આ પ્રસંગે બિહારના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, અહીંના પરિશ્રમી મુખ્યમંત્રી શ્રી નીતિશકુમારજી, આપણા વિદેશ મંત્રી શ્રી એસ. જયશંકરજી, વિદેશ રાજ્યમંત્રી શ્રી પબિત્રાજી, જુદા જુદા દેશો મહાનુભાવો, રાજદૂતો, નાલંદા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સહકર્મીઓ!
મેં ત્રીજી મુદત માટે શપથ લીધા પછી, પહેલા 10 દિવસમાં જ મને નાલંદાની મુલાકાત લેવાની તક મળી છે. આ મારું સદ્ભાગ્ય છે, હું આને ભારતની વિકાસ યાત્રા માટે એક સારા શુકનના રૂપમાં જોઉં છું. નાલંદા, આ માત્ર નામ નથી. નાલંદા એક ઓળખ છે, સન્માનની વાત છે. નાલંદા એક મૂલ્ય છે, નાલંદા મંત્ર છે, ગૌરવ છે, ગાથા છે. નાલંદા એ આ સત્યની ઘોષણા છે, આગની જ્વાળાઓમાં પુસ્તકોલ ભલે સળગી જાય પરંતુ જ્વાળાઓ જ્ઞાનને મિટાવી શકતી નથી. નાલંદાના વિનાશે ભારતને અંધકારથી ભરી દીધું હતું. હવે તેની પુન:સ્થાપના ભારતના સુવર્ણ યુગની શરૂઆત કરવા જઈ રહી છે.
મિત્રો,
પોતાના પ્રાચીન અવશેષો નજીક નાલંદાની નવજાગૃતિ, આ નવું કેમ્પસ, તે વિશ્વને ભારતની ક્ષમતાનો પરિચય આપશે. નાલંદા જણાવશે – જે રાષ્ટ્ર, મજબૂત માનવ મૂલ્યો પર ઊભા રહે છે, તે રાષ્ટ્ર ઇતિહાસને પુનર્જીવિત કરીને વધુ સારા ભવિષ્ય માટે પાયો નાખી શકે છે. અને સાથીઓ- નાલંદા એ માત્ર ભારતના ભૂતકાળની નવજાગૃતિ નથી. તેમાં વિશ્વના, એશિયાના અનેક દેશોની વિરાસત જોડાયેલી છે. એક યુનિવર્સિટી કેમ્પસના ઉદઘાટનમાં આટલા બધા દેશોની હાજરી, આ પોતાનામાં જ અભૂતપૂર્વ છે. નાલંદા વિશ્વવિદ્યાલયના પુનર્નિર્માણમાં આપણાં સાથી દેશોની ભાગીદારી પણ રહી છે. હું આ પ્રસંગે ભારતના તમામ મૈત્રીપૂર્ણ દેશોને, તમારા બધાંને અભિનંદન આપું છું. હું બિહારના લોકોને પણ અભિનંદન આપું છું. બિહાર પોતાના ગૌરવને પરત લાવવા માટે જે રીતે વિકાસની રાહ પર આગળ વધી રહ્યું છે, નાલંદાનું આ કેમ્પસ તેની એક પ્રેરણારૂપ છે.
મિત્રો,
આપણે બધા જાણીએ છીએ કે નાલંદા એક સમયે ભારતની પરંપરા અને ઓળખનું જીવંત કેન્દ્ર હતું. નાલંદાનો અર્થ છે - 'ન અલમ દાદાતિ ઇતિ 'નાલંદા' એટલે કે જ્યાં શિક્ષણ અને જ્ઞાનના દાનનો અવિરત પ્રવાહ હોય છે. શિક્ષણને લઈને ભારતની આ વિચારસરણી છે. શિક્ષણ સીમાઓથી પર છે, નફા અને નુકસાનના પરિપ્રેક્ષ્યની પણ બહાર છે. શિક્ષણ આપણને ઘડે છે, વિચારો આપે છે અને આકાર આપે છે. પ્રાચીન નાલંદામાં, બાળકોનો પ્રવેશ તેમની ઓળખ અથવા રાષ્ટ્રીયતાના આધારે કરવામાં આવતો ન હતો. દરેક દેશ અને દરેક વર્ગના યુવાનો અહીં આવતા હતા. નાલંદા યુનિવર્સિટીના આ નવા કેમ્પસમાં આપણે એ જ પ્રાચીન પ્રણાલીને ફરીથી આધુનિક સ્વરૂપમાં મજબૂત કરવી પડશે. અને મને એ જોઈને આનંદ થાય છે કે વિશ્વના ઘણા દેશોમાંથી વિદ્યાર્થીઓ અહીં આવવા લાગ્યા છે. અહીં નાલંદામાં 20થી વધુ દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વસુધૈવ કુટુમ્બકમની ભાવનાનું કેટલું સુંદર પ્રતીક છે.
