે મજબૂત થશે. જે જે જગ્યાઓ ઉપર આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર વધુ સારું હશે, ત્યાં પ્રવાસનની સંભાવનાઓ વધારે સારી હશે એટલે કે દવાખાનાઓ અને આતિથ્ય સત્કાર એકબીજા સાથે મળીને ચાલશે.
સાથીઓ,
આજે દુનિયાનો ભરોસો, ભારતના ડૉક્ટર્સ અને આરોગ્ય વ્યવસ્થા પર સતત વધી રહ્યો છે. વિશ્વમાં આપણાં દેશના ડૉક્ટર્સે ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરી છે, ભારતનું નામ ઊંચું કર્યું છે. દુનિયાના મોટા મોટા લોકોને તમે પૂછશો તો કહેશે કે હા મારો એક ડૉક્ટર હિન્દુસ્તાની છે એટલે કે ભારતના ડૉક્ટર્સની ખ્યાતિ છે. ભારતનું ઇન્ફ્રાસ્ટ્રકચર જો મળી જાય તો દુનિયામાંથી આરોગ્ય માટે ભારત આવનારા લોકોની સંખ્યા વધવાની નક્કી છે. ઇન્ફ્રાસ્ટ્રકચરની અનેક મર્યાદાઓની વાંચે પણ લોકો ભારતમાં ઈલાજ કરાવવા માટે આવે છે તેની ક્યારેક ક્યારેક તો બહુ લાગણીસભર કથાઓ આપણને સાંભળવા મળે છે. નાના નાના બાળકો આપણાં આડોશ પડોશના દેશમાંથી પણ જ્યારે અહિયાં આવે છે તંદુરસ્ત બની ને પાછા જાય છે, પરિવાર ખુશ થઈ જાય, બસ જોઈને જ ખુશીઓ ફેલાઈ જાય છે.
સાથીઓ,
આપણાં રસીકરણ કાર્યક્રમ, કો-વિન ટેકનોલોજી મંચ અને ફાર્મા ક્ષેત્રએ આરોગ્ય ક્ષેત્રમાં ભારતની પ્રતિષ્ઠાને હજી વધારે વધારી છે. જ્યારે આયુષ્માન ભારત ડિજિટલ મિશન દ્વારા ટેકનોલોજીની નવી વ્યવસ્થાઓ વિકસિત થશે, તો દુનિયાના કોઈપણ દેશના દર્દીને ભારતના ડૉક્ટર્સ સાથે કન્સલ્ટ કરવા, ઈલાજ કરાવવા, પોતાનો રિપોર્ટ તેમને મોકલીને સલાહ લેવામાં ખૂબ સરળતા થઈ જશે. નિશ્ચિતપણે તેનો પ્રભાવ આરોગ્ય પ્રવાસન ઉપર પણ પડશે.
સાથીઓ,
સ્વસ્થ ભારતનો માર્ગ, આઝાદીના અમૃતકાળમાં, ભારતના મોટા સંકલ્પો સિદ્ધ કરવામાં, મોટા સપનાઓને સાકાર કરવા માટે ખૂબ જરૂરી છે. તેની માટે આપણે સાથે મળીને આપણાં પ્રયાસ ચાલી રાખવા પડશે. મને વિશ્વાસ છે, ચિકિત્સા ક્ષેત્ર સાથે જોડાયેલ તમામ વ્યક્તિ, આપણાં ડૉક્ટર્સ, પેરા મેડિક્સ, ચીકીત્સા સંસ્થાન, આ નવી વ્યવસ્થાને ઝડપથી આત્મસાત કરશે. એક વાર ફરી, આયુષ્માન ભારત – ડિજિટલ મિશન માટે હું દેશને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું !!
ખૂબ ખૂબ આભાર!!