જય જગન્નાથ,
ઓડિશાના મુખ્યમંત્રી, અમારા વરિષ્ઠ સાથીદાર શ્રીમાન નવીન પટનાયકજી, કેન્દ્રિય મંત્રીમંડળના મારા સહયોગી રવિશંકર પ્રસાદજી, ઓડિશાની ધરતીના જ સંતાન અને મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન ધર્મેન્દ્ર પ્રધાનજી, ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્લુનલના પ્રેસિડેન્ટ માનનીય ન્યાયાધીશ પી. પી. ભટ્ટજી, ઓડિશાના સંસદ સભ્યો, ધારાસભ્યો તથા કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભવો અને સાથીઓ.
ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્લુનલ એટલે કે આઈટીએટીની કટક બેંચ આજે પોતાના નવા અને આધુનિક સંકુલમાં તબદીલ થઈ રહી છે. આટલા લાંબા સમય સુધી ભાડાના મકાનમાં કામ કરતા રહ્યા પછી પોતાના ઘરમાં જવાની ખુશી કેટલી હોય છે તેનો અંદાજ આપ સૌના આનંદિત ચહેરા જોઈને પણ મને આવી શકે છે. આનંદની આ પળોમાં તમારી સાથે જોડાતાં હું આવક વેરા એપેલેટ ટ્રિબ્યુનલના તમામ અધિકારીઓ- કર્મચારીઓને હું શુભેચ્છા પાઠવું છું. કટકની આ બેંચ હવે માત્ર ઓડિશા જ નહીં, પણ પૂર્વ અને ઉત્તર ભારતના લાખો કરદાતાઓને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે. નવી સુવિધાઓ પ્રાપ્ત થયા પછી આ બેંચ કોલકાતા ઝોનની બીજી બેંચના પણ પડતર અપીલ કેસનો નિકાલ કરવામાં સક્ષમ બની શકશે. એટલા માટે આ તમામ કરદાતાઓને પણ કે જેમને આ આધુનિક સંકુલમાં નવી સુવિધાઓ મળવાની છે અને ઝડપથી સુનાવણી માટેનો માર્ગ ખૂલવાનો છે તે બદલ હું ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
સાથીઓ,
આજનો આ દિવસ એક વધુ પુણ્યાત્માનું સ્મરણ કરવાનો દિવસ છે, જેમના પ્રયાસો વગર આવક વેરા એપેલેટ ટ્રિબ્યુનલની કટક બેંચનું આ સ્વરૂપ શક્ય બન્યું ના હોત. ઓડિશા માટે, ઓડિશાના લોકોની સેવા માટે સમર્પિત રહેલા બીજુ પટનાયકજી, બીજુ બાબુને હું મારી શ્રધ્ધાંજલિ અર્પણ કરૂં છું.
સાથીઓ,
આવક વેરા એપેલેટ ટ્રિબ્યુનલનો એક ગૌરવપૂર્ણ ઈતિહાસ રહ્યો છે. દેશમાં આધુનિક માળખાગત સુવિધાઓ તૈયાર કરવામાં જોડાયેલી વર્તમાન ટીમને હું અભિનંદન પાઠવું છું. મને કહેવામાં આવ્યું છે કે કટકની પહેલાં બેંગ્લોર અને જયપુરમાં અગાઉથી જ તમારા પોતાના સંકુલો તૈયાર થઈ ચૂક્યા છે. આ ઉપરાંત અન્ય શહેરોમાં પણ નવા સંકુલો બનાવવાનું અને જૂના સંકુલોને અપગ્રેડ કરવાનું કામ પણ ઝડપભેર આગળ ધપી રહ્યું છે.
