હર હર મહાદેવ !
હર હર મહાદેવ!
આ કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, ઊર્જાવંત અને લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, ભારતમાં જાપાનના રાજદૂત શ્રીમાન સુઝુકી સાતોશીજી, સંસદમાં મારા સાથીદાર રાધામોહન સિંહજી, કાશીના તમામ પ્રબુદ્ધજન અને સન્માનિત સાથીદારો!
હજુ હમણા અગાઉના કાર્યક્રમમાં મેં કાશીવાસીઓને કહ્યું હતું કે, ઘણા લાંબા સમય પછી મને તમને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પણ બનારસનો મિજાજ એવો છે કે, તમે લાંબા સમય પછી મળો તો પણ આ નગરવાસીઓ જ્યારે મળે છે, ત્યારે હૃદયપૂર્વક મળે છે, તમને અખૂટ પ્રેમ આપે છે. તમે જ જુઓ, ભલે આપણે મળ્યાંને ઘણા દિવસો થઈ ગયા. પણ જ્યારે કાશીએ લાંબા સમય પછી મને બોલાવ્યો ત્યારે બનારસવાસીઓએ એકસાથે અનેક વિકાસલક્ષી કાર્યક્રમોની ભેટ ધરી દીધી. એક રીતે આજે મહાદેવજીના આશીર્વાદ સાથે કાશીવાસીઓએ વિકાસની ગંગા વહેતી કરી છે. આજે જ સેંકડો કરોડો રૂપિયાની અનેક યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલારોપણ થયું છે. હવે આ રુદ્રાશ કન્વેન્શન સેન્ટર! કાશીનું પ્રાચીન સ્વરૂપ, પ્રાચીન વૈભવ પોતાના આધુનિક સ્વરૂપ એટલે એક પ્રકારે આધુનિક રૂપરંગ સાથે અસ્તિત્વમાં આવી રહ્યું છે. કાશી વિશે કહેવાય છે – બાબાની આ નગરી ક્યારેય અટકતી નથી, ક્યારેય વિરામ લેતી નથી! વિકાસની આ નવી ઊંચાઈએ કાશીના આ મિજાજને ફરી સાબિત કર્યો છે. જ્યારે કોરોનાકાળમાં દુનિયા થંભી ગઈ હતી, ત્યારે કાશી સંયમિત તો થઈ, શિસ્તબદ્ધ પણ થઈ, પણ સર્જન અને વિકાસની ધારા અવિરતપણે વહેતી રહી. કાશીના વિકાસનું આ નવું પાસું, આ ‘ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એન્ડ કન્વેન્શન સેન્ટર – રુદ્રાક્ષ’ આજે એ જ રચનાત્મકતા, એ જ ગતિશીલતાનું પરિણામ છે. હું તમને બધાને, કાશીના દરેક નગરવાસીને આ સફળતા માટે અભિનંદન આપું છું. ખાસ કરીને હું ભારતના પરમ મિત્ર જાપાનને, જાપાનના લોકોને, પ્રધાનમંત્રી શ્રી શુગા યોશીહિદેને અને રાજદૂત શ્રી સુઝુકી સાતોશીનો આભાર માનું છું. આપણે જાપાનના પ્રધાનમંત્રીજીનો વીડિયો સંદેશ પણ જોયો. તેમના આત્મીય પ્રયાસોથી કાશીને આ ભેટ મળી છે. એ સમયે પ્રધાનમંત્રી શ્રી શુગા યોશીહિદેજી ચીફ કેબિનેટ સેક્રેટરી હતા. ત્યારથી પ્રધાનમંત્રીની ભૂમિકા સુધી તેઓ સતત આ પ્રોજેક્ટ સાથે વ્યક્તિગત રીતે જોડાયેલા રહ્યાં છે. ભારત પ્રત્યે તેમના આ લગાવ માટે દરેક ભારતવાસી તેમનો આભારી છે.
સાથીઓ,
આજે આ આયોજનમાં અન્ય એક વ્યક્તિ આપણી વચ્ચે છે, જેમનું નામ લેવાનું હું ભૂલી ન શકું. જાપાનના જ મારા એક મિત્ર – શિન્જો આબેજી. મને યાદ છે – જ્યારે શિન્જો આબેજી પ્રધાનમંત્રી તરીકે કાશી આવ્યા હતા, ત્યારે રુદ્રાક્ષના વિચાર પર મેં તેમની સાથે લાંબી ચર્ચા કરી હતી. તેમણે તરત તેમના અધિકારીઓને આ વિચાર પર કામ કરવાનું કહ્યું હતું. પછી જાપાનની ચિરપરિચત કાર્યશૈલી જોવા મળી. એની વિશેષતા છે – પરફેક્શન અને પ્લાનિંગ. એની સાથે એના પર કામ શરૂ થયું અને આજે આ ભવ્ય ઇમારત કાશીની શોભા વધારી રહી છે. આ ઇમારતમાં આધુનિકતાની ચમક પણ છે અને સાંસ્કૃતિક આભા પણ છે. એમાં ભારત અને જાપાનના સંબંધોનું જોડાણ પણ છે અને ભવિષ્ય માટે અનેક સંભાવનાઓની તક પણ છે. મારી જાપાન યાત્રા સમયે અમે બંને દેશોના સંબંધોમાં બંને દેશના લોકો વચ્ચેના જોડાણમાં આ જ પોતીકાપણાની વાત થઈ હતી. અમે જાપાન સાથે આ જ પ્રકારના સાંસ્કૃતિક સંબંધની રુપરેખા બનાવી હતી. મને આનંદ છે કે, આજે બંને દેશોના પ્રયાસોથી વિકાસની સાથે સાથે સંબંધોમાં મીઠાશનું એક નવું પ્રકરણ ઉમેરાઈ રહ્યું છે. હજુ થોડા અઠવાડિયા અગાઉ કાશીના રુદ્રાક્ષની જેમ ગુજરાતમાં પણ જાપાની ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડેમીનું પણ લોકાર્પણ થયું હતું. જેમ આ રુદ્રાક્ષ જાપાન તરફથી ભારતને ભેટ ધરવામાં આવેલી પ્રેમની માળા છે, તેમ ઝેન ગાર્ડન પણ બંને દેશો વચ્ચેના પારસ્પરિક પ્રેમની સુગંધ ફેલાવી રહ્યો છે. આ જ રીતે, વ્યૂહાત્મક ક્ષેત્ર હોય કે આર્થિક ક્ષેત્ર હોય, જાપાન અત્યારે ભારતના વિશ્વસનિય મિત્ર દેશો પૈકીનો એક છે. આપણી મૈત્રી આ સંપૂર્ણ વિસ્તારની સૌથી સ્વાભાવિક ભાગીદારીમાંથી એક ગણાય છે. આધુનિક માળખાગત ક્ષેત્ર અને વિકાસલક્ષી પહેલોમાં પણ ઘણા મહત્વપૂર્ણ અને સૌથી મોટા પ્રોજેક્ટ્સમાં જાપાન આપણો ભાગીદાર દેશ છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ હોય, દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોર હોય, કે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર હોય – જાપાનના સાથસહકાર સાથે આકાર લઈ રહેલા આ તમામ પ્રોજેક્ટ્સ નવા ભારતની તાકાત બનશે.
સાથીદારો,
ભારત અને જાપાન એકસમાન વિચારસરણી ધરાવે છે કે, આપણો વિકાસ આપણા ઉલ્લાસ સાથે જોડાયેલો હોવો જોઈએ. આ વિકાસ સર્વમુખી હોવો જોઈએ, તમામ માટે હોવો જોઈએ અને બધાને જોડનારો હોવો જોઈએ. આપણા પુરાણોમાં કહેવામાં આવ્યું છે -
तत्र अश्रु बिन्दुतो जाता, महा रुद्राक्ष वृक्षाकाः। मम आज्ञया महासेन, सर्वेषाम् हित काम्यया॥
અર્થાત્ તમામના હિત માટે, તમામના કલ્યાણ માટે ભગવાન શિવની આંખમાંથી પડેલું અશ્રુ બિંદુ સ્વરૂપે રુદ્રાક્ષ પ્રકટ થયું છે. શિવ તો બધાના છે, તેમના અશ્રુનું બિંદુ માનવમાત્ર માટે સ્નેહનું, પ્રેમનું પ્રતીક જ છે. આ જ રીતે આ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર – રુદ્રાક્ષ પણ આખી દુનિયાને પરસ્પર પ્રેમ, કળા અને સંસ્કૃતિ દ્વારા જોડવાનું એક માધ્યમ બનશે. અને કાશીની વાત જ ન્યારી છે. આમ પણ કાશી દુનિયાનું સૌથી પ્રાચીન જીવંત નગર છે. શિવથી લઈને સારનાથમાં ભગવાન બુદ્ધ સુધી કાશીએ અધ્યાત્મની સાથે કળા અને સંસ્કૃતિને સદીઓથી પરંપરાઓને અક્ષુણ રાખી છે. વર્તમાન સમયમાં પણ તબલામાં ‘બનારસબાજ’ની શૈલી હોય, ઠુમરી, દાદરા, ખ્યાલ, ટપ્પા અને ધ્રુપદ હોય, ધમાર, કજરી, ચૈતી, હોરી જેવી બનારસની ચર્ચિત અને પ્રસિદ્ધ ગાયનશૈલીઓ હોય, સારંગી અને પખાવજ હોય, કે પછી શહેનાઈ હોય – મારા બનારસના રોમરોમમાંથી ગીત, સંગીત અને કળા ઝરે છે. અહીં ગંગાના વિવિધ ઘાટો પર અનેક કળાઓ વિકસી છે, જ્ઞાન શિખર સુધી પહોંચ્યું છે અને માનવતા સાથે જોડાયેલું ગંભીર ચિંતન – આ નગરની માટીની દેણ છે. એટલે બનારસ ગીત-સંગીતનું, ધર્મ-અધ્યાત્મનું અને જ્ઞાન-વિજ્ઞાનનું એક બહુ મોટું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બની શકે છે.
