નમસ્કાર !
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજી, નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીન પટેલજી, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શ્રી સી. આર પાટીલજી, અન્ય તમામ મંત્રીઓ, સાંસદ ગણ, ધારાસભ્યો, મારા ખેડૂત મિત્રો અને ગુજરાતના તમામ ભાઈઓ અને બહેનો.
અંબા માતાના આશીર્વાદથી આજે ગુજરાતના વિકાસ સાથે જોડાયેલા મહત્વના 3 પ્રોજેક્ટની શરૂઆત થઈ રહી છે. આજે કિસાન સૂર્યોદય યોજના, ગિરનાર રોપવે અને દેશની મોટી અને આધુનિક કાર્ડિયાક હોસ્પિટલ ગુજરાતને મળી રહી છે. એક રીતે કહીએ તો, આ ત્રણેય શક્તિ, ભક્તિ અને સ્વાસ્થ્યના પ્રતિક છે. આ તમામ માટે ગુજરાતના લોકોને ખૂબ-ખૂબ અભિનંદન !
ભાઈઓ અને બહેનો,
ગુજરાત હંમેશા અસાધારણ સામર્થ્ય ધરાવતા લોકોની ભૂમિ બની રહી છે. પૂજય બાપુ અને સરદાર પટેલથી માંડીને ગુજરાતના અનેક સપૂતોએ દેશને સામાજીક અને આર્થિક નેતૃત્વ પૂરૂં પાડ્યું છે. મને એ બાબતનો આનંદ છે કે કિસાન સૂર્યોદય યોજનાના માધ્યમથી ગુજરાતમાં વધુ એક નવી પહેલ સામે આવી છે. સુજલામ- સુફલામ અને સૌની યોજના પછી હવે કિસાન સૂર્યોદય યોજના ગુજરાતના ખેડૂતો માટે મહત્વનું સિમાચિહ્ન બની રહેશે.
કિસાન સૂર્યોદય યોજનામાં ગુજરાતના ખેડૂતોને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવી છે. વિજળીના ક્ષેત્રમાં ગુજરાતમાં વર્ષોથી જે કામ થઈ રહ્યા છે તે આ યોજનાનો ખૂબ મોટો આધાર બન્યા છે. એક એવો પણ સમય હતો કે જ્યારે ગુજરાતમાં વિજળીની ખૂબ જ અછત રહેતી હતી. 24 કલાક વિજળી આપવી તે ખૂબ મોટો પડકાર હતો. બાળકોનો અભ્યાસ હોય, ખેડૂતોને સિંચાઈ આપવાની હોય કે ઉદ્યોગો માટેની કમાણી હોય, આ તમામ બાબતોને અસર થતી રહેતી હતી. એવી સ્થિતિમાં વિજળીના ઉત્પાદનથી માંડીને ટ્રાન્સમિશન સુધીની દરેક પ્રકારની ક્ષમતા તૈયાર કરવા માટે મિશન મોડમાં આવીને કામ કરવામાં આવ્યું હતું.
ગુજરાત એ દેશનું એવું પહેલું રાજ્ય છે કે જ્યાં સૌર ઉર્જા માટે એક દાયકા પહેલાં વ્યાપક નીતિ ઘડી કાઢવામાં આવી હતી. જ્યારે વર્ષ 2010માં પાટણમાં સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્દઘાટન થયું હતું ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે એક દિવસ ભારત દુનિયાને વન સન (SUN), વન વર્લ્ડ, વન ગ્રીડનો રસ્તો બતાવશે. આજે તો ભારત સોલાર પાવરના ઉત્પાદન અને ઉપયોગ બંને બાબતોમાં દુનિયાના અગ્રણી દેશોમાં સ્થાન પામ્યું છે. વિતેલા 6 વર્ષમાં દેશ સૌર ઉર્જાના ઉત્પાદન બાબતે દુનિયામાં 5મા ક્રમે પહોંચી ચૂક્યું છે અને ઝડપભેર આગળ ધપી રહ્યું છે.
ભાઈઓ અને બહેનો,
જે લોકો ગામડાં સાથે જોડાયા નથી, ખેતી સાથે જોડાયા નથી એવા ઘણાં ઓછા લોકોને ખ્યાલ હશે કે ખેડૂતોને સિંચાઈ માટે મહદ્દ અંશે રાત્રે જ વિજળી મળતી હતી. એ વખતે ખેતરમાં સિંચાઈ કરવા માટે ખેડૂતોએ રાતોની રાતો સુધી જાગવું પડતું હતું. જૂનાગઢ અને ગીર- સોમનાથ જેવા વિસ્તારોમાં, જ્યાં કિસાન સૂર્યોદય યોજના શરૂ થઈ રહી છે ત્યાં તો જંગલી જાનવરોનું પણ ખૂબ મોટું જોખમ રહે છે. એટલા માટે જ કિસાન સૂર્યોદય યોજના રાજ્યના ખેડૂતોને સુરક્ષા તો આપશે જ, પણ સાથે સાથે તેમના જીવનમાં એક નવું પ્રભાત પણ લાવશે. ખેડૂતોને રાત્રે કામ કરવાને બદલે સવારે સૂર્યોદયથી શરૂ કરીને રાત્રે 9 વાગ્યા સુધી થ્રી ફેઝ વિજળી મળશે તો એ નવી સવાર જ છે.
હું ગુજરાત સરકારને એ બાબતે પણ અભિનંદન આપવા માંગુ છું કે અન્ય વ્યવસ્થાઓથી પ્રભાવિત થયા વગર ટ્રાન્સમિશનની બિલકુલ નવી ક્ષમતા તૈયાર કરવાનું કામ થઈ રહ્યું છે. આ યોજના હેઠળ હવે પછીના બે થી ત્રણ વર્ષમાં આશરે સાડા ત્રણ હજાર સરકીટ કી.મી.ની નવી ટ્રાન્સમિશન લાઈનો પાથરવાનું કામ શરૂ કરવામાં આવશે. મને એવું પણ કહેવામાં આવ્યું છે કે આવનારા થોડાક દિવસમાં કેટલાક હજારથી વધુ ગામડાંમાં આ યોજના લાગુ પણ થઈ જવાની છે. આમાંથી ઘણાં બધા ગામો આદિવાસીઓની વિપુલ વસતિ ધરાવતા ગામ છે. જ્યારે આ યોજનાનો સમગ્ર ગુજરાતમાં વિસ્તાર થશે ત્યારે લાખો ખેડૂતોના જીવનમાં અને તેમની રોજ બરોજની જીંદગીમાં સમગ્રપણે પરિવર્તન આવશે.
સાથીઓ,
ખેડૂતોની આવક બમણી કરવા માટે, તેમનો પડતર ખર્ચ ઘટાડવા માટે, તેમની મુશ્કેલીઓ ઓછી કરવા માટે, બદલાતા જતા સમયની સાથે અમારે પણ અમારા પ્રયાસોમાં વધારો કરવાનો રહેશે. ખેડૂતોને કોઈપણ સ્થળે પોતાની ઉપજ વેચવાની આઝાદી આપવી હોય કે પછી હજારો કિસાન ઉત્પાદક સંઘોની રચના કરવાની હોય, સિંચાઈની અટકી પડેલી યોજનાઓ પૂરી કરવાનું કામ હોય કે પછી પાક વીમા યોજનામાં સુધારો કરવાનું કામ હોય. યુરિયાનું 100 ટકા નીમ કોટીંગ કરવાનું કામ હોય કે પછી સમગ્ર દેશમાં કરોડો ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવાનું કામ હોય, આ બધા કામોનું લક્ષ એક જ છે કે દેશનું કૃષિ ક્ષેત્ર મજબૂત બને. ખેડૂતને ખેતી કરવામાં કોઈ મુશ્કેલી પડે નહીં તેના માટે નિરંતર નવી નવી પહેલ હાથ ધરવામાં આવે છે.
દેશમાં આજે અન્નદાતાને ઉર્જાદાતા બનાવવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. કુસુમ યોજના હેઠળ ખેડૂતો, કિસાન ઉત્પાદન સંઘ- એફપીઓ, સહકારી સંસ્થાઓ, પંચાયતો જેવી દરેક સંસ્થાઓ પોતાની બિન ઉપજાઉ જમીન ઉપર નાના નાના સોલાર પ્લાન્ટ લગાવવામાં સહાયતા આપવામાં આવી રહી છે. દેશના લાખો ખેડૂતોના સોલાર પંપને ગ્રીડ સાથે જોડવામાં આવી રહ્યા છે. તેનાથી જે વિજળી પેદા થવાની છે, તેનો ખેડૂતો પોતાની જરૂરિયાત મુજબ સિંચાઈ માટે ઉપયોગ કરી શકશે અને વધારાની વિજળી વેચી પણ શકશે. દેશભરમાં આશરે 17 લાખ ખેડૂત પરિવારોને સોલાર પંપ લગાવવામાં મદદ કરવામાં આવી રહી છે. તેના કારણે ખેડૂતોને સિંચાઈમાં સાનુકૂળતા રહેશે અને સાથે સાથે તેમને વધારાની આવક પણ થશે.
સાથીઓ, ગુજરાતે તો વિજળીની સાથે સાથે સિંચાઈ અને પીવાના પાણીના ક્ષેત્રમાં પણ પ્રભાવશાળી કામગીરી કરી છે. આ કાર્યક્રમ સાથે જોડાયેલા આપણે સૌ જાણીએ છીએ કે અગાઉ ગુજરાતમાં પાણીની કેવી સ્થિતિ હતી. બજેટનો ખૂબ મોટો હિસ્સો વર્ષો સુધી પાણી માટે ખર્ચવો પડતો હતો. અને ઘણાં લોકોને અંદાજ પણ નહીં હોય કે ગુજરાત ઉપર પાણી માટે ખૂબ મોટો આર્થિક બોજો ઉપાડવાનો થતો હતો. વિતેલા બે દાયકામાં જે પ્રયાસો કરવામાં આવ્યા તેના પરિણામે ગુજરાતના એવા જીલ્લા અને એવા ગામોમાં પાણી પહોંચી ગયું છે કે જ્યાં અગાઉ પાણી પહોંચાડવાનું વિચારી પણ શકાતું ન હતું.
આજે આપણે જ્યારે સરદાર સરોવરને જોઈએ છીએ, નર્મદાજીનું જળ ગુજરાતના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચી રહેલી નહેરોનું નેટવર્ક પણ જોઈએ છીએ. વોટર ગ્રીડ્ઝને જોઈએ તો ગુજરાતના લોકોએ કરેલા પ્રયાસો માટે ગર્વ થાય છે. ગુજરાતમાં આશરે 80 ટકા ઘરમાં આજે નળ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને ખૂબ ટૂંકા ગાળામાં ગુજરાતનો સમાવેશ દેશના એવા રાજ્યોમાં થશે કે જ્યાં પાઈપ દ્વારા તમામ ઘરમાં પાણી પહોંચી રહ્યું હોય. આવી સ્થિતિ વચ્ચે આજે ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજના શરૂ થઈ રહી છે ત્યારે આપ સૌએ એક વચન, એક મંત્ર, ફરીથી દોહરાવવાનો છે. એ મંત્ર છે પર ડ્રોપ, મોર ક્રોપ. જ્યારે ખેડૂતોને દિવસે વધુ વિજળી મળતી થઈ જશે ત્યારે તે વધુમાં વધુ પાણી બચાવવા માટે પણ એવા જ પ્રયાસો કરશે. નહીં તો એવું ના થાય કે ભાઈ વિજળી મળી રહી છે, પાણી વહી રહ્યું છે અને આપણે આરામથી બેઠા છીએ. આવું થશે તો ગુજરાત બર્બાદ થઈ જશે. પાણી ખતમ થઈ જશે. જીંદગી મુશ્કેલ થઈ જશે. દિવસે વિજળી મળવાને કારણે ખેડૂતો માટે પણ માઈક્રો ઈરિગેશનની વ્યવસ્થા કરવાનું આસાન બની જશે. ગુજરાતે માઈક્રો ઈરિગેશન ક્ષેત્રમાં ભારે પ્રગતિ કરી છે- ટપક સિંચાઈ હોય કે સ્પ્રીંકલર પધ્ધતિ હોય. કિસાન સર્વોદય યોજનાથી વધુ વિસ્તારોમાં મદદ પ્રાપ્ત થશે.
ભાઈઓ અને બહેનો,
ગુજરાતમાં આજે “સર્વોદય” ની સાથે સાથે “આરોગ્યોદય” પણ થઈ રહ્યો છે તે ખુદ એક નવી ભેટ છે. આજે ભારતને મોટી કાર્ડિયાક હોસ્પિટલ સ્વરૂપે યુ એન મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલ એ દેશની એવી મોખરાની હોસ્પિટલોમાં સમાવેશ પામે છે કે જ્યાં વિશ્વસ્તરની માળખાગત સુવિધાઓ પણ છે અને એટલી જ આધુનિક આરોગ્ય સુવિધાઓ પણ છે, કે જે બદલાતી જતી જીવનશૈલીને કારણે હૃદય સાથે જોડાઈ હોય તેવું આપણે જોઈ રહ્યા છીએ. આવી સમસ્યા રોજે રોજ વધતી જાય છે. નાના બાળકોને પણ તકલીફ પડી રહી છે. આવા સમયમાં આ હોસ્પિટલ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશના લોકો માટે ખૂબ મોટી સગવડ બની રહેશે.
ભાઈઓ અને બહેનો,
વિતેલા બે દાયકામાં ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે પણ અભૂતપૂર્વ કામગીરી બજાવી છે. આધુનિક હોસ્પિટલોનું નેટવર્ક હોય કે પછી મેડિકલ કોલેજ અથવા હેલ્થ સેન્ટર્સ હોય, ગામે ગામને બહેતર આરોગ્ય સુવિધા સાથે જોડવા માટે ખૂબ મોટું કામ કરવામાં આવી રહ્યું છે. વિતેલા 6 વર્ષમાં દેશમાં આરોગ્ય સેવા સાથે જોડાયેલી યોજનાઓ શરૂ કરવામાં આવી છે અને તેનો લાભ પણ ગુજરાતને મળી રહ્યો છે. આયુષમાન ભારત યોજના હેઠળ ગુજરાતમાં 21 લાખ લોકોને મફત સારવાર મળી છે. સસ્તી દવાઓ વેચતા સવા પાંચસો કરતાં વધુ જનૌષધિ કેન્દ્રો ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યા હોવાના કારણે આશરે રૂ.100 કરોડની બચત ગુજરાતના સામાન્ય દર્દીઓને થઈ છે.
ભાઈઓ અને બહેનો,
ગુજરાતને આજે ત્રીજી ભેટ પણ મળી છે. તેની સાથે આસ્થા અને પર્યટન બંને એક બીજા સાથે જોડાઈ ગયા છે. ગિરનાર પર્વત ઉપર અંબા માતા બિરાજમાન છે. ગોરખનાથ શિખર પણ છે. ગુરૂ દત્તાત્રેયનું શિખર અને જૈન મંદિરો પણ છે. અહીંની હજારો સીડીઓ ચડીને લોકો શિખર સુધી પહોંચતા હતા. તેમને અદ્દભૂત શક્તિ અને શાંતિનો અનુભવ થતો હતો. આજે ત્યાં વિશ્વ સ્તરનો રોપવે બનવાના કારણે સુવિધા મળશે. દરેકને દર્શનનો અવસર મળશે. અત્યાર સુધી મંદિર સુધી પહોંચવામાં 7 થી 8 કલાકનો સમય લાગતો હતો તે અંતર હવે રોપવેના કારણે 7 થી 8 મિનિટમાં કાપી શકાશે. રોપવેની સવારી હવે સાહસ પ્રવૃત્તિને પણ વેગ આપશે, કુતૂહલ પણ વધારશે. આ નવી સુવિધા પછી અહીંયા વધુને વધુ સંખ્યામાં શ્રધ્ધાળુઓ અને વધુ પર્યટક પણ આવશે.
સાથીઓ, આજે જે રોપવેની શરૂઆત થઈ છે તે ગુજરાતનો ચોથો રોપવે છે. આ અગાઉ બનાસકાંઠામાં મા અંબાના દર્શન માટે, પાવાગઢમાં, સતપુડામાં 3 વધુ રોપવે કામ કરતા થઈ ગયા છે. ગિરનારના રોપવે માટે જો અવરોધો ઉભા કરવામાં આવ્યા ના હોત તો આ યોજના વર્ષો સુધી અટવાયેલી ના રહી હોત. લોકોને, પ્રવાસીઓને તેનો લાભ વહેલો મળવાનો શરૂ થઈ શક્યો હોત. એક રાષ્ટ્ર તરીકે આપણે એ બાબત પણ વિચારવી જોઈએ કે જ્યારે લોકોને આટલી મોટી સુવિધા પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી હોય, આટલા લાંબા સમય સુધી આવી યોજના અટકી પડે તો લોકોને કેટલું નુકશાન થઈ શકે છે, દેશને કેટલું નુકશાન થઈ શકે છે. હવે જ્યારે ગિરનાર રોપવે શરૂ થઈ ચૂક્યો છે ત્યારે મને ખુશી છે કે અહીંના લોકોને સુવિધા તો મળશે જ, પણ સાથે સાથે સ્થાનિક યુવાનો માટે રોજગારીની વધુ તકો પ્રાપ્ત થશે.
સાથીઓ,
દુનિયાના મોટા મોટા પ્રવાસન મથકો, શ્રધ્ધા સાથે જોડાયેલા કેન્દ્રો, એ બાબતનો સ્વિકાર કરી રહ્યા છે કે આપણે ત્યાં વધુ લોકો ત્યારે જ આવશે, જ્યારે આપણે પ્રવાસીઓને આધુનિક સુવિધા પૂરી પાડી શકીશું. આજે જ્યારે કોઈ પ્રવાસી કોઈ સ્થળે જાય છે તો તે પોતાના પરિવારની સાથે જતો હોય છે. તેના કારણે તેમાં જીવન જીવવાની આસાની પણ જોઈએ. અને પ્રવાસમાં પણ આસાની જરૂરી બને છે. આજે ગુજરાતમાં એવી અનેક જગાઓ છે કે જે દુનિયાના મોટા પ્રવાસન મથકો બનવાની ક્ષમતા ધરાવે છે. જો માતાના મંદિરોની જ વાત કરીએ તો ગુજરાતમાં ભક્તો માટે એક પૂરી સરકીટ છે. હું માતાઓના તમામ સ્થાનોનો ઉલ્લેખ કરતો નથી, પરંતુ ગુજરાતના તમામ ખૂણાઓમાં શક્તિ સ્વરૂપે દેવી માતાઓ ગુજરાતને નિરંતર આશીર્વાદ આપી રહી છે. અંબાજી છે, પાવાગઢ છે, ચોટીલાના ચામુંડા માતાજી છે, કચ્છમાં માતાનો મઢ જેવા સ્થાનકો હોવાથી આપણે અનુભવ કરી શકીએ છીએ કે ગુજરાતમાં એક પ્રકારે શક્તિનો વાસ છે અને અનેક પ્રસિધ્ધ મંદિરો આવેલા છે.
આસ્થાના સ્થળો ઉપરાંત પણ ગુજરાતમાં અનેક અદ્દભૂત જગાઓ છે કે જે ખૂબ મોટી ક્ષમતા ધરાવે છે. હજુ હમણાં તમે જોયું કે દ્વારકાના શિવરાજપુર સમુદ્ર તટને આંતરરાષ્ટ્રીય ઓળખ પ્રાપ્ત થઈ છે. બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે. આવા સ્થળોનો વિકાસ કરવાથી વધુને વધુ લોકો પ્રવાસે આવશે અને સાથે સાથે રોજગારની નવી તકો પણ લઈને આવશે. તમે જુઓ, સરદાર સાહેબને સમર્પિત કરવામાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની સૌથી મોટી પ્રતિમા છે. કેટલા બધા પ્રવાસીઓ માટે તે સ્થળ હવે આકર્ષણરૂપ બની ચૂક્યું છે.
જ્યારથી કોરોના શરૂ થયો, તે અગાઉથી આશરે 45 લાખ કરતાં વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા જઈ ચૂક્યા હતા. આટલા ઓછા સમયમાં 45 લાખ લોકોનું આગમન તે ઘણી મોટી વાત છે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી, હવે – અમદાવાદનું કાંકરિયા સરોવર એક સમય હતો કે જ્યારે ત્યાંથી કોઈ નિકળતું ન હતું. બીજા રસ્તે જવાનું પસંદ કરવામાં આવતું હતું. તેનું થોડુંક રિનોવેશન કરવામાં આવ્યું. કેટલાક પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાઓ કરવામાં આવી તો આજે તેની શું સ્થિતિ છે- ત્યાં જનાર લોકોની સંખ્યા હવે વાર્ષિક 75 લાખ સુધી પહોંચી ચૂકી છે. માત્ર અમદાવાદ શહેરના મધ્યમાં 75 લાખ, મધ્યમ અને નિમ્ન વર્ગના પરિવારો માટે આ જગા આકર્ષણનું મોટું કારણ બની ચૂકી છે અને અનેક લોકો માટે રોજી રોટીનું પણ કારણ બની છે. આ તમામ પરિવર્તનો પ્રવાસીઓની વધતી જતી સંખ્યા અને સ્થાનિક લોકોની આવક વધારવામાં ઘણી મદદ કરી રહ્યા છે. અને પ્રવાસન એ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં ઓછામાં ઓછી મૂડીનું રોકાણ કરીને વધુને વધુ લોકોને રોજગારી આપી શકાય છે.
આપણાં જે ગુજરાતી સાથીઓ… હું ઈચ્છીશ કે દુનિયાભરમાં ફેલાયેલા ગુજરાતી ભાઈઓ અને બહેનોને આગ્રહ સાથે હું કહેવા માંગુ છું કે તે ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનીને સમગ્ર દુનિયામાં છવાયેલા ગુજરાતના લોકો હવે આકર્ષણનું નવાં કેન્દ્ર બનેલા અને ભવિષ્યમાં બનનારા સ્થળોએ દુનિયાભરમાં ફેલાયેલા આપણાં ગુજરાતી બંધુઓને હું કહેવા માંગુ છે કે આપણાં તમામ સાથીદારો તેમની વાતો પૂરી દુનિયામાં જાતે જ લઈને આગળ ધપે. દુનિયાના લોકોને અહીં આવવા માટે આકર્ષિત કરે. ગુજરાતના પ્રવાસન સ્થળોનો પરિચય કરાવે. આપણે આ વાત લઈને આગળ ધપવાનું છે, આગળ વધવાનું છે.
ફરી એક વખત મારા તમામ ગુજરાતી ભાઈઓ અને બહેનોને આ આધુનિક સુવિધાઓ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મા અંબાના આશીર્વાદથી ગુજરાત નવી ઉંચાઈએ પહોંચે. મારી એ પ્રાર્થના છે કે ગુજરાત સ્વસ્થ રહે, ગુજરાત સશક્ત બને. આ બધી શુભેચ્છાઓ સાથે આપનો આભાર. ખૂબ ખૂબ અભિનંદન…!