કાર્યક્રમની શરૂઆતમાં મારે એક દુઃખદ સમાચાર આપને આપવાના છે. બિહારના દિગ્ગજ નેતા શ્રીમાન રઘુવંશ પ્રસાદ સિંહ, તે હવે આપણી વચ્ચે રહ્યા નથી. હું તેમને નમન કરૂ છું. રઘુવંશ બાબુના જવાથી બિહાર અને દેશની રાજનીતિમાં શૂન્યાવકાશ પેદા થયો છે. જમીન સાથે જોડાયેલુ તેમનું વ્યક્તિત્વ, ગરીબીને સમજનારૂં વ્યક્તિત્વ, સમગ્ર જીવન બિહારના સંઘર્ષમાં વિતાવ્યું. જે વિચારધારામાં તેઓ ઉછર્યા અને આગળ વધ્યા તે જ વિચારધારાને જીવનભર જીવવાનો તેમણે પ્રયાસ કર્યો હતો.
હું જ્યારે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તા તરીકે કામ કરતો હતો ત્યારે એ સમયે મારે તેમની સાથે નિકટનો પરિચય હતો. અમે લોકો તેમની સાથે અનેક ટીવી ચર્ચાઓમાં ઘણો વાદ-વિવાદ સંઘર્ષ કરતા રહેતા હતા. તે પછી તેઓ કેન્દ્રના યુપીએના મંત્રી મંડળમાં હતા. હું ગુજરાતનો મુખ્ય મંત્રી હોવાના કારણે વિકાસ કામો માટે સતત તેમના સંપર્કમાં રહેતો હતો. છેલ્લા ત્રણ ચાર દિવસથી તેઓ ચર્ચામાં પણ હતા. તેમની તબિયત બાબતે હું પણ ચિંતા કરતો હતો. સતત માહિતી મેળવતો રહેતો હતો અને મને એવું લાગતું હતું કે તેઓ ખૂબ જ જલ્દી સાજા થઈ જશે અને ફરી પાછા બિહારની સેવામાં લાગી જશે, પરંતુ તેમની અંદર એક મંથન પણ ચાલી રહ્યું હતું.
જે આદર્શો લઈને તેઓ ચાલ્યા હતા, જેમની સાથે ચાલ્યા હતા, તેમની સાથે ચાલવાનું હવે તેમના માટે શક્ય ન હતું અને મન સંપૂર્ણ રીતે મથામણની સ્થિતિ અનુભવી રહ્યું હતું અને ત્રણ ચાર દિવસ પહેલાં તેમણે પોતાની ભાવના પત્ર લખીને પ્રગટ કરી હતી. સાથે સાથે તેમણે તેમના વિસ્તારના વિકાસ માટે પણ એટલી જ ચિંતા હતી. તેમણે બિહારના મુખ્યમંત્રીજીને વિકાસ કામો માટેની પોતાની એક યાદી પત્ર લખીને મોકલી આપી હતી. બિહારના લોકોની ચિંતા, બિહારના વિકાસની ચિંતા એ પત્રમાં પ્રગટ કરી હતી.
હું નિતીશજીને ચોકકસ આગ્રહ કરીશ કે રઘુવંશ પ્રસાદજીએ તેમના છેલ્લા પત્રમાં જે ઈચ્છા પ્રગટ કરી છે તેને પરિપૂર્ણ કરવા માટે તમે અને અમે સાથે મળીને પૂરો પ્રયાસ કરીશું, કારણ કે તેમણે સંપૂર્ણપણે વિકાસની જ વાતો લખી હતી, એ બધા કામ જરૂર કરશો. આજે હું ફરી એક વખત આ કાર્યક્રમના પ્રારંભમાં જ શ્રીમાન રઘુવંશ પ્રસાદજીને આદરપૂર્વક શ્રધ્ધાંજલિ આપું છું અને તેમને નમન કરૂ છું.
બિહારના રાજ્યપાલ ફાગુ ચોહાણજી, બિહારના મુખ્યમંત્રી શ્રી નિતીશ કુમારજી, કેન્દ્રિય મંત્રી મંડળના મારા સહયોગી શ્રી ધર્મેન્દ્ર પ્રસાદજી, રવિશંકર પ્રસાદજી, ગિરિરાજ સિંહજી, આર. કે. સિંહજી, અશ્વિની કુમાર ચૌબેજી, નિત્યાનંદ રાયજી, બિહારના નાયબ મુખ્ય મંત્રી શ્રી સુશીલ કુમાર મોદીજી તેમજ અન્ય સાંસદો અને ધારાસભ્યો સમુદાય તથા ટેકનિકના માધ્યમથી આ સમારંભ સાથે જોડાયેલા મારા વહાલા ભાઈઓ અને બહેનો !
આપ સૌને હું પ્રણામ કરૂં છું. આજનું આ આયોજન શહીદો અને શૂરવીરોની ભૂમિ બાંકામાં થઈ રહ્યુ છે. આજે જે યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થવાનો છે તેનો લાભ બિહારની સાથે-સાથે પૂર્વ ભારતના મોટા હિસ્સાને પણ મળવાનો છે. આજે રૂ.900 કરોડના ખર્ચે જે લોકાર્પણ અને શિલાન્યાસ થવાના છે, તેમાં એલપીજી પાઈપલાઈન છે અને બીજો એક મોટો બોટલીંગ પ્લાન્ટ પણ છે. આ બધી સુવિધા મેળવવા બદલ હું બિહારના લોકોને ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવું છું.
સાથીઓ,
થોડાંક વર્ષ પહેલાં જ્યારે બિહાર માટે વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે તેમાં વધુ ધ્યાન બિહારમાં માળખાગત સુવિધાઓ ઉભી કરવા તરફ આપવામાં આવ્યુ હતું અને મને આનંદ છે કે, તેની સાથે જોડાયેલા એક મહત્વના પાઈપલાઈન પ્રોજેકટના દુર્ગાપુર- બાંકા સેકશનનું આજે લોકાર્પણ કરવાનું મને સૌભાગ્ય હાંસલ થયુ છે. દોઢ વર્ષ પહેલાં આ પ્રોજેકટનો શિલાન્યાસ કરવાની તક મને જ હાંસલ થઈ હતી. આ સેકશનની લંબાઈ આશરે 200 કિ.મી. જેટલી છે. મને કહેવામાં આવ્યું છે કે, આ રૂટ ઉપર પાઈપલાઈન બિછાવવાનુ કામ ખૂબ જ પડકાર ભર્યું હતું. માર્ગમાં આશરે 10 જેટલી નદીઓ આવેલી છે. અનેક કિલોમીટરનાં ગાઢ જંગલ અને પથરાળ માર્ગો છે, ત્યાં કામ કરવાનું એટલુ આસાન પણ ન હતુ. નવી ઈજનેરી ટેકનિક, રાજ્ય સરકારનો સક્રિય સહયોગ, આપણા એન્જીનિયરો અને શ્રમિક સાથીદારોના કઠીન પરિશ્રમને કારણે આ પ્રોજેકટ સમયસર પૂરો કરી શકાયો છે. તેના માટે હું આ પ્રોજેકટ સાથે જોડાયેલા તમામ સાથીઓને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવુ છું.
સાથીઓ,
બિહાર માટે જે પ્રધાનમંત્રી પેકેજ આપવામાં આવ્યુ હતું. તેમાં પેટ્રોલિયમ અને ગેસ સાથે જોડાયેલા 10 મોટા પ્રોજેકટ હતા. આ પ્રોજેકટ ઉપર આશરે રૂ.21 હજાર કરોડનો ખર્ચ કરવાનો હતો. આજે આ સાતમો પ્રોજેકટ છે કે જેમાં કામ પૂરૂ થઈ ચૂક્યુ છે અને તે બિહારના લોકોને સમર્પિત કરવામાં આવી ચૂક્યો છે.
એમાં પહેલાં પટના એલપીજી પ્લાન્ટનું વિસ્તરણ અને તેની સંગ્રહ ક્ષમતા વધારવાનું કામ હોય કે પછી પૂર્ણિયાના એલપીજી પ્લાન્ટના વિસ્તરણનું કામ હોય, મુઝફ્ફરનગરમાં નવો પ્લાન્ટ સ્થાપવાનો હોય તે તમામ પ્રોજેકટનું કામ અગાઉ પૂરૂ થઈ ચૂક્યુ છે. જગદીશપુર- હલ્દીયા પાઈપલાઈન પ્રોજેકટનો જે હિસ્સો બિહારમાં થઈને પસાર થાય છે તેનું કામ ગયા વર્ષે માર્ચ મહિનામાં જ પૂરૂ કરી દેવામાં આવ્યુ હતું. મોતિહારી અમલેગંજ પાઈપલાઈન ઉપર પણ પાઈપલાઈન સાથે જોડાયેલી કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
હવે દેશ અને બિહાર એ પરિસ્થિતિમાંથી બહાર આવી ચૂક્યો છે, કે જેમાં એક પેઢી કામ શરૂ થતાં જોતી હતી અને બીજી પેઢી તે કામ પૂરૂ થતાં જોતી હતી. નવા ભારત અને નવા બિહારની ઓળખ બનેલી કાર્ય સંસ્કૃતિને આપણે વધુ મજબૂત કરવાની છે અને તેમાં ચોકકસ પણે નીતિશજીની ખૂબ મોટી ભૂમિકા રહી છે. મને વિશ્વાસ છે કે રીતે જ સતત કામ કરીને આપણે બિહાર અને પૂર્વ ભારતને વિકાસના માર્ગે લઈ જઈ શકીશું.
સાથીઓ,
આપણાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે ‘સામર્થ્ય મૂલં સ્વાતંત્ર્યમ, શ્રમ મૂલં વૈભવમ’ આનો અર્થ એ થાય છે કે સામર્થ્ય સ્વતંત્રતાનો સ્ત્રોત છે અને શ્રમ શક્તિ કોઈ પણ રાજ્યની પ્રગતિનો આધાર બની રહે છે. બિહાર સહિત પૂર્વ ભારતમાં સામર્થ્યની પણ ઊણપ નથી કે સાધનોની પણ કોઈ અછત નથી. આ સ્થિતિ હોવા છતાં પણ બિહાર અને પૂર્વ ભારત દાયકાઓ સુધી વિકાસની બાબતમાં પાછળ જ રહ્યુ હતું. એનાં ઘણાં બધાં કારણો રાજકીય હતાં, આર્થિક હતાં અને તેમાં અગ્રતાનો અભાવ હતો.
આ સ્થિતિ હોવાને કારણે પૂર્વ ભારત અથવા બિહારમાં માળખાગત સુવિધાની યોજનાઓ હંમેશાં અંતહીન વિલંબનો શિકાર બનતી રહી. એક સમય હતો કે જ્યારે માર્ગ કનેક્ટીવિટી, રેલવે કનેક્ટીવિટી, હવાઈ કનેક્ટીવિટી, ઈન્ટરનેટ કનેક્ટીવિટી, આ બધી બાબતોનો અગ્રતાઓમાં સમાવેશ થતો જ ન હતો. એટલુ જ નહી, રોડ બનાવવાની વાત કરવામાં આવે તો પૂછવામાં આવતુ હતું કે એ તો ગાડી ધરાવતા લોકો માટે બની રહ્યો છે. આનો અર્થ એ થયો કે વિચાર પ્રક્રિયામાં જ ગરબડ હતી.
આવી પરિસ્થિતિ હોવાને કારણે ગેસ બેસ્ડ ઇન્ડસ્ટ્રી અને પેટ્રો-કનેક્ટિવ્ટીની તો બિહારની પહેલાના સમયમાં કલ્પના પણ કરવામાં આવતી નહોતી. લેન્ડલોક સ્ટેટ હોવાના કારણે બિહારમાં પેટ્રોલિયમ અને ગેસથી બનેલા સાધન-સંસાધન ઉપલબદ્ધ નહોતા, જેવી રીતે દરિયાકિનારાને આવેલા રાજ્યોમાં હોય છે. તેથી બિહારમાં ગેસ આધારિત ઉદ્યોગોનો વિકાસ એક મોટો પડકાર છે.
સાથીઓ,
ગેસ આધારિત ઉદ્યોગો અને પેટ્રો-કનેક્ટીવિટી જેવી બાબતો સાંભળવામાં ખૂબ જ ટેકનિકલ લાગતી હતી. જૂના સમયમાં એની કલ્પના પણ થઈ શકે તેમ ન હતી, પરંતુ, તેની સીધી અસર લોકોના જીવન સ્તર ઉપર પડતી હોય છે. ગેસ આધારિત ઉદ્યોગો અને પેટ્રો- કનેક્ટીવિટી રોજગાર માટે પણ લાખો તકો ઉભી કરે છે.
આજે જ્યારે દેશનાં અનેક શહેરોમાં સીએનજી પહોંચી રહ્યો છે, પીએનજી પહોંચી રહ્યો છે ત્યારે બિહારના લોકોને અને પૂર્વ ભારતના લોકોને પણ આ સુવિધા એટલી જ આસાનીથી મળવી જોઈએ. આ સંકલ્પની સાથે અમે આગળ ધપી રહ્યા છીએ.
પ્રધાનમંત્રી ઉર્જા ગંગા યોજના હેઠળ, પૂર્વ ભારતને પૂર્વના સમુદ્ર કાંઠાના પારાદીપ અને પશ્ચિમી સમુદ્ર તટના કંડલાને જોડવાનો ભગીરથ પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. આશરે 3 હજાર કિલોમીટર લાંબી પાઈપલાઈન મારફતે 7 રાજયોને જોડવામાં આવી રહ્યાં છે. એમાં બિહારનું પણ મુખ્ય સ્થાન છે. પારાદીપથી હલ્દીયા થઈને આવતી પાઈપલાઈન હાલમાં બાંકા સુધી આવી પહોંચી છે. તેને પણ આગળ પટના મુઝફરનગર સુધી લંબાવવામાં આવી રહી છે. કંડલાથી આવનારી પાઈપલાઈન પણ ગોરખપુર સુધી પહોંચી ચૂકી છે. તેને પણ આની સાથે જોડી શકાય તેમ છે. જ્યારે આ સમગ્ર પ્રોજેક્ટ પૂરો થઈ જશે ત્યારે તે વિશ્વની સૌથી લાંબી પાઈપલાઈન યોજનાઓમાંની એક બની રહેશે.
સાથીઓ,
આ ગેસ પાઈપલાઈનને કારણે હવે બિહારમાં જ સિલિન્ડર ભરવાના મોટા-મોટા પ્લાન્ટસ સ્થપાઈ રહ્યા છે. બાંકી અને ચંપારણમાં એવા જ બે નવા બોટલીંગ પ્લાન્ટનું આજે લોકોર્પણ કરવામાં આવ્યું છે. આ બંને પ્લાન્ટમાં દર વર્ષે સવા કરોડથી વધુ સિલિન્ડર ભરવાની ક્ષમતા છે. આ પ્લાન્ટને કારણે તમારા બિહારના બાંકા, ભાગલપુર, જમુઈ, અરરિયા, કિસનગંજ, કતિહાર, પૂર્વી ચંપારણ, પશ્ચિમ ચંપારણ, મુઝફરપુર, શિવાન, ગોપાલગંજ અને સીતામઢી જીલ્લાઓને સુવિધા પ્રાપ્ત થશે.
બીજી તરફ ઝારખંડમાં ગૌડ્ડા, દેવધર, ડુંકા, સાહિબગંજ, પાકુડ જીલ્લા અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં એલપીજી સાથે જોડાયેલી જરૂરિયાતોને આ પ્લાન્ટ પૂરી કરશે. આ ગેસ પાઈપલાઈન બિછાવવાના કારણે નવા ઉદ્યોગોને જે ઉર્જા મળી રહી છે તેનાથી બિહારમાં હજારો નવા રોજગાર ઉભા થઈ રહ્યા છે અને આગળ જતાં પણ રોજગારીની અનેક સંભાવનાઓ ઉભી થઈ છે.
સાથીઓ,
બરૌનીનું ખાતરનું જે કારખાનું બંધ થઈ ગયું હતું તે પણ ગેસ પાઈપલાઈન નાંખવાને કારણે ખૂબ જલ્દી કામ કરતું થઈ જશે. ગેસ કનેક્ટીવિટીના કારણે જયા સુધી, એક તરફ ફર્ટિલાઈઝર, પાવર અને સ્ટીલ ઉદ્યોગને વધુ ઉર્જા મળતી થશે તો બીજી તરફ સીએનજી આધારિત પરિવહનના સ્વચ્છ સાધનો અને પાઈપલાઈનથી સસ્તો ગેસ વધુ આસાનીથી લોકોના રસોડા સુધી પહોંચતો થઈ જશે.
આ કડીમાં આજે બિહાર અને ઝારખંડના અનેક જીલ્લાઓમાં પાઈપલાઈનથી સસ્તો ગેસ આપવાની શરૂઆત થઈ ગઈ છે, જે દેશના દરેક પરિવારને સ્વચ્છ બળતણ અને ધૂમાડા રહિત રસોડા સાથે જોડવાના આંદોલનને વધુ વેગ આપશે.
સાથીઓ,
ઉજ્જવલા યોજનાના કારણે આજે દેશના 8 કરોડ ગરીબ પરિવારોને પણ ગેસનું જોડાણ મળી શક્યું છે. આ યોજનાથી ગરીબોના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું છે તે કોરોના કાળ દરમ્યાન આપણે સૌએ ફરીથી અનુભવ્યું છે. તમે કલ્પના કરી જુઓ કે જ્યારે ઘરમાં રહેવાનું જરૂરી હતું ત્યારે આ 8 કરોડ પરિવારોના સાથીઓને, આપણી બહેનોને લાકડાં અથવા અન્ય બળતણ એકત્ર કરવા માટે બહાર જવું પડ્યું હોત તો કેવી સ્થિતિ ઉભી થઈ હોત ?
સાથીઓ,
કોરોનાના આ કાળ દરમ્યાન ઉજ્જવલા યોજનાના લાભાર્થી બહેનોને કરોડો સિલિન્ડર મફતમાં આપવામાં આવ્યા છે અને તેનો લાભ બિહારની પણ લાખો બહેનોને થયો છે, લાખો ગરીબ પરિવારોને થયો છે. હું પેટ્રોલિયમ અને ગેસ સાથે જોડાયેલા વિભાગ અને કંપનીઓની સાથે સાથે ડિલીવરીના કામગીરી સાથે જોડાયેલા લાખો સાથીઓની, કોરોના વોરિયર્સની પ્રશંસા કરૂં છે. આ એ જ સાથીદારો છે કે જેમણે સંકટના આ સમય દરમ્યાન લોકોના ઘરમાં ગેસની અછત ઉભી થવા દીધી ન હતી. અને આજે સંક્રમણનો જોખમી સમય હોવા છતાં પણ સિલિન્ડરનો પૂરવઠો જાળવી રાખ્યો છે.
સાથીઓ,
એક એવો સમય પણ હતો કે જ્યારે સમગ્ર દેશમાં અને સાથે-સાથે બિહારમાં પણ એલપીજી ગેસનું જોડાણ હોવું તે ખૂબ જ અમીર લોકોની નિશાની હતી. ગેસનું એક-એક જોડાણ મેળવવા માટે લોકોએ લાગવગ લગાવવી પડતી હતી. સંસદ સભ્ય સાહેબોના ઘરની બહાર લાઈનો લાગતી હતી. જેના ઘરે ગેસ હતો તેમને ખૂબ મોટો ઘર- પરિવાર માનવામાં આવતો હતો. જે લોકો સમાજમાં હાંસિયા પર હતા, પીડિત હતા, વંચિત હતા. પછાત હતા અને અતિ પછાત હતા તેમને કોઈ પૂછતું પણ ન હતું. તેમના દુઃખ અને તકલીફો તરફ ધ્યાન આપવામાં આવતું ન હતું.
પરંતુ, બિહારમાં હવે આ વાતાવરણ બદલાઈ ચૂક્યું છે. ઉજ્જવલા યોજનાના માધ્યમથી બિહારના આશરે સવા કરોડ ગરીબ પરિવારોને ગેસના જોડાણ મફત આપવામાં આવ્યા છે. ગેસનું જોડાણ મળવાથી કરોડો ગરીબ પરિવારોનું જીવન બદલાઈ ગયું છે. હવે તેમણે ખોરાક રાંધવા માટે લાકડાં એકત્ર કરવામાં પોતાની શક્તિનો ઉપયોગ કરવો પડતો નથી અને પોતાને આગળ ધપાવવાના કામમાં લાગી ગયા છે.
સાથીઓ,
જ્યારે હું કહેતો હોઉં છું કે બિહાર દેશની પ્રતિભાઓનું પાવર હાઉસ છે, ઉર્જા કેન્દ્ર છે તો તેમાં કોઈ અતિશયોક્તિ થતી નથી. બિહારના યુવાનોની, અહિની પ્રતિભાઓનો પ્રભાવ તમામ જગાઓએ વિસ્તરેલો છે. ભારત સરકારમાં પણ બિહારના એવા ઘણાં દિકરા- દિકરીઓ છે કે જે દેશની સેવા કરી રહ્યા છે. અન્ય લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે.
તમે કોઈ પણ આઈટીઆઈમાં જાવ, ત્યાં પણ તમને બિહારનો ચમકારો જોવા મળશે. કોઈ અન્ય સંસ્થાઓમાં જશો તો પણ આંખોમાં મોટા-મોટા સપનાઓ સાથે દેશ માટે કશુંક કરી છૂટવાની ધગશ સાથે બિહારના દિકરા- દિકરીઓ તમામ જગાઓ કશુંને કશું અલગ કરી રહ્યા છે.
બિહારની કલા, અહીંનું સંગીત, અહીંનું સ્વાદિષ્ઠ ભોજન, આ બધાંના વખાણ તો સમગ્ર દેશમાં થઈ રહ્યા છે. તમે કોઈ બીજા રાજ્યમાં જશો તો પણ બિહારની તાકાત, બિહારના શ્રમની છાપ તમને દરેક રાજ્યના વિકાસમાં જોવા મળશે. બિહારનો સહયોગ સૌની સાથે છે.
આ એ જ તો બિહાર છે કે જ્યાં, આ એ જ બિહારની અદ્દભૂત ક્ષમતા છે કે જેના માટે અમારૂં પણ કંઈક કર્તવ્ય છે. અને હું તો કહીશ કે અમારી ઉપર ક્યાંકને ક્યાંક બિહારનું ઋણ પડેલું છે કે જેથી અમે બિહારમાં સેવા કરીએ, અમે બિહારમાં એવું સુશાસન લાવીએ કે જેના માટે બિહાર અધિકાર ધરાવે છે.
સાથીઓ,
વિતેલા 15 વર્ષમાં બિહારે આ બધું કરી બતાવ્યું છે અને તે પણ દેખાડ્યું છે કે જો કોઈ યોગ્ય સરકાર હોય તો, સાચા નિર્ણયો કરવામાં આવે તો, સ્પષ્ટ નીતિ હોય તો, વિકાસ થતો જ હોય છે અને દરેક લોકો સુધી પહોંચતો પણ હોય છે. અમે બિહારના દરેક ક્ષેત્રના વિકાસને આગળ ધપાવી રહ્યા છીએ. દરેક સેક્ટરની સમસ્યાઓના ઉપાય શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જેથી બિહાર નવી ઉડાન ભરી શકે, એટલી ઉંચી ઉડાન ભરે કે જેટલું ઉચ્ચ બિહારનું સામર્થ્ય છે.