સાથીદારો,
બૌદ્ધિક ચર્ચાઓ માટે, મોટા સેમિનાર્સ માટે અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે બનારસ આદર્શ નગર છે. દેશવિદેશથી લોકો અહીં આવવા ઇચ્છે છે, અહીં રોકાણ કરવા ઇચ્છે છે. જો અહીં આ પ્રકારના કાર્યક્રમો માટે સુવિધા મળશે, માળખું હશે, તો સ્વાભાવિક રીતે મોટી સંખ્યામાં કળા જગત સાથે જોડાયેલા લોકો બનારસને પ્રાથમિકતા આપશે. રુદ્રાક્ષ આ જ સંભાવનાઓને આગામી દિવસોમાં સાકાર કરશે, દેશવિદેશમાંથી સાંસ્કૃતિક આદાનપ્રદાનનું એક કેન્દ્ર બની જશે. ઉદાહરણ તરીકે, બનારસમાં જે કવિ સંમેલનો યોજાય છે, એના ચાહકો દેશ અને દુનિયામાં છે. આગામી સમયમાં આ કવિ સંમેલનોને વૈશ્વિક સ્વરૂપે આ કેન્દ્રમાં આયોજન થઈ શકે છે. અહીં 1200 લોકોને બેસવાની વ્યવસ્થા ધરાવતો હોલ અને સંમેલન કેન્દ્ર પણ છે, પાર્કિંગ સુવિધા પણ છે અને દિવ્યાંગજન માટે વિશેષ વ્યવસ્થા છે. આ જ રીતે છેલ્લાં 6થી 7 વર્ષમાં બનારસ હસ્તકળા અને શિલ્પને પણ પ્રોત્સાહન આપવા, કલાકારોને મજબૂત કરવાની દિશામાં ઘણું કામ થયું છે. એનાથી બનારસી સિલ્ક અને બનારસી શિલ્પને ફરી એક નવી ઓળખ મળી રહી છે. અહીં વેપારવાણિજ્ય સાથે સંબંધિત પ્રવૃત્તિઓ પણ વધી રહી છે. રુદ્રાક્ષ આ પ્રવૃત્તિઓને આગળ વધારવામાં મદદ કરશે. આ માળખાનો ઉપયોગ અનેક રીતે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં થઈ શકે છે.
સાથીદારો,
ભગવાન વિશ્વનાથે પોતે જ કહ્યું છે -
सर्व क्षेत्रेषु भूपृष्ठे काशी क्षेत्रम् च मे वपुः।
અર્થાત્ સંપૂર્ણ કાશી ક્ષેત્ર મારું જ સ્વરૂપ છે. કાશી સાક્ષિત શિવ છે. અત્યારે જ્યારે છેલ્લાં 7 વર્ષોમાં આટલી બધી વિકાસલક્ષી યોજનાઓથી કાશીનો શૃંગાર થઈ રહ્યો છે, ત્યારે આ શૃંગાર રુદ્રાક્ષ વિના કેવી રીતે પૂરો થઈ શકે? જ્યારે આ રુદ્રાક્ષ કાશીએ ધારણ કરી લીધો છે, ત્યારે કાશીનો વિકાસ વધુ થશે અને કાશીની શોભમાં વધારો થશે. હવે આ કાશીવાસીઓની જવાબદારી છે, હું તમને બધાને વિશેષ આગ્રહ પણ કરું છું કે, રુદ્રાક્ષની શક્તિનો પૂર્ણ ઉપયોગ તમારે કરવાનો છે.
કાશીના સાંસ્કૃતિક સૌંદર્યને, કાશીની પ્રતિભાઓને આ સેન્ટર સાથે જોડાવાની છે. જ્યારે તમે આ દિશામાં કામ કરશો, ત્યારે તમે કાશીની સાથે સંપૂર્ણ દેશ અને દુનિયાને પણ તમારી સાથે જોડશો. જેમ જેમ આ સેન્ટર સક્રિય થશે, તેમ તેમ ભારત અને જાપાન વચ્ચેના સંબંધોને પણ દુનિયામાં એક નવી ઓળખ મળશે. મને પૂરો વિશ્વાસ છે કે,
મહાદેવજીના આશીર્વાદથી આગામી દિવસોમાં આ સેન્ટર કાશીની એક નવી ઓળખ બની જશે, કાશીના વિકાસને નવી ગતિ આપશે. આ જ શુભકામનાઓ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. હું એક વાર ફરી જાપાન સરકારનો, જાપાનના પ્રધાનમંત્રીજીનો વિશેષ આભાર માનું છું અને બાબાને આ જ પ્રાર્થના કરું છું કે તમને બધાને સ્વસ્થ રાખે, ખુશ રાખે, સજાગ રાખે. કોરોનાની તમામ આચારસંહિતાઓનું પાલન કરવાની ટેવ જાળવી રાખજો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર!