પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ગેમ્સ મેસ્કોટ 'અષ્ટલક્ષ્મી' એ બાબતનું પ્રતીક છે કે કેવી રીતે પૂર્વોત્તરની આકાંક્ષાઓને નવી પાંખો મળી રહી છે
"ખેલો ઇન્ડિયાનાં રમતોત્સવનું આયોજન ભારતનાં દરેક ખૂણામાં થઈ રહ્યું છે, જેમાં ઉત્તરથી દક્ષિણ અને પશ્ચિમથી લઈને પૂર્વ સુધી" રમત-ગમતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે
"જેમ શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવે છે, તેવી જ રીતે આપણે રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારાઓનું સન્માન કરવાની પરંપરા વિકસાવવી જોઈએ. આવું કરવા માટે આપણે પૂર્વોત્તર પાસેથી શીખવું જોઈએ"
"ખેલો ઇન્ડિયા હોય, ટોપ્સ હોય કે અન્ય પહેલો હોય, આપણી યુવા પેઢી માટે શક્યતાઓની નવી ઇકોસિસ્ટમ ઊભી કરવામાં આવી રહી છે"
"આપણા એથ્લેટ્સને વૈજ્ઞાનિક અભિગમમાં મદદ કરવામાં આવે તો તેઓ કંઈપણ પ્રાપ્ત કરી શકે છે"

આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી મંત્રી શ્રી અનુરાગ ઠાકુરજી, આસામ સરકારના મંત્રીઓ, અન્ય મહાનુભાવો અને દેશના ખૂણે ખૂણેથી ઉપસ્થિત યુવા ખેલાડીઓ!

ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં તમારા બધા સાથે જોડાઈને મને ખૂબ જ આનંદ થાય છે. આ વખતે આ ગેમ્સ નોર્થ ઈસ્ટનાં સાત રાજ્યોમાં અલગ-અલગ શહેરોમાં યોજાવા જઈ રહી છે. આ રમતોનો માસ્કોટ પતંગિયા અષ્ટલક્ષ્મીને બનાવવામાં આવ્યો છે. હું ઘણી વાર ઉત્તર-પૂર્વનાં રાજ્યોને ભારતની અષ્ટલક્ષ્મી કહું છું. આ રમતોમાં પતંગિયાને માસ્કોટ બનાવવું એ એ વાતનું પણ પ્રતીક છે કે કેવી રીતે ઉત્તર પૂર્વની આકાંક્ષાઓને નવી પાંખો મળી રહી છે. આ ઈવેન્ટમાં ભાગ લેવા આવનાર તમામ ખેલાડીઓને હું મારી શુભકામનાઓ આપું છું. દેશના ખૂણે ખૂણેથી આવેલા આપ સૌ ખેલાડીઓએ ગુવાહાટીમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભવ્ય તસવીર બનાવી દીધી છે. તમે જોરદાર રમો, સખત રમો... જાતે જીતો... તમારી ટીમને જીતાડો... અને જો તમે હારી જાઓ તો પણ ટેન્શન ન લો. હારી જઈએ તો પણ અહીંથી ઘણું શીખીને જઈશું.

સાથીઓ,

મને ખુશી છે કે આજે ઉત્તરથી દક્ષિણ અને પશ્ચિમથી લઈને પૂર્વ ભારત સુધી દેશના દરેક ખૂણે રમતગમત સંબંધિત આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે આપણે અહીં નોર્થ ઈસ્ટમાં...ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના સાક્ષી બની રહ્યા છીએ. થોડા દિવસો પહેલા લદ્દાખમાં ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પહેલા તમિલનાડુમાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ યોજાઈ હતી. તેનાથી પણ પહેલા ભારતના પશ્ચિમ કિનારે દીવમાં પણ બીચ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનો દર્શાવે છે કે દેશના દરેક ખૂણે યુવાનોને રમવાની અને ખીલવાની વધુને વધુ તકો મળી રહી છે. તેથી, હું આસામ સરકાર અને અન્ય રાજ્ય સરકારોને પણ આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન આપું છું.