સાથીઓ,
બિહારમાં ઘણાં લોકો ક્યારેક એવું પણ કહેતા હતા કે, બિહારના નવયુવાનો ભણીગણીને શું કરશે. તેમને તો ખેતરમાં જ કામ કરવાનું છે. આવા વિચારોના કારણે બિહારના પ્રતિભાશાળી યુવાનો સાથે ઘણો અન્યાય થયો છે. આવી વિચાર પ્રક્રિયાને પરિણામે બિહારમાં મોટી શિક્ષણ સંસ્થાઓ શરૂ કરવામાં વધારે ધ્યાન આપવામાં આવ્યું નથી. પરિણામ એ આવ્યું છે કે, બિહારના નવયુવાનોએ બહાર જઈને અભ્યાસ કરવો પડે છે, બહાર જઈને નોકરી કરવા માટે મજબૂર થવું પડે છે.
સાથીઓ,
ખેતરમાં કામ કરવું અને ખેતી કરવી તે પરિશ્રમ અને ગૌરવનું કામ છે, પરંતુ યુવાનોને અન્ય તક મળે નહીં તેવી વ્યવસ્થા ચાલુ રાખવી તે પણ યોગ્ય ન હતું. હાલમાં બિહારમાં શિક્ષણના નવા-નવા કેન્દ્રો ખૂલી રહ્યા છે. હવે એગ્રીકલ્ચર કોલેજ, મેડિકલ કોલેજ અને એન્જીનિયરીંગ કોલેજોની સંખ્યા પણ વધી રહી છે. હવે રાજ્યમાં આઈઆઈટી, આઈઆઈએમ, આઈઆઈઆઈટી, બિહારના નવયુવાનોના સપનાં ઉંચી ઉડાન ભરી શકે તે માટે મદદ કરી રહ્યા છે.
નિતીશજીના શાસન દરમ્યાન બિહારમાં 2 કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય, 1 આઈઆઈટી, 2 આઈઆઈએમ, 1 નિફ્ટ, 1 નેશનલ લૉ ઈન્સ્ટીટ્યુટ જેવી અનેક મોટી સંસ્થાઓ શરૂ થઈ છે. નિતીશજીના પ્રયાસોના કારણે જ હાલ બિહારમાં પોલિટેકનિક સંસ્થાઓની સંખ્યા પણ અગાઉની તુલનામાં ત્રણ ગણા કરતાં પણ વધુ થઈ છે.
સ્ટાર્ટ- અપ ઈન્ડિયા, મુદ્રા યોજના જેવી યોજનાઓ મારફતે બિહારના નવયુવાનોને સ્વરોજગાર મળે તે માટે જરૂરી ધિરાણ ઉપલબ્ધ કરાવાયું છે. સરકારનો એ પણ પ્રયાસ રહ્યો છે કે જીલ્લા સ્તરે કૌશલ્ય કેન્દ્રોના માધ્યમથી બિહારના નવયુવાનોનું કૌશલ્ય વધારવાની તાલીમ પણ મળતી રહે.
સાથીઓ,
બિહારમાં વીજળીની કેવી સ્થિતિ હતી તે બાબત પણ જગજાહેર છે. ગામડાંમાં બે- ત્રણ કલાક વીજળી આવે તો પણ ઘણું માનવામાં આવતું હતું. જે લોકો શહેરોમાં વસવાટ કરે છે તેમને પણ 8 થી 10 કલાક કરતાં વધુ વીજળી મળતી ન હતી. આજે બિહારના ગામડાંઓમાં, શહેરોમાં વીજળીની ઉપલબ્ધિ અગાઉની તુલનામાં ઘણી વધારે મળી રહી છે.
સાથીઓ,
પાવર, પેટ્રોલિયમ અને ગેસ સાથે જોડાયેલા ક્ષેત્રોમાં જે આધુનિક માળખાગત સુવિધાઓનું નિર્માણ થઈ રહ્યું છે, જે સુધારા કરવામાં આવી રહ્યા છે તે લોકોનું જીવન આસાન બનાવવાની સાથે-સાથે ઉદ્યોગ અને અર્થ વ્યવસ્થાને પણ ગતિ આપી રહ્યા છે. કોરોનાના સમયગાળામાં અત્યાર સુધીમાં ફરીથી પેટ્રોલિયમ સાથે જોડાયેલી માળખાગત સુવિધાઓના કામોએ ગતિ પકડી છે.
રિફાઈનરી પ્રોજેક્ટ હોય, તેલ સંશોધનની કામગીરી હોય કે પછી ઉત્પાદન સાથે જોડાયેલો પ્રોજેક્ટ હોય, પાઈપ લાઈન હોય કે સીટી ગેસ વિતરણની યોજના હોય. આવી અનેક યોજનાઓ ફરીથી શરૂ થઈ ગઈ છે અથવા નવેસરથી શરૂ કરવામાં આવી છે. તેની સંખ્યા ઓછી નથી. 8000 કરતાં વધુ એવી યોજનાઓ છે કે જેની ઉપર આવનારા દિવસોમાં રૂ.6 લાખ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે. તમે અંદાજ લગાવી શકો છો કે દેશમાં, બિહારમાં ગેસ આધારિત અર્થવ્યવસ્થાના નિર્માણ માટે કેટલા મોટા પાયા પર કામ ચાલી રહ્યું છે.
આટલું જ નહીં, આ પ્રોજેક્ટમાં જેટલા લોકો અગાઉ કામ કરી રહ્યા હતા તે લોકો પાછા ફર્યા હોવાના કારણે રોજગારીની નવી તકો ઉભી થઈ છે. સાથીઓ આટલી મોટી વૈશ્વિક મહામારી દેશની પ્રત્યેક વ્યક્તિ માટે પરેશાનીઓ લઈને આવી છે, પરંતુ આ બધી પરેશાનીઓ વચ્ચે પણ દેશ અટક્યો નથી. બિહાર રોકાયું નથી, અટકી પડ્યું નથી.
રૂ.100 લાખ કરોડથી વધુ નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન પ્રોજેક્ટને કારણે પણ આર્થિક ગતિવિધીઓને આગળ ધપાવવામાં મદદ મળવાની છે. બિહારને, પૂર્વ ભારતને, વિકાસના આત્મવિશ્વાસનું મહત્વનું કેન્દ્ર બનાવવા માટે આપણે સૌએ ઝડપ સાથે કામ કરતાં રહેવાનું છે. આ વિશ્વાસની સાથે સેંકડો- કરોડોની સુવિધાઓ મેળવવા માટે હું ફરી એક વખત સમગ્ર બિહારને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. ખાસ કરીને માતાઓ અને બહેનોનું જીવન આસાન બની રહેવાનું છે તેના માટે તેમને પણ ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.
એટલું યાદ રાખજો કે કોરોના સંક્રમણ હજુ પણ આપણી વચ્ચે મોજુદ છે અને એટલા માટે જ હું વારંવાર કહેતો રહું છું કે – જબ તક દવાઈ નહીં, તબ તક ઢીલાઈ નહીં. ફરીથી સાંભળી લેજો જબ તક દવાઈ નહીં, તબ તક ઢીલાઈ નહીં.
એટલા માટે જ બે ગજનું અંતર, સાબુ વડે હાથની નિયમિત સફાઈ, અહિં તહીં થૂંકવાની મનાઈ અને ચહેરા પર માસ્ક. આ બધી જરૂરી બાબતોનું ખુદ આપણે પણ પાલન કરવાનું છે અને બીજા લોકોને પણ યાદ અપાવતાં રહેવાનું છે.
તમે સતર્ક રહેશો તો, બિહાર સ્વસ્થ રહેશે. દેશ સ્વસ્થ રહેશે. હું વધુ એક વખત આપ સૌને આ અનેક ભેટ- સોગાદોની સાથે બિહારની વિકાસ યાત્રામાં નવી ઉર્જાનો આ અવસર પ્રાપ્ત કરવા માટે આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
ખૂબ-ખૂબ ધન્યવાદ !