સાથીઓ,
આજે આપણે ટેકનોલોજીના જે દોરમાં પહોંચી રહ્યા છીએ ત્યાં સમગ્ર સિસ્ટમનું અપગ્રેડેશન કરવાનું ઘણું જરૂરી બની રહે છે, ખાસ કરીને આપણાં ન્યાયતંત્રમાં આધુનિકતા, ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરીને દેશના નાગરિકોને નવી સુવિધાઓ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. નિષ્પક્ષ, સુલભ, સત્વર ન્યાયના જે આદર્શને લઈને તમે આગળ ધપી રહ્યા છો તે આધુનિક સુવિધાઓ અને ટેકનિકલ ઉપાયોને કારણે વધુ સશક્ત બનશે. એ સંતોષનો વિષય છે કે આવક વેરા એપેલેટ ટ્રિબ્યુનલ દેશભરમાં પોતાની બેંચને વર્ચ્યુઅલ સુનાવણી માટે પણ અપગ્રેડ કરી રહી છે અને જે રીતે હમણાં શ્રીમાન પી. પી. ભટ્ટે જણાવ્યું તે મુજબ આટલું મોટુ કામ આ કોરોના કાલખંડમાં પણ થયું છે. વર્ચ્યુઅલ થયું છે અને રવિશંકરજીએ તો સમગ્ર દેશનો એક મોટો અહેવાલ આપ્યો છે.
સાથીઓ,
ગુલામીના લાંબા કાલખંડમાં કર ચૂકવનાર અને કર મેળવનાર બંનેના સંબંધો શોષિત અને શોષકના સ્વરૂપમાં વિકસ્યા હતા. કમનસીબે આઝાદી પછી આપણી જે કર વ્યવસ્થા ચાલી રહી હતી તેની તસવીર બદલવાના જે પ્રયાસો થવા જોઈએ તેટલા થઈ શક્યા ન હતા. જ્યારે ભારતમાં જૂના સમયથી જ કરવેરાના મહત્વ અને તેની ચૂકવણીની એક ખૂબ જ સ્વસ્થ પરંપરા રહી છે. જે રીતે ગોસ્વામી તુલસીદાસે કહ્યું છે તે મુજબઃ
बरसत हरसत सब लखें, करसत लखे न कोय
तुलसी प्रजा सुभाग से, भूप भानु सो होय’
કહેવાનો અર્થ એ છે કે જ્યારે વાદળો વરસે છે તો તેનો લાભ સૌને જોવા મળે છે, પરંતુ જ્યારે વાદળ બને છે અને સૂર્ય પાણી શોષે છે ત્યારે તેનાથી સૌ કોઈને તકલીફ પડે છે. આ રીત શાસનમાં પણ હોવું જોઈએ. જ્યારે આમ જનતા પાસેથી વેરા લેવાતો હોય તો તેને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં, પરંતુ જ્યારે દેશના જ પૈસા તે નાગરિકો સુધી પહોંચે તો લોકોને પણ તેનો ઉપયોગ અંગે પોતાના જીવનમાં અનુભવ થવો જોઈએ. વિતેલા વર્ષોમાં સરકાર આ વિઝનને લઈને આગળ વધી રહી છે.
સાથીઓ,
આજના કરદાતા સમગ્ર કર વ્યવસ્થામાં ખૂબ મોટા પરિવર્તન અને પારદર્શકતાના સાક્ષી બની રહ્યા છે. તેમણે જ્યારે રિફંડ માટે મહિનાઓ સુધી પ્રતિક્ષા કરવી પડતી હતી તેના બદલે થોડાક જ સપ્તાહમાં તેમને રિફંડ મળી જતું હોવાથી તેમને પારદર્શકતાનો અનુભવ થાય છે. હવે જ્યારે ફેસલેસ અપીલની પણ સુવિધા પ્રાપ્ત થઈ છે ત્યારે તેને કર પારદર્શકતાનો વધારે અનુભવ થાય છે. અગાઉની સરકારના સમયમાં ફરિયાદો થતી હતી. ટેક્સ ટેરરિઝમ શબ્દ ચારેબાજુ સાંભળવા મળતો હતો. આજે દેશ તેને પાછળ છોડીને કરવેરાની પારદર્શકતા તરફ આગળ વધી રહ્યો છે. ટેક્સ ટેરરિઝમથી ટેક્સ ટ્રાન્સપરન્સીનું આ પરિવર્તન એટલા માટે થઈ શક્યું છે, કારણ કે રિફોર્મ, પર્ફોમ અને ટ્રાન્સફોર્મનો અભિગમ લઈને અમે સુધારા કરી રહ્યા છીએ. નિયમોમાં, પ્રક્રિયાઓમાં અને તેમાં ટેકનોલોજીની પણ ભરપૂર મદદ લેવામાં આવી રહી છે. અમે પર્ફોર્મ કરી રહ્યા છીએ. સારી નિયત સાથે, સ્પષ્ટ ઈરાદાઓ સાથે અને સાથે-સાથે અમે કર વ્યવસ્થાપનની માનસિકતામાં પણ પરિવર્તન લાવી રહ્યા છીએ.
સાથીઓ,
આજે દેશમાં રૂ.5 લાખ સુધી આવક વેરો શૂન્ય છે. આનો ખૂબ મોટો લાભ નીચલા મધ્યમ વર્ગના આપણાં નવયુવાનોને મળી રહ્યો છે. આ વર્ષે અંદાજ પત્રમાં આવક વેરાનો જે નવો વિકલ્પ આપવામાં આવ્યો છે તે વધુ સરળ પણ છે અને કરદાતાને બિનજરૂરી તણાવ અને ખર્ચથી બચાવે છે. આ રીતે વિકાસની ગતિ તેજ કરવા માટે તથા ભારતને વધુ મૂડી રોકાણલક્ષી બનાવવા માટે કોર્પોરેટ વેરામાં પણ ઐતિહાસિક કાપ મૂકવામાં આવ્યો છે. દેશમાં જ લાખો યુવાનોને રોજગાર આપનારી હાલની કંપનીઓ માટે કોર્પોરેટ વેરો ઘટાડવામાં આવ્યો છે. દેશમાં મેન્યુફેક્ચરીંગ આત્મનિર્ભર બને તે માટે નવી ઘરેલુ મેન્યુફેક્ચરીંગ કંપનીઓ માટે વેરાનો દર 15 ટકા કરવામાં આવ્યો છે. ભારતના ઈક્વિટી માર્કેટમાં રોકાણ વધારવા માટે ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સને પણ રદ કરવામાં આવ્યો છે. જીએસટના કારણે ડઝનબંધ વેરાઓની જે જાળ હતી તે ઓછી થઈ છે અને મોટા ભાગના સામાન અને સેવાઓમાં કરવેરાના દર ઘણાં ઓછા કરી દેવામાં આવ્યા છે.
સાથીઓ,
આજથી પાંચ-છ વર્ષ પહેલાં એવી સ્થિતિ હતી કે આવક વેરા કમિશ્નર, કરદાતાને જો રૂ.3 લાખ સુધીની રાહત આપતા હતા તો તેમને આઈટીએટીમાં પડકારવામાં આવતા હતા. આ મર્યાદાને અમારી સરકારે રૂ.3 લાખથી વધારીને રૂ.50 લાખ કરી છે. આ રીતે સુપ્રિમ કોર્ટમાં એ જ કેસ જાય છે કે જ્યાં ઓછામાં ઓછા રૂ.2 કરોડનો વેરો અપીલનો વિષય હોય. આ પ્રયાસોના કારણે બિઝનેસ કરવામાં આસાની તો વધી જ છે, પણ સાથે-સાથે અનેક સંસ્થાઓ ઉપરથી વિવાદીત કેસનો બોજો પણ ઓછો થયો છે.
સાથીઓ,
કરવેરામાં ઘટાડા અને પ્રક્રિયામાં સરળતાની સાથે સાથે જે સૌથી મોટા સુધારા કરવામાં આવ્યા છે તે તમામ પ્રામાણિક કરદાતાની ગરિમા સાથે જોડાયેલા છે. તેમને પરેશાનીમાંથી બચાવવા માટે બનાવવામાં આવ્યા છે. આજે ભારતની ગણના દુનિયાના એવા થોડા ચુનંદા દેશોમાં થાય છે કે જ્યાં કરદાતા અને કર એકત્ર કરનાર વચ્ચે વિશ્વાસની બહાલી માટે, પારદર્શીતા માટે આ એક ખૂબ મોટું કદમ છે. જે વ્યક્તિ પોતાનો શ્રમ અને પરસેવો દેશના વિકાસમાં લગાવી રહ્યો છે, અનેક દેશવાસીઓને રોજગાર આપી રહ્યો છે તે હંમેશા સન્માનના અધિકારી છે. 15 ઓગષ્ટના રોજ ખૂબ આગ્રહ અને સન્માનની સાથે મેં આ બાબતે ઉલ્લેખ કર્યો હતો. દેશમાં સંપત્તિનું નિર્માણ કરનારની મુશ્કેલીઓ ઓછી થાય છે અને જ્યારે તેને સુરક્ષા પ્રાપ્ત થાય છે ત્યારે તેનો વિશ્વાસ દેશની વ્યવસ્થામાં ઘણો વધી જતો હોય છે. આ વધતા વિશ્વાસનું પરિણામ એ છે કે વધુને વધુ સાથીદારો દેશના વિકાસ માટે કર વ્યવસ્થામાં જોડાવા માટે આગળ આવી રહ્યા છે. સરકાર કેવી રીતે કરદાતા પર વિશ્વાસ મૂકીને આગળ ધપી રહી છે તેનું એક વધુ ઉદાહરણ હું આજે તમને આપવા માંગુ છું.
સાથીઓ,
પહેલાં એવી વ્યવસ્થા હતી કે દેશમાં જેટલા પણ લોકો અથવા વેપારી આવક વેરાના રિટર્ન ફાઈલ કરતા હતા તેમાંથી મહત્તમ લોકોને આવક વેરા વિભાગની સ્ક્રુટીનીનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે એવું નથી. હવે સરકાર એવું માને છે કે આવકવેરાનું જે રિટર્ન ફાઈલ કરવામાં આવી રહ્યું છે તેની ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકો. આનું પરિણામ એ આવ્યું છે કે આજ દેશમાં જે રિટર્ન ફાઈલ થાય છે તેમાંથી 99.75 ટકા કોઈપણ તકલીફ વગર સ્વીકાર કરી લેવામાં આવે છે. માત્ર 0.25 ટકા કેસમાં જ સ્ક્રૂટીની કરવામાં આવે છે. આ ઘણું મોટું પરિવર્તન છે, જે દેશની કર વ્યવસ્થામાં આવ્યું છે.
સાથીઓ,
દેશમાં જે કર સુધારાના ધ્યેય પ્રાપ્ત થઈ રહ્યા છે તેમાં તમારા જેવી ટ્રિબ્યુનલની ભૂમિકા ઘણી મહત્વની છે. તમે પણ જે રીતે પોતાના વર્ચ્યુઅલ સમયનો ઉપયોગ કરીને કેટલીક બાબતો આગળ વધારી છે, મને વિશ્વાસ છે કે જે પ્રકારે આપણે ફેસલેસ સિસ્ટમ તરફ આગળ વધી રહ્યા છીએ, તમે પણ વિચારશો તો જણાશે કે ફેસલેસ એસેસમેન્ટ અને અપીલની જેમ જ આવક વેરા એપેલેટ ટ્રિબ્યુનલને પણ શું આપણે ફેસલેસની દિશામાં આગળ ધપાવી શકીએ તેમ છીએ ? કોરોના કાળમાં આપવામાં આવેલી આ વ્યવસ્થાને આગળ ધપાવી શકાય તેમ છે.
સાથીઓ,
કોરોનાના આ સમયમાં આપણને સૌને અનુભવ થયો છે કે વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી તમામ કામ ખૂબ જ સારી રીતે અને તેટલી જ પારદર્શી અને અસરકારક રીતે થઈ રહ્યા છે. આજે તમે જ્યારે દેશભરની બેંચીઝમાં આધુનિક સુવિધાઓથી સભર સંકુલોનું નિર્માણ કરી રહ્યા છો, ત્યારે આ સુધારા તમારા માટે મુશ્કેલ નથી. તેનાથી કરદાતાનો સમય, ધન અને ઉર્જામાં વધારો થશે. વિવાદોનો ઉકેલ પણ ખૂબ જ ઝડપથી આવી શકશે.
સાથીઓ,
વિદ્વાનો કહેતા હોય છે કે न्यायमूलं सुराज्यं स्यात्, संघमूलं महाबलम् ॥
આનો અર્થ એ થાય છે કે ન્યાય સુરાજ્યનું મૂળ છે અને સંગઠીત મહાશક્તિનું પણ મૂળ હોય છે. એટલા માટે ન્યાય અને સંગઠનની શક્તિને આત્મનિર્ભર ભારતની ઉર્જા બનાવવાનો નિરંતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં એક પછી એક જે સુધારા થઈ રહ્યા છે તેની શ્રૃંખલા ચાલી રહી છે તેની પાછળ પણ આ જ પ્રેરણા કામ કરે છે. મને પૂરો વિશ્વાસ છે કે આપણાં સૌના સંગઠીત પ્રયાસોથી આપણાં તમામ પ્રયાસો સફળ થશે. આવક વેરા એપેલેટ ટ્રિબ્યુનલ સાથે જોડાયેલા તમામ સાથીદારોને, તમામ ઓડિશાવાસીઓને વધુ એક વખત ફરીથી આ આધુનિક સંકુલ માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપ સૌને દિવાળી સહિત આવનારા તમામ તહેવારો માટે શુભકામના પાઠવું છું. અને એક વાત હું જરૂર કહીશ કે કોરોનાના કાળમાં આપણે કોરોનાને હળવાશથી લેવાનો નથી. સાવધાની રાખવાની, જે નાની નાની વાતો છે- જેમ કે માસ્ક પહેરવું, અંતર જાળવવું, સાબુથી હાથ ધોવા. હું ઓડિશાવાસીઓને એ બાબતે જરૂર આગ્રહ કરીશ કે ઓડિશા કળા અને સંસ્કૃતિની એક મોટી તપોભૂમિ છે, તપસ્યા ભૂમિ છે. આજે મંત્ર ગૂંજી રહ્યો છે કે વોકલ ફોર લોકલ. ભારતના દરેક ખૂણે, ભારતના દરેક ખૂણે જે ચીજો માટે દેશવાસીઓએ પસીનો વહાવ્યો છે, જેમાં મારા દેશવાસી નવયુવાનોની પ્રતિભાએ કામ કર્યું છે, આપણે તેવી જ ચીજો માટે આગ્રહ રાખીએ. સ્થાનિક ચીજો ખરીદવાનો આગ્રહ રાખીએ. ભારતની જમીન ઉપર ભારતના પસીનાથી તરબતર ચીજોને ખરીદવાનો આગ્રહ રાખો તેવી વાત હું જગન્નાથજીની ધરતી પરથી ઓડિશાને પણ કહેવા માંગુ છું. અને દેશવાસીઓને પણ કહેવા માંગુ છું કે વોકલ ફોર લોકલ માત્ર દિવાળીમાં જ લોકલ નહીં, દિવાળી જ નહીં, આપણે ઈચ્છીએ તો 365 દિવસ દિવાળી બને અને 365 દિવસ આપણે લોકલ ચીજો જ ખરીદતા રહીએ. જુઓ, દેશની અર્થ વ્યવસ્થા ઝડપી ગતિથી આગળ વધવાનું શરૂ કરી દેશે. આપણાં મહેનતું લોકોના પરસેવામાં એવી તાકાત છે કે તે દેશને નવી ઉંચાઈ પર લઈ જઈ શકશે. અને આ વિશ્વાસ સાથે આ શુભ પ્રસંગે આપ સૌને અનેક અનેક શુભેચ્છાઓ, મંગલકામનાઓ પાઠવું છું.
ખૂબ-ખૂબ ધન્યવાદ ! ! !