સાથીઓ,

આજે સમાજમાં રમતગમતને લઈને મન પણ બદલાયું છે અને મિજાજ પણ બદલાઈ ગયો છે. અગાઉ, કોઈને તેમનાં બાળકો સાથે પરિચય કરાવતી વખતે, માતાપિતા રમતગમતમાં તેની સફળતા વિશે કહેવાનું ટાળતા હતા. તેઓ વિચારતા કે જો તેઓ રમતગમતની વાત કરશે તો તે એવી છાપ પડશે છે કે બાળક ભણતો-ગણતો નથી. હવે સમાજની આ વિચારસરણી બદલાઈ રહી છે. હવે માતા-પિતા પણ ગર્વથી કહે છે કે તેનું બાળક સ્ટેટ્સ રમ્યું, નેશનલ્સ રમ્યું અથવા ઇન્ટરનેશનલ મેડલ જીતી લાવ્યું છે.

સાથીઓ,

આજે સમયની માગ એ છે કે આપણે રમતગમતને પ્રોત્સાહન આપવાની સાથે રમતગમતની ઉજવણી પણ કરીએ. અને આ ખેલાડીઓ કરતાં સમાજની જવાબદારી વધુ છે. જે રીતે 10મા કે 12મા બોર્ડનાં પરિણામ પછી સારા માર્કસ મેળવનાર બાળકોનું સન્માન કરવામાં આવે છે...જેમ બાળકો મોટી પરીક્ષામાં પાસ થયા બાદ સન્માન પામે છે...તે જ રીતે સમાજે એવાં બાળકોને સન્માનિત કરવાની પરંપરા પણ વિકસાવવી જોઈએ, જેઓ રમતગમતમાં સારું પ્રદર્શન કરે છે. અને આ માટે આપણે નોર્થ ઈસ્ટમાંથી પણ ઘણું શીખી શકીએ છીએ. સમગ્ર ઉત્તર પૂર્વમાં રમતગમત માટે જે સન્માન છે, ત્યાંના લોકો જે રીતે રમતગમતની ઉજવણી કરે છે તે અદ્‌ભૂત છે. તેથી, ફૂટબોલથી લઈને એથ્લેટિક્સ સુધી, બૅડમિન્ટનથી લઈને બોક્સિંગ સુધી, વેઈટ લિફ્ટિંગથી લઈને ચેસ સુધી, અહીંના ખેલાડીઓ દરરોજ તેમની પ્રતિભાથી નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યા છે. ઉત્તર-પૂર્વની આ ભૂમિએ રમતગમતને આગળ વધારવાની એક સંસ્કૃતિ વિકસાવી છે. મને વિશ્વાસ છે કે આ ટુર્નામેન્ટ માટે અહીં આવેલા તમામ ઍથ્લીટ્સ નવી વસ્તુઓ શીખશે અને તેને સમગ્ર ભારતમાં લઈ જશે.

સાથીઓ,

ખેલો ઈન્ડિયા હોય, ટોપ્સ હોય કે અન્ય એવાં અભિયાનો હોય, આજે આપણી યુવા પેઢી માટે નવી સંભાવનાઓની એક આખું ઈકોસિસ્ટમ તૈયાર થઈ રહી છે. તાલીમથી લઈને શિષ્યવૃત્તિ આપવા સુધી, આપણા દેશમાં ખેલાડીઓ માટે સાનુકૂળ વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આ વર્ષે રમતગમત માટે સાડા ત્રણ હજાર કરોડ રૂપિયાનું રેકોર્ડ બજેટ આપવામાં આવ્યું છે. અમે વૈજ્ઞાનિક અભિગમથી દેશની રમત પ્રતિભાને નવી તાકાત આપી છે. આનું જ પરિણામ છે કે આજે ભારત દરેક સ્પર્ધામાં પહેલા કરતા વધુ મેડલ જીતી રહ્યું છે. આજે વિશ્વની નજર ભારત પર છે જે એશિયન ગેમ્સમાં નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આજે દુનિયા એક એવા ભારત તરફ જોઈ રહી છે જે સમગ્ર વિશ્વ સાથે સ્પર્ધા કરી શકે છે. વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં પણ ભારતે અદ્દભૂત સફળતા હાંસલ કરી છે. 2019માં આપણે આ ગેમ્સમાં 4 મેડલ જીત્યા હતા. હું ગર્વથી કહી શકું છું કે 2023માં આપણા યુવાનોએ 26 મેડલ જીત્યા છે. અને હું ફરીથી કહીશ કે તે માત્ર ચંદ્રકોની સંખ્યા નથી. જો આપણા યુવાનોને વૈજ્ઞાનિક અભિગમ સાથે ટેકો આપવામાં આવે તો તેઓ શું કરી શકે છે તેનો આ પુરાવો છે.

સાથીઓ,

થોડા દિવસો પછી, તમે યુનિવર્સિટીની બહારની દુનિયામાં જશો. ચોક્કસપણે અભ્યાસ આપણને વિશ્વ માટે તૈયાર કરે છે, પરંતુ એ પણ સાચું છે કે રમતગમત આપણને વિશ્વના પડકારોનો સામનો કરવાનું સાહસ આપે છે. તમે જોયું હશે કે સફળ લોકોમાં હંમેશા કંઈક ને કંઈક ખાસ ગુણ હોય છે. એ લોકોમાં માત્ર પ્રતિભા જ નથી હોતી, તેમનો મિજાજ પણ હોય છે. તે કેવી રીતે નેતૃત્વ કરવું એ પણ જાણે છે અને ટીમ ભાવના સાથે કામ કરવાનું પણ જાણે છે. આ લોકોમાં સફળતા માટે ભૂખ હોય છે, પરંતુ તેઓ એ પણ જાણે છે કે હાર્યા પછી ફરીથી કેવી રીતે જીતવું. તેઓ દબાણમાં કામ કરીને પોતાનું સર્વશ્રેષ્ઠ કેવી રીતે આપવું એ જાણે છે. આ બધા ગુણો કેળવવા માટે રમતગમત એક બહુ મોટું માધ્યમ હોય છે. જ્યારે આપણે રમતગમતમાં જોડાઈએ છીએ, ત્યારે આપણે આ ગુણોમાં પણ જોડાઈએ છીએ. તેથી જ હું કહું છું - જે ખેલે છે, તે જ ખીલે છે.

સાથીઓ,

અને આજે હું મારા યુવા મિત્રોને રમત સિવાય પણ થોડું કામ આપવા માગું છું.આપણે બધા નોર્થ ઈસ્ટની સુંદરતા વિશે જાણીએ છીએ. આ રમતો પછી, તમે પણ મોકો મળ્યે આસપાસ જરૂરથી ફરવા જાવ. અને માત્ર ફરો જ નહીં, સોશિયલ મીડિયા પર તમારા ફોટા પણ શેર કરો. તમે હેશટેગ #North-east Memoriesનો ઉપયોગ કરી શકો છો. તમે લોકો જે રાજ્યમાં તમે રમવા જાઓ છો તે રાજ્યની સ્થાનિક ભાષાના 4-5 વાક્યો શીખવાનો પણ જરૂરથી પ્રયાસ કરો. તમે ત્યાંના લોકો સાથે વાત કરવા માટે ભાષિણી એપનો ઉપયોગ પણ કરી શકો છો. તમને ખરેખર બહુ આનંદ આવશે.

સાથીઓ,

મને વિશ્વાસ છે કે આ આયોજનમાં તમને તમારા જીવનભર યાદ રાખવાનો અનુભવ મળશે. આ શુભેચ્છા સાથે, ફરી એકવાર હું તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

ખૂબ ખૂબ આભાર.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 ડિસેમ્બર 2024
December 25, 2024

PM Modi’s Governance Reimagined Towards Viksit Bharat: From Digital to Healthcare