ભારત માતા કી જય,
ભારત માતા કી જય,
ધર્મ, અધ્યાત્મ અને ક્રાંતિની નગરી ગોરખપુરના દેવતુલ્ય લોકોને હું પ્રણામ કરૂં છું. પરમહંસ યોગાનંદ, મહાયોગી ગોરખનાથજી, વંદનિય હનુમાન પ્રસાદ પોદ્દારજી અને મહા બલિદાની પંડિત રામ પ્રસાદ બિસ્મીલની આ પાવન ધરતીને કોટી કોટી નમન કરૂં છું.
આપ સૌ લોકો ખાતરના કારખાનાની અને એઈમ્સની ઘણાં દિવસોથી પ્રતિક્ષા કરી રહ્યા હતા. આજે એ ઘડી આવી પહોંચી છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.
મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, ઉત્તર પ્રદેશના યશસ્વી કર્મયોગી મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથજી, ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, ડો. દિનેશ શર્મા, ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશના અધ્યક્ષ શ્રી સ્વતંત્ર દેવજી, અપના દલના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મંત્રીમંડળમાં મારા સાથી બહેન સુપ્રિયા પટેલજી, નિષાદ પાર્ટીના અધ્યક્ષ ભાઈ સંજય નિષાદજી, મંત્રીમંડળમાં મારા સહયોગી શ્રી પંકજ ચૌધરીજી, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી શ્રી જય પ્રતાપ સિંહજી, શ્રી સૂર્ય પ્રતાપ સાહીજી, શ્રી દારા સિંહ ચૌહાણજી, સ્વામી પ્રસાદ મૌર્યજી, ઉપેન્દ્ર તિવારીજી, સતિષ દ્વિવેદીજી, જયપ્રકાશ નિષાદજી, રામ ચૌહાણજી, આનંદ પ્રકાશ શુક્લાજી, સંસદના મારા સાથી સભ્યો, ઉત્તર પ્રદેશ વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો તથા વિશાળ સંખ્યામાં અમને આશીર્વાદ આપવા માટે અહી પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!
જ્યારે હું મંચ પર આવ્યો ત્યારે હું વિચારી રહ્યો હતો કે આ ભીડ છે, જ્યાં નજર પણ પહોંચી શકતી નથી, પરંતુ જ્યારે બીજી તરફ જોયું તો હું હેરાન થઈ ગયો. આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા હોય તે હું માનતો નથી. કદાચ તે મને જોઈ પણ શકતાં હોય, સાંભળી પણ નહીં શકતા હોય. આટલે દૂર દૂરથી લોકો ઝંડા ફરકાવી રહ્યા છે તે તમારા સૌનો પ્રેમ છે, તે તમારા આશીર્વાદ અમને રોજે રોજ દિવસ રાત કામ કરવાની પ્રેરણા પૂરી પાડે છે, ઊર્જા આપે છે, તાકાત પૂરી પાડે છે. પાંચ વર્ષ પહેલાં હું અહીંયા એઈમ્સ અને ખાતરના કારખાનાનો શિલાન્યાસ કરવા માટે આવ્યો હતો. આજે આ બંનેનું એક સાથે લોકાર્પણ કરવાનુ સૌભાગ્ય તમે સૌએ મને આપ્યું છે. આઈસીએમઆરના પ્રાદેશિક મેડિકલ રિસર્ચ સેન્ટરને પણ આજે પોતાનું નવું બિલ્ડીંગ મળ્યું છે. હું ઉત્તર પ્રદેશના લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
સાથીઓ,
ગોરખપુરમાં ફર્ટિલાઈઝર પ્લાન્ટ શરૂ થવો, ગોરખપુરમાં એઈમ્સ શરૂ થવું તે અનેક સંદેશ આપી રહ્યું છે. જ્યારે ડબલ એન્જિનની સરકાર હોય છે ત્યારે બમણી તેજીથી કામ પણ થતું હોય છે. જ્યારે પ્રામાણિક ઈરાદા સાથે કામ કરવામાં આવે છે ત્યારે આફતોનો અવરોધ પણ નડતો નથી. જ્યારે ગરીબ, શોષિત, વંચિત વગેરેની ચિંતા કરનારી સરકાર હોય છે ત્યારે તે પરિશ્રમ પણ કરતી હોય છે. પરિણામ લાવીને જ બતાવી આપે છે. ગોરખપુરમાં આજે જે આયોજન થયું છે તે આ બાબતનો પૂરાવો છે કે નવું ભારત જ્યારે દ્રઢ નિશ્ચય કરે છે ત્યારે તેના માટે કશું જ અશક્ય રહેતું નથી.
સાથીઓ,
વર્ષ 2014માં તમે મને સેવા કરવાની તક આપી હતી ત્યારે તે સમયે દેશમાં ફર્ટિલાઈઝર સેક્ટર ખૂબ ખરાબ સ્થિતિમાં હતું. દેશના ઘણાં મોટા મોટા ખાતરના કારખાના વર્ષોથી બંધ પડેલા હતા અને વિદેશથી કરાતી આયાત સતત વધતી જતી હતી. એક મોટી મુશ્કેલી એ પણ હતી કે જે ખાતર પ્રાપ્ત થતું હતું તેનો ઉપયોગ ચોરી છૂપીથી ખેતી સિવાયના અન્ય કામો માટે ગૂપચૂપ રીતે કરવામાં આવતો હતો. એટલા માટે સમગ્ર દેશમાં યુરિયાની તંગી સમાચારોમાં રહેતી હતી. ખેડૂતોએ ખાતર માટે લાઠી અને ગોળી પણ ખાવી પડતી હતી. આવી સ્થિતિમાંથી દેશને બહાર લાવવા માટે અમે એક નવા સંકલ્પ સાથે આગળ ધપ્યા. અમે ત્રણ બાબતો અંગે એક સાથે કામ શરૂ કર્યું. પ્રથમ તો અમે યુરિયાનો ખોટો ઉપયોગ થતો રોક્યો, યુરિયાનું 100 ટકા નીમ કોટીંગ કરવામાં આવ્યું. બીજું, અમે કરોડો ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપ્યા કે જેથી તેમને ખ્યાલ આવે કે તેમના ખેતરમાં કેવા પ્રકારના ખાતરની જરૂર છે. અને ત્રીજું, અમે યુરિયાનું ઉત્પાદન વધારવા ઉપર ભાર મૂક્યો. બંધ પડેલા ફર્ટિલાઈઝર પ્લાન્ટ ફરીથી શરૂ કરવા ઉપર અમે જોર લગાવ્યું. આ અભિયાન હેઠળ ગોરખપુરના આ ફર્ટિલાઈઝર પ્લાન્ટ સહિત દેશના 4 મોટા ખાતરના કારખાના અમે પસંદ કર્યા. આજે એક કારખાનાની શરૂઆત થઈ ગઈ છે. બાકી છે તે પણ હવે પછીના વર્ષથી શરૂ થઈ જશે.
સાથીઓ,
ગોરખપુર ફર્ટિલાઈઝર પ્લાન્ટને શરૂ કરવા માટે એક ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે. જે રીતે ભગીરથજીએ ગંગાજી માટે કામ કર્યું હતું તેવી જ રીતે આ ફર્ટિલાઈઝર પ્લાન્ટ સુધી બળતણ પહોંચાડવા માટે ઊર્જા ગંગા લાવવામાં આવી છે. પીએમ ઊર્જા ગંગા ગેસ પાઈપલાઈન યોજના હેઠળ હલ્દિયાથી જગદીશપુર સુધી પાઈપલાઈન નાંખવામાં આવી છે. આ પાઈપલાઈનને કારણે ગોરખપુર ફર્ટિલાઈઝર પ્લાન્ટ તો શરૂ થયો જ છે, પણ સાથે સાથે પૂર્વ ભારતના એક ડઝન જેટલા જિલ્લાઓમાં પાઈપથી સસ્તો ગેસ પણ મળવા લાગ્યો છે.
ભાઈઓ અને બહેનો,
ફર્ટિલાઈઝર પ્લાન્ટના શિલાન્યાસ પ્રસંગે મેં કહ્યું હતું કે આ કારખાનાના કારણે ગોરખપુર આ સમગ્ર ક્ષેત્રમાં વિકાસનું કેન્દ્ર બનીને ઉભરી આવશે. આજે મને આ બાબત સાચી પૂરવાર થતી દેખાઈ રહી છે. આ ખાતરના કારખાનાથી રાજ્યના અનેક ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા તો મળશે જ, પણ તેની સાથે સાથે તેનાથી પૂર્વાંચલમાં રોજી અને સ્વરોજગારીની હજારો નવી તકો ઉભી થશે. હવે અહીંયા આર્થિક વિકાસની એક નવી સંભાવના ફરીથી ઉભી થશે, ફરીથી નવા બિઝનેસ શરૂ થશે. ખાતરના કારખાના સાથે જોડાયેલા સહાયક ઉદ્યોગોની સાથે સાથે પરિવહન અને સર્વિસ સેક્ટરને પણ તેનાથી વેગ મળશે.
સાથીઓ,
ગોરખપુરના ખાતરના કારખાનાની ખૂબ મોટી ભૂમિકા દેશને યુરિયાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા માટે પણ થશે. દેશના અલગ અલગ વિસ્તારોમાં બની રહેલા પાંચ ફર્ટિલાઈઝર પ્લાન્ટ શરૂ થયા પછી 60 લાખ ટન વધુ યુરિયા દેશને પ્રાપ્ત થશે, એટલે કે ભારતે હજારો કરોડ રૂપિયા વિદેશ નહીં મોકલા પડે. દેશના પૈસાનું દેશમાં જ રોકાણ થઈ શકશે.
સાથીઓ,
ખાતરની બાબતે આત્મનિર્ભરતા શા માટે જરૂરી છે તે અમે કોરોનાના આ સંકટકાળમાં જોયું છે. કોરોનાના કારણે સમગ્ર દુનિયામાં લૉકડાઉન થઈ ગયું હતું. એક દેશમાંથી બીજા દેશમાં આવન-જાવન અટકી ગઈ હતી. સપ્લાય ચેઈન તૂટી ગઈ હતી અને તેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરની કિંમતો પણ ઘણી વધી ગઈ હતી, પરંતુ ખેડૂતો માટે સમર્પિત અને સંવેદનશીલ અમારી સરકારે એ બાબતની ખાત્રી રાખી કે સમગ્ર દુનિયામાં ફર્ટિલાઈઝરના ભાવ ઘણાં વધી ગયા હોવા છતાં અમે તેનો બોજો ખેડૂતો ઉપર નાંખ્યો નહીં. ખેડૂતોને ઓછામાં ઓછી તકલીફ પડે તે બાબતે અમે જવાબદારી લીધી છે. ભાઈએ અને બહેનો તમને સાંભળીને અચરજ થશે કે આ વર્ષે એન.પી.કે. ફર્ટિલાઈઝર માટે દુનિયામાં ભાવ વધવાના કારણે રૂ.43 હજાર કરોડથી વધુ સબસીડી ખેડૂતો માટે વધારવાનું જરૂરી માન્યું અને અમે આપી પણ ખરી. યુરિયા માટે પણ સબસીડીમાં અમારી સરકારે રૂ.33 હજાર કરોડનો વધારો કર્યો, કારણ કે દુનિયામાં ભાવ વધે તેનો બોજો અમારા ખેડૂતો પર આવે નહીં. આંતરરાષ્ટ્રિય બજારમાં જ્યાં યુરિયા કીલો દીઠ રૂ.60થી રૂ.65ના ભાવે વેચાઈ રહ્યું છે ત્યારે ભારતમાં ખેડૂતોને યુરિયા દસથી બાર ગણું સસ્તું આપવાનો પ્રયાસ કર્યો છે.
ભાઈઓ અને બહેનો,
આજે ખાદ્ય તેલની આયાત કરવા માટે પણ ભારત સરકાર દર વર્ષે હજારો કરોડ રૂપિયા પરદેશ મોકલે છે. આ સ્થિતિમાં ફેરફાર કરવા માટે દેશમાં જ પૂરતા પ્રમાણમાં ખાદ્ય તેલનું ઉત્પાદન થાય તે માટે રાષ્ટ્રીય મિશન શરૂ કરવામાં આવ્યું છે. પેટ્રોલ- ડિઝલ માટે ક્રૂડ ઓઈલ પર ભારત દર વર્ષે રૂ.5 થી 7 લાખ કરોડનો ખર્ચ કરે છે. આ આયાતને પણ અમે ઈથેનોલ અને બાયોફ્યુઅલ ઉપર ભાર મૂકીને આયાતને ઓછી કરવામાં લાગી ગયા છીએ. પૂર્વાંચલનો આ વિસ્તાર તો શેરડીના ખેડૂતો માટે ગઢ ગણાય છે. ઈથેનોલ, શેરડી ઉગાડતા ખેડૂતો માટે ખાંડ ઉપરાંત વધારાની કમાણી કરવાનું એક ઘણું સારૂં સાધન બની રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં જ બાયો ફ્યુઅલ બનાવવા માટે અનેક ફેક્ટરીઓ તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. અમારી સરકાર આવી તે પહેલાં ઉત્તર પ્રદેશમાં માત્ર 20 કરોડ લીટર ઈથેનોલ તેલ કંપનીઓને મોકલવામાં આવતું હતું. આજે આશરે 100 કરોડ લીટર ઈથેનોલ માત્ર ઉત્તર પ્રદેશના ખેડૂતો ભારતની 13 કંપનીઓને મોકલી રહ્યા છે. અગાઉ ખાડીના દેશોમાંથી તેલ આવતું હતું, હવે ઝાડીનું પણ તેલ આવી રહ્યું છે. હું આજે યોગીજીની સરકારની આ બાબત માટે પ્રશંસા કરીશ કે તેમણે શેરડી ઉગાડતા ખેડૂતો માટે વિતેલા વર્ષોમાં અભૂતપૂર્વ કામ કર્યું છે. શેરડીના ખેડૂતો માટે લાભદાયી મૂલ્ય, હાલમાં સાડા ત્રણસો રૂપિયા સુધી વધારવામાં આવ્યુ છે. અગાઉની બે સરકારોએ 10 વર્ષમાં જેટલી ચૂકવણી શેરડીના ખેડૂતોને કરી હતી, લગભગ તેટલી જ ચૂકવણી યોગીજીની સરકારે પોતાના સાડા ચાર વર્ષમાં કરી છે.
ભાઈઓ અને બહેનો,
સાચો વિકાસ તેને કહી શકાય કે જેનો લાભ બધા લોકો સુધી પહોંચે, જે વિકાસ સમતોલ હોય અને સૌના માટે હિતકારી હોય. અને આ વાત એ જ સમજી શકે કે જે સંવેદનશીલ હોય, જેને ગરીબોની ચિંતા હોય, ઘણાં લાંબા સમયથી ગોરખપુર સહિતનો આ ખૂબ મોટો વિસ્તાર માત્ર એક મેડિકલ કોલેજના ભરોંસે જ ચાલી રહ્યો હતો. અહીંના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોએ સારવાર કરાવવા માટે બનારસ અથવા તો લખનૌ જવું પડતું હતું. પાંચ વર્ષ પહેલાં આ વિસ્તારમાં મગજના તાવની કેવી સ્થિતિ હતી તે મારા કરતાં તમે સૌ સારી રીતે જાણો છો. અહીંયા મેડિકલ કોલેજમાં પણ રિસર્ચ સેન્ટર ચાલતું હતું, પરંતુ તેનું પોતાનું મકાન પણ ન હતું.
ભાઈઓ અને બહેનો,
તમે જ્યારે અમને સેવા કરવાની તક આપી તો અહીંયા એઈમ્સમાં પણ, તમે જોયુ કે કેટલું મોટું એઈમ્સ બની ગયું છે. અને એટલું જ નહીં, સંશોધન કેન્દ્રનું પોતાનું મકાન પણ તૈયાર થઈ ગયું છે. હું જ્યારે એઈમ્સની શિલારોપણ વિધી કરવા માટે આવ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે આપણે મગજન તાવથી આ વિસ્તારને રાહત પૂરી પાડવા માટે ખૂબ જ મહેનત કરીશું. અમે મગજનો તાવ ફેલાવાના કારણો દૂર કરવા માટે પણ કામ કર્યું અને તેની સારવાર માટે પણ કામ કર્યું. આજે તે મહેનત જમીન પર દેખાઈ રહી છે. આજે ગોરખપુર અને બસ્તી ડિવિઝનના 7 જિલ્લાઓમાં મગજના તાવના કેસ આશરે 90 ટકા જેટલા ઓછા થઈ ગયા છે. જે બાળકો બિમાર થાય છે તેમાંથી વધુને વધુ બાળકોનો જીવ બચાવવામાં આપણને સફળતા મળી રહી છે. યોગી સરકારે આ વિસ્તારમાં જે કામ કર્યું છે તેની ચર્ચા હવે આંતરરાષ્ટ્રિય સ્તર ઉપર પણ થઈ રહી છે. એઈમ્સ અને આઈસીએમઆર સંશોધન કેન્દ્ર બનવાથી હવે ઈન્સેફેલાઈટીસથી મુક્તિના અભિયાનને વધુ મજબૂતી પ્રાપ્ત થશે, તેના કારણે થતી અન્ય ચેપી બિમારીઓ, મહામારીથી બચાવ માટે પણ ઉત્તર પ્રદેશને ખૂબ જ મદદ મળશે.
ભાઈઓ અને બહેનો,
કોઈપણ દેશે આગળ ધપવા માટે એ બાબત ખૂબ જ આવશ્યક છે કે તેની આરોગ્ય સેવા સસ્તી હોય, સર્વ સુલભ હોય, સૌની પહોંચમાં હોય. મે પણ સારવાર માટે લોકોને એકથી બીજા શહેર સુધી આંટા મારતા જોયા છે. પોતાની જમીન ગિરવે મૂકીને બીજા લોકો પાસેથી પૈસા ઉધાર લઈને અમે પણ આવું ઘણું જોયું છે. હું દેશના દરેક ગરીબ, દલિત, પિડીત, શોષિત, વંચિત, ભલે તે કોઈપણ વર્ગનો હોય, કોઈપણ વિસ્તારમાં રહેતો હોય, તેને આવી સ્થિતિમાંથી બહાર લાવવા માટે તેમની સાથે તનમનથી જોડાયેલો છું. અગાઉ એવું વિચારવામાં આવતું હતું કે એઈમ્સ જેવી મોટી તબીબી સંસ્થાઓ મોટા શહેરો માટે જ હોય છે, પણ અમારી સરકાર, સારામાં સારો ઈલાજ, મોટામાં મોટી હોસ્પિટલથી દેશના દૂર દૂરના વિસ્તારો સુધી પહોંચાડી રહી છે. તમે કલ્પના કરી શકો છો કે સ્વતંત્રતા પછી શરૂ કરીને આ સદીની શરૂઆત સુધી દેશમાં માત્ર એક જ એઈમ્સ હતું. માત્ર એક જ. અટલજીએ પોતાના કાર્યકાળમાં વધુ 6 એઈમ્સને મંજૂરી આપી હતી. વિતેલા 7 વર્ષમાં દેશમાં નવા 16 એઈમ્સ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અમારૂં ધ્યેય એ છે કે દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ ચોક્કસ હોય. મને એ વાતનો આનંદ છે કે અહીં ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં પણ મેડિકલ કોલેજનું કામ ઝડપભેર આગળ ધપી રહ્યું છે, જેનું હમણાં યોગીજી સંપૂર્ણ વર્ણન કરી રહ્યા છે કે ક્યાં મેડિકલ કોલેજનું કામ શરૂ થયું છે. હજુ હમણાં જ ઉત્તર પ્રદેશની 9 મેડિકલ કોલેજોનું એક સાથે લોકાર્પણ કરવાની તક તમે સૌએ મને પૂરી પાડી છે. આરોગ્યને આપવામાં આવી રહેલી સર્વોચ્ચ પ્રાથમિકતાનું એ પરિણામ છે કે ઉત્તર પ્રદેશ આશરે 17 કરોડ રસીના મુકામ સુધી પહોંચી રહ્યું છે.
ભાઈઓ અને બહેનો,
અમારા માટે 130 કરોડથી વધુ દેશવાસીઓનું આરોગ્ય, સુવિધા અને સમૃધ્ધિ સર્વોપરી છે. ખાસ કરીને આપણી માતા, બહેનો અને દિકરીઓનું આરોગ્ય અને સુવિધા ઉપર ખૂબ ઓછુ ધ્યાન આપવામાં આવ્યું હતું. વિતેલા વર્ષોમાં પાકા ઘર, શૌચાલય, તમે લોકો જેને ઈજ્જત ઘર તરીકે ઓળખ છો, વિજળી, ગેસ, પાણી, પોષણ, રસીકરણ જેવી અનેક સુવિધાઓ ગરીબ બહેનોને પ્રાપ્ત થઈ છે અને તેનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે. હાલમાં જે ફેમિલી હેલ્થ સર્વે કરવામાં આવ્યો છે તેમાં પણ અનેક હકારાત્મક સંકેત મળ્યા છે. દેશમાં પ્રથમ વખત મહિલાઓની સંખ્યા પુરૂષોની તુલનામાં વધી છે અને તે માટે સારી આરોગ્ય સેવાની પણ મોટી ભૂમિકા છે. વિતેલા પાંચથી 6 વર્ષમાં મહિલાઓનો જમીન અને ઘર ઉપર માલિકીનો હક્ક વધ્યો છે અને તેમાં ઉત્તર પ્રદેશનો સમાવેશ ટોચના રાજ્યોમાં થાય છે. આ રીતે બેંકના ખાતા અને મોબાઈલ ફોનના ઉપયોગમાં પણ મહિલાઓની સંખ્યામાં અભૂતપૂર્વ વૃધ્ધિ જોવા મળી રહી છે.
સાથીઓ,
આજે તમારી સાથે વાત કરતાં મને અગાઉની સરકારોના બેવડા વલણની યાદ અપાવે છે. જનતા તરફ તેમની બેજવાબદારીની પણ વારંવાર યાદ આવી રહી છે. હું તેનો ઉલ્લેખ પણ તમારી સામે જરૂર કરવા માંગુ છું. બધા લોકો જાણતા હતા કે ગોરખપુરનો ફર્ટિલાઈઝર પ્લાન્ટ આ સમગ્ર વિસ્તારના ખેડૂતો માટે, અહીંયા રોજગારી માટે કેટલો જરૂર હતો, પણ અગાઉની સરકારોએ તેને શરૂ કરાવવામાં કોઈ રસ દર્શાવ્યો ન હતો. બધા લોકો જાણતા હતા કે ગોરખપુરમાં એઈમ્સની માંગ વર્ષોથી થઈ રહી છે, પણ વર્ષ 2017 પહેલાં જે લોકો સરકાર ચલાવી રહ્યા હતા તેમણે એઈમ્સ માટે જમીન ફાળવવામાં અનેક પ્રકારનાં બહાના બતાવ્યા હતા. મને યાદ છે કે જ્યારે વાત આ પાર કે પેલા પારની થઈ ગઈ ત્યારે તેમણે અનિચ્છાએ, ખૂબ જ મજબૂરી પૂર્વક અગાઉની સરકાર દ્વાર ગોરખપુર એઈમ્સ માટે જમીનની ફાળવણી કરવામાં આવી હતી.
સાથીઓ,
આજનો આ કાર્યક્રમ એ લોકોને પણ આકરો જવાબ આપી રહ્યો છે કે જેમને સમય અંગે સવાલ ઉઠાવવાનો ખૂબ જ શોખ છે. જ્યારે આવા પ્રોજેક્ટ પૂરા થાય છે ત્યારે તેની પાછળ વર્ષોની મહેનત કરવામાં આવી હોય છે અને દિવસ- રાત પરિશ્રમ પણ કરવામાં આવ્યો હોય છે તે બાબત આ લોકો ક્યારેય સમજશે નહીં. કોરોનાના સંકટ કાળમાં પણ ડબલ એન્જિનની સરકાર વિકાસના કામોમાં જોડાયેલી રહી અને તેણે કામને અટકવા દીધુ નહીં.
મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,
લોહિયાજી, જય પ્રકાશ નારાયણજીના આદર્શોને આ મહાપુરૂષોની શિસ્તને આ લોકો ક્યારનાય છોડી ચૂક્યા છે. આજે સમગ્ર ઉત્તર પ્રદેશ સારી રીતે જાણે છે કે લાલ ટોપીવાળા લોકોને લાલ બત્તી સાથે જ મતલબ રહે છે. તેમને તમારાં દુઃખ અને તકલીફો સાથે કોઈ લેવાદેવાનથી. આ લાલ ટોપીવાળા લોકોને સત્તા જોઈએ છે. ગોટાળા માટે, પોતાની તિજોરી ભરવા માટે, ગેરકાયદે કબજો લેવા માટે, માફિયાઓને ખૂલ્લી છૂટ આપવા માટે લાલ ટોપીવાળા લોકોએ સરકાર બનાવવી છે. આતંકવાદીઓ પર મહેરબાની દેખાડવા માટે, આતંકવાદીઓને જેલમાંથી છોડાવવા માટે અને એ યાદ રાખો કે લાલ ટોપીવાળા લોકો ઉત્તર પ્રદેશ માટે રેડ એલર્ટ છે. રેડ એલર્ટ એટલે કે ખતરાની ઘંટડી સમાન છે.
સાથીઓ,
ઉત્તર પ્રદેશના શેરડી ઉગાડતા ખેડૂતો એ બાબત ભૂલી નહીં શકે કે યોગીજીની પહેલાં જે સરકાર હતી તેણે કેવી રીતે શેરડીના ખેડૂતોને ચૂકવણી માટે રોવડાવ્યા હતા. ટૂકડે ટૂકડે જે પૈસા મળતા હતા તેમાં પણ મહિનાઓનું અંતર રહેતું હતું. ઉત્તર પ્રદેશમાં ખાંડની મિલો બાબતે કેવા કેવા ખેલ થતા હતા, કેવા કેવા ગોટાળા કરવામાં આવતા હતા તેનાથી પૂર્વાંચલ અને સમગ્ર ઉત્તર પ્રદેશના લોકો સારી રીતે પરિચિત છે.
સાથીઓ,
અમારી ડબલ એન્જિનની સરકાર તમારી સેવા કરવા માટે જોડાયેલી છે. તમારૂં જીવન આસાન બનાવવામાં જોડાયેલી છે. ભાઈઓ અને બહેનો, તમને વારસામાં જે તકલીફો મળી છે, અમે એવું ઈચ્છતા નથી કે તમારે વારસામાં તમારા સંતાનોને પણ આવી મુસિબતો આપવાની સ્થિતિ આવે એવું પરિવર્તન અમે લાવવા માંગીએ છીએ. અગાઉની સરકારોના એવા દિવસો પણ દેશે જોયા છે કે જ્યારે અનાજ હોવા છતાં પણ ગરીબોને તે અનાજ મળતું ન હતું. આજે અમારી સરકારે, સરકારી ગોદામો ગરીબો માટે ખૂલ્લા મૂક્યા છે અને યોગીજી પૂરી તાકાતથી ઘેર ઘેર અનાજ પહોંચાડવામાં લાગી ગયા છે. તેનો લાભ પણ ઉત્તર પ્રદેશના આશરે 15 કરોડ લોકોને મળી રહ્યો છે. હજુ હમણાં જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને હોળીથી આગળ સુધી લઈ જવા માટે લંબાવવામાં આવી છે.
સાથીઓ,
અગાઉ વીજ પૂરવઠા બાબતે ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લા વીઆઈપી હતા, યોગીજીએ ઉત્તર પ્રદેશના દરેક જિલ્લાને આજ વીઆઈપી બનાવીને વિજળી પહોંચાડવાનું કામ કર્યું છે. આજે યોગીજીની સરકારમાં દરેક ગામને સરખી અને ભરપૂર વિજળી મળી રહી છે. અગાઉની સરકારોએ અપરાધીઓને સંરક્ષણ પૂરૂં પાડીને ઉત્તર પ્રદેશનું નામ બદનામ કર્યું હતું. હવે માફિયા જેલમાં છે અને મૂડીરોકાણ કરનારા લોકો દિલ ખોલીને ઉત્તર પ્રદેશમાં રોકાણ કરી રહ્યા છે. આ ડબલ એન્જિનનો ડબલ વિકાસ છે. અને એટલા માટે ડબલ એન્જિનની સરકાર પર ઉત્તર પ્રદેશને વિશ્વાસ છે. તમારા આ આશીર્વાદ અમને મળતા રહેશે તેવી અપેક્ષા સાથે હું ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારી સાથે જોરથી બોલો- ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય!
ખૂબ ખૂબ ધન્યવાદ!