મિત્રો,
મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં નાલંદા યુનિવર્સિટી ફરી એકવાર આપણા સાંસ્કૃતિક આદાન-પ્રદાનનું મુખ્ય કેન્દ્ર બનશે. અહીં ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની કલાકૃતિઓના દસ્તાવેજીકરણનું ઘણું કામ થઈ રહ્યું છે. અહીં કોમન આર્કાઇવલ રિસોર્સ સેન્ટરની પણ સ્થાપના કરવામાં આવી છે. નાલંદા યુનિવર્સિટી આસિયાન-ઈન્ડિયા યુનિવર્સિટી નેટવર્ક બનાવવાની દિશામાં પણ કામ કરી રહી છે. આટલા ઓછા સમયમાં અનેક અગ્રણી વૈશ્વિક સંસ્થાઓ અહીં એકત્ર થઈ છે. એવા સમયે જ્યારે 21મી સદીને એશિયાની સદી કહેવામાં આવી રહી છે - આપણા આ સંયુક્ત પ્રયાસો આપણી સામાન્ય પ્રગતિને નવી ઉર્જા આપશે.
મિત્રો,
ભારતમાં, શિક્ષણને માનવતામાં આપણા યોગદાનનું માધ્યમ માનવામાં આવે છે. આપણે શીખીએ છીએ, જેથી આપણે આપણા જ્ઞાનથી માનવતાનું ભલું કરી શકીએ. તમે જુઓ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માત્ર બે દિવસ પછી 21મી જૂને છે. આજે ભારતમાં યોગની સેંકડો શૈલીઓ અસ્તિત્વમાં છે. આપણા ઋષિઓએ આ માટે કેટલું સઘન સંશોધન કર્યું હશે! પરંતુ, યોગ પર કોઈએ ઈજારો નથી બનાવ્યો. આજે સમગ્ર વિશ્વ યોગને અપનાવી રહ્યું છે, યોગ દિવસ એક વૈશ્વિક તહેવાર બની ગયો છે. અમે અમારા આયુર્વેદને પણ આખી દુનિયા સાથે શેર કર્યું છે. આજે આયુર્વેદને સ્વસ્થ જીવનના સ્ત્રોત તરીકે જોવામાં આવે છે. ટકાઉ જીવનશૈલી અને ટકાઉ વિકાસનું બીજું ઉદાહરણ આપણી સામે છે. ભારત સદીઓથી એક સ્થિરતાના મોડેલ તરીકે જીવીને દેખાડ્યું છે. આપણે પ્રગતિ અને પર્યાવરણને સાથે લઈને ચાલીએ છીએ. એ અનુભવોના આધારે ભારતે વિશ્વને મિશન લાઈફ જેવી માનવતાવાદી દ્રષ્ટિ આપી છે. આજે ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ જેવા પ્લેટફોર્મ સુરક્ષિત ભવિષ્યની આશા બની રહ્યા છે. નાલંદા યુનિવર્સિટીનું આ કેમ્પસ પણ આ ભાવનાને આગળ વહન કરે છે. દેશમાં આ પ્રકારનું પહેલું કેમ્પસ છે, જે નેટ ઝીરો એનર્જી, નેટ ઝીરો એમિશન, નેટ ઝીરો વોટર અને નેટ ઝીરો વેસ્ટ મોડલ પર કામ કરશે. અપ્પ દીપો ભવ: ના મંત્રને અનુસરીને, આ કેમ્પસ સમગ્ર માનવતાને નવો માર્ગ બતાવશે.
મિત્રો,
જ્યારે શિક્ષણનો વિકાસ થાય છે ત્યારે અર્થતંત્ર અને સંસ્કૃતિના મૂળ પણ મજબૂત બને છે. જો આપણે વિકસિત દેશો પર નજર કરીએ, તો આપણે જોશું કે તેઓ જ્યારે શિક્ષણના આગેવાન બન્યા ત્યારે જ તેઓ આર્થિક અને સાંસ્કૃતિક નેતાઓ બન્યા. આજે વિશ્વભરના વિદ્યાર્થીઓ અને તેજસ્વી મગજ તે દેશોમાં જઈને ત્યાં અભ્યાસ કરવા માંગે છે. એક સમયે નાલંદા અને વિક્રમશિલા જેવા સ્થળોએ પણ આવી જ સ્થિતિ રહેતી હતી. તેથી, તે માત્ર સંયોગ નથી કે જ્યારે ભારત શિક્ષણમાં આગળ હતું ત્યારે તેની આર્થિક ક્ષમતા પણ નવી ઊંચાઈએ હતી. કોઈપણ રાષ્ટ્રના વિકાસ માટે આ મૂળભૂત રોડમેપ છે. એટલા માટે 2047 સુધીમાં વિકાસ કરવાના લક્ષ્ય પર કામ કરી રહેલું ભારત આ માટે તેના શિક્ષણ ક્ષેત્રને નવજીવન આપી રહ્યું છે. મારું મિશન છે કે ભારત વિશ્વ માટે શિક્ષણ અને જ્ઞાનનું કેન્દ્ર બને. મારું મિશન વિશ્વના સૌથી અગ્રણી જ્ઞાન કેન્દ્ર તરીકે ફરી ઉભરી આવવાનું છે. અને આ માટે ભારત આજે તેના વિદ્યાર્થીઓને નાનપણથી જ નવીનતાની ભાવના સાથે જોડી રહ્યું છે. આજે, એક કરોડથી વધુ બાળકો અટલ ટિંકરિંગ લેબ્સમાં નવીનતમ તકનીકના સંપર્કનો લાભ મેળવી રહ્યાં છે. બીજી તરફ, ચંદ્રયાન અને ગગનયાન જેવા મિશન વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ વધારી રહ્યા છે. ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે ભારતે એક દાયકા પહેલા સ્ટાર્ટઅપ ઈન્ડિયા મિશનની શરૂઆત કરી હતી. તે સમયે દેશમાં માત્ર થોડાક સો સ્ટાર્ટ-અપ હતા. પરંતુ આજે ભારતમાં 1 લાખ 30 હજારથી વધુ સ્ટાર્ટ-અપ્સ છે. પહેલાની સરખામણીમાં આજે ભારતમાંથી રેકોર્ડ પેટન્ટ ફાઈલ થઈ રહી છે અને રિસર્ચ પેપર પ્રકાશિત થઈ રહ્યા છે. સંશોધન અને નવીનતા માટે આપણાં યુવા સંશોધકોને મહત્તમ તકો આપવા પર અમારો ભાર છે. આ માટે સરકારે 1 લાખ કરોડ રૂપિયાનું રિસર્ચ ફંડ બનાવવાની પણ જાહેરાત કરી છે.
મિત્રો,
અમારો પ્રયાસ એ છે કે ભારત પાસે વિશ્વની સૌથી વધુ વ્યાપક અને સંપૂર્ણ કૌશલ્ય પ્રણાલી હોવી જોઈએ, ભારતમાં વિશ્વની સૌથી અદ્યતન સંશોધનલક્ષી ઉચ્ચ શિક્ષણ પ્રણાલી હોવી જોઈએ, આ તમામ પ્રયાસોના પરિણામો પણ દેખાઈ રહ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, ભારતીય યુનિવર્સિટીઓએ વૈશ્વિક રેન્કિંગમાં પહેલાં કરતાં ઘણું સારું પ્રદર્શન કરવાનું શરૂ કર્યું છે. 10 વર્ષ પહેલા, QS રેન્કિંગમાં ભારતમાં માત્ર 9 શૈક્ષણિક સંસ્થાઓ હતી. આજે તેમની સંખ્યા વધીને 46 થઈ ગઈ છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન ઈમ્પેક્ટ રેન્કિંગ પણ થોડા દિવસો પહેલા આવ્યું હતું. થોડા વર્ષો પહેલા સુધી આ રેન્કિંગમાં ભારતમાંથી માત્ર 13 સંસ્થાઓ હતી. હવે આ ગ્લોબલ ઈમ્પેક્ટ રેન્કિંગમાં ભારતની લગભગ 100 શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ભારતમાં દર અઠવાડિયે સરેરાશ એક યુનિવર્સિટી બનાવવામાં આવી છે. ભારતમાં દરરોજ એક નવી ITI સ્થપાય છે. દર ત્રીજા દિવસે અટલ ટિંકરિંગ લેબ ખોલવામાં આવી છે. ભારતમાં દરરોજ બે નવી કોલેજો બને છે. આજે દેશમાં 23 IIT છે. 10 વર્ષ પહેલા 13 IIM હતા, આજે આ સંખ્યા 21 છે. 10 વર્ષ પહેલાની સરખામણીમાં આજે લગભગ ત્રણ ગણી વધુ AIIMS છે એટલે કે 22. મેડિકલ કોલેજોની સંખ્યા પણ 10 વર્ષમાં લગભગ બમણી થઈ ગઈ છે. આજે ભારતના શિક્ષણ ક્ષેત્રે મોટા સુધારાઓ થઈ રહ્યા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ ભારતના યુવાનોના સપનાઓને નવું વિસ્તરણ આપ્યું છે. ભારતીય યુનિવર્સિટીઓએ પણ વિદેશી યુનિવર્સિટીઓ સાથે સહયોગ કરવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત, 'ડીકોન અને વોલોન્ગોંગ' જેવી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ પણ ભારતમાં તેમના કેમ્પસ ખોલી રહી છે. આ તમામ પ્રયાસોને કારણે ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે ભારતની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. તેના કારણે આપણો મધ્યમ વર્ગ પણ બચત કરી રહ્યો છે.
મિત્રો,
આજે, આપણી અગ્રણી સંસ્થાઓના કેમ્પસ વિદેશોમાં ખુલી રહ્યા છે. IIT દિલ્હીનું કેમ્પસ આ વર્ષે અબુ ધાબીમાં ખુલ્યું. તાંઝાનિયામાં પણ IIT મદ્રાસ કેમ્પસ શરૂ થયું છે. અને ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ વૈશ્વિક સ્તરે જવાની આ માત્ર શરૂઆત છે. અત્યારે તો નાલંદા યુનિવર્સિટી જેવી સંસ્થાઓને પણ દુનિયાના ખૂણે ખૂણે પહોંચવાની છે.
મિત્રો,
આજે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે, ભારતના યુવાનો પર છે. વિશ્વ બુદ્ધના આ દેશ સાથે, લોકશાહીની જનની સાથે ખભે ખભા મિલાવીને ચાલવા માંગે છે. તમે જુઓ, જ્યારે ભારત કહે છે – એક પૃથ્વી, એક કુટુંબ અને એક ભવિષ્ય – વિશ્વ તેની સાથે ઊભું છે. જ્યારે ભારત કહે છે - એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રીડ - ત્યારે વિશ્વ તેને ભવિષ્યની દિશા માને છે. જ્યારે ભારત કહે છે - એક પૃથ્વી એક સ્વાસ્થ્ય - વિશ્વ તેને માન આપે છે અને સ્વીકારે છે. નાલંદાની આ ભૂમિ વિશ્વ ભાઈચારાની આ લાગણીને નવો આયામ આપી શકે છે. તેથી નાલંદાના વિદ્યાર્થીઓની જવાબદારી વધુ મોટી છે. તમે ભારત અને સમગ્ર વિશ્વનું ભવિષ્ય છો. અમૃતકાલના આ 25 વર્ષ ભારતના યુવાનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નાલંદા યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થી માટે આ 25 વર્ષ એટલા જ મહત્વપૂર્ણ છે. અહીંથી નીકળ્યા પછી તમે જે પણ વિસ્તારમાં જાવ ત્યાં તમારે તમારી યુનિવર્સિટીના માનવીય મૂલ્યોની મહોર જોવી જોઈએ. તમારા લોગોનો સંદેશ હંમેશા યાદ રાખો. તમે લોકો તેને નાલંદા વે કહો છો ને? માણસ સાથે માણસની સંવાદિતા, પ્રકૃતિ સાથે માણસની સંવાદિતા, તમારા લોગોનો આધાર છે. તમે તમારા શિક્ષકો પાસેથી શીખો, પણ એકબીજા પાસેથી શીખવાનો પ્રયાસ કરો. જિજ્ઞાસુ બનો, હિંમતવાન બનો અને સૌથી ઉપર દયાળુ બનો. સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે તમારા જ્ઞાનનો ઉપયોગ કરો. તમારા જ્ઞાનથી વધુ સારું ભવિષ્ય બનાવો. નાલંદાનું ગૌરવ, આપણા ભારતનું ગૌરવ, તમારી સફળતા દ્વારા નક્કી કરવામાં આવશે. હું માનું છું કે તમારું જ્ઞાન સમગ્ર માનવતાને દિશા પ્રદાન કરશે. મને વિશ્વાસ છે કે આપણા યુવાનો આવનારા સમયમાં સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરશે, મને વિશ્વાસ છે કે નાલંદા વૈશ્વિક ઉદ્દેશ્યનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.
આ ઇચ્છા સાથે, હું મારા હૃદયથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને નીતીશજીએ સરકાર તરફથી સંપૂર્ણ મદદ માટે જે કોલ આપ્યો છે તેનું હું સ્વાગત કરું છું. ભારત સરકાર પણ આ વિચારયાત્રામાં જે ઉર્જા આપી શકે તેમાં ક્યારેય પાછળ રહેશે નહીં. આ જ ભાવના સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર!